Thursday, June 18, 2009

સિંહોની સેકસભૂખ વધી, સંવનનનું ઋતુચક્ર તૂટયું.

Dilip Raval, Amreli
Thursday, June 18, 2009 02:22 [IST]
આવનારો સમય ગીર અભયારણ્યમાં વસવાટ કરતા સાવજો માટે માદકતાનો માહોલ લઈને આવી રહ્યો છે. ચોમાસામાં અને ખાસ કરીને ભાદરવો માસ જંગલના રાજા માટે સંવનનનો આદર્શ સમય ગણાય છે. આ સમયે સિંહ-સિંહણને ઉન્માદ ચરમસીમા પર હોય છે. સિંહણ ગર્ભ ધારણ કરે છે અને ૨૯૯થી ૩૦૦ દિવસ પછી બચ્ચાંને જન્મ આપે છે.

પરંતુ પાછલા એક દાયકામાં ગીરનું પ્રકત્તિચક્ર ડિસ્ર્ટબ થઈ ગયું છે તેની અસર સિંહ-સિંહણ પર પણ પડી છે. હવે માત્ર ભાદરવો નહીં પણ વર્ષના ગમે તે સમયે કામૂક સિંહ-સિંહણો સંવનન કરતા નજરે પડે છે અને બચ્ચાંનો જન્મ પણ વર્ષમાં ગમે ત્યારે થાય છે. એકંદરે કહી શકાય કે ગીરના સાવજો સંવનનનાં મુદે્ કુદરતના ક્રમને ચાતરી રહ્યાં છે.

એશિયાટીક લાયનની સંવનનની ઋતુ પ્રભાવિત થઈ હોવાનું નિષ્ણાતો પણ સ્વીકારી રહ્યા છે. પાછલા વર્ષોમાં આ વિસ્તારમાં અસાધારણ વરસાદ પડયો છે. ગરમી પણ અસાધારણ પડી છે. સંરક્ષણને કારણે ગીરની ઘટતા પણ વધી છે. એક સમયે સૂકા જંગલની વાવ્યમાં આવતું ગીર હવે ભેજયુકત બન્યું છે. જંગલી વૃક્ષોમાં આવતા ફળ-ફુલનું ઋતુચક્ર પણ પ્રભાવિત થયું છે.

દરિયાઈ પાણીની ખારાશ ગીરના કાંઠા સુધી પહોંચી છે. એક દાયકામાં જંગલની બહાર નીકળી ગયેલા સાવજોએ મેદાની ઈલાકાને રહેઠાણ તરીકે સ્વીકારી લીધો છે.જંગલના રાજાએ બદલાતી પ્રકત્તિ સાથે પોતાને એડજસ્ટ કર્યા છે. પરંતુ તેનાલીધે અન્ય ઘણા પરિવર્તનનો પણ આવ્યા છે. તેમાંનું એક પરિવર્તન સાવજોના સંવનન કાળને લગતું પણ છે.

ધારીના પ્રકત્તિ નિષ્ણાત ડો. મનુભાઈ ભરાડ જણાવે છે કે, સાચી રીતે સિંહોનો આદર્શ સંવનનકાળ ૨૧ ઓગસ્ટથી ૧૯ સપ્ટેમ્બર વચ્ચે હોય છે, જે રીતે કૂતરાંઓ માટે ભાદરવો મહિનો સંવનનકાળ ગણાય છે તેવું જ સાવજનું પણ છે. આ સિવાયના સમયે પણ જો સિંહ વધુ પડતો રોમેન્ટીક હોય અને સિંહણ તૈયાર હોય તો બન્નો સંવનન કરે છે.

પરંતુ એ હકીકત છે આવું અપવાદરૂપ કિસ્સામાં બનતું હોય છે. જયારે પાછલા થોડા સમયથી સિંહ-સિંહણને મેટિંગના સમાચાર વર્ષમાં ગમે ત્યારે આવે છે. કુદરતનો ક્રમ આ વન્યપ્રાણીઓ ચાતરી રહ્યા છે. વર્ષમાં કોઈપણ સમયે સંવનની ઘટના પ્રમાણમાં વધી રહી છે. આ વાત ચોક્કસપણે અસાધારણ છે.

જંગલખાતાના એક કર્મચારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, વરસાદ હોય કે, શિયાળો હોય કે ઉનાળો સિંહ-સિંહણના સંવનનના ખબર અમારી પાસે ગમે ત્યારે આવી પડે છે. જે અમારા માટે પણ નવાઈની વાત છે.

સિંહો અંગે ગીર જંગલમાં અનેક પ્રકારનું સંશોધન ચાલી રહ્યું છે પરંતુ તેના સંવનનકાળમાં થઈ રહેલા આ ફેરફાર અંગે ઉચ્ચ અધિકારીઓ પણ કયારેય ઘ્યાન આપતા નથી. ખરેખર તો દરેક સિંહનું લોકેશન કર્મચારીઓને ખબર હોય છે. તેમના સંવનનનાં સમયની વ્યવસ્થિત નોંધ થાય. બચ્ચાંના જન્મ વિગેરે બાબતોને ઘ્યાનમાં રાખી આ ફેરફાર અંગે વ્યવસ્થિત અભ્યાસની આવશ્યકતા છે.

અમરેલીના જાણીતા પર્યાવરણવિદ્ જિતેન્દ્ર તળાવિયા કહે છે ગ્લોબલ વોિર્મંગની અસર પ્રકત્તિ પર પડી છે. વાતાવરણ ડહોળાયું છે. તેની અસર વનરાજોની જીવનશૈલી પર પણ પડી છે. વસંતઋતુ કામ પદા કરે છે. તેથી આ સઝિનમાં પણ સિંહ-સિંહણ ઘોરામાં આવી જાય છે. પરિણામે વર્ષના ચોમાસા સવિાયના દિવસોમાં પણતેઓ સેકસ ભોગવતા નજરે પડે છે. વળી સિંહોની સંખ્યા પણ વધી હોવાથી આવુ વધારે લાગી રહ્યું છે.

અલબત્ત ગીર પૂર્વના ડીએફઓ મુનિશ્વર રાજાના મત મુજબ પ્રકત્તિના નિયમોમાં જાજા ફેરફારને અવકાશ નથી. પ્રકત્તિ તેનું કામ કરતી રહે છે. વૈજ્ઞાનિક દ્દષ્ટિકોણથી હું નહીં શકુ કે મોટાપાયે આવો કોઈ ફેરફાર થઈ રહ્યો છે.

જીવનશૈલીના ફેરફારોનો અભ્યાસ જરૂરી

ગીર નેચર યૂથ કલબના પ્રમુખ અમિત જેઠવા કહે છે ચોક્કસપણે સિંહોની જીવનશૈલીમાં આ પ્રકારનો ફેરફાર જોવા મળી રહ્યો છે. ગીરના જંગલને અનેક બાબતોએ પ્રભાવિત કર્યું છે. પ્રકત્તિનો ખો નીકળી રહ્યો છે ત્યારે પ્રકત્તિના એકભાગ સમા સાવજ તેનાથી કઈ રીતે બાકાત રહી શકે? આ દિશામાં ખરેખર તો એક અભ્યાસ શરૂ કરવાની જરૂર છે.

એક વાત ચોક્કસ છે કે, જંગલખાતાના અધિકારીઓ પ્રકત્તિના નિયમો જરૂર જાણે છે તેમાં થઈ રહેલા ફેરફારો પણ જાણે છે પરંતુ આ ફેરફારના કારણે થઈરહેલી અસરોનો અભ્યાસ કરવાની દિશામાં તે વિચારતા પણનથી. ખરેખર તો વૈજ્ઞાનિક અભિગમ સાથે અભ્યાસની જરૂરી છે.

Source: http://www.divyabhaskar.co.in/2009/06/18/0906180226_courtship_lions.html

ધારીના મોણવેલની સીમમાં એક-બે નહીં આઠ-આઠ સિંહબાળ : લોકોના ટોળેટોળાં.

Bhaskar News, Amreli
Thursday, June 18, 2009 02:17 [IST
ગીરના જંગલમાં આ વર્ષે આસામાન્ય સંખ્યામાં બાળસિંહો જોવા મળતાં હોવાના દિવ્ય ભાસ્કરમાં પ્રસઘ્ધિ થયેલા અહેવાલને સમર્થન મળતું હોય તેમ બગસરા નજીક આવેલ ધારી તાલુકાના મોણવેલ ગામે બે સિંહણ અને એક સિંહ સાથે આઠ-આઠ બાળ સાવજોએ વસવાટ કર્યોછે.

ધારી તાલુકાના મોણવેલ ગામથી વેકરિયા ગામ તરફ જતાં રસ્તા નજીકની સીમમાં ઉગાબાપુની વાડી પાસે બે સિંહણ અને એક સાવજે છેલ્લા ઘણા સમયથી વસવાટ કર્યોહતો. આ બન્નો સિંહણોએ એ જ સ્થળે આઠ બચ્ચાને જન્મ આપ્યો હતો. અત્યારે એ બચ્ચાઓની ઉમર એક થી દોઢ માસ જેવી જણાય છે.

આ વિસ્તારના ખેડૂતોના જણાવ્યા મુજબ પહેલા દસ બચ્ચા હતા પરંતુ અત્યારે તેમાંથી બે ગાયબ છે. આ સંજોગોમાં વનખાતું તપાસ કરે અને બાળ સાવજોને રક્ષણ આપે તે જરૂરી છે. અત્યારે તો સિંહદર્શન માટે એ સ્થળે ટોળે-ટોળાં ઊમટી રહ્યા છે.

Source: http://www.divyabhaskar.co.in/2009/06/18/0906180221_eight_lion_cub_born_in_dhari.html

Wednesday, June 17, 2009

રણકાંઠામાં અભ્યારણ્ય વિભાગના વ્યાપક દરોડા.

Bhaskar News, Patadi
Wednesday, June 17, 2009 02:51 [IST]

શિકારીઓ દ્વારા રણકાંઠાની સીમમાં રાતના અંધારામાં નીલગાય સહિતના પ્રાણીઓનો બેરોકટોક શિકાર થતો હોવા અંગે તા. ૧૫ જૂને ‘દિવ્ય ભાસ્કર’માં અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. આ અહેવાલ બાદ અભ્યારણ્ય વિભાગની ટીમો દ્વારા રણકાંઠાના ગામડાઓમાં વ્યાપક દરોડાઓ પાડવામાં આવ્યાં હતા.

આ કાર્યવાહીથી જંગલી પ્રાણીઓનો ગેરકાયદે શિકાર કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. પાટડીના રણકાંઠાના અભ્યારણ્ય વિસ્તારમાં ઘૂડખર, નીલગાય, કાળિયાર, ચીંકારા, વરુ સહિતના પ્રાણીઓ જોવા મળે છે. ત્યારે રણકાંઠામાં રાતના અંધારામાં પ્રાણીઓનો શિકાર મોટા પ્રમાણમાં થતો હોવાની સાથે આ પ્રાણીઓનું માંસના વેચાણ કરવા અંગેના નેટવર્ક અંગે ગત ૧૫ જૂને દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો.

આ બાદ અભ્યારણ્ય વિભાગની ટીમો દ્વારા પાટડીના ફતેપુર, રોઝવા સહિતના ગામમાં દરોડાઓ પાડી તપાસના ચક્રો ગતિમાન કરાતા જંગલી પ્રાણીઓનો ગેરકાયદે શિકાર કરતા શખ્સોમાં ફફડાટ ફેલાયો છે. દિવ્ય ભાસ્કરના અહેવાલના પગલે અભ્યારણ્ય વિભાગની ટીમે દરોડાઓ પાડી સરપંચ સહિતના ગામ આગેવાનોના જવાબો લેવાનું શરૂ કર્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/2009/06/17/0906170251_battle_field_meant_dipartment_robbery.html

ધારી પાસેથી ત્રણ વન્યપ્રાણીના મૃતદેહ મળી આવતાં ખળભળાટ

Bhaskar News, Dhari
Tuesday, June 16, 2009 02:23 [IST]

વનતંત્ર અજાણ : શિકારનું મસમોટું કૌભાંડ ચાલતું હોવાની આશંકા

ધારી નજીક સરસિયા રેન્જના કાળીટીંબા વિસ્તારમાંથી આજે ત્રણ વન્યપ્રાણીઓના કોહવાઇ ગયેલા મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મૃતદેહો એ હદે કોહવાઇ ગયા છે કે, તે પ્રાણી રોઝ છે કે ચિંકારા તે અંગે પણ નક્કી નથી થઇ શકયું. આઘાતજનક વાત એ છે કે, આ સ્થળે આ મૃતદેહો ૧૫-૧૫ દિવસથી પડયા હોવા છતાં વનખાતાને તેની જાણ સુઘ્ધા નથી.

આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં નીલગાય ગુમ થયાની ચર્ચા વરચે શિકારનું મોટું કૌભાંડ ચાલી રહ્યાંની આશંકા છે. પ્રાપ્ત વિગતો મુજબ ધારી નજીક રામબાગ વિસ્તારની બાજુમાં કુબડા ગામ નજીક ધારી બીટની સરસિયા રેન્જમાં કાળીટીંબા વિસ્તારમાં ત્રણ વન્યપ્રાણીના મૃતદેહ છેલ્લા ૧૫ દિવસથી સબડે છે.

માત્ર હાંડપિંજર જ વઘ્યા હોવાથી આ પ્રાણીઓની ઓળખ થઇ શકી નથી. પત્રકારોએ આજે એ સ્થળની મુલાકાત લીધી ત્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં વન્યપ્રાણીઓની શિકારની પ્રવૃત્તિ ચાલતી હોય એવી ભેદી ગતિવિધિઓ અનેક વખત નજરે ચડી છે. થોડા સમય પહેલાં પણ એક ચિંકારું અને ત્રણ નીલગાયના મૃતદેહ મળી આવ્યા હતા. પરંતુ એ ઘટના ઉપર વનવિભાગે પડદો પાડી દીધો હતો.

આજે પ્રકાશમાં આવેલી ઘટનામાં પણ વનતંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાઇ આવી હતી. ૧૫-૧૫ દિવસ સુધી મૃતદેહો પડ્યાં રહ્યાં અને હાડપિંજરો કોહવાઇ ગયા છતાં વનવિભાગ ત્યાં પહોંચી કેમ ન શકયું તે મુદ્દો તપાસ માગી લે છે. આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં અગાઉ અનેક ચિંકારા અને નીલગાય નજરે પડતા હતા.

પરંતુ છેલ્લા ઘણા સમયથી એ પ્રાણીઓની સંખ્યા ઘણી ઓછી થઇ ગઇ છે. આ પ્રાણીઓનો શિકાર થઇ ગયો હોઇ તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. આજે મળેલા મૃતદેહોના પોસ્ટમોટર્મ બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે. પણ જો સરસિયા રેન્જ હેઠળના વન્યપ્રાણીની વસતી ગણતરી કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

Source: http://www.divyabhaskar.co.in/2009/06/16/0906160226_belonging_forest_animal_deadbody_meet_agitation.html

પાટડીના રણ વિસ્તારમાં જંગલી પ્રાણીઓનો બેરોકટોક શિકાર

Manish Pareek
Monday, June 15, 2009 01:17 [IST]

પાટડી તાલુકાના રણકાંઠાના અભિયારણ્ય વિસ્તારમાં ઘૂડખર, નીલગાય, કાળીયાર, ચીંકારા અને વરૂ સહિતના પ્રાણીઓ જોવા મળે છે. ત્યારે રણકાંઠા વિસ્તારમાં રાતના અંધારામાં પ્રાણીઓનો શિકાર મોટા પ્રમાણમાં થતો હોવાની ચોંકાવનારી હકિકતો મળી છે. જેમાં નીલગાયનું માંસ આજુબાજુના વિસ્તાર સહિત છેક બહારના રાજયો સુધી પહોંચાડવા વિવિધ ગેંગો સક્રિય થઇ હોવાનુ જાણવા મળે છે.

૪૯૫૩.૭૦ ચો. કિ.મી. વિસ્તારમાં ફેલાયેલુ ઘૂડખર અભિયારણ્ય ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટુ અભિયારણ્ય છે. વન વિભાગ દ્વારા કરાયેલી ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ નીલગાયની કુલ સંખ્યા ૭૭૩૩૮ નોંધાયેલી છે. ત્યારે રણકાંઠા વિસ્તારમાં રાતના અંધારામાં શિકારીઓ દ્વારા નીલગાય સહિતના જંગલી પ્રાણીઓનો મોટાપાયે શિકાર કરાતો હોવાની ચોંકાવનારી માહિતી મળી છે.

બહારથી આવતા શિકારીઓ એક પ્રાણીનો શિકાર કરવા માત્ર રૂપિયા ૧૦ થી ૧૫ના દારૂ ગોળાનો જ ખર્ચ છે. જયારે વિવિધ પ્રાણીઓનું માંસ રૂપિયા ૪૦ પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જેમાં નીલગાયનું માંસ આજુબાજુના વિસ્તાર સહિત બહારના રાજયો સુધી પહોંચાડાતુ હોવાની પણ ચોંકાવનારી હકિકતો બહાર આવી છે.

નીલગાય પોતાના ક્ષેત્રમાં દરરોજ એક જ જગ્યાએ લીંડીઓ કરે છે. આથી શિકારીઓ તેની લીંડીઓના નિશાનને આધારે રાતના અંધારામાં રણકાંઠાની સીમમાં છટકુ ગોઠવી આ નીલગાયને ભડાકે દઇ તેનો શિકાર કરે છે.

રણકાંઠાના ફતેપુર, રોઝવા સહિતના આખા પટ્ટાના ગામોમાં રાતના અંધારામાં જંગલી પ્રાણીઓનો બેરોકટોક શિકાર થાય છે. અભિયારણ્ય વિસ્તારમાં જંગલી પ્રાણીઓનો શિકાર કરવામાં આવે તો વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ ધારા-૧૯૭૨ની ૨૦૦૩ના સુધારા સાથેની કલમ(૯) મુજબ કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી જેલની સજા સુધીની જોગવાઇ છે.

જતવાડ પંથકમાં ખૂલ્લેઆમ ધમધમતા કતલખાના

પાટડી પોલીસ દ્વારા રાજપર, ગેડીયા, શેડલા અને ખેરવા સહિતના ગામોની સીમમાં બાવળની આડ પાછળ ધમધમતા કતલખાનાનો પદાફાશ થયો હતો. હજારો કિલો માંસ મટનના જથ્થા અને જીવતા બળદો સાથે આરોપીઓને ઝબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આવા કિસ્સાઓમાં પકડાયેલા આરોપી અને વાહનો કોર્ટમાં દંડ ભરી તુરંત જ છૂટી જતા હોવાથી જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.

આ અંગે તંત્ર શું કહે છે.?

આ અંગે બજાણા અભિયારણ્ય વિભાગના આરએફઓ પી.એસ.મોદીએ જણાવ્યુ કે, આ અંગે કોઇ વ્યકિત દ્વારા અમને બાતમી આપવામાં આવે તો તેનું નામ ગુપ્ત રાખી અમો તાત્કાલીક શિકારીઓને ઝબ્બે કરીશુ. પરંતુ હજુ સુધી આવી કોઇ ફરિયાદ અમારા સુધી આવી નથી.

Source:http://www.divyabhaskar.co.in/2009/06/15/0906150118_wild_animal_killed_in_patadi.html

સાવજોની સંખ્યામાં મોટો વધારો નોંધાવાની સંભાવના.

Jayesh Godhiya, Una
Wednesday, June 17, 2009 02:53 [IST]

સાવજ પ્રેમીઓ ખુશખુશાલ થઈ જાય એવા મોજ પડી જાય એવા સમાચાર છે. ગીરના ગૌરવસમા કેસરી સાવજોની સંખ્યા વધી રહી છે. આ વર્ષે સિંહણોના આંગણે મોટીસંખ્યામાં પારણા બંધાયા છે. ગીર અભયારણ્યના જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર આજના દિવસે જંગલમાં ઓછામાં ઓછા ૧૨૫ સિંહબાળો ઊવાઊવા કરી રહ્યાં છે.

એમાંથી મોટી સંખ્યાના ટાબરિયાંઓ સર્વાઈવ કરી શકે એ તબક્કો વટાવી ચૂકયા છે. હવે જો બધું સાનુકૂળ રહે તો આવતા વર્ષે થનારી વસ્તી ગણતરી સમયે સાવજોની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાવાની મંગલમય સંભાવના ઊભરી આવી છે. સિંહના જીવનશૈલીના અભ્યાસોના જણાવ્યા મુજબ એક સિંહણ સરેરાશ બે બરચાંને જન્મ આપે છે. જો કે સિંહબાળોનો મૃત્યુદર મોટો હોય છે.

સાવજો પોતપોતાના જુથોમાં રહે છે. બરચાંના જન્મ બાદ જો એ જુથમાં અન્ય સિંહનું આગમન થાય તો એ સિંહ બાળસિંહોને મારી નાખ્યું છે. ગીર અભયારણ્યમાં ખુલ્લા કૂવાઓમાં પડી જવાને કારણે પણ સાવજ બાલુડાઓ મૃત્યુ પામે છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે પાણીભરાઈ જાય અથવા તો નદી-નાળા ક્રોસ કરતી વેળાએ બાળ સાવજો જો અટવાઈપડે અને એવા સંજોગોમાં જો બરચાંઓ એની જનેતાથી બે-ત્રણ દિવસ અલગ રહે તો એનું આયખું ટૂંકાઈ જાય છે.

આ એક કુદરતી ક્રમ છે. જૂનાગઢના કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ શર્માએ આપેલા આંકડા મુજબ ૨૦૦૧થી અત્યાર સુધીમાં ત્રીસ સાવજોના ખુલ્લા કૂવામાં પડી જતાં મૃત્યુ થયા છે. સન ૨૦૦૫થી ૨૦૦૯ સુધીમાં ૧૪૪ સાવજો કુદરતી મૃત્યુ પામ્યા છે. દર વર્ષે કુલ સંખ્યાના ૮થી ૧૦ ટકા સાવજો મૃત્યુ પામે છે.

ગયા વર્ષે સૌથી વધારે એટલે કે ૫૫ સાવજોના મોત થયા હતા. સાવજોનો વૃઘ્ધિ દર દર વર્ષે સરેરાશ દોઢથી બે ટકાનો રહ્યો છે. પણ, આ વખતે પરિસ્થિતિ પલટી છે. વનખાતાના સાવજપ્રેમી કર્મચારીઓ અને અધિકારીઓના ચહેરા ખુશખુશાલ છે. કારણ એ છે કે, અત્યારે ગીરના જંગલમાં મોટી સંખ્યામાં હટ્ટા, કટ્ટા બાળ સાવજો ધીંગા મસ્તી કરી રહ્યાં છે. વનખાતાના વિશ્વાસપાત્ર વર્તુળોના જણાવ્યા મુજબ ૧૨૦થી ૧૨૫ બરચાં ધીમે ધીમે પુખ્ત થવા તરફ આગળ વધી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અત્યારે અનેક સાવજ જુથોમાં બબ્બે-ચાર-ચાર ટાબરિયાં નજરે પડે છે. ઊના નજીકના ઊગલા વિસ્તારમાં એક જુથમાં છ સિંહણો છે અને એ સિંહણો સાથે બે-ચાર નહીં પણ ૧૪-૧૪ બરચાં માસૂમ ડણકો લગાવે છે.

જંગલ ખાતાના જાણકાર વર્તુળો માને છે કે, એક સાથે આટલા બધા બરચાં હયાત હોય એ વાત થોડી આશ્ચર્જનક અને થોડીક અસામાન્ય લાગે છે. આ ઘટના થાળી વગાડીને મોં મીઠાં કરાવવા જેવી છે. હવે પછીની વસ્તી ગણતરી ૨૦૧૦માં થશે ત્યારે સિંહની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાવાની સંભાવના છે.

એક સિંહણ શિકાર કરે, બીજી બરચાંઓને સાચવે

સિંહણો માતૃત્વની અતિ પ્રચંડ ભાવના ધરાવે છે. બરચાં અઢી વર્ષના થાય ત્યાં સુધી સિંહણ એને પોતાનાથી અલગ નથી થવા દેતી. સિંહણો માત્ર પોતાના બરચાંનું જ લાલન પાલન કરે છે એવું નથી. સાવજો જુથમાં રહે છે. દરેક જુથમાં બેથી સાત જેટલી સિંહણો હોય છે.

આ બધી સિંહણો એ જુથના તમામ બાળ સાવજોનું રક્ષણ કરે છે. ત્યાં સુધી કે જો કોઈ સિંહણ શિકાર માટે દૂર ગઈ હોય અથવા તો કોઈપણ કારણોસર એનું મૃત્યુ થયું હોય તો એ સંજોગોમાં એના બરચાંને અન્ય સિંહણો પોતાનું દૂધ પણ પીવડાવે છે. શિકારની વેળા આવે ત્યારે કેટલીક સિંહણો એ ફરજ બજાવે છે અને બાકીની સિંહણો જુથના બધા બરચાંને સાચવવાની જવાબદારી ઊઠાવી લે છે.

આવતા વર્ષે સિંહ ગણતરી થશે

ગીરમાં દર પાંચ વર્ષે સિંહ ગણતરી કરવામાં આવે છે. છેલ્લે સન-૨૦૦૫માં ગણતરી થઈ હતી. એ સમયે ૮૯ સિંહ, ૧૨૪ સિંહણ, ૭૨ સબ એડલ્ટ અને ૭૪ સિંહ બાળ સહિત કુલ સ્કોર ૩૫૯નો થયો હતો. આવતા વર્ષે થનારી ગણતરીમાં આ આંકડો કેટલા પહોંચે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.

વનખાતાની મહેનત રંગ લાવી

ગીર અભયારણ્યમાં સાવજોના શિકારની ઘટના પ્રકાશમાં આવી ત્યારે વનખાતા ઉપર માછલાં ધોવવામાં કાંઈ બાકી નહોતું રહ્યું. પણ, આ જ વનખાતાએ લીધેલા કડક પગલાંને કારણે વન્ય જીવસૃષ્ટિ વધુ સલામત અને સમૃઘ્ધ બની છે. છેલ્લા ઘણા સમયથી જંગલના પ્રતિબંધિત વિસ્તારમાં માણસોની ગેરકાયદે આવનજાવનને વનતંત્રે કડક હાથે અટકાવી છે.

પરિણામે વન્ય જીવો હવે ખલેલમુકત પ્રાકતિક જીવન ભોગવી શકે છે. આ પગલાંને કારણે કેટલાક સંભવિત ઘાતક પરિણામો પણ અટકયા છે. સિંહબાળોની વસ્તી વધી એના માટે થોડોક યશ વનખાતાને પણ આપવો ઘટે.

સાવજોનો મેટિંગ પિરિયડ શરૂ થઈ રહ્યો છે

સામાન્ય રીતે જૂનથી ઓકટોબર સુધીનો સમયગાળો સિંહનો મેટિંગ પિરિયડ ગણાય છે. ડાલમથ્થો એ સમયમાં રોમેન્ટિક બની જાય છે. સિંહણો મદધેલી બને છે. ચોમાસાના પ્રારંભે વનના સૂકા વૃક્ષો કૂમળું લીલુંછમ પાનેતર ઓઢવા લાગે અને આકાશે જળસભર વાદલડીઓ અડિંગો જમાવે એ સાથે જ આખી પ્રકત્તિ કામજવરથી પ્રભાવિત બને છે. જંગલના પશુ, પંખીઓ પ્રેમી ગીતો ગાવા થનગનવા લાગે છે અને સાવજોનો ઉન્માદ ચરમસીમાએ પહોંચે છે.

Source: http://www.divyabhaskar.co.in/2009/06/17/0906170254_lion_reminiscences_registion_likelihood.html