Saturday, May 22, 2010

‘..અને જોયું તો મારા પગ પાસે જ એક કદાવર સિંહણ..’ Sanat Shodhan


(Divyabhaskar)
‘..અને જોયું તો મારા પગ પાસે જ એક કદાવર સિંહણ..’
Sanat Shodhan
ગુજરાતમાં સિંહની વસતી ગણતરી સંપન્ન થઇ ગઇ અને ૪૧૧ સિંહ હોવાનું ગૌરવભેર જાહેર પણ કરાયું. સિંહની વસતીગણતરી વખતે સતત સાથે રહેલા ભારતના ખ્યાતનામ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર સનત શોધનને થયેલા રોમાંચક અનુભવોની વાત, એમના જ શબ્દોમાં…
આજથી દસ વર્ષ પહેલાં સરિસ્કાના જંગલમાં વાઘની ગણતરી વખતે પૂનમની રાત્રે વાઘ સાથે એક રોમાંચક અનુભવ થયેલો. દસ વર્ષ પછી ક્યારેય ભૂલાય નહીં અને ફરી ક્યારેય થાય નહીં એવો દિલધડક અનુભવ સિંહ ગણતરી વખતે સાસણ ગીરમાં થયો. આ વર્ષે જંગલખાતા તરફથી ૨૪થી ૨૭ એપ્રિલ, ૨૦૧૦ દરમિયાન ફોટોગ્રાફી તથા આધુનિક જીપીએસની મદદથી સિંહની વસતી ગણતરીનું આયોજન કરાયું હતું. નાયબ વન્ય સંરક્ષક સંદીપકુમાર સાહેબે ખૂબ મહેનત કરીને ૧૫૦૦ જેટલા સ્વયંસેવકો માટે બધી જ જાતની સુંદર વ્યવસ્થા કરેલી. ચાર દિવસ ચાલનારી સિંહની ગણતરીમાં સતત જંગલમાં રહીને જીપમાં કે ચાલીને કપરું અને જોખમી કામ કરવાનું હતું.
મારા કમરના દુ:ખાવાને લીધે જરા વિચારમાં પડ્યો કે આ કપરું કામ કેમ પાર પડશે? બીજી જ ક્ષણે થયું કે હવે પછીની ગણતરી પાંચ વર્ષે થશે, ત્યારે તો હું સિત્તેર વટાવી ચૂક્યો હોઇશ અને એમાં ભાગ લેવાનું કદાચ શક્ય ન પણ બને. મેં મનમાં ગાંઠ વાળી: ગમે તે થાય, પણ આ વખતે ગણતરીમાં ભાગ લેવો જ છે. આ મક્કમ નિર્ધાર સાથે મેં ગણતરીમાં ભાગ લીધો. તા. ૨૪ એપ્રિલના દિવસે બપોરે બે વાગ્યાથી શરૂ કરીને બીજા દિવસની બપોરના બે વાગ્યા સુધીના ૨૪ કલાકમાં અમે અગિયાર સિંહ જોયા અને તેની નોંધણી કરી.
૨૬મી તારીખે બપોરે બે વાગે ફરી દેવિળયા ઝોનમાં નીકળ્યા. તરત જ અમે પાંચ સિંહનું ટોળું જોયું. એક સિંહ, બે સિંહણ અને બે બચ્ચાં. ત્યારપછી દર થોડા સમયે અમને સિંહ મળતા રહ્યાં. રાત્રે આઠ વાગે બાબરા ચોકી પાસે દસ સિંહોની પલટન જોવાનો અનેરો લહાવો મળ્યો. જીવનમાં જવલ્લે જ જોવા મળતી સિંહોની આવી કતારનો મન ભરીને આનંદ લૂંટ્યો.
ત્યાંથી નીકળી અમે દોઢ કલાકે ખાંડણીધાર પહોંચ્યા. ત્યાં પહોંચતાની સાથે જ અમે જંગલમાં અંદરની બાજુએ બે સિંહ બેઠેલા જોયા. ઝાડી વચ્ચે બેઠેલા સિંહના ફોટા પાડ્યા પણ જો સિંહ બહાર આવે તો ફોટા પાડવાની વધુ મજા આવે, તે વિચારે અમે થોડે આગળ કાબુડી નાકા પાસે ગયા. ત્યાં બે ચોકીદારો એક પથરાળ ટેકરી ઉપર ઊભા હતા. અમે ટેકરી ચઢી તેમની પાસે ગયા. ટેકરી પાસે જ સિંહ અને બીજા જંગલી જાનવરો માટે પીવાના પાણીના કુંડ હતા.
પેલા બે સિંહ નજીકમાં જ હતા. બંને સિંહોના હાકોટા અને ગર્જનાઓના અવાજ, જંગલની નિરવ શાંતિને ચીરીને દૂર દૂર સુધી સંભળાતા હતા. વાતાવરણમાં પણ એક અકલ્પ્ય ભય તરતો હતો. અનુભવે ચોકીદારોને વિશ્વાસ હતો કે સિંહો પાણી પીવા જરૂર આવશે. અમે તેમની સાથે રોકાયા. અમારા ઉત્સાહી કાટારાસાહેબ આજુબાજુ બીજા સિંહો ક્યાં છે તે શોધવા નીકળી પડ્યા. જેમ જેમ રાત વધતી હતી તેમ તેમ પવનના સુસવાટા અને ઠંડી વધતી હતી.
સાથે સાથે ઝાકળ પડવાનું પણ શરૂ થયું. જંગલની ટાઢ તો જેણે અનુભવી હોય એ જ કહી શકે! વાતાવરણ ખૂબ ઠંડું, ચંદ્રના પ્રકાશમાં ઝળહળતું અને આજુબાજુથી આવતા ચિતલ, સાંબરના ધ્રુજારીભર્યા એલાર્મકોલથી ખૂબ જ રોમાંચક બની ગયેલું. મધરાત બાદ લગભગ અઢી વાગે પેલા બે સિંહ પાણી પીવા આવ્યા. તેમની જીભના પાણી પીવાના અવાજે અમને સૌને ચેતવ્યા. સૌ મીટ માંડીને ચંદ્રના પ્રકાશમાં બંને સિંહોને નિરખતા રહ્યા. થોડીવારે બંને સિંહો પાણી પીને ચાલ્યા ગયા. સૌને હાશ થઇ! આખો દિવસ જંગલમાં ફર્યાના થાકે સૌનો કબ્જો લઇ લીધો. ઊંઘ ન જુએ ઓટલો એમ વિચારીને સૌએ પથ્થરો પર લંબાવવા વિચાર્યું. અહીં જ મારા જીવનનો એક અનન્ય અનુભવ મારી રાહ જોતો હતો…
મને થયું કે જ્યારે ચારેબાજુ સિંહ હોવાની શક્યતા છે તો બધાએ એકસાથે સુવું યોગ્ય નથી જ. મેં કહ્યું ‘તમે સૌ સુઇ જાઓ, હું જાગતો બેઠો છું.’ અમારી સાથેના બે જણ અને ચોકીદારો સૌ સુઇ ગયા. હું બેઠો રહ્યો. કલાક થયો..જંગલ પણ જાણે અંધારાની ચાદર ઓઢીને સૂઇ ગયું હતું. સિંહોની ગર્જના પણ બંધ થઇ હતી. ચિતલ, સાંબરના એલાર્મકોલ્સ પણ બંધ થયેલા. મનેય બે ઘડી ઊંઘ ખેંચી લેવાની ઇચ્છા થઇ આવી.
મન ના પાડતું હતું, પરંતુ શરીર તો હિસાબ માગે ને! હું આડો પડ્યો અને મારી આંખ મળી ગઇ. લગભગ ૧૫થી ૨૦ મિનિટ થઇ હશે અને મારી તંદ્રામાં એક ન કલ્પી શકાય એવો ભાસ થયો કે મારી સામે કોઇ ઊભું છે અને મને ટગરટગર જોયા કરે છે. મેં તરત જ આંખો ખોલી, માથું ઊંચું કર્યું અને જોયું તો મારી સામે, મારા પગ પાસે, મને એકીટસે જોતી એક કદાવર સિંહણ…ધ્રાસકો પડ્યો, હવે શું કરું? પણ ધીરજ ગુમાવી નહીં.
માથું જમીન ઉપર પાછું ટેકવી દીધું. સ્તબ્ધ થઇને પડી રહ્યો. હું અને સિંહણ એકીટસે એકબીજાને જોતાં રહ્યાં. સેકન્ડો કલાકો જેવી લાગવા માંડી. મનમાં થયું કે પ્રભુ આ સિંહણને અહીંથી ખસેડે તો આજુબાજુના લોકોને ઉઠાડું. ભયાનક બીકની સાથે સિંહણને આટલે નજીકથી જોવાનો લહાવો પણ મળ્યો. પ્રભુએ મારી વિનંતી સાંભળી, ને થોડી ક્ષણોમાં સિંહણ ખસીને અમારી બાજુમાં જઇ ઊભી રહી.
મેં હિંમત કરી બાજુમાં સૂતેલા મુકેશભાઇ મહેતાને ધીમેથી કહ્યું, ‘ઊઠો સિંહણ બાજુમાં ઊભી છે.’ પછી ખસીને ચોકીદારને ઉઠાડ્યો અને અમે સૌ પલકારામાં બેઠા થઇ ગયા. ઊભેલી સિંહણને જોઇ રહ્યા અને સાથે સાથે આગળ પાછળ નજર કરી તો બીજી બે સિંહણ અમારી પાછળ થોડે છેટે ઊભેલી. ચોકીદારોની સૂઝ અને અમુક ઢબના અવાજથી પાસે ઊભેલી સિંહણ ચાલીને બીજી સિંહણો સાથે ભેગી મળીને જંગલમાં ચાલી ગઇ.
જંગલમાં જતાં જ ત્રણે સિંહણોએ હાકોટા કરવાની શરૂઆત કરી. આ સાંભળી ચોકીદારે કહ્યું, ‘આપણે સૌ સાથે જ ઊભા રહો. આ સિંહણો પેલા સિંહોને બોલાવે છે અને હમણાં જ સિંહ છલાંગ મારતાં દોડીને સિંહણો પાસે આવી જશે. અને ખરેખર એવું જ થયું! અમે દંગ થઇ જોઇ જ રહ્યા. પલકારામાં પાંચેય સિંહ-સિંહણ જંગલમાં અદ્રશ્ય થયાં.
આ કુદરતની કમાલ અને પ્રભુએ આપેલી આ અકલ્પ્ય યાદગાર ભેટ જિંદગીભર નહીં ભૂલાય! મારા ભાઇ પ્રણવને મેં આ પ્રસંગ વર્ણવ્યો ત્યારે તેણે એક જ વાત કહી કે ‘તારા કુદરત અને વન્ય પ્રાણીઓ પ્રત્યેના અખૂટ પ્રેમને વધાવવા પ્રભુએ તને આશીર્વાદ આપવા આ સિંહણને તારી પાસે મોકલી હશે.’ આવા જિંદગીભરનું ભાથું બને એવા રોમાંચક અનુભવો સાથે એક સાથે ચોત્રીસ સિંહો જોવાનો લહાવો પણ મળ્યો.‘
shodhansj@yahoo.co.in
Source: http://nimpanchal.wordpress.com/2010/05/12/%E2%80%98-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%97-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87/

પ્રેયસીને પામવા બે સિંહોની ઈન ફાઈટમાં એક સિંહ ઘાયલ થયો.


May 13,2010
ધારી તા.૧૩
ધારીના છેવાડાના રાજપરા રેન્જમાં એક સિંહની પ્રણયલીલામાં ભંગ પાડવા અન્ય સિંહ આવતા બે સિંહોંની ઈનફાઈટમાં એક સિંહ બૂરી રીતે ઘાયલ થતાં સાસણ વેટરનરી હોસ્પિટલનાં તબીબે તાબડતોબ સારવાર આપી ફરી સિંહને ફરી વનમાં વિચરતો કરી દીધો હતો.
વાઈલ્ડ લાઈફમાં બનેલા રસપ્રદ બનાવની વધુ વિગત મુજબ રાજપરા રાઉન્ડમાં એક સિંહ અને એની પ્રિયતમા પ્રણયલીલામાં મસ્ત હતા. સામાન્ય રીતે આ સિઝનમાં સિંહ અને સિંહણ બન્ને પોતાની જોડી બનાવી લે છે. એ વખતે બીજો સિંહ એમની નવી પ્રિયતમાની શોધમાં હતો. જે આવી ચડતાં એને જોઈને પ્રેમમાં ગળાડૂબ સિંહે એને ખદેડી મૂકવા ઘૂરકિયાં શરૃ કરી દીધા હતા. આમ છતાં સિંહ ન ખસતા સિંહાની ઈનફાઈટ થઈ હતી. આંગતૂક સિંહ બૂરી રીતે ઘાયલ થયો હતો. બરાબર આ જ સમયે વનવિભાગના કર્મચારી પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. એને ખબર પડતા ઘાયલ થયેલા સિંહની સારવાર કરવા માટે વ્યવસ્થા કરી હતી. જંગલમાં જ સાસણના વેટરનરી ડોકટરને બોલાવીને સારવાર આપી હતી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=186565

“સિંહ”

સિંહ વિષે બધી લોકોક્તિઓ સાચી હોતી નથી.મેં નેશનલ જીયોગ્રાફી અને ડીસ્કવરી ચેનલ્સ પર સિંહો ના ફેમીલી લાઈફ અને જીવન વિષે ઘણું જોયું છે.ગીર માં એક લોકવાયકા છે કે ગોવિંદો નામનો સિંહ એની જોડીદાર સિંહણ મરી જતા માથા પછાડી ને મરી ગયેલો.લોકકવીઓ સિંહો ને પણ છોડતા નથી. 
* સિંહ સિંહણ ની પાછળ માથા પછાડી ને મરી જાય તેવો પ્રેમી હોતો નથી.તદ્દન ખોટી વાત છે.સિંહ મરેલો શિકાર ખાતો નથી કે બીજાનો કરેલો શિકાર ખાતો નથી તે વાત પણ ખોટી છે.ખાસ તો સિંહ ના ટોળાં માં જે સિંહણો હોય છે તેજ શિકાર કરે છે.પછી સિંહ ત્યાં આવી ને બધી સિંહણો ને ભગાડી મુકે છે.પછી લહેર થી પેટ ભરીને વધેલું સિંહણો માટે છોડી દે છે.સિંહ ભાગ્યેજ શિકાર માં જોડાય છે.ભાઈ તૈયાર રોટી ખાવાવાળા છે.ટોળાં સિવાય એકલા રહેતા સિંહો ને ચોક્કસ શિકાર કરવો પડે.ટોળામાંના નર બચ્ચા મોટા થતા તગડી મુકવામાં આવે છે.ટોળાં નો માલિક  સિંહ ઘરડો થતા બીજો કોઈ જુવાન  સિંહ એની સાથે લડી એને તગડી મૂકી ને ટોળાં નો માલિક બની જાય છે.અને પહેલું કામ ટોળામાં રહેલા નાના બચ્ચાઓ ને મારી નાખવાનું કરે છે.એ બચ્ચાઓને બચાવવા એમની માં સિંહણ જીવ ના જોખમે સિંહ નો સામનો કરે છે,પણ બળવાન અને પુષ્કળ શારીરિક બળ ધરાવતા સિંહ સામે હારી જાય છે,અને નજર સામે પોતાના બચ્ચાને મારતા જોઈ રહે છે.છે ને હૃદય દ્રાવક?કુદરત  ના રાજ્ય માં NO અહિંસા. પછી એજ સિંહણ ગરમી માં આવીને પેલા સિંહ જોડે સંસર્ગ કરીને બચ્ચા જણે છે.પોતાના છોકરાવ ને મારનાર ના જોડે પ્રેમ?Any morality?There is no morality in ‘The world of Nature.
           
                   *  કેટ એટલે બિલાડી ના કુલ માંના ચાર સૌથી મોટા પ્રાણીઓમાં આ સિંહ ભાયડો આવે છે.પંથેરા લીઓ એનું વૈજ્ઞાનિક નામ છે.ઘણા સિંહ ૨૫૦ કિલો સુધીના વજન માં હોય છે.૧૦,૦૦૦ વર્ષ પહેલા સિંહ આખી  દુનિયા માં ફેલાયેલા હતા ને માનવ જાત પછી એમની વસ્તી બીજા પ્રાણીઓમાં સૌથી વધારે હતી.સિંહ સામાજિક પ્રાણી છે.જંગલ માં સતત લડતા હોવાનું હોવાથી સરેરાશ આયુષ્ય ૧૪ વર્ષ નું હોય છે,જયારે પાળેલા સિંહ મતલબ પ્રાણી બાગ માં ૨૦ વધારે વર્ષ  જીવી શકે છે.હવે ખાલી આફ્રિકા ના ઘાસિયા મેદાનો અને ગીર માં જ બચ્યા છે.છેલ્લા બે દાયકામાં લગભગ ૫૦% વસ્તી ઓછી થઇ ગઈ છે.સંસ્કૃત માં સિંહ પુંડરીકમ કહેવાય છે. સિંહ નું જૂનામાં જુનું ફોસિલ ૩૫ લાખ વર્ષ પહેલાનું મળેલું છે.ટાયગર,જેગુઆર ને લેપર્ડ એ સિંહ ના પિત્રાઈ કહેવાય.કોમન પૂર્વજ માંથી ૧૯ લાખ વર્ષ પહેલા જેગુઆર ને સિંહ છુટા પડેલા જયારે લેપર્ડ દસ લાખ ને આશરે ૨૫૦૦૦ વર્ષ પહેલા છુટા પડેલા.
 
 ૧)P.l.persica,  એશિયાટિક લાયન  એક સમયે ઈરાન,પાકિસ્તાન,ટર્કી,બાંગ્લાદેશ બધે  ફેલાયેલા હતા.હવે ગીર માં ફક્ત ૩૦૦ થી ૪૦૦ ની વચ્ચે  બચ્યા  છે.  
૨)P.l.leo,બાર્બેરી લાયન  ઈજીપ્ત ને મોરોક્કો માં હતા.બહુ વિશાલ દેહયષ્ટિ ધરાવતા હતા.૧૯૨૨ માં આ શાખાનો છેલ્લો સિંહ મોરોક્કો માં મરાયો હતો.
 ૩)P.l,senegalensis,વેસ્ટ આફ્રિકન લાયન સેનેગલ અને નાઈજીરિયા માં મળે છે.
૪)P.l,azandica નોર્થ ઈસ્ટ કોન્ગો લાયન  કોન્ગો માં મળે છે.
૫)P.l.nubica, મસાઈ લાયન  ઈથિયોપિયા,કેન્યા,તાન્ઝાનિયા,મોઝામ્બિક માં મળે છે.
૬)P.l. bleyenberghi, કતંગા લાયન  નામિબિયા,બોત્સવાના,અંગોલા,કતંગા,ઝામ્બીયા,ઝીમ્બાબ્વે માં મળે છે.
૭)P.l. krugeri, ટ્રાન્સવાલ લાયન  ટ્રાન્સવાલ અને કૃગર નેશનલ પાર્ક માં જોવા મળે છે.
૮)P.l.,nubica Tsavo સાવો લાયન કેન્યા ને સાવો નેશનલ પાર્ક માં છે.
             એક સમયે કેનેડા યુકોન વેલી થી છેક પેરુ ને શ્રીલંકા માં પણ સિંહ હતા.નર સિંહ ને માદા વાઘ એટલે વાઘણ સાથે ક્રોસ કરીને લાયઘર નામનું પ્રાણી પેદા કરેલું છે.જે ખુબ વિશાલ લગભગ ૧૦૦૦ પાઉન્ડ સુધી નું વજન ધરાવે છે.એવી રીતે સિહણ ને વાઘ વચ્ચે ક્રોસ કરીને ટાઈગોન પણ પેદા કરેલ છે.કશું કામ ના હોય તો સિંહ ૨૦ કલાક આરામ કરે છે.ભૂખ લાગે તો જ ઉભા થવાનું.સિંહ ને લગભગ  ૭ કિલો ને સિંહણ ને આશરે ૫ કિલો માંસ રોજ ખાવા જોઈએ.
Source: http://brsinh.wordpress.com/2010/04/30/%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9/

ગિરનારના જોગણીયા ડૂંગરમાં આગ, સાત એકરનું જંગલ ખાક્.

May 19,2010
જૂનાગઢ, તા.૧૯
જૂનાગઢની ગિરનાર પર્વતમાળામાં આવેલ જોગણીયા ડૂંગરમાં આજે બપોરના અરસામાં ભીષણ આગ ફાટી નિકળી હતી. આ ગ્રાઉન્ડ ફાયરને કારણે આશરે સાતેક એકર જેટલી જમીનમાં આવેલ જંગલ વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે. આગમાં કોઈ વન્ય પ્રાણીને ઈજા થયાના અહેવાલો નથી. ગિરનાર પર્વતમાળામાં આવેલ જોગણીયા ડૂંગર પર સમુદ્ર સપાટીથી આશરે એકાદ હજાર મિટરની ઉંચાઈએ આજે બપોરના બે વાગ્યાના અરસામાં અચાનક જ ભીષણ આગ ફાટી નિકળી હતી. જેની જાણ થતા જ ડી.સી.એફ. વસાવા અને એ.સી.એફ. પી.એસ.બાબરીયા તથા આર.એફ.ઓ. દિપક પંડયાની આગેવાની હેઠળ વનવિભાગનાં પ૦ કર્મીનો કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો. સાંજે સવા પાંચ વાગ્યે આગ કાબૂમાં આવી હતી. આ આગમાં આશરે સાતેક હેક્ટર જેટલો વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે. ગિરનાર જંગલનો આ વિસ્તાર સુકા ઘાંસ અને વાંસનો છે. અત્યારે પાનખરની સિઝન હોવાથી સાગના જમીન પર પડેલા સુકા પાંદડાથી આગ વધારે પ્રસરવા માંડી હતી. ઉનાળાનો સમય હોવાથી જંગલમાં લાકડા એકબીજા સાથે ઘસાવાથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આગને કારણે વન્યપ્રાણીઓને કોઈ પણ પ્રકારની નૂકશાની થઈ હોવાના અહેવાલ મળતા નથી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=188154

ગિરનાર અભયારણ્ય ૧પ૦ જાતના પ્રવાસી પક્ષીનું ‘હિલસ્ટેશન’.

May 17,2010
જૂનાગઢ, તા.૧૭
ગિરનાર અભયારણ્યનું નામ પડતા જ સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓના નિવાસસ્થાન તરીકે તેની ઓળખ જન માનસમાં અંકિત થઈ જાય છે. પરંતુ હકિકતમાં ગિરનાર અભયારણ્ય રપ૦ જેટલી પ્રજાતિના વિવિધ પક્ષીઓનું રહેઠાંણ છે જ પરંતુ આ સ્થળ ૧પ૦ જેટલા વિદેશી પક્ષીઓ માટે હિલસ્ટેશન પણ બન્યું છે. આવા પક્ષીઓ ઋતુ પ્રમાણે ગિરનાર જંગલમાં આવક જાવક કરતા હોય છે.
ગિરનાર જંગલની પક્ષી અભયારણ્ય સમાન નવી ઓળખની આ ઉજ્જવળ દિશા છે. ૧૮પ ચો.કિ.મી. વિસ્તારમાં પથરાયેલ ગિરનારમાં અત્યારે ર૪ સિંહો અને ૭પ જેટલા દીપડાનો વસવાટ છે. વિવિધ પ્રકારની વનસ્પતિઓથી ભરપૂર એવા ગિરનારમાં મોટાભાગના પ્રવાસીઓ આવા પ્રાણીઓ જોવાની ઈચ્છા જ રાખતા હોય છે. પરંતુ ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે ગિરનાર જંગલમાં પક્ષી અભયારણ્ય બનવાની પણ પૂરી ક્ષમતા છે. જૂદી જૂદી ઋતુઓ દરમિયાન અહી ૧પ૦ જેટલી જાતોના પ્રવાસી પક્ષીઓનું આવન જાવન રહે છે. જેમા ભારતભરમાંથી તેમજ વિદેશી પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. પ્રવાસી પક્ષીઓમાં મુખ્યત્વે દૂધરાજ, ચાસ, દિવાળી ઘોડા, નવરંગ વગેરેનો સમાવેશ થાય છે. જે ગિરનારમાં આવીને કેટલોક સમય સુધી રહીને પરત જતાં રહે છે.
પક્ષીઓમાં મુખ્યત્વે માખીમાર, પાણીમાં વસતા અને શિકારી એમ ત્રણ પ્રકાર હોય છે. ગિરનાર જંગલમાં રપ૦ જેટલી જાતોના પક્ષીઓનો કાયમી વસવાટ પણ છે. બુલબુલ, પોપટ, તૂઈ, કાગડા, કોયલ, ત્રણ પ્રકારના ગીધ, ત્રણ પ્રકારના કાંકણસાર, દશરથીયું, ઘુવડ, સમડી, બાઝ, ચોટલીયો, કલકલીયો, તેતર, બગલા, લીલુ કબુતર, ચકલી વગેરે પક્ષીઓની વિવિધ પ્રજાતિઓનો સમાવેશ થાય છે.પક્ષી અભયારણ્યની દિશામાં ગિરનાર જંગલનો વિકાસ કરવામાં આવે અને તંત્ર દ્વારા આ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો ગિરનાર જંગલની વધારાની નવી એક ઓળખ પણ પ્રસ્થાપિત થઈ શકે છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=187520

ગીરના સાવજ ઊભો રે’જે.

Vidyut Joshi, Samudra-Manthan-
First Published 01:04 AM [IST](22/05/2010)
Last Updated 1:33 AM [IST](22/05/2010)
જો ગીરનાં જંગલમાંથી માલધારીઓને ખસેડી લઈશું તો ગીરનાં જંગલ અને સક્કર બાગ ઝૂ વચ્ચે કોઈ ફર્ક નહીં રહે. ટુરિઝમ વધશે, પણ ગીરની સંસ્કૃતિ નાશ પામશે.
Gir Lion stay itએશિયન સિંહો હવે માત્ર ગુજરાતમાં જ બચ્યાં છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગિરનાર અભયારણ્ય, પોરબંદર, જૂનાગઢ, અમરેલીનો સમુદ્રતટ વિસ્તાર, પાણિયા, મિતિયાળા તથા નજીકના અન્ય વિસ્તારોમા થઈને ૯૭ સિંહ અને ૧૬૨ સિંહણ તથા બાકીનાં બચ્ચાં સાથે કુલ સંખ્યા ૪૧૧ની થાય છે. આમાં ૭૭ તો માત્ર એક વર્ષ સુધીનાં બચ્ચાં છે. એશિયન સિંહોની વસતી માત્ર ગુજરાતમાં જ બચી છે અને વૃદ્ધિ પામતી રહી છે તેનો યશ કોઈનેય આપવો ઘટે તો જંગલ, જન અને જનાવરનાં સહ- અસ્તિત્વને જ આપી શકાય.
જૂનાગઢના નવાબી રાજ્ય સમયે સિંહની ઘટતી વસતીથી ચિંતિત નવાબે સિંહના શિકાર પર પ્રતબિંધ મૂક્યો ત્યારથી ગુજરાતમાં સિંહની વસતી સતત વધતી રહી છે. તે પહેલાં રાજા-મહારાજાઓમાં સિંહનો શિકાર કરવો તે શૌર્યનું પ્રતીક ગણાતું. સિંહને મારનારા રાજાઓનાં સંતાનો આજે પર્યાવરણવાદી થઈ ગયા છે. આ પર્યાવરણવાદીઓ અને સરકારનું જંગલ ખાતું સિંહને બચાવવા માટે જંગલમાં રહેતા માનવીઓને જંગલની બહાર કાઢવા માગે છે.
તાજેતરમાં જ ગીરના જંગલના નેસમાં રહેતા એક્સો માલધારી અથવા પશુપાલક કુટુંબોને ગીરની બહાર વસાવવાની યોજના અમલી બની રહી હોવાની વાત આવી છે. ગીર અભયારણ્યમાંથી આ માલધારીઓને બહાર વસાવવાની સરકારનાં પર્યાવરણ અને વન ખાતાંની આ યોજના સિંહોને બચાવવાના વ્યાપક પ્રકલ્પનો એક ભાગ છે. એક માલધારીને બહાર વસાવવાનો ખર્ચ લગભગ દસ લાખ આવશે તેવો અંદાજ છે.
જ્યારે જ્યારે સિંહોને બચાવવાની વાત આવે છે ત્યારે ત્યારે ગીર અને નજીકનાં જંગલોમાંથી માણસોને બહાર કાઢવાની વાત આવે છે. અહીં પાયાનો સવાલ એ ઉપસ્થિત થાય છે કે એશિયન સિંહો આજે ક્યાંય ન બચતાં માત્ર સૌરાષ્ટ્રમાં જ બચ્યા અને તેમની વસતી તથા વિસ્તાર સતત વધતો ગયો તેવું શી રીતે બન્યું? ભારતમાં વાઘ બચાવવા ખાસ પ્રકલ્પ બનાવ્યો હોવા છતાં વાઘની વસતી ચિંતાજનક રીતે ઘટતી ગઈ છે, તેની સામે આવા કોઈ ખાસ પ્રયાસો વિના સૌરાષ્ટ્રમાં સિંહોની વસતી કઈ રીતે વધી તેનો ખાસ વિચાર કરવો પડે.
આ સવાલ એવી સમગ્ર ઇકો સિસ્ટમનો છે જેમાં જંગલ, જલસ્રોત, હિંસક પશુ, પાલતુ પશુ, પક્ષીઓ અને માણસો પરસ્પરાધારિત જીવન ગુજારે છે. આ પરસ્પરાધારિત જીવન વ્યવસ્થાએ ગીરની એક સંસ્કૃતિ ઊભી કરી છે. જો માણસો તથા તેમનાં પાલતુ પશુઓને આ ઇકો સિસ્ટમમાંથી ખસેડી લઈશું તો ગીરનાં જંગલ અને સક્કર બાગ ઝૂ વચ્ચે કોઈ ફર્ક નહીં રહે. ટુરિઝમ વધશે, ગીરની સંસ્કૃતિ નાશ પામશે.
શું છે ગીરની કુદરતી ઇકો સિસ્ટમ? ગીરનાં જંગલમાં અત્યારે સિંહ ઉપરાંત દીપડા, ઝરખ, શિયાળ, મોટી સંખ્યામાં નીલ ગાય, ધરા અને તળાવોમાં મગર અને માછલાં, વાંદરા, મોરથી માંડીને દેવચકલી સુધીનાં પક્ષીઓ, માલધારીના લગભગ ચાલીસ જેટલા નેસ, તેમનાં પાલતુ પશુઓ (મુખ્યત્વે ગાય અને ભેંસ), તેમના રખેવાળ કૂતરાઓ, નેસમાં ચારણ-રબારી-ભરવાડ અને કાઠી, લગભગ ૧૫૦ જેટલાં ધર્મસ્થાનો જેમાં આશ્રમો, મઠો, સ્થાનકો, મંદિરો અખાડા તથા તપ કરતા અઘોરી બાવાઓ પણ છે.
૧૯૭૨થી ૭૪ ગુજરાતમાં દુકાળ પડતાં ગીરની બહાર રહેતાં કેટલાક માલધારીઓ પોતાનો માલ લઈને ગીરમાં ઊતરી ગયા. સણોસરાની લોકભારતી સંસ્થાની ગૌશાળા બહુ સારી. તે ગાયો લઈને ભટ બાપા (નરેન્દ્ર ભટ્ટ) ગીરમાં ચાલ્યા ગયા. દુકાળ ઊતરતાં પાછા આવ્યા ત્યારે પૂછ્યું, ‘તમને ખુલ્લામાં સિંહનો ડર નહોતો લાગતો?’ ‘ના રે, સાવજ માણહને નો મારે. અટકચાળું કરો તો જ પરચો બતાવે.
રસ્તે ઊભો હોય તો તરીને (બાજુમાંથી) હાલ્યા જવાનું.’ ‘પણ ગાયોનું શું?’ ‘આખલા અને મજબૂત ગાયો કુંડાળું બનાવે. વચમાં વાછરડાં અને નબળી ગાયો રહે. સાવજ આવી ચડે તો આખલા ને મજબૂત ગાયો ઈને મારી ભગાડે.’ ‘તમે સિંહને નો મારો?’ ‘સાવજને નો મરાય, ઈ જંગલનો રાજા કહેવાય. અમે ગાયું બચાવા ગીરમાં ગ્યા’તા, સાવજ મારવા નહીં.’ આ છે માણસ, પાલતુ પશુ અને સિંહનો કુદરતી સંબંધ.
નેસમાં ચારણો ભેંસો રાખે. રબારી તથા ભરવાડ મુખ્યત્વે ગાયો રાખે. સિંહ ક્યારેક નબળાં, અપંગ કે વૃદ્ધ પ્રાણીનો શિકાર કરી પણ લે. આની સામે માલધારીઓ સિંહોને મારી ન નાખે. કડિયાળી ડાંગથી સામનો કરી ભગાડી દે. રાતના અંધારામાં સિંહની ડણક સંભળાય તો ‘કૂત્તો લાગે છે’ કહી લોકો સાવધ થઈ જાય. યાદ કરો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું ‘ચારણકન્યા’ કાવ્ય. કેવી હતી આ નેસમાં રહેનારી ચારણકન્યા?
આવા ચાલીસેક નેસોમાં પાડાપાણી નેસ, કુટિયા નેસ, કાંટિયા નેસ, લીલાપાણ નેસ તથા દેવલિયા નેસ મુખ્ય છે. દેવલિયા નેસની જગ્યા સિંહદર્શન માટે જાણીતી છે.એનો અર્થ એ નથી કે ગીરમાં પ્રશ્નો નથી. ગીરનાં ચરિયાણો પર ખાનગી કબજા મોટા પ્રમાણમાં થવા લાગ્યા છે. લાડુવાળો હાથ પોતાના મોઢાં તરફ વળે તેમ કેટલાક લોકોએ સત્તાનો ઉપયોગ કરી જમીન કબજે કરી છે. આથી માલધારીઓના માલને અને નીલગાયને ઘાસની તંગી પડવા લાગી છે.
ગીરની ઇકોલોજીને માલધારીઓ અને બાવા-સાધુ કરતાં આવા જમીન માફિયાઓ વધુ નુકસાન કરે છે. જંગલની જમીન ઓછી થતી જાય છે અને સિંહ વધતા જાય છે, તેથી મારણ માટે સિંહો ક્યારેક સીમાડા પરનાં ગામોમાં પ્રવેશે છે. આજની રીતે જોઈએ તો ગીરમાં ૩૦૦થી વધુ સિંહો સમાઈ શકે તેમ નથી.
માલધારીઓએ નેસમાં રહેવું કે જંગલની બહાર આવવું તેનો નિર્ણય માલધારીએ લેવાનો છે. તેમનાં સંતાનો ભણશે તો શિક્ષણ મુજબની રોજગારી શોધવા આપો આપ મેંદરડા, જૂનાગઢ કે વિસાવદરમાં આવશે. વિકાસની સહજ પ્રક્રિયા થાય તે જરૂરી છે.જેમની પાસે સત્તા આવે છે તેમના પર્યાવરણના ખ્યાલો સત્તાથી દૂષિત થાય છે. મેકિયાવેલીએ કહ્યું હતું, ‘પાવર કરપ્ટ્સ એન્ડ એબ્સોલ્યુટ પાવર ટેન્ડ્ઝ ટુ કરપ્ટ એબ્સોલ્યુટલી.’
vidyutj@gmail.com

ગીરનું અભ્યારણ...

ગીરનું અભ્યારણ

P.R

આમ તો આખા ભારતમાં ઘણી જગ્યાએ સિંહ જોવા મળી જાય છે પરંતુ ગીરનું અભ્યારણ એશિયામાં ખુબ જ પ્રખ્યાત છે જે ગુજરાતમાં આવેલ છે. આજકાલ પ્રાણીઓને જોવા માટે ઝૂમાં જવું પડે છે. કેમકે લોકોના શિકારને લીધે દિવસે દિવસે તેમની સંખ્યા સતત ઘટતી જાય છે. પરંતુ ગીરનાં અભ્યારણમાં પ્રાણીઓને ખુબ જ સરળતાથી જોઈ શકાય છે. તેઓ ત્યાં પ્રાકૃતિક આશ્રયસ્થાનમાં રહે છે તેથી તેમને ત્યાં તેમના સહપરિવાર સાથે અને તેમના પ્રાકૃતિક અંદાજમાં જોઈ શકાય છે. પહેલાં ગીરની અંદર સિંહોનો વધું પ્રમાણમાં શિકાર થવાને લીધે માત્ર 15 જ સિંહ બચ્યાં હતાં તેથી જૂનાગઢના નવાબે તેમનું રક્ષણ કરવાની સલાહ આપી હતી પરંતુ તે માટેના પગલાં ખુબ જ મોડા ભરવામાં આવ્યાં હતાં.

P.R

ગીરમાં ચિત્તાની સંખ્યા પણ ખુબ જ વધું પ્રમાણમાં છે. ભારતમાં અન્ય અભ્યારણો કરતાં અહીંયા ચિત્તાની સંખ્યા વધારે છે. ગીરની અંદર સાબર, હરણ, કાળીયાર, નીલગાય, શિયાળ, વાંદરા વગેરે જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. પ્રાણીઓની સાથે સાથે પક્ષીઓની પણ કેટલીયે જાતો જોવા મળે છે. ગીર એક એવું અભ્યારણ છે જ્યાં પ્રાણીઓ અને પક્ષીઓની વધુમાં વધું જાતો જોવા મળે છે. અહીંયા સસ્તન પ્રાણીઓની ત્રીસ, સરીસૃપોની વીસ તેમજ જીવજંતુઓની કેટલીયે જાતો જોવા મળે છે.

ગીરનું અભ્યારણ 1414 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. અહીંયા પ્રાણીઓ ખાસ કરીને વહેલી સવારે અને સમી સાંજે નીકળે છે તેથી તેમને જોવા માટેનો શ્રેષ્ઠ સમય સવારે અને સાંજનો છે. આ સમયે જંગલની આસપાસ જીપ ચલાવીને તેમને નિહાળી શકાય છે.

P.R

ગીર જવા માટેનો શ્રેષ્ઠ સમય નવેમ્બર મહિનાથી જુન મહિનાની વચ્ચેનો છે. આ સ્થળ અમદાવાદથી 400 કિલોમીટર દૂર આવેલ છે. તેથી બસ મારફતે ત્યાં જઈ શકાય છે. ત્યાં જવા માટે ગુજરાત રાજ્ય સરકારની બસો પણ ખુબ જ સરળતાથી મળી રહે છે. નજીકનું હવાઈ મથક રાજકોટ છે. રાજકોટથી મુંબઈની દરરોજ ફ્લાઈટ છે. અમદાવાદ અને રાજકોટથી રેલ્વે માર્ગ જૂનાગઢનો છે. જૂનાગઢથી સાસણગીર માત્ર 65 કિલોમીટરના અંતરે આવેલ છે. 
Source: http://gujarati.webdunia.com/entertainment/tourism/gujaratdarshan/0804/07/1080407008_1.htm

‘સિંહદર્શન’ માટે ગોહિલવાડ બનશે મીની ગીર.

ભાવનગર/મહુવા તા.૫
ભાવનગરમાં મીની ગીર બને તેવી શક્યતા છે. ભાવનગરની ભાગોળે ભંડારિયા અને મહુવા પંથકમાં સિંહ દર્શન હવે સહજ બન્યું છે. રોજેરોજ આ વિસ્તારમાં સિંહોની અવર-જવર આમ બની છે.
ભાવનગરની ભાગોળે આવેલા ભંડારિયા-સિહોર તથા નજીકના પાલીતાણાની ગીરી માળાઓમાં ગીરીના કેસરી સાવજોએ રહેઠાણ બનાવતા આગામી દિવસોમાં ભાવનગરની ભાગોળે મીની ગીર કુદરતી રીતે આકાર પાશે અહિની ગીરીમાળા સિંહના વસવાટ માટે અનુકુળ છે નજીકના સમયમાં સંવનન કાળ આવી રહ્યો છે. ત્યારે અહિં વિચારતા સિંહ અહિંજ સ્થાયી થાય તેની શકયતાઓ છે. સંવનન કાળ બાદ જિલ્લામાં સિંહની સંખ્યા દોઢ ગણી થવાની સંભાવના જાણકારોએ વ્યકત કરી હતી.
ભાવનગર શહેરથી માત્ર ર૦ કિ.મી. દુરી પર આવેલા ડુંગરોમાં સિંહ પરિવાર વિચરતો અવારનવાર જોવા મળે છે. તાજેતરમાં માળનાથ પાસે પાંચ સિંહ અને બે બાળ સિંહને વિચરતા ભંડારિયાના ગ્રામજનોએ જોયા હતા. અગાઉ એકલ દોકલ વ્યકિતએ સિંહને નિહાળ્યા હતા. પરંતુ મંગળવારે રાત્રીના દોઢસો જેટલા છે.  ગ્રામજનોએ સિંહોને મસ્ત મહાલતા ચાલતા ચાલતા જતા જોઈ ભારે રોમાંચ અનુભવ્યો હતો. સિંહ દેખા દેતા પશુપાલકોએ સાવચેતીના ભાગરૃપે માલઢોરને વાડીએથી ઘરે લઈ આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ગીરના કેસરી સાવજો આ પંથકમાં વિચરી રહ્યા છે. તાજેતરની વસ્તી ગણતરી દરમિયાન ભાવનગર જિલ્લામાં સિંહની સંખ્યા ૩૩ની નોંધાઈ છે. જે ગોહિલવાડ માટે ગૌરવની વાત છે જો કે બીજી બાજુ માલધારીઓ અને ખેડૂતોની મુશ્કેલી ભારે વધી પડી છે.
મહુવા બ્યુરોથી મળતો અહેવાલ
ગોહિલવાડમાં ભાવનગર,તળાજા, મહુવા, પાલીતાણા અને સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓની આવન-જાવન જોવા મળી રહી છે ત્યારે ગીરની માફક જ જિલ્લામાં હિંસક પશુઓ વિચરણના અવાર-નવાર વાવડ મળતા હોય છે.જેમા તાજેતરમાં ભંડારીયા બાદ મહુવા અને રાજુલા તાલુકાના દરિયા કિનારાના ડોળીયા-પટવા પંથકના ગામોમાં ત્રણ બચ્ચા સમેત સાવજ પરિવારે ધામા નાખતા સ્થાનીક લોકો ભયભીત બન્યા છે.
મહુવા-રાજુલા તાલુકાના ડોળીયા અને પટવા ગામના આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં સાવજ પરિવારના આંટાફેરાથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.જેમા મહુવાના ડોળીયા ગામની સોંડાભાઈ અને લાલજીભાઈની વાડી વિસ્તારમાં રાત્રીના ૧૧-૦૦ વાગ્યા બાદ આવી ચડતા હોય છે.જેથી ખેડુતો ફટાકડા ફોડીને સિંહ પરિવારોને ભગાવીને પોતાના માલઢોરનું રક્ષણ કરતા હોય છે.
મહુવા અને રાજુલા તાલુકામાં વિચરણ કરી રહેલા સાવજ પરિવાર અંગે જંગલ ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું કે મહુવા તાલુકાના ડોળીયાથી રાજુલાના પટવા સુધીના ગ્રામ્ય વિસ્તારના દરિયા કાંઠામાં વિચરણ કરી રહ્યા છે ત્યારે આ પંથકના ખેતીવાડી વિસ્તારમાં રહેતા લોકોએ સાવચેતી રાખવી જરૃરી બની જતુ હોય છે.મહુવા અને રાજુલામાં ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર આંટાફેરા વધી રહ્યા છે ત્યારે લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.છેલ્લે મળતા વાવડ અનુસાશ સાંજે ૭-૦૦ કલાકના અરસામાં રાજુલાના પટવા ગામની આસપાસમાં દેખા દીભા હતા.
Source: http://vahgujarati.com/content/news/22/0/16/10.html

Monday, May 3, 2010

સિંહનું ઘટતું વર્ચસ્વ : ૧૦૦ સિંહણ સામે માત્ર ૫૯.

Monday, May 3rd, 2010, 2:16 am [IST]  
Lion Of down superiorityDevsi Barad, Ahmedaba
બે વર્ષમાં ૭૨ સિંહનાં મોત, જેમાં મોટા ભાગના નર હતા. સિંહ નર બચ્ચાંનો શિકાર વધારે કરતા હોવાથી સર્જાયેલી સ્થિતિ. છેલ્લાં દસ વર્ષમાં સિંહણ સામે સિંહોની સંખ્યા ઘટી રહી છે. વર્ષ ૨૦૦૧માં ૧૦૦ સિંહણ સામે ૯૨ સિંહ હતા, જે ૨૦૧૦માં ઘટીને ૫૯ સિંહ રહ્યા છે. છેલ્લાં બે વર્ષમાં ટોટલ ૭૨ સિંહનાં મોત થયાં છે જેમાં મોટાભાગના સિંહ (નર) હોય આ સ્થિતિનું નિર્માણ થયું છે. તેમજ સિંહ પોતાના બાળ સિંહને પ્રથમ શિકાર બનાવતો હોય આ આ સંખ્યા ઘટીછે.Lion Of down superiority
હાલમાં જ સિંહોની થયેલી વસતી ગણતરીમાં ૧૬૨ સિંહણ અને ૯૭ સિંહ જોવા મળ્યા છે. ૨૦૦૫ની ગણતરીમાં દર ૧૦૦ સિંહણે ૭૨ સિંહ જોવા મળ્યા હતા. તેવી જ રીતે ૨૦૦૧ની ગણતરીમાં દર એક સો સિંહણે ૯૨ સિંહ હતા. ૨૦૧૦ની ગણતરીમાં આ રેશિયો ઘટીને ૫૯નો થઇ ગયો છે.
આમ ગીરના જંગલમાં સિંહણની સરખાણીએ સિંહની સંખ્યા ઘટી રહી છે જે ગંભીર બાબત છે. નામ ન આપવાની શરતે વન વિભાગના એક અધિકારી કહે છે, ‘ બચ્ચાના જન્મ બાદ સિંહણ સિંહને છોડીને બીજી જગ્યાએ ચાલી જાય છે. આમ કેટલાક સમય સુધી તે પોતાના બચ્ચાને સિંહથી બચાવે છે. પંરતુ જ્યારે પણ બચ્ચાવાળી સિંહણ સાથે સિંહનો મેળાપ થાય ત્યારે સિંહ પ્રથમ નર બચ્ચાને મારી નાંખવાનો પ્રયત્ન કરે છે. ’
સિંહણ કરતાં સિંહના ચામડાની કિંમત વધુ
બે વર્ષ પહેલા ગીર અભયારણ્યની બાબરિયા સહિતની રેન્જમાં આઠ સિંહનો શિકાર થયો હતો. સિંહના પંજા અને ચામડાંની કિંમત સિંહણ કરતાં વધારે ઉપજતી હોય શિકારીઓએ સિંહનો જ શિકાર કર્યો હતો.
ત્રણ સિંહણે મળી સિંહને ઘાયલ કર્યો
સિંહને બાળિંસહના શિકાર માટે આવતો જોઈ ત્રણ સિંહણ તેની સામે આવીને ઊભી રહી. બચ્ચાં ઉપર સિંહ જેવો તરાપ મારવા ગયો કે તુરંત જ સિંહણોએ સિંહ ઉપર હુમલો કર્યો. ઝપાઝપી થઈ, યુદ્ધ જેવો માહોલ સર્જાયો. જો કે લોહીલુહાણ હાલતમાં જંગલના રાજાને ભાગવાનો વારો આવ્યો હતો.

Source: http://www.divyabhaskar.co.in/2010/05/03/lion-of-down-superiority-933681.html

તાલાલા પંથકના ૪૯ ગામો ગીર નેસડામાં વસતી ગણતરીનો પ્રારંભ.


Apr 25,2010
તાલાલા (ગીર),તા.રપ
તાલાલા પંથકમાં વસતી ગણતરી ૨૦૧૦નો તાલાલા તાલુકાના છેવાડાના ગીરના જંગલની બોર્ડર ઉપર આવેલ ભોજદે ગીર ગામે તાલાલા ઘરની મુલાકાત લઈ ગણતરીકારોએ પ્રથમ તબક્કાની વસતી ગણતરીનો શુભારંભ કર્યો હતો.
તાલાલા પંથકના ૪૯ ગામોના ૨૧૮ બ્લોક તથા ગીરના જંગલમાં આવેલ નેસડામાં વસવાટ કરતી માનવ વસતીના પ૧ બ્લોક સાથે કુલ ૨૬૯ બ્લોકમાં આખા ગીર પંથકને વહેંચી તાલાલા તાલુકાના તમામ પરિવારની ગણતરી તથા જરુરી વિગતો સાથે વસતી ગણતરી પ્રક્રીયાની કામગીરી કરવા ૨૬૯ તથા ૧૯ જંગલખાતાના સ્ટાફ સાથે કુલ ર૮૮ ગણતરીકારોનો કાફલો ગીર પંથકમાં પરીભ્રમણ કરી રહયો છે. તા. ર૧ એપ્રિલ થી તા. ૪ જુન સુધી ગીર પંથકમાં ચાલનારી આ મહત્વની રાષ્ટ્રિય કામગીરી ઉપર તાલાલા મામલતદાર અમીબેન દોશી ચાર્જ ઓફીસર તરીકે સમગ્ર કામગીરી ઉપર દેખરેખ રાખી રહયા છે.
તાલાલા પંથકમાં પ્રથમ તબક્કાની ચાલી રહેલ વસતી ગણતરી રાષ્ટ્રિય કામગીરીને સંપૂર્ણ  સફળતા અપાવવા સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા થઈ રહેલ પરિણામલક્ષી કામગીરીમાં ગીરપંથકના તમામ પ્રજાજનો સહભાગી થવા વસતી ગણતરી ચાર્જ ઓફિસર અને તાલાલા મામલતદારએ અનુરોધ કર્યો છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=181334

ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો.


May 03,2010
ગાંધીનગર, તા. ૨
ભારતમાં એક તરફ કરોડો રૃપિયાના ખર્ચ પછી યોગ્ય સંરક્ષણ અને સંવર્ધનના અભાવે વાઘ નામશેષ થઇ રહ્યા છે બીજી તરફ વિશ્વભરના લોકો જેને પ્રેમ કરે છે તેવા ગુજરાતના બૃહદ ગીર વિસ્તારમાં એશિયાઇ સિંહની સંખ્યામાં પ્રોત્સાહક વધારો થયો છે. ગત સપ્તાહે સંપન્ન થયેલી એશિયાઇ સિંહના વસતિ અંદાજોના આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પરિણામો જાહેર કરતાં કહ્યું કે, ગીરના નૈર્સિગક વાતાાવરણમાં સિંહ સૌથી વધારે સલામત અને સુરક્ષિત બનતા તેની સંખ્યા વધીને ૪૧૧ સુધી પહોંચી છે. સિંહની વસતિના નવા અંદાજો એ ર્સ્વિણમ જ્યંતી ઉજવતા ગુજરાતની વિશ્વના વન્ય પ્રાણી પ્રેમીઓને ભેટ સમાન છે, તેમ મોદીએ જાહેર કર્યું હતું.
૨૦૦૫માં યોજાયેલી છેલ્લી સિંહ વસતિ અંદાજ ગણતરી વેળાએ ૩૫૯ જેટલા સિંહ હતા એમ કહીને મોદીએ કહ્યું કે, આ વસતિના અંદાજોમાં એક વર્ષથી નાની ઉંમરના બચ્ચાં ૭૭ છે. જ્યારે ૧ થી ૩ વર્ષની વચ્ચે બાળસિંહની સંખ્યા ૭૫ છે અને પુખ્ત ઉંમરમાં જોઇએ તો ૯૭ નર અને ૧૬૨ નારીનો અંદાજ મુકાયો છે. વન્ય પ્રાણીઓમાં આ સ્થિતિને મોદીએ સામાજિક સંદેશ આપવામાં ઉપયોગ કરતાં કહ્યું કે, દેશમાં માનવસમાજમાં પુરુષોની સંખ્યા સામે સ્ત્રીની સંખ્યા ઘટી રહી છે તેવા સમયે વનરાજ એવા એશિયાઇ સિંહના સમાજમાં સિંહણનું રાજ પ્રવર્તી રહ્યું છે. તે બાબત સારી છે. સમાજે આમાંથી કંઇક શીખવું જોઇએ. આ સાથે તેમણે એવું અવલકોન કર્યું કે, ભારત જેમ યુવાનોનોે દેશ છે એટલે કે ૪૦ ટકાથી વધારે વસતિ યુવા છે એવી જ રીતે સિંહના આ નવા વસતિ અંદાજોમાં પણ ૪૦ ટકા યુવા પેઢી છે. આમ, ગીર અભયારણ્ય અને આસપાસના તેના વસવાટ વિસ્તારોમાં બાળસિંહ અને માદાની ટકાવારી ઉત્સાહજનક રીતે વધી રહી છે. ૨૦૦૭માં બનેલી એક કમનસીબ ઘટનાને બાદ કરતાં સરકારે એશિયાઇ સિંહના સંરક્ષણ તથા સલામતી માટે રૃ.૪૦ કરોડના અમલી બનાવેલા પેકેજ, ૪૦૦ જેટલા યુવાનોને આધુનિક તાલીમ તથા અદ્યતન ટેક્નોલોજીવાળાં સાધનોથી સજ્જ કરીને સંરક્ષણની કામગીરી સોંપવામાં આવી હતી. તેના આજે પ્રોત્સાહક પરિણામો મળી રહ્યાં છે. જનભાગીદારીથી અનેક કૂૂવાને કવર કરી શક્યા છીએ તેના લીધે અગાઉના વર્ષોમાં સરેરાશ દસ બચ્ચાં દર વર્ષે મોતને ભટતા હતા, તે હવે ઘટીને ગત વર્ષે માત્ર એક જ બચ્ચાનું આ રીતે મોત થયું છે. આવી રીતે અનેક પગલાં જનભાગીદારીથી લેવાયાં છે તેમાં સ્થાનિક માલધારીઓ, ગ્રામજનો સામેલ થાય છે. મોદીએ કહ્યું કે, આ વખતની સિંહ વસતિ અંદાજ-ગણતરીના કામમાં બે હજાર જેટલું માનવબળ ઉપરાંત અદ્યતન ટેક્નોલોજી, વૈજ્ઞાાનિક અભિગમનો પ્રથમ વખત વ્યાપક રીતે ઉપયોગ કરાયો હતો. તેના લીધે સિંહના જીવનમાં ખલેલ ઊભી કર્યા સિવાય તેને સ્પોટ કરી શકાય.
અગ્રસચિવ વન અને પર્યાવરણ ડો.એસ.કે. નંદાએ પત્રકારોને માહિતી આપી કે ૨૦૦૭ના સિંહ સંવર્ધન માટેના એક્શન પ્લાન બાદ ઘણા સારા પ્રોત્સાહક પરિણામો મળ્યાં છે. જ્યારે અગ્રવનસંરક્ષક આર.વી.અસારીએ માહિતી આપતાં કહ્યું કે, ૧૯૯૫ સુધી સિંહની વસતિ ગણતરી ભક્ષણ અને પીવાના પાણીની જગાએ આવનજાવનના આધારે થતી હતી. પરંતુ ત્યાર પછી ૨૦૦૧ અને ૨૦૦૫ની ગણતરી બીટ આધારિત થઇ છે. તેમાં આ વખતે ૨૦૧૦માં આપણે નવી બાબતોને ઉમેરીને વૈજ્ઞાાનિક અભિગમ આપ્યો છે. મોદીએ આ મુદ્દે એવુ કહ્યું કે, ૨૦૧૦ની વસતિ અંદાજોની પદ્ધતિ તથા પ્રક્રિયા એક પ્રકારનો સંશોધન-અભ્યાસનો વિષય બની શકે છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=183431

Sunday, May 2, 2010

કૂવો બૂરતી વખતે અંદર બેઠેલો દીપડો પણ દટાઈ મર્યો.

Bhaskar News, Junagadh
માળીયાહાટીના તાલુકાના અકાળા ગામની સીમમાં બે દિવસ પહેલા એક અવાવરૂ કુવો બુરવાની કામગીરી ચાલી રહી હતી એ દરમ્યાન તેમાં છુપાયેલા દીપડા પર માટી પડતા તે દટાઈ ગયો હતો. દીપડાએ જીવ બચાવવા કુવામાં બનેલી બખોલમાંથી બહાર નીકળવા પ્રયાસ કર્યોપરંતુ ગુંગળાઈ જવાથી મોત નિપજયું હતું. બાદમાં વનવિભાગે દીપડાને સાસણ પીએમમાં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના અકાળા (ગીર) ગામની સીમમાં આવેલી ભીખા નાથા ઝાલાની વાડીએ આવેલા અવાવરૂ કુવો બુરવાની કામગીરી ચાલી રહી હતી. અવાવરૂ કુવામાં ચાર-પાંચ ફુટની બખોલમાં દીપડો છુપાયો હતો. પરંતુ ખેડૂતે અજાણતામાં કુવામાં માટીના ઢગ ખડકી દીધા હતા.
કુવામાં માટીના ઢગ ખડકાઈ જવાથી જે બખોલમાં દીપડો છુપાયો હતો એ બંધ થઈ ગઈ હતી. બાદમાં દીપડાએ જીવ બચાવવા માટે મહેનત કરતા ધુળ સરકવા લાગી હતી. આથી ખેડૂત તથા મજૂરોને બખોલમાં દીપડો છુપાયો હોવાની શંકા ગઈ હતી.
આથી વન વિભાગને જાણ કરવામાં આવતા માળીયાહાટીના આરએફઓ વંશ તથા જૂનાગઢ એસીએફ વી.એમ. રાદડીયાએ ઘટના સ્થળે જઈ માટીના ઢગને હટાવી દીપડાનાં મૃતદેહને બહાર કાઢી સાસણ પીએમમાં મોકલ્યો હતો. જ્યાંથી દીપડાનું ગુંગણામણથી મોત નિપજયાનો રિપોર્ટ આવ્યો હતો. દીપડાનું મોત નિપજતાં પ્રકતિ પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/05/02/lepard-also-died-930597.html

નવાબકાળમાં સિંહોના રક્ષણ માટે ખાસ કાયદો ઘડાયો હતો.


Apr 26,2010

જૂનાગઢ,તા.૨૬
સોરઠના ધરેણા સમાન સિંહોના રક્ષણ માટે વર્તમાન સમયમાં સરકારનો કાયદો છે, ત્યારે અત્રે એ વાત નોંધપાત્ર બની રહેશે કે સિંહોના રક્ષણ માટે નવાબી સમયમાં પણ ખાસ કાયદા ઘડવામાં આવ્યા હતાં. તેમજ આ કાયદાનો ભંગ કરનારને છ માસની કેદ તથા એક હજાર કોરીની સજા પણ કરવામાં આવતી હતી.
નવાબશાહીમાં સિંહોના સંરક્ષણ માટે ઘડાયેલા ખાસ કાયદાઓ પર નજર કરીએ તો, ૧ર એપ્રિલ, ૧૮૮૦ ના રોજ જૂનાગઢ રાજ્યના ગેઝેટ દસ્તુરલ-અમલ સરકારમાં સિંહોના રક્ષણ માટેના કાયદાની પ્રથમ વખત જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ ૧૧ મે, ૧૮૯૬ ના રોજ જૂનાગઢ રાજ્યના દિવાન બહેચરદાસ બિહારીદાસજીએ અગાઉનો કાયદો રદ્દ કરીને જાવક નં.૧૬૮૩ થી નવો સુધારેલો કાયદો બહાર પાડયો હતો. આ કાયદા પ્રમાણે પરવાના વગર રાજ્યની હદ્દમાં શિકાર કરવાની મનાઈ હતી. તેમજ કાયદાની કલમ ૪ અંતર્ગત સાવજનો શિકાર કરનાર માટે છ માસની કેદ તેમજ ૧૦૦૦ કોરી(૧ બ્રિટિશર ચલણ એટલે ચાર કોરી)નો દંડમાંથી એક અથવા બન્ને સજાની જોગવાઈ પણ કરવામાં આવી હતી. અને જે હથિયાર ઝડપાય તે ખાલસા કરવાની જોગવાઈ રાખવામાં આવી હતી. આવા ગુનેગારોને વોરન્ટ વગર પકડી લેવાની સત્તા પણ આપવામાં આવી હોવાનું જૂનાગઢના ઈતિહાસ વિદ્દ પરિમલભાઈ રૃપાણી જણાવી રહ્યા છે.
આ કાયદામાં ફરી વખત સુધારો કરીને નવાબ મહાબતખાન ત્રીજાએ ર૯ સપ્ટેમ્બર, ૧૯રપ ના દિવસે વધુ એક ફરમાન બહાર પાડયું હતું. આ ફરમાન પ્રમાણે શિકાર બંધીની સાથે સાથે અગાઉના ધારા પ્રમાણે અપાયેલા શિકારના પરવાના રદ્દ કરવામાં આવ્યા હતાં. તેમજ ખાસ અપવાદ સિવાય નવો પરવાનો બહાર પાડવા પર પ્રતિબંધની સાથે દિવાનને પરવાનો આપવા માટેની સત્તાઓ આપવામાં આવી હતી. ગોળી મારીને કે ફાંસલો ગોઠવીને સિંહનો શિકાર કરનાર માટે અગાઉના કાયદા પ્રમાણે જ સજાની જોગવાઈ રાખવામાં આવી હતી. ૧ નવેમ્બર, ૧૯રપ ના રોજથી આ નવો કાયદો અમલમાં લાવવાની સાથે નવાબે શિકારી તત્વો પર ખાસ નજર રાખવા અધિકારીઓને તાકીદ પણ કરી હતી.
ટપાલ ટિકિટ, ચલણી સિક્કા અને રાજચિન્હમાં પણ એશિયાઈ સિંહ
જૂનાગઢ,તા.૨પ
ઈતિહાસવિદ્દ પરિમલભાઈ રૃપાણીના કહેવા પ્રમાણે ઈ.સ. ૦ થી ૧૦૦ વચ્ચેના સમયમાં ગિરિનગર(જૂનાગઢ)માં પશ્વિમિ ક્ષત્રપ રાજાઓનું રાજ હતું. જેમા હૂંબક નામના રાજાના સમયના તાંબાના ચલણી સિક્કાઓની પાછળ સિંહનું ચિત્ર અંકિત થયેલું મળી આવે છે. નવાબી કાળની વ્યવસ્થામાં નજર કરીએ તો નવાબ મહાબતખાન ત્રીજાએ અર્ધા અને ચાર આનાની ગિરના સાવજોની ટપાલ ટિકિટો બહાર પાડી હતી. તેમજ જૂનાગઢ રાજ્યના રાજ ચિન્હમાં પણ સિંહને મૂકવામાં આવ્યો હતો. સરકારને સારા એવા પ્રમાણમાં કમાણી કરાવી દેનાર પ્રસિદ્ધ ટિલિયા નામના અંધ સિંહની વર્ષ ૧૯૬૩માં સરકાર દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ઈનફાઈટમાં ઘાયલ થયેલા આ સિંહે એક આંખ ગુમાવી દીધી હતી.
લોર્ડ કર્ઝને સિંહોના શિકાર ના પાડી દીધી હતી
જૂનાગઢ,તા.૨૬ : ભારતના ગર્વનર જનરલ અને વાઈસરોય લોર્ડ કર્ઝન જૂનાગઢમાં તૈયાર થયેલી બહાદ્દીન કોલેજના ઉદ્દધાટન માટે ખાસ જૂનાગઢ આવ્યા હતાં. કોલેજના ઉદ્દઘાટન બાદ નવાબ રસુલખાનજી દ્વારા લોર્ડ કર્ઝનને શિકાર માટે જવાની રજુઆત કરવામાં આવતા તેઓએ શિકાર કરવાનો સાફ શબ્દોમાં ઈન્કાર કરી દીધો હતો. તેમજ આપણે સિંહોનું સંરક્ષણ અને જતન કરવું જોઈએ તેવું પણ જણાવ્યું હતું. બાદના સમયમાં આવેલા વાઈસરોય લોર્ડ રીડીંગ તેમજ લીન્થગો વગેરેએ શિકારની મજા માણી હતી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=181720

સિંહોની વસતિ ગણતરીમાં સગા-વ્હાલાઓને સમાવાયા.

Apr 27,2010
જૂનાગઢ, તા.ર૬ :
ગિર અભયારણ્યમાં સિંહોની ચાલી રહેલી વસતિ ગણતરી સગાવાદનો ભોગ બની જતા એક ગંભીર અને મહત્વપૂર્ણ પ્રક્રિયા ઈન્જોયમેન્ટમાં ફેરવાઈ ગયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. થઈ રહેલા આક્ષેપો અનુસાર પરસેવો પાડીને ખરા અર્થમાં ગણતરીના કાર્ય સાથે જોડાયેલા વનવિભાગના કર્મચારીઓને સિંહોની ગણતરી કરતા પણ સગા-સંબંધીઓની ખીદમતમાં વધારે રહેવું પડતું હોવાથી ગણતરીના ચોક્કસાઈ પૂર્વકના કાર્ય પર ભારે માઠી અસર પડી રહી છે. ગત તા.ર૪ એપ્રિલના રોજથી ગિર અને ગિરનારમાં વસતા સિંહોની વસતિ ગણતરીની શરૃ થયેલી કામગીરીને મોટા પ્રમાણમાં સગાવાદ ભરખી ગયો છે. આ વિશે વનવિભાગના જાણકાર સુત્રોએ આપેલી ચોંકાવનારી વિગતો પ્રમાણે વસતિ ગણતરીની કામગીરી માટે માનદ મદદનીશ તરીકે રાખવાના થતા રોજમદાર કર્મચારીઓમાં અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાંથી ઉચ્ચ અધિકારીઓના સગા-સંબંધીઓને બુદ્ધિપૂર્વક સમાવી લેવામાં આવ્યા છે.
ખરેખર આ પોસ્ટ પર સ્થાનિક વિસ્તારોના જાણકાર હોય તેવા પર્યાવરણ પ્રેમીઓ તેમજ વન્ય સૃષ્ટિમાં રસ-રૃચિ ધરાવનારાઓની નિમણૂંક કરવાની હોય છે. જેથી કરીને સિંહોના લોકેશન તેમજ જંગલની ભૂગોળ વિશેની સંપૂર્ણ વિગતો એકત્ર કરીને ગણતરીની કામગીરી ગંભીરતા પૂર્વક થઈ શકે. પરંતુ આ જગ્યાઓ પર ઉચ્ચ અધિકારીઓના સગા-વહાલાઓને સમાવીને ગિર જંગલમાં ચાર દિવસ સુધી મોજમજા માટે લવાયા હોય તેવું વાતાવરણ સર્જાયું છે. સિંહો કે ગિર જંગલ વિશે કોઈ જ વિગતો ન ધરાવતા આવા લોકો દ્વારા સિંહોની વસતિ ગણતરી કેટલા પ્રમાણમાં ચોક્કસાઈથી થશે ? તે મોટો પ્રશ્ન સર્જાયો છે.
બીજી તરફ કાયદેસરતાની રૃએ સ્થાનિક કર્મચારીઓની નીચે આવા માનદ મદદનીશો આવે છે. અને તેઓની સૂચના પ્રમાણે કામ કરીને મદદનીશોએ ગણતરીની કામગીરીમાં મદદ કરવાનો હોય છે. પરંતુ આ મદદનીશો ઉચ્ચ અધિકારીઓના સગા-સંબંધીઓ હોવાને કારણે વનવિભાગના કર્મચારીઓને ઉલટાનું તેનું ધ્યાન રાખીને ખીદમત કરવી પડી રહી છે. અને સિંહોની ગણતરીની કાર્યવાહીમાં ખલેલ પડી રહી છે. આ સમસ્યાને કારણે વનવિભાગના નીચેના કર્મચારીઓમાં પણ ભારે અસંતોષ પ્રસરી ગયો છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓના ડરને કારણે બધુ સહન કરીને ફરજ બજાવી રહ્યા છે. આ દિશામાં ઉચ્ચકક્ષાએથી તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં સગાવાદ બહાર આવવાની પ્રબળ આશા પણ વનવિભાગના જાણકાર સૂત્રોએ વ્યક્ત કરી છે.
૮૦ જેટલા એ.સી.વાહનોમાં ફરીને ગણતરી !!
જૂનાગઢ, તા.ર૬
સિંહોની વસતિ ગણતરી માટે ગિર જંગલનાં સાત રિજીયન પાડીને તેને ર૮ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. તેમજ ૧૦૦ જેટલા સબ ઝોન પાડીને ૪પ૦ ગણતરીકાર, ૧૦૦ વોલેન્ટીયર અને ૯૦૦ થી ૧૦૦૦ જેટલા મજૂરો દ્વારા સિંહોની વસતિ ગણતરી થઈ રહી છે. સરકાર દ્વારા કરાયેલા લાખો રૃપિયાના ખર્ચ વચ્ચે ઉચ્ચ અધિકારીઓના સગા-સંબંધીઓ ગિર જંગલમાં એ.સી. વાહનોમાં ફરી રહ્યા છે. આ કામગીરી માટે સરકારના ખર્ચે ૮૦ જેટલા એ.સી. વાહનો ભાડે કરાયા છે. બે દિવસ સુધી ચાલેલા જલ્સા જેવા માહોલ બાદ હવે ખરો સમય આવી પહોંચ્યો છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=181831

સિંહોની સાથે અન્ય નવ પ્રજાતીઓની પણ ગણતરી.


Apr 26,2010

જૂનાગઢ, તા.૨૫
ગિર અને ગિરનાર જંગલોમાં વસવાટ કરતા સિંહોની વસ્તી ગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે જાણવા મળેલી વિગતો અનુસાર ભયજનક સ્થિતિમાં આવી ગયેલ અન્ય નવ પ્રજાતીઓના પ્રાણીઓની પણ સિંહોની સાથે જ ગણતરી કરવાનો નિર્ણય વનવિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. ગણતરી દરમિયાન આ તમામ પ્રાણીઓ વિશેની પણ નોંધો કરવામાં આવશે.
રૃપ, રંગ, દેખાવ, સ્વભાવ, ઠાઠમાઠ વગેરેને કારણે અત્યારે વિશ્વભરમાં એશિયાઈ સિંહો લાઈમ લાઈટમાં છે, પરંતુ આ પ્રાણીઓની સાથે અન્ય કેટલાક પ્રાણીઓ પણ લુપ્ત થવાના આરે આવીને ઉભા છે. અને આવા પ્રાણીઓનું રક્ષણ કરવું પણ જરૃરી બની ગયું છે. ત્યારે અત્યારે ચાલી રહેલી સિંહોની વસતી ગણતરીની સાથે જ વનવિભાગ દ્વારા આવા પ્રાણીઓની ગણતરી કરવાનું પણ આયોજન કરાયું છે. દીપડો, ઘોરખોદીયુ, કીડીખાંઉ, ત્રાંબા વરણી ચપટાવાળી બિલાડી, વનીયર અથવા વીજ, શેઢાળી,  સોનેરી નોળિયો, જંગલી બિલાડી અને ચોશીંગાની પણ વિશિષ્ટ ગણતરી વનવિભાગ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. જો કે આ પ્રાણીઓની માત્ર નોંધ જ કરવામાં આવશે. સિંહો જેટલી ચોક્કસાઈ પૂર્વક અને આધૂનિકતાથી તેની ખાસ ગણતરી કરવામાં નહી આવે. પરંતુ એક સાથે બે કામ જેવું આવકારદાયક પગલું વનવિભાગ દ્વારા લેવામાં આવ્યું છે.
વિશ્વેષણ માટે હાઈટેક કોમ્પ્યુટર યુનિટ ઉભુ કરાયું
જૂનાગઢ, તા.૨૫
સિંહોની ગણતરી માટે આ વખતે વનવિભાગ દ્વારા અવલોકન અને વિશ્વેષણની ખાસ અલગ પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવી છે. ત્યારે આ ગણતરી થઈ ગયા બાદ તેના વિશ્વેષણ માટે સાસણમાં હાઈટેક કોમ્પ્યુટર યુનિટ પણ ઉભુ કરવામાં આવ્યું છે. સિંહોની વસતી ગણતરીમાં ચોક્કસાઈ જળવાઈ રહે તેમજ સિંહોની સંખ્યા રિપિટ ન થાય તે માટે ખાસ આયોજન વનવિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ચાર દિવસની ગણતરી દરમિયાન દરેક સિંહોની ફોટોગ્રાફી કરવામાં આવી રહી છે. તેમજ સિંહોને લગતી કેટલીક નિશાનીઓ તથા ચિન્હોની નોંધ કરવામાં આવી રહી છે. આ નોંધ કરીને સાસણના કોમ્પ્યુટર સેન્ટરમાં ડેટા સબમીટ કરાશે. તેમજ આ ડેટાના આધારે સિંહોનું વિશ્વેષણ કરાશે. અને ત્યાર બાદ ચોક્કસ આંકડો બહાર પાડવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા ખુબ ઝડપથી હાથ ધરાશે. ગણતરીનું પરિણામ પણ તાત્કાલીક આવી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
 

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=181508

જાણકાર સ્વયંમસેવકો, વન અધિકારીઓની પણ ઉપેક્ષા.


Apr 29,2010
જૂનાગઢ,તા.૨૯
સિંહોની વસતી ગણતરીમાં સગાવાદ ચલાવાયો હોવાની અને ડેટા બેન્ક ઉભી કરવા ફોટોગ્રાફીની પણ અવગણના કરવામાં આવી હોવાની વિગતો બહાર આવ્યા બાદ જાણકાર સ્વયં સેવકો અને વન વિભાગનાં અધિકારીઓની પણ ઉપેક્ષા કરવામાં આવી હોવાનું ખૂલ્યું છે. તેમ જ કીટ આપવામાં પણ ભેદભાવભરી નીતિ અપનાવાઈ હોવાની ફરિયાદો ઉઠી હતી.
વનવિભાગના અનુભવી જાણકાર સુત્રોના જણાવ્યા પ્રમાણે ગત તા.૧૯ ના રોજ ગણતરી પૂર્વે એક ફાઈનલ મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં સ્વયંસેવકો માટે આવેલી કુલ ૮૦૦ અરજીઓમાંથી ૧પ૦ની પસંદગી કરીને બોલાવવામાં આવ્યા હતાં. આ મિટિંગમાં જંગલના ખરા અર્થમાં જાણકાર એવા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. મિટિંગમાં ભાગ લેનારને ગણતરીમાં સમાવવા માટે સ્પષ્ટ સુચનાઓ પણ આપવામાં આવી હતી. પરંતુ જ્યારે ગણતરીના આગલા દિવસે બધા હાજર થયા ત્યારે મિટિંગમાં હાજર રહેનારાઓને બાદ કરી તેની જગ્યાએ એક પણ પ્રક્રિયામાં ભાગ ન લેનારાઓને સમાવી લેવામાં આવ્યા હતાં. તેમા પણ જાણકાર અને અનુભવી લોકોને તો જંગલની બોર્ડર પર મૂકીને હિન્દીભાષી તથા બહારગામના હોય તેવા લોકોને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું.
ગણતરીકારો માટે વ્યવસ્થાનો સદંતર અભાવ હોવાની સાથે સુત્રોએ ઉમેર્યું છે કે, રૃમાલ, નેપકિન, ટોર્ચ, ચટ્ટાઈ વગેરેની કિટ આપવામાં ભેદભાવભરી નીતિ અપનાવાઈ હતી. સરકારે આ ગણતરી માટે રૃ.પપ લાખની ફાળવણી કરી હતી. સાથે સાથે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મોટા પ્રમાણમાં દાન આપવામાં આવ્યું હતું. જેમાંથી મોટા ભાગની રકમ ઉચ્ચ અધિકારીઓના સગાવહાલાઓના સિંહ દર્શનના કાર્યક્રમ પાછળ જ વપારાઈ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ત્યારે આ દિશામાં સરકાર દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો મોટો આર્િથક ગોટાળો બહાર આવવાની શક્યતા પણ સુત્રોએ વ્યક્ત કરી છે.
જ્યારે સ્ટેટ વાઈલ્ડ લાઈફ એડવાઈઝરી બોર્ડના પૂર્વ મેમ્બર અને જિલ્લાના પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન નરેદ્ર ભરાડે પણ સિંહોની વસતી ગણતરી સામે પ્રશ્નાર્થ ઉઠાવ્યા છે. તેઓએ જણાવ્યું છે કે, જંગલને આત્મસાત કરીને વિનામુલ્યે ઉચ્ચકક્ષાની સેવાઓ આપનાર વર્તમાન અને પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડનો તેમજ સિનિયર પર્યાવરણ પ્રેમીઓને ઈરાદાપૂર્વક ભુલી જવાયા હોય તેવી સ્થિતિ આ વખતે જોવા મળી છે. આ તો ઠીક ગિર જંગલમાં ભૂતકાળમાં ફરજ બજાવી ગયેલા અને ગિર જંગલના ખુણે ખુણાથી પરિચિત હોય તેમજ સિંહોની તમામ વર્તુંણકોથી માહિતગાર હોય તેવા હાલમાં અન્ય સ્થળે ફરજ બજાવતા અધિકારીઓની પણ ઉપેક્ષા કરવામાં આવી હતી.
સ્વયંસેવકોમાં બહારના વિસ્તારોના યુવાનોની સુચક રીતે વધુ સંખ્યા
જૂનાગઢ, તા.ર૯
આ વખતની સિંહોની વસતી ગણતરી વિશે નરેન્દ્રભાઈ ભરાડે જણાવ્યું છે કે, સ્વયંસેવકોમાં શંકાસ્પદ યુવાનોની વધારે ભરતી કરવામાં આવી હતી. જેઓ જંગલ કે, વન્યપ્રાણીઓ વિશે કંઈ જ જાણતા નથી તેવા યુવાનો વધારે હતાં. જેને બદલે અનુભવી અને પીઢ લોકો હોવા જોઈએ. સાથે સાથે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરત અને વડોદરા વિસ્તારનાં સ્વયંસેવકોનું પ્રમાણ વધારે હતું. માટે ચોક્કસાઈ પૂર્વકની ગણતરી સામે શંકા ઉભી થાય છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=182577

Saturday, May 1, 2010

ગુજરાતીઓના લોકપ્રિય કવિ કલાપીની ૧૧૦મી....

નેટવર્ક
આના લેખક છે GS NEWS   
બુધવાર, 28 એપ્રિલ 2010
યાદી ભરી ત્યાં આપની
ગુજરાતીઓના લોકપ્રિય કવિ કલાપીની ૧૧૦મી મૃત્યુતિથિ નિમિત્તે આગોતરો
લેખ ઃ ૩
કલાપીના મૃત્યુનું રહસ્ય ૧૧૦ વર્ષ પછી પણ વણઉકેલાયુંનું વણુઉકેલાયું જ રહ્યું છે


network-29.JPG હવે ત્રણે રાણીઓના નિવાસે અઠવાડિયાના નિયત દિવસોએ રહેવાનું ગોઠવ્યું હતું. રમાનો આગ્રહ હતો કે રસોડું તો તેમના નિવાસે જ હોવું જોઈએ. જો કે અંતે કલાપી પોતાનું રસોડું જુદું કરાવે છે. ઈ.સ. ૧૯૦૦ના જૂનની આઠમી તારીખે કલાપી શોભનાને ત્યાંથી રમાના આવાસે આવે છે. સાંજ પડી ગઈ છે. રમા તેમને પોતાના હાથના બનાવેલા પેંડા આપે છે, બરફ આપે છે. આ બંને વસ્તુઓ કલાપીને ખૂબ જ પ્રિય છે.

તે આરોગતાં થોડી વારે કલાપીને પેટમાં દુઃખાવો, ઝાડા, અસુખ વગેરે શરૂ થઈ જાય છે. મોડેથી વૈદ્ય પ્રભુલાલ શાસ્ત્રીને બોલાવાય છે. તેઓ વિષૂચિકાનું નિદાન કરે છે. કોલેરા હોય અને શરીરમાં ઝેર પણ ગયું હોય. તેઓ ઘણું ઘી પાઈ શરીરમાં રહેલ ઝેરી તત્વો બહાર નીકળે તેવો ઉપચાર શરૂ કરવા માગે છે. રમા તેમને પૂછે છે, ‘જવાબદારી લ્યો છો?’ કોઈ પણ ઉપચારના પરિણામની જવાબદારી કોઈ ડોક્ટર કે વૈદ્ય લે નહિ. પણ રમાનો આ પ્રશ્ન નહોતો. વૈદ્યને અટકાવવાની રીત હતી તેમ મનાયું છે.


ક્રમે ક્રમે કામદાર, તાત્યા સાહેબ, નગરશેઠ, મહાજનો, પરિવારનાં સૌ આવી જાય છે. કલાપીને તબિયતની ગંભીરતાનો ખ્યાલ આવતાં કામદાર પાસે શોભનાની જીવાઈનો ઠરાવ કરાવે છે, તેમાં સહી કરે છે. સાંજ થતાં ડોક્ટર આવે છે. તેમને તાર મળ્યો ત્યારે સવારની ટ્રેઈન નીકળી ગઈ હતી. જેતપુરથી પહોંચતા મોડું થયું. ૯ જૂનના રાત્રે ૧૦-૧૦ કલાકે લાઠીના રાજવી સુરસિંહજીનો આત્મા અનંતની વાટે ચાલી નીકળ્યો. તેમણે પોતાનાં સંતાનો, રાણીઓ વગેરેની ભલામણ પોતાના ઓરમાન નાના ભાઈ વિજયસિંહજીને કરી હતી.

બંને કુંવરો છએક વર્ષની ઉંમરના હતા. તેમનાથી નાનાં કુંવરી રમણિકકુંવરબાનાં લગ્ન પછીથી રાજકોટના ઠાકોર લાખાજીરાજ જોડે થયા હતાં. શોભના ૧૯૪૨ સુધી હયાત હતાં. સુરસિંહજીને ઝેર અપાયું હોય એવી શંકા ઊભી થઈ હતી. રાજકોટ એજન્સીએ તેમને નિર્દોષ ગણ્યા હતાં. કલાપીના ચાહકોએ તેમને ક્યારેય માફ કર્યા નહોતાં. કલાપીના પિતાનું અવસાન પણ ઝેર આપવાથી થયું હતું.


કલાપી જતાં તેમનો બહોળો મિત્ર પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. મસ્તકવિ ત્રિભુવન પ્રેમશંકરે ‘કલાપીવિરહ’ નામનું દીર્ઘ સ્મૃતિકાવ્ય લખ્યું. મૂળ પહેરવેશ છોડી પગની પાની સુધી પહોંચતી સફેદ કફની જીવનભર પહેરી. કવિ સંચિતે પછી જીવનભર રંગીન પાઘડી અને રંગીન ખેસ પહેર્યા નહિ. એટલે સુધી કે ગઝલકાર કવિ જગન્નાથ દામોદર ત્રિપાઠી ‘સાગર’ મહારાજે તો કલાપીનાં સદેહે દર્શન પણ કરેલાં નહિ. પરંતુ કલાપીની કવિતાના, પછીનાં વર્ષોમાં, એટલા આશક બન્યા કે અમદાવાદની પોળે પોળે ફરી કલાપીની કવિતાનું ગાન કરતા રહ્યા. તેમને કલાપીની કવિતામાં અભેદમાર્ગનું દર્શન થયું.

જીવનભર સૂફી અલફી ધારણ કરી અને વતન છોડી ચિત્રાલમાં આશ્રમ કરી રહ્યા. ‘કલાપીનો કેકારવ’ની કવિ કાન્ત સંપાદિત આવૃત્તિમાં જે કાવ્યોનો સમાવેશ નહોતો થયો તે સર્વ ઉમેરીને ‘સાગર’ મહારાજે નવી આવૃત્તિનું સંપાદન કર્યું. તે પછી તેનું સંપાદન ડૉ. ઇન્દ્રવદન દવેએ અને છેલ્લે ઝીણવટભર્યા સંશોધન સાથે ડૉ. રમેશ શુક્લે કર્યું. તેમણે કલાપી વિશે આઠ ગ્રંથો આપ્યા અને પત્રોનું પણ સર્વાંગી સંપાદન કર્યું.


કલાપી જેટલા વખણાયા તેટલા વગોવાયા. તેમને વગોવવામાં છેક બ.ક. ઠાકોર જેવા વિદ્વાનો પણ બાકી નહિ. તેમ છતાં કલાપીની લોકપ્રિયતા વધતી જ રહી. કલાપીના અવસાન પછી તેમના વિશે ન લખાયું હોય તેવું કોઈ વર્ષ ખાલી નહિ ગયું હોય. તેમનાં કાવ્યોનાં અનેક સંપાદનો-સંકલનો થયાં, સામયિકોના ખાસ અંકો પ્રગટ થયા. લેખ સંગ્રહો થયા, તેમના સ્મરણમાં સમારંભો થયા. ૧૯૭૪માં તેમનો શતાબ્દી સમારોહ સાહિત્યકારોએ લાઠી આવીને ઉજવ્યો.

અન્યત્ર પણ કાર્યક્રમો થયા. મુંબઈની સિડનહામ કૉલેજમાં કાર્યક્રમ ઉપરાંત ડૉ. ધનવંત શાહે ‘કલાપી દર્શન’ નામનો અભ્યાસલેખોનો ગ્રંથ સંપાદિત કરી પ્રગટ કર્યો. કાન્ત, સાગર, મસ્તકવિ, મૂળચંદ આશારામ શાહ, ચુનીલાલ વર્ધમાન શાહ, નવલરામ ત્રિવેદી, ડૉ. ઇન્દ્રવદન દવે (પીએચ.ડી. મહાનિબંધ), દરબારશ્રી વાજસુરવાળા, ડૉ. રમેશ શુક્લ (પીએચ.ડી. મહાનિબંધ અને અન્ય ગ્રંથો), ડૉ. હેમંત દેસાઈ, ડી.ડી. ધામેલિયા, ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ વગેરેએ તેમના વિશે સ્વતંત્ર ગ્રંથો લખ્યા છે.


રાજ્યોના વિલીનીકરણ પછી બદલાયેલી પરિસ્થિતિમાં કલાપીના રાજમહેલો, ગ્રંથાલય અને અન્ય સ્મરણયોગ્ય સામગ્રી યોગ્ય રીતે સચવાયાં નહિ. કેટલીક મિલકતો વેચાઈ ગઈ, સામગ્રી રફેદફે થઈ ગઈ, જાળવણી નહિવત્ થઈ. તે માટે ઘણા ઉહાપોહ, ચર્ચાઓ, સૂચનો છતાં કશું બનતું નહોતું. ૨૦૦૩-૦૫ દરમ્યાન અમરેલી જિલ્લા કલેક્ટર અને સાહિત્યકાર પ્રવીણભાઈ કે. ગઢવી (આઈ.એ.એસ.)ની પહેલથી કલાપી સ્મારક માટે સારો એવો પુરુષાર્થ થયો. અમરેલીના જાણીતા કવિ અને વ્યવસાયી હર્ષદભાઈ ચંદારાણાનો તેમને પૂરો સાથ મળ્યો.


લાઠીની કાયાપલટ કરવામાં અગ્રેસર મનજીભાઈ આર. ધોળકિયા અને અન્ય અગ્રણીઓ રવજીભાઈ ડાંગર, અનંતરાય ભાયાણી, ધીરુભાઈ પટેલ, કલાપીના વારસો ઠાકોર કીર્તિકુમારસિંહજી (હાલ રાજકોટ) અને મહેન્દ્રસિંહજી ગોહિલ (હાલ અમરેલી) વગેરેના સહયોગથી ‘કવિ કલાપી તીર્થ ટ્રસ્ટ’ની રચના કરવામાં આવી જેના અઘ્યક્ષ તરીકે ઘનશ્યામસિંહજી રાણા છે. તે સૌએ પંદરેક લાખ જેટલું ભંડોળ એકત્ર કરી કલાપી તીર્થ સંગ્રહાલયની રચના કલાપીના સ્મરણ સાથે સાહિત્ય, કલા અને સંસ્કૃતિના વારસાને જાળવવા માટે કરી. તેના ભોંયતળિયામાં કવિ કલાપી, ઐતિહાસિક લાઠી અને વર્તમાન લાઠીને પ્રદર્શિત કરાયેલ છે.

વચ્ચે એક નાનકડું સંગ્રહાલય છે જેમાં કલાપી વિશેનાં ચિત્રો-શિલ્પો-ફોટો, કલાપીના હસ્તાક્ષરમાં પત્રો, કાવ્યો, હસ્તપ્રતો, કલાપી વિશેનાં પુસ્તકો, ઓડિયો કેસેટ્સ, સી.ડી. તેમજ કલાપીનાં પ્રાપ્ત થયાં તે તમામ સ્મૃતિચિહ્નો રજૂ કરવામાં આવ્યાં છે. કલાપીતીર્થ ભવનના ઉપરના માળે એક નાનકડું સભાગૃહ પણ બાંધવામાં આવેલ છે. બુધવાર સિવાય આ સંગ્રહાલયમાં સવાર સાંજ નિઃશુલ્ક પ્રવેશ અપાય છે. વિડિયોગ્રાફી, ફોટોગ્રાફી થઈ શકે છે. ભવિષ્યમાં કવિ કલાપી વિશે પ્રકાશ અને ઘ્વનિ શૉ કરવાનું આયોજન છે. સંગ્રહાલયનું લોકાર્પણ ૨૦૦૫માં થયું, ત્યારે કલાપીને કવિઓએ આપેલી અંજલિઓનાં કાવ્યોનું પુસ્તક ‘...ને સાંભરે કલાપી!’ કલાપીનાં સ્મરણો, ફોટો-ચિત્રોનું પુસ્તક, મનસુખ મકવાણાના સંપાદન હેઠળ, ‘કલાપીનગર લાઠી’ અને સંગ્રહાલયની પરિચયપત્રિકા પ્રકાશિત કરાયેલ છે.


આ પહેલાં ૨૦૦૪માં કવિ કલાપીના જીવન-કવનની સર્વાંગ છબી આપતું ડૉ. ધનવંત શાહનું નાટક ‘રાજવી કવિ કલાપી’ પ્રગટ કર્યું. કોઈ કવિતા જીવનપ્રસંગોનું નાટક નહિ પરંતુ જેને ખરેખર જીવનચરિત્રાત્મક નાટક કહી શકાય તેવું આ નાટક છે. લેખકે તે માટે જાતે સંશોધન કરીને અને ડૉ. રમેશ શુક્લ વગેરેના પ્રાપ્ય સંશોધનોનો આશ્રય લઈને કલાપીના જીવન-કવનને સુગ્રથિતતા અને અધિકૃતતા આપવા પ્રયાસ કર્યો છે. આથી નાટકમાં માત્ર પ્રસંગો જ નથી, તેની સાથે સર્જનના અંશોને ગૂંથી લીધા છે. તે એટલે સુધી કે દરેક દ્રશ્યના અંતે કાવ્યો, ગદ્ય રચનાઓ અને પત્રોના સંદર્ભો ઝીણવટપૂર્વક રજૂ કર્યાં છે.

જેને લેખક પ્રેમ, પ્રથા અને વ્યથાની નાટ્યકથા કહે છે તેવી આ રચના ૩ અંકો અને ૩૪ દ્રશ્યોમાં વહેચાયેલી છે. પરિશિષ્ટોમાં લેખકે દસ્તાવેજી સાધનો તરીકે કેટલાક ઠરાવો, પત્રો, સંદર્ભગ્રંથો, વંશવૃક્ષ વગેરે રજૂ કરેલ છે. તેમાં પણ ‘થેન્ક યુ, મિસ્ટર કલાપી’ તેમના સંશોધન અને કલાપી પ્રત્યેના લગાવની કેફિયત રજૂ કરે છે. લેખકે કલાપીના જીવનના મર્મને સ્પર્શીને કહ્યું છે કે તેમના હૃદયનો સંઘર્ષ રાગ અને ત્યાગ વચ્ચેનો નહિ પણ પ્રેમ અને ફરજ વચ્ચેનો હતો. આ નાટક રંગભૂમિ પર પણ સફળ રજૂઆત પામી ચૂક્યું છે. શીલા અને રાજેન્દ્ર બુટાલા દ્વારા મુંબઈ, સુરત, લાઠી, અમદાવાદ, ગાંધીનગર વગેરે સ્થળે તેના વીસેક પ્રયોગો થયેલા છે. જો કે આ પહેલાં ૧૯૯૯માં મિહિર ભુતા લિખિત અને નૌશિલ મહેતા નિર્મિત-દિગ્દર્શિત ‘હૃદય ત્રિપુટી’ નાટક રજૂ થયેલું.


નાટક દ્વારા કલાપીના જીવન-કવનને મળેલ ઉઠાવ તથા તેની આસપાસ ગૂંચવાયેલા પ્રશ્નોના તેમાં આપેલ જણાતા ઉકેલથી આકર્ષાઈને કલાપી આલ્બમનું નિર્માણ થયું છે. નાટ્યલેખક ડૉ. ધનવંત શાહ નાટકના આધારે ફરી લખી આપેલ સ્ક્રિપ્ટને ઘ્યાનમાં રાખીને રાજેશ પટેલે દર્શન ‘વેવ્ઝ એન્ડ વિજન’ના માઘ્યમથી ૪ ઓડિયો સી.ડી.નું આલ્બમ ‘યાદી ભરી ત્યાં આપની’ ૨૦૦૯માં બહાર પાડેલ છે. મેહુલ બુચના દિગ્દર્શન અને સુરેશ જોષીના સંગીત દ્વારા આકાર પામેલ આ ૫૦૦ રૂ.ના સંપુટના માઘ્યમથી કલાપીની નાટ્યઘટના અને કાવ્ય રચનાઓ હવે ઘેર ઘેર ગુંજતાં થયાં છે. કલાપીના પાત્રને પ્રભાવક અવાજ આપનાર ધર્મેન્દ્ર ગોહિલ, ચિત્રા વ્યાસ, નિયતિ દવે, કમલેશ દરૂ વગેરે કલાકારો છે. શુભા જોષી, રેખા ત્રિવેદી, પાર્થિવ ગોહિલ, સંજય ઓમકાર, શ્રદ્ધા શ્રીધરાણી, નેહા મહેતા, સુરેષ જોષી, ઉદય મઝમુદાર, મનહર ઉધાસ વગેરેએ કલાપીની કવિતાની નજાકત મઘુર કંઠે રજૂ કરી છે. જતે દિવસે કલાપી આલ્બમ ગુજરાતી સાહિત્યનું આભુષણ બની રહેશે.


પ્રજ્ઞા પિક્ચર્સ દ્વારા પ્રબોધ જોશીના લેખન અને મનહર રસ કપુરના દિગ્દર્શન હેઠળ ૧૯૬૬માં રજૂ થયેલ ગુજરાતી ચલચિત્ર ‘કલાપી’ અહીં યાદ કરવું જોઈએ. કલાપીના પાત્રમાં પીઢ અભિનેતા સંજીવકુમાર હતા અને સાથે પદમારાણી, અરુણા ઇરાની વગેરે હતાં. ૪ કલાપીનાં કાવ્યો ગીતો રૂપે રજૂ થયેલાં. બેત્રણ અન્ય હતાં. ગાયક કલાકારો મહેન્દ્ર કપુર, આશા ભોંસલે, ક્રિષ્ના કલ્લે વગેરેએ કંઠ આપેલો. આ પણ ગુજરાતી ફિલ્મનું નજરાણું ગણાય.


જેમનું જીવિત માત્ર જ એક કાવ્ય ગણાવું, જેમણે ગાઢ પ્રણયમાં પણ ન્યાય અને ફરજ છોડ્યાં નહિ, પ્રજા વત્સલતાથી રાજવહીવટ કર્યો, વેદનામાં ગળાડૂબ છતાં નિષ્ઠા છોડી નહિ, છવ્વીસ વર્ષના મર્યાદિત આયુષ્યમાં ગુજરાતી અંગ્રેજી, સંસ્કૃત ભાષામાં ૫૦૦ જેટલાં પુસ્તકો વાંચીને અભ્યાસનિષ્ઠા બતાવી, ગુજરાતી કવિતા અને ગદ્યને સમૃદ્ધ કર્યાં એવા સજ્જન રાજવી કવિને ગુણવંતી ગુજરાત ક્યારેય ભૂલશે નહિ.

- ગુણવંત છો. શાહ

રે પંખીડાં!

રે પંખીડાં! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
શાને આવાં મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?

પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું,
ના ના કો દી તમ શરીરને કાંઈ હાનિ કરું હું.

ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં,
ખુલ્લું મ્હારું ઉપવન સદા પંખીડાં સર્વને છે,

રે રે ત્હોયે કુદરતી મળી ટેવ બ્હીવા જનોથી,
છો બ્હીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની.

જો ઊડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા!
પા’ણો ફેંકે તમ તરફ, રે! ખેલ એ તો જનોના!

દુઃખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી,
રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી.
- કલાપી
 
એક ઘા

તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો,

છૂટ્યો તે ને ચરરર! પડી ફાળ હૈયા મહીં તો!

રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાતાં,

નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં,

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારાજથી આ,

પાણી છાંટ્યું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના,

ક્યાંથી ઊઠે ? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!

ક્યાંથી ઊઠે? હૃદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,

મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?

જીવ્યું, આહા!  મઘુર ગમતાં ગીત ગાવા ફરીને,

આ વાડીનાં મઘુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મારી ન આવે,

આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને,

રે રે! શ્રદ્ધા ગત જઈ પછી કોઈ કાળે ન આવે,

લાગ્યા ઘાને વીસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
- કલાપી
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/62094/369/

રાજવી કવિ કલાપીએ ગદ્ય સાહિત્યને.... (For my personal record)


નેટવર્ક
આના લેખક છે GS NEWS   
બુધવાર, 28 એપ્રિલ 2010
યાદી ભરી ત્યાં આપની....લેખાંકઃ૨
રાજવી કવિ કલાપીએ ગદ્ય સાહિત્યને પણ પદ્યથી નવરાવેલું છે !
એમના પ્રકૃતિ વર્ણનો એટલે કોઈ ચિત્રકારે પીંછીથી દોરેલું ચિત્ર !
ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ નભુભાઈ, જન્મશંકર બુચ ‘‘લલિત’’ જેવા ગુજરાતી સાહિત્યના કલગીરૂપ મુગટો લાઠીમાં કલાપીના મહેમાન તરીકે મહિને બે મહિને જઈને રહેતા
કલાપીના જીવનના ૧૮૯૪ થી ૧૮૯૮ સુધીના ચાર વર્ષ હૃદયદ્રાવક પીડા, તડપન, હૃદયમંથન અને આંતરબાહ્ય સંઘર્ષના હતા અને વ્યથાના દરિયામાં વીતેલા


network.gif ગુજરાતની પ્રજાએ જે ગણ્યાગાંઠ્યા ગુજરાતી કવિઓને વહાલા ગણીને કંઠે કર્યા છે એમાં નર્મદ, કલાપી અને મેઘાણી મુખ્ય છે. એ કલાપીની ૧૧૦મી મૃત્યુતિથિ જૂનની ૧૦મી તારીખે આવે છે. (જન્મ ૨૬-૧-૧૮૭૪ અને અવસાન ૧૦-૬-૧૯૦૦)એ નિમિત્તે લખાયેલા ત્રણ લેખોમાંનો આ બીજો લેખ છે.

કલાપીએ ગદ્યસાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં આપ્યું છે. કવિત્વમય પ્રકૃતિવર્ણનો, ચિંતન અને સરળ ગદ્યપ્રવાહવાળો ‘કાશ્મીરનો પ્રવાસ’ ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. લોકસાહિત્ય અને ધાર્મિક દંતકથાઓના આધારે તેમણે લખેલા ચાર સંવાદનો જેમાં જેસલતોરલ, જાલોધંરનાથ, મેનાવતી, ગોપીચંદ વગેરે પાત્રરૂપે આવે છે તે આજે પણ વાંચવા ગમે તેવા છે. ‘નારીહૃદય’ સહિતની તેમની બે અનુવાદિત નવલકથાઓ છે.

‘સ્વીડનબોર્ગના ધર્મવિચારો’ તે તેમનો ચિંતનગ્રંથ છે. આ બધામાં શિરમોરરૂપ તેમના આઠસો જેટલા પત્રો છે જે ગ્રંથરૂપે પ્રગટ થયેલા છે. તેમને પત્રરૂપે લખવાનું એટલું બઘું ગમતું કે સંવાદો સિવાયના તેમના કેટલાક ગદ્યગ્રંથો પત્રરૂપે લખાયા છે. પત્રોમાં તેઓ સાહિત્ય કે અન્ય વિષયની ચર્ચાઓ ધારદારરૂપે કરે છે અથવા પ્રકૃતિનાં દ્રશ્યો ચિત્રકારની પીંછીની જેવી સુરેખતાથી આલેખે છે. અંગત પત્રોમાં તેઓ હળવા વિનોદો કરે છે, લાગણીઓ વહાવે છે અને ક્યારેક તો એક બે લીટીમાં ગદ્યાત્મક ઊર્મિકાવ્ય રચી દે છે.

જેમકે ઃ ‘વ્હાલા ભાઈ, વર્ષાદ થયો - હવે આપ પણ વર્ષો - પધારો. આપનો સુરસિંહ.’ વળી લખે છે ઃ ‘‘આજે કલમ આનંદમાં ઊછળે છે. ઓહોહો ! હવે તો અમારા સદુભા ખચારીિ થયા. વધામણી તો મ્હેં આપી છે. શું આપશો ? હું માગું તે-તેમાં ‘હા’ ના ચાલે નહિ. શું માગીશ ? બસ. રજામાં અહીં આવો. બીજું કાંઈ જ નહિ એ જ હાલ તો. (સદુભા એટલે સહાઘ્યાયી, મિત્ર, અને સંબંધી એવા મહાન ક્રાંતિકાર એટલે લિંબડીના રાજવી સરદારસિંહજી રાણા).


બ્રિટિશ વહીવટના શિરસ્તા પ્રમાણે સુરસિંહજીને એકવીસ વર્ષની વયે રાજ્ય સોંપાયું (૨૧-૧-૧૮૯૫). નાના રાજ્ય લાઠીનાં ગામ ૧૨ પણ તે ઉપરાંતનાં ઘોઘા તાલુકામાં અત્યારે છે તે વાળુકડ, ભીકડા, લાખણકા વગેરે ગામોની જાગીર પણ હતી જે રાજ્ય કરતાં ય વઘુ આવક આપતી. કલાપીએ રાજ્યવહીવટ પણ સક્ષમતાથી અને પ્રજાવત્સલતાથી કર્યો. પોતાના આદર્શ ચિંતનશીલ રાજવીની છબી કલાપીના ‘ગ્રામ્યમાતા’’’ કાવ્યમાં જોઈ શકાશે. વહીવટ માટે ઉપયોગી કાયદાનાં પુસ્તકોનો અભ્યાસ લાઠીના ન્યાયાધીશ કેશવરામ ફકીરભાઈ પાસે કરતા અને બધા વિભાગોની મુલાકાત લઈ રાજકામ અને ન્યાયમાં ઘણા બધા સુધારા કરેલા. ઓફિસોમાં ઓચિંતા પહોંચી જાય, દવાખાનાં, નિશાળો અને છેક ખેતરોમાં પટેલો પાસે પહોંચી જઈ સૌનાં દુઃખો, અગવડો, અપેક્ષાઓની વાતો સાંભળતા, સૌને સંતોષવા પ્રયાસો કરતાં.


કલાપીના મિત્રો અને સાહિત્યકારોનો દરબાર ઘણો વિશાળ હતો. ‘જટિલ’ ઉપરાંત રૂપશંકર ઓઝા ‘સંચિત’ મિત્ર હતા અને નાયબ કારભારી તરીકે સેવા આપતા. મિત્ર કવિ ત્રિભુુવન પ્રેમશંકર મસ્તકવિ તરીકે ઓળખાતા અને કલાપી સાથે રહેતા. જનમશંકર બુચ ‘લિલત’ પણ લાઠીમાં લાંબો સમય નિવાસ કરતાં. મણિલાલ નભુભાઈ અને ગોવર્ધનરામ ત્રિપાઠીને મહિનો બે મહિના લાઠી રાજ્યના મહેમાન તરીકે નિમંત્રતા. ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા ભાગનાં કેટલાંક પ્રકરણો લાઠીમાં લખેલાં. કવિ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાંતે’ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો ત્યારે મોટા ભાગના સંબંધીઓ-મિત્રો મોઢું ફેરવી ગયા હતા.

અત્યંત કોમળ હૃદયના લાગણીશીલ કાંત વિષાદમાં હતાં. ત્યારે માત્ર કલાપી તેમની સાથે ઊભા રહ્યા હતા. તાર કરી કાન્તને લાઠી બોલાવી લીધા અને મહિનો રોકયા હતા. મસ્તકવિ કોઈ કારણે નારાજ થઈ લાઠી છોડી ગયા ્યારે મહારાજા ભાવસિંહજીને ભાવનગર કાગળ લખી કવિ માટે ભલામણ કરી હતી જે માન્ય કરી ભાવસિંહજીએ અંત સુધી મસ્તકવિને સેવામાં રાખીને તથા અન્ય ઘણી રીતે સાચવ્યા હતા. હડાળા દરબાર વાજસુરવાળા, બાવાવાળા સરદારસિંહ વગેરે તો કલાપીના અભ્યાસ સમયના સહાઘ્યાયીઓ અને અંતરંગ મિત્રો હતાં.


આ બધાને મળવાનું ન થાય ત્યારે વિગતે પત્રવ્યવહાર ચાલતો અને પોતાનાં કાવ્યોની નકલો સૌને મોકલાતી. અભિપ્રાયો મળતાં કાવ્યોમાં ફેરફાર પણ થતા. મળતી વિગતો પ્રમાણે જટિલે ‘હમીરજી ગોહેલ’ દીર્ઘકાવ્ય માટે માળખું રચી આપ્યું હતું અને મસ્તકવિએ વઘુ મદદ કરી હતી. રૂપશંકર ઓઝા ‘સંચિતે’ ઘણાં કાવ્યોમાં સુધારાવધારા કરી આપેલા . ડૉ. રમેશભાઈ શુકલે ‘કલાપી અને સંચિત’ નામનો મહાનિબંધ લખી આપી ઘણી વિગતો રજૂ કરી છે. જેમાં તેઓ સંચિત તરફ વઘુ ઢળ્યા હોવાનું પણ કહેવાયું છે. જો કે કલાપી વઘુ જીવ્યા હોત તો સૌમિત્રોનો ઋણસ્વીકાર ખુલ્લા દિલથી કરત. મિત્રો કાવ્યરચનાઓ મઠારી આપે, ઉમેરા કરી આપે તે બિના સાહિત્યજગતમાં નવી નથી.

પરંતુ એ બધી વિગતોને ઘ્યાનમાં લેતાં પણ કલાપીની પ્રતિભા મૂઠી ઊંચેરી હતી તે સૌ સ્વીકારશે. જે સક્ષમ હોય તેની ઉપર જ વઘુ પ્રહારો થતા હોય છે અને તે પ્રહારો સહન કરીને પણ પોતાનું ખમીર અવિચળ દર્શાવી આપે છે. કલાપીએ તો ગુજરાતી સાહિત્ય જગતના ૧૦૦ જેટલાં સાક્ષરોની યાદી કરી હતી અને તેનું સંમેલન લાઠીમાં બોલાવવાની યોજના વિચારી હતી. તેમના અકાળ અવસાનથી તે યોજના પાર ન પડી. પણ તેમના જવા પછીથી પાંચ જ વર્ષમાં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નો ગો.મા. ત્રિપાઠીના પ્રમુખસ્થાને આરંભ થયો. જેનું ૧મું સંમેલન ૧૯૩૩-૩૪માં લાઠી, મુકામે યોજાયું હતું.


જેના પ્રત્યે બાળક કે શિષ્યા તરીકેનો વત્સલ ભાવ હતો તે દાસી મોંઘી-શોભના પ્રત્યે કલાપીને પોતાની વીસ વર્ષની ઉંમરે પ્રણયભાવ જન્મ્યો (૧૮૯૪). શોભનાની ઉંમર ત્યારે ૧૨-૧૩ વર્ષ. પટરાણી આનંદીબાને પોતાનાં વસ્ત્રો અલંકારો અને કુટુંબ વ્યવાહરોમાં વઘુ રસ હતો જેમાં સુરસિંહજીનો સહકાર મળી રહેતો. રમાબાને રાજખટપટ, કાવાદાવા અને પોતાનું જ વર્ચસ જળવાઈ રહે તેવી મહત્ત્વાકાંક્ષામાં જ વઘુ ઘ્યાન પડતું. જે અધિકારી કે નોકર પર તેમને વિશ્વાસ ન હોય તેને દૂર કરાવવા કે અંતે પરેશાન કરવા અથવા પોતાના મેળમાં લાવવા તેઓ પ્રયત્ન કરતાં. સુરસિંહજીને રાજસત્તામાં જ રસ ન હતો. એટલે આવી ખટપટો ગમતી નહિ. રાજ્ય છોડી વાચન-લેખન માટે નિવૃત્ત થઈ જવા ઘણીવાર વિચારણા કરેલી. રમાને આ વિચાર પસંદ નહોતો. શોભનાને સુરસિંહજીની સેવામાં રમા જ વઘુ મોકલતાં જેવી તેના નિમિત્તે પતિ પર પોતાનું પ્રભુત્વ વધે.


દેશી રાજાઓ અન્ય જ્ઞાતિની સ્ત્રીઓ સાથે લગ્ન વગર સંબંધો રાખે તેવું બહુ ચાલતું. પરંતુ સુરસિંહજીનો શોભના પ્રત્યે વધતો રહેલો પ્રણયભાવ એ ચીલાચાલુ બાબત ન રહ્યો. પોતે કેન્દ્રમાં ન હોય અને અન્ય સ્ત્રી તરફ ભાવ વધે તે રમાને મંજૂર ન હતું. સુરસિંહજીએ તો ‘ચાહું છું’ તો તો ચાહીશ બેયને હું એવો મક્કમ નિર્ધાર કરી શોભના પ્રત્યેના પ્રેમનો એકરાર કર્યો. પણ તેમનો તો નિશ્ચય હતો કે પોતાના પ્રેમને મોભો આપવા તેઓ શોભના સાથે લગ્ન કરશે. રમા પોતાની જ દાસીને શોક્ય તરીકે સ્વીકારવા તૈયાર ન હતાં. અતિ આગ્રહે સંબંધ રાખવા દેવા પૂરતી સંમતિ આપી જે વાત સુરસિંહજીને માન્ય ન હતી. તેઓ ‘હમીરજી ગોહેલ’ દીર્ઘકાવ્ય લખવા મહાબળેશ્વર ગયા હતા. એ દિવસોમાં રમાએ શોભનાનાં લગ્ન તેના જ્ઞાતિના એક યુવક ગાંભા સાથે કરાવી દીધાં. કલાપીને તારથી તેની જાણ કરી. તેઓ ક્ષુબ્ધ તો થયા, પણ પ્રેમપાત્ર અન્યત્ર સુખી થાય તો મન વાળી લેવા પ્રયત્નશીલ હતા. પણ શોભનાનો પત્ર આવ્યો કે તેનો પતિ અત્યંત ત્રાસ આપે છે, તે આપઘાત કરે તેમ છે, બચાવવા આજીજી કરે છે.


કલાપીના જીવનનાં ૧૮૯૪ થી ૧૮૯૮ના ચાર વર્ષ હૃદયદ્રાવક પીડા, તડપન, હૃદયમંથન અને આંતરબાહ્ય સંઘર્ષનાં હતાં. કલાપીને પ્રણયમાં બંધન સ્વીકાર્ય ન હતાં. તેમ પ્રેમપાત્ર દુઃખી થાય તે મંજૂર ન હતું. વાજ સુરવાળા, સંચિત વગેરે મિત્રોએ મણિલાલ નભુભાઈ સાથે ચર્ચા કરો. પણ કલાપીએ અન્ન ત્યાગ કર્યો, લાઠી-રાજગાદી છોડી દેવા વિચારણા કરી, હૃદયથી ખૂબ વ્યથિત હતાં. અંતે પતિની હૃદયદ્રાવક સ્થિતિ જોઈ રમાએ કચવાતે મને લગ્ન માટે હા કહી. કલાપીએ શોભનાને બોલાવી લઈ અલગ બંગલામાં રાખી તે પોતાની સાથે લગ્ન માટે ખરેખર સંમત છે કે નહિ તે જાણી લીઘું. અંતે ૧૮૯૮ના સપ્ટેમ્બરમાં પુસ્તકની સાક્ષીએ લગ્ન થયાં. શોભનાને ત્રાસ આપનાર પૂર્વ પતિ ગાંભાના નિભાવખર્ચ માટે કલાપીએ ઉદારદિલે વ્યવસ્થા કરી આપી હતી.


દરમ્યાન કલાપીની એક શંકા મજબૂત બની કે રમાથી થયેલા તેમના કુમાર પ્રતાપસિંહજીના જન્મ સમયે બ્રિટિશ પ્રથા અનુસાર અંગ્રેજ નર્સને હાજર રાખવા રમા સંમત થયાં ન હતાં. આથી તેમને જણાયું કે કુમાર ભલે રાજબીજ હતા પણ પોતાના પુત્ર નહોતાં. આથી તેમને લાગ્યું કે રાજગાદીના ખરા વારસ આનંદીબાના પુત્ર જોરાવરસિંહજી ગણાય. એટલે પોતે પ્રતાપસિંહજીને યુવરાજ ઠરાવી જોરાવરસિંહજીને અન્યાય કર્યો છે. કોઈને પણ અન્યાય થાય તે કલાપીને માન્ય ન હતું. આથી અંગ્રેજ એજંસીને લખીને તથા પોલિટિકલ એજંટને રૂબરૂ મળીને તેઓ જણાવવા માગતા હતા કે તેઓ લાઠી રાજ્ય સંભાળી લે અથવા સાચા વારસ જોરાવરસિંહજીને યુવરાજ જાહેર કરે.


શોભના સાથે લગ્ન થતાં કલાપી સંતોષ અને આનંદ સાથે રહેતા હતા. આગળના વિરહના સમયમાં વેદનાભર્યા કાવ્યો લખાયાં. હવે સંતોષ સાથે પ્રભુપરાયણતાનો ભાવ ઉપસ્યો. ઃ ‘‘હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત હરિને.’’ એ વિચાર ધૂંટાતો રહ્યો. રમાની ખટપટથી કંટાળીે સંચિત લાઠી છોડી ગયા, કારમા દુષ્કાળનું વરસ હતું, મનમાં શંકાઓ ઘોળાતી હતી. તેમ છતાં સ્વસ્થ રહીને રાજકાજમાં ઘ્યાન આપતા હતા, કવિતાઓ લખાતી હતી. તે સાથે ગાદીત્યાગનું આયોજન અંતિમ સ્તરે પહોંચી ચૂક્યું હતું.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/62088/369/

કલાપી કવિ હતા કે સ્નેહી? (For my personal record)

કલાપી કવિ હતા કે સ્નેહી? છાપો ઈ-મેલ
નેટવર્ક
આના લેખક છે GS NEWS   
સોમવાર, 26 એપ્રિલ 2010
AddThis
ગુજરાતીઓએ જે કવિઓને અતિશય પ્રેમ આપ્યો છે એવા લોકપ્રિય બનેલા ત્રણ કવિઓ છે ઃ નર્મદ, કલાપી અને મેઘાણી
ગુજરાતીઓના પ્રિયકવિ કલાપીની ૧૧૦મી મૃત્યુતિથિ જૂનની ૧૦મીએ છે એ નિમિત્તે ખાસ લેખ ઃ ૧
ફક્ત ૨૬ જ વર્ષ જીવેલા રાજવી કવિ કલાપીની ૧૩૫ વર્ષ પહેલાંની પ્રેમકથની
છેલ્લાં ૧૫૦ વર્ષથી આઘુનિક ગુજરાતી કવિતાના પાંચ શ્રેષ્ઠ કવિઓમાં જેનું સ્થાન છે તે તો કલાપી જ!

network-27.JPG કવિ કાન્તે કહેલું કે કલાપી કવિ નથી, સ્નેહી છે. કલાપી પણ કહે છે મારી કવિતાને હું કવિતા કહેતો નથી. હું કવિ છું એવું હું માની જ શક્યો નથી. મને વિચારો ગોઠવતાં આવડતું નથી, મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે.

આમ છતાં ગુજરાતીઓના ઘરે ઘરે કલાપીની કવિતા સૌથી વઘુ વર્ષોથી વંચાતી રહી છે, સૌએ તેને કવિ તરીકે પ્રણામ્યા છે. તેમ પ્રેમી તરીકે પણ સૌએ તેમને ઓળખ્યા છે, સન્માન્યા છે, અંજલિઓ આપી છે. તાજેતરમાં બહાર પડેલ પ્રણવ પંડ્યા સંપાદિત સંગ્રહ ‘...ને સાંભરે કલાપી’માં કલાપીને કાવ્યાંજલિઓ આપતી જુદા જુદા ગુજરાતી કવિઓની ૬૩ રચનાઓ પ્રગટ થઈ છે.


ગુજરાતના જે કવિઓને પ્રજાએ અતિશય પ્રેમ આપ્યો છે તેમને વ્હાલપથી એક વચને સંબોઘ્યા છે. તેવા લોકપ્રિય બનેલા ત્રણ કવિઓ છેઃ નર્મદ, કલાપી અને મેઘાણી. તેમાં પણ છેલ્લાં દોઢસો વર્ષ આઘુનિક ગુજરાતી કવિતાના પાંચ શ્રેષ્ઠ કવિઓમાં જેનું સ્થાન છે તે તો કલાપી જ. રાજા હોય અને ઊંચા દરજ્જાના કવિ પણ હોય એવા અનોખા માનવીઓમાં કલાપીનું આગળ પડતું સ્થાન છે. જગતના મોટા કવિઓમાં જેમનું સ્થાન છે તે શેલી ૨૯ વર્ષ જીવ્યા હતા, જ્યારે કીટ્સે માત્ર ૨૬ વર્ષ જેટલું જ આયુષ્ય ભોગવ્યું હતું. તેમાં કવિ કલાપીનું પણ સ્થાન છે જેમણે ૨૬ વર્ષની ઉંમરે જીવનલીલા સંકેલી લીધી હતી.

લાઠીના રાજવી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (૧૮૭૪-૧૯૦૦) જગવિખ્યાત સૂર્યવંશી ગોહિલકુળમાં જન્મ્યા હતા. ગોહિલો દક્ષિણના ચંદ્રવંશી ગણાતા શાલિવાહનના વંશજો નથી, પણ સૂર્યવંશી ગુહ રાજાના વંશજો છે. તેમના વંશજોની ગોહિલ-ગેહલોત, સીસોદિયા વગેરે ૨૪ શાખાઓ છે. તેમના વંશજોની તેમનામાંથી મેવાડ-ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા, પ્રતાપગઢ, નેપાલ, બડવાની, ભાવનગર, પાલિતાણા, વળા, લાઠી, રાજપીપળા, ધરમપુર, મુધોળ, કોલ્હાપુર વગેરે રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં તેમ ઇતિહાસ કહે છે. આ સૌમાં ગોહિલ-ગેહલોત શાખા સૌથી પ્રથમ સ્થાને હોવાથી સૌરાષ્ટ્ર્ના ગોહિલ રાજવીઓને મેવાડ-ઉદયપુરના રાજવંશીઓ મોટાભાઈ તરીકે સન્માને છે.


સૌરાષ્ટ્રના ગોહિલોના પૂર્વજો મારવાડમાં ખેડ (ખેરગઢ)માં રાજ્ય કરતા હતા. તે છોડીને સેજકજી ગોહિલ (૧૨૫૦-૧૨૯૦) સૌરાષ્ટ્રમાં આવી રા’ મહીપાલના સામંત તરીકે રહ્યા. તેમણે પોતાનાં કુંવરી વાલમ કુંવરબાને રા’ના કુંવર ખેંગાર વેરે પરણાવ્યાં ત્યારે રા’એ તેમના બે પુત્રો (વાલમકુંવરબાના ભાઈઓ)ને ચોવીસીઓ (ચોવીસ ગામની જાગીરો આપી. તે પૈકી માંડવી ચોવીસીમાંથી આગળ જતાં પાલિતાણા રાજ્ય થયું અને અરથીલા ચોવીસીમાંથી લાઠી રાજ્યનો ઉદય થયો. તેમના મોટા ભાઈ રાણજીએ રાણપુર (હાલ અમદાવાદ જિલ્લામાં) વસાવ્યું અને ગઢ બંધાવ્યો. તેમના દીકરા વીર મોખડાજીએ ઘોઘા અને પીરમબેટમાં રાજધાની કરી, તે પછીના રાજાઓએ રાજધાની ઉમરાળા અને શિહોર લઈ જઈ અંતે ભાવનગરની ૧૭૨૩માં સ્થાપના કરી.


લાઠીમાં જે રાજવંશ ચાલ્યો તેમાં હમીરજી ગોહિલનું આગવું સ્થાન છે જેમણે સોમનાથ ઉપરના મહમદ ગીઝનીના આક્રમણ વખતે વીરગતિ પ્રાપ્ત કરી હતી. આગામી નવેમ્બર આરંભે ત્યાં હમીરજીની ઘોડા સાથેની પૂર્ણ કદની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ થવાનું છે. લાઠી ઘણું નાનું રાજ્ય હતું. તેની આસપાસ ઘણાં કાઠીઓનાં રાજ્યો હતાં તેની રંજાડ રહેતી. ઠાકોર લાખાજીએ આપબળે લાઠીનું રક્ષણ કર્યું હતું તેમ રાજવીઓ સાથે સારા-સંબંધો પણ રાખ્યા હતા. એટલે કહેવાય છે કે ‘કોરેમોરે કાઠી, વચમાં લાખાની લાઠી.’ લાખાજી પછી દાજીરાજ ઉર્ફે અમરસિંહજી ગાદીએ આવ્યા. ટૂંક સમયમાં તેમના અવસાનથી તેમના નાનાભાઈ તખ્તસિંહજી ગાદીએ આવ્યા.


તખ્તસિંહજીને ત્રણ પુત્રો હતા. ભાવસિંહજી સુરસિંહજી અને વિજયસિંહજી. તેમાં ભાવસિંહજી યુવરાજ હતા. આથી સુરસિંહજી (કલાપી) દત્તક લીધેલા હતા કે રાજબીજ નહોતા વગેરે વાતો વહેતી થયેલી તે કપોળકલ્પિત ઠરે છે. સુરસિંહજી હજી થોડા મહિનાના જ હતા એટલામાં ભાવસિંહજીનું ઘોડા પરથી પડી જવાથી અવસાન થયું. આથી સુરસિંહજી યુવરાજ બન્યા. પાંચ જ વર્ષમાં તખ્તસિંહજીનું અવસાન થતાં સુરસિંહજી ગાદીવારસ બન્યા, તેમને શિરસ્તા પ્રમાણે રાજતિલક કરવામાં આવ્યું. (ઈ.સ. ૧૮૭૯)


આમ સુરસિંહજી લાઠીના ઠાકોર તખ્તસિંહજીના બીજા ક્રમના રાજકુમાર હતા. તેમનો જન્મ ૨૬ જાન્યુઆરી, ૧૮૭૪ના રોજ થયો હતો. તખ્તસિંહજીનાં ગણોદવાળાં રાણી રામબા તેમના માતા થતાં હતાં. ઠાકોરના અવસાન પછી રાજ્યનો વહીવટ પ્રણાલિકા પ્રમાણે અંગ્રેજ સરકારે નિયુક્ત કરેલા અધિકારી દ્વારા થતો હતો. સુરસિંહજીને ખાનગી ખર્ચ માટે બાંધી રકમ અને સુવિધાઓ આપવામાં આવતાં હતાં.


આઠ વરસની ઉંમરે સુરસિંહજીને અભ્યાસ માટે રાજકોટની રાજકુમાર કોલેજમાં દાખલ કરવામાં આવ્યા. ફૂટબોલ અને ટેનિસના તેઓ સારા ખેલાડી હતા. અભ્યાસ ઘ્યાન દઈને કરતા. પણ રમતિયાળ એટલા જ હતા. કોઈ પણ પંખીનો અવાજ તેઓ મોઢેથી કાઢી શકતા. એટલે સુરસિંહની આસપાસ કુમારોનું ટોળું વળેલું રહેતું. ફરમાઈશ પ્રમાણે તેઓ પંખીના અવાજની નકલ કરતા. અંગ્રેજ પ્રિન્સિપાલ મેકનોટન (તેમનો કુમારો ‘ભાભો’ એવા નામથી ઉલ્લેખ કરતા) ઘણા કડક હતા. તેઓ બે-ત્રણ વખત જોઈ જતાં પંખીનો અવાજ કાઢવા પર તેમણે પ્રતિબંધ મૂકી દીધો. હવે સુરસિંહ એકલા પડી ગયા. એકવાર એકલા એકલા પંખીના અવાજની સુંદર નકલ કરતા પ્રિન્સિપાલ સાંભળી ગયા. સુરસિંહનું ઘ્યાન નહોતું. મેકનોટન હસી પડ્યા. ત્યારથી તેમણે તેની ફરીથી છૂટ આપી દીધી.


પંદર વર્ષની ઉંમરે સુરસિંહજીનાં બે રાજકુમારીઓ સાથે લગ્ન થયાં. રાજપૂતોમાં આજે પણ રિવાજ છે કે થોડાં લોકો ખાંડું (તલવાર) લઈને જાય અને કન્યાને વરના ગામ લઈ આવે. બે, ત્રણ કે વઘુ કન્યાઓ સાથે એક જ માંડવે લગ્ન થાય ત્યારે આ જરૂરી બનતું હશે. રિવાજ માટે બીજું કારણ એ હશે કે લગ્ન માટે નિમંત્રીને દગાફટકાથી મારી નાખે તેવા બનાવો બનતા. એકથી વઘુ કન્યા સાથે લગ્ન થાય ત્યારે જેની સાથે વરરાજા પહેલા ફેરા ફરે તે પટરાણી ગણાય.

ગોડંખ પાસેના કોટલા સાંગાણીનાં કુંવરી કેશરબા (શ્વસુરગૃહે નામ આનંદીબા)ને તેમના સંબંધીઓ વહેલા ફેરા ફેરવાવી શક્યા એટલે તે પટરાણી ઠર્યાં, કચ્છના સુમરીરોહાનાં બીજાં રાજકુમારી રાજબા (રમા) પછીથી પોખાણા. છતાં પોતાની હોશિયારી અને ચતુરાઈથી સુરસિંહનો પ્રેમ મેળવી સ્નેહાજ્ઞી બની રહ્યાં. તેઓ કલાપીથી આઠ વર્ષ મોટાં હતાં, આનંદીબા બે વર્ષ મોટાં હતાં. આનંદીબા સાથે કલાપીને મનમેળ થયો જ નહીં, કેટલાંક વર્ષ અબોલા રહ્યાં. આમ છતાં, સુરસિંહજીએ પતિધર્મ ન્યાયપૂર્વક બજાવ્યો.


સુરસિંહજીને આંખની તકલીફ થતાં રાજકોટમાં અલગ મકાન (લીંબડીનો ઉતારો) રાખી બંને રાણીઓ સાથે રહ્યા.રમાબા સાથે કચ્છથી સાત આઠ વર્ષની છોકરી મોંઘી વડારણ તરીકે આવી હતી. આ સુંદર અને ચપળ છોકરીને જોઈને સુરસિંહજીને વાત્સલ્ય ભાવ પ્રગટ્યો. તેને જાતે ભણાવી, કવિતા વાંચતાં લખતાં પણ શીખવી.

સોળ વર્ષ પૂરાં થયા પછી સુરસિંહજીનો રાજકુમાર કૉલેજનો અભ્યાસ પૂરો થયો (ઑગસ્ટ ૧૮૯૧). બ્રિટિશ પઘ્ધતિ પ્રમાણેનો તે અભ્યાસ મેટ્રિક સુધીનો ગણાતો. એજંસીની કાર્યપઘ્ધતિ અનુસાર અભ્યાસના ભાગ રૂપે કુમારોને દેશદર્શન કરાવવામાં આવતું. અન્ય કુમારો, સહાયકો વગેરેના ૧૬ વ્યક્તિઓના સમૂહ સાથે કાશ્મીર અને અન્ય સ્થળોનો પ્રવાસ યોજાયો. સાત મહિનાના આ પ્રવાસ દરમ્યાન અઢાર વરસની ઉંમરે સ્ટીમલોંચમાં બેસીને માત્ર સાત દિવસમાં સુરસિંહજીએ ‘કાશ્મીરનો પ્રવાસ’ લખ્યો જે ગુજરાતી ભાષાનો એક ગણનાપાત્ર ગદ્યગ્રંથ ગણાય છે.

આ પહેલાં સોળ વરસની ઉંમરે સુરસિંહે કાવ્યરચનાનો પ્રારંભ કરી દીધો હતો. ૨-૯-૧૮૯૦ના દિવસે પહેલી કવિતા રમાબાને સંબોધીને લખી હતી જે અપ્રગટ છે. અઢાર વરસની ઉંમર સુધીમાં ગુજરાતી સાહિત્યનું બહોળું વાચન કરી લીઘું હતું. લાઠીમાં શિક્ષકો રાખીને સંસ્કૃત શીખવાનું, અંગ્રેજી સાહિત્યનું પુષ્કળ વાંચન કરવાનું, ફારસી પણ શીખવાનું શરૂ રાખ્યું હતું. લગભગ એ જ સમયે મણિલાલ નભુભાઈ દ્વિવેદીના સામયિક ‘સુદર્શન’માં પ્રથમ ગઝલ ‘ફકીરી હાલ’ જી.્.ય્. ની સંજ્ઞા સાથે છપાઈ હતી. (૧૫-૧૦-૧૮૯૨). અઢાર વર્ષની ઉંમરે જ મણિલાલ નભુભાઈ સાથે પત્રવ્યવહાર શરૂ થયો અને એમને પોતાના ગુરૂપદે સ્થાપ્યા. આ જ વર્ષે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી સાથે પત્રવ્યવહાર શરૂ થયો. અંત સુધી રાજ્ય વહીવટ માટે તેમનું માર્ગદર્શન મેળવવાનું રહ્યું હતું.


સોળથી છવ્વીસ વર્ષની ઉંમરનાં માત્ર ૧૦ વર્ષ દરમ્યાન સુરસિંહે પુષ્કળ સાહિત્યસર્જન કર્યું છે. તેમાં ૧૫૦૦૦ પંક્તિઓ સુધી વ્યાપેલાં ૨૫૯ કાવ્યોનો સમાવેશ થાય છે. તેમાં એક દીર્ઘકાવ્ય, ૧૧ ખંડકાવ્યો, ૫૯ ગઝલો અને ૧૮૮ ઊર્મિકાવ્યો છે જે ૨૫ જેટલા વિવિધ છંદોમાં લખાયેલ છે. તેઓ ખૂબ ઝડપથી લખી શકતા. પોતે જ લખે છે તેમ રસનું કાવ્ય હોય તો ચોવીસ લીટી પાંચ મિનિટનું કામ છે અને ઉમેરે છે કે તેવા હૃદયના વેગ વિના હું કવિતા કરતો જ નથી.

તેમણે અનેક પ્રણય કાવ્યો આપ્યાં છે જે ઘણાં લોકપ્રિય થયાં છે. તેમની કવિતામાં ચિત્રાત્મકતા, ચિંતન અને ભાવપ્રણવતા રહેલાં છે જેનાથી પેઢીઓ સુધી તે કાવ્યો સતત વંચાતાં રહ્યાં છે. ‘કલાપીનો કેકારવ’ની એટલે જ અત્યાર સુધીમાં ૨૦ આવૃત્તિઓ થઈ છે અને તે ચપોચપ ઉપડી ગઈ છે. તેમનું કાવ્ય ‘આપની યાદી’ તો ગાંધીજી જેવા અનેકને પ્રિય થઈ પડ્યું હતું. ‘હૃદય ત્રિપુટી’માં પ્રેમનું આલેખન છે તેમ કેટલીક રૂપકાત્મક રીતે આપકથા પણ છે.


છેક ૧૯૯૩માં પોતાનાં કાવ્યોનો સંગ્રહ કરવાનું કવિએ નક્કી કર્યું હતું અને પોતાનું ઉપનામ ‘મઘુકર’ તથા સંગ્રહનું નામ ‘મઘુકરનો ગુંજારવ’ રાખવાનું વિચાર્યું હતું. તેની પ્રસ્તાવના પણ પોતે લખી રાખી હતી જે હજી છપાતી રહી છે. પણ એક તબક્કે જીવનરામ દવે ‘જટિલ’ જેઓ કલાપીના મિત્ર હતા તેમ જ અંગતમંત્રી પણ હતા તેમણે ‘કલાપી’ નામ સૂચવ્યું અને ગ્રંથનું નામ ‘કલાપીનો કેકારવ’ દર્શાવ્યું તે ગમી જતાં અંતે તે જ રાખવામાં આવ્યાં. ત્યારથી ગુજરાતી કવિતામાં કલાપી અને ‘કલાપીનો કેકારવ’ છવાઈ ગયાં.
 
જો કે, કલાપીનું વહેલું અવસાન થઈ જતાં કાવ્યસંગ્રહ અંતે કવિ કાન્તના સંપાદન હેઠળ ૧૯૦૩માં પ્રગટ થઈ શક્યો હતો. ‘સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે’ ‘હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે’, ‘તમારા રાજદ્વારોના ખૂની ભપકા નથી ગમતા’, ‘માણ્યું તેનું સ્મરણ કરવું એમ છે એક લ્હાણું’, ‘પ્રીતિને કારણો સાથે સંબંધ કાંઈ એ નથી’, ‘જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી’ વગેરે પંક્તિઓ તો કહેવતરૂપ બની ગઈ છે. કલાપીની આવી કાવ્યસૃષ્ટિ ગુજરાતી ઊર્મિકવિતાના એક મહાન ઉન્મેષરૂપ સિદ્ધ થઈ છે.
- ગુણવંત છો. શાહ

આપની યાદી

જ્યાં જ્યાં નઝર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને!

જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,

તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,

તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,

આ દમ-બ-દમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્શાવતા છો ખંજરો દુશ્મન બધા,

યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની?

ધોવા બૂરાઈને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાં એ આશના,

તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,

અહેશાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર,

ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની!

રોઉં ન કાં એ રાહમાં એ બાકી રહીને એકલો?

આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બઘું.

જૂની નવી ના કાંઈ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,

જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,

છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!
- કલાપી
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/61962/369/