Wednesday, July 21, 2010

જેઠવાએ દીનુભાઇ વિરુદ્ધ મોરચો માંડ્યો હતો..

Source: Bhaskar News, Rajkot   |   Last Updated 7:34(21/07/10)

અમિત જેઠવાએ ૨૦૦૭માં ખાંભા-કોડીનાર મત વિસ્તારમાં ધારાસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું અને તે સમયે ભાજપના ઉમેદવાર દીનુભાઇ વિરુધ્ધ આચાર સંહિતાની ફરિયાદો કરેલી. સન ૨૦૦૯માં તેઓ તેમના સાળાના લગ્નમાં કોડીનાર ગયા ત્યારે તેમની ઉપર હુમલો થયો હતો અને તે અંગે તેમણે દીનુભાઇના ભત્રીજા શીવાભાઇ સોલંકી સહિતના શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ગીર અભ્યારણ્યમાં હડમતિયા વિસ્તારમાં ચાલતી ખાણો અંગે તેમણે માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગી હતી. તે માહિતી ન મળતાં તેમણે ઉચ્ચ સ્તરે લડત આપી હતી.
તેમની અરજીના પગલે એ વિસ્તારમાં વિજિલન્સની તપાસ થઇ હતી અને તેના પગલે દીનુભાઇ સોલંકીને રૂ.૪૦ લાખનો દંડ પણ થયો હતો. અંબુજા સિમેન્ટની બે શીપને કંડલા બંદરે સીલ કરવામાં આવી તે ઘટનામાં પણ અમિત જેઠવાની મહત્વની ભૂમિકા હતી.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-dinubhai-against-morcho-by-jethva-1175629.html?PRV=

અમિત જેઠવાને અનેક લોકો સાથે દુશ્મની હતી.

Source: Bhaskar News, Rajkot   |   Last Updated 2:48(21/07/10

લડાયક-વિવાદાસ્પદ જિંદગીનો લોહિયાળ કરુણ અંત: ખાંભામાં સન્નાટો: મૃતકના પરિવારજનો અમદાવાદ ભણી રવાના.
ગીર નેચર યુથ ક્લબના સ્થાપક અમિત જેઠવાની હત્યાને પગલે એમના વતન ખાંભામાં સન્નાટો પ્રસરી ગયો હતો. બનાવની જાણ થતાં જ તેમના પિતા ભીખાભાઇ બાટાવાળા તથા અન્ય પરિવારજનો અમદાવાદ જવા રવાના થયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે અમિત જેઠવા દોઢ વર્ષ પહેલાં જ ખાંભા છોડી અમદાવાદમાં સ્થાયી થયા હતા. બળવાખોર પ્રકૃતિ અને ગમે તેની સાથે બાથ ભીડવાની સાહસિકતા ધરાવતાં અમિતભાઇએ અસંખ્ય દુશ્મનો ઉભા કર્યા હતા અને આજે તે પૈકીના જ કોઇની ગોળીનો ભોગ બનતા તેમની જિંદગીનો લોહિયાળ અંત આવ્યો હતો.
અમિત જેઠવાનો જન્મ ખાંભામાં થયો હતો. તા.૧૯-૩-૧૯૯૬ના રોજ ખાંભાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તેમને જુનિયર ફાર્માસિસ્ટ તરીકે નોકરી મળી હતી. તે નોકરી દરમિયાન એમની કામગીરી અંગે વિવાદો થયા હતા. એક તબક્કે તો તેમની વિરૂધ્ધમાં ખાંભા ગામ બંધ રહ્યું હતું અને તે સમયના ખાંભાના ધારાસભ્ય દીનુભાઇ બોઘાભાઇ સોલંકીએ ગ્રામજનોને ન્યાયપૂર્ણ તપાસની ખાત્રી આપી હતી. બાદમાં તા.૭-૧૦-૨૦૦૦ના રોજ અમિત જેઠવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અમિત જેઠવાએ એ સસ્પેન્સન સામે અપીલ કર્યા બાદ તા.૫-૧-૨૦૦૪ના રોજ તેમને સુરત જિલ્લાના નઝિર સામુહિક કેન્દ્રમાં પુન: નિયુક્તિ આપવામાં આવી હતી.
નઝિરમાં તેમણે ૧૫ દિવસ ફરજ બજાવી હતી અને એ દરમિયાન પણ નઝિર નજીકના માંડવી સામુહિક આરોગ્ય કેન્દ્રના એક કર્મચારી સાથે ઝઘડો થતાં એ મામલો પોલીસ થાણે પહોંચ્યો હતો. નઝિર સામુહિક કેન્દ્રમાંથી રજા મુકીને અમિત જેઠવા પુન: ખાંભા આવ્યા હતા અને ત્યાં તેમણે ગીર નેચર યુથ ક્લબની સ્થાપના કરી હતી.
એ સંસ્થાના પ્રમુખ તરીકે તેમણે વન્ય જીવ સૃષ્ટિ તથા વન્ય સંપદાના રક્ષણ માટે કામગીરી શરૂ કરી હતી. ખાંભા, મહુવા, જાફરાબાદ, દરિયા કાંઠાના વિસ્તારો તથા ગીરના સરહદી વિસ્તારોમાં તેમણે એ સંસ્થાનો વ્યાપ વધાર્યો હતો અને સંસ્થાનું સંખ્યાબળ ૪૦૦૦ કરતાં પણ વધારે સભ્યોનું થઇ ગયું હતું.બીજી તરફ માહિતી અધિકારનો કાયદો અસ્તિત્વમાં આવ્યા બાદ તેમણે ખાંભા તાલુકા પંચાયત શોપીંગ સેન્ટરમાં માહિતી અધિકાર મંડળની રચના કરી હતી અને માહિતી અધિકારના કાયદા હેઠળ અનેક સંવેદનશીલ અને વિવાદાસ્પદ વિષયો અંગે માહિતી પ્રાપ્તકરી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેના પરિણામે તેઓ સતત વિવાદમાં રહેતાં હતા. તા.૨૬-૧-૦૪ના રોજ તેમની સામે વન ખાતાએ તુલસી શ્યામ રેન્જમાં માલણ-આંબલિયાળા વીડીમાં ગેરકાયદે પ્રવેશ કરી ફોટોગ્રાફી કરવાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. જેમાં તેમની બાદમાં જામીન પર મુક્તિ થઇ હતી. અમિત જેઠવાએ અનેક મોટા માથાઓ સામે પણ કાનૂની લડત ચલાવી હતી. તા.૭-૧-૦૬ના રોજ ખાંભા તાલુકાના હનુમાન ગાળા આશ્રમમાં યોજાયેલી એક શિબિરમાં દિલીપ સંઘાણી ઉપરાંત અનેક અગ્રણીઓ, સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હનુમાન ગાળા આશ્રમ અભ્યારણ્યની હદમાં આવેલ હોવાથી એ શિબિર યોજવાનું પગલું ગેરકાનૂની છે તે મુદ્દે તેમણે દિલીપ સંઘાણી સહિતના અગ્રણીઓ સામે ધારી કોર્ટમાં ફરિયાદ કરી હતી. એ જ રીતે અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારી ચાવડા સામે એક શિક્ષિકાએ કરેલી ફરિયાદ પાછળ અમિત જેઠવાનો હાથ હોવાનું ચર્ચાતુ રહ્યું હતું. અમરેલી જિલ્લાના પૂર્વ આરોગ્ય અધિકારી સ્વ. ડૉ.કનેરિયા સામે પણ અમિત જેઠવાએ અનેક ફરિયાદો કરી હતી. તેઓ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના લેટરહેડનો દુરુપયોગ કરતાં હોવાની ફરિયાદ બાદ તેમણે એ મંડળના પદાધિકારીઓ સામે મોરચો માંડ્યોહતો. છેલ્લે જુનાગઢ જિલ્લાના સાંસદ દીનુભાઇ સોલંકી સાથેનો તેમનો વિવાદ ચર્ચાને ચગડોળે ચડ્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી અમિત જેઠવા તેમના પત્ની તથા એક પુત્રી અને પુત્રી સાથે અમદાવાદમાં સ્થાયી થયા હતા.અમદાવાદ રહીને તેમણે કોડીનાર વિસ્તારની ગેરકાયદે ખાણો અંગે લડત ચાલુ રાખી હતી. એમની રજૂઆત બાદ એક મહિના પહેલાં આલીદર-સનવાવ રોડ પર બેલા સ્ટોન કાપવાની મશીનરી સહિતનો મુદ્દામાલ છોડાવી જનાર શખ્સો સામે ભૂસ્તર વિભાગ અને પોલીસે સંયુક્ત રીતે રેડ કરી ગુનો નોંધ્યો હતો અને અમિત જેઠવાએ હજુ ગઇકાલે જ એ ઘટના અંગે બધાને એસએમએસ દ્વારા જાણ કરી હતી.એટ્રોસિટીની ફરિયાદના અતિરેક અંગે રજુઆત થયેલ - અમિત જેઠવા પોતાના વિરોધીઓ સામે એટ્રોસિટીની ફરિયાદો કરાવતાં હોવાની અમરેલી જિલ્લા ભાજપના અગ્રણીઓએ પૂર્વ મંત્રી ફકીરભાઇ વાઘેલા સમક્ષ રજુઆત કર્યા બાદ સરકારી સ્તરે તે ફરિયાદની તપાસ થઇ હતી અને તેમાં તથ્ય જણાતા તેમના દ્વારા કરાવાતી ફરિયાદોમાં પુરતી તપાસ કાર્ય બાદ જ ગુનો નોંધવાની સરકારે લેખિત સુચના આપી હતી.
પરિક્રમા વિરુધ્ધ પણ લડત માંડેલી -ગિરનારની લીલી પરિક્રમા ગીર અભ્યારણ્યની હદમાં થાય છે તથા તે વિસ્તારમાં અસંખ્ય ગેરકાયદે દબાણો (જેમાં મોટેભાગે આશ્રમો તથા ધર્મસ્થાનકો છે) હોવાની તેમણે રજુઆત કરતા જંગલ ખાતુ ધર્મસંકટમાં મુકાઈ ગયું હતું.
થેલીમાંથી અંગ્રેજી દારૂની બોટલ મળી -ઘટનાસ્થળેથી પોલીસને એક પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી.જેમાંથી એક ઝભ્ભો, એક લેંઘો, યેવલા બીડીની ગડી તથા અંગ્રેજી દારૂની એક ભરેલી બોટલ મળી આવી હતી.
શસ્ત્રનું લાઈસન્સ મેળવ્યું હતું -અમિત જેઠવાને પોતાની ઉપર હુમલો થશે એવી દહેશત હતી. અને તે સંદર્ભે તેમણે જુનાગઢ જિલ્લા કલેક્ટર પાસે શસ્ત્રનું લાયસન્સ માંગ્યું હતું. પરંતુ તેમની માગણી ન સ્વીકારાતા તેઓ હાઇકોર્ટમાં ગયા હતા. તેમની દલીલો સાંભળ્યા બાદ તેમને શસ્ત્રનો પરવાનો મળવો જોઇએ તેવો નિદેશ આપ્યા બાદ જુનાગઢ જિલ્લા કલેક્ટરે શસ્ત્રનું લાયસન્સ આપ્યું હતું. અમિત જેઠવા કાયમ પોતાની પાસે રિવોલ્વર રાખતા હતા. જો કે હત્યા થવાની તેમની દહેશત સાચી પડી હતી પરંતુ કમભાગ્યે શસ્ત્ર કામ ન લાગ્યું.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-amit-jethva-have-many-enemy-1175612.html

અમિત જેઠવાની હત્યા પર કેજરીવાલે ખેદ વ્યક્ત કર્યો

Source: divyabhaskar.com   |   Last Updated 11:22(21/07/10)
 
જાણીતા આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા પર જાણીતા આરટીઆઇ કાર્યકર અરવિંદ કેજરીવાલે ખેદ વ્યક્ત કર્યો છે. તેમના કહેવા પ્રમાણે, તમામ સરકારી સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર પ્રવર્તે છે ત્યારે આવી રીતે જે કોઇ અવાજ ભ્રષ્ટાચારની વિરૂદ્ધમાં ઉઠે છે તેને બંધ કરી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે,
એક ખાનગી ચેનલને આપેલા ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં અરવિંદ કેજરીવાલે એવો મત વ્યક્ત કર્યો હતોકે, પ્રજાના નાણાની ગેરરીતિમાં રાજકારણીઓ અને બાબુઓ સામેલ હોય છે. જેઓ આ પ્રકારના કોઇ કાર્યકરનો અવાજ બંધ કરી દેવા માટે સક્રિય થઇ જતા હોય છે. તેમણે બીજા આરટીઆઇ કાર્યકરોની સુરક્ષા માટે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
અમિત જેઠવાના પરિવારજનોનો આરોપ છેકે, તેમની હત્યા પાછળ જૂનાગઢના સાંસદ દિનુભાઇ સોલંકીનો હાથ છે. જેઓ ગેરકાયદેસર માઇનિંગના ધંધામાં સંકળાયેલા છે. ઉલ્લેખનીય છેકે, અરવિંદ કેજરીવાલ જાણીતા આરટીઆઇ કાર્યકર છે. માહિતી અધિકારના કાયદાને સમગ્ર દેશમાં લાગૂ થાય તે માટે કેજરીવાલે ચળવળ ચલાવી હતી અને તેમને મેગ્સેસે પુરસ્કાર પણ એનાયત થયો હતો.
Source:  http://www.divyabhaskar.co.in/article/NAT-kejriwal-mourns-on-the-death-of-amith-jethwa-1176618.html?HT4=

જમીન માફિયાઓએ હત્યા કરાવી ?

Jul 21,2010
અમદાવાદ : માહિતી અધિકાર ધારાના માધ્યમે મોટા પાયે ચાલતા ભ્રષ્ટાચાર અને અન્યાય ખુલ્લા પાડવા જંગે ચડેલા અમીત જેઠવાએ તાજેતરમાં જ ગેરકાયદે ખાણકામ અને જમીન માફિયાઓનો ગીર વિસ્તારમાં જે અડ્ડો જામેલો હતો તે મુદ્દે હાઈકોર્ટમાં પિટીશન કરી હતી. આજે તેમની હત્યા બાદ પોલીસને જે કડીઓ પ્રાપ્ત થઈ છે તેમાં આવા જ કોઈક જમીન માફિયાએ સોપારી આપી અમીત જેઠવાની હત્યા કરાવી હોવાની શંકા પડી છે.
આ જાહેર હિતની અરજીમાં ભ્રષ્ટાચાર જે વિસ્તારમાં થઈ રહ્યો હોવા વિષે વિગતો હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી તેમાંની કેટલીક જમીનો સાથે ભાજપના કુખ્યાત અગ્રણીનો પણ છેડો અડતો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે અમીત જેઠવા અને આ અગ્રણીના માણસો વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ગજગ્રાહ પણ ચાલતો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
દરમિયાન પોલીસને તેમની પ્રાથમિક તપાસમાં જે કડીઓ હાથ લાગી છે તેમાં અમીત જેઠવાની હત્યા કોઈકના ઈશારે કરાવવામાં આવી હોવાનો તર્ક રજૂ કરવામાં આવ્યો છે. જે રીતે હુમલાખોરો હાઈકોર્ટની સામે એડ્વોકેટની ઓફિસની નીચે અમીત જેઠવાના આવવાની રાહ જોઈ રહ્યા હતા અને આવતાં વેંત તેમના પર માત્ર એક જ ગોળીબાર કરવામાં આવ્યો તે આ બાબતનો નિર્દેશ હતો. આ એક જ ગોળી તેમના માટે જીવલેણ નિવડી હતી. આશરે ૪૦ વર્ષની ઉંમરના અમીત બી. જેઠવા છેલ્લા કેટલાય વર્ષોથી સામાજિક ન્યાયની ઝુંબેશ ચલાવી રહ્યા હતા. જો કે, ‘લગાનલ્લ ફિલ્મના ગુજરાતમાં થયેલા શૂટિંગ દરમિયાન નામશેષ થઈ રહેલા પ્રાણીઓમાં જેનો સમાવેશ થયો છે તે ચિંકારા પ્રાણીને મારવામાં આવ્યું હોવાના મુદ્દે આમીર ખાન સામે ક્રિમિનલ કેસ દાખલ કરતાં અમીત જેઠવાનું નામ પર્યાવરણ અને પ્રાણી સુરક્ષાનું હિત હૈયે ધરાવનારાઓમાં લોકપ્રિય બન્યું હતું.
આટલું જ નહીં, જ્યારથી માહિતી અધિકાર ધારો અમલી બન્યો ત્યારથી તેનો સૌથી અસરકારક ઉપયોગ પણ તેમણે કર્યો હતો. ગીર યુથ નેચર ક્લબની રચના કરી તેમણે વન અને પર્યાવરણ વિભાગમાં અને ખાસ કરીને સાસણ ગીર વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા કમર કસી હતી.
અગાઉ તેમણે રાજ્યમાં લેન્ડ સેટલમેન્ટ હાથ ધરવા, ધારાસભ્યો, મંત્રીઓ અને સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારની ફરિયાદો માટે લોકાયુક્તની નિમણૂંક કરવી, રાજ્યમાં માહિતી કમિશ્નરની ખાલી પડેલી જગ્યાઓ ભરવા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર સફળ પીઆઈએલ કરી હતી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=205887

હાઈકોર્ટની સામે જ રાત્રે નવ વાગ્યે હુમલાખોરોનો ગોળીબાર : એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા

Jul 21,2010
અમદાવાદ, તા.૨૦
માહિતી અધિકાર ધારાનો વ્યાપક સામાજિક હિતમાં અસરકારક ઉપયોગ કરી ન્યાય મેળવવા સતત ઝઝૂમી રહેલા અમીત બી. જેઠવા પર આજે મોડી રાત્રે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ફાયરીંગ કરતાં સ્થળ પર જ તેમનું મૃત્યુ થયું હતું. સત્તાવાળાઓ સામે અરજી કરવા છતાં જેમાં ન્યાય ન મળે તેવા કિસ્સામાં જાહેર હિતની અરજીનો માર્ગ અપનાવનારા અમીત જેઠવા પર હુમલો પણ હાઈકોર્ટની બરોબર સામે સત્યમેવ બિલ્ડીંગની નીચે જ થયો હતો.
સત્યમેવ બિલ્ડીંગમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની ઓફિસ જ્યાં છે તેના આગળના ભાગે બીજા માળે એડ્વોકેટ વિજય નાંગેશની ઓફિસમાં તાજેતરમાં જ હાઈકોર્ટમાં કરેલી પીઆઈએલ સંબંધે વિજયભાઈ સાથે કામની ચર્ચા કરી અમીત જેઠવા નીચે પહેલા માળે પહોંચ્યા હતા. વિજય નાંગેશે પોલીસને આપેલી માહિતી મુજબ, અહીં તેમણે કેટલાક દસ્તાવેજોની ઝેરોક્સ કરાવી અને નીચે પાર્ક કરેલી પોતાની જિપ્સી કારમાં જવા પહોંચ્યા ત્યારે સીડીની પાછળ જ બે શખ્સ સ્પ્લેન્ડર બાઈક (જીજે-૧-પીક્યુ-૨૪૮૨)પર બેસીને રાહ જોતા હતા. બંને પાસે તમંચા હતા.
જેવા અમીતભાઈ નીચે આવ્યા કે તરત જ બંને અજાણ્યા વ્યક્તિએ પોતાની પાસેના તમંચામાંથી ગોળીબાર કર્યા. ફાયરીંગનો અવાજ સાંભળી બિલ્ડીંગમાં હાજર રહેલા શું થયું તે જોવા ધસી આવ્યા હતા. અમીતભાઈને ગોળી વાગવા છતાં તેમણે હુમલાખોરો સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન બાઈક પડી ગયું અને હુમલાખોરો વિશ્વાસ સીટી-૨ તરફ નાસી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અમીત જેઠવા પણ છેલ્લા એક વર્ષથી વિશ્વાસ સીટીમાં રહેતા હતા.
આ અંગે તરત જ સ્થળ પર પહોંચેલા સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એમ. કુંડલિયાએ જણાવ્યું હતું કે, જે રીતે અમીત જેઠવાના હાથ પણ પોતાના લોહીવાળા થયા અને એવા જ હાથે ઝપાઝપી કરી હોવાથી નાસી ગયેલા હુમલાખોરોમાંથી એકના શર્ટ પર લોહીના ડાઘ પડયા હોવાનું પોલીસ માની રહી છે. મૃતદેહને તત્ત્કાળ સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જે અંગે તેમના પરિવારજનો અને મિત્રોને જાણ કરવામાં આવી રહી છે. પોલીસને બાઈક નીચેથી એક તમંચો પણ મળ્યો છે. છેલ્લે મળેલી માહિતી મુજબ, આરોપીઓ જે તરફ નાસ્યા ત્યાં પોલીસે ડોગ સ્ક્વોડ દ્વારા હાથ ધરેલી તપાસમાં ૧૨ બોરના બે જીવતા કારતૂસ પણ મળ્યા હતા.
હાઈકોર્ટની સામે જ બનેલી ઘટનાની ગંભીરતા જોઈ સેક્ટર-૧ના જેસીપી સતીષ શર્મા, ઝોન-૧ના ડીસીપી બી.કે. ઝા અને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ટૂંકા સમયગાળામાં જ કાવત્રું ઘડાયું હોવાની શંકા
અમદાવાદઃ હાઈકોર્ટની સામે સત્યમેવ બિલ્ડીંગના પ્રાંગણમાં રાત્રે ૮:૪૫ કલાકની આસપાસ અમીત જેઠવાની હત્યા કરવામાં આવ્યા બાદ પોલીસને જે સગડો પ્રાપ્ત થયા છે તે આ હત્યાનું કાવત્રું અત્યંત ટૂંકા સમયગાળામાં ઘડવામાં આવ્યું હોવાની શંકા પ્રેરે છે. પોલીસે હુમલાખોરોનું બાઈક જપ્ત કર્યું છે. પણ તેનો રજિસ્ટ્રેશન નંબર ટ્રેસ કરતાં જાણવા મળ્યું વાસ્તવમાં તે એક સ્કુટી મોપેડનો રજિસ્ટ્રેશન નંબર હતો. આ ઉપરાંત, બાઈક પાસે એક પ્લાસ્ટિકની બેગ મળી હતી. જેમાંથી પેટ્રોલ ભરેલી બોટલ, એક જોડ કપડાં, પાણીના કેટલાક પાઉચ અને એક વર્તમાનપત્ર પણ મળ્યું છે. આ અખબારમાં અમીત જેઠવાએ આરટીઆઈની માહિતીના આધારે જે કેસ કર્યો હતો તે અંગેના સમાચાર પ્રસિદ્ધ થયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ બાબતને હજુ સત્તાવાર સમર્થન મળ્યું નથી. પરંતુ, પોલીસને મળેલી સામગ્રી એ વાતનો ચોક્કસ સંકેત આપે છે કે, મોડસ ઓપરેન્ડી સોપારી કિલીંગની જ હતી.
Source:  http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=205888