Thursday, August 30, 2012

ગુજરાતમાં ૮માંથી ૩ રાજગીધ અમરેલીમાં.

ગુજરાતમાં ૮માંથી ૩ રાજગીધ અમરેલીમાં


Bhaskar News, Amreli  |  Aug 30, 2012, 01:06AM IST
૨૦૦પમાં ગીધની સંખ્યા ૨,૬૪૭ જ્યારે ૨૦૧૦માં ૧,૦૬પ હતી
ગીધ વસતી ગણતરીનું પરિણામ જાહેર : નામશેષ થવાના આરે આવેલા ગીધની ઘટતી સંખ્યા : ગુજરાતમાં માત્ર ૧,૦૪૩ ગીધ,વર્ષ ૨૦૧૦ કરતાં ગીધની વસતીમાં ૧૧.૩૪ ટકાનો ઘટાડો નોંધાયો


રાજ્યમાં નામ શેષ થવાના આરે આવેલા ગીધની સંખ્યામાં ચિંતાજનક રીતે ઘટાડો નોંધાયો છે. રાજ્યના વન વિભાગ અને ગીર ફાઉન્ડેશન દ્વારા ગીધોની વસતી ગણતરી-૨૦૧૨ હાથ ધરાઈ હતી.જેનું પરિણામ જાહેર કરાયું છે. ગત ૨૦૦પમાં ગુજરાતમાં કુલ ૨,૬૪૭ ગીધ હતો.વર્ષ ૨૦૦૭માં તે સંખ્યા ૧,૪૩૧, વર્ષ ૨૦૧૦માં ૧,૦૬પ અને હવે ૨૦૧૨માં ગીધની સંખ્યા માત્ર ૧,૦૪૩ જેટલી જ નોંધાવા પામી છે.

ગીધની મોજણીમાં રાજ્યમાં જીપ્સ પ્રજાતિના કુલ ૯૩૮ ગીધ નોંધાયા છે.જેમાંના પ૭૭ સફેદ ગીધ અને ૩૬૧ ગિરનારી ગીધ છે.રાજ્યમાં ચારેય પ્રજાતિના કુલ ગીધ હવે માત્ર ૧,૦૪૩ જેટલા બચ્યાં છે.ગત ૨૦૧૦માં જે ગીધ વસતી મોજણી હાથ ધરાઈ હતી.તેના કરતાં આ વખતે ૧૧.૩૪ ટકાનો ઘટાડો માલૂમ પડ્યો છે.એમાં પણ સફેદ ગીધની વસતીમાં ૨૭.૨ ટકાના ઘટાડા સામે ગિરનારી ગીધની સંખ્યામાં ૩૬.૨ ટકાનો વધારો જણાયો છે.

ઉલ્લેખનીય છે કે,આ વખતે 'રાજગીધ’ તો માત્ર ૮ જેટલા નોંધાયા છે.જેમાંના પાંચ રાજગીધ જૂનાગઢ અને ત્રણ અમરેલી જિલ્લામાં જોવા મળ્યાં છે.જ્યારે 'ખેરો’ ગીધની સંખ્યા ૯૭ જેટલી છે.

ગીધ કેમ ઘટી રહ્યાં છે ?

વૈજ્ઞાનિકોના રિપોર્ટ મુજબ માંદા ઢોરને આપવામાં આવતી 'ડાયક્લો ફીનેક’દવા ઢોરના શરીરમાં જ રહી જાય છે અને જ્યારે આ ઢોર મૃત્યુ પામે છે અને ગીધ ખોરાક તરીકે તેનો ઉપયોગ કરે છે ત્યારે ગીધને તે દવાની ગંભીર રીતે અસર થાય છે પરિણામે ગીધનું અસ્તિત્વ પણ હવે જોખમાયું છે.

ક્યાં,કેટલાં ગીધ છે ?

કચ્છ- ૧૮૦ (જીપ્સ ગીધ), ભાવનગરમાં ૧૦૨,અમદાવાદમાં ૮૮ જીપ્સ-૩૮ ખેરો ગીધ, મહેસાણામાં જીપ્સ ગીધ ૬૮,ખેરો ગીધ ૧૪

ગીધ મોજણી કોણે કરી ?

ગીધ ગણતરી મોજણી-૨૦૧૨માં આ વખતે આશરે ૨૨પ પ્રકૃતિવિદ્દો, પક્ષીવિદ્દો,સ્વયંસેવી સંસ્થાઓ,વન વિભાગ,ગીર ફાઉન્ડેશનના કર્મચારીઓ-અધિકારીઓએ ભાગ લીધો હતો.

HOTOS : ગીર જંગલમાં મોડે મોડે ચોમાસું જામ્યું.

Bhaskar News, Junagadh  |  Aug 30, 2012, 00:40AM IST
અધિક ભાદરવામાં અષાઢી માહોલ : કોડીનાર, માણાવદર અને જૂનાગઢમાં ૧ ઈંચ : કનકાઈ, આંબળાશ, પીપળવામાં મહેર
મુરઝાતી મોલાતને 'પાણ’ મળવાથી જીવતદાન મળ્યું : કેટલાક વિસ્તારોમાં ઝાપટાં


તાલાલા પંથક અને વિસાવદરનાં કનકાઇ મધ્યગીર જંગલમાં ત્રણ થી ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. કોડીનારમાં આજે બપોર પછી ગાજવીજ સાથે મેઘાની એન્ટ્રી થઇ હતી. કોડીનાર, માણાવદર અને જૂનાગઢમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

તાલાલા સહિ‌ત સમગ્ર ગીરપંથકમાં આજે બપોર પછી મેઘરાજાનું ધમાકેદાર આગમન થતાં લાંબા સમયથી વરસાદની પ્રતિક્ષા કરી રહેલા લોકો ઝુમી ઉઠ્યા હતા. આંબળાશ અને પીપળવામાં દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી જતાં વોંકળા - નાળા છલોછલ પાણીથી વહેવા લાગ્યા હતા. આ ઉપરાંત હડમતીયા, ભીમદેવળ, ઘુંસીયા, ગુંદરણ, આંકોલવાડી, બામણાસા, સુરવા, જશાપુર, મોરૂકા, ધાવા, બોરવાવ, રમળેચી, માધુપુર, ચિત્રાવડ, હરીપુર, ધણેજ સહિ‌તનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વ્યાપક વરસાદ પડતાં મુરઝાતી મોલાતને 'પાણ’ મળી જવાથી જીવત દાન મળી ગયું છે.

જ્યારે વિસાવદરનાં કનકાઇ મધ્યગીર જંગલમાં પણ મધરાતનાં સમયે ત્રણથી ચાર ઇંચ જેવો વરસાદ પડી જતાં શીંગોડા અને રામપરી નદીમાં પુર આવ્યા હતા. ઝાંઝેશ્રી અને ધ્રાફડ ડેમમાં પણ નવા નીરની આવક થયેલ હોવાનું જાણવા મળે છે.

જ્યારે કોડીનાર પંથકમાં આજે બપોરનાં બે વાગ્યા આસપાસ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં એક ઇંચ પાણી પડી ગયું હતું. તાલુકાનાં દરીયાઇપટ્ટીનાં કાજ, વેલણ, માઢવાડ, કોટડા, નાનાવાડા, જત્રાખંડી, સરખડી, દેવળી, મુળદ્વારકા સહિ‌તનાં ગામોમાં સારો વરસાદ થયાનાં અહેવાલ છે. સુત્રાપાડાનાં ઘંટીયા પ્રાચીમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ પડી ગયો હતો.

માણાવદર, સણોસરા, ગડવાવ, દગડ, ખાંભલા, બુરી, જીલાણા, સહિ‌તનાં ગામોમાં એક ઇંચ જેવું પાણી પડી ગયું છે. જ્યારે જૂનાગઢમાં રાત્રિ દરમ્યાન અને આજે બપોર પછી એક ઇચ જેવો વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત માળીયાહાટીના , મેંદરડા, કેશોદ, ભેંસાણ, વંથલીમાં ઝાપટાં વરસ્યા હતાં.

સૌરાષ્ટ્ર-કચ્છને નિભાવતા 'ગીર’માં મેઘમહેર ફાયદાકારક

ચોમાસુ શરૂથી નબળુ પડતા પશુધન માટે લીલા ઘાસચારાની સમગ્ર રાજયમાંથી વ્યાપક માંગ ઉઠી હોય સૌરાષ્ટનાં છ જિલ્લા રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, પોરબંદર, અમરેલી સહીત કચ્છ જિલ્લામાં લીલો ઘાસચારો તાલાલા પંથક શેરડીનાં ઉત્પાદનમાં મોખરે હોય શેરડીનું પુષ્કળ વાવેતર થયેલ હોય તે પાકનો પશુધન માટે મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય રોજ ૨૦૦થી વધુ વાહનો શેરડી ભરી તાલાલાથી સૌરાષ્ટ્ર-કચ્છનાં વિવિધ વિસ્તારોમાં લીલોચારો લઇ જાય છે. આજે તાલાલા પંથકમાં પડેલા સાર્વત્રીક વરસાદથી શેરડીનાં પાકને સારૂ પાણી મળી જવાથી શેરડી લાંબો સમય ટકશે અને ગીરમાંથી લીલો ઘાસચારો વધુ મળી શકશે.

ચંદનનાં વૃક્ષની તસ્કરી કરનારા પોલીસ સામે પડકાર.


Bhaskar News, Talala | Aug 30, 2012, 01:25AM IST
વનવિભાગ અને પોલીસની નિષ્ક્રિયતા સામે ભારે લોકરોષ, તસ્કરોને પકડી પાડવાની માંગ સાથે આંદોલનાત્મક કાર્યક્રમોની તૈયારી

ગીર જંગલનાં પ્રવેશદ્વાર ગણાતા સાસણ (ગીર) ગામની ભાગોળે આવેલા રાઘવેન્દ્ર આશ્રમનાં પટાંગણમાંથી સોમવારે મોડી રાત્રે પવિત્ર ચંદનનાં કિંમતી તોતીંગ વૃક્ષનું અજાણ્યા તસ્કરો કટીંગ કરી ગયાનો બનાવ બનતા સાસણનાં લોકોમાં ભારે રોષ ઉઠ્યો છે. આશ્રમની પવિત્ર ભૂમિમાંથી ચોરી કરનારા તસ્કરોને પકડી પાડવા અંગે વનવિભાગ અને પોલીસ વચ્ચે સંકલન ન થતા તસ્કરો ફરાર છે. આશ્રમથી થોડે દુર કટીંગ થયેલ ચંદનનાં ઝાડનાં ટૂકડા મળ્યા જે કબ્જે લઇ વનવિભાગે સામાન્ય ગુનો નોંધ્યો છે. પણ તસ્કરોને પકડવામાં નિષ્ફળ રહેતા ગ્રામજનો આંદોલનાત્મક કાર્યક્રમોની તૈયારી કરી રહ્યા છે.

સાસણ (ગીર)ની ભાગોળે હીરણ નદીનાં કાંઠે આવેલા રાઘવેન્દ્ર આશ્રમમાંથી ચંદનનાં કિંમતી વૃક્ષની તસ્કરી કરનારા તસ્કરો હજૂ ફરાર છે. વનવિભાગે રેઢા મળેલા ચંદન વૃક્ષનાં થોડાક કટકા કબ્જે લીધા છે. સાસણ રેન્જનાં આરએફઓ ટીલાળાએ જણાવેલ કે આમાં કોઇ વ્યક્તિનાં નામ ન હોય અજાણ્યા શખ્સો સામે રોયલ્ટી ભર્યા વગર ગેરકાયદેસર વૃક્ષ છેદનનો ગુનો નોંધાયો છે.

આશ્રમમાં કામ કરતા જયસુખગીરીબાપુએ પોલીસ અને વનવિભાગ બંનેને લેખિત ફરિયાદ આપેલ હોય પણ બંને વિભાગો વચ્ચે સંકલન ન થતા અને જવાબદારીની ફેંકા-ફેંકીથી તસ્કરો હજૂ ફરાર હોય લોકોમાં રોષ વધ્યો છે.

સાસણ ગામ બંધનું એલાન અપાયુ ન હતુ

સાસણ આશ્રમમાં વૃક્ષ ચોરીનાં તસ્કરો ૪૮ કલાકમાં ન પકડાય તો સાસણ ગામ બંધ રાખ્યાનું એલાન અપાયુ ન હતુ. પરંતુ તસ્કરોને પકડવાની માંગ સાથે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાનું નક્કી થઇ રહ્યું હતુ. રાઘવેન્દ્ર આશ્રમનાં સંત પૂ બીમલદાસબાપુનાં આદેશ અનુસાર તેમની સાથે ચર્ચા કર્યા બાદ કોઇપણ કાર્યક્રમ અપાશે તેમ વેપારી અગ્રણી જીકાભાઇ અને ભરતભાઇ લાખાણીએ જણાવેલ.

ચંદનની તસ્કરીને વનવિભાગ મહત્વ નથી આપતુ કે શું ?

ચંદનનાં કિંમતી વૃક્ષોનું વનવિભાગનાં સિંહ સદન, મગર ઉછેર કેન્દ્ર અને જવાબદાર ઉચ્ચ અધિકારીઓનાં ક્વાટરનાં ફળીયામાંથી કટીંગ થયેલાનાં બનાવો બનેલા છે. પરંતુ તસ્કરો પકડાયા નથી. રાઘવેન્દ્ર આશ્રમમાં ચંદન વૃક્ષ ચોરી અંગે વનવિભાગે માત્ર બે રૂપિયા કે પાંચ રૂપિયા જેવી રકમની રોયલ્ટી ભર્યા વગર વૃક્ષછેદનનો ગુનો લખ્યો તો ચંદનનાં વૃક્ષની વનવિભાગનાં મતે મહત્વનાં કેટલી તેવો વેધક સવાલ લોકોમાંથી ઉઠી રહ્યો છે.

મહા મહેનતે મગરડીને પાણીમાં ધકેલવામાં સફળતા.

 
divyabhaskar.com | Aug 30, 2012, 00:45AM IST
જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમમાંથી એક મગર બહાર નીકળી છેક નીચે પહોંચી ગઇ હતી. જે પાણીનાં અભાવે મરવાની સ્થિતિમાં હોય વનવિભાગ, સ્નેક રેસ્ક્યુ ઓર્ગેનાઇઝેશન અને ફાયર બ્રિગેડનાં જવાનોએ આ મગરને ભારે જહેમત બાદ પકડી પરત ડેમમાં છોડી મૂકી હતી.

તસવીર - મેહુલ ચોટલીયા

Wednesday, August 29, 2012

હિંસક પ્રાણીઓથી બચવા માટે દરેક વાડી દીઠ મેડા બનાવાયા.



ધારી,તા,ર૮
ધારી તાલુકાના માલસીકા ગામે દેવપૂજક બાળકને ફાડી ખાધા બાદ હચમચી ઉઠેલા ખેડુતોએ ગ્રામજનો રાની પશુઓનો ભોગ ન બને તે માટે સમયસુચકતા વાપરી વાડીદીઠ મેડા બનાવ્યા છે. રાતે નિંદ્વાધીન હાલતમાં મોત નસીબ ન થાય. આવી આગોતરી દરકાર લેતા થયેલા ખેડુતો દુષ્કાળ ઉપરાંત આવ હિંસક પ્રાણીઓથી ધ્રુજી રહ્યાં છે.
  • ધારી તાલુકાના માલસીકામાં બાળકને દીપડાએ ફાડી ખાધાનાં બનાવ બાદ
  • રખોપા, પાણી વાળવા સમયે ખેડૂતો વાડીમાં મેડા પર સુરક્ષિત નિંદર માણી શકશે
ધારીના ગઢીયા ગામના ખેડુતો રાત્રી રખોપા દરમિયાન સિંહોથી બચવા ઉંચા મેડા બનાવી રક્ષણ મેળવતા હોવાનું જાણવા મળ્યા બાદ તાજેતરમાં આદમખોર દીપડાના ત્રાસથી હચમચી ઉઠેલા વનખાતાએ લોકોને જાગૃત કરવાના અનેક પ્રયત્નો કર્યા હતા. માલસીકા ગામે બાળકનું મારણ થતાં પ્રાણીઓથી બચવા મેડા બનાવવામાં આવ્યા છે.
ગામના છેવાડે દેવીપૂજકવાસમાંથી ઝુપડામાં પિતા સાથે સુતેલા બાળકને ફાડી ખાનાર દીપડાના હાહાકાર અને વારંવાર વાડીમાં ઘુસી મારણ કરી જતાં સિંહ અને દીપડાના ડરને ખાળવા માટે મેડાઓ તૈયાર કરવામાં આવ્યા છે. જેથી, રાતે પાણી વાળવા કે, રખોપા સમયે મેડા પર ચડી સુરક્ષીત બની નિંદર માણી શકાય.

Sunday, August 26, 2012

બાબરા પંથકના ખેડૂતો રોઝ, ભુંડ અને હરણના ત્રાસથી ત્રાહિમામ.


બાબરા, તા.૨૫:
બાબરા પંથકના ખેડૂતો નીલગાય, ભૂંડ અને હરણના ત્રાસથી કંટાળી ગયાં છે.આ જંગલી પશુઓથી બચવા ખેડૂતો વીજ કરન્ટ મુકી પોતાનો પાક બચાવવા પ્રયાસ કરતા હોવાનું જાણવા મળે છે.
  • કંટાળેલા ખેડૂતો દ્વારા વીજકરન્ટ મુકી પાક બચાવવા પ્રયાસ
બાબરાથી નીલવડા, વાકીયા વિસ્તારમાં નીલગાયનું પ્રમાણ વધ્યું છે.બાબરાના ગામડાઓમાંથી નિકળતી વાસાવડી ધાર અને વગડા વિસ્તારમાં અસંખ્ય નિલગાય વસવાટ કરે છે અને ઘુઘરાળા, ગમા પીપળીયા ગામે હરણ તથા રોઝનો ત્રાસ છે.બાબરાની સ્થાનિક જમીનોમાં જંગલી ભુડના ત્રાસથી ઉભા પાકમાં મોટા પાયે નુકશાન થઈ રહ્યું છે.
હરણ, કાળીયાર, રોઝ, જંગલી ભુંડના ત્રાસથી બચવા સરકારમાં અનેક રજુઆતો છતાં કોઈ પગલાં ન લેવાતા કંટાળેલા ખેડૂતો વીજ કરન્ટ મુકી પાક બચાવવા પ્રયાસો કરતા હોવાનું જાણવા મળે છે.ખેડૂતો પોતાની આજીવીકા એવા પાકને બચાવવા અતિરેક કરશે તો નીલગાય, હરણ જેવા પ્રાણીઓ દંતકથારૂપ થઈ જશે તેવું કહેવું ઉચીત ગણાશે.જેથી સરકાર દ્વારા તુરત ઘટતા પગલાં લેવાય તેવી માગણી ઉઠી છે. અનેક ખેડૂતો દ્વારા પાક સંરક્ષણ માટે લોખંડની કાંટાળી વાડ બનાવવા સબસીડી માંગી છે.ગુજરાતની સરકાર દ્વારા યોગ્ય કરવામાં આવતું ન હોવાનું ખેડૂત અગ્રણી રમેશભાઈ માકાણી દ્વારા જણાવાયું છે.

લીલિયાના ક્રાંકચ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધતા સ્પીડ બ્રેકર મુકવા માગણી.



અમરેલી, તા.૧૭
લીલિયાના ક્રાંકચ વિસ્તારમાં સિંહોની સંખ્યામાં વધારો થતાં નાના લીલિયાથી ક્રાંકચ જતા ૭ કિલોમીટરના માર્ગો પર વાહનોની અવર જવરના કારણે સિંહોની સલામતિ માટે સ્પીડબ્રેકર તેમજ સાઈનબોર્ડ મુકવા પ્રકૃતિપ્રેમીઓએ માગણી કરી છે.
  • વાહનોની અવર જવર ધરાવતા રોડ પર સાઈન બોર્ડ પણ મુકવા જરૂરી
લીલિયાના ક્રાંકચ વિસ્તારમાં છેલ્લા ૧૦ વર્ષથી સિંહોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. હાલમાં આ વિસ્તારમાં ૩૦ જેટલાં સિંહોનો વસવાટ થઈ ચુક્યો છે. નાના લીલિયા ચોકડીથી ક્રાંકચ જતાં રસ્તા પર સિંહ, નિલગાય, હરણ સહિતના અનેક શેડયુલીસ્ટ વન્યજીવો સતત વિહરતા જોવા મળે છે. ત્યારે આ માર્ગ પર વાહનોની અવર જવર પણ વધી છે.
થોડા સમય પહેલા વન વિભાગે ક્રાંકચ વિસ્તાર રિઝર્વ જાહેર કરી સિંહના સુરષાના કારણસર બૃહદગીરમાં સમાવેશ કરેલ છે. જેથી વન્યજીવોની સુરક્ષા માટે આ ૭ કિલોમીટરના માર્ગ પર દીશાસુચક સાઈન બોર્ડ અને સ્પીડબ્રેકર મુકવા પ્રકૃતિપ્રેમી અમઝદ કુરેશી તેમજ હિમાંશુ ભટ્ટ દ્વારા ઘટતું કરવા માગણી કરવામાં આવી છે.

જાબાળ, શાંતિનગરની સીમમાં ૧૦ ફૂટ લાંબો અજગર આવી ચઢ્યો.

Bhaskar News, Savarkundla | Aug 26, 2012, 00:06AM IST
પ્રકૃતિપ્રેમીઓએ વનવિભાગને સોંપતા મિતીયાળા નજીક મુકત કરાયો

સાવરકુંડલા તાલુકાના જાબાળ અને શાંતીનગર ગામની સીમમાં આવેલ એક વાડીમાં પાછલા ત્રણ ચાર દિવસથી દસેક ફુટ લાંબો અજગર આંટાફેરા મારતો હોય ખેડુતો અને મજુરોમાં ભય ફેલાયો હતો. આ અંગે પ્રકૃતિપ્રેમીઓને જાણ કરાતા તેઓએ આ અજગરને પકડીને વનવિભાગને સોંપી દીધો હતો.

જાબાળ અને શાંતીનગર ગામની સીમમાં આવેલ રાજુભાઇ શાંતીભાઇ નસીતની વાડીમાં દસેક ફુટ લાંબો અને વીસેક કિલો વજન ધરાવતો એક મહાકાય અજગર છેલ્લા ત્રણ ચાર દિવસથી વાડીમાં આંટાફેરા મારતો હોય ખેડુતો અને મજુરોમાં ભય ફેલાયો હતો. આ અંગે પ્રકૃતિપ્રેમીઓને જાણ કરવામાં આવતા અભરામપરાથી હરેશ મેસુરીયા, ભાભલુભાઇ વિકમા, નીલેષ મહેતા વિગેરે ગઇકાલે રાત્રે વાડીએ દોડી ગયા હતા.

પ્રકૃતિપ્રેમીઓએ અજગરને મહામહેનતે પકડી લીધો હતો.અને બાદમાં વનવિભાગને સોંપી દીધો હતો. હાલમાં દુષ્કાળની સ્થિતિ હોય નદી તળાવો પણ સુકાઇ ગયા હોય આ અજગર પિયતવાળા ખેતરોમાં જોવા મળે છે. વનવિભાગે આ અજગરને મિતીયાળાના વોરાવાડી તળાવ નજીક સલામત રીતે મુકત કરી દીધો હતો.

ધારીનાં ખીસરીમાં ગામમાં ઘૂસી સાવજે કર્યું બે ગાયનું મારણ.


Bhaskar News, Amreli | Aug 25, 2012, 01:03AM IST
જળજીવડીમાં પણ સાવજે એક વાછરડાને ફાડી ખાધો

ગીર જંગલનાં કાંઠાનાં ગામડાઓમાં સાવજોનો ત્રાસ સતત વધતો જ જાય છે. આ વિસ્તારમાં વસતા સાવજો દ્વારા માલધારીઓના માલઢોરનું છાશવારે મારણ કરવામાં આવે છે. ગઇ સવારે ધારીના ખીસરીમાં ગામમાં ઘુસી સાવજોએ બે ગાયનું મારણ કર્યુ હતું. આ ઉપરાંત જળજીવડીમાં પણ એક વાછરડાને ફાડી ખાધો હતો.

ગામમાં ઘુસી સિંહ દ્વારા ગાયનું મારણ કર્યાની ઘટનાં ધારી તાલુકાનાં ખીસરી ગામે બની હતી ખીસરીનાં જયસુખભાઇ પાટડીયાની એક ગાય ઘર બહાર બાંધેલી હતી. ગઇ વહેલી સવારે એક સિંહ ગામમાં આવી ચડયો હતો. અને તેમનાં ઘર બહાર બાંધેલી ગાયને મારી નાખી હતી. આ ઉપરાંત સાવજો ગામમાં એક રેઢીયાર ગાયને પણ મારી નાખી હતી. આ દરમિયાન ગામલોકો જાગી જતાં સિંહ મારણ મુકી ચાલ્યો ગયો હતો. તાલુકા પંચાયતનાં સદસ્ય રમેશભાઇ ભારોલાએ આ અંગે વન વિભાગને જાણ કરતા આરએફઓ એ.વી.ઠાકર સ્ટાફ સાથે નીસરી દોડી ગયા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

આવી જ રીતે ધારી તાલુકાનાં જળજીવડી ગામની સીમમાં સાવજ દ્વારા એક વાછરડાનું પણ મારણ કરવામાં આવ્યુ હતું. ગીર કાઠાના ગામડાઓમાં ભૂખ્યા સાવજો દ્વારા આ રીતે અવાર-નવાર માલધારીઓનાં ઉપયોગી પશુનું મારણ કરાય છે.

PHOTOS : ‘કરિશ્મા કુદરતકા’ આંબે મોર્યા કમૌસમી મોર!.

PHOTOS : ‘કરિશ્મા કુદરતકા’ આંબે મોર્યા કમૌસમી મોર!
divyabhaskar.com  |  Aug 26, 2012, 01:08AM IST

સોરઠમાં એકતરફ મેઘરાજાનાં રૂસણા પછી દુષ્કાળની સ્થિતિ સર્જા‍ઇ છે ત્યારે ગ્લોબલ વોર્મિંગની અસર ગણો કે અન્ય કારણ પણ ઊના પછી જૂનાગઢ નજીક વડાલમાં અલ્પેશભાઇ નાનજીભાઇ ચોવટીયાની વાડીએ આંબામાં મોર આવતા સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાં કમૌસમી આંબા મોરથી ભારે કૂતુહલ સર્જા‍યુ છે. તસવીર : મનીષ જોષી

મગરે દીધી દેખા, ઊનાનાં રાવલ ડેમમાં એક વર્ષ ચાલે એટલું પાણી.


મગરે દીધી દેખા, ઊનાનાં રાવલ ડેમમાં એક વર્ષ ચાલે એટલું પાણી

Jayesh Gondhiya, Una  |  Aug 26, 2012, 00:40AM IST
દુષ્કાળનાં કપરા દિવસોમાં શહેર અને તાલુકાનાં ૬૦ ગામો તેમજ દીવ પ્રદેશ માટે રાહતનાં એંધાણ

સમગ્ર સોરઠ પંથકનાં કારમા દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે સંકટનાં વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. ઠેર-ઠેર પાણીનો પોકાર ઉઠયો છે ત્યારે ઊના તાલુકામાં ગીર જંગલ વિસ્તારમાં આવેલા રાવલ ડેમમાંથી અત્યાર સુધી નિયમિત રીતે ૬૦ ગામોને પીવાનું પાણી અપાય છે. સાથોસાથ કેન્દ્રશાસિત પ્રદેશ દીવને પીવાનાં પાણીનો જથ્થો અપાય છે. હાલની દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે રાવલ ડેમમાં હજુ એક વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો છે. એ જોતાં મેઘરાજા કૃપા ન કરે તો ઊના તાલુકાનાં ૬૦ ગામોને તથા દીવ પ્રદેશને પીવાનાં પાણીની સમસ્યાનો પ્રશ્ન રહેશે નહીં. એમ સિંચાઇ પેટા વિભાગનાં અધિકારીએ જણાવ્યું હતું.

ઊના તાલુકા સિંચાઇ પેટા વિભાગ કચેરીનાં હસ્તે પંથકમાં ચિખલકુબા ગામ નજીક આવેલા રાવલ ડેમ ૧૯૭૮માં બનાવાયું હતું. વિશાળ જગ્યામાં ફેલાયેલા આ રાવલ ડેમમાં ૨૪ ઘનમીટર પાણી સ્ટોરેજ કરવાની ક્ષમતા ધરાવે છે. અને હાલ આખું વર્ષ આ ડેમમાંથી પાણી પુરવઠા દ્વારા પાણીનો જથ્થો સપ્લાય કરવા છતા પણ આ ડેમમાં હજુ ૮ ઘનમીટર જેટલું પાણી છે. એમ તંત્રનાં અધિકારીએ જણાવ્યું છે. જ્યારે આ ડેમ હેઠળ ૬૦ ગામોને તથા દીવ પ્રદેશને એક વર્ષ સુધી પાણીનો જથ્થો નિયમિત મળી શકે એટલું પાણી છે. એ સિવાય જંગલ વિસ્તારમાં વસવાટ કરતા પ્રાણીઓને પણ પીવાનાં પાણીની સમસ્યા ન નડે તે માટે વધારાનો ડેડ સ્ટોક પણ ઉપલબ્ધ હોય અને તેમાં પાણીની જરૂરીયાત વન્ય વિસ્તારનાં પ્રાણીઓ માટે અનામત રખાય છે.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી તંત્ર દ્વારા તકેદારીનાં પગલા ભરવામાં આવી રહ્યા હોઇ પાણીની વિકટ સમસ્યા ઉભી ન થાય તે માટે પુરતા પ્રયત્નો હાથ ધરાઇ રહ્યા છે. એ સિવાય રાવલ ડેમમાંથી પાણીનો જથ્થો તો પુરતો છે. પરંતુ આ જથ્થો સપ્લાય કરવાની જવાબદારી પાણી પુરવઠા બોર્ડની છે. અને પાણી પુરવઠા બોર્ડે આ જવાબદારી સારી રીતે નિભાવી શકતું ન હોય તેમ રાવલ ડેમ હેઠળ આવતા ૬૦ ગામોમાંથી અનેક ગામમાં પિવાનાં પાણીની સમસ્યા ઉભી થતી જોવા મળી રહી છે.

પાણી પુરવઠા બોર્ડની બેદરકારી નડી જશે કે શું ?

એક તરફ સિંચાઇ વિભાગ પુરતો પાણીનો જથ્થો હોવાનો દાવો કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ પાણી પુરવઠા બોર્ડની અણઆવડતથી પાણીનો જથ્થો પુરતો હોવા છતાં નિયમિત રીતે પાણી ફાળવી શકતા નથી. તેવી ફરિયાદો અનેક ગામોમાંથી ઉઠવા પામી છે. અને ઘણી વખત રાવલ ડેમની પાઇપ લાઇન તૂટી ગયેલ હોઇ તેની મરામત કરાવવાની જવાબદારી પાણી પુરવઠા બોર્ડની હોવા છતા પણ ઘણી વખત તો આવી મરામત ક્યાં કરવાની છે તેની પણ પાણી પુરવઠા બોર્ડને ખબર નથી હોતી. આમ હાલ આ દુકાળની પરિસ્થિતિ અને પાણીનાં પોકાર વચ્ચે એક વર્ષ સુધી ચાલે એટલું પૂરતું પીવાનું પાણી હોવા છતાં પણ પીવાનાં પાણીનો પોકાર ઉઠે એ ખરેખર પાણી પુરવઠા બોર્ડની નબળાઇ છે.

મચ્છુન્દ્રી ડેમમાં ઉલ્ટી ગંગા

મચ્છુન્દ્રી ડેમ પણ ઊના તાલુકામાં આવેલ હોઇ ત્યાં પરિસ્થિતિ ઉલ્ટી હોવાનું તંત્ર જણાવી રહ્યું છે. અને મેઘરાજા દયા નહી વરસાવે તો આગામી સમયમાં મચ્છુન્દ્રી ડેમ તથા નદી હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા ફફડાટ મચાવશે તેવુ જાણવા મળી રહ્યું છે. ત્યારે દુકાળની પરિસ્થિતિ વચ્ચે દીવ વિસ્તાર તથા ઊના તાલુકાનાં ૬૦ ગામોને પીવાનાં પાણીની સમસ્યા એક વર્ષ સુધી સતાવશે નહીં. તેમ છતાં પણ મેઘરાજા મેઘ વરસાવે તેવી ચાતક નજર લોકોની ગગન તરફ મીટ માંડી રહ્યા છે. અને કહે છે, મેઘરાજા હવે તો વરસો...

ઊના પંથકનાં માલધારીઓની હાલત કફોડી : કલેક્ટરને રજૂઆત.


Bhaskar News, Junagadh | Aug 22, 2012, 04:33AM IST
પૂર્વ ધારાસભ્યની સાથે ઘાસચારો અને પાણીની વ્યવસ્થાની માંગ કરી

ઊના પંથકનાં જંગલ તેમજ જંગલ નજીક વસતા માલધારીઓની હાલત ઘાસચારાનાં અભાવે કફોડી થઇ ગઇ છે. જેથી આજે આ માલધારીઓ પૂર્વ ધારાસભ્યની સાથે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા હતા.ઊનાનાં પૂર્વ ધારાસભ્ય પુંજાભાઇ વંશની સાથે આ માલધારીઓ કલેક્ટરને રજૂઆત કરવા જૂનાગઢ આવ્યા હતા. જેમાં તેમને સરકાર દ્વારા તાત્કાલીક અસરથી ઘાસચારો અને પાણી મળી રહે તેવી માંગણી કરી હતી. તેમજ ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વનવિભાગમાં હાલ જે માલધારીઓ વસવાટ કરી રહ્યા છે અને તેમના વસવાટનાં પાંચ કિલોમીટર વિસ્તારમાં ચરીયાણ ન હોય તેવા માલધારીઓને હંગામી ધોરણે ચરીયાણ મળી રહે તેવા વિસ્તારમાં સ્થળાંતર કરવાની મંજૂરી પણ માંગી હતી.

જ્યારે પીવાનાં પાણીની સમસ્યા નિવારવા માટે કાણેક, માંડવી, ઘોડાવડી, ખજૂરી, ઘુડજીંજવા,મોટા મીંઢા, હડાળા, ટિંબરવા, આછુન્દ્રાળી, દોઢી નેસ, લેરીયા, લોકી, સાપનેસ, બાબરીયા સહિતનાં તમામ નેસમાં વસ્તીનાં હિસાબથી આઠ ઇંચનાં નવા બોર કરવાની માંગણી પણ કરી છે. તેમજ હયાત હેંડપંપને નિયમિત રીપેરિંગ અને ઘટતી પાઇપ નાંખવાની, મચ્છુન્દ્રી ડેમમાંથી માલધારીઓનાં પશુઓને પાણી પીવા માટે છુટ આપવાની પણ માંગણી કરી છે. ઘાસચારાનાં અભાવે પશુધન ભૂખે મરી રહ્યુ છે.

સેટલમેન્ટ ખાતેદારોને કુવાની મંજૂરી આપો

સેટલમેન્ટ ખેડૂત ખાતેદારોને કુવો અને બોર કરવાની મંજૂરી તેમજ તાત્કાલીક અસરથી વીજ જોડાણ આપવાની માંગણી કરી હતી.

મચ્છુન્દ્રી નજીક ઢોર ચારવા કરી માંગણી

કલેક્ટરને રજૂઆત કરવા આવેલા માલધારીઓને સરકાર દ્વારા તેમને રાહતદરે ઘાસચારો આપવામાં આવશે તે અંગે કલેક્ટર મનિષ ભારદ્વાજ સમજાવી રહ્યા હતા. ત્યારે જ એક માલધારીએ તેમને જણાવ્યુ હતુ કે, સાહેબ સરકાર અમને રાહતદરે ઘાસચારો તો આપશે પણ તે ખરીદવાનાં પૈસા અમે ક્યાંથી કાઢશુ? તેના બદલે મચ્છુન્દ્રીનાં કાંઠા નજીક સારૂ ઘાસ છે તો અમારા ઢોર ત્યાં ચારવાની અમને મંજૂરી આપો.

Thursday, August 16, 2012

પરચુરણ કામમાં મંજૂરીની પળોજણમાં ફસાતા ગિરનાર જંગલ ફરતેના ર૭ ગામડાના ખેડૂતો.


જૂનાગઢ, તા.૧૧
જૂનાગઢ જિલ્લાના ર૭ જેટલા નાના - મોટા ગામોનો હાલમાં ગિરનાર અભ્યારણ્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ગામોમાં રહેવાસીઓ તથા ખેડૂતોને નાના એવા કામો કરવા માટે પણ વનવિભાગની મંજુરી લેવી પડતી હોવાની રાવ સાથે ભારત કિસાન સંઘે કલેકટરને પત્ર પાઠવી આ ગામોને ગીર અભ્યારણ્યમાંથી સત્વરે બાકાત કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
  • સત્વરે ઘટતું નહી કરાય તો સરપંચોને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી
તાજેતરમાં ભેંસાણ,મંડલીકપુર, છોડવડી, બંધાળા, સામતપરા, મેંદપરા, પારસીયા, બામણગામ, ડુંગરપુર, પાદરીયા, તોરણિયા, માંડણપરા, ભલગામ, નવાગામ અને ચોરવાડી સહિત ર૭ નાના મોટા ગામોનો તાજેતરમાં ગિરનાર અભ્યારણ્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અભ્યારણ્યમાં સમાવેશ થવાથી આ ગામોનો વિકાસ રૃંધાઈ રહ્યો છે.
આ ગામના ખેડૂતોને ખેતીની જમીનમાં કુવો ખોદવો, કુવો ઉંડો કરવો, બોર કરવો સહિતના નાના મોટા કામ માટે પણ વનવિભાગની મંજુરીની જટીલ પ્રક્રિયામાંથી પસાર થવું પડતી હોવાની રાવ સાથે ભારતીય કિશાન સંઘના પ્રમુખ હસમુખભાઈ ઉમરેટીયા અને મંત્રી રજનીક ઉમરેટીયાએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી તમામ ગામોને ગિર અભ્યારણ્યમાંથી બાકાત રાખવા માંગણી કરી છે. તેમજ પત્રના અંતે જો સત્વરે આ અંગે ઘટતું કરવામાં નહીં આવે તો ર૭ ગામોના ગ્રામજનો અને સરપંચને સાથે રાખી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

Wednesday, August 15, 2012

હુમલો કરનાર દીપડાને લોકોએ પતાવી દીધો.


Bhaskar News, Khamba | Aug 15, 2012, 01:37AM IST
- ન્યપ્રાણી અને માણસો વચ્ચે ટકકરની વધતી ઘટનાઓ: વનવિભાગનો સ્ટાફ દોડી ગયો

ખાંભા તાલુકાના દલડી ગામે આજે સવારે મુસ્લિમ આધેડ કુદરતી હાજતે ગયા હતા ત્યારે એક દીપડાએ તેમના પર હુમલો કરી ઘાયલ કરી દીધા હતા. મુસ્લિમ આધેડને બચાવવા ગયેલા તેમના ભાઇ પર પણ દપિડાએ હુમલો કરી ઘાયલ કરી દીધા હતા. બાદમાં ઉશ્કેરાયેલા ગામલોકોએ દપિડાને પતાવી દીધો હતો.

દલડી ગામે મુસ્લિમ શખ્સોને દીપડાના હુમલામાં ઇજા પહોંચી હતી. જ્યારે સામાપક્ષે દીપડાએ જીવ ગુમાવવો પડયો હતો. ખાંભાના દલડી ગામના હાજીભાઇ અભરામભાઇ નાયા (ઉ.વ.૪૮) આજે સવારે છ વાગ્યે ગામની સીમમાં કુદરતી હાજતે ગયા હતા ત્યારે દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. ઘરથી થોડે દુર દપિડાના આ હુમલાના પગલે તેમણે દેકારો કરતા તેમના ભાઇ મહંમદભાઇ નાયા પણ ત્યાં દોડી આવતા દીપડાએ તેમના પર પણ હુમલો કર્યો હતો.

એક્સાથે બે વ્યક્તિ પર દીપડાના હુમલાના પગલે ગામમાં દેકારો બોલી ગયો હતો. અને ગામલોકો ત્યાં એકઠા થઇ ગયા હતા. અહી ગામલોકોએ મોકો મળતા જ દીપડાના રામ રમાડી દીધા હતા. ઇજાગ્રસ્ત હાજીભાઇ ગીર નેચર યુથ ક્લબના સભ્ય છે. ક્લબના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળા પણ ખાંભા દવાખાને દોડી ગયા હતા. સ્થાનિક આરએફઓ પરડવા સહિતના અધિકારીઓ સ્ટાફ સાથે દલડી દોડી ગયા હતા. દપિડા પર હુમલો કરી તેને કોણે મારી નાખ્યો તે અંગે સાંજ સુધી વનવિભાગ સ્પષ્ટ ન હતું.

- દીપડાને કોણે માર્યો વનવિભાગ અવઢવમાં

દલડીમાં દપિડાના રામ રમાડી દેવાયા બાદ આ દીપડાને કોણે માર્યો તે અંગે વનવિભાગ મોડીસાંજ સુધી અવઢવમાં જોવા મળતુ હતું. વનવિભાગે અનેક ગામ લોકોની પુછપરછ કરી હતી આમ છતા દપિડા પર હુમલો કરનારા વિશે કોઇ જાણકારી મળી ન હતી. આરએફઓ પરડવાએ જણાવ્યું હતું કે આ અંગે હજુ તપાસ ચાલુ છે.

- પી.એમ. રિપોર્ટ માથામાં ઘા ફટકારી પતાવી દીધો

આ ચકચારી ઘટના બાદ ધારીના પશુચિકિત્સક રીતેશ વામજા અને જેસરના ડૉ.નયન પટેલની પેનલ દ્વારા દીપડાના મૃતદેહનું પી.એમ. કરાયું હતું. જેમાં દીપડાને માથામાં લાકડી જેવા પદાર્થથી માર મારી પતાવી દીધી હોવાનું ખુલ્યું હતું.

Wednesday, August 8, 2012

વડિયા પંથકમાં આડેધડ થતું વૃક્ષ છેદન, દેશીકુળના ઝાડનો સોંથ.


વડિયા, તા.૭:
વડિયા પંથકમાં અમુક સ્વાર્થી તત્વો દ્વારા આડેધડ વૃક્ષોને કાપી તેના લાકડા વેચી મારતા હોવાનું ઘણા સમયથી ચાલી રહ્યું છે.આ પંથકના ગામડાઓમાં વૃક્ષાનો સોથ વળી રહ્યો છે તેમાં કિમતી અને ઉપયોગી દેશીકુળના વૃક્ષોનો પણ સમાવેશ થાય છે. આ બાબતે તપાસ કરી કડક પગલાં લેવાની માગણી લોકોમાંથી ઉઠી છે.
  • વોચ ગોઠવી એક ટ્રક ઝડપી લીધો, તપાસ કરી પગલાં લેવા માગણી
વડિયા તાલુકાના મોરવાડા ગામેથી ઘણાં સમયથી વૃક્ષછેદન થઈ રહ્યું હોવાનું બહાર આવેલ છે.આ વિસ્તારમાંથી આડેધડ વગર મંજુરીએ વૃક્ષો કાપી બારોબાર વેચી મારતા હોવાની ફરિયાદ ઉઠી છે. આ ઉપરંત બરવાળા બાવળ ગામે પણ અંદાજે ત્રીસેક જેટલા વૃક્ષો વગર મંજુરીએ કાપી નાખવામાં આવેલ છે અને વૃક્ષછેદનની પ્રવૃતિ વગર રોકટોક ચાલતી હોવાની માહિતી મળતા પત્રકારોએ વોચ ગોઠવી હતી અને એક ટ્રક લાકડા ભરેલો પકડી પાડી વડિયા મામલતદાર અને પી.એસ.આઈ.ને જાણ કરતા તેઓએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સાંજના સમયે વડિયાના મુસાભાઈ બાલાપરીયાની વાડીએથી એક ટ્રક લાકડા ભરી જઈ રહેલા ટ્કને સર્કલ ઓફિસરે કબજે લીધો હતો.ટ્રકના ડ્રાઈવર દશરથ સોમાભાઈ ઠાકોર અને દેવીપુજક લાલો બીજલની પોલીસે ધરપકડ કરી હતી. બરવાળાના ખારા વિસ્તારમાં ત્રીસેક વૃક્ષો કાપી નંખાયાનું બહાર આવેલ છે.જાણવા મળ્યા મંજબ વડિયામાંથી વહેલી સવારે બેથી ત્રણ ટ્રક લાકડા ભરાઈને બ્વેચાવા માટે જતાં રહે છે.ત્યારે આ બાબતે ઉંડાણભરી તપાસ હાથ ધરી કડકમાં કડક પગલાં લઈ વૃક્ષછેદન પ્રવૃત્તિ કડક હાથે ડામી દેવા લોકોની માગણી ઉઠી છે.

જૂનાગઢના સકકર બાગ ઝૂમાં ચિંકારા અને ચિત્તલ હરણનાં મોત.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated Aug 05, 2012, 02:57AM IST

- ચિત્તલનું ઇન્ફાઇટનાં કારણે મોત થયાનું પ્રાથમિક તારણ

જૂનાગઢનાં સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચિંકારા અને ચિતલ હરણનાં મોત નિપજ્યા હતાં. જેમાં ચિંકારા હરણ સારણગાંઠની બિમારીથી પીડાતું હતું. જ્યારે ચિતલ હરણનું ઇન્ફાઇટમાં ઘાયલ થયા બાદ સારવાર દરમિયાન મોત થયુ હોવાનું જાણવા મળ્યું છે.

જૂનાગઢ સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આજે એક ચિંકારા અને એક શીતલ હરણનાં મોત નિપજ્યા હતા. આ અંગે સકકરબાગનાં નિયામક ડીએફઓ વી. જે. રાણાએ જણાવ્યું હતું કે, ચિંકારા હરણ લાંબા સમયથી સારણગાંઠની બિમારીથી પીડાતું હતું. છેલ્લા એક સપ્તાહથી તેની તબિયત વધુ ખરાબ થઇ ગઇ હતી. એક સપ્તાહથી તેની સારવાર ચાલતી હતી.

દરમિયાન આજે તેનું મોત નિપજ્યું હતું. જ્યારે ચિતલ હરણોનાં ગૃપ પૈકી બે ચિતલ વચ્ચે ઇન્ફાઇટ થતાં તેમાં એક હરણ ઘાયલ થયું હતું. તેની પણ એક સપ્તાહથી સારવાર ચાલતી હતી. જોેકે, એ કારગત નીવડી નહોતી. અને શરીરનાં આંતરિક ભાગોમાં થયેલી ગંભીર ઇજા તેના માટે જીવલેણ નીવડી હતી.

આજે ઘવાયેલા ચિતલનું સારવાર દરમિયાન મોત થયુ હતું. બંન્ને હરણ પૂખ્ત વયનાં હતાં. અત્રે નોંધનીય છે કે, સક્કરબાગ ઝૂમાં વિવિધ પ્રકારનાં હરણોનાં વિશાળ સાઇઝનાં પાંજરા છે. જેમાં તેઓ મર્યાદિત છત્તાં ઉભા કરેલા નૈસિર્ગક વાતાવરણમાં વહિરી શકે. ક્યારેક હરણોનાં આ ગૃપ વચ્ચે ઇન્ફાઇટ પણ થતી હોય છે. આજ પ્રકારની ઇન્ફાઇટમાં ઘવાયેલા ચિત્તલનું મોત થયું હતું. આગામી દિવસમાં આવી ઘટનાઓ ન બને તે માટે સક્કર બાગ ઝૂના કર્મચારીઓ દ્વારા પૂરતા પગલાં લેવામાં આવશે.

ઊનાનાં ઘોડવડીના શિવ મંદિરમાં દર્શન પર વન વિભાગની પાબંદી.

Source: Bhaskar News, Una   |   Last Updated Aug 08, 2012, 00:09AM IST

- ગાંધીનગર સુધી આ મુદ્દે રજુઆત : પૌરાણિક મંદિરમાં દર્શન કરવા સામે પણ વનવિભાગ આવા ફતવા કેમ બહાર પાડે છે : ગ્રામજનો

ઊનાનાં ઘોડાવડી ગામ નજીક આવેલા પૌરાણિક બિલેશ્વર મંદિરમાં જતા ભાવિકો પર વનવિભાગ દ્વારા પાબંદી લાદવામાં આવતા ભાવિકોમાં ભારે રોષ છવાયો છે. પવિત્ર શ્રાવણ માસમાં જ વનવિભાગે શિવમંદિર માટે જ આવો નિર્ણય કરતા ભાવિકોએ તેને જંગલી ગણાવ્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ ઊના પંથકનાં ઘોડાવડી ગામ સેટલમેન્ટનું ગામ છે. આ ગામનાં પાદરમાં આવેલા પૌરાણિક બિલેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન સેંકડો ભાવિકો દર્શન માટે ઉમટી પડતા હોય છે. પરંતુ અચાનક જ વનખાતાએ આ મંદિરે જતાં દર્શનાર્થીઓ પર પાબંદી લગાવી દિધી હતી. જેથી ઘોડાવડી,કોદીયા, દ્રોણ, ફાટસર,ઇટવાયા અને ગીરગઢડા સહિતનાં ગ્રામ્ય વિસ્તારનાં ભાવિકોમાં વનવિભાગનાં આ આદેશથી વિરોધ ભભૂકી ઉઠ્યો છે.

જેને પગલે વિશાળ સંખ્યામાં શિવભકતો ઘોડાવડી ગામે ઉમટી પડ્યા હતા અને વનવિભાગનાં આ આદેશનો વિરોધ કર્યો હતો. બે દિવસ પહેલા જ વનવિભાગે લીધેલા આવા નિર્ણયથી અનેક તર્ક-વિતર્ક ઉઠ્યા છે. બીજી તરફ આ નિર્ણયની જાણ આસપાસનાં ગ્રામજનોને પણ થતા ભારે કચવાટ સાથે વનવિભાગનો આ નિર્ણય અન્યાયી હોવાનું જણાવ્યું હતું.

- ગામ જંગલમાં નથી, તો પ્રતિબંધ કેમ?

ઊના તા.પં.નાં પૂર્વ પ્રમુખ ઉકાભાઇ વાઘેલાએ જણાવ્યુ હતું કે, આ ગામ સેટલમેન્ટનું છે. વન વિભાગનાં અધિકારીને સપનુ આવ્યુ કે અચાનક મંદિરે આવતા દર્શનાર્થીઓનાં જવા પર પ્રતિબંધ મૂક્યો. આ પ્રતિબંધ હટાવીને જ રહીશું.

- આ નિર્ણય જરા પણ યોગ્ય નથી

ગીરગઢડાનાં અગ્રણી અશ્વિનભાઇ આણદાણીએ જણાવ્યુ હતું કે, બિલેશ્વર મંદિરે જતાં ભાવિકો પર લગાવવામાં આવેલી પાબંદી જરા પણ યોગ્ય નથી. તેને તાત્કાલીક દૂર કરવી જોઇએ.

- પાબંદી હોય તો પણ મંદિરે તો જઇશું જ

વનવિભાગનાં આ નિર્ણયનો વિરોધ કરવા એકત્રિત થયેલા ભાવિકોએ રોષ સાથે જણાવ્યુ હતુ કે, વનખાતાની આવી પાબંદીની પરવા કર્યા વગર મહાદેવને શીશ નમાવવા જઇશુ જ.

જુનાગઢ-ભેંસાણનાં ૨૭ ગામો હવે ‘જંગલમાં’


Source: Bhaskar News, Junagadh   |   Last Updated Aug 08, 2012, 00:12AM IST
- પર્યાવરણ અને વનમંત્રાલય દ્વારા ગેઝેટ પ્રસિદ્ધ : વધુ ૯૩૧૭.૫૮ હેકટર સંવેદનશીલ ઝોન તરીકે જાહેર થઈ

- બન્ને તાલુકાનાં આ ગામોનાં લોકો માટે હવે વનવિભાગનું એનઓસી રહેશે ફરજીયાત

એશિયાટીક લાયન તેમજ વન્યજીવોની સુરક્ષા અને સરક્ષણ અર્થે ગીરનાર આસપાસનાં જૂનાગઢ તેમજ ભેંસાણ તાલુકાનાં ૨૭ ગામોની ૯૩૧૭.૫૮ હેકટર વિસ્તારને પર્યાવરણ અને વનમંત્રાલય દ્વારા તાજેતરમાં સંવેદનશીલ ઝોનમાં સમાવિષ્ટ કરતા આ ગામો હવે વનવિભાગ હસ્તક એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.

ઉલ્લેખનીય એ છે કે, ગત ૩૧ મેનાં રોજ જાહેર થયેલા ગેઝેટમાં લેવાયેલા આ નિર્ણયથી ગામોમાં કૂવો ખોદવો, બાંધકામ કરવું સહિતમાં હવે વનવિભાગનું એનઓસી ફરજીયાત રહેશે જેથી સ્થાનિક કક્ષાએ આ મુદ્દે થોડોક કચવાટ પણ પ્રવર્તે છે.

એશિયાટીક લાયન અને અન્ય વન્યજીવો તેમજ ગીરનાર આસપાસનું વન અને જળપ્રવાહને સુરક્ષીત રાખવાના હેતુથી વનવિભાગે અગાઉ ૧૭૮૨૭.૨૯ હેકટર જમીનને ઈકોસેન્સેટીવ ઝોનમાં સમાવીષ્ટ કરતુ ગેઝેટ ગત તા. ૩૧મે ૨૦૧૨નાં રોજ પ્રસિધ્ધ કરાતા જુનાગઢ અને ભેંસાણ તાલુકાનાં ૨૭ ગામો હવે જંગલમાં ગણાય તેવી સ્થિતિ સર્જાઈ છે. કેન્દ્રના પર્યાવરણ અને વનમંત્રાલય દ્વારા લેવાયેલા આ નિર્ણયથી પ્રદૂર્ષણની સમસ્યા ન સર્જાઈ તે માટે ઉદ્યોગો, ખાણમાં ખોદકામ પર ખાસ નિયંત્રણ રહેશે તેમજ હવેથી આ ગ્રામ્ય વિસ્તારોમાં થનારા બાંધકામમાં વનવિભાગની મંજુરી અગ્રેસર રહેનાર છે.

જો કે, ગીરનાર આસપાસનાં આ વનવિભાગનાં સંવેદનશીલ ઝોન અંગે એક મોનીટરી સમિતી પણ નિર્માણ કરાઈ છે. જેમાં અધ્યક્ષ તરીકે કલેક્ટર જુનાગઢ, કેન્દ્ર સરકારનાં વનપર્યાવરણ મંત્રાલયનાં પ્રતિનિધી, કેન્દ્ર સરકાર દ્વારા ગેરસરકારી સંગઠનનાં પ્રતિનિધી, પ્રદૂર્ષણ નિયંત્રણ બોર્ડ જુનાગઢનાં ક્ષેત્રીય અધિકારી, ટાઉન પ્લાનીંગ ઓફીસર, વનપર્યાવરણ વિભાગ ગુજરાત સરકારનાં પ્રતિનિધી, પર્યાવરણ ક્ષેત્રનાં એક નિષ્ણાંત અને ગીરનાર વન્યજીવન અભ્યારણનાં ઉપવનસંરક્ષકનો સદસ્યો તરીકે સમાવેશ કરાયો છે.

અગાઉ ૧૭૮૨૭.૨૯ હેકટર જમીન ઈકોસેન્સેટીવ ઝોનમાં હતી તેમાં વધું ૯૩૧૭.૫૮ હેકટર અંતર્ગત જુનાગઢ અને ભેંસાણ તાલુકાનાં ૨૭ ગામો હવે વનવિસ્તારમાં આવરી લેવાયા છે. જો કે, કેન્દ્રનાં વન અને પર્યાવરણ મંત્રાલયનાં આ નિર્ણયથી સોરઠમાં ઊના વિસ્તારમાં બાંધકામ સહિતમાં વનવિભાગની એનઓસી ફરજીયાત હોય તેવો કચવાટ અને રજુઆતો ચાલુ છે ત્યાં આ ગામોનો પણ જંગલમાં સમાવેશ થતા હવે અહીં પણ થોડોક કચવાટ બહાર આવ્યો છે. આ નિયમ સામે ઊના સહિત આસપાસના ગામનાં લોકોએ ગત આઠમી જૂને આવેદન પણ આપ્યું હતું.

- જુનાગઢ તાલુકાનાં ગામો

દોલતપરા, સાબલપુર, બામણગામ, ડેરવાણ, વડાલ, ચોકલી,મંડલીકપૂર, બંધડા, ભાલગામ, માંડણપરા, તોરણીયા, ખડીયા, ડુંગરપુર, પ્લાસવા, જુનાગઢ અને ભવનાથ

- ભેંસાણ તાલુકાનાં ગામો

બલિયાવાડ, પાટલા, હડમતીયા વિશા, મંેદપરા, દુધાળા, માલીડા,પસવાળા, સામતપરા, છોડવડી

- કેટલાક ગામતો આખેઆખા

બન્ને તાલુકાનાં પતવાડ, પસવાળા, મલીડા,મદનપરા, તોરણીયા,ભવનાથ આ ગામો તો આખેઆખા વનવિભાગમાં સમાવિષ્ટ થયા છે.

અમરેલી જિલ્લામાં ૬૩મા વનમહોત્સવની ઉજવણી.


Source: Bhaskar News, Amreli   |   Last Updated Aug 05, 2012, 01:05AM IST
- ઠેરઠેર વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા

અમરેલી જિલ્લામાં આજે ૬૩મા વન મહોત્સવની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી. લીલીયા ખાતે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત લાઠી, બાબરા, રાજુલા સહિતના શહેરોમાં પણ વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લામાં ઠેરઠરે ૬૩મા વનમહેાત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બાબરામાં કપીલા હનુમાનજીની જગ્યા ખાતે મામલતદારની અધ્યક્ષતામાં વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે આરએફઓ જે.ડી.સાદીયાએ જણાવ્યું હતું કે હાલમાં વૃક્ષાેની સંખ્યા ઘટી રહી છે ત્યારે વધુને વધુ વૃક્ષાે વાવવા માટે અનુરોધ કર્યો હતો. આ તકે મામલતદાર પાઢ, પુર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમર, વાલજીભાઇ ખોખરીયા, જીન્નતબેન અગવાન, ખીમજીભાઇ મારૂ, કાકુભાઇ ચાંવ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

આવી જ રીતે ખાંભામાં પણ વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મામલતદાર, એસ.એમ.રાણવા,ભીખુભાઇ બાટાવાળા, ડીએફઓ અંશુમન શર્મા, આરએફઓ પરડવા, પરમાણંદભાઇ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લાઠીમાં ભીડભંજન મહાદેવ મંદિરના પટાંગણમાં તાલુકા કક્ષાના વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારી કોટડ, મામલતદાર વાળા, રાજુભાઇ ભુવા, મયુરભાઇ, ડેરભાઇ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. અહીયા ૧૦૮ બિલ્જપત્રના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

રાજુલાના ધારેશ્વર ગામે મામલતદાર ચનીયારા, આરએફઓ બ્લોચની ઉપસ્થિતિમાં વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અહી વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. લીલીયામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મોહનભાઇ કુંડલીયા, ધારાસભ્ય હનુભાઇ ધોરાજીયા, જે.કે.મકવાણા, આરએફઓ તુર્ક, ફોરેસ્ટર બી.એમ.રાઠોડ, બીપીનભાઇ, અશોકભાઇ સહિત અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ધારીનાં પાતળા ગામની સીમમાં ભરવાડ યુવક પર સિંહણનો હુમલો.

Source: Dilip Raval, Amreli   |   Last Updated Aug 05, 2012, 16:45PM IST

-ઢોર ચરાવતા માલધારી પર સિંહણનાં હુમલાથી લોકોમાં ફફડાટ

ગીરપુર્વ જંગલ વિસ્તાર નજીક આવેલા ગામડાઓમાં અવારનવાર વન્યપ્રાણીઓ દ્રારા માણસ પરના હુમલાની ઘટનાઓ વધતી જાય છે. હજુ તો ગઇકાલે સાંજે જ પાતળા ગામની સીમમાં એક માલધારી યુવક પર સિંહે હુમલો કર્યો હતો. ત્યારે ગતરાત્રીના પણ આ જ વિસ્તારમાં ઘેટાબકરા ચરાવતા એક ભરવાડ યુવક પર સિંહણે હુમલો કરી ઘાયલ કરી દેતા આ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ધારી તાલુકાના પાતળા ગામ જંગલ વિસ્તારની તદ્દન નજીક આવેલ ગામ હોય અવારનવાર સિંહ તેમજ દિપડાઓ અહી આવી ચડે છે. અને દુધાળા પશુઓ તેમજ માણસ પર હુમલો કરી દે છે. હજુ તો ગઇકાલે સાંજે સાડા છએક વાગ્યાના સુમારે ગોબર બાઘાભાઇ મેવાડા (ઉ.વ.૩૦) નામના માલધારી યુવક માલઢોર ચરાવી રહ્યો હતો. ત્યારે સિંહે તેના પર હુમલો કરી ઘાયલ કરી દીધો હતો.

ગતરાત્રીના એકાદ વાગ્યાના સુમારે બોઘાભાઇ દુદાભાઇ ભરવાડ નામનો યુવાન ઘેટા બકરા રાખીને ખુલ્લા મેદાનમાં સુતો હોય ત્યારે અચાનક એક સિંહણ ત્યાં ચડી આવી હતી. અને ઘેટાનું મારણ કરવા જતા તેને ભગાડવાની કોશિશ કરતા સિંહણે બોઘાભાઇ પર હુમલો કરી દેતા તેને હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી.

આ બારામાં વનવિભાગને જાણ કરવામાં આવતા એસીએફ એમ.એમ.મુનીની સુચનાથી આરએફઓ પરડવા સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. યુવાનને સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

અમરેલીના બાબાપુરની સીમમાં બે સિંહે કર્યું ત્રણ ઘેટાનું મારણ.

Source: Bhaskar News, Amreli   |   Last Updated Aug 04, 2012, 00:46AM IST
અમરેલી તાલુકાના બાબાપુર ગામની સીમમાં ગઇરાત્રે બે સાવજો દ્વારા ત્રણ ઘેટાનું મારણ કરવામાં આવતા માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે. અગાઉ પણ બાબાપુરની સીમમાં સાવજો દેખાયા હતાં. હાલમાં ખેતીની સીઝન ચાલી રહી હોય સાવજો છેક અહિંની સીમ સુધી પહોંચી જતા ખેડૂતોમાં ડર છે.

ઉલ્લેખનીય એ છે કે, અવાર નવાર દિપડા અને સિંહના હૂમલાથી માલધારીઓમાં ફફડાટફેલાયો છે. ત્યારે બાબા પુરમાં ગત રાત્રે બે સાવજોએ ત્રણ ઘેટાનું મારણ કરતા અને સાવજો છેક સીમ સુધી પહોંચી જતાં ખેડૂતોમાં ડર ફેલાયો છે.

Tuesday, August 7, 2012

વન મહોત્સવ કાર્યક્રમમાં રાજકીય નેતાઓની ગેરહાજરી.

માંગરોળ,તા,પ
ગુજરાત સરકારની વાવે ગુજરાત અંતર્ગત જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે માંગરોળમાં યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમમાં એસટી ડેપોની પડતર અને બિનઉપજાવ એવી અડધો હેકટર જમીનમાં વિવિધ પ્રકારના પપ૬ જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતુ. જોકે કાર્યક્રમમાં અતિથીવિશેષ આમંત્રીતો પૈકી મંત્રી કનુભાઈ ભાલાળા, એલ.ટી. રાજાણી, દિનુભાઈ સોલંકી સહિતના રાજકીય આગેવાનોની સુચક ગેરહાજરી જોવા મળી હતી.
કે.કા. શાસ્ત્રી સ્મૃતિવનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમની શરૂઆત પહેલા શાળાના છાત્રોએ પર્યાવરણ બચાવોના સુત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. આ તકે મંત્રી વાસણભાઈ આહીર, વંદનાબેન મકવાણા, માધાભાઈ બોરીચા વગેરે હાજર રહ્યાં હતા.

સાસણમાં ઘરમાં ઘૂસી ખુંખાર દીપડાએ બાળકને ફાડી ખાધો.


Source: Bhaskar News, Talala   |   Last Updated Aug 02, 2012, 01:22AM IST

- બાળકનું શરીર ખાઇ ગયો ખોપરી-હાથ ૨૦૦મીટર દૂરથી મળ્યા

તાલાલાનાં સાસણ (ગીર) ગામે આજે વહેલી સવારે માલધારી આશ્રમશાળા પાછળ આવેલા બાવાજી યુવાનનાં મકાનમાં ઘુસી ગયેલા આદમખોર દીપડાએ માતાનાં પડખામાં સુઇ રહેલા એક વર્ષનાં બાળકને ઉપાડી જઇ ખાઇ જતા સાસણમાં કલ્પાંત મચી ગયો હતો. દીપડો બાળકનું શરીર ખાઇ ગયેલ અને માથાની ખોપડી અને એક હાથ ૨૦૦ મીટર દુર આવેલા વનવિભાગનાં આયુર્વેદીક ગાર્ડનમાંથી મળી આવેલ.

સાસણ (ગીર)માં માલધારી આશ્રમ શાળાનાં પાછળનાં ભાગે રહેતા બાવાજી હરગોવિંદપુરી બહારગામ ગયેલ હોય તેમના પત્ની એક વર્ષનાં પુત્ર છોટુને પથારીમાં સાથે પડખામાં રાખી સુતા હતા. ગરમી અને બફારાનાં લીધે મકાનનો પાછળનો દરવાજો ખુલ્લો રાખેલ હતો. વહેલી સવારે ૩ વાગ્યે નજીકનાં જંગલમાં ફરતો દીપડો બાવાજી યુવાનનાં ઘર સુધી પહોંચી ગયેલ અને ખુલ્લા દરવાજામાંથી ઘરમાં ઘુસેલ દીપડાએ માતાનાં પડખામાં સુતેલા છોટુને મોઢામાં દબોચી અંધારામાં જંગલ તરફ ભાગી છુટેલ દીપડાએ બાળકને મોઢામાં દબાવ્યો.

ત્યાં બાળકનાં રડવાનાં અવાજથી તેની માતા જાગી ગયેલ પણ હજૂ તો બાળકને બચાવવા કંઇ કરે તે પહેલા દીપડો બાળકને લઇ તેજ ગતિથી નિકળી ગયેલ આ અંગે બાવાજી યુવાનનાં પત્નીએ આડોશી-પાડોશીનાં લોકોને જગાડી જાણ કરતા સ્થાનિક સાસણ વનવિભાગને જાણ કરવામાં આવેલ. સાસણ રેન્જ અને અભ્યારણનાં ઇન્ચાર્જ આરએફઓ બાલુભાઇ સેવરા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયેલ અને દીપડો જે દિશામાં ગયો તે દિશા તરફ શોધખોળ શરૂ કરી હતી.

ઝાડી-ઝાંખરામાં શોધખોળ કરતો સ્ટાફ ૨૦૦ મીટર દૂર આવેલ આયુર્વેદીક ગાર્ડનમાં પહોંચ્યો હતો. જ્યાંથી બાળકની ખોપડી અને એક હાથ મળી આવેલ. નરભક્ષી દીપડો બાળકનું શરીર ખાઇ ગયેલ બાળકનાં શરીરનાં અવશેષો મળતા તેની માતાનાં ભારે કલ્પાંતથી વનવિભાગનાં સ્ટાફ સાથે સાસણનાં ગ્રામજનોમાં ગમગીની પ્રસરી ગઇ હતી.

- માતાના પડખામાંથી પુત્રને દીપડો ઉઠાવી ગયો

ગીર પંથકમાં દીપડાના આંતક વચ્ચે સાસણ ગામે ઘરમાં ઘૂસી માતાના પડખામાંથી માસૂમને દીપડો ઉઠાવી ગયાના બનાવથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Wednesday, August 1, 2012

મારણ માટે મરણિયો જંગ : એક વર્ષની દિપડીનુ મોત.


વિસાવદર તા.૩૦
વિસાવદરના વેકરીયા ગામના સ્મશાનની નજીક આવેલ હયાફુટી વોંકળામા એક દિપડીનો મૃતદેહ પડયો હોવાની જાણ વનમિત્ર દ્વારા સ્થાનિક વનવિભાગની કચેરીએ કરવામાં આવતા આર.એફ.ઓ.,એ.સી.એફ.સહિતનો કાફલાએ ઘટના સ્થળે જઈ તપાસ કરતા એક વર્ષની માદા દિપડીનો મૃતદેહ જોવા મળ્યો હતો ત્યારબાદ આજુબાજુ તપાસ કરતા મારણ થયેલુ ઘેટુ જોવા મળ્યુ હતું. આ મારણને આરોગવા માટે દિપડા અને દીપડી વચ્ચે મરણીયો જંગ ખેલાયો હોવાનુ જાણવા મળ્યુ છે.
ઘેટાનો શિકાર કરનાર દીપડાએ ગળાના ભાગે બચકા ભર્યા
બનાવની વધુ વિગત પ્રમાણે સ્મશાન નજીક આવેલ ગભરુભાઈની વાડીમાં આગલી રાત્રે દિપડાએ ઘેટાનુ મારણ કર્યુ હતું. આ મારણમા ભાગ પડાવવા માટે અન્ય એક દિપડી આવી પહોચતા જંગ ખેલાયો હતો. જેમા એક વર્ષની માદા દિપડીનુ મોત નિપજયુ હતુ. દિપડાએ માદા દિપડીને ગળાના ભાગે ગંભીર ઈજા કરી હોવાના નિશાન મળી આવ્યા હતા. આ ગંભીર ઈજા થવાથી મોતને ભેટી હોવાનુ વનવિભાગનુ માનવુ છે. આ દિપડીના મૃતદેહની નજીકથી અન્ય દિપડાના ફુટ માર્ક પણ જોવા મળ્યા હતા. મૃત્યુ પામેલી દિપડીને સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે લઈ જઈ વેટરનરી દ્વારા પી.એમ. કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ હોસ્પિટલ ખાતે આવેલ સ્મશાનમાં અગ્નિદાહ દેવામા આવ્યો હોવાનુ વનવિભાગ તરફથી જાણવા મળ્યુ છે.  
પુખ્ત વયની દીપડીનો મૃતદેહ મળ્યો
ધારીના સરસીયા રેન્જમાં આવતા ધારગણી ગામ પાસેના રેવન્યુ વિસ્તારમાંથી પુખ્ત વયની દીપડીનો મૃતદેહ મળી આવતા વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. સ્થળ પર તપાસ કરતા દીપડીના મૃતદેહ પાસે દીપડાના પગના સગડ મળી આવી આવ્યા હતા. દીપડીનું પોસ્ટમોર્ટમ કરાવતા તેના ગળાના ભાગે નિશાન છે. જેનાથી દીપડા સાથે ઈનફાઈટમાં તેનું મોત નિપજયાનું વનવિભાગનું માનવું છે.