Saturday, January 31, 2015

જાણે નાનો હાથી જ જોઇ લો: 1 ટનની મહાકાય ભેંસ રોજ આપે છે 35 લિટર દૂધ.


જાણે નાનો હાથી જ જોઇ લો: 1 ટનની મહાકાય ભેંસ રોજ આપે છે 35 લિટર દુધ

Bhaskar News, Amreli | Jan 31, 2015, 11:25AM IST
(1 ટન વજનની મહાકાય જાફરાબાદી 2.35 લાખમાં પીન્ટુભાઇ મલેકે ખરીદી)
 
- 1 ટન વજનની મહાકાય જાફરાબાદી ભેંસ રોજ આપે છે 35 લિટર દૂધ
- અચરજ: જાણે નાનો હાથી જોઇ લો : સાવરકુંડલાના તબેલા માલીકે 2.35 લાખમાં ખરીદેલી ભેંસ જોવા ઉમટતા લોકો

અમરેલી: અમરેલી જીલ્લામાં પશુપાલન ઉદ્યોગ વિકસી રહ્યો છે. જેને પગલે પશુપાલકો વધુને વધુ દૂધ આપતા પશુઓ પાળવા પ્રયાસો કરી રહ્યા છે. સામાન્ય રીતે કોઇ ભેંસ દરરોજ 10 થી 12 લીટર દૂધ આપે છે. પરંતુ સાવરકુંડલાના એક પશુપાલકે પોતાના તબેલામાં દરરોજ 35 લીટર દૂધ આપતી એક ટન વજનની મહાકાય ભેંસ ખરીદીને રાખતા આશ્ચર્ય સાથે લોકો તેને જોવા ટોળે વળી રહ્યા છે. જાફરાબાદી નસલની આ ભેંસ તેમણે જુનાગઢ પંથકમાંથી ખરીદી છે.

સાવરકુંડલામાં પશુપાલનના વ્યવસાય સાથે પેઢી દરપેઢીથી સંકળાયેલા સરદારભાઇ મલેકના પ્રૌત્ર પીન્ટુભાઇ મલેકે પોતાના તબેલામાં આ ભેંસ રાખી છે. તેઓ તબેલાના વ્યવસાય થકી દરરોજ મોટી માત્રામાં દૂધનું વેચાણ કરે છે. જુનાગઢ જીલ્લામાં જંગલ વિસ્તારમાં જાફરાબાદી નસલની મહાકાય ભેંસ હોવાની જાણ થતા તેઓ તે ખરીદવા માટે ત્યાં પહોંચ્યા હતાં અને મોં માગ્યા પૈસે આ ભેંસ ખરીદી એક ખાસ વાહનમાં પોતાના તબેલે લઇ આવ્યા હતાં.

આશરે એકાદ ટન વજનની આ મહાકાય ભેંસ પ્રથમ દ્રષ્ટિએ કોઇ જુએ તો જાણે નાનો હાથી જ લાગે. મહાકાય શરીરના કારણે આ ભેંસને જ પોતાની કાયા ભારે પડતી હોય તેમ માંડ માંડ ચાલે છે. તેના શીંગડા પણ વિકરાળ છે. પરંતુ ખુબી એ છે કે તે રોજનું 35 લીટર દૂધ આપે છે. તેમના તબેલામાં આ ભેંસ જોવા માટે દરરોજ લોકો ટોળે વળી રહ્યા છે.
2.35 લાખમાં ખરીદી ભેંસ-પીન્ટુભાઇ મલેક

આ તગડી ભેંસ ખરીદનાર ટીન્ટુભાઇ અલીભાઇ મલેકે જણાવ્યુ હતું કે જંગલ વિસ્તારમાંથી આ  નસલની ભેંસ ખરીદવા માટે તેણે 2.35 લાખ જેવી રકમ ખર્ચી હતી. આવી ભેંસ ભાગ્યે જ જોવા મળે છે.

નવી કાતર ગામની સીમમાં દીપડીનું સર્પદંશથી મોત

Bhaskar News, Khabmha | Jan 28, 2015, 02:17AM IST
નવી કાતર ગામની સીમમાં દીપડીનું સર્પદંશથી મોત
(તસવીર પ્રતિકાત્મક)

ખાંભા: ખાંભા તાલુકાના નવી કાતર ગામની સીમમાં આશરે આઠ વર્ષની ઉંમરની એક દિપડીનુ સર્પદંશથી મોત થતા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. વનવિભાગને નવી કાતર ગામના હિમતભાઇ બચુભાઇ સાકરીયાની વાડીમાં એક દિપડીનો મૃતદેહ પડયો હોવાની જાણ થઇ હતી. જેને પગલે સ્થાનિક વનતંત્રના આરએફઓ રાતડીયા, ફોરેસ્ટર બી.બી.વાળા, વિક્રમભાઇ કોટવાલ વિગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા અને દિપડીના મૃતદેહનું વેટરનરી ડોકટર પાસે પોસ્ટમોર્ટમ કરાવવામા આવ્યુ હતુ. આ દિપડીનું સર્પદંશથી મોત થયાનુ પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતુ. અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહ અને દિપડા જેવા વન્યપ્રાણીઓના આ પ્રકારના કમોતની ઘટના પાછલા કેટલાક સમય દરમિયાન વધી પડી છે.

ટૂંકાગાળામાં બે દીપડાનું મોત
ત્રણ દિવસ પહેલા સાવરકુંડલાના લિખાળા ગામની સીમમાં એક દિપડાનુ મોત પેટમાં કૃમી થવાના કારણે થયાનુ વનવિભાગે જણાવ્યું હતુ. 19 જાન્યુઆરીએ ખાંભા તાલુકામા ઉમરીયા તાતણીયા રોડે પણ વાહન હડફેટે બાળ દિપડાનુ મોત થયુ હતુ.

વાવડાની સીમમાંથી ફાંસલા સાથે દિપડાનો મૃતદેહ મળ્યો.

Bhaskar News, Dhari | Jan 25, 2015, 00:04AM IST
વાવડાની સીમમાંથી ફાંસલા સાથે દિપડાનો મૃતદેહ મળ્યો
(તસવીર પ્રતિકાત્મક)

-દિપડાનું મોત બે દિવસ પહેલા થયાનું તારણ, ફાંસલો કોણે મુક્યો તપાસ

ધારી: ગીરપુર્વની જસાધાર રેંજમા ઉના તાલુકાના વાવડા ગામની સીમમાંથી ગળામાં ફાંસલા સાથે દિપડાનો મૃતદેહ મળી આવતા વનતંત્ર ચોંકી ઉઠયું હતુ અને ગળામાં ફાંસલાના કારણે જ દિપડાનુ મોત થયાનુ પીએમ દરમિયાન ખુલ્યુ હતુ. દિપડાનુ મોત બેએક દિવસ પહેલા થયાનુ પણ ખુલ્યુ હતુ.

વાડી ખેતરોમાં પાકના રખોપા માટે કેટલાક ખેડૂતો ઘોર બેદરકારી દાખવી પશુઓ માટે ફાંસલા ગોઠવી રહ્યાં છે જે વન્યપ્રાણીઓ માટે ઘાતક સાબિત થઇ રહ્યાં છે. આવી જ એક ઘટના જસાધાર રેંજના ઉના તાલુકાના વાવડા ગામે બનવા પામી છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર વનતંત્રને વાવડા ગામની સીમમાં વિક્રમભાઇ કોલાતરા નામના ખેડુતની વાડીમાં એક દિપડાનો મૃતદેહ પડયો હોવાની બાતમી મળી હતી.

જેને પગલે આરએફઓ બી.ટી.આહિર સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને દિપડાના મૃતદેહને કબજે લીધો હતો. વેટરનરી ડો. હિતેષ વામજા દ્વારા દિપડાના મૃતદેહનુ પીએમ કરાયુ હતુ. દિપડાના ગળામાંથી કલચ વાયરનો ફાંસલો મળી આવ્યો હતો. આરએફઓ બી.ટી.આહિરે જણાવ્યું હતુ કે આશરે અઢીથી ત્રણ વર્ષની ઉંમરના આ દિપડાનુ બેએક દિવસ પહેલા ફાંસલાના કારણે મોત થયાનુ પ્રાથમિક તારણ છે. આ ફાંસલો કોણે મુકયો હોઇ શકે તે અંગે તપાસ ચાલુ છે.

ધારીમાં અડધા ઇંચ વરસાદથી કેરીના પાકનો સોથ વળ્યો : ઠંડીથી યુવાનનું મોત.


ધારીમાં અડધા ઇંચ વરસાદથી કેરીના પાકનો સોથ વળ્યો : ઠંડીથી યુવાનનું મોત

Dilip Raval, Amreli | Jan 21, 2015, 23:06PM IST
- જિલ્લામાં ભરશીયાળે અષાઢી માહોલ કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાન: ખેડૂતો ચિંતિત

અમરેલી: ભર શીયાળે અચાનક જ આજે અમરેલી પંથકમાં જાણે ચોમાસુ ચાલી રહ્યુ હોય તેવો વરસાદી માહોલ છવાઇ ગયો હતો. ગઇકાલ સુધી ખુલ્લુ આકાશ હતું પરંતુ આજે જીલ્લાભરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠેર ઠેર કમોસમી વરસાદ થયો હતો. ધારી પંથકમાં બપોરે જોરદાર ઝાપટુ પડી જતા અડધો ઇંચ જેટલુ પાણી પડયુ હતું. અમરેલી, બગસરા, બાબરા, દામનગર, સાવરકુંડલા વિગેરે વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો. કમોસમી વરસાદને પગલે અમરેલી જીલ્લામાં જીરૂ, ઘઉં સહિતના રવિપાક ઉપરાંત આંબા પર મોર બેસી ગયો હોય કેરીના પાકને પણ નુકશાનની ભીતી ઉભી થઇ છે.

ચાલુ સાલે ચોમાસુ વિત્યા બાદ અમરેલી પંથકમાં અવાર નવાર કમોસમી વરસાદ થયો છે. ત્યારે આજે ફરી એકવાર અણધાર્યો બદલાવ આવ્યા બાદ જીલ્લામાં ઠેર ઠેર કમોસમી વરસાદ થયો હતો. અમરેલીમાં ગઇકાલ સાંજ સુધી વાતાવરણ ચોખ્ખુ હતું. પરંતુ આજે આખો દિવસ જાણે ચોમાસુ ચાલતુ હોય તેમ આકાશ વરસાદી વાદળોથી ગોરંભાયેલુ હતું. સવારમાં હળવા ઝાપટાએ શહેરના માર્ગો ભીના કરી દીધા હતાં. ત્યારબાદ દિવસ દરમીયાન અવાર નવાર ઝરમર વરસાદ વરસ્યો હતો. જેને પગલે વાતાવરણમાં પણ સતત ટાઢોડુ છવાયેલુ રહ્યુ હતું.

બીજી તરફ આજે ધારી પંથકમાં તો જાણે અષાઢી માહોલ હોય તેમ બપોરના સમયે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. અહિં આમ તો સવારથી વાદળછાયુ વાતાવરણ હતું. બપોરના ત્રણેક વાગ્યે અડધી કલાક સુધી વરસાદ વરસતા અહિં અડધો ઇંચ જેટલુ પાણી પડી ગયુ હતુ અને વાતાવરણ ટાઢુ બોળ બની ગયુ હતું. બપોરના વરસાદને પગલે ધારીમાં ઠેર ઠેર પાણીના ખાબોચીયા ભરાયા હતાં. આસપાસના કેટલાક ગામોમાં પણ માવઠુ થયુ હતું.

આવી જ રીતે આજે બાબરા પંથકમાં વહેલી સવારે કમોસમી વરસાદ થતા શહેરના રસ્તાઓ ભીના થયા હતાં. દિવસભર વાતાવરણ વાદળછાયુ રહ્યુ હતું અને ઝરમર વરસાદ પડયો હતો. આજે દામનગરમાં પણ વારંવાર કમોસમી વરસાદ થયો હતો.  સાવરકુંડલા તથા આસપાસના વિસ્તારમાં છાટા પડયા હતાં. જો કે દરીયાકાંઠાના વિસ્તારમાં માવઠુ થયુ ન હતું પરંતુ વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતું. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી હતી. ખાસ કરીને જીરૂ અને ઘઉંના પાકને નુકશાનની ભીતીથી ખેડૂતો ચિંતીત છે.
ધાણા,જીરૂના પાકને  નુકશાન-કયાડા

અમરેલી જીલ્લા કિસાન સંઘના આગેવાન મનસુખભાઇ ક્યાડાએ જણાવ્યુ હતું કે અચાનક આવી ટપકેલા કમોસમી વરસાદથી આ વિસ્તારમાં સૌથી વધુ ધાણા અને જીરૂના પાકને નુકશાન થશે. આ ઉપરાંત કેરીના પાકને નુકશાનથી પણ ખેડૂતોને ફટકો પડશે.

ધારી પંથકમાં કેરીના પાકને નુકસાન : મોર ખરી ગયા

ધારી પંથકમાં કેસર કેરીની મોટા પ્રમાણમાં ખેતી થાય છે. હાલમાં કેસર કેરીના આંબાઓમાં ઠેર ઠેકાણે મોર આવવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આજે ધારી પંથકમાં જ સૌથી વધુ કમોસમી વરસાદ થતા આ મોરને નુકશાન થયુ હતું તેની વિપરીત અસર કેરીના પાક પર પડશે. ગયા વર્ષે પણ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકશાન થયુ હતું.

પાંચ હજાર હેક્ટરમાં ઉભેલા પાકને નુકશાનની ભીતી

ઓણ સાલ 10218 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયુ છે. જે પૈકી પાંચેક હજાર હેક્ટરમાં એવો પાક ઉભો છે જેને કમોસમી વરસાદથી નુકશાન થઇ રહ્યુ છે. 3483 હેક્ટરમાં ઘઉં, 437 હેક્ટરમાં જીરૂ, 1024 હેક્ટરમાં ડુંગળી સહિતના પાકને નુકશાનની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ત્યારે શિયાળુ પાકમાં પણ ખેડૂતોને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.

ઠંડી લાગી જતા ધારીના યુવાનનું મોત

ધારીના સરકારી દવાખાનાના ક્વાટર્સમાં રહેતો વિજય રાઘવભાઇ ધાધલ (ઉ.વ. 20) નામનો દલીત યુવાન ગઇકાલે રાત્રે અમરેલી પીક્ચર જોવા માટે આવ્યો હતો અને રાત્રે અમરેલીથી ધારી પરત ઘરે જઇને સુઇ ગયો હતો. આ દરમીયાન શરીરમાં ઠંડી આવી જતા હાર્ટએટેક આવવાથી તેનું મોત થયુ હતું. સવારે પરિવારજનોએ ઉઠાડવાની કોશીષ કરતા તે પથારીમાં મૃત હાલતમાં મળ્યો હતો. પીએસઆઇ વી.એમ. કોલાદરાએ આ અંગે તપાસ શરૂ કરી છે.

રાજુલામાં માલગાડી હડફેટે ગાયનું મોત.


રાજુલામાં માલગાડી હડફેટે ગાયનું મોત

Bhaskar News, Rajula | Jan 21, 2015, 00:27AM IST
- ગૌપ્રેમીઓએ ઘટના સ્થળે દોડી ગાયને સારવાર આપી પરંતુ કારગત ન નિવડી
- રેલ્વે ટ્રેકની બંન્ને સાઇડ તાર ફેશીંગ કરવા ઉઠી માંગ

રાજુલા: રાજુલામાં મહુવારોડ પર આવેલ ફાટક નજીક આજે બપોરના સાડા ત્રણેક વાગ્યાના સુમારે અહીથી પસાર થતી માલગાડી હડફેટે ગાય આવી ગઇ હતી. ઘટનાને પગલે અહી ગૌપ્રેમીઓ દોડી આવ્યા હતા. ગાયને ગંભીર ઇજા પહોંચી હોય તાબડતોબ અહીની ગૌશાળામાં સારવાર માટે લઇ જવામા આવી હતી. પરંતુ સારવાર દરમિયાન ગાયનુ મોત નિપજયુ હતુ.

માલગાડી હડફેટે ગાયના મોતની આ ઘટના રાજુલામાં મહુવારોડ પર આવેલ ફાટક નજીક બની હતી. અહી બપોરના સાડા ત્રણેક વાગ્યા આસપાસ અહીથી પસાર થતી માલગાડી હડફેટે ગાય આવી ગઇ હતી. આ અંગે અલ્તાફભાઇ કુરેશીએ ગૌશાળામાં જાણ કરતા અહી ભગીરથભાઇ વરૂ, ભવદીપભાઇ ખુમાણ, બકુલભાઇ વોરા સહિત ગૌપ્રેમીઓ દોડી આવ્યા હતા. ગાયને ગંભીર ઇજા પહોંચી હોય તાબડતોબ અહી આવેલ પુંજાબાપુ ગૌશાળામાં સારવાર માટે લઇ જવામા આવી હતી.

અહી ગાયની સારવાર કરવામા આવી હતી પરંતુ જે કારગત નિવડી ન હતી અને ગાયનુ મોત નિપજયું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે રાજુલા પંથકમાં દિવસ દરમિયાન અનેક માલગાડીઓ પસાર થતી હોય છે. અગાઉ અહી માલગાડી હડફેટે સિંહના મોતની ઘટનાઓ પણ બની ચુકી છે. ત્યારે રેલવે ટ્રેકની બંને સાઇડ તાર ફેન્સીંગ કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

ઉમરીયા પાસે વાહને દીપડાના બચ્ચાને કચડ્યું.

Bhaskar News, Khambha/ Amreli | Jan 20, 2015, 00:11AM IST
ઉમરીયા પાસે વાહને દીપડાના બચ્ચાને કચડ્યું
- વાહને હડફેટે લેતા બ્રેઇન હેમરેજ : અકસ્માત સર્જનાર વાહન ચાલક ફરાર

ખાંભા,અમરેલી: ગીરકાંઠાના અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહ દિપડાની સંખ્યા વધી છે તેની સાથેસાથે વન્યપ્રાણીઓના કમોતની ઘટનાઓ પણ વધી રહી છે. આવી વધુ એક ઘટનામાં ખાંભા તાલુકામાં ઉમરીયા તાતણીયા રોડ પર આજે વહેલી સવારે અજાણ્યા વાહન હડફેટે દિપડીના છ માસના બચ્ચાનું મોત થતા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. માથામા હેમરેજ થઇ જતા આ બચ્ચાનું મોત થયુ હતુ.

દિપડીના બચ્ચાના મોતની આ ઘટના આજે સવારે ખાંભા તાલુકામાં ઉમરીયાથી તાતણીયા તરફ જતા રોડ પર કાપેલીધાર વિસ્તારમાં બની હતી. અહી ખોડિયાર મંદિર નજીક રસ્તા પર દિપડીના બચ્ચાનો મૃતદેહ પડયો હોવાની ડીએફઓ અંશુમન શર્માને જાણ થતા તેમની સુચનાને પગલે સ્થાનિક આરએફઓ ઝાલા, ફોરેસ્ટર હેરમા, બીટગાર્ડ હરદિપભાઇ વાળા વિગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા.

વનતંત્રને અહીથી છએક માસની ઉંમરના બચ્ચાનો મૃતદેહ મળી આવ્યો હતો. વનવિભાગના આ નર બચ્ચુ રસ્તો પસાર કરી રહ્યું હતુ ત્યારે કોઇ અજાણ્યા વાહન હડફેટે ચડી જતા મોતને ભેટયુ હતુ. અકસ્માત સર્જનાર વાહન ચાલક ત્યાંથી નાસી છુટયો હતો. અકસ્માત સર્જનાર વાહનની ઓળખ મળે તેવા કોઇ સંકેતો આસપાસમાંથી સાંપડયા ન હતા.

4 માસમાં સિંહ દિપડાના કમોતની ઘટનાઓ

ગીરપુર્વ વનવિભાગમાં સિંહ, દિપડાના કમોતની ઘટનાઓ સતત વધતી જાય છે. કારણ કે રેવન્યુ વિસ્તારમાં તેમની વસતી પણ વધતી જાય છે. છેલ્લા ચાર માસ દરમિયાન બનેલી કેટલીક ઘટનાઓ પર નજર

10/8/14    ઉનાના કોઠારીયામાં ભેંસે શિંગડે ચડાવતા સિંહણનુ મોત
03/9/14    જામવાળા નજીક રેલવે ટ્રેક પર ટ્રેન હડફેટે સિંહણનુ મોત
17/9/14    નાગેશ્રી નજીક સિંહનું શંકાસ્પદ મોત
21/10/14    ખાંભાના પીપળવામા સર્પદંશથી સિંહનુ મોત
21/10/14    મહુવાના ભાદ્રોડમાં તાર ફેન્સીંગમાં વિજ કરંટથી સિંહનુ મોત
06/11/14    ઉના તુલશીશ્યામ રોડ પર લેપર્ડ કેટનું વાહન હડફેટે મોત
30/11/14    જસાધારમાં ટી.સીમાં ઇલેકટ્રીક શોકથી દિપડાનુ મોત
01/12/14    ઉનાના સુલતાનપુરમાં ટીસીમાં વિજશોકથી દિપડીનુ મોત
11/12/14    વડાલ ગામે વાહન હડફેટે દિપડાનુ મોત
16/12/14     બગદાણાના ધારાઇ ગામે વિજશોકથી સિંહણનુ મોત
22/12/14    ખાંભાના નવા માલકનેસમાં વિજ કરંટથી દિપડીનુ મોત
19/01/15    ખાંભાના ઉમરીયામાં વાહન હડફેટે દિપડીના બચ્ચાનુ મોત

સવારના 6 થી 7 વચ્ચે બની ઘટના

ગીરકાંઠાના આ ગામોમાં રાત્રીના સમયે વાહન વ્યવહાર નહિવત હોય છે. વહેલી સવારથી વાહનોની અવરજવર શરૂ થાય છે વળી દિપડા કુળનંુ પ્રાણી શિકારની શોધ માટે સવારનો સમય પસંદ કરે છે. સુત્રોએ જણાવ્યું હતુ કે સવારના છ થી સાત વચ્ચે બનાવ બન્યાનું અનુમાન છે.

ખાંભામાં કરાયું પીએમ

બનાવની જાણ થતા વનવિભાગના વેટરનરી ડોકટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બાળ દિપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખાંભાની વનકચેરી ખાતે લઇ જવાયો હતો.

મોત બ્રેઇન હેમરેજથી - RFO

ખાંભાના આરએફઓ શ્રી ઝાલાએ જણાવ્યું હતુ કે બાળ દિપડાએ અજાણ્યા વાહનની ઠોકર લાગતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને બ્રેઇન હેમરેજ થવાના કારણે તેનુ મોત થયુ હતુ. બચ્ચાના મોમાંથી લોહી નીકળી ગયુ હતુ. જયારે વાહન ચાલક નાસી ગયો હતો.

ખાંભાના ઉમરીયા તાતણીયા રોડ પર અજાણ્યા વાહન હડફેટે દિપડાનું મોત.


ખાંભાના ઉમરીયા તાતણીયા રોડ પર અજાણ્યા વાહન હડફેટે દિપડાનું મોત

Dilip Raval, Amreli | Jan 19, 2015, 13:11PM IST
(તસવીર: અકસ્માતમાં મૃત્યુ પામેલ દીપડો)
 
અમરેલી: અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં દિપડાની સંખ્યા ઘણી વધારે છે ત્યારે દિપડાઓ અવારનવાર અકસ્માતનો ભોગ પણ બને છે. આવી જ એક વધુ ઘટનામાં આજે ખાંભા તાલુકાના તાતણીયા- ઉમરીયા રોડ પર અજાણ્યા વાહનની હડફેટે એક દિપડાનું મોત થયું હતું. સવારે આ અંગે વન વિભાગને જાણ થતા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અકસ્માત સર્જનાર વાહન ચાલક નાસી છુટ્યો હતો. દીપડાના મોં માંથી લોહી નીકળી ગયેલુ નજરે પડ્યું હતું.
 

ગીરમાં સિંહની સંખ્યા 480થી વધશે.

DivyaBhaskar News Network | Jan 19, 2015, 07:35AM IST
ગીરમાં સિંહની સંખ્યા 480થી વધશે
2 હજાર જેટલા કર્મચારીઓ ગણતરી કરવામાં જોડાશે

ભાસ્કરન્યૂઝ. તાલાલા

એશિયાટીકસિંહ પ્રજાતિની વસતીનો અંદાજ મેળવવા દર પાંચ વર્ષે ગણતરી થાય છે. હવે 14મી વસતી ગણતરી તા.2 થી 5 મે દરમિયાન થનાર છે. પાંચ જિલ્લાનાં 20 હજાર સ્કવેર કિમીમાં સિંહોનો અંદાજ મેળવવા 2 હજારથી વધુ વન કર્મીઓ કાર્ય કરશે.

એશિયાટીક સિંહોની દર પાંચ વર્ષે કરવામાં આવતી ગણતરી એપ્રિલનાં અંતિમ અઠવાડીયામાં કે મે મહિનાનાં પ્રથમ અઠવાડીયામાં કરવામાં આવે છે. સમયગાળામાં ગીરનાં આરક્ષિત જંગલ, પી.એફ. જંગલ વિસ્તાર તથા ગામડાઓની બોર્ડરનાં રેવન્યુ વિસ્તારમાં નદી - નાળા - તળાવોનાં કુદરતી પાણીનાં સ્ત્રોત સુકાઇ ગયા હોય સિંહોની અવર-જવર વાળા વિસ્તારોમાં પાણીની કુંડી બનાવે છે અને ત્યાં ગણતરી માટે પોઇન્ટો ગોઠવાઇ છે.

2010માં 13મી અને હવે 2015માં 2 મેથી 5 મે સુધી ચાર દિવસ 14મી સિંહ વસ્તી ગણતરીનો કાર્યક્રમ જાહેર થયો છે. જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર સહિત પાંચ જિલ્લાનાં 20 હજાર સ્કવેર કિમીમાં ગણતરી માટે 2 હજાર કર્મીઓ જોડાશે.

2010 બાદગણતરી થઇ રહી છે ત્યારે વન વિભાગના અધિકારીઓ કે જંગલમાં જોયેલી બચ્ચાઓની સંખ્યા અને પાંચ વર્ષ દરમિયાન સિંહ સરક્ષણ ઉપર થયેલું કામ પરથી સંખ્યા વધશે તેવું સ્પષ્ટ પણે મનાઇ રહ્યું છે. ઉપરાંત ચાર િજલ્લાના દશ હજાર ચો.કી.ને બદલે હવે સિંહોની ટેરેટરી 20 હજાર ચો.મી. સુધી વિસ્તરી છે તેમ ડો.સંદીપ કુમારે જણાવ્યું હતું.

નક્કી કઇ રીતે થયું કે સિંહોની સંખ્યા વધશે

બીટ વેરીફિકેશન પધ્ધતિથી ગણતરી થશે

સિંહની સંખ્યા જાહેર કરવામાં ભાસ્કર અગ્રેસર

13મીવસતીગણતરી પૂર્વે દિવ્ય ભાસ્કરે 28 એપ્રિલ 2010નાં અહેવાલમાં સિંહની સંખ્યા 404 થી વધી જશે એવી ધારણા બતાવી હતી અને 411 સિંહોનો આંક સત્તાવાર રીતે બહાર પડયો હતો.

14મી સિંહવસતી ગણતરી બીટ વેરીફિકેશન પધ્ધતિથી થશે એમ સાસણનાં ડીસીએફ ડો.સંદીપકુમારે જણાવ્યું હતું. જેમાં સિંહોની શારિરીક સ્થિતિ, કેશવાળી, પુંછ સહિતનું રેખાચિત્ર તૈયાર કરાશે. ગણતરી માટે પાણીનાં પોઇન્ટથી સચોટ માહિતી મેળવી શકાય છે.

10 કરોડની ગ્રાન્ટમાંથી ગિરનારની જર્જરીત સીડીનો જીણોદ્ધાર કરો.

DivyaBhaskar News Network | Jan 31, 2015, 06:00AM IST

રાજયસરકાર દ્વારા કલેકટરને પ્રવાસ અને યાત્રાધામનાં વિકાસ માટે 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે.ત્યારે ગ્રાન્ટમાંથી પ્રથમ ગિરનાર પર્વતની સીડીઓ જર્જરીત બની ગઇ હોય તેનો જીણોધ્ધાર કરવાની જરૂર છે.તેમજ પર્વત ઉપર પાણીનાં ટાકામાં માત્ર વરસાદનાં પાણી સંગ્રહ કરવામાં અાવે છે બીજો કોઇ સ્ત્રોત હોય પાણીની વ્યવસ્થા ઉભી કરવાની માંગ ઉઠી છે.

જૂનાગઢની ઓળખ ગિરનાર પર્વત છે.ગિરનાર પર્વત ઉપર વર્ષે લાખો લોકો આવે છે.ગિરનાર પર્વત ઉપર સુવિધાને લઇને અહી આવતા પ્રવાસીઓમાં કચવાટ જોવા મળે છે.તેમજ ગિરનારનાં પગથીયા વર્ષો જૂના હોય જર્જરીત બન્યા છે.ત્યારે રાજય સરકારે પ્રવાસન સ્થળ અને યાત્રાધામનાં વિકાસ માટે 10 કરોડની ગ્રાન્ટ ફાળવી છે તેમાથી ગિરનારની સીડીનો જીણોધ્ધાર કરવાની માંગ ઉઠી છે.તેમજ ગિરનાર પર્વત ઉપર જવાનાં રસ્તામાં પાણીની વ્યવસ્થા નથી.પાણીનાં ટાંકા તો મુકવામાં આવ્યા છે.પરંતુ પાણી ભરવાની કોઇ વ્યવસ્થા નથી.ચોમાસાનો સંગ્રહ કરવામાં આવે છે.તેનો ઉપયોગ કરવામાં આવે છે.ત્યારે અહી પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે જરૂરી છે. ગિરનાર પર્વત ઉપર પાણીની સુવિધા ઉભી થઇ જાય તો ગિરનારનાં વિકાસમાં ફાયદારૂપ થાય તેમ છે. અને અહિં આવતા યાત્રાળુઓને બારેમાસ પાણી મળી રહે તે જરૂરીછે.

પાણીની વ્યવસ્થાઉભી કરવામાં આવે તો અહી આવતા પ્રવાસીઓને મોધુ અને વેચાતુ પાણીની ખરીદી કરવી પડે નહી.તેમજ પાણી વીનાનાં શૌચાલય પણ નકામ બન્યા છે તે કાર્યરત થઇ શકશે.અને પ્રવાસીઓ પ્લાસ્ટીકની બોટલ સો લેતા જાય છે. જે જંગલમાં ફેકી દેશે.પાણીની વ્યવસ્થા ઉભી થાય તો પ્લાસ્ટીકને પણ રોકી શકાય તેમ છે.

શિવઅને જીવનાં મીલન સમા શિવરાત્રીનાં મેળા આડે ગણતરીનાં દિવસો.

DivyaBhaskar News Network | Jan 30, 2015, 08:45AM IST
શિવઅને જીવનાં મીલન સમા શિવરાત્રીનાં મેળા આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે.શિવરાત્રીનાં મેળાને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.જૂનાગઢનાં ભવનાથ ધર્મક્ષેત્રમાં તા.13 ફેબ્રુઆરીથી મેળાનો પ્રારંભ થશે.પહેલા મેળા માટે દૂધનુ ભાવ બાંધણુ અને દૂધ કેન્દ્રો નકકી કરાયાછે.તેમજ આવતીકાલે તૈયારીને લઇને કલેકટર કચેરીમાં મીટીંગ મળશે.

જૂનાગઢનાં ભવનાથ તિર્થક્ષેત્રમાં યોજાતા પરંપરાગત શિવરાત્રીનો મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો જોડાતા હોય છે અને પૂણ્યનુ ભાથુ બાંધતા હોય છે.પરંપરાગત શિવરાત્રીનાં મેળા આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે.તા.13 ફેબ્રુઆરીથી મેળાનો પ્રારંભ થશે અને પાંચ દિવસ સુધી મેળો ચાલશે.જેમાં જૂદા-જૂદા અખડાનાં દિગમ્બર સાધુઓ દેશ ભરમાંથી આવી જશે અને ધુણી ધાખાવશે.શિવરાત્રીનાં મેળામાં આવતા લોકોની સુખાકારી સુવિધા માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.મેળામાં પાણી,આરોગ્ય,વાહન વ્યવહાર,સફાઇને લઇને તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.મેળાની તૈયારી માટે આવતીકાલે કલેકટર કચેરીમાં મીટીંગ મળશે.કામનુ વિભાગ અને વહેચણી કરવામાં આવશે.જૂદા-જૂદા વિભાગને કામગીરી સોંપવામાં અાવશે.પરંતુ મેળાને લઇને આજે પુરવઠા તંત્ર દ્વારા મીટીંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જિલ્લા પુરવઠા અધિકારી એમ.એમ.જોષીની અધ્યક્ષસ્થાને મીટીંગ મળી હતી.

જેમાં ફૂડ એન્ડ ડ્રગ,મનપાની આરોગ્ય અધિકારી,તોલમાપ શાખા,જૂદી-જૂદી દુધ ડેરીનાં અધિકારીઓ હાજર રહ્યા હતા.આ મીટીંગમાં દૂધનાં ભાવ અને કેન્દ્ર નકકી કરવામાં આવ્યા હતા.જેમાં શિવરાત્રીનાં મેળામાં દુધનાં ભાવ નકકી કરવામાં આવ્યા છે.બજાર ભાવ મુજબ દૂધ વેંચવામાં આવશે.તેના કરતા વધારે ભાવ લઇ શકાશે નહી.દરવર્ષે શિવરાત્રીનાં મેળામાં 13 દૂધનાં કેન્દ્ર શરૂ કરવામાં આવતા હતા.પરંતુ ચાલુ વર્ષે વધુ 15 કેન્દ્ર શરૂ કરવા દૂધ ડેરીનાં અધિકારીઓને સુચના આપવામાં આવી છે.

ભવનાથ પોલીસ સ્ટેશનમાં લોકદરબાર

મેળાનેલઇભવનાથ પોલીસ સ્ટેશનમાં સાધું-સંતો, સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ, કોર્પોરેટર, અન્નક્ષેત્રો અને ઉતારાનાં સંચાલકો સાથે ડિવાયએસપી અજય વી. ગખ્ખર અને ભવનાથ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ સંદિપસિંહ પરમારે લોકદરબાર યોજ્યો હતો. જેમાં સ્થાનિક લોકોને શિવરાત્રીનાં મેળામાં નિકળતી રવાડી દરમિયાન બીલ્ડીંગો પર એકત્ર થતાં લોકોને ભેગા થવા દેવા અને અઘટીત બનાવ બને તે માટે સુચના આપવામાં આવી હતી.

બે ટીમની રચના કરાઇ

ફૂડ એન્ડડ્રગ અને હેલ્થ વિભાગની બે ટીમ બનવામાં આવી છે. જે મેળા દરમીયાન રાઉન્ડ ક્લોક રાઉન્ડ મારશે અને સફાઇ સહિતની કામગીરીનુ નીરિક્ષણ કરશે.

ગેસની દુર્ઘટના ટાળવા મિકેનીકલ હાજર રહેશે

શિવારાત્રીનાંમેળામાંઅન્નક્ષેત્ર શરૂ થતા હોય છે.તે દરમીયાન ગેસ સિલીન્ડરને લઇને કોઇ દુર્ઘટનના બને તે માટે મેળા દરમિયાન ગેસ એજન્સી દ્વારા મિકેનીકલ 24 કલાક હાજર રહશે.

વનખાતાની બર્બરતા : સાચા સવાલના જવાબમાં ખબરપત્રીને માર્યો ઢોર માર!

Jan 30, 2015 00:03

  • ગેરકાયદે સિંહદર્શનની ઘટના પર ઢાંકપિછોડો કરવા જંગલખાતાની જંગાલિયત ઃ ઈજાગ્રસ્ત ખબરપત્રી હોસ્પિટલના બિછાને ઃ કામગીરી દેખાડવા અન્ય છ ને કરાયો દંડ
અમરેલી, રાજકોટ : આમ જનતા સામે નિયમોના બહાને દંડા ઉગામતા જંગલખાતાની જંગાલિયતનો વધુ એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વખતે વનખાતાની જોહૂકમીનો ભોગ બન્યા છે એક અખબારી વિતરક અને ખબરપત્રી. ખાંભાના ભાડ ગામે ગેરકાયદે સિંહદર્શનના વિકૃત ખેલના મુખ્ય સૂત્રધાર એવા આરએફઓ પુત્રને વનખાતાએ થાબડભાણાં કરી છોડી મૂક્યાના મામલે વિગતો મેળવવા ગયેલા ખાંભાના અખબારી વિતરક પર ખાંભાના આરએફઓએ પાઈપ વડે હૂમલો કરી સમગ્ર પ્રકરણ પર ઢાંકપિછોડો કરવા હિન પ્રયાસ કર્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
ઉલ્લેખનીય છે કે, ગીર જંગલ તથા તેની આસપાસના રેવન્યુ વિસ્તારોમાં સરકારી બાબુઓ તથા તેમના મહેમાનો માટે જંગલખાતા દ્વારા ગેરકાયદે સિંહદર્શનના તાયફાઓ અવાર-નવાર યોજાતા હોવાની બાબત હવે જગજાહેર થઈ ચૂકી છે. ગુજરાતની અસ્મિતાના પ્રતીક એવા એશિયાટીક સિંહોની રક્ષકો એવા જંગલખાતાના અધિકારીઓ દ્વારા જ થતી વિકૃત પજવણી સામે પગલાં લેવા અવાર-નવાર માંગણી ઉઠી છે, પરંતુ આ મામલે કોઈ જ કાર્યવાહી ન થતાં વનરાજો તેમના જ વિસ્તારમાં ઓશિયાળા જેવા રહી ગયા છે.
ગેરકાયદે સિંહદર્શનની વધુ એક ઘટના ખાંભાના ભાડ ગામની સીમમાં પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ ખાંભાથી ૪ કિ.મી.દુર આવેલા ભાડ ગામે લાલજી સભાયા નામની વ્યક્તિની વાડીમાં ગતરાત્રે ૧૨ જેટલા સિંહોએ બે ભેંસનું મારણ કર્યુ હતુ. સિંહો મારણની મિજબાનીમાં મસ્ત હતા ત્યારે લાલ કલરની કારમાં એક રેંજ ફોરેસ્ટરના પુત્ર સહિતના સાત વ્યકિતઓ વાડી પાસે ધસી આવ્યા હતા. ગેરકાયદે સિંહદર્શનના ઈરાદે આવેલા આ શખ્સોએ સિંહદર્શનથી જ ન અટકતાં સાવજની મીજબાનીમાં ખલેલા પાડી કાર સિંહો પર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.

દરમિયાનમાં આ અંગે બાતમી મળતા ખાંભા આરએફઓ એલ.વી.રાતડીયા,ફોરેસ્ટર વાળા સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને તમામને પકડી લીધા હતા. પરંતુ પકડાયેલાઓ પેૈકી એક યુવાન રેન્જ ફોરેસ્ટરનો પુત્ર હોવાનું માલૂમ પડતાં વનખાતાએ તેને થાબડભાણાં કરી હેમખેમ જવા દીધો હતો! પુત્રને બચાવવા ફોરેસ્ટર પિતા પણ ખાંભા ફોરેસ્ટ કચેરીએ દોડી આવ્યા હોવાનું જાણવા મળે છે. જોકે, સમગ્ર મામલે કામગીરી દેખાડવા માટે વનખાતાએ સુરતના ચાર તેમજ બે સાવરકુંડલાના મળી છ વ્યકિતને ૭૦ હજારનો દંડ ફટકારી જવા દીધા હતા.
દરમિયાનમાં આ સમગ્ર પ્રકરણથી વાકેફ થયેલા ખાંભાના અખબાર વિતરક દશરથસિંહ રાઠોડ અન્ય વ્યકિત સાથે ખાંભા ફોરેસ્ટ ઓફીસે ગયા ત્યારે પટાંગણમાં આરએફઓ રાતડીયાએ ઉશ્કેરાઈને દશરથસિંહને માથામાં પાઈપ મારી ઈજા કરતા દશરથસિંહ સહિત બંનેને સારવાર માટે ખાંભા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવા તજવીજ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.
  • આરએફઓ દ્વારા યોગ્ય તપાસની ખાતરી
રાજકોટ : આ વિવાદ મુદે ખાંભાના આરએફઓ એલ.વી.રાતડીયાનો તેમના મો.નં ૯૭૧૨૧૯૬૧૩૨ ઉપર સંપર્ક કરાયો પરંતુ તેમણે વાત કરવાના બદલે ફોન રીસીવ કર્યો ન હતો.આ અંગે ડીએફઓ અંશુમન શર્માનો સંપર્ક કરવામા આવતા તેમણે આ અંગે રજૂઆત મળી હોવાનું જણાવી યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી હતી. સાચી તપાસ કરવાની ખાત્રી આપી હતી.

તંત્ર જાગ્યું ! બે વર્ષથી ગોદામમાં સડી રહેલાં ૩.૫૦ લાખ કિલો ઘાસની શનિવારે હરરાજી.

Jan 25, 2015 00:03
  • ખેડૂતોને રાહતદરે વિતરણના બદલે વન વિભાગની વેપારી નીતિ
અમરેલી : ધારી ગીર પૂર્વમાં વન વિભાગનાં ગોદામોમાં વર્ષ ૨૦૧૧-૧૨નો ખાવાલાયક, બિન ખાવાલાયક ઘાસનો જથ્થો બે વર્ષથી સડતો હોવા છતાં ખેડૂતોને રાહતદરે વિતરણ કરવાના બદલે જથ્થાના નિકાલ માટે શનિવારે હરરાજીનું આયોજન કરાયું છે.
ધારી ગીર પૂર્વના જંગલ વિસ્તારમાં આવેલા કુદરતી ઘાસીયા મેદાનોમાં જંગી પ્રમાણમાં ઘાસનું ઉત્પાદન થાય છે. વન વિભાગ દ્વારા ગીરમાં વસતા માલધારીઓને ઘાસીયા મેદાનોમાં માલ ઢોર ચરાવવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને વન વિભાગ જાણે તેનું માલીક હોય તેમ ઘાસ કટીંગ કરીને વેપારી ધોરણે વેચવામાં આવે છે.

કુદરતી સંપત્તિ ઉપર ધરાર માલીક બની ગયેલા વન વિભાગ દ્વારા અપનાવાતી વેપારી નીતિના કારણે ગીરમાં વિપુલ ઘાસ છતાં પશુપાલકોને ઘાસ નસીબ થતું નથી. ધારી ગીર પૂર્વમાં આવેલા જુદા - જુદા ઘાસ ડેપોમાં વર્ષ ૨૦૧૧-૧૨નો ૩.૫૦ લાખ કિલો ઘાસનો જથ્થો બે વર્ષથી ધુળ ખાય છે. તે પૈકી અમુક ઘાસ પશુઓ માટે ખાવાલાયક પણ રહ્યું નથી. ઘાસનો જથ્થો બગડી જાય તે પૂર્વે આગામી શનિવાર તા. ૩૧-૧ના રોજ વનવિભાગ દ્વારા દલખાણીયા રેન્જ
, સાવરકુંડલા રેન્જ અને તુલસીશ્યામ રેન્જમાં આવેલા ચાર ઘાસ ડેપો ખાતે ઘાસની હરરાજી કરવામાં આવશે.

10 કરોડની ગ્રાન્ટમાંથી ગિરનાર, ભવનાથ તીર્થને વિકસાવવા જરૂરી.

Bhaskar News, Junagadh | Jan 30, 2015, 00:31AM IST

- જૂનાગઢનાં અગ્રણીઓ, સાધુ-સંતો અને પ્રબુદ્ધજનોનો એક જ સૂર

જૂનાગઢ: રાજ્ય સરકારે પ્રવાસન અને યાત્રાધામોનાં વિકાસ માટે દરેક જિલ્લા કલેક્ટરને 10 કરોડની ગ્રાન્ટ વાપરવાની સત્તા આપી છે. કલેક્ટરનાં માર્ગદર્શનમાં પ્રવાસન સમિતી જિલ્લાનાં 3 સ્થળો વિકસાવશે. 10 કરોડની ગ્રાન્ટ ક્યાં વાપરવી તેને લઇને તંત્ર પણ તૈયારીઓ કરી રહ્યું છે. આ ગ્રાન્ટમાંથી જૂનાગઢ શહેર અને આસપાસમાં આવેલા પ્રવાસન ધામમાં મહત્તમ સુવિધાઓ ઉભી કરી શકાય તેમ છે.

10 કરોડની ગ્રાન્ટ ક્યા પ્રવાસન સ્થળ માટે વાપરવી જોઇએ  એ અંગે દિવ્ય ભાસ્કરે જૂનાગઢ શહેરની જુદી-જુદી સંસ્થાઓ, અગ્રણીઓ, સાધુ-સંતો સાથે વાત કરી હતી. અને આ અમુલ્ય રકમ પ્રથમ ક્યાં અને કેવી રીતે વાપરવી જોઇએ. એ અંગે સવાલ કર્યો હતો. જેમાં 10 કરોડની ગ્રાન્ટમાંથી ગિરનાર પર્વત અને ભવનાથ, ઉપરકોટનાં વિકાસમાં વાપરવાનો સુર ઉઠ્યો છે.

ગિરનાર, ભવનાથ, ઉપરકોટ, નરસિંહ સરોવર અને હેરીટેજ સ્મારકો શણગારવા જોઇએ

આ ગ્રાન્ટમાંથી ગિરનાર અને ભવનાથને સૌથી વધુ મહત્વ મળવું જોઇએ. આ ઉપરાંત મેળા પૂર્વે ગિરનારની સીડીને પણ ટાંકવાની જરૂર છે. લપસણી થઇ જતાં પ્રવાસીઓ માટે ભય રહે છે.
મહંત ઇન્દ્રભારતી બાપુ, રૂદ્રેશ્વર જાગીર આશ્રમ

ગિરનાર પર્વત ઉપર પહેલા પાણી અને સીડીમાં રૂપિયા વાપરવા જોઇએ. બાદમાં દામોદર કુંડ અને ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવી જોઇએ. અને તેમાં રૂપિયા ફાળવવા જોઇએ.
ભારતીબાપુ, મહા મંડલેશ્વર
 
આ રકમમાંથી ગિરનાર પર્વત, ભવનાથ તળેટી, ઉપરકોટ, બૌદ્ધ ગુફાઓ તેમજ શહેરમાં આવેલી હેરીટેજ વાવનાં વિકાસમાં રકમ વાપરવી જોઇએ. પર્વત ઉપર શૌચાલય અને પાણી વ્યવસ્થાને વધુ મહત્વ આપવુ જોઇએ.
તનસુખગીરીજી, ભવનાથ મંદિર મંહત

ગિરનાર-ભવનાથમાં વિકાસની જરૂર છે. આ ઉપરાંત ચોરવાડમાં આવેલ દુધેશ્વર મહાદેવ મંદિરનું મહત્વ ખુબ છે ત્યારે તેના માટે પણ આયોજન કરવું જરૂરી છે. આ ઉપરાંત બીજા સ્થળો પણ મહત્વનાં છે.
રાજેશ ચુડાસમા, સાંસદ જૂનાગઢ

જૂનાગઢમાં આવેલા પ્રવાસન સ્થળ ઉપરાંત શહેરીજનોને ફરવા મળે તે માટે નરસિંહ મહેતા તળાવ, બાગ બગીચા, વિલીંગ્ડન ડેમ, નવાબી કાળની ઇમારતો સુધારવામાં વાપરવી જોઇએ.
સલીમ ગુજરાતી, મધુર સોશ્યલ ગૃપ

જૂનાગઢમાં આવેલા ઐતિહાસ ઇમારતો, મકબરા આવેલા છે. એ જર્જરીત હાલતમાં ઉભા છે. ત્યારે ઐતિહાસિક વારસાની જાળવણી માટે આ રકમ ફાળવવી જોઇએ.
મનોજ ચુડાસમા, પ્રમુખ, ગ્રામ ઉદ્યોગ સેવા સમિતી

ઐતિહાસિક જગ્યાની જાળવણીમાં રકમ વાપરવી જોઇએ. જેમાં પ્રથમ ઉપરકોટ, સક્કર બાગ, ભવનાથ, ગિરનારનાં વિકાસમાં રૂપિયા વાપરવા જોઇએ. જૂનાગઢને વધુ મહત્વ મળવું જોઇએ.
પૂર્ણાબેન હેડાઉ, આશાદિપ ચેરીટેબલ ટ્રસ્ટ

જૂનાગઢનાં ઇતિહાસનાં સાક્ષી એવા ઉપરકોટમાં વધુ ગ્રાન્ટ વાપરવી જોઇએ. બાદમાં ગિરનાર પર્વત, ભવનાથ તિર્થ ક્ષેત્ર, તેમજ ફરવા લાયક સ્થળોમાં વાપરવી જોઇએ.
પલ્લવીબેન ઠાકર, નારી સુરક્ષા સમિતી

જૂનાગઢ પ્રવાસે આવતા લોકો માટે પ્રવાસન સ્થળનાં દર્શન માટે બસ શરૂ કરવી જોઇએ. અને ટુરીસ્ટ ગાઇડની વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. તેમજ પ્રવાસન સ્થળ પર સાઇન બોર્ડ મૂકવા જોઇએ.
હેમાબેન શુકલ, હાટકેશ સહિયર વૃંદ

ભવનાથમાં સરકારી દબાણથી સાધુ-સંતો આગબબૂલા થતાં કમિટી રચવી પડી.

Jan 31, 2015 00:31

  • ૭૦ ઉતારા - અન્નક્ષેત્રને જમીન ફાળવણી માટે બે દિ'માં મગાવાતો રીપોર્ટ
જૂનાગઢ : આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાનારા મહાશિવરાત્રિના મેળાની તૈયારી માટે આજે મળેલી બેઠકમાં સરકારી પેશકદમીનો મુદ્દો ઉછળ્યો હતો. ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેલા આ મામલે ૭૦ ઉતારા-અન્નક્ષેત્રોને જમીન ફાળવવા આખરે કલેક્ટર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. તથા બે દિવસમાં સર્વે કરીને તેનો રિપોર્ટ આપવાની સુચના આપવામાં આવી છે. ઉપરાંત આજની બેઠકમાં વધારાની ટ્રેન શરૂ કરવા સહિતની રજૂઆતો કરવામાં આવી હતી.
ગિરિવર ગિરનારની ગોદમાં ફેબ્રુઆરી મહિનામાં યોજાનારા મહાશિવરાત્રિના મેળાની તૈયારી માટે આજે અધિકારીઓ
, સાધુ-સંતો અને આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં ભવનાથમાં થયેલી સરકારી પેશકદમીનો મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો હતો.
ઉતારા-અન્નક્ષેત્ર માટે અનામત રાખવામાં આવેલી ર૮ એકર જમીનમાં પ્રવાસન વિભાગ દ્વારા બાંધકામો કરી લેવામાં આવ્યા છે. જેના લીધે ૭૦ જેટલા ઉતારા-અન્નક્ષેત્રની જમીનો કપાઈ રહી હોવાની રજૂઆત અગાઉ કરાઈ હતી. આ બાંધકામોની મંજૂરીના મામલે ઉગ્ર રજૂઆતો થઈ હતી.

રજૂઆતોના પગલે કલેક્ટર આલોકકુમારે એક કમિટીની રચના કરીને બે દિવસમાં સ્થળનો સર્વે કરીને રિપોર્ટ આપવા માટે સુચના આપી છે. મનપા
, આગેવાનો સહિતની આ કમિટી આવતીકાલથી તેનું કામ શરૂ કરી દેશે. જરૂર પડયે ઉતારા-અન્નક્ષેત્રને અત્યારે થયેલા બાંધકામમાં જગ્યા આપવાની તૈયારી તંત્રએ દાખવી છે. સાધુ-સંતો અને સી.પી.એમ.ના બટુકભાઈ મકવાણા દ્વારા ભરડાવાવ સહિતની જગ્યાએ પ્રવેશ માટે પડતી મૂશ્કેલી તથા તંત્રના ઉદ્ધત વર્તન અંગેની ઉગ્ર રજૂઆતો કરાઈ હતી. અહી અનુભવી અધિકારીઓને ફરજ સોંપવા રજૂઆત કરાઈ હતી. ભાજપના અગ્રણી પ્રદિપભાઈ ખિમાણીએ વધારાની સ્પેશિયલ ટ્રેન દોડાવવા માગણી કરી હતી. જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ ટાંકે ફોરટ્રેક રોડ બની જતા એસ.ટી.ને પ્રવેશ આપવા તેમજ ઉતારાની જગ્યાના દબાણો અંગે રજૂઆત કરી હતી. બેઠકમાં મહંત તનસુખગીરીબાપુ, મેયર જીતુભાઈ હિરપરા, કમિશનર દિનેશ પટેલ, એસ.પી. સૌરભ તોલંબિયા, ડે.મેયર ગીરીશ કોટેચા વગેરેએ હાજર રહી સુચનો કર્યા હતાં.
  • એસ.ટી.ને પ્રવેશ આપવા માટે અભિપ્રાય લેવા સુચના આપતા કલેક્ટર
જૂનાગઢ : પાજનાકાના પુલની ધક્કામુક્કીની દૂર્ઘટના બાદ એસ.ટી.ને ભરડાવાવથી આગળ મેળામાં જવા ઉપર પ્રતિબંધ છે. યાત્રિકોને ચાર-પાંચ કિ.મી. પગપાળા ચાલીને મેળામાં જવું પડે છે. ત્યારે આ વખતે મેળામાં એસ.ટી.ને પ્રવેશ આપવા માટે સર્વપક્ષીય રજૂઆતો થયા બાદ કલેક્ટર આલોકકુમારે આ અંગે પોલીસ, આર.ટી.ઓ. અને મનપાનો અભિપ્રાય લેવા માટે સુચના આપી હતી. તેમજ ટ્રાફિક ન હોય તેવા સમયે એસ.ટી.ને પ્રવેશ આપવા હકારાત્મક વિચારણા ચાલી રહી છે.

જામકામાં ઘઉંમાં પાણી વાળતા યુવાન ઉપર દીપડાનો હુમલો.

DivyaBhaskar News Network | Jan 29, 2015, 05:45AM IST
બપોરે દીપડો ત્રાટકતા લોકો એકઠા થયા

જામકાગામની સીમમાં બપોરનાં 12 વાગ્યાની આસપાસ ઘઉંમાં પાણી વાળતા મજૂર ઉપર દીપડાએ હૂમલો કરી ઇજા પહોચાડી હતી.

જંગલ બોર્ડર નજીકનાં વિસ્તારમાં અવાર-નવાર વન્ય પ્રાણીઓનાં હૂમલાઓનાં બનાવ બનતા રહે છે.ત્યારે આજે વધુ એક ઘટના વન્ય પ્રાણીનાં હૂમલાની પ્રકાશમાં આવી છે.જેમાં દક્ષિણ ડુંગર રેન્જનાં જામકા ગામની સીમમાં અનવરભાઇ ઉમરભાઇ દરવેશની વાડીએ ઘઉંનાં પાકમાં રમેશભાઇ મુળજીભાઇ નાનકીયા(ઉ.વ.50)બપોરનાં 12 વાગ્યાની આસપાસ પાણી વાળતા હતા.તે સમય દરમીયાન ઘઉંમાં બેઠેલો દીપડાએ અચાનક મજૂર પર હુમલો કર્યો હતો.લપાઇને બેઠેલા દીપડાએ મજૂર ઉપર હુમલો કરી ખંભા,કાન અને આંખનાં ભાગે ઇજા પહોચાડી હતી.અચાકન હૂમલાથી ડઘાઇ ગયેલા ખેડૂતે રાડારાડ કરી મુકતા આસપાસનાં ખેડૂતો એકઠા ગઇ ગયા હતા અને દીપડો નાશી ગયો હતો.ઇજાગ્રસ્ત રમેશભાઇને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોરબંદર પંથકમાંથી એક જ દિવસમાં પાંચ અજગર પકડાયા.

Jan 31, 2015 00:04

  • પ્રકૂતિ ધી યુથ સોસાયટીના કાર્યકરોએ વનવિભાગને સોપી દેવામાં આવ્યા
પોરબંદર : પ્રકૃતિ ધી યુથ સોસાયટીની હેલ્પલાઈન પર ભારવાડા ગામથી અજગર નિકળ્યો હોવાનો ફોન આવ્યો હતો અને તુરંત જ કાર્યકરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને અજગરને ઝડપી લીધો હતો. બાદમાં ભારવાડા ગામના વાડી વિસ્તારમાં એક અજગર નિકળતા તેને પણ પ્રકૃતિની ટીમે ઝડપી લીધો હતો, તો બપોરના સમયે રાણાવાવ તેમજ કાટવાણા ગામેથી પણ એક અજગરને પકડી લેવામાં આવ્યો હતો. તમામ અજગર ઈન્ડિયન રોકપાઈથુન જાતિના હતા અને અંદાજે ૨૦ થી ૨૫ કીલો વજન ધરાવતા હતા. તમામ અજગરને વનવિભાગને સોપી દેવામાં આવ્યા હતા

રોપ-વે શરૂ કરો અને કેસર કેરીના બગીચાને ખેત વિમામાં સમાવો.

DivyaBhaskar News Network | Jan 29, 2015, 05:45AM IST
જૂનાગઢઅને સૌરાષ્ટ્રમાં લોકોના વર્ષો જુના પડતર પ્રશ્નોનો નિવેડો લાવવા ખેડૂત હિતરક્ષક સમિતીએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.

જેમાં ગિરનાર રોપ-વે શરૂ કરવા, કેસર કેરીના બગીચાને ખેત વિમામાં સમાવવા, સૌરાષ્ટ્રના તમામ ડેમોને નર્મદા કેનાલથી જોડવા માંગ કરાઇ છે. ઉપરાંત સૌરાષ્ટ્ર- જૂનાગઢના તીર્થધામો જેવા કે ધારીથી તુલસીશ્યામ, મેંદરડાથી તાલાલા, તાલાલાથી ઊના અને જામવાળાથી ધારી સુધીના રસ્તાને પહોળા કરવા માંગ કરાઇ છે. કલ્પસર યોજનાઓ અમલ, જૂનાગઢ-ઊના રેલવેને બ્રોડગેજ, શાપુર- સરાડીયા રેલવે, મેંદરડા - જૂનાગઢ બાયપાસ કૃષિ યુનિવર્સિટીમાંથી શરૂ કરવામાં આવે. ગામડાઓને જોડતા રસ્તઅઓ દર ત્રણ વર્ષે નવા બનાવવામાં આવે તે જરૂરી છે. ગામડાઓમાં બીનજરૂરી દબાણો, સરકારી - ગૌચરમાંથી થતી મુરમ ચોરીની જવાબદારી સ્થાનિક તલાટીમંત્રીના શીરે નાંખવા રજૂઆત કરાઇ છે. ઉપરાંત તલાટીમંત્રી ગામડામાં હોય પ્રજાના કામો અટકાયેલા રહે છે. જેથી તલાટીની જગ્યા ભરવા માંગ કરાઇ છે. જંગલ વિસ્તારમાં પશુની રંજાડ હોય જંગલ વિસ્તાર નક્કી થાય તે જરૂરી છે.

ગીર-સોમનાથ જિલ્લા દરિયાકાંઠે કોસ્ટલ રીઝર્વ ઝોન અમલમાં હોય ખારવા સમાજના લોકોને સરદાર આવાસ, ઇન્દિરા આવાસ યોજનાનો લાભ મળતો નથી. ઉપરાંત કોસ્ટલ વિસ્તારમાં ખારાશનું પ્રમાણ વધી રહયું છે તે બાબતે ગંભીરતાથી વિચારવા તેમ કન્વીનર અતુલ શેખડાએ જણાવ્યું છે.

૯૦ વૃક્ષોના આરોપણ થકી સ્વજનનું અનોખું તર્પણ.

Jan 29, 2015 00:04

  • શ્વાનને બિસ્કીટ, કબુતરને ચણ અને ગાયોને લાડવા, લાપસી અપાઈ
માળીયા હાટીના : અહીંના ગાંધી પરીવાર દ્વારા પોતાના સ્વજનના ૯૦ મા જન્મદિને શ્વાનને બિસકીટ, કબુતરને ચણ, ગાયોને લાડવા અને લાપસી, અન્નક્ષેત્રમાં ભોજન સહિતના સેવા કાર્યો ઉપરાંત ૯૦ વૃક્ષો વાવી શાંતિવન નામકરણ કરાયું હતું.
અહીંના સ્વ.શાંતિલાલ મોતીચંદભાઈ ગાંધીના ૯૦ માં વર્ષે અવસાન થતાં તેમના પરીવારે ૯૦ મા જન્મદિન નીમિત્તે ગાયોને લાડવા
, લાપસી, અન્નક્ષેત્રમાં મીસ્ટાન ભોજન, બાળકોને બિસ્કીટ, શ્વાનોને બિસ્કીટ, કબુતરને ચણ, કીડયારૂ પુરવું, મંદિરમાં દીપમાળા તેમજ પર્યટક સ્થળ કાળેશ્વર, મહાદેવ મંદિરે ચાંપરડાના મહંત મુક્તાનંદ બાપુના હસ્તે માનવ સમુદાય સાથે ૯૦ વૃક્ષો રોપી શાંતિવન નામકરણ કરાયું હતું. સ્વ.શાંતિભાઈની પ્રેરણાથી જૈનેતર જીવરાજભાઈ પટેલે જૈન સંથારો ગ્રહણ કર્યો હતો. સ્વ.શાંતિભાઈએ તેમની હૈયાતીમાં જીવતું જગતીયું પણ કર્યું હતું. તેમણે અંતિમ સમયે પોતાના મૃત્યુ સમયે શોક ન કરવા, અંતિમવિધિ સિવાય કોઈ વિધિ ન કરવા તથા અંતીમવિધિ સમયે બેન્ડવાજા રાખવા જણાવ્યું હતું. તેઓેની ઈચ્છા અનુસાર ચક્ષુદાન પણ કરાયું હતું.

મૂંગા પશુઓમાં ખરવાનો રોગચાળો પ્રસર્યાની શંકા.

Jan 26, 2015 00:04

માધવપુરમાં પશુઓના મોત બાદ જીવદયાપ્રેમીઓમાં ચિંતા


પોરબંદર : માધવપુરમાં છેલ્લા કેટલાક સમયથી મુંગા પશુઓ ખરવાના રોગથી મોતને ભેટી રહ્યા હોવાથી જીવદયાપ્રેમીઓમાં ચિંતાની લાગણી વ્યાપી છે.માધવપુરમાં મોટાભાગે રેઢીયાળ ગાયો જોવા મળે છે તેમજ ૧૦૦ જેટલા ખુંટીયાઓ શહેરમાં ઘુમી રહ્યા છે.આવા તમામ રખડતા ઢોર ભુખના માર્યા જે તે વસ્તુ સહીતની સડેલી ખાદ્ય સામગ્રી આરોગતા હોય છે.
હાલમાં આવા રખડતા ઢોરમાં ખરવા નામનો રોગચાળો જોવા મળે છે અને દિવસે દિવસે મુંગા પશુઓમાં આ રોગચાળો વકરી રહ્યો છે.મોટાભાગની ગાયો આ ગંભીર પ્રકારના રોગચાળાનો શિકાર બની હોવાથી છેલ્લા કેટલાક સમયથી આમતેમ ભટકતી ગાયો મોતને શરણે થઈ રહી છે.આવા રોગમાં સપડાયેલા મુંગા માલઢોરને બચાવવા જીવદયા પ્રેમીઓને ભારે જહેમત ઉઠાવવી પડે છે.

થોડા દિવસો પહેલા અહી આવેલ ભાટીયા વંડી પાસે મધુવન જવાના રસ્તે એક વાછરડી સારવાર ન મળવાથી તરફડીયા મારી મોતને ભેટી હતી.તેવી જ રીતે શુક્રવારે સવારે અહી મચ્છી માર્કેટ પાસે પણ એક ગાય તરફડીયા મારી રહી હોવાની જાણ થતા લોકો પશુ દવાખાને અનેક વખત ધક્કા ખાવા છતાં પશુ ડોકટર હાજર ન હોવાથી ગાયને સારવાર નહી મળતા મોતને ભેટતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે.

ગિરીકંદરાઓ પર જઇ બાળકો અને યુવાનોએ ફરકાવ્યો તિરંગો.

DivyaBhaskar News Network | Jan 28, 2015, 05:45AM IST
ગિરીકંદરાઓ પર જઇ બાળકો અને યુવાનોએ ફરકાવ્યો તિરંગો
26જાન્યુ.એ 66 મા પ્રજાસત્તાક દિનની ઉજવણી જૂનાગઢમાં અનોખી રહે છે. સંત અને શૂરાની ભૂમિમાં દર વર્ષે સંતો પણ ધ્વજવંદન કરી રાષ્ટ્રગીત ગાય છે. તો યુવાનો જટાળા જોગી એવા ગિરનાર પર્વતની જુદી જુદી ગિરીકંદરાઓ પર આરોહણ કરી ત્યાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવે છે.

ભવનાથમાં આવેલા રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે મહંત ઇન્દ્રભારતીજીની આગેવાની હેઠળ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. તકે ભવનાથનાં મહંત તનસુખગીરીજી, સ્ટે. ચેરમેન સંજય કોરડિયા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડાયરેક્ટર યોગી પઢિયાર તેમજ ભવનાથનાં સંતો ઉપસ્થિત રહ્યા હતા.

શહેરનાં જીવન જ્યોત કેન્દ્ર, મહિરૂ ફાઉન્ડેશન, રૂપાયતન બાલભવન દ્વારા અંબાજી, દાતાર પર્વત પરનાં સિદ્ધ ધુણા શિખર, જોગણીયા ડુંગર, છીપ્પર, લક્ષ્મણ ટેકરી, ઉપરકોટ, વગેરે, ગિરીમાળાની ટોચ સુધી આરોહણ કરી રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ત્યાંજ રાષ્ટ્રગીત ગાઇ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી. જેમાં અંબાજી મંદિરે નિમીત્ત અને જીજ્ઞેશ જોષીએ તિરંગો ફરકાવવા સાથે ગિરનાર પર રહેતા સંતો તેમજ આવનાર ભાવિકો સાથે રાષ્ટ્રધ્વજને વંદન કરી રાષ્ટ્રગીત ગાયું હતું.

દાતાર પર દિપક અડવાણીએ ધ્વજવંદન કર્યું હતું. તો મિતેષ દવે રૂપાયતનનાં બાળકો દર્શન વાડોલિયા, અંકિત શુક્લા, આદિત્ય મહેતા, ગૌરવ, સહિતને સાથે લઇ છિપ્પરની ટેકરીની ટોચે પહોંચ્યા હતા. અને ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપી રાષ્ટ્રગીત ગાયું હતું. બાળકોએ ગિરનાર અને દાતાર પર્વત પર જઇ ધ્વજ વંદન કર્યુ હતું.

ભવનાથ, શહેરની શાળાઓ, વિવિધ સંસ્થાઓમાં આનબાન શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ હતી./ મેહુલચોટલીયા

ગીરમાં પ્રતિ માસ પૂનમની ચાંદનીએ થતું વનરાજોની વસતી ગણતરીનું રિહર્સલ.

Jan 25, 2015 00:17

  • ર૪ કલાક સુધી અધિકારીઓ, ટ્રેકર્સ, ગાર્ડ સહિતનો કાફલો જંગલ ખુંદી દર કલાકે કંટ્રોલરૂમને માહિતિ પુરી પાડે છે
જૂનાગઢ : વિશ્વ પ્રસિદ્ધ એશિયાઈ સિંહોની મે ર૦૧પ માં થનારી વસતી ગણતરીને લઈને વન્યપ્રેમીઓમાં ઉત્તેજનાનો માહોલ પ્રસરી ગયો છે. તેવી સ્થિતિ વચ્ચે બહૂ ઓછા લોકોને ખબર હશે કે, દર પૂનમે ચંદ્રમાની ચાંદનીના અજવાળે વનરાજોની સંખ્યા ગણવાની કવાયત થાય છે. અલબત, આ પ્રક્રિયાને અવલોકન તરીકે ઓળખવામાં આવે છે. જો કે ર૪ કલાકના સમયગાળા દરમિયાન જંગલમાં જોવા મળેલા સિંહોનું જી.પી.એસ. લોકેશન, ઉંમર, જાતિ વગેરે ડેટાની નોંધ કરવામાં આવે છે.
સિંહોની વસતી ગણતરી વન્યપ્રેમીઓ માટે કાયમી આકર્ષણનું કેન્દ્ર રહી છે. રાષ્ટ્રીયકક્ષાએ તેની નોંધ પણ લેવાય છે. છેલ્લે વર્ષ ર૦૧૦ માં થયેલી ગણતરીમાં ગિર અને ગિરનાર અભયારણ્ય સહિતના વિસ્તારમાં કૂલ ૪૧૧ સિંહ નોંધાયા હતાં. હવે આગામી મે મહિનામાં ફરી વખત સિંહોની ગણતરી થશે. જો કે વનવિભાગ દ્વારા દર મહિને પૂનમના દિવસે સિંહોની વસતી ગણતરી કરવામાં આવે છે. આ વિશે વિગતો આપતા આર.એફ.ઓ. પી.જે.મારૂ કહે છે કે
, પૂનમ હોય તે દિવસે બપોરે ર વાગ્યાથી લઈને બીજા દિવસે બપોરે ર વાગ્યા સુધી આખો દિવસ અને આખી રાત મળી ર૪ કલાક સુધી ગણતરી થાય છે. દિવસે તેમજ રાત્રે પેટ્રોલીંગ કરીને ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે. જંગલની આસપાસના રેવન્યુ વિસ્તારને પણ તેમાં આવરી લેવામાં આવે છે.
વનવિભાગનો તમામ સ્ટાફ, ટ્રેકર્સ, ગાર્ડ વગેરે આ ર૪ કલાક દરમિયાન જુદી જુદી ટીમો બનાવી જંગલમાં નિકળી પડે છે. અવલોકન દ્વારા સિંહોની સ્થિતિ ઉપર નજર રાખવા માટે આ પ્રક્રિયા થાય છે. દર કલાકે જોવા મળેલા સિંહોના જીપીએસ લોકેશન લેવામાં આવે છે. નર, માદા, બચ્ચા, તેની ઉંમર વગેરે અંગેના આંકડા કચેરીમાં એકત્ર થતા રહે છે. સમગ્ર અવલોકનના અંતે એક રિપોર્ટ તૈયાર થાય છે. આ રિપોર્ટ નાયબ વન સંરક્ષકને આપવાનો હોય છે. આ અવલોકન પ્રક્રિયામાં વનવિભાગના સ્ટાફ સિવાય અન્ય કોઈને સામેલ કરવામાં આવતા નથી.
  • પાકી ગણતરી ચાલે છે પાંચ દિવસ
દર પાંચ વર્ષે થતી સિંહોની પાકી ગણતરી પાંચ દિવસ સુધી ચાલે છે. પીવાના પાણીના પોઈન્ટ અને સિંહોની અવર-જવર વાળા રૂટ ઉપર માંચડા બાંધીને સિંહોનું નિરિક્ષણ કરવામાં આવે છે. જેમાં તેના શરીર ઉપર જોવા મળેલા ચિન્હો સુદ્ધાની નોંધ થાય છે. નિયત નમૂનાના ફોર્મમાં બધી વિગતો ભરવાની હોય છે. ત્યાર બાદ આ સમગ્ર ડેટા કોમ્પ્યુટરમાં નાખવામાં આવે છે. ડેટાનું વૈજ્ઞાાનિક ઢબે વિશ્લેષણ કર્યા બાદ સિંહોની અંદાઝીત વસતી જાહેર થાય છે.
  • ઘણી વખત સિંહોની સંખ્યા ઘટી પણ જાય છે !!
અવલોકન બાદ છેલ્લે ર૦૧૦ માં થયેલી વસતી ગણતરી સાથે આંકડા સરખાવવામાં આવે તો ઘણી વખત સિંહોની સંખ્યા ઘટી પણ જાય છે. જંગલ છોડીને સિંહો રેવન્યુ વિસ્તારમાં જતા રહ્યા હોય તો અવલોકનમાં આવતા નથી. જો કે સંખ્યા ઘટવાની બાબતને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. કારણ કે બહાર ગયેલા સિંહો પરત જંગલમાં આવી જતા હોય છે. એકાદ દિવસ માટે જ બહાર રહ્યા હોય છે. જે બીજા મહિનાના અવલોકનમાં નોંધાઈ જતા હોય છે.

ઉનાના વાવરડા ગામની સીમમાં ફાસલામાં ફસાવાથી દીપડાનું મોત.

Jan 24, 2015 00:54
  • વન વિભાગ દોડી ગયો,શિકારીઓની તપાસ શરૂ
ઉના :  ઉનાના વાવરડા ગામની સીમમાં આવેલ ખેતરના શેઢે ફાંસલામાં ફસાઈ જવાથી એક પુખ્ત દીપડાનું મોત થતા વન્યપ્રાણીપ્રેમીઓમાં ચિંતાની લાગણી વ્યાપી છે. વન વિભાગે સ્થળ પર પહોંચી દીપડાના મોત માટે જવાબદારોને શોધવા તજવીજ હાથ ધરી છે. આજે ઉના તાલુકાના વાવરડા ગામની સીમમાં વિક્રમભાઈ ભીખાભાઈ ભરવાડની વાડી વાવરડા ઉમેજ રોડ ઉપર આવેલ છે.તેમની વાડીના શેઢે કાંટાની વાડમાં એક અંદાજે ત્રણ વર્ષની ઉમરના દીપડાનો મૃતદેહ પડયો હોવાની વન વિભાગને માહિતી મળતા એસીએફ રાણપરીયા, આરએફનો બી.ટી.આયર ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઈ જસાધાર (ગીર) એનિમલ કેર સેન્ટરમાં પીએમ કરવા માટે લઈ ગયા છે.
દીપડાના ગળાના ભાગે ઈજાના ચિન્હો જોવા મળ્યા છે. મોતનું સાચું કારણ પીએમ કર્યા બાદ જાણવા મળશે. દરમિયાન આજે આ બનાવ બનતા આ વિસ્તારના વન્યપ્રાણીપ્રેમીઓમાં ચિંતાની લાગણી વ્યાપી છે.

ગિરનાર પર્વત પર હિમ જેવી ઠંડી, 1.5 ડિગ્રી તાપમાનથી લોકો ઠીંગરાયા.

DivyaBhaskar News Network | Jan 28, 2015, 05:45AM IST
 
જૂનાગઢશહેરમાં ઉત્તર પૂર્વથી આવતા કાતિલ પવનોની અસર વર્તાઇ રહી છે. મંગળવાર સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે. શહેરમાં રેકોર્ડ બ્રેક 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગિરનાર પર્વત પર હાંજા ગગડાવતી ઠંડી પડતાં બહારથી ગિરનાર પર્વત ચઢવા આવતા પ્રવાસીઓ ઠંડીથી ઠૂંઠવાઇ ગયા હતા.

જૂનાગઢ શહેર કરતાં ગિરનાર પર્વત પરનું તાપમાન 5 ડિગ્રી ઓછું હોય છે. જોતાં આજે ગિરનાર પર 1.5 ડિગ્રી તાપમાન હોવાનો અંદાજ છે. કૃષિ યુનિ.નાં હવામાન શાસ્ત્રી એમ. સી. ચોપરાનાં જણાવ્યા મુજબ, ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાનાં કારણે તથા હિમાલય તરફથી આવતા ઉત્તર પૂર્વીય ઠંડા પવનોને લીધે શહેરમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. આજનો દિવસ સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો. સીઝનની સૌથી ઓછી 6.4 ડિગ્રી ઠંડી નોંધાઇ છે. આજે જૂનાગઢવાસીઓ આખો દિવસ ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. વ્હેલી સવારે કાતિલ પવન સાથે ઠંડી પડતા રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. સ્કુલ-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ પણ ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. કાતિલ ઠંડીને લીધે શહેરીજનો રીતસરનાં ધ્રુજી ઉઠ્યા હતા. રાત્રિનાં સમયે ઓટલે બેસવાનાં શોખીનો તાપણું સળગાવી તેની આસપાસ હાથ શેકતા વાતોનાં તડાકા મારતા પણ જોવા મળે છે. ઠંડીને લીધે બજારોમાં વ્હેલો સોપો પડી જાય છે.

ગિરનાર પર્વતે જાણે ઠંડીનું આવરણ ધારણ કર્યુ હોય તેવું તસ્વીરમાં નજરે ચઢે છે. / તસ્વીર: મિલાપ અગ્રાવત

જૈન મંદિરે તાપણું કરવું પડે છે

ગિરનાર પર્વત પર કાશ્મીર જેવી અનુભૂતિ

^ અમે વ્હેલી સવારથી ગિરનાર પર્વત ચઢવાનું શરૂ કર્યું હતું. ત્યાં ખુબજ પવન છે. અને ઠંડી પણ સખ્ત છે. ગિરનાર પર પહોંચ્યા ત્યારે જાણેકે કાશ્મીર પહોંચી ગયા હોય એવો અનુભવ થયો. પર્વત ચઢવામાં ઠંડીને લીધે મુશ્કેલી પડી હતી. પર્વત પરથી નીચે આવતી વખતે બીજા પાસે ગરમ ટોપી માંગવી પડી હતી. > સરોજબેન,ઇન્દોર

^ ગિરનાર પર્વત પર હાલ કાતિલ ઠંડી પડી રહી છે. જેને લીધે જૈન મંદિરે તાપણું કરવું પડે છે. કાતિલ ઠંડીને લીધે છેલ્લા થોડા દિવસથી પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. > દિનેશપરમાર, (ડોળીવાળા)

મેંદરડાના હનુમાનધાર વિસ્તારમાં આંબલાના યુવાન પર સિંહણનો હૂમલો.

Jan 22, 2015 00:01

  • જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર હેઠળ : અજાબની ઘટનાવાળી જ સિંહણ હોવાનું અનુમાન
જૂનાગઢ : મેંદરડા તાલુકાના રાજાવડ ગામની સીમમાં હનુમાનધાર વિસ્તારમાં આજે ગયેલા આંબલા ગામના એક રત્નકલાકાર યુવાન ઉપર સિંહણે હૂમલો કરતા તેને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. અજાબ ગામની ઘટનાવાળી સિંહણે જ આ હૂમલો કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વિશેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર મેંદરડા તાલુકાના આંબલા ગામમાં રહેતા અને રત્ન કલાકાર તરીકે કામ કરતા નામુભાઈ અમુભાઈ બાબરિયા (ઉ.વ.૩પ) આજે બપોરે રાજાવડ ગામની સીમમાં આવેલ હનુમાનધાર વિસ્તારમાં દરગાહે શ્રીફળ વધારવા ગયા બાદ ઝાંખરાની વચ્ચે જઈને બોર વીણી રહ્યા હતાં. આ દરમિયાન અચાનક જ આવી ચડેલી એક સિંહણે તેના પર હૂમલો કરી બન્ને પગના સાથળમાં બચકા ભરી લીધા હતાં. ગંભીર ઈજાઓ સાથે આ યુવાનને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ગઈકાલે અજાબ ગામની સીમમાં ખેડૂત ઉપર હૂમલો કરનાર સિંહણે જ આજે પણ હૂમલો કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.