Saturday, August 31, 2019

મોઇરંગથમે નોકરી છોડીને એકલા હાથે 17 વર્ષ સુધી મહેનત કરીને 300 એકરમાં જંગલ બનાવ્યું

 https://www.divyabhaskar.co.in/youth-zone/inspirational/news/manipur-man-has-replanted-an-entire-300-acre-forest-by-himself-over-a-period-of-17-years-1567237644.html?ref=hf

  • આ જંગલમાં 250 પ્રજાતિના વૃક્ષ છે
  • મોઇરંગથમ જંગલમાં જ રહે છે
  • ભવિષ્યમાં મોઇરંગથમ લોહિયા આ જંગલને વિસ્તારવા માગે છે

Divyabhaskar.com

Aug 31, 2019, 01:13 PM IST
યૂથ ઝોન ડેસ્ક: હાલ દુનિયાભરના લોકોની નજર એમેઝોનના જંગલમાં લાગેલી આગ પર છે. આ જંગલમાં હજારો એકરમાં લાગેલી આગને બુઝાવવાના પ્રયાસો ચાલુ જ છે. એમેઝોન જંગલ આખી પૃથ્વીને 20 ટકા ઓક્સિજન પૂરો પાડે છે. દુનિયાના દરેક લોકો તેને બચાવવા માટે પ્રાર્થના કરી રહ્યા છે, તેવામાં બીજી બાજુ આપણા દેશમાં એવા વ્યક્તિ પણ છે જેણે જંગલ બનાવવા માટે પોતાની આખી જિંદગી સમર્પિત કરી દીધી.
એકલા હાથે જંગલ બનાવ્યું
મણિપુરના પર્યાવરણપ્રેમી વ્યક્તિએ વૃક્ષો માટે પોતાની નોકરીને તિલાંજલિ આપી દીધી. મોઇરંગથમ લોહિયાએ છેલ્લા 17 વર્ષમાં એકલા હાથે 300 એકરનું જંગલ ઊભું કર્યું છે. તેમણે મણિપુરના લંગોલ હિલ રેન્જમાં વૃક્ષો વાવ્યા છે. મોઇરંગથમ આજે પણ જંગલમાં જ રહે છે
જંગલ બનાવવાનો આઈડિયા
મોઇરંગથમે કહ્યું કે, હું છેલ્લા 17 વર્ષથી વૃક્ષ વાવવાનું કામ કરું છું. નાનપણથી મને જંગલ અને મોટાં ઝાડ ઘણા ગમે છે. જ્યારે હું મારી કોલેજ પૂરી કરીને મારા ગામ પરત ફર્યો ત્યારે મેં જોયું કે, જંગલનો નાશ થઇ ગયો છે અને માત્ર નાના વૃક્ષ જ વધ્યા છે. આ બધું જોઈને હું ઘણો ઉદાસ થઈ ગયો હતો. આ જ પળે મને પર્યાવરણ માટે કંઈક કરવા માટેનો રસ્તો બતાવ્યો.
આ જંગલ અનેક પશુ-પક્ષીનું ઘર છે
મોઇરંગથમ લોહિયાએ સર્જન કરેલું જંગલ 'પુનશીલોક' તરીકે ઓળખાય છે. આ જંગલમાં 250 પ્રજાતિના વૃક્ષો છે અને બામ્બુની 25 પ્રજાતિ છે. માત્ર વૃક્ષો જ નહીં પણ આ જંગલ ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ આશરો બન્યું છે. અહીં જંગલ પક્ષીઓ, સાપ અને વાઈલ્ડ એનિમલનું ઘર છે.
લોકોને જંગલનું મહત્ત્વ સમજાવ્યું
એકલા હાથે જંગલ ઊભું કરવું તે કોઈ સામાન્ય વાત નહોતી. ગામના લોકોને વૃક્ષને કાપતાં અટકાવવા અને તેનું મહત્ત્વ સમજાવવું તે ઘણું અઘરું કામ હતું. જો કે, સમયની સાથે લોહિયાએ બધાના દિલ જીતી લીધા અને ગામના લોકોએ પણ તેને આ કામમાં સાથ આપવાનું શરુ કરી દીધું.
ભવિષ્યનો પ્લાન
મોઇરંગથમના આ કામની અનેક લોકોએ નોંધ લીધી છે. કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટના પ્રિન્સિપાલ ઓફ ચીફ કેરેઈહૌવી અંગામીએ કહ્યું કે, મોઇરંગથમ લોહિયાના જંગલ બનાવવાના પ્રયત્ન વખાણ કરવા લાયક છે. પર્યાવરણ પ્રત્યેનો તેનો પ્રેમ અનેક લોકોને પ્રેરણા આપે છે. મોઇરંગથમ લોહિયા સ્વયંસેવક અને મિત્રોનું એક નાનું ગ્રુપ બનાવ્યું છે. ભવિષ્યમાં આ ગ્રુપ જંગલને હજુ વધારે ફેલાવવા માગે છે.

કુદરત સોળે કળાએ ખીલી, ગિરનાર પર 7 ઇંચ વરસાદથી પગથીયા પર નદી વહી, ઝરણારૂપી પાણીનો અદભૂત નજારો

  • વંથલીમાં 5, જૂનાગઢ, વિસાવદરમાં 4, માણાવદર, મેંદરડા અને ભેંસાણમાં બે ઈંચથી વધુ વરસાદ
  • વિલિંગ્ડન ડેમ અને નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો

Divyabhaskar.com

Aug 01, 2019, 04:08 PM IST
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અષાઢી માહોલ બંધાયો છે અને તાલુકાઓમાં પણ ધીમી ધારે વરસાદ વરસતો જોવા મળ્યો છે. ત્યારે બુધવારે સવારથી જ વરસાદી માહોલ રહેતા જિલ્લામાં એકથી ચાર ઇંચ જેવો સરેરાશ વરસાદ પડી જવા પામ્યો હતો. ત્યારે અત્યાર સુધી ખાલી રહેલો ઓઝતનો પટ્ટ પણ વરસાદને લઇ પાણીથી ભરાઇ ગયો હતો. જો કે ગીર-સોમનાથ જિલ્લાનાં ગીરગઢડા તાલુકા સિવાય અન્ય તમામ તાલુકાઓમાં મેઘરાજાએ વિરામ લીધો છે. વાત કરીએ બુધવારનાં વરસાદની તો જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ ગિરનાર પર્વત પર 7 ઇંચ વરસાદ પડ્યો હતો. જેથી ગિરનારના પગથીયા પર નદીની જેમ પાણી વહ્યું હતું. ભારે વરસાદ હોવા છતાં પણ યાત્રિકોનો ધસારો જોવા મળ્યો હતો. ગિરનાર પર્વત પરથી ઝરણારૂપી પાણીના ધોધે અદભૂત નજારો સર્જ્યો હતો.
વંથલીમાં પાંચ ઇંચ વરસાદ
ભેંસાણ, કેશોદ, માણાવદર, મેંદરડાનાં એકથી બે ઇંચ વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ વિસાવદર અને વંથલીમાં પાંચ ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. ત્યારે જૂનાગઢ જિલ્લાનાં માંગરોળ અને માળિયામાં માત્ર વરસાદી ઝાંપટા જ રહ્યાં હતાં. જો કે જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રીક વરસાદ થતાં હાલ ઠંડક પ્રસરી જવા પામી છે. વંથલીમાં પાંચ ઈંચ જેવો વરસાદ પડી ગયો હતો. અને ઉપરવાસમાં સારો વરસાદ થતા ઓઝતમાં ઘોડાપૂર આવ્યું હતું. જૂનાગઢના લોકોની જીવાદોરી સમાન વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. આ ઉપરાંત નરસિંહ મહેતા સરોવર પણ છલકાયું છે.

બાબરામાં અનરાધાર 3,રાજુલામાં 2 ઇંચ વરસાદ
અમરેલી જિલ્લામાં અડધાથી લઇ ત્રણ ઇંચ વરસાદના કારણે વાડી ખેતરોમાથી પાણી દોડવા લાગ્યા હતા. બાબરા પંથકના ખેડૂતો છેલ્લા એક પખવાડીયાથી વરસાદની રાહમાં હતા. ઉભો મોલ સુકાઇ રહ્યો હતો. સિઝનમા સારો વરસાદ થયો ન હોય તળમાં પણ પાણી ન હતા. પરંતુ આજે બપોર બાદ ત્રણ કલાક સુધી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ત્રણ ઇંચ પાણી પડી જતા શહેરની બજારોમાં પણ પાણી દોડવા લાગ્યા હતા. ચમારડી, ઘુઘરાળા, ઉંટવડ, ખાખરીયા, દેવળીયા, કોટડાપીઠા વગેરે ગામમાથી સારા વરસાદના વાવડ છે. અમરેલી શહેરમાં પણ સાંજના સમયે ધીમીધારે વરસાદનુ આગમન થયુ હતું અને રાત પડતા સુધીમા એક ઇંચ વરસાદ પડી જતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી.
જાફરાબાદ પંથકમાં એક ઇંચ વરસાદ
બગસરા, લાઠી અને લીલીયા પંથક પર પણ મેહુલીયો મહેરબાન થયો હતો અને દોઢ ઇંચ વરસાદ વરસાવી દેતા વાડી ખેતરોમાથી પાણી વહી ગયા હતા. જાફરાબાદ પંથકમા પણ એક ઇંચ વરસાદ થયો હતો. તો બીજી તરફ રાજુલા પંથકમા ધોધમાર વરસાદ તૂટી પડતા જોત જોતામા બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. રાજુલા પંથકમા આમ પણ વરસાદની ખેંચ હોય ગઇકાલને વરસાદથી ખેડૂતોને રાહત થઇ હતી. આજે ધારી પંથકમા પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વડીયા, સાવરકુંડલા અને ખાંભા પંથકમાં પણ ધીમીધારે સતત વરસાદ વરસતો રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 24 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરાઇ છે. જિલ્લાના મોટાભાગના જળાશયોમા સ્ત્રાવ ક્ષેત્રમા ભારે વરસાદ ન હોય હજુ નવા નીરની આવક થઇ નથી.
ક્યાં કેટલો વરસાદ ?
અમરેલી- 25મીમી
બાબરા- 65મીમી
બગસરા- 40મીમી
ધારી- 15મીમી
જાફરાબાદ- 28મીમી
લાઠી- 35મીમી
લીલીયા- 37મીમી
રાજુલા- 47મીમી
સાવરકુંડલા- 8મીમી
ખાંભા- 6મીમી
વડીયા- 7મીમી
ડેમ વિસ્તારમાં કેટલો વરસાદ ?
ખોડિયાર- 7મીમી
મુંજીયાસર- 38મીમી
વડીયા- 6મીમી
ઠેબી- 10મીમી
શેલદેદુમલ- 10મીમી
રાયડી- 20મીમી
ધાતરવડી-1 20મીમી
ધાતરવડી-2 30મીમી
સુરજવડી- 10મીમી

(અતુલ મહેતા/નિમિષ ઠાકર, જૂનાગઢ)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/7-inch-rain-fall-in-girnar-hill-so-ceate-river-of-girnar-stap-1564639311.html

રાજ્યમાં એકમાત્ર જૂનાગઢ ઝૂમાં જ લેપર્ડ કેટ અને મોટી ખીસકોલીની જોડી જોવા મળશે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • ઝારખંડ અને કેરલાના ઝૂ ને સિંહની બે જોડી આપવામાં આવી

Divyabhaskar.com

Aug 09, 2019, 09:42 AM IST
જૂનાગઢ:એનીમલ પ્રોગ્રામ એક્સચેન્જ હેઠળ જૂનાગઢ સક્કરબાગ ઝુ માંથી સિંહ સહિતના પ્રાણી, પક્ષીઓ દેશના વિવિધ ઝુને આપી ત્યાંથી જુદા જુદા માંસાહારી, તૃણભક્ષી સહિતના પ્રાણીઓ તેમજ પક્ષીઓ લઇ આવવામાં આવી રહ્યાં છે. રાજ્યનાં ઝારખંડ અને કેરલાના ઝુ માંથી લેપર્ડ કેટ તેમજ મોટી ખીસકોલીની જોડી સક્કરબાગ ઝુ માં લઇ આવવામાં આવી છે. જો કે તેની સામે જૂનાગઢ સક્કરબાગ દ્વારા બે સિંહની જોડી આપવામાં આવશે.
પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને પ્રાણી-પક્ષીઓ લાવવામાં આવે છે
જૂનાગઢ સક્કરબાગ ઝુ માં આવતા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને અવનવા પ્રાણી અને પક્ષીઓ લઇ આવવામાં આવે છે. એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ઝારખંડ રાંચીના બીરચા બાયોલોજીકલ પાર્કમાંથી લેપર્ડ કેટ(દિપડા જેવી બિલાડી)ની જોડી તેમજ કેરલાનાં નૈઇર સફારી પાર્કમાંથી જેન્સસ્કિરલ(મોટી ખીસકોલી)ની જોડી લવાઈ છે. તેની સામે સક્કરબાગ ઝુ આ બંને ઝુ ને સિંહની એક એક જોડી આપશે તેમ જૂનાગઢ ઝુ ના ડાયરેક્ટર અભિષેક કુમારે જણાવ્યું હતું.
લેપર્ડ કેટ ગુજરાતના એકપણ ઝૂમાં નથી
લેપર્ડ કેટ(દિપડા જેવી બિલાડી)સાઉથ એન્ડ ઇસ્ટ એશીયામાં જોવા મળે છે. સામાન્ય રીતે આ જંગલી પ્રાણી છે અને માંસાહારી ખોરાક ખાય છે. ઝૂ માં એક મોટી ખીસકોલી હતી અને હવે બે આવશે. જેન્સસ્ક્વિરલ(મોટી ખીસકોલી) દેશનાં કેરલા, તમીલનાડુ સહિતના સાઉથ ઇન્ડિયાના રાજ્યમાં જોવા મળે છે. ત્યારે સક્કરબાગ ઝુ માં જેન્સસ્ક્વિરલ નર પહેલેથી જ છે ત્યારે વધુ નર માદા આવવાથી સંવર્ધન વધશે.
લેપર્ડ કેર વિશે
લેપર્ડ કેટનું વજન 0.55થી 3.8 કિગ્રા હોય છે. માથાના શરીરની લંબાઈ 38.8 થી 66 સે.મી. હોય છે. જેમાં લાંબી 17.2 થી 31 સે.મી. પૂંછડી હોય છે. સામાન્ય રીતે તેઓ શિયાળા પહેલાં વજન વધારે છે અને વસંત ઋતુ સુધી પાતળા થઈ જાય છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/the-only-jungle-fort-zoo-in-the-state-will-see-a-pair-of-leopard-cats-and-a-large-squirrel-1565324036.html

વિશ્વ સિંહ દિવસ | સક્કરબાગ ઝુમાં ફ્રી એન્ટ્રીનો 552 પ્રવાસીઅોઅે લાભ લીધો

DivyaBhaskar News Network

Aug 11, 2019, 06:40 AM IST
જૂનાગઢમાં આવેલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ રાજ્યના નવાબના સમયમાં ઇ.સ.1863માં થઇ છે. જે ભારતમાં જુનામાં જુના પ્રાણી સંગ્રહાલયનું એશિયાઇ સિંહ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. આજે વિશ્વ સિંહ દિવસને લઇને સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વિના મુલ્યે એન્ટ્રી આપવામાં આવી હતી. જેનો લાભ બાળકોથી લઇને મોટા સુધીનાએ લીધો હતો. જૂનાગઢ સક્કરબાગ સંગ્રહાલયમાં તૃણભક્ષી, રાની, સરીસૃપ સહિતના મોટાભાગના પ્રાણીઓ જોવા મળે છે. સક્કરબાગની મુલાકાત લેવા દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે અને સરેરાશ મહિને એક લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. સક્કરબાગમાં ઝુમાં જોવા મળતા અવનવા પ્રાણી પક્ષીઓને કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતા થોડા દિવસો પહેલા જ ફ્રી માં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે શનિવારે વિશ્વ સિંહ દિવસને લઇને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગિરના સિંહ જોવા માટે મુખ્ય કેન્દ્ર ગણાતા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહ દિવસની ઉજવણીને ધ્યાને રાખીને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી હતી. વિના મુલ્યે પ્રવેશ હોવાથી મહિલા-પુરૂષ, બાળકો અને વિદ્યાર્થીઅો સહિત કુલ 552 પ્રવાસીઓ એ મુલાકાત લીધી હતી.

સિંહ દિવસે મુલાકાત લેતા પ્રવાસીઓ

પ્રવાસીઓ સંખ્યા

પુરૂષ-મહિલા 324

બાળકો 39

વિદ્યાર્થીઓ 189
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-world-lion-day-552-tourists-took-advantage-of-the-free-entry-to-sakkarbagh-zoo-064012-5215105-NOR.html

જૂનાગઢની અલ્ટ્રા પ્રાયમરી શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ

DivyaBhaskar News Network

Aug 11, 2019, 06:40 AM IST
જૂનાગઢ : જૂનાગઢ મંગલધામ સ્થિત અલ્ટ્રા પ્રાયમરી શાળામાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આશરે 180 બાળકોએ સિંહના પ્રતિક સાથે રેલી યોજી સિંહના રક્ષણ માટેની પ્રતિજ્ઞા લીધી હતો. આ રેલીનું સુકાન દિપેશભાઇ જોશી દ્વારા કરાયું હતું. ધો.10 નાં બાળકો દ્વારા સિંહના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આચાર્ય હર્ષિદાબેન માઢક દ્વારા આભાર વિધી કરાઇ હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-world-lion-day-was-celebrated-at-junagadh-ultra-primary-school-064014-5215099-NOR.html

જૂનાગઢની સરસ્વતી સ્કુલમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી

DivyaBhaskar News Network

Aug 11, 2019, 06:40 AM IST
જૂનાગઢ : જૂનાગઢ સ્થિત સરસ્વતિ સ્કૂલમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે પ્રોજેક્ટર દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સિંહોના સંવર્ધન બાબતે પ્રતિજ્ઞા લઇ સિંહને બચાવવા સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે નિસર્ગ નેચર ક્લબના પ્રમુખ ડો.પાર્થ ગણાત્રાએ માર્ગદર્શન આપ્યું હોવાનું સંચાલક પ્રદિપભાઇ ખીમાણીની યાદીમાં જણાવાયું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-world-singh-day-was-celebrated-at-saraswati-school-in-junagadh-064014-5215098-NOR.html

જંગલમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભવનાથનાં અનેક વિસ્તારમાં

DivyaBhaskar News Network

Aug 11, 2019, 06:45 AM IST
જૂનાગઢ | જંગલમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભવનાથનાં અનેક વિસ્તારમાં પાણી ફરી વળ્યાં હતાં. ભવનાથનાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતાં. આ ઉપરાંત ભવનાથમાં પાણીમાં ઝુંપડાઓ ડબ્યાં હતાં. તેમજ ભવનાથ મહાદેવ મંદિરનાં પરિસરમાં પાણી ભરાયું હતું. ભવનાથમાં પાણી ભરાતા તંત્ર પહોંચી ગયું હતું અને કાર્યવાહી શરૂ કરી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-junagadh-the-forest-was-raining-heavily-in-several-areas-of-bhavanath-064505-5215092-NOR.html

તરસ્યા વનરાજે રોડની સાઇડમાં ભરાયેલા ખાડામાંથી પાણી પીધું, વીડિયો વાઇરલ

  • રોડ પર સિંહ આવી ચડતા 20 મિનિટ સુધી વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો

Divyabhaskar.com

Aug 13, 2019, 11:33 PM IST
ગીરસોમનાથ: ધારી-ઉના હાઇવે પર સિંહે લાટર મારી હતી. તરસ્યા વનરાજે રોડની સાઇડમાં વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાંથી પાણી પીધું હતું. આ દ્રશ્યો કોઇએ પોતાના મોબાઇકમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. દુધાળા-તુલસીશ્યામ વચ્ચેના રોડ પરની ઘટના હોવાનું જાણવા મળ્યું છે. રોડ પર સિંહ આવી ચડતા 20 મિનિટ સુધી વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો અને વાહનચાલકોએ સિહદર્શનની મજા માણી હતી.

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lion-drunk-water-and-this-video-viral-on-social-media-at-gir-1565696675.html

સક્કરબાગ ઝૂ માં પ્રદુષણ અટકાવવા, પ્રાણીઓને ઘોંઘાટ ન થાય તે માટે બસ સેવા બંધ કરી બેટરી વાન શરૂ કરાશે

DivyaBhaskar News Network

Aug 14, 2019, 06:40 AM IST
જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના રાજ્યના નવાબના સમયમાં ઇ.સ.1863 માં થઇ છે. આ પ્રાણી સંગ્રહાલય ભારતના જુના સંગ્રહાલયોમાંનું એક છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એશીયાઇ સિંહોનું મુખ્ય કેન્દ્ર છે. અાશરે 198 અેકરમાં ફેલાયેલા આ પ્રાણી સંગ્રહાલયમાં તૃણભક્ષી, રાની, સરીસૃપ સહિતના મોટા પ્રાણીઓ જોવા મળે છે. દેશ વિદેશથી આવતા પ્રવાસીઓને વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે. ત્યારે સક્કરબાગ ઝૂ ના પ્રાણીઓને જોવા માટે બસ સેવા ઉપલબ્ધ છે પરંતુ આ બસના કારણે પ્રદુષણ ફેલાતુુ હોય અને પ્રાણીઓને ઘોંઘાટ થતો હોવાને કારણે અાગામી દિવસોમાં બસ સેવા બંધ કરી દેવામાં આવશે અને 8 વ્યક્તિઓ બેસી શકે એવા 2 અને 4 વ્યક્તિઓ બેસી શકે તેવા 2 બેટરીવાળા વાન લાવવામાં આવશે. જૂનાગઢ સક્કરબાગ ઝુ માં સિંહ, વાઘ, દિપડા, હિપોપોટેમસ, બાયસન સહિતનાં પ્રાણીઓ રાખવામાં આવે છે અને તેના માટે સંવર્ધન કેન્દ્રો પણ ઉપલબ્ધ કરાયા છે. પરંતુ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ બસ સેવાથી સક્કરબાગમાં પ્રદુષણ ફેલાય છે અને બસના અવાજથી પ્રાણીઓને ખલેલ પહોંચે છે. ત્યારે પ્રદુષણ રોકવા અને બસનો ઘોંઘાટ બંધ કરવા અઠવાડીયામાં બસ સેવા બંધ કરી તેની જગ્યાએ પ્રવાસીઓ માટે 4 બેટરી વાન લઇ આવવામાં આવશે જેથી પ્રદુષણ ન ફેલાય અને પ્રાણીઓને ખલેલ પણ પહોંચે નહિ. - ફાઇલ તસ્વીર

 બ્રેકિંગ

બેટરીવાન તૈયાર થઇ રહ્યા છે

સક્કરબાગ ઝુ માં પ્રવાસીઓ માટે આગામી દિવસોમાં બેટરી વાન શરૂ કરવામાં આવશે. આ બેટરી વાન રાજકોટમાં તૈયાર થઇ રહ્યા છે અને થોડા દિવસોમાં સક્કરબાગ ઝુ માં જોવા મળશે. અભિષેક કુમાર, સક્કરબાગ ઝુ ડાયરેક્ટર
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-to-prevent-pollution-in-the-sakkarbagh-zoo-the-bus-service-will-be-stopped-by-the-bus-service-so-that-the-animals-are-not-disturbed-064007-5238326-NOR.html

સક્કરબાગમાં ફરી મૈસુર ઝૂથી 3 બાયસન આવશે, ઝૂમાં બસ સેવા બંધ કરી હવે બેટરીવાન શરૂ કરાશે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • દોઢ માસ પહેલાં આવેલ 3 બાયસનનાં મોત
  • કિડની અને લીવરમાં ઇન્ફેક્શન થતા મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તારણ

Divyabhaskar.com

Aug 14, 2019, 09:53 AM IST
જૂનાગઢ:દોઢ માસ પહેલા સક્કરબાગ ઝૂ એ મૈસુરના સ્વામી રાજેન્દ્ર ઝૂ ને સિંહની બે જોડી આપી એક નર અને બે માદા બાયસન લઇ આવવામાં આવ્યા હતા પરંતુ આ ત્રણેય બાયસનનાં ઇન્ફેક્શનના કારણે મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બાયસનના મોતની જાણ મૈસુર ઝૂ ને કરવામાં આવી છે અને ત્યાંથી ફરી 3 બાયસન લઇ આવવામાં આવશે. આ સાથે જ સક્કરબાગ ઝુના પ્રાણીઓને જોવા માટે બસ સેવા ઉપલબ્ધ છે પરંતુ આ બસના કારણે પ્રદુષણ ફેલાતું હોય અને પ્રાણીઓને ઘોંઘાટ થતો હોવાને કારણે આગામી દિવસોમાં બસ સેવા બંધ કરી બેટરીવાળા વાન લાવવામાં આવશે.
સંવર્ધન કરે તે પહેલા બાયસન મોતને ભેટ્યા
સક્કરબાગ ઝૂ પાસે રહેલા બાયસનનું મૈસુરના બાયસન સાથે મેટીગ કરાવવાનું હતું પરંતુ તે પહેલા મૈસુરના બાયસન બિમાર પડતા મેટીગ થઇ શક્યું નહી. જો મેટીગ થયું હોત તો ઝૂ રહેલા બાયસનને પણ ઇન્ફેક્શન થવાની શક્યતા સર્જાત. મૈસુરથી આવેલા ત્રણેય બાયસન ઉપર 24 કલાક દેખરેખ રાખવામાં આવતી હતી. તેમ છતાં પણ માત્ર દોઢ મહિનામાં જ ત્રણેય બાયસનના મોત થતાં મૈસુર ઝૂને જાણ કરી છે અને રીપ્લેસ માટે વધુ ત્રણ બાયસન આપવાનું જણાવ્યું છે. મૈસુરથી આવેલા ત્રણેય બાયસનના મોતના રીપોર્ટમાં કિડની અને લીવરમાં ઇન્ફેક્શન થયુ હોવાનું જાણવા મળી રહ્યુ છે અને અન્ય કોઇ કારણથી જ મોત થયુ નથી.
-અભિષેક કુમાર, સક્કરબાગ ડાયરેક્ટર
જૂનાગઢના ઝૂમાં બસ સેવા બંધ કરી હવે બેટરીવાન શરૂ કરાશે
જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એશીયાઇ સિંહોનું મુખ્ય કેન્દ્ર છે. આશરે 198 એકરમાં ફેલાયેલા આ પ્રાણી સંગ્રહાલયમાં તૃણભક્ષી, રાની, સરીસૃપ સહિતના મોટા પ્રાણીઓ જોવા મળે છે. સક્કરબાગ ઝુ ના પ્રાણીઓને જોવા માટે બસ સેવા ઉપલબ્ધ છે પરંતુ આ બસના કારણે પ્રદુષણ ફેલાતું હોય અને ઘોંઘાટ થતો હોવાના કારણે બસ સેવા બંધ કરી 8 વ્યક્તિઓ બેસી શકે એવા 2 અને 4 વ્યક્તિઓ બેસી શકે તેવા 2 બેટરીવાળા વાન લાવવામાં આવશે. આ બેટરીવાન રાજકોટમાં તૈયાર થઇ રહ્યા છે
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/sakkarbagh-will-again-have-3-bison-from-mysore-zoo-1565756887.html

સિંહ પછી દીપડો પણ જંગલ છોડી રસ્તા પર આવી ચડ્યો, કારચાલકે વીડિયો ઉતાર્યો

Divyabhaskar.com
Aug 14, 2019, 03:52 PM IST
ગીરસોમનાથ: સારા વરસાદથી ગીરનું જંગલ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ચોમાસા દરમિયાન ગીર જંગલમાંથી વન્યપ્રાણીઓ જંગલ છોડી રેવન્યુ વિસ્તાર તરફ અને ડુંગર ઉપર આવી રહ્યા છે. ગત રાત્રે ગીર જંગલ બોર્ડર નજીક પસાર થતા રસ્તા પર અચાનક એક દીપડો આવી ચડ્યો હતો. આથી બંને તરફ વાહનો થંભી ગયા હતા. એક કાર ચાલકે પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.

(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/leopard-on-road-near-gir-forest-and-this-video-viral-on-social-media-1565764050.html

ગીરગઢડાના બોડીદરમાં ઊંડા કૂવામાં દીપડો ખાબક્યો, વન વિભાગે આખુ પાંજરૂ કૂવામાં ઉતારી બહાર કાઢ્યો

  • હેલા દોરડું બાંધી ખાટલો કૂવામાં ઉતાર્યો હતો

Divyabhaskar.com

Aug 16, 2019, 12:32 PM IST
ગીરગઢડા: ગીરગઢડા તાલુકાના બોડીદર ગામમાં રહેતા ગોવિંદભાઇ માડણભાઇ પરમારની વાડીએ આવેલા ઊંડા કૂવામાં 14ઓગસ્ટની રાત્રે એક દીપડો ખાબક્યો હતો. આ અંગે જસાધાર વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આથી વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પહેલા દોરડું બાંધી ખાટલો કૂવામાં ઉતાર્યો હતો. ખાટલા પર દીપડો બેસી ગયો હતો પરંતુ દીપડો કૂવામાંથી બહાર નીકળે અને હુમલો કરે તેવી દહેશતથી આખુ પાંજરૂ ઉતારવામાં આવ્યું હતું.જેથી દીપડો પાંજરે પૂરાતા ટીમે અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/leopard-fall-in-well-so-forest-team-take-rescue-operation-1565932380.html

ગીરગઢડાના એભલવડમાં ઓરડીમાં સુતેલા વૃધ્ધાને દીપડાએ ફાડી ખાધા

DivyaBhaskar News Network

Aug 17, 2019, 06:50 AM IST
ગીરગઢડા તાલુકાના એભલવડ ગામના પાદરમાં આવેલ મકાનની ઓરડીમાં સુતા હતા. ત્યારે અચાનક દીપડો ઓરડીમાંથી વૃધ્ધાને ખૂંખાર દીપડાએ ઢસળી લઇ જઇ નજીકમાં આવેલ વૃક્ષની જાળીમાં ફાડી ખાધેલ હાલતમાં સવારે મળી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ પ્રસરી ગયેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ એભલવડ ગામે રહેતા જાહુબેન લાખાભાઇ ખસીયા (ઉ.વ.75)ની આ વૃધ્ધા ગામના પાદરમાં આવેલ મકાનની ઓરડીના દરવાજા પર પલંગ આડો રાખી સુતા હતા. અને ઓરડીના ખૂંણાના ભાગે દિવાલ ખુલ્લી હોય ત્યાથી ખૂંખાર દીપડો ઘુસી ગયો હતો. અને આ દીપડાએ નિદ્રાધીન વૃધ્ધાને ઓરડીમાંથી ઢસળી લઇ જઇ નજીકમાં આવેલ વાડી વિસ્તારમાં ઘટાદાર વૃક્ષની જાળીમાં ફાળી ખાધેલ હોય વૃધ્ધાનું શરીરનો અડધો ભાગ ખાધેલ હાલતમાં પડેલો હતો. જ્યારે સવારે વૃધ્ધાના પરીવારજનોએ ઓરડીમાં જોતા જાહુબેન ન દેખાતા અને આજુબાજુમાં તપાસ કરતા મળેલ ન હતા. બાદમાં નજીકમાં આવેલ વાડી પાસે ઘટાદાર વૃક્ષોની જાળીમાં વૃધ્ધાનું અડધુ શરીર લોહીલુહાણ હાલતમાં મળી આવેલ હતું. આ અંગેની જાણ લોકોને થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળે ઉમટી પડ્યા હતા. અને વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગનો સ્ટાફ દોડી જઇ ખૂંખાર દીપડાની શોધખોળ ચાલુ કરી હતી. અને આ ખૂંખાર દીપડાને પકડી પાડવા આ વિસ્તારમાં પાંજરૂ મુકવામાં આવ્યુ હતું. આ બનાવથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનું વાતાવરણ જોવા મળેલ હતું. આ માનવભક્ષી દીપડાને તાત્કાલીક પકડી પાડવા વનવિભાગ દ્રારા પાંજરૂ મુકી પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

જ્યારે અન્ય બનાવમાં જૂનાગઢનાં દામોદર કુંડમાં એક મગરનું બચ્ચું આવી ચઢ્યું હતું. જેને રેસ્ક્યુ કરતી વખતે સાઇડમાં ઉભેલા દિવ્યાંગ યુવાનનાં પગે દાંત બેસાડી દીધો હતો. જોકે, સમયસર પગ ખસેડી લેતાં તેને બહુ ઇજા નહોતી થઇ.

દામોદર કુંડમાં રેસ્ક્યુ દરમિયાન મગરના બચ્ચાએ દિવ્યાંગ યુવાનને પગમાં દાંત બેસાડી દીધો

જૂનાગઢનાં દામોદર કુંડમાં હજુ બે દિવસ પહેલાંજ એક મોટી મગર આવી ચઢી હતી. ત્યારે આજે બપોરે 12 વાગ્યાના અરસામાં એક મગરનું બચ્ચું આવી ચઢ્યું હતું. આથી અંકુર જયકાંતભાઇ પુરોહિત (ઉ. 35) નામનાં દિવ્યાંગ યુવાને વનવિભાગને ફોન કરીને જાણ કરી હતી. વનવિભાગનો સ્ટાફ મગરનાં બચ્ચાંને પકડવા દામોદર કુંડ પહોંચ્યો હતો. તેને પકડતી વખતે મગરનાં બચ્ચાંએ અચાનકજ સાઇડમાં ઉભેલા અંકુરનાં ડાબા પગને પકડવાની કોશીષ કરી હતી. જોકે, તેેણે સમયસર પગ ખસેડી લેતાં ફક્ત દાંતનો ઘસરકો લાગ્યો હતો. એજ વખતે વનવિભાગનાં સ્ટાફના પગમાં પણ બચકું ભરવાની કોશીષ કરી હતી. જોકે, કર્મચારીએ સમયસર પગ ખસેડી લઇ તેના મોઢામાં દોરડાનો ગાળિયો ભરાવી દેતાં તે પકડાઇ ગયું હતું. ઇજાગ્રસ્ત યુવાનને સિવીલ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-deepak-tears-down-old-woman-in-a-room-in-girgarh-065005-5251726-NOR.html

દાતાર ડુંગરમાં વિલીંગ્ડન ડેમ આવેલો છે. હાલ સારા

DivyaBhaskar News Network

Aug 18, 2019, 06:50 AM IST
જૂનાગઢ | દાતાર ડુંગરમાં વિલીંગ્ડન ડેમ આવેલો છે. હાલ સારા વરસાદનાં કારણે ડેમ ઓવરફલો થયો છે. વિલીંગ્ડન ડેમમાં મગરનો વસવાટ છે. ડેમ ઓવરફલો થવાનાં કારણે મગર નીચે પડી રહી છે. શનિવારે એક મગર વિલીંગ્ડન ડેમમાંથી નીચે પડતા મોત થયું છે. ડેમની ઉંચાઇ 43 ફૂટ છે. આ ઉંચાઇ પરથી મગર નીચે પડતા મોતને ભેટી હતી. એટલું જ નહી છેલ્લા 10 દિવસમાં ઉપરથી મગર પડવાનાં કારણે 5 મગરનાં મોત થયા છે. મગરનાં મોત રોકવા માટે ઓવરફલોનથી જગ્યાએ લોખંડની જાળી મુકવામાં આવે તો મગર નીચે પડતી અટકાવી શકાય તેમ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-junagadh-willingdon-dam-is-located-in-datar-mountain-good-for-now-065005-5258870-NOR.html

જૂનાગઢ વન વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મીઓ છેલ્લા

DivyaBhaskar News Network

Aug 21, 2019, 06:45 AM IST

જૂનાગઢ વન વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મીઓ છેલ્લા 5 માસથી પગારથી વંચિત હોય કર્મીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે તેમજ વિવિધ પડતર પ્રશ્ને ગુજરાત ફોરેસ્ટ પ્રોડ્યુસ ગેધરર્સ એન્ડ ફોરેસ્ટ વર્કસ યુનિયને વન વિભાગને 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો ત્યાં સુધીમાં યોગ્ય નિર્ણય નહી થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. આ અંગે યુનિયનના પ્રમુખ નાનજીભાઇ કોઠીવાળે સીસીએફને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, જૂનાગઢ વન વિભાગની કચેરી દ્વારા 5 માસથી રોજમદારોના પગાર ચૂકવવામાં આવ્યા નથી. વિવિધ પ્રશ્ને કોર્ટમાં કેસ કરતા રોજમદારોને 30 દિવસનો પગાર આપવો, મેડીકલ ભથ્થું આપવું, જાહેર રજાનો લાભ આપવા ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો છે. તેમ છતાં હાઇકોર્ટ હુકમનો ભંગ કરવામાં આવી રહ્યો છે. કોર્ટનો સ્ટે હોવા છતાં રોજમદારોને કોર્ટમાંથી કેસ પાછો ખેંચી લેવા દબાણ કરવા આઉટ સોર્સિંગથી રાખવા દબાણ કરાય છે. કેસ પાછો ન ખેંચતા પગાર બંધ કરી દેવાયો છે. ત્યારે 5 માસનો પગાર, લઘુત્તમ વેતન વગેરે પ્રશ્નો દિવસ 5માં નહી ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની નાનજીભાઇ કોઠીવાળે રોજમદારો વતી ચિમકી ઉચ્ચારી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-in-junagadh-forest-department-employees-who-were-employed-as-laborers-last-064514-5282057-NOR.html

જૂનાગઢ નવરંગ નેચર ક્લબ દ્વારા પ્રકૃતિ અનુભૂતિ શિબિર યોજાઇ

DivyaBhaskar News Network

Aug 21, 2019, 06:50 AM IST
જૂનાગઢ | જૂનાગઢ નવરંગ નેચર ક્લબ દ્વારા પ્રકૃતિ અનુભૂતિ શિબિરનું બે દિવસીય આયોજન કરાયું હતું. જે અંતર્ગત 52 લોકોએ વનસ્પતિ અને પર્યાવરણ જાળવણી અંગેની ઉંડાણ પૂર્વક ચર્ચા કરી માહિતી મેળવી હતી. આ શિબિરને સફળ બનાવવા વી.ડી.બાલા, જયેશભાઇ ડાંગર, અર્જુનભાઇ આંબલીયાએ જહેમત ઉઠાવી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-junagadh-navrang-nature-club-organized-nature-realization-camp-065007-5282052-NOR.html

સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વન મહોત્સવની ઉજવણી કરાઇ

DivyaBhaskar News Network

Aug 22, 2019, 06:45 AM IST
સામાજીક વનીકરણ વિભાગ ગીર સોમનાથ દ્વારા તાલુકા કક્ષાના 70માં વન મહોત્સવની ઉજવણી કરાઇ હતી. જેમાં આશરે 200 વૃક્ષોનું વાવેતર કરી તેનો ઉછેર કરવા સંકલ્પ લેવાયો હતો.

જૂનાગઢ સ્થિત સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મહિલા કોલેજ, વાડલા ફાટક પાસે લક્ષ્મણભાઇ પીઠીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં હરસુખભાઇ શેખાત, પ્રિ.ડો.પી.એન.ઝાલા, પંકજભાઇ ચૌહાણ સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં આરએફઓ દ્વારા એક બાળ એક ઝાડનું મર્મ સમજાવાયુ તેમજ આશરે 200 જેટલા વૃક્ષો વાવી તેનો ઉછેર કરવા સંકલ્પ કરાયો હતો. કોલેજના બહેનો દ્વારા વૃક્ષ બચાવો, જીવન બચાવો નાટક રજુ કરાયુ હતું. કાર્યક્રમનું સંચાલન ભીખનભાઇ રામ દ્વારા કરાયું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-forest-festival-is-celebrated-by-the-department-of-social-forestry-064512-5290534-NOR.html

સિંહણને માતૃત્વ ન આવડતાં બે બચ્ચાંનાં મોત

DivyaBhaskar News Network

Aug 24, 2019, 06:40 AM IST
પોરબંદરના બરડા અભિયારણના સાતવિરડા લાયન જીનપૂલ સેન્ટર ખાતે સરિતા નામની સિંહણે 4 બચ્ચાને જન્મ આપ્યો હતો જેમાંથી 2 બચ્ચાના મોત થયા છે, જયારે 2 માદા બચ્ચાને જુનાગઢમાં સકકરબાગ ખાતે મોકલી અપાયા છે.

પોરબંદર નજીકના બરડા અભિયારણમાં સિંહ અને સિંહણ વચ્ચે સંવનન થાય અને વધુ પ્રમાણમાં સિંહબાળ અવતરે તેમજ સિંહોના જતન અને સંવર્ધન માટે જુનાગઢના ગીરના જંગલમાંથી સિંહોને પોરબંદરના બરડા ડુંગરમાં લાવવામાં આવ્યા હતા. અને અહીં ખાસ જીનપૂલ સેન્ટરનું 2014 ની સાલમાં નિર્માણ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં સિંહ-સિંહણની 2 જોડીને રાખવામાં આવી હતી. જેમાં નાગરાજ અને યુવરાજ નામના સિંહ તેમજ પાર્વતિ અને સરિતા નામની સિંહણને લાવ્યા હતા. ત્યારબાદ યુવરાજ સિંહ 2016 માં મૃત્યું પામ્યો હતો, અને તા.13-05-2019 ના રોજ પાર્વતિ નામની સિંહણનું ડિલવરીમાં મોત થયુ હતુ. આ સિંહણને 2 બચ્ચા જનમ્યા હતા જેમાંથી 1 બચ્ચુ મૃત જનમ્યુ હતુ જયારે 1 બચ્ચુ જીવીત છે. જેને સકકરબાગમાં મોકલી આપવામાં આવેલ છે. ત્યારબાદ એકમાત્ર સરિતા સિંહણ જીનપૂલ ખાતે છે, જયારે એવન નામના સિંહને જીનપૂલ ખાતે લાવવામાં આવ્યો હતો. 2014 થી લઇને 2018 સુધીમાં સરિતા સિંહણ ગર્ભવતી બની ન હતી, પરંતુ 2019 માં સરિતા ગર્ભવતી બની હતી અને તા.01-04-2019 ના રોજ સરિતાએ 02 બચ્ચાને જન્મ આપ્યો હતો. બન્ને બચ્ચાને પોતાના મોઢામાં લઇને આમતેમ ફરતી હતી તે દરમ્યાન બચ્ચાને ઇજા થતાં બન્ને બચ્ચાના મોત નિપજ્યાં હતા. ત્યારબાદ ફરીથી એવન સિંહ અને સરિતાનું સંવનન થતા સરિતા ગર્ભવતી બની હતી, અને તા.21-08-2019 ના રોજ વહેલી સવારે સરિતાએ 04 બચ્ચાઓને જન્મ આપ્યો હતો, જેમાં 03 માદા અને 01 નર બચ્ચુ હતુ. આ બચ્ચાઓને જન્મ આપ્યાબાદ 12 કલાકથી પણ વધુ સમય સુધી સરિતાએ બચ્ચાઓને ફીડીંગ કરાવ્યું ન હતું, જેથી 01 નર અને 01 માદા બચ્ચાનું મૃત્યું થયુ હતુ.

કેરંભા નજીક વાડીમાં સૂતેલા બાળકને દીપડાએ બચકું ભર્યું

જૂનાગઢ | ગિર પશ્ચિમ વિભાગ હેઠળની ડેડકિયાળી રેન્જમાં કેરંભા રાઉન્ડની કેરંભા-1 બીટના વિસ્તાર પાસે અરજણભાઇ નાથાભાઇ પટોળિયાની વાડી આવેલી છે. વાડીમાં મહારાષ્ટ્રના તોરણમલના એક ખેતમજૂર પરીવારનો મુકેશ ગણેશ સોલંકી (ઉ. 13) રહે છે. આજે વ્હેલી પરોઢે 5:15 વાગ્યે એક દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. છોકરાએ રાડારાડ કરતાં પરીવારજનોએ દીપડાને હાકોટા પાડી ભગાડી મૂક્યો હતો. દીપડાએ માથાના જમણા ભાગ અને કાન પાસે ઇજા પહોંચાડી હતી. બાળકને હાલ સરકારી હોસ્પિટલમો સારવાર અપાઇ રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-lion-kills-two-cubs-after-maternity-leave-064012-5307067-NOR.html

જટાશંકર જતાં પ્રવાસીઓને વન કર્મીએ અટકાવતાં લોકોમાં રોષ

DivyaBhaskar News Network

Aug 24, 2019, 06:40 AM IST
સાતમ આઠમના તહેવારને લઇને લોકો હરવા ફરવા નિકળી ગયા છે. દરમિયાન જૂનાગઢના જંગલ વિસ્તારમાં આવેલ કુદરતી રમણીય અને પાણીના ઝરણાં જયાં વહે છે તે જટાશંકર મહાદેવના મંદિર અને જંગલ તરફ લોકોની ભીડ રહે છે. જોકે કેટલાક પ્રવાસીઅોને વન વિભાગના કર્મીઓ જટાશંકરના જંગલમાં પ્રવેશ કરવા ન દેતા આવા પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો. દરમિયાન આ અંગે ડુંગર દક્ષિણ રેન્જના આરએફઓ ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, જટાશંકરના જંગલમાં સવારના 8 થી લઇને સાંજના 4 વાગ્યા સુધીજ પ્રવેશની મંજૂરી છે. ત્યાર બાદ કોઇને જવા દેવામાં આવતા નથી. કારણ કે જંગલમાં ગયા બાદ પરત આવતા સહેજ 2 કલાક તો નિકળી જાય. પરિણામે સૂર્યાસ્ત પહેલા જંગલ ખાલી કરાવવું પડે છે. આ માટે માટે 4 વાગ્યા પછી જટાશંકર મહાદેવ મંદીર કે જંગલમાં લોકોને પ્રવેશ અપાતો નથી. બાકી 8 થી 4ની વચ્ચે કોઇ પણ પ્રવાસી જઇ શકે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-fury-in-people-stopping-tourists-from-jatashankar-064012-5307086-NOR.html

જમજીર ધોધ પાસે ડૂબવાથી એક અને ગાઠીલા ગામની નદીમાં ડૂબવાથી બે યુવાનના મોત

  • ગાઠીલાની નદીમાં ડૂબવાથી મિત રસિકભાઈ જોશી અને પ્રદીપ જગજીવન જોશીના મોત
  • જામવાળા ગીરના જમજીર ધોધ પાસે ડૂબવાથી ભૂપેન્દ્ર વાળા નામના યુવાનનું મોત

Divyabhaskar.com

Aug 24, 2019, 06:59 PM IST
જૂનાગઢ/ગીર ગઢડાઃ વંથલી તાલુકાના ગાઠીલા ગામે નદીમાં ડૂબી જતા મિત રસિકભાઈ જોશી(ઉ.વ.14, અમરેલી) અને પ્રદીપ જગજીવન જોશી(ઉ.વ.40,રાજકોટ) બે યુવાનોના મોત થયા છે. યુવાનો ડૂબી જવાના સમાચાર મળતા જૂનાગઢ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને બંને યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ બન્નેના મૃતદેહને જૂનાગઢ પીએમ માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે જામવાળા ગીરના જમજીર ધોધ પાસે ડૂબી જવાથી સુત્રાપાડાના વાવડી ગામનાં યુવાન ભૂપેન્દ્ર વાળા નામના યુવાનનું મોત થયું છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/one-died-near-jamjir-falls-and-two-died-in-gathila-village-river-due-to-drowning-1566651653.html

લામધાર ગામે ઊંડા કૂવામાં દીપડી પડી, વન વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢી

  • કૂવામાંથી વન્ય પ્રાણીનો અવાજ સાંભળતા ખેડૂતે જોયું તો દીપડી હતી
    કૂવામાં દીપડી પડી હતી
    કૂવામાં દીપડી પડી હતી


Divyabhaskar.com

Aug 25, 2019, 10:24 AM IST
ગીરસોમનાથ: ગીરગઢડાના લામધાર ગામે ઊંડા કૂવામાં એક દીપડા પડી હતી. ગામના ખેડૂત જતીનભાઇની વાડીમાં આવેલા કૂવામાં વન્ય પ્રાણીનો અવાજ આવતો હોય કૂવામાં જોતા દીપડી નજરે પડી હતી. આથી જતીનભાઇએ ગ્રામજનો અને વન વિભાગને જાણ કરી હતી. કૂવામાં પડેલી દીપડીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વન વિભાગની ટીમે દીપડીનું
રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેને બહાર કાઢી એનિમલ સેન્ટર ખાતે મોકલી આપી હતી.
(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lamdhar-village-plunged-into-a-deep-well-the-forest-department-rescued-and-ejected-1566709027.html


જૂનાગઢની જટાશંકર જગ્યાએ માનવ મહેરામણ ઉમટ્યું, ખળખળ વહેતા ઝરણામાં સહેલાણીઓએ ન્હાવાની મજા માણી

  • બે દિવસમાં 1 લાખથી વધુ લોકોએ જટાશંકર આવ્યા
  • વડાલા પાસે ઘોઘમ ધોધમાં ન્હાવા લોકોની ભીડ જામે છે

Divyabhaskar.com

Aug 25, 2019, 01:20 PM IST
જૂનાગઢ: જૂનાગઢ ગિરનાર જંગલમાં આવેલ પ્રાચીન જટાશંકર મહાદેવની ગીરી કંદરા વચ્ચેની રમણીય જગ્યા કે જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. અહીં ખળખળ વહેતા ઝરણામાં સાતમ આઠમના તહેવારને લઇને લોકોની રોજ ભીડ જામે છે અને ન્હાવાનો આનંદ લીધો હતો. બે દિવસ દરમિયાન 1 લાખથી વધુ પ્રવાસીઓ ગીરનારના જંગલમાં ઉમટી પડ્યા હતા અને જંગલની મજા માણી હતી. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા રસ્તાઓ ઉપર ટ્રાફિકજામ થયો હતો. વન વિભાગે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.
ઘોઘમ ધોધ નિહાળવા અને ન્હાવા લોકોની ભીડ જામે છે

માળીયાહાટીનાથી ત્રણ કિમી દૂર વડાલા ગામે મેઘલ નદી ઉપર નદીથી 25થી 30 ફૂટ ઉંચો ઘોઘમનો ધોધ આવેલો છે. કુદરતી સૌંદર્યનો અદભૂત નજારો અહીં જોવા મળે છે. ઉપર ભાખરવડ ડેમમાં પાણી આવે એટલે આ
ધોધમાં પાણીની આવક સારી છે. આથી આ ધોધ નીચે ન્વાહા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે.

(નિમિષ ઠાકર/ મહેશ કાનાબાર, જૂનાગઢ)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/in-the-jatashankar-place-of-junagadh-human-blessings-abound-the-guests-enjoy-a-bath-in-the-swirling-springs-1566711280.html

ઝૂ માં 50 હજાર પ્રવાસીઓ, અડધો કિમી ટ્રાફિક

DivyaBhaskar News Network

Aug 26, 2019, 06:35 AM IST
જન્માષ્ટમીની રજાને લઇ રાજ્યભરમાંથી લોકો સોરઠ તરફ આવ્યા છે ત્યારે જૂનાગઢ શહેરમાં બે દિવસથી ટ્રાફિક જોવા મળી રહ્યો છે. જૂનાગઢ શહેરનાં ફરવા લાયક સ્થળો પર મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. છેલ્લા બે દિવસથી જૂનાગઢ સક્કરબાગ ખાતે ખુબ યાત્રાળુઓ આવ્યા છે. તેમજ શહેરનાં ફરવા લાયક સ્થળોએ પણ પ્રવાસીઓ જોવા મળ્યા હતા. ઉપરકોટ, ભવનાથ, અશોકનો શિલાલેખ સહિતનાં સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા હતા. ખાસ કરીને જૂનાગઢનાં સક્કરબાગ ખાતે પ્રવાસીઓ ઉમટતા માર્કેટીંગ યાર્ડ અને મજેવડી ગેઇટ તરફ વાહનોની કતારો લાગી હતી. જૂનાગઢ સક્કરબાગમાં છેલ્લા ચાર દિવસમાં 49917 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેમાંથી ઝૂ ને 14.40 લાખની આવક થઇ હતી.

તહેવારની ટ્રાફિકને કારણે અકસ્માતોના બનાવ વધ્યા

સાતમ આઠમના તહેવારને લઇને જૂનાગઢમાં ભારે ભીડ જોવા મળી હતી. રસ્તા પર દોડતા વાહનોની અવરજવર વધી જતા ટ્રાફિક સર્જાયો હતો જેના કારણે નાના મોટા અકસ્માતો થતા સિવીલ હોસ્પિટલના ચોપડે અસ્માતોના બનાવો વધ્યા છે.

ભવનાથ તળેટીમાં ઠેર ઠેર કચરો |તહેવારને લઇને ભવનાથ ખાતે લોકો ઉમટી પડ્યા હતા અને સાતમ-આઠમ અને રવિવારની રજાને લઇને ભવનાથ તળેટી, વિલીંગ્ડ ડેમ, જટાશંકર સહિતના ફરવા લાયક સ્થળો પર લોકોની ભીડ જોવા મળી હતી. અહીં આવતા લોકો નાસ્તો કરી કચરો જ્યાં ત્યાં ફેકી દેતા હોવાને કારણે ઠેર ઠેર કચરો જોવા મળી રહ્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-50-thousand-tourists-in-the-zoo-half-a-km-traffic-063507-5321657-NOR.html

ભેંસાણ તાલુકાનાં કરીયાગામે યુવાન ઉપર દિપડાનો હુમલો

Aug 26, 2019, 06:35 AM ISTભેંસાણ તાલુકાના કરીયા ગામની વાડી વિસ્તારમાં યુવાન પર દિપડાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા તાત્કાલીક સારવાર માટે જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો પરંતુ આંખ નજીક ગંભીર ઇજા પહોંચી હોવાથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. સુત્રોમાંથી મળતી વિગત મુજબ ભેંસાણના કરીયા ગામે રહેતા કાનજીભાઇ ચૌહાણ નામનો યુવાન શનિવારે જન્માષ્ટીમના દિવસે વાડી હોય તે દરમિયાન કાનજીભાઇ પર દિપડાએ હુમલો કરતા બચવાના પ્રયાસો કરતા દિપડો ગંભીર ઇજા પહોંચાડી નાસી છુટ્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલીક સારવાર માટે જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આંખ નજીક ગંભીર ઇજા પહોંચી હોવાને કારણે વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. કરીયા ગામે દિપડાના આંતકને લઇને ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને દિપડાને પકડવા કર્મચારીઓ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-deepa-assaults-young-man-at-kariyagam-in-bhansan-taluka-063508-5321661-NOR.html

ગીરનાર રોપ વેનું કામ ઝડપી કરવા માલવાહક ટ્રોલીથી 3 પાર્ટ કરી JCB અંબાજી મંદિરે પહોંચાડાયું

  • જેસીબીને અંબાજી મંદિરના પરિસર સુધી પહોંચાડી કામ શરૂ કરવામાં આવ્યું  

Divyabhaskar.com

Aug 26, 2019, 05:05 PM IST
જૂનાગઢ: ગીરનાર રોપ વેનું કામ ઝડપી કરવા માટે જેસીબીને ત્રણ પાર્ટમાં કરી માલવાહક ટ્રોલીથી ગીરનારની ટોચ અંબાજી મંદિરે પહોંચાડવામાં આવ્યું છે. તેમજ જેસીબી વડે કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અગાઉ ગીરનાર 1200 પગથીયા સુધી માલવાહક ટ્રોલીથી ટ્રેક્ટર લઇ જવાયું હતું. હવે જેસીબીને અંબાજી મંદિરના પરિસર સુધી પહોંચાડી કામ શરૂ કરવામાં આવ્યું છે. ડિસેમ્બરના અંત સુધીમાં રોપ વેનું કામ પૂરૂ થાય તેવી શક્યતા છે. ઉષા બ્રેકો કંપની દ્વારા ઉપર અને નીચે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. જેસીબીની મદદથી મોટા પથ્થર આસાનીથી દૂર કરી શકાશે.
(અતુલ મહેતા, જૂનાગઢ)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/jcb-reached-on-girnar-hill-by-goods-trolly-at-junagadh-1566810875.html

જામવાળાનાં એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવેલી 9 વર્ષની યુવાન

DivyaBhaskar News Network

Aug 27, 2019, 06:45 AM IST

જામવાળાનાં એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવેલી 9 વર્ષની યુવાન સિંહણનું કીડની ફેઇલ થતાં મોત નિપજ્યું છે. આ સિંહણને ઝાંખીયા રાઉન્ડમાંથી રેસક્યુ કરવામાં આવી હતી. તેને કીડની ઉપરાંત ડીહાઇડ્રેશનને નબળાઇ પણ હતી. બિમારીને લીધે તેણે ખોરાક પણ છોડી દીધો હતો.

ગીર પશ્ચીમ વિભાગ હેઠળની બાબરીયા રેન્જનાં ઝાંખીયા રાઉન્ડમાં એક 9 વર્ષની યુવાન સિંહણ બિમાર હોવાનું માલુમ પડતાં તેને રેસ્ક્યુ કરી જામવાળાનાં રેસ્ક્યુ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. જ્યાં વેટરનરી તબીબો દ્વારા તેની સારવાર ચાલી રહી હતી.

આ સિંહણની કીડની ફેઇલ થઇ ગઇ હતી. આથી તેના શરીરમાં ખુબજ નબળાઇ રહેતી હતી. અને ડીહાઇડ્રેશન પણ થયું હતું. બીમારીને લીધે સિંહણે ખોરાક પણ આપોઆપ છોડી દીધો હતો.

દરમ્યાન તા. 24 ઓગષ્ટે તેણે જામવાળા રેસ્ક્યુ સેન્ટરમાંજ અંતિમ શ્વાસ લીધા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-a-9-year-old-man-taken-to-the-animal-care-center-in-jamwala-064511-5329489-NOR.html

ગિરનાર રોપ - વેની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી

DivyaBhaskar News Network

Aug 27, 2019, 06:45 AM IST

ગિરનાર રોપ - વેની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. અગાઉ ટ્રેકટર ચડાવ્યા બાદ હવે ગિરનાર પર્વત પર જેસીબી પણ ચડાવાયું છે. જેસીબીના ત્રણ ભાગ કરી માલવાહક રોપ -વેની મદદથી અંબાજી મંદિર ખાતે પહોંચાડવામાં આવ્યું છે. જૂનાગઢની જીવાદોરી સમાન ગિરનાર રોપ -વે યોજનાને સત્વરે સાકાર કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ ધ્યાન અપાઇ રહ્યું છે. આ માટે ઉષા બ્રેકો કંપનીને પણ જરૂરી સૂચના આપી કામગીરી યુદ્ધના ધોરણે થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન અગાઉ બસ્સો પગથિયે ટ્રેકટરને પણ માલવાહક રોપ - વે દ્વારા લઇ જવામાં આવ્યું હતું. હવે મોટા પથ્થરોને આસાનીથી હટાવી શકે તે માટે જેસીબીની આવશ્યકતા જણાઇ હતી. ત્યારે માલ વાહક ટ્રોલીની મદદથી જેસીબીને ગિરનાર પર્વત પર લઇ જવાનું નક્કી કરવામાં આવ્યું. બાદમાં જેસીબીના ત્રણ ભાગ કરવામાં આવ્યા અને અેક પછી એક ભાગને માલવાહક ટ્રોલી મારફતે અંબાજી મંદિર સુધી પહોંચાડી ત્રણેય ભાગને ફિટ કરી કામગીરી શરૂ કરવામાં આવી છે. મહાકાય જેસીબી ગિરનારની ટોચે અંબાજી મંદિર ખાતે પહોંચી જતા હવે કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-girnar-rope-way-was-operated-on-a-war-footing-064513-5329474-NOR.html

અગાઉ 5 મગરના મોત થયા બાદ જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાંથી

DivyaBhaskar News Network

Aug 28, 2019, 06:45 AM IST

અગાઉ 5 મગરના મોત થયા બાદ જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાંથી નીચે પડી જતા વધુ એક મગરનું મોત થયું છે. આ અંગેની જાણ થતા વન વિભાગના કર્મીઓ મગરને લઇ ગયા હતા. આ અંગે મળતી વિગત મુજબ દાતારના જંગલમાં આવેલ વિલીંગ્ડન ડેમમાં અનેક મગરોનો વસવાટ છે. આ ઉપરાંત અન્ય કોઇ સ્થળેથી મગર પકડાઇ તો તેને પણ વિલીંગ્ડન ડેમમાં છોડી મૂકવામાં આવે છે. દરમિયાન સોમવારની રાત્રીના અંદાજે 5 થી 6 ફૂટની લંબાઇ ધરાવતી મગર વિલીંગ્ડન ડેમ જયાંથી અોવર ફ્લો થાય છે ત્યાંથી નીચે ખાબકી હતી. અંદાજે 43 ફૂટ ઉપરથી ખાબકતા મગર મોતને ભેટી હતી. દરમિયાન વ્હેલી સવારે સિકયુરીટીને જાણ થતા તેમણે વન વિભાગને જાણ કરી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-5-from-the-willingdon-dam-in-junagadh-after-the-death-of-5-crocodiles-earlier-064510-5337637-NOR.html

મગરનું રેસ્કયુ કરી હસ્નાપુર ડેમમાં છોડી મૂકાઇ

DivyaBhaskar News Network

Aug 29, 2019, 06:50 AM IST
જૂનાગઢના જીઆઇડીસી વિસ્તારમાં પણ મગરોના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. થોડા દિવસો પહેલા જીઆઇડીસી સ્થિત દિવ્ય ભાસ્કર પ્રેસ પાસે મગર ચઢી આવી હતી જેને વનવિભાગે રેસ્કયુ કરી સહિ સલામત રીતે ડેમમાં છોડી દીધી હતી. દરમિયાન જીઆઇડીસી સ્થિત ઇગલ ગણપતિ મંદિરના હોજમાં મગરે દેખા દીધી હતી. 3 દિવસથી મગર આ હોજમાં હતો. આ અંગેની વન વિભાગને જાણ કરતા ઇન્દ્રેશ્વરના રાઉન્ડ ફોરેસ્ટર યુ. જે.ડાકી, આરએફઓ એમ.બી. આંબલીયાના માર્ગદર્શનમાં સંજયભાઇ ગોસ્વામી, ટ્રેકર અસલમભાઇ, નલાભાઇ, હિતેશભાઇ વગેરેએ કામગીરી હાથ ધરી હતી.

ટ્રેકર ટીમે હોજનું પાણી ખાલી કરી 3 ફૂટની લંબાઇ ધરાવતી માદા મગરનું રેસ્ક્યુ કરી તેને સહિ સલામત રીતે હસ્નાપુર ડેમમાં છોડી મૂકી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-crocodile-was-rescued-at-hasnapur-dam-065009-5346113-NOR.html

જંગલનો રાજા સિંહ ઘાસ ખાય?

Junagadh News - the lion king of the jungle eats grass 065011

DivyaBhaskar News Network

Aug 29, 2019, 06:50 AM IST
સિંહ સામાન્ય રીતે ઘાસ નથી ખાતો. કહેવત છે કે, સિંહ કરી જાય પણ કોઇ દિવસ ઘાસ ન ખાય. પરંતુ આ કહેવતને ખોટી પાડતો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં સિંહને ઘાસ ખાતો બતાવાયો છે.

જોકે વાસ્તવિકતા એ છે કે સિંહ જેવા જાનવરોને પેટમાં તકલીફ થાય ત્યારે ઉલટી કરવા માટે ઘાસ ખાતા હોય છે. આ વિડીયો ક્યા વિસ્તારનો છે એની કોઇ પુષ્ટિ નથી થઇ. પરંતુ કોઇ ઝૂનો આ વિડીયો હોવાની પૂરેપૂરી શક્યતા દર્શાવાઇ રહી છે. કારણકે, વિડીયોમાં પાછળ ધ્યાનથી જોતાં ફેન્સીંગ નજરે ચઢે છે. સિંહ જોકે, વૃદ્ધ અને અશક્ત હોવાની પ્રતિતી થઇ રહી છે. વળી ઘાસ પણ ચોમાસામાં તાજું ઉગી નિકળ્યું હોય એજ પ્રકારનું છે.

વમન માટે સિંહ ઘાસ ખાઇ શકે

 માનવીને જેમ આ સીઝનમાં પિત્તનો પ્રકોપ થાય એમ વન્ય પ્રાણીઓને પણ પિત્તનો પ્રકોપ થતો હોય છે. આવા સમયે સિંહ જેવા પ્રાણીઓ પેટમાં પિત્ત જેવું લાગે તો ઉલ્ટી કરવા માટે ઘાસ ચાવતા હોય ખરા. સીસીએફ વસાવડા, જૂનાગઢ
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-the-lion-king-of-the-jungle-eats-grass-065011-5346096-NOR.html

બે સિંહનાં બદલામાં જૂનાગઢ ઝુમાં વિશાખાપટ્ટનમથી 2 નર અને 3 માદા ઇન્ડીયન વાઇલ્ડ ડોગનું આગમન

ઇન્ડિયન વાઇલ્ડ ડોગ
ઇન્ડિયન વાઇલ્ડ ડોગ

  • 5 ઇન્ડિયન વાઇલ્ડ ડોગ મેળવવા માટે બે ડાલામથ્થા આપી દીધા!

Divyabhaskar.com

Aug 29, 2019, 09:57 AM IST
જૂનાગઢ:એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ જૂનાગઢ સક્કરબાગ ઝૂ દેશના વિવિધ 13 ઝૂને સિંહ આપવામાં આવી રહ્યાં છે અને તેમની સામે આ 13માંથી વિવિધ પ્રાણી, પક્ષીમાં લાવવામાં આવી રહ્યા છે. જેમાં સક્કરબાગ ઝૂ એ દેશના વિશાખાપટ્ટનમ ખાતેના ઝૂને સિંહની એક જોડી આપી ત્યાંથી પાંચ ઇન્ડીયન વાઇલ્ડ ડોગ લઇ આવવામાં આવ્યા છે. આ ડોગને 30 દિવસ માટે કવોરેન્ટાઇન વિભાગમાં રખાયા છે અને બાદમાં પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે.
30 દિવસ માટે કવોરેન્ટાઇન વિભાગમાં રખાયા
ગુજરાત રાજ્ય સરકાર અને સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા મળેલ મંજુરી મુજબ જૂનાગઢ સક્કરબાગ ઝૂ અને વિશાખાપટ્ટનમ ઇન્દીરા ગાંધી ઝુલોજીકલ પાર્ક વચ્ચેના એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ઝૂ દ્વારા સિંહની એક જોડી ઇન્દીરા ગાંધી ઝુલોજીકલ પાર્ક ખાતે મોકલવામાં આવી હતી. તેના બદલામાં ત્યાંથી 2 નર અને 3 માદા સહિત કુલ 5 ઇન્ડીયન વાઇલ્ડ ડોગ(કુતરા) લઇ આવવામાં આવ્યા છે. સક્કરબાગ ઝૂ એ આ પાંચ કુતરાને 30 દિવસ માટે કવોરેન્ટાઇન વિભાગમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. બાદમાં ડિસ્ટલેમાં રાખવામાં આવશે તેમ સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર ડો.અભિષેક કુમારે જણાવ્યું હતું.
આ ડોગ સાઉથ ઇન્ડીયા અને આફ્રિકામાં જોવા મળે છે
સામાન્ય રીતે ઇન્ડીયન વાઇલ્ડ ડોગ સાઉથ ઇન્ડીયામાં જોવા મળે છે. તેમજ આફ્રિકામાં પણ જોવા મળે છે. પરંતુ આફ્રિકામાં જોવા મળતા આ ડોગના શરીર પર દિપડાનાં શરીર જેવા ડાઘ જોવા મળે છે. આ કુતરાનું આયુષ્ય 10થી 11 વર્ષનું હોય છે. પરંતુ સક્કરબાગ ઝૂમાં આવેલા ડોગનું આયુષ્ય 3થી 5 વર્ષ સુધીનું છે. ઇન્ડીયન વાઇલ્ડ ડોગ માસાહારી છે અને તે જંગલ વિસ્તારમાં રહે છે અને તે ગૃપમાં શિકાર કરે છે. એક ડોગને દિવસનો 500થી 750 ગ્રામ ખોરાક જોઇએ છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/in-exchange-for-two-lions-junagadh-zhu-received-5-dogs-from-visakhapatnam-1567052595.html

ગીરનાં દેવળિયાનાં સૂરજગઢ પાસે 8 માસનાં સિંહબાળનું મોત

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • ફેરણા દરમિયાન ફિલ્ડ સ્ટાફને મૃતદેહ જોવા મળ્યો

Divyabhaskar.com

Aug 30, 2019, 10:29 AM IST
જૂનાગઢ:સાસણ ગીરની દેવળિયા રેન્જના જંગલમાંથી વનવિભાગના સ્ટાફને એક સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો હતો. આથી ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ પીએમની તજવીજ હાથ ધરી છે. મૃત સિંહબાળની વય આશરે 6થી 8 માસની હોવાનું જાણવા મળ્યું છે.
પીએમ રિપોર્ટ બાદ સિંહબાળનું મોત કેવી રીતે થયું તે જાણી શકાશે
મળતી વિગત મુજબ સાસણ ગીર જંગલમાં દેવળિયા રેન્જના વાણીયાવાવ રાઉન્ડની સુરજગઢ બીટમાં વન વિભાગનાં કર્મચારીઓને ફેરણા દરમ્યાન એક સિંહ બાળનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ મૃતદેહ લીમડાવાળા ગાળામાંથી મળી આવ્યો હતો. આથી ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઇ હતી. અને તેના પીએમ માટે વેટરનરી તબીબોને સુચના અપાઇ હતી. સિંહબાળનું મોત ક્યા કારણથી થયું તે હજુ સુધી જાણવા મળ્યું નથી. જોકે પીએમ થયા બાદ જ ખબર પડી શકશે કે કેવી રીતે સિંહબાળનું મોત થયું છે. તેમ સીસીએફ વસાવડાએ જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/8-month-liones-cub-death-near-surajgadh-in-gir-1567139217.html

જૂનાગઢ : પર્યાવરણને થતા નૂકશાનને રોકવા માટે મહિલાઓમાં જાગૃતિ આવે

DivyaBhaskar News Network

Aug 31, 2019, 06:50 AM IST
જૂનાગઢ : પર્યાવરણને થતા નૂકશાનને રોકવા માટે મહિલાઓમાં જાગૃતિ આવે તે માટે જૂનાગઢ ઉમા મહિલા મંડળે શરૂઆત કરી છે. જયશ્રીબેન દેલવાડિયાને જીજ્ઞાબેન ઘેટીયા દ્વારા ગણપતિ બનાવતા બધા બહેનોને શિખવવામાં આવ્યું હતું. આ મંડળ દ્વારા ગણેશજીની મૂર્તિનું આગામી તા.1 નાં રોજ શહિદ પાર્ક ખાતે સાંજે 5 થી 6, વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે તેવું શિલ્પાબેન આરદેશણાની યાદીમાં જણાવાયું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-junagadh-awareness-should-be-given-to-women-to-prevent-environmental-damage-065010-5363046-NOR.html

ત્રાકુડામાં ઘરની 8 ફૂટની દીવાલ કૂદી એક સિંહ દ્વારા પાડાનું મારણ

  • ઘરનાના ફરજામાં બાંધેલ પાડાનું મારણ કર્યું
  • માલિક જાગી જતા હાકલા પડકારા કરતા સિંહ દીવાલ કૂદી ભાગ્યો

Divyabhaskar.com

Jul 28, 2019, 03:40 PM IST
ખાંભા: ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે ગઈકાલે એક સિંહ અનામત જંગલ વિડી છોડી મારણ અને પાણીની તલાશમાં વહેલી સવારે ગામની માનવ વસાહતમાં આવી ચડ્યો હતો. જ્યારે સિંહ શેરીઓ, ગલીઓમાં મારણ માટે આંટાફેરા કરતો હતો ત્યારે વિનુભાઈ બાલુભાઈ કલસરિયાના ઘરની બાજુમાંથી પસાર થયો હતો. ત્યારે ઘરના ફરજામાં બાંધેલા ભેંસના પાડાનો અવાજ સાંભળી ગયો અને ઘરની 8 ફૂટની દીવાલ કૂદી પાડાનું મારણ કરી નાખ્યું હતું.
વન વિભાગની ટીમ દોડી આવી
પાડાની મરણચીંસ સાંભળી ઘરના તમામ સભ્યો જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા અને જોયું તો સિંહ પાડાની માથે ચડી બેઠો હતો. બધા સભ્યોએ એકસાથે હાકલા પડકારા કરતા સિંહ જે દીવાલ કૂદી ઘરમાં ઘૂસ્યો હતો તે દીવાલ કૂદી મારણ મૂકી ભાગ્યો હતો. બાદમાં વનવિભાગના રેસ્ક્યુ ટીમના સાહિદખાન પઠાણને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને મારણને ઘરની બહાર સહી સલામત અનમાત જંગલમાં મૂકી આવ્યા હતા.
(હિરેન્દ્રસિંહ રાઠોડ,ખાંભા)

વડેરામાં બાળકીનંુ ઝેરી જનાવર કરડી જતાં મોત

DivyaBhaskar News Network

Jul 29, 2019, 05:55 AM IST
અમરેલી જિલ્લામા અપમૃત્યુની જુદીજુદી બે ઘટનામા બે વ્યકિતના મોત નિપજયા હતા. અમરેલીના વડેરામા બાળકીને ઝેરી જનાવર કરડી જતા તેમજ ધારીના છતડીયામા મહિલાનુ વિજશોકથી મોત થયુ હતુ.અહી જીતુભાઇની વાડીએ ઓસરીમા સુતેલી મીની ચીનુભાઇ વસોયા (ઉ.વ.7) નામની પુત્રીને ઝેરી જનાવર કરડી જતા તેનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. આ બારામા દિલીપભાઇએ અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી છે. બનાવ અંગે એએસઆઇ બી.એચ.ચૌહાણ તપાસ ચલાવી રહ્યાં છે. જયારે ધારી તાબાના છતડીયા ગામે રહેતા સમજુબેન રવજીભાઇ ઉનાવા (ઉ.વ.55) નામના મહિલા પોતાના ઘરે પાણી ખેંચવાની ઇલેકટ્રીક મોટર ચાલુ કરવા જતા સ્વીચ બોર્ડનો વાયર અડી જતા તેમનુ વિજશોક લાગવાથી મોત થયુ હતુ. આ બારામા રવજીભાઇ ભીખાભાઇ ઉનાવાએ ધારી પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવ અંગે આર.કે.વરૂ તપાસ ચલાવી રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-child-poisoning-kills-in-vadra-055510-5116015-NOR.html

અમરેલીમા લાયન્સ કલબ ઓફ અમરેલી મેઇન દ્વારા વૃક્ષારોપણ અને

DivyaBhaskar News Network

Jul 30, 2019, 05:55 AM IST

અમરેલીમા લાયન્સ કલબ ઓફ અમરેલી મેઇન દ્વારા વૃક્ષારોપણ અને રકતદાન શિબિરનુ આયોજન કરાયુ હતુ. અહી કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાએ જણાવ્યું હતુ કે આપણે જીવનના અંત સુધી લાકડા અને ઓકસિજન મળે તેટલા વૃક્ષો ઉછેરવા જ જોઇએ.લાયન્સ કલબ ઓફ અમરેલી મેઇનના નવનિયુકત પ્રમુખ ભરતભાઇ ચકરાણી તેમજ કાંતીભાઇ વઘાસીયાના માર્ગદર્શન તથા અરજણભાઇ શીંગાળાના સહયોગથી રકતદાન શિબિર અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. અહી અનેક લોકોએ હોંશેહોંશે રકતદાન કરી પવિત્ર ફરજ બજાવી હતી. તો આગેવાનોએ પર્યાવરણ બચાવવા સંદેશ પાઠવ્યો હતો.

આ પ્રસંગે સાંસદ નારણભાઇ કાછડીયા, દિલીપભાઇ સંઘાણી, અશ્વિનભાઇ સાવલીયા, કૌશિક વેકરીયા, ડી.કે.રૈયાણી, રમેશભાઇ કાથરોટીયા, ચતુરભાઇ ખુંટ, મનુભાઇ દેસાઇ, સુરેશભાઇ દેસાઇ, દકુભાઇ ભુવા, જયેશભાઇ નાકરાણી, ડો. વિરલ ધડુક, શિવલાલ હપાણી, ડો. જયદીપ સાવલીયા, હિરેનભાઇ બાંભરોલીયા, નરેશભાઇ, હરેશભાઇ, અક્ષય શિંગાળા, જયેન્દ્ર શિંગાળા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-plantation-by-the-amrelima-lions-club-of-amreli-maine-and-055509-5123557-NOR.html

માંડળ ગામમાં 2 સિંહોએ 8થી વધુ પશુનું મારણ કર્યું, ગામલોકો ભેગા થતા સિંહો ભાગ્યા

  • ઘટનાની જાણ થતા જ વનવિભાગની ટીમ દોડી આવી તપાસ હાથ ધરી  

Divyabhaskar.com

Jul 31, 2019, 11:10 AM IST
અમરેલી: રાજુલાના માંડળ ગામમાં ગત રાતે 3 વાગ્યા આસપાસ 2 સિંહો ઘૂસી ગયા હતા અને ગામમાં સૂતેલા રેઢીયાર પશુના શિકાર કર્યા હતા. 8થી વધુ પશુના મારણ કર્યા અને મીજબાની માણી હતી. રાત્રીના સમયે અનેક ખેડૂતોએ સિંહોના નજારો જોયો હતો પરંતુ સિંહો શિકારની શોધમાં હોવાને કારણે સ્થાનિક લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. ત્યારબાદ વહેલી સવારે સિંહોએ મીજબાની માણી ગામમા આવેલા હનુમાનજીના મંદિરમાં આરામ કર્યો હતો. આશરે 1 કલાક જેટલો સમય સિંહોએ અહીં વિતાવ્યો હતો. વહેલી સવારે ગામલોકો ભેગા થતા સિંહો વાડી વિસ્તાર તરફ ભાગ્યા હતા.
ગામલોકોએ સિંહોનો ઘેરાવ કરતા રઘવાયા બન્યા હતા
વહેલી સવારે ચારે તરફ ગામ લોકોના ટોળા એકઠા થતા સિંહોનો ઘેરાવ થયો હતો. આથી સિંહો રઘવાયા થયા હતા. થોડીવાર માટે ગામની બહાર કેવી રીતે નીકળવું તે સિંહો નીકળી શકતા ન હતા. આખરે ગામ લોકોની સંખ્યા વધી ત્યારબાદ ગામની પાછળ આવેલ ખેતર વાડી વિસ્તારમાંથી સિંહો બહાર નીકળ્યા હતા. જો કે આ મામલે વનવિભાગની ટીમ પણ આજે તપાસ કરી રહી છે. કેટલા પશુના મારણ કર્યા અને કેવી રીતે કરવામાં આવ્યા તેને લઈને તપાસ સ્થાનિક ફોરેસ્ટરો કરી રહ્યા છે.
સિંહના પંજા કેમેરામાં કેદ થયા
પ્રથમ વખત સિંહોના સગડ સામે આવ્યા છે. અહીં વરસાદી માહોલ હતો અને કાદક કીચડના કારણે સિંહો જે રીતે ચાલીને ગયા હતા તેને લઈને તેના સગડ અહીં જોવા મળ્યા હતા અને સમગ્ર સગડ હતા તે કેમેરામાં કેદ થયા છે.
(રિપોર્ટ અને તસવીર: જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/two-lion-hunt-8-more-animal-in-mandal-village-of-rajula-1564551746.html

મોટા સરકડીયામાં લઘુશંકા કરવા બહાર નીકળેલા વૃદ્ધા પર 7 ફૂટની દીવાલ કૂદી દીપડાએ હુમલો કર્યો

  • દીપડાએ વૃદ્ધા પર ત્રણ વખત હુમલો કર્યો
  • વડીયામાં બિમાર વનરાજનું રેસ્ક્યૂ કરાયું 

Divyabhaskar.com

Aug 01, 2019, 03:20 PM IST
ખાંભા: ખાંભાના મોટા સરકડીયા ગામે ઘરમાં એકલી વૃદ્ધા 7 ફૂટની દીવાલ કૂદી દીપડાએ હુમલો કર્યો હતો. વહેલી સવારે 70 વર્ષીય સમજુબેન ઘુસાભાઇ ખુંટ ઘરની બહાર લઘુશંકા કરવા નીકળ્યા હતા ત્યારે દીપડાએ અચાનક હુમલો કરી દીધો હતો. ડાબા હાથના કોણીથી પંજા સુધી દીપડાએ બચકા ભરી લીધા હતા અને કપાળના ભાગે ત્રીજું બચકું ભરી લીધું હતું. હુમલો થયો હોવા છતાં મહિલાએ દીપડા સામે વળતો પ્રહાર ધક્કો મારી ભગાડ્યો હતો.
હુમલા બાદ દીપડો વૃદ્ધા સામે 30 મિનિટ ઉભો રહ્યો
હુમલો કર્યા બાદ વૃદ્ધા મકાનની ઓસરીમાં જતા રહ્યા હતા છતાં દીપડો તેની સામે 30 મિનિટ સુધી બેઠો હતો. મહિલાના મોઢામાંથી અવાજ નીકળ્યો નહોતો. બાદામાં શેરીમાંથી કોઇ વાહનચાલક નીકળતા વૃદ્ધાએ હાકલા પડકારા કરતા તેઓ દોડી આવી દીપડાને ભગાડ્યો હતો. વન વિભાગને વહેલી સવારે આ ઘટના અંગે જાણ કરવા સતત સંપર્ક કર્યો તેમ છતાં વન વિભાગ દ્વારા કોઇ જ રિસ્પોન્સ મળ્યો નહોતો. ઘટના અંગે જાણ કરવા છતાં વનવિભાગના એક પણ અધિકારી કે કર્મચારી ડોકાય નહીં.
વડીયામાં બિમાર વનરાજનું રેસ્ક્યૂ કરાયું
માળિયાહાટીનાના વડિયા ગામે આંબાના બગીચામાં છેલ્લા બે દિવસથી બીમાર જણાતા સિંહનું લોકેશન મળતા વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન દ્વારા સિંહને પકડી અમરાપુર એનિમલ કેરમાં તબીબ સારવાર અર્થે ખસેડાયો હતો. માળીયા હાટીનાના વડિયા ગામ નજીક નાગદાનભાઈ દાનાભાઈ સીસોદીયાના આંબાના બગીચામાં છેલ્લા બે દિવસથી સિંહ આવી ચડી બીમાર જણાતો હોય વન વિભાગને જાણ કરતા વનવિભાગની ટીમે રેસ્ક્યુ ટીમ બોલાવી બપોરેથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરતાં 3 કલાક જેવા સમયે ટ્રાન્યુલેશન ગન દ્વારા સિંહને બેભાન કરી અમરાપુર એનિમલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. આ સિંહ 9થી 12ની પાકટ વય ધરાવતો હોય અને ચોમાસાના કારણે નબળાઈ જણાઈ રહી છે છતાં વધુ તપાસ અર્થે લોહી તથા પેશાબ નમૂના લઇ ચકાસણી અર્થે લેબોરેટરી માં મોકલેલ છે જેના રિપોર્ટ આવ્યા બાદ વધુ સારવાર આપવામાં આવશે. હાલ આ સિંહ ને ઓબ્જેરવેશન હેઠળ રાખવામાં આવીયો છે.
(રિપોર્ટ અને તસવીર: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/rajkot/news/leopard-attack-on-70-year-old-woman-near-khanbha-1564636477.html

ધો. 7 ની છાત્રાએ આખી સ્કુલને વૃક્ષનાં છોડ આપી બર્થ ડે ઉજવ્યો

DivyaBhaskar News Network

Aug 02, 2019, 05:50 AM IST
અમરેલીમાં ધોરણ 7ની વિદ્યાર્થીનીએ તેમના જન્મ દિવસે નવતર અભિગમ અપનાવ્યો હતો. તેમણે તેમના બર્થ ડે પર તેની શાળાના તમામ બાળકોને એક વૃક્ષના રોપાનું વિતરણ કર્યું હતું. અને સાથી મીત્રોને તેમનું જતન પોતે જ કરવા સંકલ્પ પણ લેવડાવ્યા હતા. અમરેલીની સેફરોન વર્લ્ડ સ્કુલમાં ધોરણ 7માં અભિયાસ કરતી જેન્સી પટેલના જન્મ દિવસે નવો કોન્સેપ્ટ હાથ ધર્યો હતો. જેન્સીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી મારા જન્મ દિવસે સહેલીઓ સાથે કેક કાપી અને પાર્ટી સાથે ઉજવણી કરી રહી હતી. પણ વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. શહેરમાં હવાનું પ્રદુષણ વધી રહ્યું છે. જેના કારણે આગામી સમયમાં વૃક્ષ ન હોવાના કારણે કોઈને તકલીફ ન પડે તેવા હેતુથી આજે મારા જન્મ દિવસે મારી શાળાના તમામ બાળકોને એક વૃક્ષના રોપનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મારા મીત્રોને આ તમામ વૃક્ષનું પોતાની જાતે જ જતન કરવા માટે સંકલ્પ લેવડાવ્યા હતા.આ નાની બાળાના મોટા વિચારને શાળાના સ્ટાફ અને પરિવારજનોએ બીરદાવી હતી. આગામી સમયમાં પણ જો જન્મ દિવસમાં પાર્ટીની જગ્યાએ વૃક્ષારોપણ કોઈ કરે તો શહેરમાં પ્રદુષણનું પ્રમાણ ઘટી જશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-std-the-7th-student-celebrates-birth-day-by-giving-tree-trunks-to-the-whole-school-055008-5145455-NOR.html

કોઠારીયા રાઉન્ડના ફોરેસ્ટર 6 પેઇઝની સુસાઇડ નોટ લખી ગાયબ, RFOના માનસિક ત્રાસનો ઉલ્લેખ

  • વન વિભાગ દ્વારા પોલીસને જાણ પણ કરવામાં આવી નથી
  • મમ્મી-પપ્પા મને માફ કરજો, હુ ન આવું તો મારી લાશ આવશે  

Divyabhaskar.com

Aug 05, 2019, 12:18 PM IST
ખાંભા: તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડના ફોરેસ્ટર એસ.પી. કટારાએ છ પાનાની સુસાઇડ નોટ લખી ગાયબ થઇ ગયા છે. આ સુસાઇડ નોટ વન વિભાગ ગીર પૂર્વના વોટ્સઅપ ગ્રુપમાં ફોરવર્ડ કરી છે. બાદમાં આજે વહેલી સવારે ગાયબ થઇ ગયા છે. સુસાઇડ નોટમાં તુલસીશ્યામ રેન્જના આરએફઓ પરીમલ પટેલના માનસિક ટોર્ચરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વનકર્મી ગોબર ઝાલાના નામનો પણ ઉલ્લેખ
સુસાઇડ નોટમાં તુલસીશ્યામ રેન્જના ધૂધવાણા રાઉન્ડના વનકર્મી ગોબર ઝાલાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અગાઉ એસ.પી. કટારા ગાર્ડ તરીકે સાવરકુંડલા રેન્ડના મિતિયાળા રાઉન્ડમાં 6 વર્ષ સુધી ફરજ બજાવી ચૂક્યા છે. કોઠારિયા રાઉન્ડમાં છેલ્લા 7 માસ પહેલા જ પોસ્ટીંગ થયું છે. તેઓ કોઠારીયા રાઉન્ડમાં સેન્ચુરી વિસ્તારમાં આવેલ રાવલ ડેમ તેમજ ઝૂમરી ડેમમાં માછીમારી કરતા લોકોને અટકાવતા હોય તે કામગીરી ન થવા દેવા માટે આરએફઓ પરિમલ પટેલ વધુ સ્ટાફ માંગવામાં આવતા અમારૂ નીચું દેખાય તે માટે સ્ટાફ પણ આપતા ન હતા. એસ.પી.કટારાને લગ્નને 7 વર્ષ થયાં હોય તેમને સંતાન ન થતા હોય ત્યારે મેડિકલ સારવાર માટે તેમના પત્ની સાથે જવાનું હોય તે અંગે રજા માંગતા સ્ટાફની હાજરી તેમના સ્વમાનને ઠેંસ પહોંચાડી હતી અને તમને સંતાન ન થાય તો હું શું કરૂ તમારે નોકરી કરવી હોય તો કરો તેવું જણાવી દીધું હતું. વન વિભાગની ટીમો બનાવી તપાસ હાથ ધરાઇ
વહેલી સવારે 4.40 વાગે સુસાઇડ નોટ પોસ્ટ કરી
વનવિભાગના ગ્રુપમાં વહેલી સવારે 4.40 કલાકે પોસ્ટ કરેલી સુસાઇડ નોટ અંગે હજુ લાપતા ફોરેસ્ટર અંગે પોલીસને વન અધિકારીઓ દ્વારા જાણ પણ કરવામાં આવી નથી. હાલ વન વિભાગની અલગ અલગ ટીમ બનાવી કોઠારીયા રાઉન્ડ, શીખલ કુબા, ધોકાડવા હેડ ક્વાર્ટર, મિતિયાળા રાઉન્ડ વગેરે સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે. સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મમ્મી-પપ્પા મને માફ કરજો, હું ન આવું તો મારી લાશ આવશે
સુસાઇડ નોટના અંશો
સુસાઇડ નોટમાં લખ્યું છે કે, મારા મોટાભાઇ અને પત્નીને બે હાથ જોડીને વિનંતી છે કે મારાથી કંઇ પણ ભૂલ થઇ હોય તો મને માફ કરજો. મારા ગયા પછી સુખી રહેજો. જો હું જીવીશ તો ઘરે આવીશ નહીં તો મારી લાશ મળશે, જંગલ કે રસ્તા પરથી મારી લાશ મળે તો સૌ પહેલા આરએફઓ સાહેબની સમક્ષ હાજર કરવી બાદમાં મારા પરિવારને આપવી. જેમાં મારી હાથ જોડીને વિનંતી છે.
(રિપોર્ટ-તસવીરો: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/forester-wrote-6-page-suicide-note-and-after-miss-in-kothariya-round-of-khanbha-1564987935.html

સાવરકુંડલાના કરજાળા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

DivyaBhaskar News Network

Aug 06, 2019, 05:55 AM IST
અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સાવરકુંડલાના કરજાળા ખાતે આબોહવાકીય અનુકૂલિત ખેતી પ્રોજેકટ ચાલી રહ્યો છે. જેમાં ખેડૂતોને વાતાવરણ અનુકુલિત ખેતીના જુદા જુદા નિદર્શનનો આપવામાં આવે છે. જેમાં 58 ખેડૂતોને તાલીમો અને પ્રેરણા પ્રવાસો કરાવવામાં આવે છે. આ પ્રોજેકટ અંતર્ગત કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.એન.એસ.જોશીના માર્ગદર્શન હેઠળ કરજાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ખેડૂતોને વૈજ્ઞાનિકો દ્વારા આગામી સમયમાં ખેતીમાં કઈ બાબતોનું ધ્યાન આપવું અને વૃક્ષોના જતન માટે ખેડૂતોને સંકલ્પ લેવડાવ્યા હતા.

વૈજ્ઞાનિકોઅે પ્રોજેકટ સાથે વૃક્ષારોપણ કર્યું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-a-tree-planting-program-was-held-at-karjala-village-in-savarkundla-055510-5173408-NOR.html

તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડના ફોરેસ્ટર ગુમ થયાને 36 કલાક બાદ પણ કોઇ ભાળ મળી નહીં

  • વનવિભાગ દ્વારા પોતાના સેન્ચુરી વિસ્તારને સ્કેનિગ કર્યો છતાં કોઈ ભાળ મળી નથી
  • ગિરગઢડા પોલીસ દ્વારા ફોરેસ્ટર ગુમ થયાની નોંધ વનવિભાગના અધિકારી દ્વારા જ કરાવવા આવી
  • ગુમ થયેલા ફોરેસ્ટરના પરિવાર દ્વારા કોઈ જ જાણ હજુ સુધી કરવામાં આવી નથી  

Divyabhaskar.com

Aug 06, 2019, 05:51 PM IST
ખાંભા: તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં ફરજ બજાવતા ફોરેસ્ટર કટારા ગઇકાલે વહેલી સવારે એક 6 પેઇઝની સુસાઇડ નોટ લખી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ગુમ થયેલ છે. ત્યારે આ સુસાઇડ નોટમાં તેમના અધિકારી દ્વારા માનસિક ટોર્ચર કરવામાં આવતા હોય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તે અધિકારીનું ટોર્ચર મારાથી સહન નથી થતું તે માટે હું આ સુસાઇડ નોટ લખી જીવન લીલા સંકેલાવાનું જણાવ્યું હતું. જ્યારે આ સુસાઇડ નોટ મળ્યાને 36 કલાક બાદ પણ હજુ સુધી ફોરેસ્ટર કટારાની સુરાગ વનવિભાગ કે પોલીસ તંત્ર શોધી શકી નથી.
ગીરગઢડામાં વન વિભાગના અધિકારીઓએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી
તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં 7 માસથી પ્રમોશન લઈ ફોરેસ્ટરની પોસ્ટ ઉપર સંદીપ કટારા ફરજ બજાવતા હતા જ્યારથી તેઓ અહીં હાજર થાય ત્યારબાદ આ રેન્જના આરએફઓ પરિમલ પટેલને કોઈ કારણોસર માત્ર આ ફોરેસ્ટર ઉપર રાગદ્વેષ રાખી ફરજના ભાગરૂપે માનસિક ટોર્ચર કરવામાં આવતો હતો. ત્યારે અન્ય સ્ટાફની હાજરીમાં અપમાનિત કરવામાં આવતા હતા. તેના કારણે આ ફોરેસ્ટર સતત આવું અપમાનિત થયાની વાતોને લઈ માનસિક રીતે ભાંગી ગયેલા હતા. આ રેન્જના વનવિભાગના અધિકારીઓ દ્વારા હજુ સુધી સામેથી આ ફોરેસ્ટરના પરિવારને આખો દિવસ આ ઘટના અંગે જાણ કરી જ ન હતી. જ્યારે ફોરેસ્ટરના અન્ય સોર્સ દ્વારા પરિવારને ટેલિફોનિક જાણ કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે. બાદમાં પરિવાર દ્વારા ખરાઈ કરતા આ ઘટના સાચે જ બની હોવાનું સામે આવતા તેઓ પણ ખાંભા ખાતે દોડી આવ્યા હતા. જ્યારે બીજી તરફ ગીરગઢડા પોલીસ મથકમાં ગઇ કાલે રાત્રીના સમયે તુલસીશ્યામ રેન્જ આરએફઓ તેમજ કોઠારીયા રાઉન્ડ તેમના સાથી કર્મચારીઓ જાણવા જોગ ગુમ થયાની નોંધ કરાવવા દોડી ગયાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
ગીરગઢડાના પીએસઆઇ શુ કહે છે
ગિરગઢડાના પીએસઆઇ આઘેરા મેડમ સાથે ટેલિફોનિક વાતચીતમાં કોઠારીયા રાઉન્ડના ગુમ થયેલા ફોરેસ્ટર અંગે શું તાપસ કરવાં આવી તેમજ આપને આ અંગે કોને જાણ કરી તેવું પૂછવામાં આવતા તેઓ દ્વારા જણાવ્યું હતું કે હાલ તેમની તપાસ ચાલુ છે. હજુ સુધી ગુમ થયેલા ફોરેસ્ટરની કોઈ જ ભાળ મળી નથી. જ્યારે આ ગુમ અંગે વનવિભાગના અધિકારી દ્વારા જાણ કરી હોવાનું જણાવ્યું હતું. એસીએફ નિકુંજ પરમારે આ ઘટનાને લઈ જણાવ્યું હતું કે અમો કોઠારીયા ઉપરાંત અન્ય રાઉન્ડ અને રેવન્યુ વિસ્તારનું સ્કેનિંગ કરી ચૂક્યા છીએ. પરંતુ હજુ સુધી તેમની કોઈ જ ભાળ મળી નથી. જ્યારે અન્ય તેમના મિત્ર સર્કલ અને ખાનગી સ્થળોની હાલ તપાસ ચાલુ છે.
ગુમ થયેલા ફોરેસ્ટરની પત્ની શું કહે છે
સુસાઇડ નોટ લખી ગુમ થયેલા સંદીપ કટારાના પત્ની જોશનાબેન કટારાએ જણાવ્યું હતું કે, મારા પતિએ અગાઉ મને તેના રેન્જ ફોરેસ્ટર ઓફિસર પરિમલ પટેલ, રાબારીકા રાઉન્ડ ફોરેસ્ટર યાસીન જુનેજા, ગોબર ઝાલા ધુધવાણા ફોરેસ્ટ ગાર્ડ, જે.ડી. સરવૈયા ઉર્ફે ઝીણો ટ્રેકર મને માનસિક ત્રાસ આપે છે. તેવું જણાવ્યું હતું અને વધુમાં મને ભવિષ્યમાં કંઈ પણ થાય તેના મોતના જવાબદાર આ લોકો જ છે. ત્યારે આ અંગે આજે વહેલી સવારે ગીરગઢડા પોલીસ મથકમાં લેખિતમાં મારી ફરિયાદ મેં સબમિટ કરેલી છે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/missed-forester-not-get-after-36-hour-in-kothariya-round-of-khanbha-1565094253.html

RFOનો વાયરલેસમેનને તાલીબાની આદેશ ‘હું કહુ છું મેસેજ ફાડી નાખ’કહી પોતાનું ધાર્યું કરતો હોવાનો ઓડિયો વાઇરલ

  • અનેક વિવાદો છતાં ઉપલા અધિકારી દ્વારા કોઇ જ પગલા લેવાતા નથી  

Divyabhaskar.com

Aug 08, 2019, 06:27 PM IST
ખાંભા: ત્રણ દિવસ અગાઉ કોઠારીયા રાઉન્ડ ફોરેસ્ટર સંદિપ કટારા છ પાનાની સુસાઇડ નોટ લખી પોતાને આરએફઓ પરીમલ પટેલ અને અન્ય વનકર્મીઓ માનસિક યાતના આપતા હોવાનો ઉલ્લેખ કરીને ભેદી સંજોગોમા ગુમ થયા હતા. ગુમ થયેલા ફોરેસ્ટરનો હજુ સુધી કોઇ પત્તો નથી ત્યારે આરએફઓ પરિમલ પટેલનો એક ઓડિયો ક્લીપ વાઇરલ થઇ છે. જેમાં વાયરલેસમેનને આરએફઓ તાલીબાની આદેશ આપતો હોય તેમ કહે છે કે હું કહુ છું કે મેસેજ ફાડી નાખ. આવું કરી આરએફઓ પોતાનું ધાર્યું કરતો હોવાનું સામે આવ્યું છે.
વાયરલેસ મેન આરએફઓને મેસેજ વાંચી સંભળાવે છે
ખાંભાના ધુંધવાણા ગામે દીપડા દ્વારા એક મહિલાને ઇજા કરવામા આવી હતી. દીપડાને પકડવા માટે પાંજરુ મુકવામાં આવ્યું હતુ. ધુંધવાણા ગાર્ડ પણ રજા ઉપર હોવાથી સંદિપ કટારાને આ કામગીરી કરવા માટે વધુ સ્ટાફની જરૂર હતી. આરએફઓ સંદિપ કટારાનો ફોન ઉપાડતા ન હોય જેથી તેમને વાયરલેસ પર મેસેજ લખાવી એક ટ્રેકર્સ પોતાને આપવામાં આવે એવી રજુઆત કરી હતી. જે મેસેજ વાયલેસમેન દ્વારા આરએફઓને વાંચી સંભળાવવામાં આવે છે પણ ઉપલા અધિકારીઓના આશિર્વાદથી પોતાની મનમાની કરાવવા ટેવાયેલા આરએફઓએ વાયલેસમેનને તાલીબાની ફરમાન કરી કહે છે કે એ મેસેજ ફાડી નાખ એ બોવ ડોઢો થાય છે કહી બધા જ નિયમો નેવે મુકી પોતાના નીચેના કર્મચારીને પણ નિયમોનું ઉલ્લઘન કરાવ્યું હતું.
કાયદો સરકારનો નહીં મારો ચાલશે તેવું આ ઓડિયો પરથી સાબિત થાય છે
આ ઓડીયો પરથી એ પણ સાબિત થાય છે કે તેઓ ફોરેસ્ટર સંદિપ કટારા પ્રત્યે વિરોધી માનસ ધરાવે છે અને તેને સુસાઇડ નોટમાં કરેલા આરએફઓ પોતાને હેરાન કરતા હોવાની વાતને સમર્થન આપે છે. આ ઓડિયો પરથી એ પણ જણાય આવે છે કે અહીં કાયદો સરકારનો નહીં મારો ચાલશે એવું કહી પોતાની કચેરીના કર્મચારીઓમાં ભયનું વાતાવરણ ઉભું કરવા માંગતા હોય તે આ ઓડિયો પરથી જણાય આવે છે. પટેલ સામે ઉપલી કક્ષાએ અનેક લેખિત-મૌખિક ફરીયાદો થઇ છતાં તેઓ પણ આમની સામે કોઇ જ પ્રકારના કાનૂની પગલા લેતા નથી. જો કે આ આોડિયો સામે આવ્યા બાદ ઉપલા અધિકારી કોઇ પગલા લેશે કે પછી હંમેશાની જેમ ખો આપશે એ તો આવનારો સમય જ કહેશે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/kothariya-rounds-rfo-audio-clip-viral-on-social-media-in-khanbha-1565262438.html

ગિર જંગલની બાબરીયા રેન્જમાં ત્રણ સિંહનો શિકાર થયો હતો. આ ઘટનાને લઇ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દોડી આવ્યા હતા.

DivyaBhaskar News Network

Aug 10, 2019, 05:55 AM IST
2015 | ગિર અમરેલીનાં લીલીયા કાંકરેચ વિસ્તારમાં ભારે પુર આવ્યું હતું. જેમાં એક સાથે 13 સિંહ તણાઇ જવાથી મોતને ભેટ્યા હતા.

2018 | દલખાણીયા સહિતનાં વિસ્તારમાં બીમારીનાં કારણે 23 સિંહોનાં મોત થયા હતા. ત્યાર બાદ અમેરિકાથી રસી મંગાવાઇ હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-2005-three-lions-were-hunted-in-the-babaria-range-of-the-gir-forest-the-then-chief-minister-narendra-modi-had-rushed-to-the-incident-055512-5206800-NOR.html

અમરેલી જિલ્લામા આજે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામા

DivyaBhaskar News Network

Aug 11, 2019, 05:55 AM IST

અમરેલી જિલ્લામા આજે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. ખાંભા, સાવરકુંડલા, લીલીયા, બાબરા, અમરેલી સહિત શહેરોમા બાળકોએ સિંહના મહોરા પહેરી રેલી કાઢી જનજાગૃતિ ફેલાવી હતી.

ખાંભા તાલુકામાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે ખાંભા તાલુકાભરના વિદ્યાર્થીઓ દ્વારા શાળાએથી સિંહનું માસ્ક પહેરીને મુખ્ય બજારો શેરી મહોલ્લામાં ફર્યા હતા. અને સિંહ બચાવો સિંહ બચાવોના નારા લગાવ્યા હતા. સિંહ આપણું અભિન્ન અંગ છે તેવું જણાવી સિંહનું જતન કરવા લોકોને અપીલ કરી હતી. જ્યારે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં ખાંભાની સ્વામિનારાયણ ગુરુકુલ, ક્રિષ્ના સ્કૂલ, જે.એન.મહેતા હાઈસ્કૂલ તેમજ ખાંભા તાલુકાભરની તમામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ ઉજવણી કરાઇ હતી.

જયારે બાબરામાં વી. એલ. ગેલાણી વિદ્યાલય દ્વારા વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં શાળાના બાળકો દ્વારા સિંહના મહોરા સાથે વિશાલ રેલી યોજી સિંહ બચાવોના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અને લોકોમાં સિંહ વિશે પૂરતી જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મેનેજીંગ ટ્રસ્ટી કાળુભાઇ ગેલાણી દ્વારા વિદ્યાર્થીઓને જંગલના રાજા સિંહ વિશે પૂરતી જાણકારી અને સમજ આપવામાં આવી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-to-celebrate-world-lion-day-today-in-amreli-district-055506-5215063-NOR.html

જીવાપરમાં 10 ફુટ દિવાલ કુદી દિપડો ઘરમાં ઘુસ્યો, પરિવાર જાગી જતા ધાબા પરથી કુદીને નાસી ગયો

  • ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર સિંહ, દિપડાઓની રંજાડ: 15 દિવસમાં માનવ પર હુમલાના 6 બનાવ 

Divyabhaskar.com

Aug 12, 2019, 11:09 AM IST
ખાંભા: ખાંભા તાલુકાના ગીરકાંઠાના ગામોમા અવારનવાર સિંહ-દિપડા ગામમા ઘૂસી આવવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અહીંના જીવાપર ગામે ગતરાત્રીના એક દિપડો 10 ફૂટની દિવાલ કૂદી ઘરમા ઘૂસ્યો હતો. જો કે ઘરના સભ્યો જાગી જતા દીપડો ધાબા પરથી કુદીને નાસી ગયો હતો. દિપડો દિવાલ કૂદી ઘરમા ઘૂસ્યાની આ ઘટના ખાંભા તાલુકાના જીવાપર ગામે બની હતી. અહીં રહેતા રામભાઇ અરજણભાઇ હિરપરા નામના ખેડૂતના ઘરમા ગતરાત્રીના બે વાગ્યા આસપાસ એક દિપડો 10 ફૂટની દિવાલ કૂદીને ઘરમાં ઘૂસી ગયો હતો. જો કે અવાજ થતા ઘરના સભ્યો જાગી ગયા હતા અને જોયું તો દિપડો ફળીયામા ઉભો હતો. બાદમા હાકલા પડકારા કરતા દિપડો પગથીયા પરથી ધાબે ચડી કૂદકો મારી નાસી ગયો હતો.
ઘરના ફરજામાં બાંધેલા પશુઓને કોઇ ઇજા પહોંચાડી નહીં
ઘરના ફરજામાં ગાય, ભેંસ અને બળદ પણ બાંધેલા હતા. જો કે ઘરના સભ્યો જાગી જતા આ પશુને કોઇ ઇજા પહોંચી ન હતી. ઘટના અંગે બાદમાં વનવિભાગને જાણ કરવામાં આવતા ટ્રેકર સાહિદખાન પઠાણ સ્ટાફ સાથે દોડી ગયા હતા. ત્યારે દિપડાની માનવ વસાહત તરફ આ 15 દિવસમાં 5મો હુમલો છે. ત્યારે વનવિભાગ આ માનવ વસાહત તરફ આવતા દિપડાને અટકાવવા શું પગલાં કે આગોતરું આયોજન છે ? તેવા સવાલ રહીશો અને ખેડૂતો પૂછી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ એક તરફ ખેતીની પણ સિઝન ચાલી રહી છે. ત્યારે અવારનવાર સિંહ, દિપડો છેક ગામ સુધી શિકારની શોધમા ચડી આવે છે જેના કારણે ખેડૂતો અને લોકોમા પણ ભય જોવા મળી રહ્યો છે.

15 દિવસમાં દિપડાના હુમલાની ચાર ઘટના
1. તા.27ના રોજ ખાંભાના પીપળવા ગામે ખેત મજૂર પર હુમલો
2. તા. 1ના રોજ ધુંધવાણા ગામે ખેત મજૂર પર હુમલો
3. તા. 1ના રોજ મોટા સરકડીયા ગામે ઘરમાં ઘૂસી મહિલા ઉપર હુમલો
4. તા. 10ના રોજ કતારપરા ગામે ખેત મજૂરની એક બાળકી ઉપર હુમલો
ખેડૂતો વાડી ખેતરોમાં જતાં ડરે છે
હાલ ખેતીની સિઝન ચાલી રહી હોય ગીરકાંઠાના વિસ્તારોમા વાડી ખેતરોમા અવારનવાર સિંહ દિપડા આંટાફેરા મારી રહ્યાં છે. જેના કારણે ખેડૂતો પણ વાડી ખેતરોમા જતા ભય અનુભવી રહ્યાં છે.
(તસવીર: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leopard-jump-10-feet-wall-and-enter-home-in-jivapar-village-of-khanbha-1565588304.html

પીપાવાવ પોર્ટ મુખ્ય ગેટ નજીકના માર્ગ પર સિંહણ 2 સિંહબાળ સાથે આવી ચડી

  • પીપાવાવ પોર્ટની મુલાકાતે સિંહ પરિવાર 

Divyabhaskar.com

Aug 19, 2019, 03:26 PM IST
અમરેલી:ગીરનું ઘરેણુ ગણાતા સાવજો પીપાવાવ પોર્ટ નજીક પણ વસવા લાગ્યા છે. આજે એક સિંહણ તેના બે સિંહબાળ સાથે જાણે પીપાવાવ પોર્ટની મુલાકાતે આવી હોય તેમ પોર્ટના મુખ્ય ગેઇટ સામે જ 24 કલાક ધમધમતા માર્ગ પર લટાર મારી હતી. 24 કલાક મસમોટા કન્ટેનરો, ટ્રેલરો અને ટ્રક જેવા વાહનો દોડા દોડી કરે છે. તે માર્ગ પર માસૂમ સિંહબાળ દોડાદોડી કરતા જોવા મળ્યા હતા. અગાઉ ઘણી વખત પોર્ટના માર્ગો પર અનેક સિંહો અજાણીયા વાહનની હડફેટે મોત ને ભેટી ચુક્યા છે. હાલ તો 2 સિંહબાળ સાથે સિંહણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/on-the-way-near-pipavav-port-main-gate-a-lion-arrived-with-2-lions-cub-1566194724.html

ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષ ઉછેર દ્વારા પર્યાવરણની જાળવણી

DivyaBhaskar News Network

Aug 23, 2019, 05:55 AM IST
અમરેલી એમ.વી. પટેલ કન્યા વિદ્યાલય દ્વારા મુખ્યમંત્રી યોજના દ્વારા એક બાળક એક વૃક્ષ અંતર્ગત વૃક્ષા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકોએ ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષ ઉછેર દ્વારા પર્યાવરણની જાળવણી માટે સંકલ્પ કર્યો હતો. જેના પગલે બાળકોની આ કામગીરીને સૌ કોઈએ બીરદાવી હતી. અમરેલીની એમ.વી. પટેલ કન્યા વિદ્યાલયએ વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ લાવવા મુખ્યમંત્રી યોજના એક બાળક એક વૃક્ષ ઉછેરનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેમાં બાળકોએ સાથે મળીની વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો દીઠ એક વૃક્ષનું વિતરણ કર્યું હતું. તેમજ બળકોએ પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ કરવા માટે અપીલ પણ કરી હતી. વૃક્ષ વિતરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના છાત્રો જોડાયા હતા. તેમજ તેમની આ કામગીરીને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓની આ કામગીરીને જોઈને ગ્રામ્ય વિસ્તારના લોકોએ તેમના વિચારને બીરદાવ્યો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-protection-of-the-environment-by-planting-trees-in-the-countryside-055513-5298918-NOR.html

પાંજરામાં જતાં પહેલાં સિંહનો ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો, સીધું ગળું જ પકડ્યું

  • આંબરડી સફારી પાર્કની ઘટના, છેલ્લા ચાર દિવસથી પ્રવાસીઓની ભારે ભીડ
  • વનકર્મીઓએ હાકલા પડકારા કરી સાવજને ભગાડી ગાર્ડનો જીવ બચાવ્યો સંજયભાઇને 108 મારફત સારવારમાં ખસેડ્યા, અમરેલી રીફર કરાયા

Divyabhaskar.com

Aug 27, 2019, 02:52 AM IST
ધારી,અમરેલીઃ આંબરડી સફારી પાર્કમા સાંજે સાડા પાંચ વાગ્યે સિંહ દર્શન પુર્ણ કરવામા આવ્યા હતા. દિવસભર પ્રવાસીઓની ભીડ રહી હતી. સિંહ દર્શન પુર્ણ થયા બાદ વનવિભાગનો સ્ટાફ તેના દરરોજના ક્રમ મુજબ પાર્કના પાંચેય સાવજોને પાંજરે પુરવાના કામે લાગ્યો હતો. રોજ બંધ બોડીની ફોરવ્હીલમા જઇ સ્ટાફ સાવજોને પાંજરા તરફ દોરી જાય છે. આજે પણ તેવુ જ કરાયુ હતુ. સંજયભાઇ પી. તેરૈયા નામના ફોરેસ્ટગાર્ડ મોટર સાયકલ લઇ આ કામગીરીમા જોડાયા હતા.
સિંહે સીધું ગળું જ પકડી લીધું
જાણવા મળતી વિગત મુજબ સંજયભાઇ તમામ સાવજો પાંજરામા જઇ ચુકયા છે તેવુ સમજવાની ભુલ કરી બેઠા હતા. તેઓ બાઇક લઇ પાંજરા નજીક પહોંચ્યા ત્યારે એક સિંહ પાંજરામા આવવાનો બાકી હતો અને પાછળની દિશામાથી આવી સિધુ જ તેમનુ ગળુ પકડી લીધુ હતુ. જેને પગલે તેઓ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. જો કે અન્ય કર્મચારીઓ કારમા બાજુમા જ હોય તમામ કર્મચારીઓએ સાવજ તરફ કાર દોડાવી હાકલા પડકારા કરી કારનુ હોર્ન વગાડી સાવજને ભગાડી મુકયો હતો. ઘવાયેલા ગાર્ડ સંજયભાઇ તેરૈયાને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ધારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવીલમા રિફર કરાયા હતા.
આંબરડી પાર્કમાં હુમલાની પ્રથમ ઘટના
બે વર્ષ પહેલા તારીખ 10-10-2017ના રોજ આંબરડી પાર્કનો આરંભ થયો હતો. ત્યારથી અત્યાર સુધીમા અહી સાવજના હુમલાની ઘટના પ્રથમ વખત બની છે. અહી સાવજો માટે જુનાગઢથી મીટ આવે છે. સિંહને 7 કિલો અને સિંહણને 5 કિલો માંસ દરરોજ અપાય છે.
ગાર્ડ સાવજોને ઓબ્ઝર્વ કરવા ગયા હતા
આ પાર્કના આરએફઓ ઓડેદરાએ જણાવ્યું હતુ કે ફોરેસ્ટગાર્ડ સંજયભાઇ તેમની રાબેતા મુજબની ડયુટી નિભાવી રહ્યાં હતા. પાર્ક બંધ થયા બાદ તેઓ સાવજને ઓબ્ઝર્વ કરવા ગયા ત્યારે અચાનક આ ઘટના બની ગઇ હતી. - ઓડેદરા, આરએફઓ
ગાર્ડે મોટરસાઇકલ પર જવાની ભૂલ કેમ કરી ?
સાવજોને પાંજરામા ધકેલવાનુ કામ સામાન્ય રીતે બંધ ગાડીમા કરવામા આવે છે. કોઇ સ્ટાફ બાઇક લઇને જતો નથી. પરંતુ આજે સાંજના સમયે થોડો વરસાદ હોય ગાર્ડ સંજયભાઇ બાઇક લઇને નીકળ્યા હતા. અને એક સાવજ હજુ પાંજરામા ગયો નથી તે વાતથી અજાણ રહી ગયા હતા.
3000 ટૂરિસ્ટના ધસારાથી સાવજ ચીડિયો બન્યો ?
ત્રણ હજારથી વધુ ટુરીસ્ટોને અહી સિંહ દર્શન કરાવવામા આવ્યા હતા. પ્રવાસીઓના સતત ધસારાના કારણે સાવજો સ્વાભાવિક રીતે જ ડિસ્ટર્બ થયા હતા. ત્યારે સવાલ એ ઉઠે છે કે શું સાવજો ચિડીયા થઇ ગયા હતા ?.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-attacks-on-forest-guard-in-amreli-1566836279.html

મેડી ગામની સીમમાં સિંહે કર્યુ બે બળદનંુ મારણ

DivyaBhaskar News Network

Aug 29, 2019, 06:00 AM IST
ગીર જંગલમા વસતા સાવજો રેવન્યુ વિસ્તારમા પણ મોટી સંખ્યામા વસવાટ કરી રહ્યાં છે. ત્યારે અમરેલીના બાબાપુર ગામમા પણ સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે અહીના મેડી ગામની સીમમા ગતરાત્રીના સાવજો શિકારની શોધમા આવી ચડયા હતા અને બે બળદનુ મારણ કર્યુ હતુ.

સિંહે બળદના મારણ કર્યાની આ ઘટના અમરેલીના મેડી ગામની સીમમા બની હતી. અહી રહેતા દેવજીભાઇ લાખાણી સીમતળમા વાડી ધરાવે છે. ગતરાત્રીના શિકારની શોધમા નીકળેલા સાવજો અહી આવી ચડયા હતા અને બે બળદનુ મારણ કરી મિજબાની માણી હતી.

ઘટનાને પગલે વનવિભાગને જાણ કરવામા આવતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમા સિંહ તેમજ દિપડાઓ પણ આવી ચડે છે અને અનેક વખત પશુઓના મારણની ઘટના બને છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-lion-killed-two-oxen-in-madi-village-area-060007-5346061-NOR.html