ધારી : ધારી તાલુકાના સરસીયા ગામમાં ગઈ કાલે રાત્રે ત્રાટકેલા
સિંહ પરિવારે એક ગાય અને વાછરડાનું મારણ કરી નિરાંતે સવાર સુધી મિજબાની
માણી હતી. મળતી માહિતી મુજબ સરસીયા ગામમાં ગઈ કાલે રાત્રે ૧૧.૪પ કલાકે સિંહ,સિંહણ
અને ત્રણ બચ્ચાનો પરિવાર આવી ચડયો હતો.ગામમાં આવી ચડેલા વનરાજ પરિવારે
ત્રાડ નાખી ગામ ગજવી મુકયું હતું.પ્રથમ રામજી મંદિર(ચોરા) નજીક એક
વાછરડાનું મારણ કર્યું અને બાદમાં તુરત જ અનંતભાઈ જોશીના ઘરની સામે એક
રેઢીયાળ ગાયનું મારણ કરી આખા પરિવારે સવાર સુધી નિરાંતે મિજબાની માણી
હતી.સવાર થતા જ સિંહ પરિવાર ફરી જંગલમાં જતો રહ્યો હતો.
ગામમાં રાત્રે આવી ચડેલા સિંહ આખી રાત ત્રાડો નાખી ગામ ગાજતું
રાખતા લોકોની ઉંઘ બગડી હતી.સવારે ધારી ફાચરીયાની એસટી બસ નીકળતા બસમાં
બેઠેલા વિદ્યાર્થીઓએ પણ સિંહ દર્શનનો લાભ લીધો હતો. સવારે આ બનાવ અંગે ધારી,સરસીયા વન વિભાગને જાણ કરવામાં આવી હતી,છતાં બપોર સુધી કોઈ અધિકારી ફરકયા ન હતા.સરસીયા ગામથી અડધો કિ.મી.સરસીયા રેન્જ અને દલખાણીયા રેન્જ બંનેની ઓફિસ આવેલી છે,છતાં બપોર સુધી કોઈ અધિકારી ફરકયા ન હોય લોકોમાં પણ આ બાબતે રોષ જોવા મળ્યો હતો.
No comments:
Post a Comment