Source: Bhaskar News, Amreli | Last Updated 12:33 AM [IST](13/09/2011)
- સાવરકુંડલાના દોલતી ગામની ઘટના
સાવરકુંડલાના દોલતીમાં એક દીપડાએ માલધારી પર વાડામાં ઘુસીને હુમલો કરતા ખીલે બાંધેલી ગાય સાંકળ તોડીને માલિકની મદદે દોડી હતી અને દીપડાનો પ્રતિકાર કરી માલિકને બચાવી લીધો હતો.
હિન્દુ સમાજે ગાયને માતાનો દરજજો શા માટે આપ્યો છે તેની પ્રતિતિ કરાવતી ઘટના ગઇરાત્રે સાવરકુંડલાના દોલતી ગામે બની હતી. અહીના હરસુર બાવભાઇ કાચેલા(ઉ.વ.૩૦) નામના રબારી યુવાને ગાય, ભેંસ, બકરા સહિતના માલઢોર પોતાના વાડામાં બાંધી રાખ્યા હતાં અને માલઢોરનુ રખોપુ કરવા તે ઓસરીમાં સુતો હતો તે વખતે વંડી ટપી ફરજાના છાપરા પરથી શિકારમાં નીકળેલો દીપડો ઘરમાં ઘુસ્યો હતો દીપડાએ એક બકરીને ગળામાંથી પકડી લેતા દેકારો થયો હતો જેને પગલે જાગી ગયેલો હરસુર રબારી વાડામાં દોડી ગયો હતો દીપડાએ બકરીને પડતી મુકી સીધો જ હરસુર પર હુમલો કરી દીધો હતો.
દીપડાએ તેમના શરીર પર અનેક બટકા ભર્યા હતા ઘટનાને પગલે વાડામાં માલઢોરમાં પણ અફડા તફડીનો માહોલ છવાઇ ગયો હતો દીપડો હરસુરને વધુ ઘાયલ કરે તે પહેલા જ સાંકળ વડે ખીલે બાંધેલી એક ગાય સાંકળ તોડીને તેની મદદે દોડી હતી આ ગાય સીધી જ દીપડા પર ધસી જતા ગભરાયેલો દીપડો વંડી ટપી નાસી છુટયો હતો.
મુંગા પશુની માલિક પ્રત્યેની વફાદારીએ યુવકનો જીવ બચાવી લીધો હતો ઘાયલ યુવકને સારવાર માટે અમરેલી સિવીલમાં ખસેડવામાં આવ્યો છે.
દીપડો માલધારીને અનેક બટકાં ભરી ગયો –
હરસુર કાચેલા વાડામાં આવતા જ દીપડાએ બકરીને પડતી મુકી તેના પર હુમલો કરી દીધો હતો હરસુરને પછાડી દઇ માથે સવાર થઇ ગયેલા દીપડાએ તેના હાથ પગ છતાી પર બટકા ભર્યા હતા ઉપરાંત છાતી પર પંજાના ન્હોર ભરાવી તેને લોહીલુહાણ કરી દીધો હતો.