Wednesday, November 30, 2016

10 કિ.મી.ના જંગલ બોર્ડરનાં ગામોને વિપરીત અસર થશે

DivyaBhaskar News Network | Nov 30, 2016, 05:05 AM IST
ગીર-સોમનાથ, અમરેલી, જૂનાગઢ જિલ્લાનાં 294 ગામો અને દસલાખથી વધુ ગ્રામિણ માનવ વસાહતને અસરકર્તા ઇકોઝોનનાં કાયદા અંગે સોમવારે ગીર પંથકમાંથી એક પ્રતિનિધી મંડળ ગાંધીનગર મંત્રીમંડળ સમક્ષ રજૂઆત કરવા ગયેલ અને ઇકોઝોનની મર્યાદા દસ કીમીથી ઘટાડી 100 મીટર સુધી કરવા મુદાસર રજુઆત કરેલ. રજૂઆત સાંભળી મંત્રીમંડળએ 100 મીટરની મર્યાદા કરવાની રજૂઆત કેન્દ્ર સરકાર સમક્ષ મોકલી યોગ્ય નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું હતું.

ગીર-સોમનાથ અને જૂનાગઢનાં આગેવાનો ગાંધીનગર ખાતે પાંચ મંત્રી બાલુભાઇ બોખીરીયા, ગણપતભાઇ વસાવા, ચીમનભાઇ સાપરીયા, વલ્લભભાઇ વઘાસીયા, જશાભાઇ બારડ, દરેક વિભાગોનાં સચિવોની ઉપસ્થિતિમાં ઇકોઝોનનાં નવા કાયદાથી ઉભી થનારી મુશ્કેલી વર્ણવી હતી અને ગુજરાત રાજયમાં ગીરનાર, બરડા ડુંગર જયાં સિંહોનો વસવાટ છે. ત્યાં ઇકોઝોનની મર્યાદા 100 થી લઇ 1000 મીટરની રેન્જ કરવામાં આવી છે. તો ગીર પંથકનાં ત્રણ જિલ્લાનાં 294 ગામો અને દસ લાખથી વધુ ગ્રામિણ માનવ વસ્તીને અસરકર્તા અને વિકાસને અવરોધતા નવા ઇકોઝોનની રેન્જ દસ કિલોમીટરથી ઘટાડી 100 મીટર સુધી કરવા પ્રતિનિધી મંડળએ અસરકારક રજૂઆત કરેલ. રજૂઆત જાણી મંત્રીમંડળએ જણાવેલ કે 100 મીટરની રજૂઆત કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત સ્વરૂપે રાજય સરકાર મોકલી ઇકોઝોનની રેન્જ ઘટાડવા પ્રયત્નો કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું.

વેરાવળના દરિયાકિનારે વ્હેલ જાગૃતિ કાર્યક્રમ, રેતીમાં ઉપસાવી માછલીની આકૃતિ

Ravi Khakhkhar, Veraval | Nov 30, 2016, 18:40 PM IST

વેરાવળઃ લુપ્ત થતી દરીયાઇ પ્રજાતી વ્હેલ શાર્ક ના સરંક્ષણ અને સંવર્ઘન અભિયાન અર્તગત વનવિભાગ દ્વારા કાર્યક્રમ ગીર સોમનાથના સુત્રાપાડા મુકામે યોજાયો હતો.વિદેશ માથી સૈારાષ્ટ્રના સાગરકાંઠે પ્રજનન માટે આવતી વ્હેલ શાર્કની મોટી માત્રામાં માછીમારીના પગલે લુપ્ત થતી પ્રજાતી માં સમાવેશ થાય છે. સુત્રાપાડાના સાગરતટે બાળકોએ ૧૦૦ થીવઘુ વ્હેલ શાર્કના રેત શિલ્પ તૈયાર કરી અભિયાન માં સહભાગી બન્યા હતા. 
 
વ્હેલ શાર્ક સમગ્ર વિશ્વ માં સૌથી મોટી પ્રજાતીની માછલી ગણાય છે. ખાસ કરીને ડીસેમ્બરથી માર્ચ સુઘીના સમયગાળામાં આ વિદેશી દરીયાઇ પ્રજાતીની માછલી સૌરાષ્ટના દરિયાકિનારે પ્રજનન માટે પ્રતિવર્ષ આવે છે પરંતુ વર્ષ ર૦૦૧ પહેલા મોટીમાત્રામાં આ માછલીના શિકારના પગલે  ઘીમે ઘીમે આ દરીયાઇ પ્રજાતી લુપ્ત થવાના આરે આવી જતાં ભારત સરકાર દ્વારા વ્હેલ શાર્કને શેડયુલ વનના પ્રાણી માં સમાવેશ કરી તેના સંવર્ઘન અને સંરક્ષણ માટે મહા અભિયાન હાથ ઘરેલું. જેમાં સ્થાનીક માચ્છીમાર સમુદાયનો સહકાર જરૂરી બન્યો હતો. વર્ષ ૨૦૦૭ માં પ્રખર રામાયણી મોરારીબાપુએ આ અભિયાન અંર્તગત એક જાહેર કાર્યક્રમ યોજી વ્હેલ ને વ્હાલી દીકરી નો દરજજો આપી તેના રક્ષણ માટે માચ્છીમાર સમુદાયને આહવાન કરેલ હતું. જેને માચ્છીમાર સમુદાયે હોંશે હોંશે આવકારી વ્હેલ શાર્ક ના બચાવ અભિયાન માં સહભાગી બન્યા હતા.

ગિરનારની સીડી પર છાપરા માટે દરખાસ્ત થશે

DivyaBhaskar News Network | Nov 29, 2016, 05:45 AM IST

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ચેરમેને જૂનાગઢની મુલાકાત લીધી

પવિત્રયાત્રાધામ બોર્ડનાં ચેરમેન રાજુ ધ્રુવે જૂનાગઢની મુલાકાત લીધી હતી.જૂદા-જૂદા વિભાગનાં અધિકારીઓ સાથે મિટીંગ કરી હતી.જૂનાગઢ અને જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળનાં વિકાસ માટે જરૂરી સુચનો અને દરખાસ્ત કરવા અધિકારીઓને જણાવ્યું હતુ. જેમાં ખાસ કરીને ગિરનાર, ભવનાથ, દામોદરકુંડ,ઉપરકોટ, દાતાર પર્વત સહિતનાં વિકાસ માટે સુચનો કરવા કર્યુ હતુ. તેમજ ગિરનાર ઉપર પાણી પહોચાડવા અને સીડી ઉપર છાપરા અને વિસામો તૈયાર કરી શકાય તે માટે અધિકારીઓને દરખાસ્ત કરવા કહ્યું હતુ.

દામોદરકુંડની મુલાકાત લીધી

પવિત્રયાત્રાધામ વિકાસ બોર્ડનાં ચેરમેન રાજુ ધ્રુવે દામોદરકુંડની મુલાકાત લીધી હતી. તેમજ અહી અસ્થિ વિસર્જન માટે આવેલા સૈયદરાજપરાનાં પરિવારને મળ્યા હતા.અને દામોદરકુંડનાં વિકાસ માટે શું કરી શકાય તે અંગે તેની સાથે ચર્ચા કરી હતી.

ઊનામાંથી દીપડી અને કોડીનારમાંથી એક દીપડો પાંજરે પુરાયો

Bhaskar News Junagadh | Nov 30, 2016, 01:07 AM IST

ઊનાઃ લોકજાગૃતિને પગલે ઊનામાં માનવ વસતીમાં ફરતી દીપડીને વનતંત્રે પાંજરે પુરી હતી.  ઊના શહેરનાં દેલવાડા રોડ પર માનવવસતી  ધરાવતા શ્રીનગર સોસાયટી વિસ્તારમાં ધોળા દિવસે દીપડીનાં આંટાફેરાથી લોકો ભયગ્રસ્ત બન્યાં હતાં. આ દીપડીએ જોધાભાઇ રાજાભાઇ નામનાં વ્યકિત પર હુમલો કરી ઇજા પણ પહોંચાડી હતી. બાદમાં જાગૃત લોકોએ જશાધાર રેન્જ ઓફિસને જાણ કરતાં નવાબંદરનાં વીરાભાઇ ચાવડા, પી.કે.દમડીયા, વી.ટી.જાદવ સહિતનાં સ્ટાફે અહિંયા પાંજરા ગોઠવી દેતા બે દિવસની જહેમત બાદ દીપડી પાંજરે પુરાઇ જતાં જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાઇ હતી.

કોડીનારનાં મુળદ્વારકામાંથી દીપડો પાંજરે પુરાયો

કોડીનારનાં મુળદ્વારકામાંથી  દીપડો પાંજરે પુરાયો હતો. મુળદ્વારકામાં સિમેન્ટ કંપનીની જેટી વિસ્તારમાં દીપડાનાં આંટાફેરા જોવા મળતાં વનતંત્રને જાણ કરાતા અહિંયા મારણ સાથે પાંજરૂ ગોઠવી દેવામાં આવતાં સોમવારનાં રાત્રીનાં 6 વર્ષની ઉંમરનો દીપડો પાંજરે પુરાઇ જતાં તેને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાયો હતો.

વડાલમાં સિંહોએ લટાર મારી, વિડીયો વાઇરલ

DivyaBhaskar News Network | Nov 29, 2016, 05:40 AM IST
જૂનાગઢશહેરની બાજુમાં આવેલા વડાલ ગામે સિંહો લટાર મારી રહ્યા છેે. એવો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયો છે.જૂનાગઢ અને આજુબાજુનાં વિસ્તારમાં રાની પશુઓનું સામ્રાજ્ય છે. અહીંનાં જંગલમાં સદીઓથી સિંહોએ વસાહત કરી છે. એશિયાઇ સિંહોનું ઘર ગિરનાર વિસ્તારમાં છે. જેને જોવા માટે દેશ વિદેશનાં સહેલાણીઓ આવતા હોય છે. પરંતુ જૂનાગઢની આજુબાજુનાં વિસ્તારમાં સિંહો અવારનવાર આવતા હોય અચાનક જોવા મળે છે. સોશિયલ મીડીયામાં આવો એક વિડીયો વાઇરલ થયો છે. જો કે બાબતે વન વિભાગનાં આરએફઓ ટીલાળાએ જણાવ્યુ હતું કે, અફવા છે. વડાલમાં સિંહએ લટાર માર્યા હોવાની જાણ થતાં વન વિભાગના કહેવા મુજબ વિડિયો અન્ય કોઇ સ્થળનો છે. વડાલમાં સિંહોની કોઇ પ્રકારની હલચલ જોવા મળી નથી.

ઇકોઝોનમાં 291 ગામને અસર, ગાંધીનગરમાં બેઠક

DivyaBhaskar News Network | Nov 28, 2016, 05:00 AM IST
ઊનાનાં ધારાસભ્ય રજુઆત કરશે, ખેડુતો સાથે બેઠક કરી નિર્ણય લીધો

ઇકોસેન્સેટીવ ઝોનનો કાળો કાયદો જંગલ બોર્ડરનાં ગામોને વિપરીત અસર કરનાર હોય નાઘેર પંથકમાં તેનો ઉગ્ર વિરોધ થઇ રહયો છે. ત્યારે આવતીકાલે સરકારે ગાંધીનગરમાં બેઠક બોલાવી હોય ઊનાનાં ધારાસભ્ય અસરકારક રજુઆત કરનાર છે. કેન્દ્ર સરકારે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વન્યજીવ, પાણીયા વન્યજીવ આમ ત્રણ પ્રકારનાં અભયારણ હેઠળ ગીરપંથકનાં વિસ્તારોને ઇકોસેન્સેટીવ ઝોન હેઠળ આવરી લેવા જાહેરનામું પ્રસિધ્ધ કરતાં જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી જિલ્લાનાં જંગલ બોર્ડર નજીક આવતાં 291 જેટલા ગામોને તેની વિપરીત અસર થનાર હોય ભારે વિરોધ વંટોળ ઉઠવા પામ્યો છે. આવતીકાલે રાજય સરકારે ગાંધીનગરમાં મુદ્દે બેઠક યોજેલ છે ત્યારે રવિવારે કોંગ્રેસનાં ધારાસભ્ય પુંજાભાઇ વંશે ઊના - ગીરગઢડા પંથકનાં 40 ગામનાં આગેવાનો, ખેડુતો સાથે બેઠક યોજી હતી. 40 ગામો ઇકોઝોન હેઠળ આવે તો કાયમી માટે જંગલ ખાતાનાં જડ નિયમોનો ભોગ બનવું પડે તેમ છે. ગીર સંરક્ષીત હેઠળનાં વિસ્તારોની જીપીએસ લોકેશન યંત્ર દ્વારા માપણી કરાઇ છે અને ઊના, ગીરગઢડા, વિસાવદર, માળિયા, મેંદરડા, તાલાલા, કોડીનાર, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા, ધારી તાલુકાનાં ગામો 5 થી 10 કિમી અંતરનાં તમામ જંગલને અડીને આવેલા છે. તમામ રાજકીય પક્ષનાં લોકો કાળા કાયદા સામે નારાજગી બતાવી રહયાં છે.

સોરઠનાં દરિયાકાંઠે પ્રવાસી પક્ષીઓ ‘મોંઘેરા મહેમાન’

DivyaBhaskar News Network | Nov 28, 2016, 05:05 AM IST
    સોરઠનાં દરિયાકાંઠે પ્રવાસી પક્ષીઓ ‘મોંઘેરા મહેમાન’,  junagadh news in gujarati
સોરઠનોદરિયાકાંઠો એટલે છેક સાઇબીરીયાથી ઉડાન ભરી શિયાળો ગાળવા આવતા પ્રવાસી પક્ષીઓ માટેનુ સ્વર્ગ. શાંત અને નયનરમ્ય દરિયાકાંઠો દર વર્ષે પ્રવાસી પક્ષીઓને આકર્ષે છે. એટલે કોઇ નાની સુની સંખ્યામા નહી લાખોની સંખ્યામા પ્રવાસી પક્ષીઓ અહીના દરિયાકાંઠે શિયાળો ગાળવા આવે છે. છેલ્લા એક પખવાડીયાથી આવા પક્ષીઓના ઝુંડના ઝુંડ અહી ઉતરી રહ્યાં છે. સોરઠ ઉપરાંત રાજુલા, જાફરાબાદ તાલુકામા વિકટરનો ખારો હોય કે ચાંચબંદરનો દરિયાકાંઠો હોય કથીરવદરનો દરિયાઇ વિસ્તાર હોય કે પીપાવાવ પંથકનો વિસ્તાર હોય હાલમા માત્રને માત્ર સંભળાઇ રહ્યો છે. પંખીઓનો કોલાહલ. આકાશમાથી જાણે કોઇ ઇન્ટરનેશનલ ફલાઇટ ઉતરતી હોય તેમ પ્રવાસી પક્ષીઓના ઝુંડના ઝુંડ દરિયાકાંઠે ઉતરી રહ્યાં છે. આમપણ દર વર્ષે કુંજ, સુરખાબ, પેલીકન સહિતના પ્રવાસી પક્ષીઓ દર વર્ષે અહી શિયાળો ગાળવા માટે આવે છે. સોરઠનાં દરિયાકાંઠે પક્ષીઓને ભરપુર ખોરાક મળી રહે છે. વળી સૌથી મોટી વાત છે કે ઔદ્યોગિક વિકાસના યુગમા પક્ષીઓને માણસની સૌથી મોટી કનડગત રહે છે.