Friday, September 28, 2007

News and Articles in Gujarati Language.

ગીર જંગલ વિસ્તારના કાંઠા વગરના કૂવાઓને બાંધવાનું અભિયાન
રાજકોટ તા.૨૬
સમગ્ર એશિયામાં એકમાત્ર ગીરના જંગલમાં વિહરતા સિંહોના જંગલના કાંઠાળ વિસ્તારમાં ખુલ્લા કૂવામાં પડી જવાથી મોત નિપજવાના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. છેલ્લા છ વર્ષમાં સિંહ કૂવામાં પડી જવાના ૪૭ બનાવ બન્યા છે. જેમાંથી ૨૪ સિંહોના મોત નિપજયા છે જયારે ૨૩ સિંહને વનખાતા દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. સિંહ ખુલ્લા કૂવાની અંદર પડી ન જાય તે માટે દિવાલ બનાવવા માટે વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન ટ્રસ્ટે બીડુ ઝડપ્યું છે અને એક હજાર કૂવાને દિવાલ બનાવવા માટે વન ખાતા સાથે એમ.ઓ.યુ. કરીને આ કાર્યના શ્રીગણેશ કર્યા છે.

ગીરના કાંઠાળ વિસ્તારમાં ખુલ્લા કૂવામાં પડીને મોતને ભેટતા સિંહને બચાવવા માટે ખુલ્લા કૂવાના કાંઠા બાંધવા માટે ટ્રસ્ટ દ્વારા પ્રવૃતિ હાથ પર લેવામાં આવી છે. ગીર જંગલની ફરતે છ કિલોમીટર વિસ્તારમાં દસ તાલુકામાં ૧૫૮ ગામોમાં જંગલ ખાતાના સર્વે મુજબ ૮૭૭૮ કૂવા કાંઠા વગરના છે. આ વિસ્તાર રેવન્યુ ગણાય છે જયારે જંગલ વિસ્તારમાં સાતસો જેટલા ખુલ્લા કૂવાને જંગલ ખાતાએ ઢાંકી લીધા છે. ખાસ કરીને કોટડા, પાણીયા, ચાંચઈ અને દલખાણીયા, આ ચાર ગામો સિંહ માટે સંવેદનશીલ હોયટ્રસ્ટ દ્વારા હાલમાં આ ચાર ગામોમાં ખુલ્લા કૂવા ઢાંકવામાં આવશે. પાણીયા ઝોન વધારે જોખમી ગણાય છે.

ટ્રસ્ટ દ્વારા આર.સી.સી. પાટીયા વાપરીને સારી અને ઓછા ખર્ચવાળી દિવાલની ડિઝાઈન બનાવવામાં આવી છે. જેને ગાંધીનગર વન ખાતાએ માન્ય કરી છે. જેમાં દિવાલ બાંધવાનો ખર્ચ દસ હજાર જેવો થશે. જેમાં વન ખાતુ ચાર હજાર રૂપિયાની સબસીડી આપશે. ટ્રસ્ટ દ્વારા હાલમાં ૧૦૧ કૂવાના કાંઠા બાંધવાની પ્રવૃતિ ગત તા.૨૨-૯થી ઉકત ગામોમાં શરૂ કરવામાં આવી છે, જે બે માસમાં પૂર્ણ થશે. ટ્રસ્ટ દ્વારા એક હજાર કૂવાના કાંઠા બાંધવાનું લક્ષ્યાંક છે. કૂવાના કાંઠા બાંધવા માટે ખેડૂતો અને વન ખાતા દ્વારા બેલા પથ્થરનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ તેમાં સમય અને ખર્ચ વધુ થતા હતા. ટ્રસ્ટ દ્વારા આજે વન વિભાગના અધિકારી સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. તેમજ ગીરના આસપાસના ગામડામાં ગ્રામસભા ભરી ખુલ્લા કૂવાથી સિંહના અસ્તિત્વના જોખમ અંગે જાણકારી આપીને સહકાર મેળવવા પ્રયત્ન કરવામાં આવશે. ગીરમાં ખુલ્લા કૂવાના કાંઠા બાંધવા માટે રિલાયન્સ સહિત અનેક સંસ્થાઓએ રસ બતાવ્યો હતો પરંતુ હજુ સુધી તેમાં કોઈ નકકર કામગીરી થઈ નથી. ટ્રસ્ટ દ્વારા ૯૬ કૂવાના કાંઠા વેનીસીંગ હર્ડ ફાઉન્ડેશન-મુંબઈના સહકારથી બાંધી આપવામાં આવ્યા છે. ટ્રસ્ટ દ્વારા આ ઉપરાંત બીટ ગાર્ડ માટે એવોર્ડ, ગીરના ગામડાની સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ગીરની જાળવણી માટે એવોર્ડ, વન ખાતાના અધિકારીઓ માટે એવોર્ડ, શિક્ષકો માટે એવોર્ડ, સિંહ અંગેના સંશોધન માટે એવોર્ડ વગેરે જાહેર કરવામાં આવ્યા છે. પત્રકાર પરિષદમાં ટ્રસ્ટના કિશોરભાઈ કોટેચા, ડો. એમ. જી. મારડીયા, વિમલ રાવલ, બાલેન્દ્ર વાઘેલા, તુષાર ગોકાણી અને કમલેશભાઈ શાહ તથા આર. એફ. ઓ. અટાળા હાજર રહ્યા હતા.

SOURCE: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsCatID=48&NewsID=24500&Keywords=Rajkot%20city%20gujarati%20news

No comments: