Friday, June 28, 2013

રાજુલા ખાંભા વચ્ચેના રસ્તા પર ૧૪ સાવજોનું ટોળું આવી ચડ્યું.


Bhaskar News, Rajula | Jun 28, 2013, 02:31AM IST
- સિંહદર્શનની મજા સાથે જ ગ્રામજનોમાં ફફડાટની લાગણી

રાજુલાથી ખાંભા રોડની વચ્ચે આવેલા પથ્થરમાર વિસ્તારમાં ગત મોડીરાત્રીના એક સાથે ૧૪ સાવજોનું ટોળુ આંટાફેરા મારી રહ્યું હોય લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સાવજોની ડણકોથી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અહી ઉભા રહી ગયા હતા. અને સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. વનવિભાગને જાણ થતા અહી સ્ટાફ પણ દોડી આવ્યો હતો.

ગીર જંગલમાં વસતા સાવજો હવે જાણે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજુલાથી ખાંભા વચ્ચે આવેલા પથ્થરમાર ડુંગરાળ વિસ્તારમાં એક સાથે ૧૪ સાવજો આવી ચડયા હતા. એક સાથે આટલા બધા સાવજોનું ટોળુ આવી ચડતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

હાલમાં રાજુલા પંથકમાં વરસાદ પડી જતા ડુંગરાળ વિસ્તારો લીલાછમ બની ગયા છે. આ વિસ્તારોમાં આમ તો સાવજો જોવા મળે જ છે. પરંતુ ગઇકાલે એક્સાથે ૧૪ સાવજોનું ટોળુ આવી ચડયુ હતુ. સાવજોની ડણકોથી અહીથી પસાર થતા વાહન ચાલકો થોડીવાર માટે ઉભા રહી ગયા હતા. અને સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો.

આ અંગે વનવિભાગને પણ જાણ કરવામાં આવતા વનવિભાગનો સ્ટાફ પણ અહી દોડી આવ્યો હતો. એક સાથે ૧૪ સાવજોનું ટોળુ આ વિસ્તારમાં આવી ચડયુ હોય ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ભય ફેલાયો છે. અને ખેડુતો વાડી ખેતરોમાં જતા પણ ભય અનુભવી રહ્યાં છે.

રાજુલા : ફાંસલામાં ફસાયેલી દીપડીએ બચ્ચાંને જન્મ આપ્યો.

રાજુલા : ફાંસલામાં ફસાયેલી દીપડીએ બચ્ચાંને જન્મ આપ્યો
Bhaskar News, Rajula, Dhari   |  Jun 27, 2013, 03:07AM IST
- રેસ્કયુ ટીમ દ્વારા દીપડી અને બચ્ચાંને બચાવી લેવાયા

રાજુલા તાલુકાના કાતર ગામની સીમમાં આવેલ એક વાડીમાં એક દિપડી વાડમાં ફસાઇ ગઇ હતી. સવારે આ વાતની જાણ થતા વાડી માલિકે વનવિભાગને જાણ કરતા જસાધારથી રેસ્કયુ ટીમ અહી દોડી આવી હતી. અને દિપડીને બચાવી લીધી હતી. અહી એક બચ્ચુ પણ મળી આવ્યુ હતુ.

કાતર ગામે આવેલ વાલાભાઇ ઉકાભાઇની વાડીમાં ગતરાત્રીના એક દિપડી વાડમાં ફસાઇ ગઇ હતી. સવારે આ અંગે વાડી માલિકને જાણ થતા તેઓએ વનવિભાગને જાણ કરી હતી. ઇન્ચાર્જ આરએફઓ રાઠોડ સહિ‌ત ડેરભાઇ, પઠાણભાઇ, નરેશભાઇ, પ્રતાપભાઇ સહિ‌ત રેસ્કયુ ટીમ અહી દોડી આવી હતી. અને મહામહેનતે દિપડીને બચાવી લીધી હતી. બાબુભાઇ વરૂ, અશોકભાઇ ધાધલ સહિ‌ત ગામના આગેવાનો પણ અહી દોડી આવ્યા હતા.
આ અંગે ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતુ કે આ દિપડી ફાંસલામાં ફસાઇ ગયાની શંકા હોય તે દિશામાં આગળ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દિપડી સગર્ભા હાલતમાં હોય બાજુની વાડમાંથી દિપડીનું બચ્ચુ પણ મળી આવ્યુ હતુ. વનવિભાગે દિપડી અને બચ્ચાને હાલ જસાધાર એનીમલ કેર સેન્ટરમાં સારવાર માટે ખસેડયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજપરડા ગામેથી પણ પાંચેક દિવસ પહેલા વનવિભાગે એક દિપડીને બચાવી લીધી હતી.

ક્રાંકચ નજીક ત્રણ સિંહણ-સાત બચ્ચાં ત્રણ નદીના પૂર વચ્ચે ફસાયા


Bhaskar News, Liliya | Jun 20, 2013, 00:54AM IST
- હજુ વધુ પૂર આવશે તો સાવજ પરિવાર પર ખતરો

લીલીયા તાલુકાનો ખારાપાટ વિસ્તાર સાવજોને માફક આવે તેવું નવું ઘર છે તેની સાથે સાથે આ વિસ્તાર સાવજો માટે જોખમી પણ એટલો જ છે. હાલમાં શેત્રુજી, ગાગડીયો અને ખારી નદીમાં ભારે વરસાદના કારણે પુર આવતા આ ત્રણેય નદીઓ વચ્ચે આવેલા વિસ્તારમાં સાત સિંહબાળ અને ત્રણ માદા ફસાઇ જતા તેમના જીવ પર ખતરો ઉભો થયો છે.

લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં ભુતકાળમાં પણ શેત્રુજી નદીના પુરે કેટલાક સાવજોનો ભોગ લીધો હતો. ભારે પુરમાં તણાયેલા સાવજોના પાછળથી મૃતદેહ મળ્યા હતાં. અહિંની બાવળની કાંટ સાવજોને માફક આવી ગઇ છે. સાવજોને શિકાર પણ મળે છે.

આ વિસ્તાર સાવજો માટે ઉત્તમ રહેઠાણ છે પરંતુ શેત્રુજી અને અન્ય નદીઓના પાણી દર ચોમાસામાં ખારાપાટ વિસ્તારમાં ફરી વળે છે અને મહિનાઓ સુધી પાણી ભરેલા રહે છે. જો કોઇ સાવજો આ પાણી વચ્ચે ફસાય તો તેના સામે ખતરો ઉભો થાય છે.

હાલમાં આવી જ સ્થિતિનું નિર્માણ થયુ છે. શેત્રુજી, ગાગડીયો અને ખારી નદીમાં તાજેતરના વરસાદમાં ભારે પુર આવ્યા હતાં. જેના કારણે ત્રણ સિંહણ તેના સાત બચ્ચા સાથે આ ત્રણેય નદીઓ વચ્ચે હાલમાં ફસાઇ હોવાનું જાણવા મળેલ છે. સાત સિંહબાળ પૈકી કેટલાક તો તદન નબળા છે.

જો હજુ વધુ વરસાદ આવે અને નદીઓના પાણી ફરી વળે તો આ સાવજો સામે ખતરો છે. અગાઉ સ્થાનિક પ્રકૃતપિ્રેમી મહેન્દ્રભાઇ ખુમાણે આવી સ્થિતિ ન સર્જાય તે માટે યોગ્ય પગલા લેવા વનતંત્રને રજુઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઇ પગલા લેવાયા ન હતાં.

ગુજરાતના આ ગામમાં છે કુદરતી સૌંદર્યથી છલકાતું પ્રાચીન સ્થળ!

ગુજરાતના આ ગામમાં છે કુદરતી સૌંદર્યથી છલકાતું પ્રાચીન સ્થળ!
- લોકવાયકા મુજબ પાંડવોએ અહી વનવાસ દરમિયાન લાંબો સમય નિવાસ કર્યો હતો

અતિપૌરાણિક અને કુદરતી સૌદર્યથી છલકાતું એવુ પ્રાચીન સ્થળ છે અમરેલી જિલ્લાના ખાંભાના ટિંબી નજીક આવેલ સાણા ડુંગર. અહી લગભગ ૬૦ જેટલી બૌદ્ધ ગુફાઓ આવેલી છે. અહી ભીમચોરી, એભલમંડપ, ચૈત્ય ગુફા સહિત નાની મોટી ગુફાઓ આવેલી છે.

એવી પણ લોકવાયકા છે કે અહી પાંડવોએ વનવાસ દરમિયાન લાંબા સમય સુધી વાસ કર્યો હતો. ત્યારે હાલ આ સ્થળે પહોંચવા માટેનો માર્ગ જ બિસ્માર હોવાથી અહી પ્રવાસીઓ આવતા નથી. ત્યારે આ પ્રાચીન સ્થળનો વિકાસ જરૂરી છે.