Sunday, December 21, 2008

ગીરના સાવજો લાઠી, વડિયા, બાબરાના વિસ્તારો ‘સર’ કરશે

Bhaskar News, Amreli
Sunday, December 21, 2008 00:21 [IST]

lion-suleman-patelગીર જંગલમાંથી બહાર નીકળેલા સાવજોનું રહેઠાણ સતત વિસ્તરતું જાય છે. સાવજોએ હવે લાઠી, વડિયા અને બાબરા તાલુકાને દરવાજે દસ્તક દીધા છે. ગીર જંગલ સિંહ માટે ટૂંકુ પડતું હોય જંગલ બહાર વસવાટ કરતાં સિંહોએ અમરેલી જિલ્લાનો મોટા ભાગનો વિસ્તાર ‘‘સર’’ કરી લીધો છે.

જિલ્લાના આ તાલુકા સિવાયના તમામ તાલુકામાં સાવજની વસતી પહોંચી ચૂકી છે. આગામી અડધો દાયકામાં આ ત્રણ તાલુકામાં પણ સિંહ પોતાનો વસવાટ બનાવે તેવા સંજોગો છે.

લોકો સાવજને જંગલનો રાજા કહે છે પરંતુ ગીરના સાવજો માત્ર જંગલના રાજા નથી. હવે રેવન્યુ વિસ્તારમાં પણ તે પોતાની આણ વર્તાવતા જાય છે. ગીર જંગલ તો વર્ષો પહેલાં તેમના માટે ટૂંકું પડયું હતું જેથી જંગલ બહાર માનવ વસવાટ તરફ તેમનો પગપેસારો થયો હતો. સાવજને બચાવવાની ઝુંબેશના કારણે વસતી સતત વધતી જતી હોય તેમનું રહેઠાણ પણ વિસ્તરતું જાય છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, જંગલ બહાર નીકળેલા સાવજોની સૌથી વધુ વસતી અમરેલી જિલ્લામાં છે અને તેની સંખ્યા પોણોસો ઉપરાંત છે. ખાંભા, ધારી, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા તાલુકામાં વર્ષોથી સિંહો વસે છે. પાછલા એક દાયકામાં લીલિયા, અમરેલી, મહુવા, પાલિતાણા પંથક સુધીતેનો વિસ્તાર થયો છે.

થોડા મહિનાઓથી બગસરા અને ગોંડલ પંથકમાં તેની હાજરી દેખાઇ રહી છે. તેમની ગતિ હવે લાઠી, વડિયા અને બાબરા તરફ છે. આગામી એક દાયકામાં હજુ વધુ કેટલાક વિસ્તાર પર સિંહની આણ વર્તાતી હશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

ગીર જંગલમાંથી નીકળતી શેત્રુંજી નદીના કાંઠે કાંઠે સાવજ આગળ નીકળતા ગયા છે. શેત્રુંજી નદી સાવજ માટે જીવનદાયિની બની છે. આ નદીનો તટ પ્રદેશ સિંહને સૌથી વધુ માફક આવ્યો છે. શેત્રુંજીને કારણે તેમને પાણીનો સ્ત્રોત મળી રહે છે, ઉપરાંત શિકાર પણ મળી રહે છે. વળી નદીના કોતરો તેના બરચાને સુરક્ષા પણ પૂરી પાડે છે. પરિણામે જેમ-જેમ સાવજોના ગ્રુપ વિસ્તરતા ગયા તેમ તેમ શેત્રુંજી કાંઠે આગળ વધતા ગયા. અમરેલી, લીલિયા, સાવરકુંડલા તાલુકાને વીંધી છેક પાલિતાણા સુધી પહોંચી ગયા છે.

હવે બગસરા અને ગોંડલ તાલુકામાં સાવજનો પગપેસારો થયો છે. બગસરા તાલુકામાં સાવજનું એક ગ્રુપ વસતું હોય મારણની ઘટના જાણે રોજિંદી બની ગઇ છે. વાડી ખેતરમાં કામ કરતા કરતા ગમે ત્યારે સાવજનો સામસામે ભેટો થાય છે.

આવનારા સમયમાં પણ સાવજ પોતાના નવા ઘર શોધશે. માનવી અને સિંહ તાલમેલ મિલાવતા જાય તો બંનેમાંથી કોઇને પણ ખતરો નથી, આ પંથકની પ્રજાએ સાવજને સ્વીકારી લીધો છે. સાવજ જયાં પોતાનું ઘર બનાવશે તે પ્રજાએ પણ તેને સ્વીકારવા પડશે.

Source: http://www.divyabhaskar.co.in/2008/12/21/0812210022_lions_of_gir.html

Friday, December 19, 2008

અભયારણ્યના અભાવે પ્રાણીઓ માથે ભય

Bhaskar News, Bayad
Friday, December 19, 2008 01:24 [IST]

સાબરકાંઠા જીલ્લામાં અનેક પ્રકારના વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. જીલ્લામાં કુલ ૧ર૬૩ ચો. કિ.મી. વિસ્તાર અંદાજે જંગલો ધરાવતો છે. જીલ્લાના વિજયનગર પંથકમાં ગીચ જંગલો આવેલા છે. જીલ્લામાં કુલ ૪ તાલુકામાં વન્ય પ્રાણીઓ હોવાનુ જંગલ ખાતા ઘ્વારા નોંધણી થવાથી અહેવાલ બહાર આવ્યો છે.

જેમાં વિજયનગર, ખેડબ્રહ્મા, વડાલી, ઇડર વગેરે પંથકમાં વન્ય પ્રાણીઓનો વસવાટ હોવાનું પુરવાર થવા પામ્યુ છે. જંગલ ખાતાના એક સર્વે મુજબ સૌથી વધુ દિપડા ઇડર તથા વડાલીમાં હોવાનું બહાર આવ્યું છે. આ બંને પંથકમાં કુલ ૯ થી ઉપરાંત દિપડાઓ વસવાટ કરી રહ્યા છે.

સંખ્યા બંધ પ્રાણીઓની પ્રજાતીનો વસવાટ એવા સાબરકાંઠા જીલ્લામાં એકપણ અભયારણ્ય ન હોવાથી આ પ્રાણીઓના અસ્તિત્વ સામે મોટુ ઝોખમ નજીકના સમયમાં તોળાઇ રહ્યું છે. વડાલીના નાદરી ગામે થોડા સમય પહેલાં એક દિપડો કુવામાં પડી જતાં તેને અંશત: ઇજાઓ થવા પામી હતી. આ દિપડો પડતાં ગામમાં ભારે નાશ ભાગ સાથે ભયનું વાતાવરણ પણ ઉપસ્થિત થવા પામ્યું હતુ.

ત્યારે જંગલ ખાતાની ટીમે આ દિપડાને હેમખેમ બહાર કાઢી જંગલમાં છોડી મુકયો હતો. આવો જ બનાવ બાયડ તાલુકામાં પણ ભૂતકાળમાં નોંધાવા પામ્યો હતો. તાલુકાના અમીયાપુર, ની કોતરોમાં દિપડો દેખાયો હતો જેને લઇ પણ ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. એક તરફ જંગલો ધીરે ધીરે ઓછા થતા જાય છે.

ત્યારે આ વન્ય પ્રાણીઓને રહેવા માટે હવે કોઇ સ્થાન ન રહેતાં પ્રાણીઓ મનુષ્ય વસવાટ તરફ આવી જાય છે. જીલ્લામાં આ પ્રાણીઓના અસ્તિત્વને લઇ અભયારણ્ય બનાવવામાં આવે તેવી માગણી જીવદયા પ્રેમીઓમાં ઉઠવા પામી છે. અભયારણ્ય હોવાથી પ્રાણીઓ મુકત મને જંગલોમાં ફરી પોતાનું અસ્તિત્વ ટકાવી શકે તેમ છે.

અરવલ્લીમાં અભયારણ્ય બની શકે તેમ છે

સાબરકાંઠા જીલ્લામાં વિજયનગર પંથકમાં આવેલ અરવલ્લીની ગીરીમાળાઓ ગાઢ વૃક્ષાદિત છે. જયારે વિજયનગરના પોળો વિસ્તારને આવરી લઇ આ સ્થળે અભયારણ્ય બનાવવામાં આવે તો પ્રાણીઓ તથા વર્ષોપ્રાચીન પોળોને પણ પ્રધાન્ય મળે તથા પયર્ટકોને પ્રાચીન સ્મારક તથા પ્રાણીઓ એક જ સ્થળે જોઇ શકાય તેમ છે.

અભયારણ્યથી પયર્ટકો પણ આકર્ષાઇ શકાય છે

જીલ્લામાં વિજયનગર પંથકમાં અભયારણ્ય બનાવવામાં આવે તો સંખ્યા બંધ પયર્ટકો પ્રાણીઓ જોવા આવે ત્યારે સરકારને આવકમાં પણ વધારો થાય તેમ છે. જયારે આપ પંથકના સંખ્યા બંધ લોકોને પણ રોજગારી મળી શકે તેમ છે.
Source: http://www.divyabhaskar.co.in/2008/12/19/0812190124_sentury_animals_fear.html

Thursday, December 18, 2008

૩૬ ઘેંટાના મોત માટે જરખ જવાબદાર હતું

અમરેલી, તા,૧૬
અમરેલી નજીકના નાના આંકડીયામાં ભરવાડનાં વાડામાં મધરાતે એક સાથે ૩૬ ઘેંટાના નિપજેલ મોત અંગે જવાબદાર દીપડો નહીં પણ જંગલી જરખ હોવાનું વન વિભાગની તપાસમાં ખૂલ્યું છેે. મધરાતે જરખે કાંટાળી વાડમાં છીંડુ પાડી ઘૂસી જઈ દસ ઘેંટાને બોચીએથી ઘાયલ કર્યા હતા. જરખના ઓચિંતા હૂમલાથી બીકના માર્યા બાકીના ઘેંટાના મોત નિપજયા હોવાનું વનવિભાગે સત્તાવાર રીતે જણાવ્યુ છે.

અમરેલીના નાના આંકડીયા ગામના ભરવાડ ભોળાભાઈ સીંધાભાઈ ગમારાના વાડામાં રહેલા ૭૦ પૈકીના ૩૬ ઘેંટાના નિપજેલ મોત રહસ્ય પમાડે તેવા હતાં. વનવિભાગની પ્રાથમિક તપાસ અને ગ્રામજનોના કહેવા મૂજબ તેમ જ નદી કાંઠેથી દીપડાના પગના નિશાન જેવા ચિન્હો જોવા મળતાં પ્રથમ દ્રષ્ટિએ દીપડાએ હુમલો કર્યાનું મનાતુ હતુ.પણ ગઈ રાતે વનવિભાગના સ્ટાફે અને સ્થાનિક તંત્રએ ફરી વખત સ્થળ પર જઈ તપાસ કરતા આ ઘેંટાના મોત અંગે દીપડો નહીં પણ જરખ જ જવાબદાર હોવાનું જણાયું હતું. જરખે રાતે કાંટાળી વાડમાં છીંડું પાડી અંદર ઘૂસી દસ ઘેંટાની બોચી પકડી ઘાયલ કરતા બાકીના ઘેંટાના બીકના માર્યા જ રામ રમી ગયા હતાં. જેના પરિણામે ભરવાડને હવે દસ ઘાયલ થયેલા ઘેંટા અંગેનું વળતર વનવિભાગ ચૂકવશે. વનવિભાગની તપાસ પૂર્ણ થતા મોતને ભેટેલા ઘેંટાઓને સીમમાં દાટી દેવામાં આવ્યાં છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=35015

નાના આંકડિયામાં વાડામાં ૩૬ ઘેટાનાં રહસ્યમય મોત

અમરેલી તા.૧પ
અમરેલી નજીક આવેલા નાના આકડીયા ગામના એક ભરવાડનાં કાંટાળા વાડામાં ૩૬ ઘેટાના રહસ્યમય રીતે મૃત્યુ નિપજતાં ચકચાર જાગી છે. ઘટનાના પગલે જંગલખાતાએ સ્થળ તપાસ કરતા વાડાની આસપાસ દીપડાના પગના નિશાન જોવા મળ્યા છે. આથી, દીપડાએ ઘેટા માર્યા હોવાનું પ્રાથમિક રીતે જણાય છે. સાથે એવી શંકા પણ ઉઠે છે કે, એક સાથે આટલી બધી સંખ્યામાં દીપડો મારણ કરી ન શકે. આથી, આ કૃત્ય અન્ય કોઈનું છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમરેલી નજીકના નાના સાંકડીયા ગામમાં રહેતા ભરવાડ ભોળાભાઈ સીંધાભાઈ ગમારાનો ગામના પાદરમાં નદી કાઠે ગોળાકાર અને બાવળની કાંટાળી ઝાડીવાળો વાડો આવેલો છે. આ વાડામાં ૭૦ જેટલા ઘેટા છૂટા રહેતા હતા. વાડાની બાજૂમાં જ ખાટલો ઢાળીને ભોળાભાઈ સૂતો હતો. ત્યારે મધરાતે એક વાગ્યા આસપાસ વાડામાં ઘેટાઓની દોડા-દોડીની અવાજ આવતા તેણે સફાળા જાગીને જોયું તો અસંખ્ય ઘેટા લોહીલુહાણ હાલતમાં તરફડીયા મારતા હતા. કેટલાક ઘેટા મૃત્યુ પામ્યા હતા. આ વાત વહેલી સવાર ગામમાં વતી પ્રસરી જતા સ્થળ પર જોયુ તો ૩૬ ઘેટા મૃત હાલતમાં પડયા હતા. તમામ મૃત્યુ ડોક મરડવાથી કે ત્યાંથી બચકંુ ભરવાથી થયું હોવાનું ઘેટાની ડોક પરના નિશાન પરથી જણાતું હતું.

આ ઘટના અંગે પ્રથમ પોલીસમાં બાદ વન વિભાગને જણ કરાતા વન વિભાગનો સ્ટાફ ડોકટર સાથે ધસી આવ્યો હતો. તેમણે સ્થળનુ પંચનામું કરી દરેક એંગલથી તપાસ કરતા વાડાની નીચે નદી કાંઠે દીપડાના પગમાં નિશાન જોવા મળ્યા હતા. જેના પરથી કોઈ વન્ય પ્રાણીએ હુમલો કર્યો હોય તેવુ અનુમાન કાઢવામાં આવ્યુ છે. જો કે, ઘેટાના એક જ પ્રકારથી ડોક મરડવાથી જ મૃત્યુ નિપજતા કોઈનુ ષડયંત્ર હોય શકે તેવી પણ શંકા ઉદભવે છે. ગામના સરપંચ કુરજીભાઈ શંભુભાઈ જાવીયાએ જણાવ્યુ કે, દીપડો હોય તો તે રાત્રે ફરી વખત આવી શકે જેથી સાવચેતીના પગલા રૃપે આજની રાત દીપડાને પકડવા પાંજરૃ મૂકાય તેવી યોજના છે.જંગલખાતાએ પણ લોકોને આજની રાત જાગવા અને પહેરો કરવા સૂચના આપી છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=34772

પ્રોજેકટ ટાઇગર જેવો જ હવે પ્રોજેકટ એશિયાટિક લાયન

Bhaskar News, Rajkot
Thursday, December 18, 2008 00:21 [IST]

વિશ્વભરમાં પ્રખ્યાત ગીરના સિંહોને બચાવવા માટે ભારત સરકારે એક વિશિષ્ટ યોજના ઘડી કાઢી છે. મુખ્યમંત્રીએ સિંહોના સંવર્ધન માટે પ્રોજેકટ ટાઇગર જેવી યોજના સિંહો માટે પણ ઘડવી જોઇએ તે મતલબની રજૂઆત દિલ્હી ખાતે કરી હતી જેનો સાનુકૂળ પ્રતિસાદ મળતાં ગુજરાત સરકારે રૂ. ૮ર કરોડના બે પ્રોજેકટસ વન અને પર્યાવરણ વિભાગને મોકલી આપ્યા છે.

Tigerઆ પ્રોજેકટસનો અભ્યાસ કરીને જરૂરી ફંડ રિલીઝ કરવામાં આવશે. મુખ્યમંત્રી મોદી અને રાજયસભાના સાંસદ પુરુષોતમ રૂપાલાએ એશિયાટિક લાયન કન્ઝર્વેશન સ્કીમ હેઠળ ખાસ સિંહો માટે પ્રોજેકટ હાથ ધરવો જોઇએ તેવી રજૂઆત વન અને પર્યાવરણ વિભાગે, વડાપ્રધાન તેમજ આયોજનપંચ સમક્ષ કરી હતી.

અત્યાર સુધી પ્રોજેકટ ટાઇગર અંતર્ગત માત્ર વાઘને જ સંવર્ધન આપતી યોજના અસ્તિત્વમાં હતી પરંતુ સિંહો માટે પણ આવા જ પ્રોજેકટની માગણી અંતે કેન્દ્રે સ્વીકારી લીધી હતી. પ્રોટેકશન ઓફ વાઇલ્ડ લાઇફ આઉટ સાઇડ પ્રોટેકેટડ એરિયાઝ અંતર્ગત નવી સુધારેલી યોજના હેઠળ સિંહોનો પણ સમાવેશ કર્યોછે.

કુલ રૂ. રપ૦ કરોડની આ યોજના છે પરંતુ આ માટે રાજય સરકારે તેના તરફથી રૂ. ૬ર કરોડ અને રૂ. ર૦ કરોડના જુદા જુદા બે પ્રોજેકટસ તૈયાર કરીને વન અને પર્યાવરણ વિભાગને મોકલાવી આપ્યા છે. આ પ્રોજેકટસનો અભ્યાસ કરીને આગામી એક દોઢ મહિનામાં આ માટેનું જરૂરી ફંડ કેન્દ્ર સરકાર ફાળવી આપશે. હાલ આ તમામ બાબતો આયોજન પંચની વિચારણા હેઠળ છે.

નોંધનીય છે કે ડેવલપમેન્ટ ઓફ નેશનલ પાર્ક એન્ડ સેન્ચયુરીઝ તરીકે ઓળખાતી કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજનાને આ ડિસેમ્બરમાં મહિનામાં ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ વાઇલ્ડ લાઇફ હેબીટેટસ તરીકે નવું નામ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત રૂ. ૪પ૦ કરોડ, રૂ. રપ૦ કરોડ અને રૂ. ૧૦૦ કરોડની જુદી જુદી ત્રણ યોજના મળીને કુલ રૂ. ૮૦૦ કરોડનો પ્રોજેકટ તૈયાર કરાયો છે.

પ્રોજેકટ હેઠળ શું થશે

પર્યાવરણને બચાવવા અને સિંહોને સંર્વધિત કરવા જરૂરી તમામ પગલાંઓ લઇને ઇકો સસ્ટિમને વધુ અસરકારક બનાવાશે. જાણવા મળતી વિગતો મુજબ આ માટે સિંહોના ગળે ગ્લોબલ પોઝીશનિંગ સસ્ટિમ (જીપીએસ) લગાવીને તેમની ગતિવિધિઓનો ખ્યાલ રખાશે. સિંહો હાલ ગીરનું જંગલ વળોટીને બહાર નીકળી ગયા હોય તેમના પર ચાંપતી નજર રાખવા માટે બીટગાર્ડની સંખ્યા પણ વધારાશે.
Source: http://www.divyabhaskar.co.in/2008/12/18/0812180024_asiatic_lion.html