Thursday, December 18, 2008

૩૬ ઘેંટાના મોત માટે જરખ જવાબદાર હતું

અમરેલી, તા,૧૬
અમરેલી નજીકના નાના આંકડીયામાં ભરવાડનાં વાડામાં મધરાતે એક સાથે ૩૬ ઘેંટાના નિપજેલ મોત અંગે જવાબદાર દીપડો નહીં પણ જંગલી જરખ હોવાનું વન વિભાગની તપાસમાં ખૂલ્યું છેે. મધરાતે જરખે કાંટાળી વાડમાં છીંડુ પાડી ઘૂસી જઈ દસ ઘેંટાને બોચીએથી ઘાયલ કર્યા હતા. જરખના ઓચિંતા હૂમલાથી બીકના માર્યા બાકીના ઘેંટાના મોત નિપજયા હોવાનું વનવિભાગે સત્તાવાર રીતે જણાવ્યુ છે.

અમરેલીના નાના આંકડીયા ગામના ભરવાડ ભોળાભાઈ સીંધાભાઈ ગમારાના વાડામાં રહેલા ૭૦ પૈકીના ૩૬ ઘેંટાના નિપજેલ મોત રહસ્ય પમાડે તેવા હતાં. વનવિભાગની પ્રાથમિક તપાસ અને ગ્રામજનોના કહેવા મૂજબ તેમ જ નદી કાંઠેથી દીપડાના પગના નિશાન જેવા ચિન્હો જોવા મળતાં પ્રથમ દ્રષ્ટિએ દીપડાએ હુમલો કર્યાનું મનાતુ હતુ.પણ ગઈ રાતે વનવિભાગના સ્ટાફે અને સ્થાનિક તંત્રએ ફરી વખત સ્થળ પર જઈ તપાસ કરતા આ ઘેંટાના મોત અંગે દીપડો નહીં પણ જરખ જ જવાબદાર હોવાનું જણાયું હતું. જરખે રાતે કાંટાળી વાડમાં છીંડું પાડી અંદર ઘૂસી દસ ઘેંટાની બોચી પકડી ઘાયલ કરતા બાકીના ઘેંટાના બીકના માર્યા જ રામ રમી ગયા હતાં. જેના પરિણામે ભરવાડને હવે દસ ઘાયલ થયેલા ઘેંટા અંગેનું વળતર વનવિભાગ ચૂકવશે. વનવિભાગની તપાસ પૂર્ણ થતા મોતને ભેટેલા ઘેંટાઓને સીમમાં દાટી દેવામાં આવ્યાં છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=35015

No comments: