Wednesday, July 21, 2010

અમિત જેઠવાને અનેક લોકો સાથે દુશ્મની હતી.

Source: Bhaskar News, Rajkot   |   Last Updated 2:48(21/07/10

લડાયક-વિવાદાસ્પદ જિંદગીનો લોહિયાળ કરુણ અંત: ખાંભામાં સન્નાટો: મૃતકના પરિવારજનો અમદાવાદ ભણી રવાના.
ગીર નેચર યુથ ક્લબના સ્થાપક અમિત જેઠવાની હત્યાને પગલે એમના વતન ખાંભામાં સન્નાટો પ્રસરી ગયો હતો. બનાવની જાણ થતાં જ તેમના પિતા ભીખાભાઇ બાટાવાળા તથા અન્ય પરિવારજનો અમદાવાદ જવા રવાના થયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે અમિત જેઠવા દોઢ વર્ષ પહેલાં જ ખાંભા છોડી અમદાવાદમાં સ્થાયી થયા હતા. બળવાખોર પ્રકૃતિ અને ગમે તેની સાથે બાથ ભીડવાની સાહસિકતા ધરાવતાં અમિતભાઇએ અસંખ્ય દુશ્મનો ઉભા કર્યા હતા અને આજે તે પૈકીના જ કોઇની ગોળીનો ભોગ બનતા તેમની જિંદગીનો લોહિયાળ અંત આવ્યો હતો.
અમિત જેઠવાનો જન્મ ખાંભામાં થયો હતો. તા.૧૯-૩-૧૯૯૬ના રોજ ખાંભાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તેમને જુનિયર ફાર્માસિસ્ટ તરીકે નોકરી મળી હતી. તે નોકરી દરમિયાન એમની કામગીરી અંગે વિવાદો થયા હતા. એક તબક્કે તો તેમની વિરૂધ્ધમાં ખાંભા ગામ બંધ રહ્યું હતું અને તે સમયના ખાંભાના ધારાસભ્ય દીનુભાઇ બોઘાભાઇ સોલંકીએ ગ્રામજનોને ન્યાયપૂર્ણ તપાસની ખાત્રી આપી હતી. બાદમાં તા.૭-૧૦-૨૦૦૦ના રોજ અમિત જેઠવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અમિત જેઠવાએ એ સસ્પેન્સન સામે અપીલ કર્યા બાદ તા.૫-૧-૨૦૦૪ના રોજ તેમને સુરત જિલ્લાના નઝિર સામુહિક કેન્દ્રમાં પુન: નિયુક્તિ આપવામાં આવી હતી.
નઝિરમાં તેમણે ૧૫ દિવસ ફરજ બજાવી હતી અને એ દરમિયાન પણ નઝિર નજીકના માંડવી સામુહિક આરોગ્ય કેન્દ્રના એક કર્મચારી સાથે ઝઘડો થતાં એ મામલો પોલીસ થાણે પહોંચ્યો હતો. નઝિર સામુહિક કેન્દ્રમાંથી રજા મુકીને અમિત જેઠવા પુન: ખાંભા આવ્યા હતા અને ત્યાં તેમણે ગીર નેચર યુથ ક્લબની સ્થાપના કરી હતી.
એ સંસ્થાના પ્રમુખ તરીકે તેમણે વન્ય જીવ સૃષ્ટિ તથા વન્ય સંપદાના રક્ષણ માટે કામગીરી શરૂ કરી હતી. ખાંભા, મહુવા, જાફરાબાદ, દરિયા કાંઠાના વિસ્તારો તથા ગીરના સરહદી વિસ્તારોમાં તેમણે એ સંસ્થાનો વ્યાપ વધાર્યો હતો અને સંસ્થાનું સંખ્યાબળ ૪૦૦૦ કરતાં પણ વધારે સભ્યોનું થઇ ગયું હતું.બીજી તરફ માહિતી અધિકારનો કાયદો અસ્તિત્વમાં આવ્યા બાદ તેમણે ખાંભા તાલુકા પંચાયત શોપીંગ સેન્ટરમાં માહિતી અધિકાર મંડળની રચના કરી હતી અને માહિતી અધિકારના કાયદા હેઠળ અનેક સંવેદનશીલ અને વિવાદાસ્પદ વિષયો અંગે માહિતી પ્રાપ્તકરી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેના પરિણામે તેઓ સતત વિવાદમાં રહેતાં હતા. તા.૨૬-૧-૦૪ના રોજ તેમની સામે વન ખાતાએ તુલસી શ્યામ રેન્જમાં માલણ-આંબલિયાળા વીડીમાં ગેરકાયદે પ્રવેશ કરી ફોટોગ્રાફી કરવાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. જેમાં તેમની બાદમાં જામીન પર મુક્તિ થઇ હતી. અમિત જેઠવાએ અનેક મોટા માથાઓ સામે પણ કાનૂની લડત ચલાવી હતી. તા.૭-૧-૦૬ના રોજ ખાંભા તાલુકાના હનુમાન ગાળા આશ્રમમાં યોજાયેલી એક શિબિરમાં દિલીપ સંઘાણી ઉપરાંત અનેક અગ્રણીઓ, સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હનુમાન ગાળા આશ્રમ અભ્યારણ્યની હદમાં આવેલ હોવાથી એ શિબિર યોજવાનું પગલું ગેરકાનૂની છે તે મુદ્દે તેમણે દિલીપ સંઘાણી સહિતના અગ્રણીઓ સામે ધારી કોર્ટમાં ફરિયાદ કરી હતી. એ જ રીતે અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારી ચાવડા સામે એક શિક્ષિકાએ કરેલી ફરિયાદ પાછળ અમિત જેઠવાનો હાથ હોવાનું ચર્ચાતુ રહ્યું હતું. અમરેલી જિલ્લાના પૂર્વ આરોગ્ય અધિકારી સ્વ. ડૉ.કનેરિયા સામે પણ અમિત જેઠવાએ અનેક ફરિયાદો કરી હતી. તેઓ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના લેટરહેડનો દુરુપયોગ કરતાં હોવાની ફરિયાદ બાદ તેમણે એ મંડળના પદાધિકારીઓ સામે મોરચો માંડ્યોહતો. છેલ્લે જુનાગઢ જિલ્લાના સાંસદ દીનુભાઇ સોલંકી સાથેનો તેમનો વિવાદ ચર્ચાને ચગડોળે ચડ્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી અમિત જેઠવા તેમના પત્ની તથા એક પુત્રી અને પુત્રી સાથે અમદાવાદમાં સ્થાયી થયા હતા.અમદાવાદ રહીને તેમણે કોડીનાર વિસ્તારની ગેરકાયદે ખાણો અંગે લડત ચાલુ રાખી હતી. એમની રજૂઆત બાદ એક મહિના પહેલાં આલીદર-સનવાવ રોડ પર બેલા સ્ટોન કાપવાની મશીનરી સહિતનો મુદ્દામાલ છોડાવી જનાર શખ્સો સામે ભૂસ્તર વિભાગ અને પોલીસે સંયુક્ત રીતે રેડ કરી ગુનો નોંધ્યો હતો અને અમિત જેઠવાએ હજુ ગઇકાલે જ એ ઘટના અંગે બધાને એસએમએસ દ્વારા જાણ કરી હતી.એટ્રોસિટીની ફરિયાદના અતિરેક અંગે રજુઆત થયેલ - અમિત જેઠવા પોતાના વિરોધીઓ સામે એટ્રોસિટીની ફરિયાદો કરાવતાં હોવાની અમરેલી જિલ્લા ભાજપના અગ્રણીઓએ પૂર્વ મંત્રી ફકીરભાઇ વાઘેલા સમક્ષ રજુઆત કર્યા બાદ સરકારી સ્તરે તે ફરિયાદની તપાસ થઇ હતી અને તેમાં તથ્ય જણાતા તેમના દ્વારા કરાવાતી ફરિયાદોમાં પુરતી તપાસ કાર્ય બાદ જ ગુનો નોંધવાની સરકારે લેખિત સુચના આપી હતી.
પરિક્રમા વિરુધ્ધ પણ લડત માંડેલી -ગિરનારની લીલી પરિક્રમા ગીર અભ્યારણ્યની હદમાં થાય છે તથા તે વિસ્તારમાં અસંખ્ય ગેરકાયદે દબાણો (જેમાં મોટેભાગે આશ્રમો તથા ધર્મસ્થાનકો છે) હોવાની તેમણે રજુઆત કરતા જંગલ ખાતુ ધર્મસંકટમાં મુકાઈ ગયું હતું.
થેલીમાંથી અંગ્રેજી દારૂની બોટલ મળી -ઘટનાસ્થળેથી પોલીસને એક પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી.જેમાંથી એક ઝભ્ભો, એક લેંઘો, યેવલા બીડીની ગડી તથા અંગ્રેજી દારૂની એક ભરેલી બોટલ મળી આવી હતી.
શસ્ત્રનું લાઈસન્સ મેળવ્યું હતું -અમિત જેઠવાને પોતાની ઉપર હુમલો થશે એવી દહેશત હતી. અને તે સંદર્ભે તેમણે જુનાગઢ જિલ્લા કલેક્ટર પાસે શસ્ત્રનું લાયસન્સ માંગ્યું હતું. પરંતુ તેમની માગણી ન સ્વીકારાતા તેઓ હાઇકોર્ટમાં ગયા હતા. તેમની દલીલો સાંભળ્યા બાદ તેમને શસ્ત્રનો પરવાનો મળવો જોઇએ તેવો નિદેશ આપ્યા બાદ જુનાગઢ જિલ્લા કલેક્ટરે શસ્ત્રનું લાયસન્સ આપ્યું હતું. અમિત જેઠવા કાયમ પોતાની પાસે રિવોલ્વર રાખતા હતા. જો કે હત્યા થવાની તેમની દહેશત સાચી પડી હતી પરંતુ કમભાગ્યે શસ્ત્ર કામ ન લાગ્યું.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-amit-jethva-have-many-enemy-1175612.html

No comments: