Wednesday, August 10, 2011

સંવનન મિજાજમાં છલાંગ લગાવતા જ દીપડો કૂવામાં ખાબક્યો.



Source: Bhaskar News, Sutrapada   |   Last Updated 6:33 AM [IST](26/07/2011- છલાંગ લગાવતા જ દીપડો કૂવામાં ખાબક્યો
- સૂત્રાપાડાનાં અમરાપુરમાં એક વાડીના મકાનના છાપરાં ઉપર નર-માદા ચઢી ગયા હતા
હાલ વર્ષાઋતુ એટલે વન્યપ્રાણીઓનો સંવનન કાળ આ સમયમાં નર-માદા મસ્તી કરતાં જોવા મળે છે. ત્યારે આવા જ સંવનનનાં મિજાજમાં દીપડી પાછળ છલાંગ લગાવવામાં દીપડો કૂવામાં ખાબકી ગયો હતો. સુત્રાપાડાનાં અમરાપુર ગામની સીમમાં એક વાડીનાં મકાનનાં છાપરા પર ચઢી જઇ નર-માદા મસ્તીમાં મગj બન્યા હતા. ત્યારે અકસ્માતે કુવામાં પડી ગયેલા દીપડાને વનવિભાગે રેસ્કયુ ઓપરેશન હાથ ધરી બચાવી દીધો હતો.
આ દીલધડક ઘટનાની મળતી વિગત મુજબ રવિવારના રાત્રીનાં સમયે સુત્રાપાડા તાલુકાનાં અમરાપુર ગામની સીમમાં ખીમાભાઇ ભગાભાઇ સરવૈયાની વાડીનાં મકાનનાં છાપરા પર ચઢી જઇ દીપડો-દીપડી સંવનનની મસ્તીએ ચઢ્યા હતા. ત્યારે અચાનક દીપડીએ છાપરા પરથી છલાંગ લગાવી કૂવાનાં પીલોર પર પગ રાખી નાસતાં તેની પાછળ દીપડો પણ છલાંગ લગાવી ભાગવા જતાં સીધો કૂવામાં ખાબકી ગયો હતો.
સવારે વાડી માલિકે દીપડાને કૂવામાં પડેલો જોતાં વનવિભાગને જાણ કરતાં સાસણથી રેસ્કયુ ટીમે દોડી આવી સાડા પાંચ કલાકની જહેમત બાદ દીપડાને કુવામાંથી સહીસલામત બહાર કાઢી પાંજરામાં પુરી એનીમલ કેર સેન્ટરમાં લઇ ગયા હતાં. આ દિલધડક દ્દષ્યને જોવા આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ધામળેજનાં આરએફઓ પરસાણા, એન.એચ.પટેલ, વનવિભાગ સ્ટાફ અને સાસણની રેસ્કયુ ટીમે જહેમત ઉઠાવી હતી.
મીઠાપુર ગામેથી દીપડી પાંજરે પૂરાઇ -
વેરાવળ: પ્રભાસપાટણ પંથકનાં મીઠાપુર ગામની સીમમાં માનસીંગભાઇ ઝાલાની વાડીમાં વનવિભાગે પાંજરૂ ગોઠવી દીપડીને કેદ કરી હતી. આરએફઓ પરસાણા, વિનુભાઇ અપારનાથી સહિતનાં સ્ટાફે જહેમત ઉઠાવી હતી. દીપડી પાંજરે પુરાતાં ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

તાલાલા નજીક વાછરડીનું મારણ કરતા ડાલામથ્થાઓ.

Source: Bhaskar News, Talala   |   Last Updated 5:16 AM [IST](04/08/2011)
- બે સિંહો ગામ સુધી પહોંચી જતા ગ્રામજનોમાં ફફડાટ
જંગલ બોર્ડર નજીકનાં ગામડાઓમાં વન્યપ્રાણીઓનાં આંટાફેરા વધવા લાગ્યા છે ત્યારે તાલાલાનાં બામણાસા ગીર ગામે બે સિંહોએ શિવ મંદિર પાસે વાછરડીનું મારણ કરતા ગ્રામજનોમાં ભય ફેલાઇ ગયો હતો.
તાલાલા તાલુકાનું બામણાસા ગીર ગામ જંગલ બોર્ડર નજીકનું હોય અવાર નવાર હિંસક પ્રાણીઓ ચડી આવતા હોય છે. અને માલીકીના અથવા રેઢીયાળ પશુઓનો શિકાર કરતા હોય છે. ત્યારે ગત રાત્રીનાં બે ડાલામાથ્થા ગામમાં ચડી આવ્યા હતા અને શિવ મંદિરની પાસે ફરતી રેઢીયાળ વાછરડી ઉપર હુમલો કરી મારણ કર્યું હતું. બે સિંહો ગામમાં ચડી આવતા ગ્રામજનોમાં પણ ભય ફેલાયો હતો.રેઢીયાળ પશુનો શિકાર થતા માલીકો બીલાડીના ટોપની જેમ ફૂટી નિકળે -
જંગલ વિસ્તારની આજુ બાજુનાં ગામડાઓમાં રેઢીયાળ પશુઓનો શિકાર સિંહ-દીપડા કરતા હોય છે. ત્યારે વન વિભાગ પાસેથી વળતર મેળવવા માટે રેઢીયાળ પશુઓના માલીકો બીલાડીના ટોપની જેમ ફૂટી નિકળે છે અને સ્થાનિક ગામનાં હોદેદારો નકલી કાગળ બનાવી રૂપિયા મંજૂર કરી લેતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

'સિંહ સંવર્ધનમાં ગીરનાં લોકોની ભૂમિકા ચાવીરૂપ' .

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:46 AM [IST](04/08/2011)
સાસણમાં વન્યપ્રાણીઓનાં સંરક્ષણ-સંવર્ધનમાં સમુહ માધ્યમોની ભૂમિકા વિષય ઉપર યોજાયેલા પ્રેસ સેમિનારમાં સાસણ વન વિભાગનાં નાયબ વન સંરક્ષક ડૉ.સંદિપ કુમારે જણાવ્યું હતુ કે, ગીરમાં અનેક લોકોનાં સહયોગ અને સંકલનથી સિંહ સુરક્ષિત થયા છે અને સિંહ સંવર્ધનમાં ગીર વિસ્તારનાં લોકોની ભૂમિકા ચાવીરૂપ છે.
રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી, સાસણ વન વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લા માહિતી કચેરીનાં સહયોગથી પ્રેસ સેમિનાર યોજાયો હતો. જેમાં વન્ય પ્રાણી વર્તુળનાં સીસીએફ આર.એલ.મીનાએ જણાવ્યું હતુ કે, હકારાત્મક સમાચારો સાથે સુધારાત્મક સુચનોવાળા સમાચારની અમે પણ નોંધ લઇએ છીએ અને વન્ય પ્રાણીઓનાં સંવર્ધનમાં લોકોનાં રસનાં વિષયો બદલાયા છે.જૂનાગઢ રેન્જનાં ડીઆઇજી બી.કે.શ્રીમાળીએ જણાવ્યું હતુ કે, ૧૯૦૪થી માંડી ૧૯૧૧ સુધી ગીરનાં ઈતિહાસમાં સિંહને બચાવવાની ચળવળ શરૂ થઇ હતી.
સિંહને બચાવવાથી માંડીને એ ગુજરાતની એક એવી ઓળખ બને કે જે એક ઝુંબેશ બની રહે તે માટે મીડીયા મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. આ કાર્યક્રમમાં રાજકોટનાં સંયુક્ત માહિતી નિયામક એન.એ.પરમાર, જૂનાગઢ નાયબ માહિતી નિયામક કે.વી.ભગોરા, કોલમસ્ટિ પરેશ દવે, વી.કે.બસીયા, જે.ડી.ત્રિવેદી સહિતનાં હાજર રહ્યા હતા.
સાસણ નાયબ વનસંરક્ષકે ચારણ કન્યા રજુ કરી -
સાસણનાં નાયબ વન સંરક્ષક ડૉ.સંદિપકુમારે મીડીયાકર્મીઓનાં સેમિનારમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રસિધ્ધ કૃતિ ચારણ કન્યા કાવ્યાત્મક શૈલીમાં રજૂ કરી હતી.

કોડીનાર નજીક વિચિત્ર પક્ષી અને તેના ૩૫ બચ્ચાં મળી આવ્યાં.



Source: Bhaskar News, Kodinar   |   Last Updated 12:47 AM [IST](03/08/2011)
- એક કુવામાંથી પક્ષી અને તેનાં ૩૫ બચ્ચાં મળી આવ્યાં
કોડીનારનાં દેવળી (દેદાની) ગામે ઝાંપાનાં કુવામાંથી કોમડક (નકટો) પ્રજાતિનાં દુર્લભ પક્ષીઓ મળી આવ્યા છે.
કોડીનારનાં દેવળી (દેદાની) ગામનાં ઝાંપાનાં કુવામાં કચરા પર વિચીત્ર પક્ષીઓ જોવા મળતા પ્રકૃતિ નેચર ક્લબનાં પ્રમુખ દિનેશ ગૌસ્વામી, જીજ્ઞેશ ગોહિલ ઘટનાસ્થળે દોડી જઇ જામવાળા વન વિભાગને વાકેફ કરતા ફોરેસ્ટર એમ.એમ.ભરવાડ અને એમ.એ.પરમાર પણ ત્યાં પહોંચી ગયા હતા અને કુવામાંથી મહા મહેનતે એક પક્ષી અને તેનાં ૩૫ બચ્ચાને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પક્ષીઓ દુર્લભ એવા કોમડક (નકટો) પ્રજાતિનાં હોવાનું માલુમ પડ્યું હતુ. ઇન્ચાર્જ આરએફઓ એલ.ડી.પરમારનાં માર્ગદર્શન હેઠળ આ પક્ષીઓને જંગલનાં વેટલેન્ડ વિસ્તારમાં પહોંચાડવા વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-komadaks-durlabh-animals-got-near-kodinar-2319194.html

ઉના નજીક સીમમાં ખેતરમાં તારના કરંટે વન્ય પ્રાણીનો ભોગ લીધો.

 Source: Bhaskar News, Una   |   Last Updated 12:53 AM [IST](05/08/2011)
- પાકનાં રક્ષણ માટે ખેતર ફરતે જીવંત વાયરથી સર્જાતી ઘટના : ઝરખ, શિયાળ અને ભુંડનાં ઘટનાસ્થળે જ રામશરણ
ઊનાથી ર૦ કી.મી. દૂર આવેલ જાફરાબાદ તાલુકાનાં ટિંબી ગામની સિમમાં આવેલ એક ખેડૂતે પોતાના પાકનાં રક્ષણ માટે ખેતરની ફરતે ખુલ્લાતાર મુકી અને આ તારમાં ઇલેકટ્રીક શોક રાખેલો હોય ગત રાત્રીના અહીં ઝરખ તેમજ શિયાળ અને એક ભુંડ આ તાર ઓળંગવા જતા ઇલેકટ્રીક શોક લાગવાથી આ ત્રણેયનાં મોત નિપજતા વન્યપ્રાણી પ્રેમીઓમાં પણ અરેરાટી ફેલાઇ જવા પામેલ છે.
આ ઘટના બનતા વનખાતુ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ટિંબી શાણાવાકીયા રોડ પર ઇશ્વરભાઇ રણછોડભાઇ ભાલાળાની વાડી આવેલ હોય અને પોતાના ખેતરમાં વાવણી કરેલ હોય અને વાવણીને કોઇ જનાવર કે વન્યપ્રાણી નુકશાન ન કરે તે માટે ઇશ્વરભાઇએ પોતાના ખેતરમાં ફરતે લોખંડના ખુલ્લા તાર મુકી અને તારમાં ઇલેકટ્રીક પ્રવાહ પસાર કરી ઇલે. શોક મુકેલ હોય અને રાત્રીના સમયે એક શિયાળ એક ઝરખ તથા એક ભુંડ વાડીમાં પ્રવેશ કરવા જતા આ લોખંડનાં વાયરને અડી જતા જોરદાર ઇલેકટ્રીક શોક લાગતા બે વન્યપ્રાણી તથા એક ભુંડનું સ્થળ પર જ મોત નિપજેલ હતુ અને આ બનાવની જાણ રાજુલા જાફરાબાદ વિસ્તારનાં આર.એફ.ઓ. મોરાભાઇને થતાં તુરત જ વનખાતાનો સ્ટાફ તથા વેટરનિટી ડોક્ટર મકવાણાને લઇ ઘટના સ્થળે પહોચી જઇ પી.એમ.વન્ય પ્રાણીઓનું પી.એમ.કરેલ હતુ અને ત્યારબાદ ઇશ્વરભાઇના ખેતરેથી ખુલ્લા વાયરોનો કબ્જો લઇ જરૂરી કેઇસ પેપરો કરી તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાડી માલીક ઇશ્વરભાઇની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું આર.એફ.ઓ.એ. ટેલીફોનીક વાતમાં જણાવેલ હતું.
ઉલ્લેખનીય એ છે કે, થોડા સમય પહેલા ઊના પંથકના ઉમેજ ગામમાંખેતર ફરતે રાખેલી ફેન્શીંગમાં ગોઠવેલા વીજ કરંટથી ત્રણ ગાયોના મોત થયા હતા. ત્યારે નજીકના ટિંબીમાં આવી ઘટનાનું પૂનરાવર્તન થતા વન વિભાગ દ્વારા કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ વન્યપ્રેમીઓમાં ઉઠી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-forest-animal-dies-accidently-in-timbis-farm-2326424.html

મેંદરડાનાં આંબલા ગામની સીમમાં કુવામાં પડેલા દીપડાને બચાવાયો.

Source: Bhaskar News, Mendarda   |   Last Updated 12:49 AM [IST](08/08/2011)

- વન વિભાગનું સફળ રેસ્કયુ ઓપરેશન
મેંદરડા તાલુકાનાં આંબલા ગામની સીમમાં એક કુવામાં શનિવારની રાત્રીનાં ખાબકી ગયેલા દીપડાને વન વિભાગે આજે રેસ્કયુ ઓપરેશન હાથ ધરી બચાવી લીધો હતો. દીપડાને પાંજરામાં પુરી સાસણ એનિમલ કેર ખાતે મોકલી અપાયો હતો.
આ બનાવની મળતી વિગત મુજબ મેંદરડાનાં આંબલા ગામની સીમમાં આવેલ હરીભાઇ ડાયાભાઇ પાઘડાળનાં ખેતરનાં કુવામાં ગત રાત્રીનાં આશરે સાતથી આઠ વર્ષનો નર દીપડો અકસ્માતે પડી ગયો હતો. આજે સવારે વાડી માલિકને જાણ થતા ડેડકીયાળ રેન્જને વાકેફ કરતા આરએફઓ ડી.કે.પરમાર સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બે કલાકની જહેમત બાદ કુવામાંથી દીપડાને સહી સલામત બહાર કાઢી લેવાયો હતો. . આંબલા ગામની સીમમાં કુવામાં પડી ગયા બાદ આ દીપડો પાંજરે પુરાતા ગામ લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય એ છે કે, છેલ્લા ત્રણ માસમાં સોરઠના અલગ અલગ વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ કુવામાં અને ટાંકામાં ખાબક્યાના બનાવો બન્યા છે. જો કે, રેસ્કયુ ઓપરેશનથી આ પ્રાણીઓને બચાવાયાં છે.

Source:  http://www.divyabhaskar.co.in/article/SAU-lion-save-to-well-near-mendarda-2336613.html

ગિર જંગલની બોર્ડર ઉપર ૩ સિંહોનો યુવાન પર હૂમલો.

Source: Bhaskar News, Malia Hatina   |   Last Updated 2:47 AM [IST](09/08/2011)
ગિર જંગલની બોર્ડર ઉપર આવેલી બાબરાવીડી નજીકનાં પાણકવા ગામે ગઇકાલે રાત્રે ૩ વનરાજો વંડી ટપી એક ઘરનાં ફિળયામાં ઘૂસ્યા હતા. અને વાછરડીનું મારણ કર્યું હતું. જોકે, ઘરનાં લોકો જાગતા હોઇ હાકોટા પાડતાં એક સિંહે પરિવારનાં એક યુવાનને પંજો મારી નાસી છૂટયો હતો.
આ અંગેની વીગતો આપતાં માળિયા હાટીનાનાં આર.એફ.ઓ. આર. ડી. વંશે જણાવ્યું હતું કે, ગિરબોર્ડરને અડીને આવેલી બાબરાવીડી પાસેનાં પાણકવા ગામે ગઇકાલે રાત્રે ૧૦ થી ૧૧ વાગ્યાનાં અરસામાં ૩ સિંહો આવી ચઢ્યા હતા.
આ સાવજો ગામનાં દેવશીભાઇ નારણભાઇ પટાટનાં ઘરની વંડી ટપી ફિળયામાં આવી ચઢ્યા હતા. અને એક વાછડાનું મારણ કર્યું હતું. એ વખતે ઘરનાં સભ્યો એ ફિળયામાં આવી હાકોટા પાડતાં બે સાવજો વંડી ઠેકી પાછા જતા રહ્યા હતા. જ્યારે એક ડાલામથ્થો ઝડપથી દીવાલ ન કૂદી શકતાં તે ભૂરાંટો થયો હતો. દરમ્યાન દેવશીભાઇનાં પરિવારજનોનાં હાકોટા ચાલુ હોઇ સિંહે દેવશીભાઇનાં પુત્ર જગદીશ (ઉ.૨૭) નાં પગની પાછળ પંજો મારતાં તેને એક ન્હોરનો ઉઝરડો પડી ગયો હતો. જોકે, ત્યારબાદ સિંહ પણ વંડી ટપી નાસી ગયો હતો. જગદીશને સારવાર માટે વેરાવળની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, બાદમાં તેને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવાઇ હતી.બનાવને પગલે માળિયા આર.એફ.ઓ. આર.ડી. વંશ, રાઉન્ડ ફોરેસ્ટર એચ. વી. શીલુ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને વીગતો મેળવી હતી. અત્રે નોંધનીય છે કે, બાબરાવીડીમાં હાલ ૧૪ સિંહોનો વસવાટ છે. પાણકવા ગામે વજરાજોની અવરજવર પણ નિયમિતપણે હોય છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-3-lion-attack-on-man-in-gir-jungle-border-2340084.html