Wednesday, August 10, 2011

જ્યારે પૂરના ધસમસતા પાણીમાં આખો સિંહ પરિવાર ફસાઇ ગયો.


 
Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:51 AM [IST](27/07/2011)
અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ પડવાના કારણે અનેક નદીઓમાં ઘોડાપૂર આવવા પામ્યા હતા. આવા એક પુરમાં એક સિંહ પરિવાર
ફસાઇ જવાની ઘટના બહાર આવવા પામી છે.
લીલીયા તાલુકાના ક્રાંકચ વિસ્તારમાં છેલ્લા ૩૬ કલાક દરમ્યાન સાતથી આઠ ઇંચ જેવો ભારે વરસાદ પડતા આ વિસ્તારની તમામ નદીઓમાં ભારે ઘોડાપૂર આવ્યા હતા. તેમાં ગાંગડિયા નદીના ખારાપાટ વિસ્તારમાં પાણી ફરી વળતા આ વિસ્તારમાં વસવાટ કરતો એક સિંહ પરિવાર બાવળના જંગલ તરફ પરત ન જઇ શકતા તે આ પાણીમાં ફસાઇ જવા પામ્યો હતો.
સિંહના આ પરિવારમાં બે નર, એક સિંહ તથા ત્રણ બચ્ચાનો સમાવેશ થાય છે. પાણીનો પ્રવાહ વધી જતાં તેઓ પાણીની વચ્ચે આવેલા એક ટીલા પર ચઢી ગયા હતા. જ્યાં તેઓ હાલ સુરક્ષિત છે. જોકે, રાતભર ગ્રામજનોને આ પરિવારના ઘુરકવાના અવાજો સતત સાંભળવા મળ્યા હતા.

અમરેલી નજીક સાવજોએ ચાર પશુઓને ફાડી ખાધા.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:38 AM [IST](30/07/2011)
- બે ગાય, એક બળદ અને એક પાડી સાવજનો કોળીયો
એક બાજુ ચોમાસાનો માહોલ છે ત્યારે જંગલના સાવજોને પણ મારણ મેળવવામાં મુશ્કેલી પડીરહી છે. જેને પગલે સાવજો હવે મારણ માટે ગ્રામ્ય વિસ્તારમાં માલધારીઓના માલઢોર પર નિર્ભર થઇ રહ્યા છે. સાવજોએ ગઢીયા, જીરા અને મીંઢા નેસમાં મળી ચાર પશુઓનું મારણ કર્યું હતુ.
ધારી તાલુકાના ગઢીયા ગામના ઇશુભાઇ વાળાના એક બળદ અને એક ગાયનું ગઇસાંજે એક સાવજ દ્વારા મારણ કરવામાં આવ્યુ હતુ. ગાય અને બળદ પાળતના રસ્તે ચરતા હતા ત્યારે આવી ચડેલા સાવજે બન્ને ના રામ રમાડી દીધા હતા. બનાવ અંગે જંગલખાતાના અધિકારીઓને જાણ કરવામાં આવતા વન કર્મચારીઓ અહિં દોડી આવ્યા હતા.
અન્ય એક ઘટનામાં ધારી તાલુકાના જીરા ગામે મેરામભાઇ નામના માલધારીની એક ગાભણી ગાયને પણ ગઇસાંજે એક સાવજે ફાડી ખાધી હતી. જ્યારે જસાધાર રેન્જમાં આવેલા મીંઢાનેસમાં રહેતા ભુપતભાઇ નામના માલધારીની એક પાડીનું મારણ પણ સાવજ પરિવાર દ્વારા કરવામાં આવ્યુ હતુ. વનતંત્ર દ્વારા ત્રણેય કિસ્સામાં કાગળ પરની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે સાવોજો મારણની શોધમાં ગામડાઓ સુધી પહોંચી રહ્યા છે. જેથી માલધારીના માલઢોરના મારણની ઘટના વધી રહી છે.

પેટની ભુખ ભાંગવા સાવજોએ બે ગાયોને ફાડી ખાધી.

Source: Bhaskar News, Khambha   |   Last Updated 12:17 AM [IST](02/08/2011)
- ખાંભાનાં ભાડ ગામે સાવજોએ બે ગાયોને ફાડી ખાધી
- સવારમાં ગ્રામજનોએ સિંહ દર્શનનો લાભ લીધો
ખાંભા તાલુકાના ભાડ ગામે આજે વહેલી સવારે વરસતા વરસાદમાં બે સાવજો પેટની ભુખ ભાંગવા આવી ચડયાં હતા. સાવજોએ ગામમાં ઘુસી ચોરા નજીક બેઠેલી બે ગાયને ફાડી ખાધી હતી.
ગતરાત્રીના ભાડ ગામે વરસાદ વરસતો હોય ત્યારે રાત્રીના ત્રણથી ચાર વાગ્યાના સુમારે ગામમાં સુમસામ વાતાવરણ હોય ત્યારે લાપાળાના ડુંગર તરફથી બે સાવજો ગામમાં આવી ચડયાં હતાં અને ચોરા નજીક બેઠેલી બે રેિઢયાળ ગાયોનું મારણ કર્યું હતું. ચાલુ વરસાદ હોય ગ્રામજનો ઘરમાં હોય સિંહ આવી ગયાની જાણ ગ્રામજનોને થઇ ન હતી.
બે ગાયોનું મારણ કરી સિંહોએ નિરાંતે મજિબાની માણી હતી સવારમાં લોકો જાગી જતા અને આ બનાવ અંગેની જાણ થતા ગામ લોકો સિંહ દર્શન કરવા માટે આવી ગયા હતાં. થોડીવાર માટે ગ્રામજનોએ સિંહ દર્શનનો લાભ લીધો હતો બાદમાં સિંહોએ ત્યાંથી ચાલતી પકડી હતી અને ફરી લાપાળાના ડુંગર તરફ જતા રહ્યાં હતાં. ખાંભા તાલુકામાં સિંહોનો ત્રાસ દિન-પ્રતિદનિ પશુપાલકો માટે ચિંતાનો વિષય બની ગયો છે.

ચાર સિંહોએ ગામમાં ઘુસીને છ પશુઓનું મારણ કર્યું.

Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:01 AM [IST](06/08/2011)
મોટા બારમણ-દલખાણીયામાં બનેલી ઘટનાના કારણે ફફડાટ ફેલાયો
ગામડાઓમાં સિંહ પરિવારો ઘુસી જતા ફફડાટ

ખાંભાના નાના અને મોટા બારમણ ગામોમાં ગતરાત્રીના ચાર સિંહોએ માલધારીઓના ઘરમાં ઘુસી બે વાછરડા એક ભેંસ તેમજ એક બળદનું મારણ કરતા ગામમાં ફફડાટ ફેલાયો હતો આ ઉપરાંત ધારીના દલખાણીયામાં સિંહ પરિવારે એક ગાયનું મારણ કર્યું હતુ અને ડાંગાવદર ગામે પણ સિંહે બળદનું મારણ કર્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર ખાંભાના નાના અને મોટા બારમણ ગામમાં ગતરાત્રીના ચાર સિંહો ઘુસી અને ગામમાં રહેતા લાખાભાઇ ઉકાભાઇના ઘરમાં ઘુસી વાછરડાનું મારણ કર્યું હતું ત્યાંથી થોડેદુર બચુભાઇના ઘરમાં ઘુસી વાછરડાનું મારણ કર્યું હતું અને મિજબાની માણી હતી.
સિંહોની ભુખ સંતોષાઇ ન હોય તેમ મોટા બારમણ ગામે જઇ ગામમાં રહેતા કાળુભાઇ હડીયાના ઘરમાં એક બળદ અને એક ભેંસનું મારણ કર્યું હતું. સવાર સુધી સિંહોએ ગામમાં આંટાફેરા માર્યા હતાં ગામ લોકોએ સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો.
આ ઉપરાંત ધારીના દલખાણીયા ગામે ગતરાત્રીના બે વાગ્યાના સુમારે સિંહ અને સિંહણ આવી પહોંચ્યા હતા અને હરજિનવાસ પાસે એક ગાયનું મારણ કરી મીજબાની માણી હતી ગ્રામજનોને વાતની જાણ થતા સિંહ દર્શનનો લાભ લીધો હતો. તેમજ ધારીના ડાંગાવદર ગામે પણ રાત્રીના સમયે શાર્દુલભાઇ આહિરની વાડીએ બાંધેલ બળદનું મારણ કરી મજિબાની માણી હતી.

4 વર્ષથી ગળામાં ‘ભાર’ લઇ ફરતી સિંહણનો રેડીયો કોલર હટાવાયો.

 Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:36 AM [IST](07/08/2011)
- દિવ્ય ભાસ્કરમાં આ અંગે થયેલા અહેવાલે તંત્ર જાગ્યું
લીલીયા તાલુકાનાં ક્રાંકચ વિસ્તારને પોતાનું ઘર બનાવી પરિવાર વસાવનાર સિંહણનાં ગળામાંથી વર્ષો પછી ભાર હળવો થયો છે. વર્ષો પહેલા સિંહણનાં ગળામાં આઇડી કોલર લગાવાયા બાદ પાછલા ચાર વર્ષથી આ આઇડી કોલર બંધ હતો.
સિંહણ ગળામાં નકામો ભાર લઇને ફરતી હોવા અંગે થોડા સમય પહેલા દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ જાગેલા વનતંત્રએ ચાર દિવસ પહેલા સિંહણનાં ગળામાંથી આ નકામો આઇડીકોલર હટાવી દીધો હતો.
એક દાયકા પહેલા ગીર જંગલમાંથી બહાર નીકળેલી સિંહણ સૌ પ્રથમ ક્રાંકચ વિસ્તારમાં પહોંચી હતી. હાલમાં અહિં રર થી વધુ સિંહ-સિંહણ અને બચ્ચા વસે છે પરંતુ અહિં સૌ પ્રથમ ડગ માંડનારી આ સિંહણ હતી. વનતંત્ર દ્વારા વર્ષો પહેલા આ સિંહણનાં ગળામાં આઇડી કોલર લગાવવામાં આવ્યો હતો.
આ વિસ્તારનાં જાણકાર પ્રકૃતિ પ્રેમીઓના કહેવા મુજબ ચાર વર્ષથી સિંહણના ગળાનો આ આઇડીકોલર બંધ હતો. સિંહણ કારણ વગર આ ભાર લઇને ફરતી હોવા છતાં વનતંત્રએ તેના તરફ ધ્યાન જ આવ્યુ ન હતું.
આ અંગે થોડા સમય પહેલા દિવ્યભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થતા વન તંત્રની આંખો ખુલ્લી હતી.સ્થાનિક અધિકારીઓ દ્વારા આ અંગે સાસણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
જેને પગલે ચાર દિવસ પહેલા મેવાસામાં આ સિંહણને પકડી તેનો રેડીયોકોલર દૂર કરવામાં આવ્યો હતો. અહિં વસતો સિંહ પરિવાર આ સિંહણનો જ પરિવાર છે. ભારે આક્રમક સ્વભાવની આ સિંહણ ગમેતેની પાછળ દોડતી હોય લોકો તેનાથી દૂર રહેવાનુ પસંદ કરે છે.

મારણ કરતા સિંહને પથ્થર મારતા યુવાનોનો વન સંરક્ષક પર હુમલો..

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:45 AM [IST](09/08/2011)
- ખાંભાના ત્રણ યુવાનો સામે પોલીસ ફરિયાદ
ખાંભાની રાણીંગપરાની સીમમાં ગઇસાંજે સાવજ દ્વારા એક મારણ કરવામાં આવ્યુ હતુ. આ સમયે લોકોની ભીડ ત્યાં એકઠી થઇ ગઇ હોય અને ખાંભાના ત્રણ યુવાનો સાવજોને પથ્થર મારી પરેશાન કરતા હોય તેમને ટપારનાર વન સંરક્ષક પર ત્રણેય યુવાનોએ હુમલો કરી માર મારી ઇજા પહોંચાડી હતી.
આ અંગે ખાંભામાં રહેતા અને વન સંરક્ષક તરીકે નોકરી કરતા રાજેશ કનૈયાલાલ જાનીએ ખાંભાના હિતેશ શેલડીયા અને તેના બે અજાણ્યા મિત્રો સામે ફરજમાં રૂકાવટ અને હુમલો કરવા સબબ પોલીસ ફરીયાદ નોંધાવી છે. ગઇસાંજે રાણીંગપરા ગામ નજીક સિંહો દ્વારા એક પશુનું મારણ કરવામાં આવ્યુ હતુ. આ સમયે ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા. હિતેશ શેલડીયા અને તેના મિત્રો સિંહને પથ્થરના ઘા મારી પરેશાન કરતા હોય ત્યાં પહોંચેલા રાજેશ જાનિએ ત્રણેયને તેમ કરવા ના પાડી હતી. જેથી ઉશ્કેરાઇ ગયેલા ત્રણેય લોકોએ તેને ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી ફરજમાં રૂકાવટ કરી હતી. પોલીસે આ બારામાં ત્રણેય શખ્સોની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
સાવરકુંડલા તાલુકાના જેઝાદ ગામની મંજુલાબેન બોઘાભાઇ દેવીપૂજક નામની મહિલાને શેરીમાં બકરીઓ બાંધવાના મુદે બોલાચાલી કરી રાજા કાળા ભરવાડ અને બેચર દેવા ભરવાડ નામના શખ્સોએ માથામાં કુહાડીનો ઘા મારી ઇજા પહોંચાડતા તેમણે આ અંગે વંડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ચાર બહેનોના એકના એક ભાઇને એરુ આભડી ગયો..


Source: Bhaskar News, Talala   |   Last Updated 12:08 AM [IST](27/07/2011)
- સાસણ (ગીર)માં કોળી પરિવારનો નાનો ભાઇ ચાર બહેનોની વચ્ચે સૂતો હતો
તાલાલાનાં સાસણ (ગીર)માં રહીને મજુરી કામ કરતા ધનજીભાઇ ગોહેલને પાંચ સંતાન છે. ચાર પુત્રી અને એક નાનો પુત્ર હીતેશ (ઉ.૧૨) છે. ગતરાતે જમીને ચારેય બહેનો સાથે હિતેશ ઘરનાં ઓરડામાં સુતો હતો. ઓરડાનો દરવાજો અંદરથી બંધ હતો તે દરમ્યાન મોડી રાત્રે દરવાજા નીચેથી સાપ ઓરડામાં ચઢી આવેલ અને ચારેય બહેનો વચ્ચે સુતેલા હીતેષને કાળોતરાએ દંશ દેતાં હિતેષ સફાળો જાગી ઉઠ્યો હતો અને પિતાને જાણ કરી હતી.
તેથી તેને તાત્કાલિક સારવારમાં ખસેડાયો હતો પરંતુ કાળોતરાનાં ઝેરની સામે સારવાર કારગત ન નીવડતા હીતેશનું મોત થયુ હતું. એકનાં એક ભાઇનાં મોતનાં સમાચારથી ચારેય બહેનોમાં આક્રંદ વ્યાપી ગયો હતો.