Wednesday, August 8, 2012

જુનાગઢ-ભેંસાણનાં ૨૭ ગામો હવે ‘જંગલમાં’


Source: Bhaskar News, Junagadh   |   Last Updated Aug 08, 2012, 00:12AM IST
- પર્યાવરણ અને વનમંત્રાલય દ્વારા ગેઝેટ પ્રસિદ્ધ : વધુ ૯૩૧૭.૫૮ હેકટર સંવેદનશીલ ઝોન તરીકે જાહેર થઈ

- બન્ને તાલુકાનાં આ ગામોનાં લોકો માટે હવે વનવિભાગનું એનઓસી રહેશે ફરજીયાત

એશિયાટીક લાયન તેમજ વન્યજીવોની સુરક્ષા અને સરક્ષણ અર્થે ગીરનાર આસપાસનાં જૂનાગઢ તેમજ ભેંસાણ તાલુકાનાં ૨૭ ગામોની ૯૩૧૭.૫૮ હેકટર વિસ્તારને પર્યાવરણ અને વનમંત્રાલય દ્વારા તાજેતરમાં સંવેદનશીલ ઝોનમાં સમાવિષ્ટ કરતા આ ગામો હવે વનવિભાગ હસ્તક એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.

ઉલ્લેખનીય એ છે કે, ગત ૩૧ મેનાં રોજ જાહેર થયેલા ગેઝેટમાં લેવાયેલા આ નિર્ણયથી ગામોમાં કૂવો ખોદવો, બાંધકામ કરવું સહિતમાં હવે વનવિભાગનું એનઓસી ફરજીયાત રહેશે જેથી સ્થાનિક કક્ષાએ આ મુદ્દે થોડોક કચવાટ પણ પ્રવર્તે છે.

એશિયાટીક લાયન અને અન્ય વન્યજીવો તેમજ ગીરનાર આસપાસનું વન અને જળપ્રવાહને સુરક્ષીત રાખવાના હેતુથી વનવિભાગે અગાઉ ૧૭૮૨૭.૨૯ હેકટર જમીનને ઈકોસેન્સેટીવ ઝોનમાં સમાવીષ્ટ કરતુ ગેઝેટ ગત તા. ૩૧મે ૨૦૧૨નાં રોજ પ્રસિધ્ધ કરાતા જુનાગઢ અને ભેંસાણ તાલુકાનાં ૨૭ ગામો હવે જંગલમાં ગણાય તેવી સ્થિતિ સર્જાઈ છે. કેન્દ્રના પર્યાવરણ અને વનમંત્રાલય દ્વારા લેવાયેલા આ નિર્ણયથી પ્રદૂર્ષણની સમસ્યા ન સર્જાઈ તે માટે ઉદ્યોગો, ખાણમાં ખોદકામ પર ખાસ નિયંત્રણ રહેશે તેમજ હવેથી આ ગ્રામ્ય વિસ્તારોમાં થનારા બાંધકામમાં વનવિભાગની મંજુરી અગ્રેસર રહેનાર છે.

જો કે, ગીરનાર આસપાસનાં આ વનવિભાગનાં સંવેદનશીલ ઝોન અંગે એક મોનીટરી સમિતી પણ નિર્માણ કરાઈ છે. જેમાં અધ્યક્ષ તરીકે કલેક્ટર જુનાગઢ, કેન્દ્ર સરકારનાં વનપર્યાવરણ મંત્રાલયનાં પ્રતિનિધી, કેન્દ્ર સરકાર દ્વારા ગેરસરકારી સંગઠનનાં પ્રતિનિધી, પ્રદૂર્ષણ નિયંત્રણ બોર્ડ જુનાગઢનાં ક્ષેત્રીય અધિકારી, ટાઉન પ્લાનીંગ ઓફીસર, વનપર્યાવરણ વિભાગ ગુજરાત સરકારનાં પ્રતિનિધી, પર્યાવરણ ક્ષેત્રનાં એક નિષ્ણાંત અને ગીરનાર વન્યજીવન અભ્યારણનાં ઉપવનસંરક્ષકનો સદસ્યો તરીકે સમાવેશ કરાયો છે.

અગાઉ ૧૭૮૨૭.૨૯ હેકટર જમીન ઈકોસેન્સેટીવ ઝોનમાં હતી તેમાં વધું ૯૩૧૭.૫૮ હેકટર અંતર્ગત જુનાગઢ અને ભેંસાણ તાલુકાનાં ૨૭ ગામો હવે વનવિસ્તારમાં આવરી લેવાયા છે. જો કે, કેન્દ્રનાં વન અને પર્યાવરણ મંત્રાલયનાં આ નિર્ણયથી સોરઠમાં ઊના વિસ્તારમાં બાંધકામ સહિતમાં વનવિભાગની એનઓસી ફરજીયાત હોય તેવો કચવાટ અને રજુઆતો ચાલુ છે ત્યાં આ ગામોનો પણ જંગલમાં સમાવેશ થતા હવે અહીં પણ થોડોક કચવાટ બહાર આવ્યો છે. આ નિયમ સામે ઊના સહિત આસપાસના ગામનાં લોકોએ ગત આઠમી જૂને આવેદન પણ આપ્યું હતું.

- જુનાગઢ તાલુકાનાં ગામો

દોલતપરા, સાબલપુર, બામણગામ, ડેરવાણ, વડાલ, ચોકલી,મંડલીકપૂર, બંધડા, ભાલગામ, માંડણપરા, તોરણીયા, ખડીયા, ડુંગરપુર, પ્લાસવા, જુનાગઢ અને ભવનાથ

- ભેંસાણ તાલુકાનાં ગામો

બલિયાવાડ, પાટલા, હડમતીયા વિશા, મંેદપરા, દુધાળા, માલીડા,પસવાળા, સામતપરા, છોડવડી

- કેટલાક ગામતો આખેઆખા

બન્ને તાલુકાનાં પતવાડ, પસવાળા, મલીડા,મદનપરા, તોરણીયા,ભવનાથ આ ગામો તો આખેઆખા વનવિભાગમાં સમાવિષ્ટ થયા છે.

અમરેલી જિલ્લામાં ૬૩મા વનમહોત્સવની ઉજવણી.


Source: Bhaskar News, Amreli   |   Last Updated Aug 05, 2012, 01:05AM IST
- ઠેરઠેર વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા

અમરેલી જિલ્લામાં આજે ૬૩મા વન મહોત્સવની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી. લીલીયા ખાતે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત લાઠી, બાબરા, રાજુલા સહિતના શહેરોમાં પણ વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લામાં ઠેરઠરે ૬૩મા વનમહેાત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બાબરામાં કપીલા હનુમાનજીની જગ્યા ખાતે મામલતદારની અધ્યક્ષતામાં વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે આરએફઓ જે.ડી.સાદીયાએ જણાવ્યું હતું કે હાલમાં વૃક્ષાેની સંખ્યા ઘટી રહી છે ત્યારે વધુને વધુ વૃક્ષાે વાવવા માટે અનુરોધ કર્યો હતો. આ તકે મામલતદાર પાઢ, પુર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમર, વાલજીભાઇ ખોખરીયા, જીન્નતબેન અગવાન, ખીમજીભાઇ મારૂ, કાકુભાઇ ચાંવ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

આવી જ રીતે ખાંભામાં પણ વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મામલતદાર, એસ.એમ.રાણવા,ભીખુભાઇ બાટાવાળા, ડીએફઓ અંશુમન શર્મા, આરએફઓ પરડવા, પરમાણંદભાઇ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લાઠીમાં ભીડભંજન મહાદેવ મંદિરના પટાંગણમાં તાલુકા કક્ષાના વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારી કોટડ, મામલતદાર વાળા, રાજુભાઇ ભુવા, મયુરભાઇ, ડેરભાઇ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. અહીયા ૧૦૮ બિલ્જપત્રના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

રાજુલાના ધારેશ્વર ગામે મામલતદાર ચનીયારા, આરએફઓ બ્લોચની ઉપસ્થિતિમાં વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અહી વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. લીલીયામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મોહનભાઇ કુંડલીયા, ધારાસભ્ય હનુભાઇ ધોરાજીયા, જે.કે.મકવાણા, આરએફઓ તુર્ક, ફોરેસ્ટર બી.એમ.રાઠોડ, બીપીનભાઇ, અશોકભાઇ સહિત અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ધારીનાં પાતળા ગામની સીમમાં ભરવાડ યુવક પર સિંહણનો હુમલો.

Source: Dilip Raval, Amreli   |   Last Updated Aug 05, 2012, 16:45PM IST

-ઢોર ચરાવતા માલધારી પર સિંહણનાં હુમલાથી લોકોમાં ફફડાટ

ગીરપુર્વ જંગલ વિસ્તાર નજીક આવેલા ગામડાઓમાં અવારનવાર વન્યપ્રાણીઓ દ્રારા માણસ પરના હુમલાની ઘટનાઓ વધતી જાય છે. હજુ તો ગઇકાલે સાંજે જ પાતળા ગામની સીમમાં એક માલધારી યુવક પર સિંહે હુમલો કર્યો હતો. ત્યારે ગતરાત્રીના પણ આ જ વિસ્તારમાં ઘેટાબકરા ચરાવતા એક ભરવાડ યુવક પર સિંહણે હુમલો કરી ઘાયલ કરી દેતા આ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ધારી તાલુકાના પાતળા ગામ જંગલ વિસ્તારની તદ્દન નજીક આવેલ ગામ હોય અવારનવાર સિંહ તેમજ દિપડાઓ અહી આવી ચડે છે. અને દુધાળા પશુઓ તેમજ માણસ પર હુમલો કરી દે છે. હજુ તો ગઇકાલે સાંજે સાડા છએક વાગ્યાના સુમારે ગોબર બાઘાભાઇ મેવાડા (ઉ.વ.૩૦) નામના માલધારી યુવક માલઢોર ચરાવી રહ્યો હતો. ત્યારે સિંહે તેના પર હુમલો કરી ઘાયલ કરી દીધો હતો.

ગતરાત્રીના એકાદ વાગ્યાના સુમારે બોઘાભાઇ દુદાભાઇ ભરવાડ નામનો યુવાન ઘેટા બકરા રાખીને ખુલ્લા મેદાનમાં સુતો હોય ત્યારે અચાનક એક સિંહણ ત્યાં ચડી આવી હતી. અને ઘેટાનું મારણ કરવા જતા તેને ભગાડવાની કોશિશ કરતા સિંહણે બોઘાભાઇ પર હુમલો કરી દેતા તેને હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી.

આ બારામાં વનવિભાગને જાણ કરવામાં આવતા એસીએફ એમ.એમ.મુનીની સુચનાથી આરએફઓ પરડવા સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. યુવાનને સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

અમરેલીના બાબાપુરની સીમમાં બે સિંહે કર્યું ત્રણ ઘેટાનું મારણ.

Source: Bhaskar News, Amreli   |   Last Updated Aug 04, 2012, 00:46AM IST
અમરેલી તાલુકાના બાબાપુર ગામની સીમમાં ગઇરાત્રે બે સાવજો દ્વારા ત્રણ ઘેટાનું મારણ કરવામાં આવતા માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે. અગાઉ પણ બાબાપુરની સીમમાં સાવજો દેખાયા હતાં. હાલમાં ખેતીની સીઝન ચાલી રહી હોય સાવજો છેક અહિંની સીમ સુધી પહોંચી જતા ખેડૂતોમાં ડર છે.

ઉલ્લેખનીય એ છે કે, અવાર નવાર દિપડા અને સિંહના હૂમલાથી માલધારીઓમાં ફફડાટફેલાયો છે. ત્યારે બાબા પુરમાં ગત રાત્રે બે સાવજોએ ત્રણ ઘેટાનું મારણ કરતા અને સાવજો છેક સીમ સુધી પહોંચી જતાં ખેડૂતોમાં ડર ફેલાયો છે.

Tuesday, August 7, 2012

વન મહોત્સવ કાર્યક્રમમાં રાજકીય નેતાઓની ગેરહાજરી.

માંગરોળ,તા,પ
ગુજરાત સરકારની વાવે ગુજરાત અંતર્ગત જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે માંગરોળમાં યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમમાં એસટી ડેપોની પડતર અને બિનઉપજાવ એવી અડધો હેકટર જમીનમાં વિવિધ પ્રકારના પપ૬ જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતુ. જોકે કાર્યક્રમમાં અતિથીવિશેષ આમંત્રીતો પૈકી મંત્રી કનુભાઈ ભાલાળા, એલ.ટી. રાજાણી, દિનુભાઈ સોલંકી સહિતના રાજકીય આગેવાનોની સુચક ગેરહાજરી જોવા મળી હતી.
કે.કા. શાસ્ત્રી સ્મૃતિવનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમની શરૂઆત પહેલા શાળાના છાત્રોએ પર્યાવરણ બચાવોના સુત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. આ તકે મંત્રી વાસણભાઈ આહીર, વંદનાબેન મકવાણા, માધાભાઈ બોરીચા વગેરે હાજર રહ્યાં હતા.

સાસણમાં ઘરમાં ઘૂસી ખુંખાર દીપડાએ બાળકને ફાડી ખાધો.


Source: Bhaskar News, Talala   |   Last Updated Aug 02, 2012, 01:22AM IST

- બાળકનું શરીર ખાઇ ગયો ખોપરી-હાથ ૨૦૦મીટર દૂરથી મળ્યા

તાલાલાનાં સાસણ (ગીર) ગામે આજે વહેલી સવારે માલધારી આશ્રમશાળા પાછળ આવેલા બાવાજી યુવાનનાં મકાનમાં ઘુસી ગયેલા આદમખોર દીપડાએ માતાનાં પડખામાં સુઇ રહેલા એક વર્ષનાં બાળકને ઉપાડી જઇ ખાઇ જતા સાસણમાં કલ્પાંત મચી ગયો હતો. દીપડો બાળકનું શરીર ખાઇ ગયેલ અને માથાની ખોપડી અને એક હાથ ૨૦૦ મીટર દુર આવેલા વનવિભાગનાં આયુર્વેદીક ગાર્ડનમાંથી મળી આવેલ.

સાસણ (ગીર)માં માલધારી આશ્રમ શાળાનાં પાછળનાં ભાગે રહેતા બાવાજી હરગોવિંદપુરી બહારગામ ગયેલ હોય તેમના પત્ની એક વર્ષનાં પુત્ર છોટુને પથારીમાં સાથે પડખામાં રાખી સુતા હતા. ગરમી અને બફારાનાં લીધે મકાનનો પાછળનો દરવાજો ખુલ્લો રાખેલ હતો. વહેલી સવારે ૩ વાગ્યે નજીકનાં જંગલમાં ફરતો દીપડો બાવાજી યુવાનનાં ઘર સુધી પહોંચી ગયેલ અને ખુલ્લા દરવાજામાંથી ઘરમાં ઘુસેલ દીપડાએ માતાનાં પડખામાં સુતેલા છોટુને મોઢામાં દબોચી અંધારામાં જંગલ તરફ ભાગી છુટેલ દીપડાએ બાળકને મોઢામાં દબાવ્યો.

ત્યાં બાળકનાં રડવાનાં અવાજથી તેની માતા જાગી ગયેલ પણ હજૂ તો બાળકને બચાવવા કંઇ કરે તે પહેલા દીપડો બાળકને લઇ તેજ ગતિથી નિકળી ગયેલ આ અંગે બાવાજી યુવાનનાં પત્નીએ આડોશી-પાડોશીનાં લોકોને જગાડી જાણ કરતા સ્થાનિક સાસણ વનવિભાગને જાણ કરવામાં આવેલ. સાસણ રેન્જ અને અભ્યારણનાં ઇન્ચાર્જ આરએફઓ બાલુભાઇ સેવરા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયેલ અને દીપડો જે દિશામાં ગયો તે દિશા તરફ શોધખોળ શરૂ કરી હતી.

ઝાડી-ઝાંખરામાં શોધખોળ કરતો સ્ટાફ ૨૦૦ મીટર દૂર આવેલ આયુર્વેદીક ગાર્ડનમાં પહોંચ્યો હતો. જ્યાંથી બાળકની ખોપડી અને એક હાથ મળી આવેલ. નરભક્ષી દીપડો બાળકનું શરીર ખાઇ ગયેલ બાળકનાં શરીરનાં અવશેષો મળતા તેની માતાનાં ભારે કલ્પાંતથી વનવિભાગનાં સ્ટાફ સાથે સાસણનાં ગ્રામજનોમાં ગમગીની પ્રસરી ગઇ હતી.

- માતાના પડખામાંથી પુત્રને દીપડો ઉઠાવી ગયો

ગીર પંથકમાં દીપડાના આંતક વચ્ચે સાસણ ગામે ઘરમાં ઘૂસી માતાના પડખામાંથી માસૂમને દીપડો ઉઠાવી ગયાના બનાવથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Wednesday, August 1, 2012

મારણ માટે મરણિયો જંગ : એક વર્ષની દિપડીનુ મોત.


વિસાવદર તા.૩૦
વિસાવદરના વેકરીયા ગામના સ્મશાનની નજીક આવેલ હયાફુટી વોંકળામા એક દિપડીનો મૃતદેહ પડયો હોવાની જાણ વનમિત્ર દ્વારા સ્થાનિક વનવિભાગની કચેરીએ કરવામાં આવતા આર.એફ.ઓ.,એ.સી.એફ.સહિતનો કાફલાએ ઘટના સ્થળે જઈ તપાસ કરતા એક વર્ષની માદા દિપડીનો મૃતદેહ જોવા મળ્યો હતો ત્યારબાદ આજુબાજુ તપાસ કરતા મારણ થયેલુ ઘેટુ જોવા મળ્યુ હતું. આ મારણને આરોગવા માટે દિપડા અને દીપડી વચ્ચે મરણીયો જંગ ખેલાયો હોવાનુ જાણવા મળ્યુ છે.
ઘેટાનો શિકાર કરનાર દીપડાએ ગળાના ભાગે બચકા ભર્યા
બનાવની વધુ વિગત પ્રમાણે સ્મશાન નજીક આવેલ ગભરુભાઈની વાડીમાં આગલી રાત્રે દિપડાએ ઘેટાનુ મારણ કર્યુ હતું. આ મારણમા ભાગ પડાવવા માટે અન્ય એક દિપડી આવી પહોચતા જંગ ખેલાયો હતો. જેમા એક વર્ષની માદા દિપડીનુ મોત નિપજયુ હતુ. દિપડાએ માદા દિપડીને ગળાના ભાગે ગંભીર ઈજા કરી હોવાના નિશાન મળી આવ્યા હતા. આ ગંભીર ઈજા થવાથી મોતને ભેટી હોવાનુ વનવિભાગનુ માનવુ છે. આ દિપડીના મૃતદેહની નજીકથી અન્ય દિપડાના ફુટ માર્ક પણ જોવા મળ્યા હતા. મૃત્યુ પામેલી દિપડીને સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે લઈ જઈ વેટરનરી દ્વારા પી.એમ. કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ હોસ્પિટલ ખાતે આવેલ સ્મશાનમાં અગ્નિદાહ દેવામા આવ્યો હોવાનુ વનવિભાગ તરફથી જાણવા મળ્યુ છે.  
પુખ્ત વયની દીપડીનો મૃતદેહ મળ્યો
ધારીના સરસીયા રેન્જમાં આવતા ધારગણી ગામ પાસેના રેવન્યુ વિસ્તારમાંથી પુખ્ત વયની દીપડીનો મૃતદેહ મળી આવતા વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. સ્થળ પર તપાસ કરતા દીપડીના મૃતદેહ પાસે દીપડાના પગના સગડ મળી આવી આવ્યા હતા. દીપડીનું પોસ્ટમોર્ટમ કરાવતા તેના ગળાના ભાગે નિશાન છે. જેનાથી દીપડા સાથે ઈનફાઈટમાં તેનું મોત નિપજયાનું વનવિભાગનું માનવું છે.