Saturday, April 30, 2011

સાવજોની સલામતી માટે વનવિભાગની કવાયત.

Source: Bhaskar News, Liliya
લીલીયા પંથકમાં વસતા ૨૩ સાવજો તદ્ન અસલામત હોય અને તળાજામાં સિંહના શિકાર જેવી ઘટના અહિં ગેમે ત્યારે બની શકે તેમ હોવા અંગે ‘દિવ્ય ભાસ્કર’માં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ આજે વન કર્મચારી અને અધિકારીઓનો કાફલો અહિં દોડી આવ્યો હતો. અને આ વિસ્તારનાં ખેડૂતોએ કરેલા તાર ફેન્સીંગ-દંગા-વગેરે અંગે સર્વે શરૂ કર્યો છે. અજાણ્યા લોકોની પૂછપરછ શરૂ કરાઈ છે.તંત્ર દ્વારા અહિ સ્ટાફ વધારવા પણ કવાયત શરૂ કરાઈ છે.
તળાજા પંથકમાં સિંહના શિકારની ઘટના બાદ હવે જંગલખાતાએ એ વાતની ગંભીરતા સમજાઈ છે કે લીલીયા પંથકમાં પણ ગમે ત્યારે સાવજનો શિકાર થઈ શકે છે. ‘દિવ્ય ભાસ્કર’માં આ વિસ્તાર કઈ રીતે ચારેય તરફથી ખુલ્લો છે અને શિકારીઓ કઈ રીતે શિકાર કરી કોઈ પણ દિશામાં નાસી જઈ શકે છે તે અંગે અહેવાલ છપાયા બાદ આજે વનતંત્ર હરક્તમાં આવ્યું હતું.
આજે આ વિસ્તારનાં આરએફઓ તુર્ક ઉપરાંત લાઠી, અમરેલી અને બગસરાના આરએફઓને બીટગાર્ડ ફોરેસ્ટ અને વનમિત્રો સહિતનાં સ્ટાફનાં જંગી કાફલા સાથે આ વિસ્તારમાં દોડાવાયા હતા. ૩૫ થી વધુ કર્મચારીઓનો જંગલખાતાનો આ સ્ટાફ સાવજોના રહેઠાંણ વિસ્તારમાં ઘુમી રહ્યો હતો. અહીં સ્ટાફ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને સાવજોને કઈ રીતે સલામતી પૂરી પાડી શકાય તેની જાણકારી મેળવી હતીશ.
વનખાતાનાં કર્મચારીઓ દ્વારા અહિં ક્યા ક્યા ખેડૂતો દ્વારા તાર ફેન્સીંગ કરવામાં આવ્યું છે. અને કોઈ ખેડૂત તારમાં વજપિ્રવાહ મુકવામાં આવે છે કે કેમ તેની જાણકારી મેળવવામાં આવી હતી. આ ઉપરાંત ક્રાંકચ, બવાડીથી લઈ ચાંદગઢ સુધીનાં વિસ્તારમાં દંગા નાખીને રહેતા લોકોને પણ ચેક કરવામાં આવ્યા હતા. વનતંત્ર દ્વારા આ વિસ્તારમાં શંકાસ્પદ અવર જવર કરતા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે. જંગલખાતાનાં અધિકારીઓ નાયબ વન સંરક્ષક એસ.જે.મકવાણા, મદદનીશ વન સંરક્ષક એમ.જે.મકવાણા મદદનીશ વન સરંક્ષક એમ.એમ.મુજા, વગેરેએ ક્રાંકચ .. કણકોટ, જૂના સાવર, કેરાળા, ખાલપર વગેરે ગામની બીટ વિસ્તારમાં વસતા સાવજોની રક્ષા કઈ રીતે કરી શકાય તેની ચર્ચા કરી હતી.
પાણીના પોઈન્ટ પણ ચેક કરાયા
વન અધિકારીઓએ આજે આ વિસ્તારમાં સાવજ માટેનાં પાણીનાં દરેક પોઈન્ટ પણ ચેક કર્યા હતા અને પાણીનાં પોઈન્ટ પર સાવજની સુરક્ષા કઈ રીતે વધારી શકાય તેની ચર્ચા કરી હતી.

દિપડાના આંતકથી બગસરામાં લોકો ભયથી થરથર કાંપ્યા

Source: Bhaskar News, Bagasara 

બગસરામાં ગઇ રાત્રે છેક હુડકો વિસ્તારમાં ઘુસી જઇ એક દિપડો કૂતરાને ઉપાડી જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ બાજુ સીમમાં પાછલા ઘણા સમયથી દિપડો વસતો હોવાનું કહેવાય છે. હુડકો વિસ્તારનાં રહીશોએ દિપડાને પાંજરે પુરવા માંગ કરી છે. બગસરાનાં હુડકો વિસ્તારનાં લોકો દિપડાના ભયથી થરથર કાંપી રહ્યા છે.
આ વિસ્તારમાં ગમે ત્યારે દિપડો આવી ચડતો હોય લોકોનો ડર વ્યાજબી પણ છે. અમરેલી જિલ્લાનાં રેવન્યુ વિસ્તારમાં પાછલા એક દાયકાનાં દિપડાઓની સંખ્યા ખાસ્સી વધી છે. જિલ્લાનાં મોટાભાગનાં તાલુકામાં દિપડાની હાજરી નોંધાઇ છે. ગઇ કાલે બગસરાનાં હુડકો વિસ્તાર સુધી એક દિપડો ઘસી આવ્યો હતો અને એક કુતરાને ઉપાડી ગયો હતો. આ વિસ્તારનાં લોકોનાં જણાવ્યા અનુસાર અહિં ત્રીજી વખત દિપડો દેખાયો છે.
દિપડાનાં વધતા જતાં આંતકના પગલે લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. અહિંનાં લોકોએ આ દિપડાને તાકીદે પાંજરે પુરવામાં આવે તેવી માંગણી ઉઠાવી છે. અહિં દિપડો કોઇ માણસને નિશાન બનાવે તે પહેલા વનતંત્ર તેને પકડવા કાર્યવાહી કરે તેમ લોકો ઇચ્છી રહ્યા છે.

..તો ખાડામાં જ રામ રમી જાત.

Source: Bhaskar News, Kodinar
કોડીનાર તાલુકાનાં રોણાજ ગામની આગળ ભેખેશ્વર ડેમ સાઇટ પાસે એક ખાડામાં એક ૬ ફૂટ લાંબી મગર હોવાનું ડેમનું કામ કરતા મજુરો અને ઇજનેરોની ધ્યાને આવતા આ ઘટનાની જાણ વન વિભાગને અને પ્રકૃતિ નેચર ક્લબનાં દિનેશગીરી ગૌસ્વામી અને જીજ્ઞેશ ગોહિલને કરાતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
અને જામવાળા રેન્જ ફોરેસ્ટ ઓફીસર પી.ટી. શિયાણીનાં માર્ગદર્શન હેઠળ મગરને સહી સલામત બહાર કાઢવા કવાયત હાથ ધરવામાં આવી હતી.ભારે જહેમતનાં અંતે મગરને બહાર કાઢી પાંજરે પૂરવામાં આવી હતી. આ રેસ્કર્યું ઓપરેશનમાં બુધેશભાઇ, સાસણ મગર ઉછેર કેન્દ્રનાં ધનજીભાઇ ગોહેલ તથા સ્થાનિક ફોરેસ્ટરો જોડાયા હતા.

આખરે ગિરનાર રોપ-વેને કેન્દ્રની આખરી મંજૂરી મળી.

Source: Arjun Dangar, Junagadh
- કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની બેઠકમાં મળી મંજૂરી
- ભવનાથ રૂટથી જ રોપ-વે શરૂ કરવા કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડની લીલી ઝંડી
સોરઠની પ્રજા માટે લાપસીનાં આંધણ મુકવા જેવા સમાચાર છે. અત્યંત મહત્વનાં એવા ગિરનાર રોપ-વે આડેનો આખરી અંતરાય પણ દૂર થઇ ગયો છે. આજરોજ મળેલી કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને વાઇલ્ડ લાઇફનાં મામલે લીલી ઝંડી મળી ગઇ છે.
ભવનાથ રૂટ ઉપર જ આ પ્રોજેક્ટને મંજૂરી અપાઇ છે. જેને પગલે જૂનાગઢનાં વિકાસનાં દ્વાર ખુલી ગયા છે. રોપ-વે ને ફાઇનલ મંજૂરી મળ્યાનાં સમાચાર મળતાંજ જૂનાગઢ સહિત સોરઠભરમાં ઉત્સવનો માહોલ છવાઇ ગયો છે. આજે કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દિલ્હી ખાતે મળી હતી. જેનાં એજન્ડાની પ્રથમ આઇટમ ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ ઉપર ચર્ચા શરૂ થઇ હતી. ગુજરાત સરકારનાં વન સચિવ એસ. કે. નંદા અને એચ. એસ. સીંઘ, જૂનાગઢનાં મેયર કેપ્ટન સતીષ વીરડા, ડે. મેયર ગીરીશ કોટેચા પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચાને અંતે તેમાં ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ ઉપર વાઇલ્ડ લાઇફનાં મામલે ભવનાથ રૂટ ઉપર જ મંજૂરી આપી દેવાઇ હતી. જોકે, આ રોપ-વે ની કામગીરી સ્થાનિક કમિટીની દેખરેખ હેઠળ હાથ ધરવાનો આદેશ પણ બોર્ડે આપ્યો છે.
અત્રે નોંધનીય છે કે, ગિરનાર રોપ-વેનાં સ્થળ નિરીક્ષણ માટે કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી જયરામ રમેશે જૂનાગઢની મુલાકાત લીધી હતી. બાદમાં તેમણે બોર્ડની બેઠકમાં રોપ-વે ને શરતી મંજૂરી આપી હતી. સાથોસાથ બે માસમાં ગીધોનાં અસ્તિત્વને અસર ન પહોંચે તે માટેનાં પગલાં સુચવવા અને વૈકલ્પિક રૂટ અંગેનો રીપોર્ટ આપવા જણાવ્યું હતું.
જેને પગલે ઉષા બ્રેકોએ વૈકલ્પિક રૂટો ચકાસ્યા હતા. ગીધનાં સંરક્ષણ માટે પણ વિવિધ ઉપાયો સુચવાયા હતા. અને એ રીપોર્ટ કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડને સુપ્રત કરાયો હતો. જેનાં આધારે આજે મળેલી બેઠકમાં ઉપરોકત નિર્ણય લેવાયો હતો.
હવે પ્રદૂષણ બોર્ડની મંજૂરી આસાન : દીપક કપલીસ
આ મંજૂરીને પગલે હવે ઉષા બ્રેકો કંપની રોપ-વેની કામગીરી આગળ ધપાવી શકશે. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે વાઇલ્ડ લાઇફની મંજૂરી માટેનો મુદ્દો તેમાં સામેલ કર્યો હતો. જે મળી જતાં હવે પ્રદૂષણ બોર્ડની મંજૂરી આડેનાં અંતરાયો પણ દૂર થઇ ગયા છે. એમ ઉષા બ્રેકોનાં દીપક કપલીસે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
વાઇલ્ડ લાઇફ મોનીટરિંગ માટે કમિટી રચાશે
કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડે આપેલા આદેશ મુજબ, રાજ્ય સરકાર સ્થાનિક કક્ષાએ વાઇલ્ડ લાઇફ મોનીટરિંગ કમિટીની રચના કરશે. જેમાં રાજ્ય સરકારનાં, ઉષા બ્રેકોનાં, એનજીઓનાં અને સ્થાનિક પ્રતિનિધી સામેલ રહેશે. કમિટી પાંચ થી સાત સભ્યોની બનશે.
Source: http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-girnar-ropeway-project-get-final-approval-from-central-2050408.html

તાલાલામાં ૩.૪ની તીવ્રતાનો ભૂકંપ.

Source: Bhaskar News, Talala
- લોકો ઘરની બહાર દોડ્યા
- સાઉથ-ઇસ્ટ દિશામાં ગુંદરણ-સાસણ વચ્ચે આંચકાનું એપી સેન્ટર નોંધાયું
તાલાલામાં આજે શુક્રવારની સવારે ૮.૧૭ મિનીટે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો ભારે આંચકો આવતાં લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. શહેર ઉપરાંત આસપાસનાં ગામડાંની ધરા પણ ધ્રુજી ઉઠી હતી. આંચકાનું એપી સેન્ટર તાલાલાથી ૨૦ કિ.મી. દૂર સાઉથ-ઇસ્ટ દિશામાં ગુંદરણ-સાસણ ગામ વચ્ચે નોંધાયું હતું.
તાલાલામાં અગાઉ શિયાળામાં ધરતીકંપના હળવા આંચકા આવતાં રહેતા હતા. પરંતુ હવે ઉનાળામાં પણ ભૂકંપનાં આંચકાનો સીલસીલો શરૂ થતાં લોકોમાં ગભરાટ છવાયો છે. આજે શુક્રવારની સવારે ૮.૧૭ મિનીટે અચાનક ધરા ધણધણવા લાગતાં તાલાલા પંથકનાં લોકો ભયનાં માર્યા ઘરની બહાર દોડી ગયા હતા.
ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરનાં જણાવ્યા મુજબ મશિનમાં આ ભૂકંપની તિવ્રતા ૩.૪ની નોંધાઇ હતી. જ્યારે આંચકાનું એપી સેન્ટર તાલાલાથી ૨૦ કિ.મી. દૂર સાઉથ-ઇસ્ટ દિશામાં ગુંદરણ-સાસણ(ગીર) વચ્ચે નોંધાયું હતું. ભૂકંપના ભારે આંચકાથી તાલાલા અને આસપાસનાં ગામડાની ધરા ધ્રુજવા સાથે મકાનો હલબલિ ઉઠ્યા હતા. કાંધીમાં રહેલાં ઠામ-વાસણો નીચે ગબડી પડ્યા હતા. થોડા દિવસના વિરામ બાદ ભૂકંપે તાલાલા પંથકની ધરતીને ફરી ધ્રુજાવતાં લોકો ફફડી ઉઠ્યાં હતા.
આ ભૂકંપની અસર ગીર બોર્ડરનાં વિસાવદર, માળિયા હાટીના અને મેંદરડા તાલુકાનાં ગામડાઓમાં પણ જોવા મળી હતી. વિસાવદરનાં રતાંગ, લીમધ્રા, બરડીયા, માળિયા હાટીનાનાં અમરાપુર તથા મેંદરડાનાં ઇટાળી સહિતનાં ગામડાનાં લોકોએ પણ ધરતીકંપનાં આંચકાનો અનુભવ કર્યો હતો.
ગીર બોર્ડરના વિસાવદર, માળિયા, મેંદરડા પંથકમાં પણ અસર -
આ ભૂકંપની અસર ગીર બોર્ડરનાં વિસાવદર, માળિયા હાટીના અને મેંદરડા તાલુકાનાં ગામડાઓમાં પણ જોવા મળી હતી. વિસાવદરનાં રતાંગ, લીમધ્રા, બરડીયા, માળિયા હાટીનાનાં અમરાપુર તથા મેંદરડાનાં ઇટાળી સહિતનાં ગામડાનાં લોકોએ પણ ધરતીકંપનાં આંચકાનો અનુભવ કર્યો હતો.
શુક્રવારે એક જ દિવસમાં છ ભૂકંપના આંચકા -
રાજ્યમાં ઇન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રીસર્ચ સેન્ટરમાં શુક્રવારે એક જ દિવસમાં ભુકંપનાં આંચકા નોંધાયા છે. તાલાલા ગીર અને સાસણમાં સવારે આવેલા ૩.૪નાં ભુકંપના આંચકા પહેલા કચ્છનાં ભચાઉમાં હળવા પાંચ આંચકા પરોઢીયે આવ્યા હતા.
તારીખ------- સમય-------- રીકટર સ્કેલ--------- લોકેશન
૨૯ એપ્રિલ---- ૪.૨૭-------- ૧.૪-------- ભચાઉથી ૧૦ કિ.મી. દૂર૨૯ એપ્રિલ---- ૪.૩૨-------- ૧.૧-------- ભચાઉથી ૧૦ કિ.મી. દૂર૨૯ એપ્રિલ---- ૫.૨૭-------- ૧---------- ભચાઉથી ૧૧ કિ.મી. દૂર૨૯ એપ્રિલ---- ૫.૩૨-------- ૧---------- ભચાઉથી ૧૧ કિ.મી. દૂર૨૯ એપ્રિલ---- ૭.૪૦-------- ૧.૯-------- ભચાઉથી ૨૦ કિ.મી. દૂર૨૯ એપ્રિલ---- ૮.૧૭-------- ૩.૪-------- સાસણ ગીર આસપાસ
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-earthquake-in-talala-of-3-2062689.html

ખાંભા નજીક સીમમાં સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો.

Source: Bhaskar News, Khambha
ખાંભા પંથકમાં બે સિંહણના મોત જેવા માઠા સમાચાર વચ્ચે ખાંભા તાલુકામાં જ એક સિંહણે બે સિંહ બાળને જન્મ દીધાની ઘટના બનતા પ્રકૃતિપ્રેમીઓ ખુશખુશાલ છે. મોટાબારમણની સીમમાં કતારધાર તરીકે ઓળખાતા ડુંગરમાં સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો છે. જંગલખાતુ બચ્ચાના રક્ષણ માટે વિશેષ તકેદારી દાખવે તે જરૂરી છે.
પ્રકૃતિ તેનો નિયમ બખુબી નિભાવ્યે જાય છે. જન્મ અને મરણનું પ્રકરણ સંતુલિત રીતે ચાલ્યે રાખે છે. ખાંભા પંથકમાં કમસોકમ સિંહની બાબતમાં તો ખુબ જ ટુંકા સમયમાં આ સંતુલન નજરે પડ્યું. ખાંભાના કંટાળાની સીમમાં ત્રણ દિવસ પહેલા એક સાથે બે સિંહણના મોત થયાની ઘટના તાજી છે ત્યાં જાણે આ બંને સિંહણની ખોટ ભરપાઇ થતી હોય તેમ ખાંભા પંથકમાંથી જ બે સિંહ બાળના જન્મના સમાચાર આવ્યા છે.
ખાંભા તાલુકાના મોટાબારમણ ગામની સીમમાં કતારધાર તરીકે ઓળખાતા ડુંગરમાં એક સિંહણ બે નવજાન સિંહ બાળ સાથે નઝરે પડી છે. આ બંને સિંહ બાળનો જન્મ એક અઠવાડીયા પહેલા જ થયો હોવાનું લાગી રહ્યું છે. અહિં સિંહણ બચ્ચાને છોડી દુર પણ જતી નથી. આજ છતાં સ્થાનિક લોકોનું ધ્યાન તેના તરફ ગયું છે.જંગલ ખાતા દ્વારા આ સિંહ બાળની સુરક્ષા માટે તકેદારીના પગલા લેવાય તે જરૂરી છે. સિંહ બાળ મોટા થવાનો દર ઘણો નીચો છે અને હાલમાં કાળજાળ ગરમીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે વનતંત્ર જાગૃત રહે તેવી પ્રકૃતિપ્રેમીઓની માંગણી છે.
વનતંત્રની બેદરકારીથી નીલગાયનું મોત -
ખાંભા તાલુકાના જીવાપર ગામે ગઇકાલે રવજીભાઇ આણંદભાઇ સુહાગીયાની વાડીમાં એક નીલગાય કુવામાં પડી ગઇ હતી. જંગલખાતાના કર્મચારીઓને આ બારામાં જાણ કરાતા તેનો સ્ટાફ અહિં દોડી આવ્યો હતો. વનકર્મચારીઓએ ઘાયલ નીલગાયને કુવામાંથી બહાર કાઢી ત્યાં જ મુકીને ચાલ્યા ગયા હતાં.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-give-two-childs-birth-near-khambha-1975334.html

'ઇનફાઇટ'માં દીપડાને પતાવી દેતો સાવજ.

Source: Bhaskar News, Una
- જસાધાર રેન્જમાં સિંહ મારણ કરતો હોય અચાનક દીપડો ચડી આવતાં જંગ ખેલાયો હોવાનું વન વિભાગનું અનુમાન
જંગલનો રાજા સિંહ સામાન્ય રીતે તૃણભક્ષી પ્રાણીઓનો જ શિકાર કરે છે. જો આવાં પ્રાણીઓ ન મળે તો માલઢોર તરફ પણ નજર દોડાવે. જોકે, શનિવારે ગીરનાં જંગલની જશાધાર રેન્જમાં રાવલ નદીનાં પટમાં સિંહ-દીપડા વચ્ચે ફાઇટ ટુ ફીનીશ નો જંગ ખેલાયો હતો. જેમાં દીપડાએ જીવ ગુમાવ્યો હતો. સિંહ મારણ કરતો હોય એ સમયે દીપડાએ ત્યાં આવીને ખલેલ પહોંચાડ્યા બાદ આ ઇન્ફાઇટ થઇ હોઇ શકે એમ વન વિભાગ અનુમાન લગાવી રહ્યું છે.
ગીર પૂર્વ વનવિભાગ હેઠળ આવતી જશાધાર રેન્જનાં જંગલમાં શનિવારે બપોરનાં સમયે એક સિંહ અને દીપડો રાવલ નદીનાં પટમાંજ સામસામા આવી ગયા હતા. બંને વચ્ચે ઘુરકિયાં થયા બાદ જંગ શરૂ થઇ ગયો હતો. જંગલમાં આમેય બે ખુંખાર પ્રાણીઓ વચ્ચેનો જંગ ફાઇટ ટુ ફીનીશ નો જ હોય છે. અહીં પણ એવું જ થયું. એક તરફ વનરાજ હતા.
તો બીજી તરફ ચપળ દીપડૉ. આમ છતાં રાજા એ રાજા. દીપડો ગમે તેટલો ચાલાક હોય. સિંહની પ્રચંડ તાકાત પાસે તેની શી વીસાત ? આખરે થવાનું હતું એ જ થયું. આ ઇન્ફાઇટમાં દીપડો મોતને ભેટ્યો. અને સિંહે પોતાની વાટ પકડી. દીપડાનો મૃતદેહ મળી આવતાં અને તેના પર ન્હોર, બચકાં ભરેલાં હોવાનાં નિશાનો જોતાં દીપડાનું મોત સિંહ સાથેની ઇન્ફાઇટમાં જ થયાનું સ્પષ્ટ બન્યું.
મૃત દીપડાની ઉંમર ૧૨ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. કદાચ સિંહ મારણ કરતો હોય એ વખતે દીપડો તેમાં ભાગ પડાવવા આવી જતાં બંને વચ્ચે ઇન્ફાઇટ થઇ હોઇ શકે એમ વનવિભાગનું માનવું છે.
સિંહને શોધવા દોડધામ -
દીપડા સાથેની ઈન્ફાઇટમાં સિંહને પણ ઇજાઓ પહોંચી હોવાની શક્યતાનાં આધારે વન વિભાગે તેનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે.
ખિલાવડમાં થોડા માસ પૂર્વે સિંહ-દીપડાએ સાથે ભોજન કર્યું’તું - 
સિંહ અને દીપડો ક્યારેય સામસામે આવતા નથી. જોકે, થોડા સમય પહેલાં ખિલાવડ ગામની સીમમાં સિંહ અને દીપડાએ એક જ મારણમાંથી સાથે ભોજન કર્યાનો બનાવ પણ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/article/sau-lion-hunting-leopard-in-infight-2007762.html