Monday, March 17, 2008

ત્રીજી વખતના મોરે આંબામાંથી પોષણ ખેંચી લેતા કેસરના પાકને મોટો ફટકો

તાલાલા, તા.૧૬
આ વર્ષે તાલાલા પંથકમાં પ્રકૃતિ વિરુધ્ધની ઘટનાઓ નિર્માણ પામી છે. કેસર કેરીના આંબામાં પ્રથમ વખતનો મોર ખરી ગયા બાદ ઉપરા ઉપર ત્રીજી વખત આવેલા મોરે આંબામાંથી પોષણ ખેંચી લેતાં કેસર કેરીના પાકને જબ્બર ફટકો પડવાની સંભાવના છે. છ દાયકામાં કદી ન બની હોય તેવી ઘટના જોવા મળતાં તાલાલા પંથકના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પ્રથમ વખત આવેલો મોર કાતિલ ઠંડીના કારણે ખરી ગયો હતો. બીજી વખત આવેલા મોરમાં મગીયો બંધાયો ત્યાં ત્રીજી વખત મોર આવતાં કેસર કેરીનું ઉત્પાદન પણ મોડું થશે. કેસર એપ્રિલ માસનાં અંતમાં બજારમાં આવતી તેના બદલે મે માસના મધ્યમાં બજારમાં આવશે.

તાલાલા પંથકમાં કદી પણ ન બની હોય તેવી પ્રકૃતિ વિરુધ્ધની પ્રકિયા કેસર કેરીના પાકમાં શરૃ થઈ છે. કેસર કેરીના આંબામાં ગત નવેમ્બર માસમાં મોર આવવા માંડયો હતો. પરંતુ કાતિલ ઠંડીના કારણે તમામ મોર ખરી ગયો હતો. બાદમાં બીજી વખત આવેલા મોરથી મગિયો બંધાયો હતો અને ચણા જેવડી ખાખટી થઈ ગઈ હતી. ત્યાં વળી આંબામાં ઝડપથી ત્રીજી વખત મોર આવવા માંડતા તમામ પંથકના ખેડૂતોમાં આશ્ચર્ય ફેલાયુ છે. આ ત્રીજી વખતના મોરે આંબા ાંથી પોષણ ખેંચી લેતાં જે ખાખટી બંધાઈ છે તેનો વિકાસ અટકી ગયો છે. આ ખાખટી એકાએક પીળી થઈ ખરવા માંડી છે.જાણકારોના મતે તાલાલા પંથકમાં કેસર કેરીના પાકમાં આ વર્ષે જે ત્રણ તબકકાની પ્રકિયા નિર્માણ પામી છે તેવી પરિસ્થિતિ કદાપી ઉદ્ભવી નથી. હવે જો ત્રીજી વખતના પાકને અનુકુળ આબોહવા મળશે અને તે બંધારણ પ્રકિયા ઝડપથી આગળ વધશે તો પણ પાક તૈયાર થશે ત્યારે ચોમાસું આવી ગયુ હશે પરિણામે ખેડુતો કેરીના પાકને સાચવી શકશે નહીં.આમ આ વર્ષે તાલાલા પંથકના ખેડૂતોને કેસરના ઉત્પાદનમાં જબ્બર ફટકો પડે તેવી સંભાવના છે. ખેડૂતોએ માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. આ સ્થિતિમાં સરકાર ઉચ્ચ કક્ષાએથી સાચો સર્વે કરાવે અને ખેડૂતોને મદદરૃપ બને તેવી માંગણી ઉઠી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=62898&Keywords=Sorath%20Gujarati%20News

No comments: