Sunday, April 27, 2008

સિંહો દ્વારા છાશવારે થતા શિકારથી ગ્રામ્ય પ્રજા ભયભીત

જૂનાગઢ,તા.૨૬ : છેલ્લાં થોડા સમયથી ગીર જંગલમાંથી બહાર નીકળી આસપાસનાં ગામડાઓમાં ત્રાટકી દરરોજ સંખ્યાબંધ ઢોરોનું મારણ કરી રહેલા વનરાજોને લીધે આ પંથકના ગ્રામ્ય પ્રજાજનોમાં ભયનું મોજુ પ્રસરી જવા પામ્યું છે. કોઇ પણ કારણોસર જંગલમાંથી બહાર આવી ગમે ત્યારે નજીકના ગામડાઓમાં ત્રાટકતા સિંહોને લીધે ડરી રહેલા ગ્રામજનો રાત્રે ખેતરમાં પણ જઇ શકતા નથી. તથા હાલમાં છાશવારે બની રહેલા આવા મારણના બનાવોને લીધે પશુમાલિકો પણ મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા છે. ત્યારે ગીર જંગલમાં સિંહો માટે પુરતી અને યોગ્ય વ્યવસ્થા ગોઠવી સિંહોને જંગલ બહાર આવતા અટકાવવા વન વિભાગ દ્વારા સત્વરે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગણી માળીયા પંથકના આગેવાને વનમંત્રી સમક્ષ કરી છે.

વિશ્વ પ્રસિદ્ધ એશિયાઇ સિંહોના રક્ષણ માટે સોરઠના ગીર જંગલને અભ્યારણ્ય તરીકે જાહેર કરાયા બાદ ગીર જંગલમાં સિંહોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે ગીર જંગલની બોર્ડર વિસ્તારનાં ગ્રામ્ય પંથકમાં છેલ્લા થોડા સમયથી વારંવાર સિંહો આવીને મારણ કરતાં હોવાની વધી રહેલી ઘટનાઓથી આ પંથકના પ્રજાજનોમાં ભયનું મોજુ પ્રસર જવા પામ્યું છે.

સિંહો દ્વારા જંગલની બહાર આવીને છાશવારે કરાતાં મારણોને લીધે ખેડૂતો માટે ઉપયોગી ઢોર સાચવવાની સમસ્યા ઉભી થવા પામી છે.

દરમ્યાનમાં માળીયા પંથકના અગ્રણી મહેન્દ્રભાઇ ગાંધીએ આ બાબતે વનમંત્રીને એક પત્ર લખી જણાવ્યું છે કે, ગીર જંગલમાં સિંહો માટે જરૃરી વ્યવસ્થા ન હોવાને લીધે સિંહો જંગલની બહાર નીકળી ગામડાઓ અને શહેરો સુધી પહોંચી રહ્યાં છે. અને જંગલમાંથી બહાર નીકળી માનવ વસાહતોમાં આવી રહેલા સિંહો દરરોજ સંખ્યાબંધ ખાનગી માલિકીના તથા સંસ્થાઓના ઢોરનું મારણ કરી રહ્યા હોવાની ઢોરોને સાચવવાનો મોટો પ્રશ્ન ઉભો થયો છે.

બીજી તરફ જંગલ બહાર રેવન્યુ વિસ્તારમાં સિંહોના વધી રહેલા હુમલાઓથી ગમે તેની સિઝન હોવા છતાં ખેડૂતો ડરને લીધે રાત્રીનાં સમયે ખેતરમાં જઇ શકતા નથી. પરિણામે લાખ્ખો રૃપિયાનું નુકશાન ખેડૂતોને જઇ રહ્યાં છે. અને ભયનું સામ્રાજ્ય ઉભું થવા પામ્યું છે.

કોઇ પણ કારણોસર ગીર જંગલમાંથી બહાર આવી જતાં સિંહોનો ભોગ આમ જનતાએ બનવું પડે છે. આવી સ્થિતીને લીધે ગીર જંગલ આસપાસનાં ગામડાઓમાં વસતા ખેડૂતોની હાલત દયનીય થઇ જવા પામી છે.

જો કે આ બાબતે વન વિભાગ સમક્ષ અવાર-નવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં વન વિભાગ દ્વારા દુર્લક્ષ સેવાઇ રહ્યું હોવાથી પ્રજાની મુશ્કેલીમાં રોજબરોજ વધારો થઇ રહ્યો છે.

તાજેતરમાં જ માળીયા (હાટીના)ની ગૌશાળા પર ત્રણ સિંહોના ટોળાએ ઉપરા છાપરી બે રાત્રી સુધી સતત કરેલા હુમલાઓને લીધે હાલમાં ગૌશાળામાં કામ કરતા લોકો ડરને લીધે ગૌશાળા છોડી જતા રહેવાની તૈયારીઓ કરી રહ્યાં છે. જેને લીધે આ ગૌશાળાની હાલત દયનીય બની જવા પામી છે. ત્યારે આ બાબતે રાજ્યકક્ષાએથી અંગત રસ દાખવી ગીર જંગલમાં સિંહો માટે પુરતી અને યોગ્ય વ્યવસ્થા ઉભી કરાય તેમજ સિંહો જંગલ છોડી બહાર નિકળી ન જાય તે માટે સત્વરે આદેશો જારી કરી કડક અમલવારી કરાવવાની માંગણી સાથે આ દિશામાં તાત્કાલીક પગલા નહિં લેવાય તો અહિંસક આંદોલન છેડવાની ચીમકી પણ પત્રના અંતે ઉચ્ચારવામાં આવી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=72460&Keywords=Sorath%20gujarati%20news

No comments: