Saturday, April 26, 2008

માંગરોળ નજીક ચાર ટન વજનની વ્હેલ માછીમારોની જાળમાં ફસાઇ

Bhasakar News, Mangrol
Saturday, April 26, 2008 00:05 [IST]

માંગરોળ બંદરથી ૧૦ નોટિકલ માઇલ દૂર પિશ્ચમ દિશામાં આજે વહેલી સવારે માછીમારી કરી રહેલી બોટની જાળમાં ૪ ટન વજનની વ્હેલ શાર્ક (બેરલ) માછલી સપડાયા બાદ રેન્જ ફોરેસ્ટ સ્ટાફ તથા ખારવા યુવાનોની ભારે જહેમત બાદ જાળ કાપી તેને મુકત કરાઇ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન માંગરોળના દરિયા કિનારામાં મહાકાય માછલી જાળમાં સપડાઇ હોય તેવો આ બીજો બનાવ બન્યો છે.

અત્રેના દેવજી માધા હોદારની માલિકીની ‘દાનેશ્વરી કòપા’ બોટ (વીઆરએલ-૬૦૧૦) આજે સવારે શીલના દરિયામાં સવારે ૯ વાગ્યે માછીમારી કરી રહી હોય એ દરમિયાન જાળમાં ૨૫ ફૂટ લાંબી અને ૪ ટન વજનવાળી વ્હેલ શાર્ક સપડાઇ હતી.

આ અંગે બોટના ટંડેલ માધા હરજી હોદારે ખારવા અગ્રણીને જાણ કરતાં નાયબ વનસંરક્ષક રાણા તથા એસઇએફ બાબરિયાના સીધા માર્ગદર્શન હેઠળ રેન્જ કો.ઓ. ઝાલાવાડિયા (માંગરોળ)ની રાહબરી હેઠળ રાઉન્ડ ફોરેસ્ટ એસ.એમ. સિસોદિયા, મહાવીરસિંહ ચુડાસમા, વિજયસિંહ ચુડાસમા, ઇકબાલભાઇ પટેલ તેમજ ફિશરિઝ ડિપાર્ટમેન્ટ, ખારવા આગેવાનો બે હોડી મારફત બનાવ સ્થળે પહોંચી ગયા હતા. જયાં બોટના ખલાસી દેવજી માધા અને પરેશ માધાની મદદથી ફોરેસ્ટ સ્ટાફે જાળ કાપી વ્હેલને મુકત કરી હતી. જાળ કાપતાં માછીમારને હજારોનું નુકસાન થયું હતું.

Source: http://www.divyabhaskar.co.in/2008/04/26/0804260008_mangrol.html

No comments: