Tuesday, September 16, 2008

જૂનાગઢ-વેરાવળ નેશનલ હાઈવે ગાડા રસ્તાને પણ શરમાવે તેવો

કણજા, તા.૧૫
જૂનાગઢથી સોમનાથ સુધીનો રસ્તો છેલ્લા ૧૦ વર્ષથી બિસ્માર હાલતમાં છે. આ રોડ ને માત્ર નેશનલ હાઈવે નં.-૮ નું નામ જ આપેલ છે. ખરી હકિકતે આ રોડ કોઈ પણ ગામડાના રસ્તા કરતાંય બિસ્માર હાલતમાં છે. સોમનાથ જેવા પ્રવાસન ધામ જવા માટે આ એકજ રોડ હોય, છતાં પણ આ રોડની હાલત બદતર થઈ ગયેલ છે.આ રોડ ઉપર જુનવાણી પુલીયાઓ આવેલ છે. તે તમામ પુલીયા ઉપરનો રસ્તો અતિ ખરાબ જેમાં વાહન તો શું માણસ પણ ચાલી શકે તેવા રહ્યાં નથી અને આ પુલીયા જુના હોવાથી અને સાંકડા હોવાથી ત્યાં ડાયવર્ઝનો મુકાયેલા છે. જેમાં કોઈ અકસ્માત થવાનો પુરતો ભય રહે છે. વંથલીનો જે ઓઝત પુલ છે તે પુલ સદી પુરાણો પુલ છે. જે પુલ હાલ અતિ બિસ્માર થઈ ગયેલ છે. જો આ પુલને નવેસરથી બનાવવામાં નહીં આવે તો આ પુલ ઉપર કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની પુરી શકયતા રહેલી છે.
આ રસ્તો ગામડા જેવો ધુળીયો રસ્તો બની ગયેલ હોય, જેના કારણે મોટા વાહનોની પાછળ આવતા નાના વાહન ચાલકોને આંખો બંધ કરી વાહન ચલાવવું પડે છે. જો આંખો બંધ ન કરે તો તેની આંખોમાં કરચો ઘુસી જાય છે. આ રોડને નવેસરથી બનાવવા માટે લાગતા-વળગતાઓને મૌખિક તેમજ લેખિત રજુઆતો કરેલ હોવા છતાં વર્ષોથી આ રોડ આવો ને આવો જ રહ્યો છે. જેથી હવે આ રોડ નહીં બનાવવામાં આવે તો આ રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોને ના છુટકે આંદોલન કરવાની ફરજ પડશે, તેમ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ અગ્રણી પી.ડી. ડાંગરને યાદી જણાવે છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=12825

No comments: