Wednesday, June 17, 2009

સાવજોની સંખ્યામાં મોટો વધારો નોંધાવાની સંભાવના.

Jayesh Godhiya, Una
Wednesday, June 17, 2009 02:53 [IST]

સાવજ પ્રેમીઓ ખુશખુશાલ થઈ જાય એવા મોજ પડી જાય એવા સમાચાર છે. ગીરના ગૌરવસમા કેસરી સાવજોની સંખ્યા વધી રહી છે. આ વર્ષે સિંહણોના આંગણે મોટીસંખ્યામાં પારણા બંધાયા છે. ગીર અભયારણ્યના જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર આજના દિવસે જંગલમાં ઓછામાં ઓછા ૧૨૫ સિંહબાળો ઊવાઊવા કરી રહ્યાં છે.

એમાંથી મોટી સંખ્યાના ટાબરિયાંઓ સર્વાઈવ કરી શકે એ તબક્કો વટાવી ચૂકયા છે. હવે જો બધું સાનુકૂળ રહે તો આવતા વર્ષે થનારી વસ્તી ગણતરી સમયે સાવજોની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાવાની મંગલમય સંભાવના ઊભરી આવી છે. સિંહના જીવનશૈલીના અભ્યાસોના જણાવ્યા મુજબ એક સિંહણ સરેરાશ બે બરચાંને જન્મ આપે છે. જો કે સિંહબાળોનો મૃત્યુદર મોટો હોય છે.

સાવજો પોતપોતાના જુથોમાં રહે છે. બરચાંના જન્મ બાદ જો એ જુથમાં અન્ય સિંહનું આગમન થાય તો એ સિંહ બાળસિંહોને મારી નાખ્યું છે. ગીર અભયારણ્યમાં ખુલ્લા કૂવાઓમાં પડી જવાને કારણે પણ સાવજ બાલુડાઓ મૃત્યુ પામે છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે પાણીભરાઈ જાય અથવા તો નદી-નાળા ક્રોસ કરતી વેળાએ બાળ સાવજો જો અટવાઈપડે અને એવા સંજોગોમાં જો બરચાંઓ એની જનેતાથી બે-ત્રણ દિવસ અલગ રહે તો એનું આયખું ટૂંકાઈ જાય છે.

આ એક કુદરતી ક્રમ છે. જૂનાગઢના કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ શર્માએ આપેલા આંકડા મુજબ ૨૦૦૧થી અત્યાર સુધીમાં ત્રીસ સાવજોના ખુલ્લા કૂવામાં પડી જતાં મૃત્યુ થયા છે. સન ૨૦૦૫થી ૨૦૦૯ સુધીમાં ૧૪૪ સાવજો કુદરતી મૃત્યુ પામ્યા છે. દર વર્ષે કુલ સંખ્યાના ૮થી ૧૦ ટકા સાવજો મૃત્યુ પામે છે.

ગયા વર્ષે સૌથી વધારે એટલે કે ૫૫ સાવજોના મોત થયા હતા. સાવજોનો વૃઘ્ધિ દર દર વર્ષે સરેરાશ દોઢથી બે ટકાનો રહ્યો છે. પણ, આ વખતે પરિસ્થિતિ પલટી છે. વનખાતાના સાવજપ્રેમી કર્મચારીઓ અને અધિકારીઓના ચહેરા ખુશખુશાલ છે. કારણ એ છે કે, અત્યારે ગીરના જંગલમાં મોટી સંખ્યામાં હટ્ટા, કટ્ટા બાળ સાવજો ધીંગા મસ્તી કરી રહ્યાં છે. વનખાતાના વિશ્વાસપાત્ર વર્તુળોના જણાવ્યા મુજબ ૧૨૦થી ૧૨૫ બરચાં ધીમે ધીમે પુખ્ત થવા તરફ આગળ વધી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અત્યારે અનેક સાવજ જુથોમાં બબ્બે-ચાર-ચાર ટાબરિયાં નજરે પડે છે. ઊના નજીકના ઊગલા વિસ્તારમાં એક જુથમાં છ સિંહણો છે અને એ સિંહણો સાથે બે-ચાર નહીં પણ ૧૪-૧૪ બરચાં માસૂમ ડણકો લગાવે છે.

જંગલ ખાતાના જાણકાર વર્તુળો માને છે કે, એક સાથે આટલા બધા બરચાં હયાત હોય એ વાત થોડી આશ્ચર્જનક અને થોડીક અસામાન્ય લાગે છે. આ ઘટના થાળી વગાડીને મોં મીઠાં કરાવવા જેવી છે. હવે પછીની વસ્તી ગણતરી ૨૦૧૦માં થશે ત્યારે સિંહની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાવાની સંભાવના છે.

એક સિંહણ શિકાર કરે, બીજી બરચાંઓને સાચવે

સિંહણો માતૃત્વની અતિ પ્રચંડ ભાવના ધરાવે છે. બરચાં અઢી વર્ષના થાય ત્યાં સુધી સિંહણ એને પોતાનાથી અલગ નથી થવા દેતી. સિંહણો માત્ર પોતાના બરચાંનું જ લાલન પાલન કરે છે એવું નથી. સાવજો જુથમાં રહે છે. દરેક જુથમાં બેથી સાત જેટલી સિંહણો હોય છે.

આ બધી સિંહણો એ જુથના તમામ બાળ સાવજોનું રક્ષણ કરે છે. ત્યાં સુધી કે જો કોઈ સિંહણ શિકાર માટે દૂર ગઈ હોય અથવા તો કોઈપણ કારણોસર એનું મૃત્યુ થયું હોય તો એ સંજોગોમાં એના બરચાંને અન્ય સિંહણો પોતાનું દૂધ પણ પીવડાવે છે. શિકારની વેળા આવે ત્યારે કેટલીક સિંહણો એ ફરજ બજાવે છે અને બાકીની સિંહણો જુથના બધા બરચાંને સાચવવાની જવાબદારી ઊઠાવી લે છે.

આવતા વર્ષે સિંહ ગણતરી થશે

ગીરમાં દર પાંચ વર્ષે સિંહ ગણતરી કરવામાં આવે છે. છેલ્લે સન-૨૦૦૫માં ગણતરી થઈ હતી. એ સમયે ૮૯ સિંહ, ૧૨૪ સિંહણ, ૭૨ સબ એડલ્ટ અને ૭૪ સિંહ બાળ સહિત કુલ સ્કોર ૩૫૯નો થયો હતો. આવતા વર્ષે થનારી ગણતરીમાં આ આંકડો કેટલા પહોંચે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.

વનખાતાની મહેનત રંગ લાવી

ગીર અભયારણ્યમાં સાવજોના શિકારની ઘટના પ્રકાશમાં આવી ત્યારે વનખાતા ઉપર માછલાં ધોવવામાં કાંઈ બાકી નહોતું રહ્યું. પણ, આ જ વનખાતાએ લીધેલા કડક પગલાંને કારણે વન્ય જીવસૃષ્ટિ વધુ સલામત અને સમૃઘ્ધ બની છે. છેલ્લા ઘણા સમયથી જંગલના પ્રતિબંધિત વિસ્તારમાં માણસોની ગેરકાયદે આવનજાવનને વનતંત્રે કડક હાથે અટકાવી છે.

પરિણામે વન્ય જીવો હવે ખલેલમુકત પ્રાકતિક જીવન ભોગવી શકે છે. આ પગલાંને કારણે કેટલાક સંભવિત ઘાતક પરિણામો પણ અટકયા છે. સિંહબાળોની વસ્તી વધી એના માટે થોડોક યશ વનખાતાને પણ આપવો ઘટે.

સાવજોનો મેટિંગ પિરિયડ શરૂ થઈ રહ્યો છે

સામાન્ય રીતે જૂનથી ઓકટોબર સુધીનો સમયગાળો સિંહનો મેટિંગ પિરિયડ ગણાય છે. ડાલમથ્થો એ સમયમાં રોમેન્ટિક બની જાય છે. સિંહણો મદધેલી બને છે. ચોમાસાના પ્રારંભે વનના સૂકા વૃક્ષો કૂમળું લીલુંછમ પાનેતર ઓઢવા લાગે અને આકાશે જળસભર વાદલડીઓ અડિંગો જમાવે એ સાથે જ આખી પ્રકત્તિ કામજવરથી પ્રભાવિત બને છે. જંગલના પશુ, પંખીઓ પ્રેમી ગીતો ગાવા થનગનવા લાગે છે અને સાવજોનો ઉન્માદ ચરમસીમાએ પહોંચે છે.

Source: http://www.divyabhaskar.co.in/2009/06/17/0906170254_lion_reminiscences_registion_likelihood.html

No comments: