Wednesday, June 17, 2009

ધારી પાસેથી ત્રણ વન્યપ્રાણીના મૃતદેહ મળી આવતાં ખળભળાટ

Bhaskar News, Dhari
Tuesday, June 16, 2009 02:23 [IST]

વનતંત્ર અજાણ : શિકારનું મસમોટું કૌભાંડ ચાલતું હોવાની આશંકા

ધારી નજીક સરસિયા રેન્જના કાળીટીંબા વિસ્તારમાંથી આજે ત્રણ વન્યપ્રાણીઓના કોહવાઇ ગયેલા મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મૃતદેહો એ હદે કોહવાઇ ગયા છે કે, તે પ્રાણી રોઝ છે કે ચિંકારા તે અંગે પણ નક્કી નથી થઇ શકયું. આઘાતજનક વાત એ છે કે, આ સ્થળે આ મૃતદેહો ૧૫-૧૫ દિવસથી પડયા હોવા છતાં વનખાતાને તેની જાણ સુઘ્ધા નથી.

આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં નીલગાય ગુમ થયાની ચર્ચા વરચે શિકારનું મોટું કૌભાંડ ચાલી રહ્યાંની આશંકા છે. પ્રાપ્ત વિગતો મુજબ ધારી નજીક રામબાગ વિસ્તારની બાજુમાં કુબડા ગામ નજીક ધારી બીટની સરસિયા રેન્જમાં કાળીટીંબા વિસ્તારમાં ત્રણ વન્યપ્રાણીના મૃતદેહ છેલ્લા ૧૫ દિવસથી સબડે છે.

માત્ર હાંડપિંજર જ વઘ્યા હોવાથી આ પ્રાણીઓની ઓળખ થઇ શકી નથી. પત્રકારોએ આજે એ સ્થળની મુલાકાત લીધી ત્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં વન્યપ્રાણીઓની શિકારની પ્રવૃત્તિ ચાલતી હોય એવી ભેદી ગતિવિધિઓ અનેક વખત નજરે ચડી છે. થોડા સમય પહેલાં પણ એક ચિંકારું અને ત્રણ નીલગાયના મૃતદેહ મળી આવ્યા હતા. પરંતુ એ ઘટના ઉપર વનવિભાગે પડદો પાડી દીધો હતો.

આજે પ્રકાશમાં આવેલી ઘટનામાં પણ વનતંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાઇ આવી હતી. ૧૫-૧૫ દિવસ સુધી મૃતદેહો પડ્યાં રહ્યાં અને હાડપિંજરો કોહવાઇ ગયા છતાં વનવિભાગ ત્યાં પહોંચી કેમ ન શકયું તે મુદ્દો તપાસ માગી લે છે. આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં અગાઉ અનેક ચિંકારા અને નીલગાય નજરે પડતા હતા.

પરંતુ છેલ્લા ઘણા સમયથી એ પ્રાણીઓની સંખ્યા ઘણી ઓછી થઇ ગઇ છે. આ પ્રાણીઓનો શિકાર થઇ ગયો હોઇ તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. આજે મળેલા મૃતદેહોના પોસ્ટમોટર્મ બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે. પણ જો સરસિયા રેન્જ હેઠળના વન્યપ્રાણીની વસતી ગણતરી કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

Source: http://www.divyabhaskar.co.in/2009/06/16/0906160226_belonging_forest_animal_deadbody_meet_agitation.html

No comments: