Wednesday, June 17, 2009

પાટડીના રણ વિસ્તારમાં જંગલી પ્રાણીઓનો બેરોકટોક શિકાર

Manish Pareek
Monday, June 15, 2009 01:17 [IST]

પાટડી તાલુકાના રણકાંઠાના અભિયારણ્ય વિસ્તારમાં ઘૂડખર, નીલગાય, કાળીયાર, ચીંકારા અને વરૂ સહિતના પ્રાણીઓ જોવા મળે છે. ત્યારે રણકાંઠા વિસ્તારમાં રાતના અંધારામાં પ્રાણીઓનો શિકાર મોટા પ્રમાણમાં થતો હોવાની ચોંકાવનારી હકિકતો મળી છે. જેમાં નીલગાયનું માંસ આજુબાજુના વિસ્તાર સહિત છેક બહારના રાજયો સુધી પહોંચાડવા વિવિધ ગેંગો સક્રિય થઇ હોવાનુ જાણવા મળે છે.

૪૯૫૩.૭૦ ચો. કિ.મી. વિસ્તારમાં ફેલાયેલુ ઘૂડખર અભિયારણ્ય ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટુ અભિયારણ્ય છે. વન વિભાગ દ્વારા કરાયેલી ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ નીલગાયની કુલ સંખ્યા ૭૭૩૩૮ નોંધાયેલી છે. ત્યારે રણકાંઠા વિસ્તારમાં રાતના અંધારામાં શિકારીઓ દ્વારા નીલગાય સહિતના જંગલી પ્રાણીઓનો મોટાપાયે શિકાર કરાતો હોવાની ચોંકાવનારી માહિતી મળી છે.

બહારથી આવતા શિકારીઓ એક પ્રાણીનો શિકાર કરવા માત્ર રૂપિયા ૧૦ થી ૧૫ના દારૂ ગોળાનો જ ખર્ચ છે. જયારે વિવિધ પ્રાણીઓનું માંસ રૂપિયા ૪૦ પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જેમાં નીલગાયનું માંસ આજુબાજુના વિસ્તાર સહિત બહારના રાજયો સુધી પહોંચાડાતુ હોવાની પણ ચોંકાવનારી હકિકતો બહાર આવી છે.

નીલગાય પોતાના ક્ષેત્રમાં દરરોજ એક જ જગ્યાએ લીંડીઓ કરે છે. આથી શિકારીઓ તેની લીંડીઓના નિશાનને આધારે રાતના અંધારામાં રણકાંઠાની સીમમાં છટકુ ગોઠવી આ નીલગાયને ભડાકે દઇ તેનો શિકાર કરે છે.

રણકાંઠાના ફતેપુર, રોઝવા સહિતના આખા પટ્ટાના ગામોમાં રાતના અંધારામાં જંગલી પ્રાણીઓનો બેરોકટોક શિકાર થાય છે. અભિયારણ્ય વિસ્તારમાં જંગલી પ્રાણીઓનો શિકાર કરવામાં આવે તો વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ ધારા-૧૯૭૨ની ૨૦૦૩ના સુધારા સાથેની કલમ(૯) મુજબ કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી જેલની સજા સુધીની જોગવાઇ છે.

જતવાડ પંથકમાં ખૂલ્લેઆમ ધમધમતા કતલખાના

પાટડી પોલીસ દ્વારા રાજપર, ગેડીયા, શેડલા અને ખેરવા સહિતના ગામોની સીમમાં બાવળની આડ પાછળ ધમધમતા કતલખાનાનો પદાફાશ થયો હતો. હજારો કિલો માંસ મટનના જથ્થા અને જીવતા બળદો સાથે આરોપીઓને ઝબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આવા કિસ્સાઓમાં પકડાયેલા આરોપી અને વાહનો કોર્ટમાં દંડ ભરી તુરંત જ છૂટી જતા હોવાથી જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.

આ અંગે તંત્ર શું કહે છે.?

આ અંગે બજાણા અભિયારણ્ય વિભાગના આરએફઓ પી.એસ.મોદીએ જણાવ્યુ કે, આ અંગે કોઇ વ્યકિત દ્વારા અમને બાતમી આપવામાં આવે તો તેનું નામ ગુપ્ત રાખી અમો તાત્કાલીક શિકારીઓને ઝબ્બે કરીશુ. પરંતુ હજુ સુધી આવી કોઇ ફરિયાદ અમારા સુધી આવી નથી.

Source:http://www.divyabhaskar.co.in/2009/06/15/0906150118_wild_animal_killed_in_patadi.html

No comments: