Source: Bhaskar News, Bhavnagar
- ગામના લોકો માટે વ્હેલી સવારની સિંહની ડણક એટલે ‘મોર્નિંગ એલાર્મ’
- પાલિતાણા-તળાજા-ગારિયાધારમાં આવતા સિંહોનું ક્રાંકચ પ્રવેશદ્વાર
- ગીર કરતા પણ ઊંચી જાતના હૃષ્ટ પુષ્ટ સિંહો હોવાનો દાવો
- સિંહ દર્શન માટે આવતા લોકોને ક્યારેય નિરાશ થવું પડતું નથી
ભાવનગરના તળાજા તાલુકાના વાલર ગામે સિંહનું હાડિંપજર મળી આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. તો બીજી બાજુ ભાવનગર અને અમરેલીની સરહદે આવેલા ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના કાંક્રચ ગામે એક સાથે ૨૯ જેટલા સિંહ-સિંહણ અને બાળ સિંહો ડેરાતંબુ નાંખીને પડ્યા છે. ‘બૃહદ ગીર’તરીકે ધીરે-ધીરે જાણીતા બનેલા આ વિસ્તારમાં જોવા મળતા સિંહો સૌથી ઊંચી ઔલાદના હોવાનું જાણકારો કહી રહ્યા છે.
ભાવનગરથી ૯૦ કિ.મી. દૂર ગારિયાધાર તાલુકાનું કાંક્રચ ગામ આવેલું છે. આ ગામની બજારોમાં સંધ્યા ટાણે સિંહોની આવનજાવન રોજિંદી બની ગઇ છે.
રાજ્યમાં કુલ ૪૧૧ એશિયાટિક સિંહો પૈકીના ભાવનગર અને અમરેલી જિલ્લામાં ૫૩ જેટલા સિંહો હોાનો અંદાજ છે. જેમાંથી એકલા ક્રાંકચ ગામમાં જ ૨૯ જેટલા સિંહ-સિંહણ અને બચ્ચાઓ હોવાનો અંદાજ છે. આજે આ પંથકના લોકો કાંક્રચ ગામને ‘સિંહનું ગામ’ તરીકે ઓળખવા લાગ્યા છે. ગીરના જંગલોમાં ભારે રઝળપાટ પછી પણ સિંહના દર્શન થવા દુર્લભ છે ત્યારે કાંક્રચ ગામની આજુબાજુ સિંહ દર્શન લોકો ખૂબ સરળતાથી કરી રહ્યા છે. અહીં સિંહદર્શન માટે આવતા લોકોને નિરાશ થવું નથી પડતું.
ભાવનગરના સિહોર, પાલિતાણા, તળાજા, ગારિયાધાર સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહની આવનજાવન વધી ગઇ છે. આ પંથકમાં સરળતાથી પહોંચી જતા સિંહોનું મુખ્ય પ્રવેશદ્વાર કાંક્રચ ગાળો હોવાનું મનાય છે. આ ગામની આજુબાજુ શેઢાવદર, સાવરકેરાળા, હઠીલા, ખાણપર, બવાડી, ઇંગોરાળા, વેળાવદર, ભોરિંગડા, નાના લીલીયા સહિતના ગામો આવલા છે.
જોકે આ વિસ્તારના લોકો સિંહથી ભયભીત થવાને બદલે તેના ભેરૂ થઇ ગયા છે. ગામના લોકોને રેડિયો કોલર, માંકડી ભુરી સિંહણ, ભોડી, રાતડી સિંહણ જેવા નામો હવે મોઢે થઇ ગયા છે. લીલીયાના આગેવાન મનોજભાઇ જોષીના જણાવ્યા મુજબ વ્હેલી સવારે નિયમિત સંભળાતી સિંહની ડણક એ અમારૂ ‘મોર્નિંગ એલાર્મ’ છે. !!
કાંક્રચ ગાળામાં કેવી રીતે જવાય ?
ભાવનગરથી ૫૫ કિ.મી. દૂર આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણાને અડીને આવેલા ગારિયાધારથી માત્ર ૨૦ કિ.મી. દૂર કાંક્રચ ગામ આવેલું છે. ગુજરાતના મોટાભાગના સેન્ટરો પરથી પાલિતાણા સુધી આવવાની વ્યવસ્થા છે. પાલિતાણાથી એસ.ટી. બસ, જીપ, મીની બસ, છકડા દ્વારા ગારિયાધારથી લગભગ ૨૦ કિ.મી. દૂર આ કાંક્રચ ગામ આવેલું છે. કાંક્રચ ગાળોએ વનરાજી વિસ્તાર છે અને પુષ્કળ કાંટ છે. ભાવનગરથી ગારિયાધાર ૯૦ કિ.મી. અને ગારિયાધારથી કાંક્રચ ૨૦ કિ.મી.ના અંતરે આવેલું છે.
આ વિસ્તારમાં સિંહોના વસવાટ કેમ ?
ગાઢ જંગલ જેવો ઘટાદાર વૃક્ષોથી લહેરાતો આ વિસ્તાર શેત્રુંજીના કાંઠે આવેલો છે. અહીંયા ગાગડીયો, ખારી, બોરાિળયો સહિતની નાની-નાની નદીઓનું પાણી પણ મળે છે. પરિણામે આ એકદમ ઠંડો વિસ્તાર છે. જે સિંહોને અનુકૂળ છે. આજુબાજુના અનેક ગામોમાં મુખ્ય વ્યવસાય ખેતીનો છે. પરિણામે માલઢોર પણ આ પંથકમાં ઘણાં છે. જેના કારણે સિંહોને મારણ મળી રહે છે. ગામ લોકોએ સિંહોને પાણી મળી રહે તેવા ઊંચા ટેકરા બનાવ્યા છે. અનેક લોકેશનો ગ્રામ્યજનોએ જાતે ઉભા કર્યા છે.
સિંહના લોકેશન પોઇન્ટ ક્યા-ક્યાં ?
કાંક્રચ ગાળામાં સિંહના લોકેશન પોઇન્ટ નીચે મુજબ છે.
-પાણી પોઇન્ટ
- ખાટની ઓઢ
- ખોડિયારમાંની ખાણ
- લીલીયાનો ઓરો
- ઊડબાની પાટ
- દરબારી ઊડીયા
- બેલુ
ત્રણેક ગાંવ વિસ્તારમાં આવેલા આ લોકેશન પોઇન્ટે પહોંચવું હોય તો ગામનો નાનો છોકરો પણ તમને
હોંશે-હોંશે લઇ જાય છે. જોકે આ પંથકમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ‘સિંહ દર્શન’ માટેની વ્યવસ્થા થવી જોઇએ.
અમે ખેડૂતોને ફાયદો છે
જો સાવજો ન હોય તો અમારા વિસ્તારમાં નિલગાય સહિતના માલ-ઢોરનો ઘણો રંજાડ રહે છે. પરંતુ સાવજોના ડરથી અમ ખેડૂતોને રાહત રહે છે. સિંહોને એનો ખોરાક મળી રહે છે અને બદલામાં અમારી જેવા ખેડૂતોના પાકનું રક્ષણ થાય છે. આમ, અરસપરસ એકબીજાનું ચાલ્યા કરે છે.’
બાબુભાઇ ખુમાણ, ખેડૂત
અમે ખૂદ જ રખેવાળી કરીએ છીએ...
ગીરમાંથી અહીં વસેલા સિંહો અમારા મહેમાન છે. ગામ બહારના કે અજાણ્યા કોઇ વ્યક્તિઓનો પગપેસારો થાય તો અમને ખ્યાલ આવી જાય છે. અમારા મહેમાનોને અમે નહીં તો કોણ સાચવશે ? દરરોજ આ વિસ્તારમાં હું એકવાર આંટો અવશ્ય મારૂં છું.’
ભૂપત ભરવાડ, સ્થાનિક રહેવાસી
પાણીની વ્યવસ્થા અને ઊંચા ટેકરા બનાવવાની માંગ કરી છે
સિંહોને આ વિસ્તાર અનુકૂળ આવ્યો છે, પરંતુ તેને અગવડતા ન પડે અને ગરમીમાં પાણી મળી રહે તેમજ ઊંચા ટેકરા બનાવવામાં આવે તેવી માંગ કરી છે. અત્યાર સુધીમાં કેટલાક લોકેશન અમે ખૂદે વ્યવસ્થા કરી છે. જોકે માલ-ઢોર પૂરતા પ્રમાણમાં હોવાથી મારણ તો મળી જ રહે છે.’
મહેન્દ્રસિંહ ખુમાણ, સ્થાનિક આગેવાન
સાસણ ગીર કરતા મારણ વધુ મળી રહેતા સાવજ ટક્યા છે
અમે સતત પેટ્રોલિંગ કરીએ છીએ, જરૂર પડે તો પોલીસ ખાતાને પણ સાથે રાખીએ છીએ. સાસણ ગીરમાંથી અહીં આવેલા સિંહને મારણ સારા પ્રમાણમાં મળી રહે છે. તેમજ આસપાસના લોકોનો પણ સહકાર મળી રહે છે. બહારના કોઇ વ્યક્તિની હેરાનગતિ ન થાય તે માટે પણ તકેદારી લીધી છે, એટલે અહીં સાવજ ટક્યા છે.’
બી.એમ. રાઠોડ, ફોરેસ્ટ વિસ્તરણ રેન્જ, કાંક્રચ વિસ્તાર
કાંક્રચ ગાળામાં જોવા મળતા મૃત પ્રાણીના અવશેષો
આ ગાળામાં તપાસ કરતા અનેક મૃત પ્રાણીઓના અવશેષો જોવા મળ્યા હતા. આસપાસના ગામડાઓમાં ગાય, ભેંસ, ઘેટા-બકરા સહિતના દૂધાળા પ્રાણીઓ હોવાથી સિંહોને ખાવા-પીવનું મળી રહે છે. આ વિસ્તારમાં જડબા, હાડિંપજર, શિંગડા સહિતના અવશેષો જોવા મળે છે.
ફોરેસ્ટવાળા ફરક્તા ય નથી
ક્યારેક તો લાંબા સમય સુધી ફોરેસ્ટવાળા ફરક્તા ય નથીે. જો કોઇ મોટી ઘટના બને તો ત્યારે અધિકારીઓ દેખાય છે. બાકી તો સિંહોની રખેવાળી અમારા જવાનો જે કરેછે, એ જ તેની સાચવણી અને જાળવણી છે.
ભોળાભાઇ કાનાણી, માજી સરપંચ, કાંક્રચ
અમને ડર લાગતો નથી
સાવજોનો હવે અમને ડર નથી. અમારામાંના જ એક હોવાનો અનુભવ થાય છે. જોકે શરૂઆતમાં ડર લાગતો હતો. પરંતુ ધીમેધીમે સાવજોને અમે પરિચિત થઇ ગયા છીએ અને અમને તેઓ પરિચિત લાગવા મંડ્યા છે.’
પ્રકાશ જેબલિયા, વિદ્યાર્થી
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lions-sounding-means-peoples-morning-alerm-2058311.html
No comments:
Post a Comment