Saturday, April 30, 2011

સિંહણે ઝુડવડલી ગામને પોતાનું ‘પિયર’ બનાવી લીધું

Source: Bhaskar News, Una
- બચ્ચા સાથે સિંહણને કેવી રીતે પાંજરામાં પુરવી ?
- વન વિભાગ પણ હવે મુંઝાયું
ઊના તાલુકાનાં ઝુડવડલી ગામને સિંહણે જાણે કે પોતાનું પિયર બનાવી લીધું હોય તેમ સાસરીયા (જંગલ)માં પરત જવાનું નામ ન લેતાં વન વિભાગનો સ્ટાફ પણ મુંઝવણમાં મુકાય ગયો છે.
ઊનાથી માત્ર નવ કિ.મી.નાં અંતરે આવેલાં ઝુડવડલી ગામની સીમમાં છેલ્લાં બે માસથી વધુ સમયથી એક સિંહણ તેના ત્રણ બચ્ચા સાથે નિવાસ કરી રહી છે. અને શેરડીનાં વાડને રહેઠાણ બનાવ્યું હતું. બુધવારે આ સિંહણને પાંજરે કેદ કરાઇ હતી પરંતુ ૧૫ ફૂટ ઊંચુ પાંજરૂં ઠેકી બહાર નીકળી ગઇ હતી. ત્યારબાદ વન વિભાગ દ્વારા ગુરૂવારનાં ટ્રાન્કવીલાઇઝર ઇંજેકશન દ્વારા સિંહણને બેભાન કરી પાંજરે પૂરી હતી.
જે માટે સાસણની સ્પેશ્યલ રેસ્કયુ ટીમને મદદ માટે બોલાવાઇ હતી.સરપંચ કાંતીભાઈ ઉકાણીની વાડીમાં પાંજરૂં પણ મુકર્યું હતું. પરંતુ સિંહબાળ પણ અલગ-અલગ જગ્યાએ લપાઇ ગયા હતા. જો કે, આંબાનાં બગીચામાં લટાર મારતી સિંહણને બેભાન કરવામાં સફળતા મેળવી હતી.
સિંહણને પાંજરે પુર્યા બાદ કલાકો વીતી જવા છતાં બચ્ચાઓ ન આવતાં વહેલી સવારે સિંહણને પાંજરામાંથી મુક્ત કરી દીધી હતી. સિંહણે ગામને જ પોતાનું પિયર બનાવી લીધું હોય અને જંગલ (સાસરીયા)માં પરત જવાનું નામ લેતી ન હોય વનખાતું પણ બચ્ચાં સાથે સિંહણને પાંજરામાં કેવી રીતે પૂરવી તે માટે મુંઝાયું છે.
સિંહણ તેના બચ્ચા સાથે જોવા મળી -
શુક્રવારની મોડી સાંજનાં આ સિંહણ તેના ત્રણ બચ્ચા સાથે બાજરાનાં વાડમાં જોવા મળતાં વન વિભાગ પણ સતર્ક બની ગયું છે. અને ખાસ પ્રકારનો એકશન પ્લાન ઘડવામાં લાગી ગયો છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-stay-in-unas-jhudvadali-village-2062728.html

No comments: