એપ્રિલમાં ગરમી હોવાથી સિંહ જંગલની બહાર જવાનું ઓછું પસંદ કરતો હોય છે
જંગલના રાજા સિંહ માટે અપ્રિલ મહિનો ‘આરામ’નો મહિનો છે. ૧૫ વર્ષમાં સિંહે કરેલા શિકારનું વન વિભાગે સર્વેક્ષણ કર્યું છે, જેમાં એપ્રિલમાં સિંહ આળસુ થઈ જતો હોવાનું તારણ નીકળ્યું છે. અન્ય મહિનાઓની સરખામણીમાં એપ્રિલ મહિનામાં જંગલની બહાર સૌથી ઓછો શિકાર કરે છે. આ માટેનું કારણ આપતાં વન વિભાગનાં સૂત્રો કહે છે કે ગરમી તથા જંગલમાં પાણીની સમસ્યા ન હોવાને કારણે સિંહનું એપ્રિલમાં જંગલની બહાર નીકળવાનું ઓછું થઈ જાય છે. બીજી તરફ ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનામાં સિંહ દ્વારા જંગલ બહાર સૌથી વધારે શિકાર થાય છે.
સ્થાનિક વનવિભાગે કરેલા ૧૯૯૫થી ૨૦૧૦ સુધીના સર્વેક્ષણમાં એ પણ તારણ સામે આવ્યું છે કે, ગીર અભયારણ્ય અને અનામત વિસ્તારના પૂર્વ ભાગમાં ડિસેમ્બરથી મે મહિનામાં પશ્ચિમ ગીરમાં જ્યારે જુનથી નવેમ્બરમાં પૂર્વ ભાગમાં વધારે શિકાર કરે છે.
અભયારણ્ય અને આજુબાજુના સંરક્ષિત વિસ્તારમાં સિંહ અને દીપડાએ કરેલા વન્યપ્રાણી સિવાયના શિકાર વિશે વનવિભાગે સર્વેક્ષણ કર્યું છે. જેમાં સામે આવ્યું છે કે એક વર્ષમાં ગાય, ભેંસ, નીલગાય સહિતના શિકારની ૨૫૦૦ જેટલી ઘટના બને છે, જેમાં ૨૩૦૦ શિકાર માત્ર સિંહ કરે છે. ઉનાળો હોવાથી એપ્રિલ મહિનામાં સિંહજંગલમાં રહેવાનું વધુ પસંદ કરે છે. આ મહિનામાં જંગલ બહારના વિસ્તારમાં સિંહ સરેરાશ ૧૨૫ શિકાર કરે છે, જ્યારે અન્ય મહિનામાં તે પ્રમાણ ૧૫૦ શિકાર સુધીનું છે.
જંગલ બહાર શિકારમાં ઓગસ્ટ, ઓક્ટોબર મહિનો ટોપ ઉપર છે, જેમાં સિંહ સરેરાશ ૧૪૦થી ૧૫૦ શિકાર કરે છે. આ અંગે ગીર અભયારણ્યના હેડ અને ડીસીએફ સંદીપકુમાર કહે છે કે, ‘સિંહ આરામ પ્રિય પ્રાણી છે. ગરમીના કારણે તે બહાર નીકળવાને બદલે જંગલમાં અંદર રહેવાનું વધારે પસંદ કરે છે. ઉનાળામાં જંગલમાં પાણીની સાથે વન્યજીવનો શિકાર આસાન હોવાથી બહારનો શિકાર ટાળે છે.’
અભયારણ્ય તથા ગીર પશ્ચિમ વિભાગ જેવા કે તાલાલા, સાસણ, મેંદરડા, માળિયા વગેરેમાં ચોમાસા દરમિયાન સિંહે સૌથી વધારે શિકાર કર્યો છે. ઉનાળામાં ગીરના પશ્ચિમ વિસ્તારની સરખાણીએ પૂર્વમાં શિકારની વધારે ઘટના બને છે.
૧૫ વર્ષમાં બહારના શિકારમાં ૮૦ ટકાનો વધારો નોંધાયો
સિંહની સંખ્યામાં વધારો અને નવા ઘરની શોધને કારણે ૧૯૯૫ની સરખામણીએ જંગલ બહાર શિકારની ઘટનામાં ૮૦ ટકાનો વધારો થયો છે. ૧૯૯૫માં આ સંખ્યા ૧૬૦૦ હતી જ્યારે ૨૦૧૦માં તે ૨૬૦૦ થઈ છે.
સૌથી વધારે શિકાર
ઓગસ્ટઃ ૧૪૫
ઓક્ટોબરઃ ૧૪૩
જૂનઃ ૧૪૦
સૌથી ઓછો શિકાર
ફેબ્રુઆરીઃ ૧૨૫
એપ્રિલઃ ૧૨૬
ડિસેમ્બરઃ ૧૨૬
Source: http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-april-is-month-of-rest-for-gir-lions-2061005.html
No comments:
Post a Comment