Bhaskar News, Talala | Sep 04, 2012, 00:53AM IST
- આઠ સિંહ બાળ સાથે ચાર સિંહણ આંબળાશમાં ફરવા આવી ‘સિંહ બાળ’નું પરાક્રમ : ખેડૂતના ઘરના છાપરે ચડી ઓરડીમાં ખાબકર્યુંતાલાલા તાલુકાનાં આંબળાશ (ગીર) નજીક આઠ સિંહબાળ સાથે ચાર સિંહણો ફરવા પહોંચી હતી. ગામનાં પાદરમાં એક ખેડુતની વાડીએ આવેલા મકાનમાં ગાય બાંધેલી હતી. એ જોઇ એક સિંહ બાળ પોતાની પ્રકૃતિ મુજબ શિકાર કરવાનાં શુરાતનમાં ઓરડીમાં છાપરે ચઢયું અને તૂટેલા પતરામાંથી ઓરડીમાં ખાબકર્યું તો ખરૂં. પણ સિંહબાળને ગાયે પણ શિંગડાથી બરાબરનું ઉલાળ્યું. આથી જીવ બચાવવા સિંહબાળ ‘નિરણ’નાં ઢગલામાં સંતાઇ ગયું. બાદમાં સવારે વનવિભાગનાં સ્ટાફે બચ્ચાને ઓરડીમાંથી બહાર કાઢયું હતું.
આંબળાશ(ગીર) ગામનાં પાદરમાં આવેલ પટેલ ખેડૂત મગન બાલજી ભલાણીની વાડીએ ગતરાત્રે આઠ સિંહ બાળ સાથે ચાર સિંહણો આવી ચઢી હતી. વાડીએ ઓરડીમાં ગાય બાંધી હતી. એ ગાયો સાવજોને જોઇ ભાંભરવા માંડી. સિંહબાળ પૈકીનું એક ‘બાળ સાવજે’ શિકાર કરવાનાં શુરાતનમાં ઓરડીનાં પતરા ઉપર છલાંગ લગાવી. અને પતરામાં રહેલા બાકોરામાં પંજો મારતાં મોટું બાકોરૂં થઇ ગયું. તેમાંથી સિંહબાળ ઓરડીમાં ખાબકર્યું તો ખરૂં. પણ ઓરડીમાં પડતાં જ ગાય આક્રમક બની ગઇ. અને સિંહબાળને શીંગડાથી બરાબરનું ઘુસ્તાવી બે શીંગડાથી ઉલાળ્યું. એકલું અટૂલું સિંહબાળ જીવ બચાવવા ઓરડીમાં રહેલા સૂકા નિરણના ઢગલામાં સંતાઇ ગયું હતું.
બનાવની જાણ થતાં તાલાલા રેન્જ કચેરીનાં ઇન્ચાર્જ આરએફઓ કે.એલ. ચૌહાણ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયેલ અને ઓરડીમાંથી સિંહબાળને ગોદડામાં લપેટી તાલાલા રેન્જ કચેરીએ લાવી બાદમાં શારીરિક ચકાસણી માટે સાસણ વેટરનરી હોસ્પિટલ ખાતે મોકલી આપેલ. પોતાનાં ગૃપથી વિખુટા થયેલા સિંહબાળને ગૃપ સાથે જોડવા તાલાલા રેન્જ કચેરીનો સ્ટાફ સિંહગૃપનું લોકેશન શોધી રહયા છે. સિંહબાળને લોકેશન મળવા તેમનાં ગૃપ સાથે જંગલમાં છોડી દેવાશે તેમ જાણવા મળ્યું છે.
બીજી બાજુ ૮ સિંહ બાળ અને ચાર સિંહણ આંબળાશ ગામમાં મધરાતે આવી ચડ્યાના બનાવની જાણ થતાં સવારથી સાંજ સુધી ગ્રામજનોમાં આ મુદ્દો સતત ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યારે વન વિભાગ દ્વારા ગ્રૂપથી વિખૂટા પડી ગયેલા સિંહબાળને ફરી તેના ગ્રૂપમાં પહોંચાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. હાલમાં તો ગાયે ઢીંકે ચડાવેલા સિંહબાળને કોઇ ઇજા નહીં થયાનું વન અધિકારીઓ જણાવી રહ્યાં છે.
- મસ્તીખોર સિંહબાળ બીજીવાર ઘરમાં પહોંચ્યું
આંબળાશ ખાતે ખેડૂતની ઓરડીમાં શિકારનાં શુરાતનમાં ખાબકી બાદમાં સપડાયેલું સિંહબાળ થોડા દિવસો અગાઉ માધુપુર(ગીર)માં પોતાનાં ગૃપ સાથે આવ્યું ત્યારે પણ રમતાં- રમતાં ખેડુતનાં ફળીયામાં સંતાઇ ગયું હતું. અને સિંહણે આખા માધુપુર(ગીર)ને ડણકોથી ભયભીત કરી દીધું હતું. એ વખતે તાલાલા રેન્જ કચેરીનાં સ્ટાફને અડધી રાત્રે દોડધામ કરાવી હતી. એ જ રીતે આજે પણ આ મસ્તીખોર સિંહબાળે વનકર્મીઓને દોડાવ્યા હતા.
No comments:
Post a Comment