Wednesday, May 15, 2013

જૂનાગઢના રાધાનગરમાં દીપડો ચઢી આવ્યો : ગાયનું કર્યું મારણ.


Bhaskar News, Junagadh | May 15, 2013, 01:15AM IST
- લોકોનાં ટોળાં એકઠા થઇ ગયા

જૂનાગઢનાં ગિરનાર દરવાજા પાસે આવેલી રાધાનગર સોસાયટીમાં ગતરાત્રિનાં એક દીપડાએ એક ગાયનું મારણ કર્યું હતું. જેની જાણ આસપાસનાં લોકોને થતાં લોકોનાં ટોળાં એકઠા થઇ ગયા હતા.

ગિરનાર દરવાજા વિસ્તાર જંગલ નજીક આવેલો હોઇ અવારનવાર વન્ય પ્રાણીઓ આવી ચઢતા હોય છે. અને કૂતરાં, ભુંડ, ગાય જેવા પ્રાણીનો શિકાર કરી જતા રહે છે. તેમાં પણ છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારમાં વન્ય પ્રાણીનાં આંટાફેરા વધી ગયા છે. ત્યારે સોમવારની રાત્રે એક દીપડો ગિરનાર દરવાજા પાસે આવેલી રાધાનગર સોસાયટીમાં આવી ચઢ્યો હતો. સોસાયટીની મધ્યે આવેલા કુવા પાસે એક ગાયનું મારણ કર્યું હતું.

દીપડાએ ગાયનું મારણ કર્યાનાં સમાચાર વાયુવેગે ફેલાઇ જતાં લોકોનાં ટોળાં એકઠા થઇ ગયા હતા. દીપડો ગાયનું માથું ખાઇ ગયો હતો. અને ધડ જેમનું તેમ રહેવા દીધું હતું. આ ઘટના ૮ વાગ્યાનાં અરસામાં બનતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો.

ગિરમાં તૃણભક્ષીની સંખ્યા લાખને વળોટી, ૧૮.૪૦ ટકાનો વધારો.

ગિરમાં તૃણભક્ષીની સંખ્યા લાખને વળોટી, ૧૮.૪૦ ટકાનો વધારો
Jitendra Mandaviya, Sasan  |  May 15, 2013, 00:44AM IST
- વનવિભાગ દ્વારા બે દિવસીય ગણતરીની કામગીરી પૂર્ણ બાદ આંકડો જાહેર : ૨૦૧૦માં તૃણભક્ષી પ્રાણીઓ ૮૨૧૬૮ હતા તેમાં ૧૭૩૦૦ વધતા ૯૯૪૬૮ સંખ્યા પહોંચી :  દિવ્ય ભાસ્કરે અગાઉ આપેલો અંદાજ આખરે સાચો ઠર્યો : ત્રણ વર્ષમાં ૧૮.૪૦ ટકાનો વધારો તૃણભક્ષી પ્રાણીઓમાં જોવા મળ્યો

ગીરજંગલમાં સિંહ-દપિડાનાં ખોરાક બની વિહરતા તૃણભક્ષી પ્રાણીઓની વસ્તીનો અંદાજ મેળવવા વનવિભાગે સમગ્ર ગીર જંગલમાં ગત તા.૭,૮ મે દરમિયાન કરેલ પ્રાણીઓની ગણતરી પૂર્ણ થયા બાદ વનવિભાગે આજે ગણતરી બાદ પ્રાણીઓની સંખ્યાનાં સત્તાવાર આંકડા જાહેર કર્યા જેમાં ર૦૧૦માં તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યા ૮૨૧૬૮ હતી તેમાં ૧૭૩૦૦ પ્રાણીઓનો ઉમેરો થતા સંખ્યા ૯૯૪૬૮ એટલે એક લાખ સુધી પહોંચી છે.

જ્યારે તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યામાં વાર્ષિક ૬.૧૩ ટકાથી ત્રણ વર્ષમાં ૧૮.૪૦ ટકાનો વધારો થયો એ ગીરનું જંગલ સિંહો સહિતની વન્યજીવ સૃષ્ટીનું તંદુરસ્ત જંગલ હોવાનો સબળ પુરાવો છે. ઉલ્લેખનીય એ છે કે, આ ગણતરી સમયે તૃણભક્ષી પ્રજાતિના નાના બચ્ચાઓ જોવા મળ્યા હતા અને દિવ્ય ભાસ્કરે આ વખતની ગણતરીમાં તૃણભક્ષીની સંખ્યા એક લાખે પહોંચશે તેવો અંદાજ અહેવાલમાં આપ્યો હતો તે આજે સાચો ઠર્યો છે.

વનવિભાગ દ્વારા ગત ૭,૮ એમ બે દિવસ દરમિયાન ગીર અભ્યારણ રાષ્ટ્રીય ઉદ્યાન આરક્ષીત અભ્યારણ સહિત પૂર્વ અને પશ્ચિમ ગીર વિભાગનાં ૧૪૧૨ ચો.કી.મીમાં વસવાટ કરતા તૃણભક્ષી પ્રાણીઓની ગણતરી કરવામાં આવી હતી. જેમાં ૧૯ રૂટો બનાવાયા હતા અને રોડ સાઈડ કાઉન્ટ પધ્ધતિ અને કગિ્સ મેથડ પધ્ધતિથી વનસરક્ષકથી લઈ વનવિભાગનાં ગાડ સુધીનાં કર્મીઓ આ ગણતરીમાં તેનાત રહ્યાં હતા.

આ ગણતરી બાદ અવલોકન પ્રક્રિયા અને ૧૯ રૂટોનું પૃથ્થકરણ કરી આજે વનવિભાગે સત્તાવાર વિગતો બહાર પાડતા જેમાં તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યામાં ૧૭૩૦૦ પ્રાણીઓનો ઉમેરો જોવા મળેલ છે. અને સંખ્યા એક લાખ સુધી પહોંચી ગઈ છે. તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યામાં થઇ રહેલી સારી વૃદ્ધી પાછળ વન વિભાગ દ્વારા ગીરનાં જંગલની જમીનોમાં ઉગતા કુવાડીયા અને લેન્ટીના (વાડ) જમીનમાંથી કાઢી નાખવા કરાયેલી જબરજસ્ત કામગીરી છે.

કુવાડીયા અને વાડ જ્યાં જમીનમાં હોય ત્યાં ખળ કે ઘાસ ઉગતુ નથી વન વિભાગ છેલ્લા ઘણા સમયથી કુવાડીયાકઢાવવા અને તેની જગ્યાએ વધુ ઘાસ પેદા થાય તે પ્રકારની સઘન કામગીરી કરી છે. આ કામગીરીથી ગીરજંગલમાં ઘાસ વધુ પેદા થવા લાગ્યુ અને તૃણભક્ષી પ્રાણીઓને ખોરાક પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્તથવા લાગતા પ્રાણીઓની સંખ્યા પુરતા ખોરાક અને યોગ્ય સંરક્ષણથી વધી રહી છે.

ગણતરીની આંકડાકીય વિગતો આપતા સાસણ વન્યપ્રાણી વિભાગનાં ડીએફઓ ડૉ.સંદપિકુમારે જણાવેલ કે ગીર મેનેજમેન્ટ પ્લાન મુજબ દરેક વન્યજીવ પ્રજાતીની સાર સંભાળ રાખી તેમની સંખ્યા વધારો કરવાની કામગીરી મોટાભાગે સફળ બની છે. તૃણભક્ષી પ્રાણીઓ માટે જંગલમાં ઘાસ-પાણી પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય પ્રાણીઓની સંખ્યામાં વૃદ્ધી સારી થઇ રહી છે. આમ જંગલમાં વિચરતી વન્યજીવ પ્રજાતીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થતો રહેવો તે આદર્શ જંગલ હોવાનું પુરવાર થાય છે.

- સિંહ સ્થળાંતર મુદ્દેની અપીલમાં તૃણભક્ષીની  સંખ્યા દર્શાવાઈ

ગીરનાં સિંહોને મધ્યપ્રદેશમાં ખસેડવા દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાની સામે ગુજરાત સરકારે રીવીઝન અપીલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી તો અપીલની સાથે ગત તા.૭ અને ૮નાં રોજ તૃણભક્ષી પ્રાણીઓની ગણતરી થઈ અને તે ગણતરીમાં કેટલા તૃણભક્ષી પ્રાણીઓ નોંધાય તે વિગતો અપીલ સાથે જોડવામાં આવી છે.

ગીરમાં વસતા સિંહોનાં મુખ્ય ખોરાક તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યા ગીરનાં જંગલમાં પુષ્કળ હોય ગીરમાં વસતા સિંહોને પુરતા પ્રમાણમાં ખોરાક પ્રાપ્ત થતો હોય તેની સામે મધ્યપ્રદેશનાં જંગલોમાં સિંહોના ખોરાક ગણાતા પ્રાણીઓની સંખ્યા નહીવત છે.

ગીરનાં સિંહોને ખોરાકની કોઈ ખામી નથી તે દર્શાવવા સુપ્રીમ કોર્ટમાં તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યાના તાજેતરના આંકડા સિંહ સ્થળાંતર અટકાવવાની રીવીઝન અપીલ સાથે જોડવામાં આવ્યા હોવાનું વનવિભાગના સુત્રોએ જણાવ્યું છે. આમ તાજેતરમાં ગુજરાતની શાન સમા સોરઠનાં સાવજોને સ્થળાંતર કરવાનો મામલો અને તેની સામે ઉઠેલા વિરોધ વચ્ચે તૃણભક્ષીની સંખ્યામાં થયેલો વધારો પણ સુપ્રિમ કોર્ટની અપીલનાં દસ્તાવેજમાં પહોંચ્યો છે.

- રાષ્ટ્રીય પક્ષી મોર ૪૪૩૧ વધ્યા

ગીર જંગલમાં તૃણભક્ષી સમાન ગણાતા રાષ્ટ્રીય પક્ષી મોરની સંખ્યામાં ૪૪૩૧ મોરનો વધારો થતા મોરની સંખ્યા ૨૭૪૨૫ સુધી પહોંચી છે.

વિસાવદરનાં જાંબુડામાં ખૂંખાર દીપડો આખરે પાંજરામાં કેદ.


Bhaskar News, Visavadar | May 09, 2013, 00:57AM IST
છેલ્લા કેટલાય સમયથી આ દીપડાનો તરખાટ હતો

વિસાવદરનાં જાંબુડા (બાવાના ગામે) છેલ્લા કેટલાય સમયથી તરખાટ મચાવતો દીપડો વન વિભાગે પાંજરે પુરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જાંબુડા (બાવાના ગામે) દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ભારે ભય પ્રસર્યો હતો. જેને લઇને વન વિભાગને પણ જાણ કરતા આ વિભાગ દ્વારા વિસાવદર રેન્જનાં એ.સી.એફ. ઠુંમરની સુચનાથી રમેશભાઇ પરમારનાં ખેતરમાં પાંજરૂ મુકાયુ હતું. જયારે આજે વહેલી સવારે પ.૩૦ કલાકે દીપડો પાંજરે પુરાયો હતો. આ કામગીરીમાં ફોરેસ્ટ એચ.એસ. ઠેબા, એમ.બી. બાબરીયા તથા ડાભીભાઇ સહિ‌તે સતત ત્રણ દિવસ સુધી જોડાયા હતાં. જયારે દીપડોને પાંજરે પુરાયા બાદ વિસાવદર રેન્જ ઓફિસમાં લાવી અને બપોર બાદ સાસણ એમીનલ કેર સેન્ટરમાં મોકલી આપ્યો હતો.

દીપડાના પંજા સાવજ જેવા મોટા છે : એસીએફ

એ.સી.એફ. ઠુંમરે જણાવ્યું હતું કે આ નર દીપડો આશરે ૯ વર્ષની વયનો છે. તેમજ આવો ખૂંખાર દીપડો ભાગ્યેજ જોવા મળે છે. કે જેના પંજા સાવજ જેવા મોટા છે તેમજ તેને આગળનાં જમણા પગમાં સામાન્ય ઇજા પણ હોય જેથી એનીમલ કેર સેન્ટરમાં તેની પણ સારવાર અપાનાર છે.

જામવાળા રેન્જમાં ચિત્તલનો શિકાર કરતાં બે ઝડપાયા.


Bhaskar News, Una | May 07, 2013, 03:00AM IST
- ચિત્તલનાં પગ કાપતા હતા ત્યાં જ વન વિભાગનાં અધિકારીઓ જઇ ચઢ્યા : બંનેને કોર્ટ હવાલે કર્યા 
 
ગીર-પૂર્વ વન વિભાગ હેઠળ આવતા જામવાળા રેન્જમાં રેવન્યુ વિસ્તારમાં ચિત્તલનો શિકાર થતો હોવાની પૂર્વ બાતમીનાં આધારે આરએફઓ સહિતની ટીમે ગઇકાલે ઓચિંતો છાપો મારી બે શિકારીઓને દબોચી લીધા હતા. પકડાયેલા બન્ને શખ્સોને આજે ઊના કોર્ટમાં રજૂ કર્યા છે. 
 
પ્રાપ્ત માહિતી મુજબ જામવાળા રેવન્યુ વિસ્તારમાં ગામનો જ શ્યામ મસરી ગોહિલ તથા ધર્મેશ દેવશી બાબરીયા આ બન્ને શખ્સોએ બે થી ત્રણ વર્ષનાં ચિત્તલનો શિકાર કર્યો હોવાની બાતમી વનવિભાગને મળી હતી. જે અંતર્ગત જશાધાર રેન્જનાં આરએફઓ એલ.ડી.પરમાર, ફોરેસ્ટર ડી.વી.નિમામા સહિતનો સ્ટાફ ગઇકાલે જામવાળા પહોંચ્યો હતો. 
 
અહીં આ બન્ને શિકારીઓ ચિત્તલનાં બચ્ચાનો શિકાર કર્યા બાદ મજિબાની આરોગવા માટે પગ કાપતા હતા તે સમયે વનવિભાગનો સ્ટાફ ત્રાટકતા બન્ને ગભરાઇને ભાગવાની કોશીષ કરી હતી. જોકે, વનઅધિકારી એલ.ડી.પરમારે પીછો કરી બન્ને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આર.એફ.ઓ. પરમારે જણાવ્યુ હતુકે, આ બન્ને શિકારીઓ ચિત્તલનાં બેથી ત્રણ વર્ષનાં બચ્ચાને પકડી તિક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતાયું હતું. 
 
જેથી અમારી ટીમે આ બન્નેને તથા ચિત્તલનાં મૃતદેહ, તેમનાં કપાયેલા પગ સહિત કબ્જે કરી તેનું પીએમ કર્યા બાદ કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ જૂનાગઢ નાયબ વનસંરક્ષણ ડૉ.સંદપિ કુમાર તથા મદદનીશ કંડોરીયાનાં માર્ગદર્શન હેઠળ આ બન્નેની પુછપરછ અર્થે ઊના કોર્ટમાં પાંચ દિનાં રિમાન્ડ માટે રજૂ કર્યા છે. 
 
- શિકારીઓએ હથિયાર ગુમ કર્યું 
 
ચિત્તલનો શિકાર કર્યા બાદ તેનાં પગ કાપતા હતા તે વખતે વનવિભાગની ટીમ જઇ ચઢી હતી. અને બન્ને નાશવા લાગ્યા હતા. જોકે, બન્ને શખ્સો ઝડપાયા પણ પગ જે હથિયારથી કાપતા હતા તે હથિયાર વનવિભાગને મળ્યું નથી. 
 
- શિકારીઓ નવા નિશાળિયા કે જૂના જોગી
 
ચિત્તલનો શિકાર કરી શિકાર કરનારા બન્ને શખ્સો નવા નિશાળીયા છે કે આ ધંધાનાં જુના જોગીઓ છે તો તેની તપાસ પણ વનવિભાગે હાથ ધરી છે.

આજથી ગીર અભયારણ્યમાં તૃણભક્ષી પ્રાણીઓની કરાશે ગણતરી.


Jitendra Mandaviya, Talala | May 07, 2013, 02:58AM IST
 
- કિંગ્સ મેથડ અને રોડ સાઇડ કાઉન્ટ મેથડ દ્વારા અંદાજ કઢાશે
- ગણતરી માટે સ્ટાફને વિશેષ તાલીમ: ચિત્તલ, સાંબર, નીલગાય સહિતનાં પ્રાણીઓ સિંહોનાં ખોરાક  સમાન છે
 
ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉધ્યોનનાં આરક્ષિત જંગલમાં વસવાટ કરતા તૃણભક્ષી વન્યપ્રાણીઓની વસ્તી ગણતરીનું કાર્ય આવતીકાલથી બે દિવસ માટે હાથ ધરાશે. આ પ્રાણીઓની વસ્તીનો અંદાજ મેળવવા ૧૯ રૂટો બનાવાયા છે. આ રૂટો ઉપર ૧૯ ટીમો દ્વારા કિંગ્સમેથડ અને રોડ સાઇડ કાઉન્ટ મેથડ દ્વારા વસ્તીનો અંદાજ મેળવાશે.
 
ગીર મેનેજમેન્ટ પ્લાન મુજબ તા.૭મે અને ૮ મે એમ બે દિવસ ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં દર વર્ષની જેમ તૃણભક્ષી વન્યપ્રાણીઓની વસ્તીનો અંદાજ મેળવવાની કામગીરી કરાશે. આ કામગીરીમાં નાયબ વનસંરક્ષક કેડરનાં ઉચ્ચ અધિકારીઓથી લઇ વનરક્ષક સુધીનાં કર્મચારીઓ ઉપરાંત ગીરનાં ગાઇડસ અને ટ્રેકર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
 
આ કામગીરી ચોકસાઇ પૂર્વક થાય તે અંગે આજે સાસણ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. સંદીપ કુમાર (ડી.એફ.ઓ.-વન્યપ્રાણી વિભાગ-સાસણ) દ્વારા કામગીરીમાં જોડાયેલા બધા જ અધિકારીઓને તેઓનાં રૂટની ફાળવણી કરી અને માહિતી સંકલન દરમ્યાન શું તકેદારીઓ રાખવી તે વિશે સમજુતી આપી હતી. તૃણભક્ષી પ્રાણીઓની ગણતરીને લઇ વનવિભાગ દ્વારા આગવુ આયોજન ગોઠવાયુ છે. 
 
- અગાઉની ગણતરીમાં ચિત્તલની સંખ્યા ૫૨ હજારથી વધુ નોંધાયેલ
 
છેલ્લી વસ્તી ગણતરી મુજબ સમગ્ર ગીર વિસ્તારમાં અંદાજે પ૨ હજારથી પણ વધુ ચિત્તલની સંખ્યા નોંધવામાં આવી હતી. જ્યારે ૨૦૧૦ની વસ્તી ગણતરી મુજબ સિંહોની સંખ્યા ૪૧૧ હતી. તૃણભક્ષી પ્રાણીઓમાં ચિત્તલ, સાંબર, નીલગાય, વાંદરા સહિતની પ્રજાતીની ગણતરી થશે.

સિંહોનાં સ્થળાંતર સામે સામુહિક આત્મ વિલોપનની ચિમકી.

Bhaskar News, Bilkha | May 05, 2013, 01:06AM IST
- ગીર નેચર યુથ ક્લબનાં સભ્યોએ કલેક્ટરને આપ્યું આવેદન

ગીરનાં સાવજોને એમપીમાં સ્થળાંતર કરવાનાં સુપ્રિમે આપેલા દિશા નિર્દેશ સામે ઠેર-ઠેરથી વિરોધ ઉઠી રહયો છે. ગીર નેચર યુથ ક્લબનાં સભ્યોએ સાવજોને એમપીમાં ખસેડાશે તો સામુહિક આત્મવિલોપન કરવાની ચિમકી આપતું કલેક્ટરને આવેદન આપતાં હલચલ મચી જવા પામી છે. ગીર નેચર યુથ ક્લબનાં ભલગામ(બીલખા)ના વિશાલ અમૃતલાલ ઝાલા સહિતનાં સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગીરના સાવજોને જો મધ્યપ્રદેશમાં ખસેડવામાં આવશે તો સામુહિક આત્મવિલોપન કરવાની ચિમકી આપી છે.

ગુજરાતમાં સિંહોની સંખ્યા ૪૦૦ થી વધુની છે અને મધ્યપ્રદેશમાં ખસેડવામાં આવશે તો તેના પર જોખમ વધી જશે. એક તો પ્રતિકૂળ વાતાવરણ અને શિકારી ટોળકીઓ ત્યાં કાર્યરત હોવાથી ભવિષ્યમાં એશિયાઇ સિંહોની જાતિ લુપ્ત થવાની સંપુર્ણ પણે દહેશત રહે છે. સિંહોનાં કારણે ગુજરાતનું આર્થિક વિકાસ પણ થયો છે. વર્ષ ૧૯૦૪ અને ૧૯૨૦માં સિંહોને મધ્યપ્રદેશ લઇ જવાયા બાદ ત્યાં તમામ સિંહો નામશેષ થઇ ગયા હતાં. ત્યારે આ નિર્ણયમાં ફેર વિચારણા નહીં થાય તો સામૂહિક આત્મવિલોપન કરતા પણ અચકાશું નહિ એવી ચિમકી આપતા હલચલ
મચી જવા પામી છે.

- વેરાવળનાં અગ્રણીએ પણ આ મુદ્દે કરી રજૂઆત

એશીયાટીક સાસણના સિંહોના સ્થળાંતર અંગે વેરાવળના સામાજીક કાર્યકર રામજીભાઇ ગોહેલે રાજ્યપાલ તથા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી ગુજરાત અને સૌરાષ્ટ્ર ગીર સિંહોથી પ્રખ્યાત છે અને સિંહોનું જતન એ માત્ર ગીરનું જંગલ કરી શકે અને સમગ્ર એશીયામાં ક્યાંય સિંહ નથી એક માત્ર ગીરના જંગલમાં જ હોય તે સલામતી છે. ત્યારે ગીરના સિંહોને મધ્યપ્રદેશમાં ફેરવવા અંગે જે નિર્ણય લેવાયેલ છે તે સૌરાષ્ટ્રની જનતા પર વ્રજઘાત સમાન છે અને આ નિર્ણય સામે વિરોધ નોંધાવી સત્યાગ્રહ કરવા અને જરૂર પડ્યું સવિનય કાનુન ભંગનો માર્ગ અપનાવવા જણાવેલ છે.

જ્યારે બીજી બાજુ સિંહોના સ્થળાંતર અંગે માનવ અધિકાર પંચના જૂનાગઢ જિલ્લાના અધ્યક્ષ ગુલાબભાઇ છેડાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી તેમાં જણાવેલ છે કે, છેલ્લા  ઘણા સમયમાં સિંહોના મારણ કરતાઓ તેમજ સિંહોના અંગોની તસ્કરીમાં મોટાભાગે મધ્યપ્રદેશની ટોળકીઓનો હાથ હોવાનું બહાર આવેલ છે. તેમજ સૌરાષ્ટ્રમાં સિંહ દર્શન કરવા દર વરસે સાસણમાં લાખો લોકો આવી રહ્યા છે જેનાથી આ વિસ્તારના હજાર સામાન્ય વર્ગના લોકો, ધંધાર્થીઓના કામ-ધંધા આ યાત્રિકો મારફત થયા છે.

ત્યારે આ સિંહોનું સ્થળાંતર કરવામાં આવે તો સાસણ તથા આ વિસ્તારમાં ટુરીઝમક્ષેત્રે કાર્યરત હજારો લોકો બેકાર બની જવાની ભીતી સાથે તેમના જીવન નિવૉહમાં આની સીધી અસર થઇ શકે તેમ છે. ત્યારે ગુજરાતની શાન સમા સિંહોનું સ્થળાંતર અટકાવવામાં આવે અને સાથે સાથ સાસણ ખાતે સિંહોના રક્ષણ માટે વધુ સુવિધાઓ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી આવેદનપત્રના અંતમાં કરેલ છે.

સિંહણે હુમલો કરતાં કિશોર ગંભીર રીતે ઘવાયો.

Bhaskar News, Amreli | May 14, 2013, 02:49AM IST
અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજો દ્વારા માણસ પર હુમલાની ઘટનાઓ નિરંતર બનતી જ રહે છે. આજે આવી એક ઘટના ખાંભા તાલુકાના આંબલિયાળા ગામની સીમમાં બની હતી. જ્યાં આંબલિયાળાના રાવત બાલુભાઇ મકવાણા (ઉ.વ.૧૭) નામના કોળી કિશોર પર સિંહણે હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો.

આ કિશોર પોતાની વાડીએથી ખડીયાધામ મંદિરે જઇ રહ્યો હતો ત્યારે વાડમાંથી ગાડા માર્ગ પર જતા જ બચ્ચાવાળી સિંહણનો સામનો થઇ ગયો હતો. સિંહણે તેના બંને પગ પર બટકા ભરી લીધા હતા. પાછળ આવતા અન્ય કિશોરોએ શોરબકોર કરી સિંહણને ભગાડી મુકી હતી. બાદમાં આ કિશોરને સારવાર માટે પ્રથમ ખાંભા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમાં રફિર કરાયો હતો. આ ઘટના સવારે દસેક વાગ્યાના સુમારે બની હતી.

મોસમમાં પલટો: ધારીના જીરામાં પવન સાથે અડધો ઇંચ વરસાદ.

Bhaskar News, Dhari, Amreli | May 14, 2013, 02:47AM IST
પાછલા બે દિવસથી અમરેલી પંથકમાં તાપમાન પણ નીચુ ગયુ છે અને આકાશમાં વરસાદી વાદળો દોડાદોડ કરી રહ્યાં છે. તેની વચ્ચે આજે ધારી તાલુકાના જીરા ગામે ભારે પવન સાથે વરસાદ પડયો હતો. અહી અડધી કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસી જતા ગામના માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા. સરસીયા ગામમાં પણ હળવા છાંટા પડ્યા હતા. જિલ્લાભરમાં આજે છુટાછવાયા વાદળો નજરે પડ્યા હતા.

હવામાનમાં અચાનક બદલાવ આવ્યો છે. ચોમાસુ નજીક હોવાના એંધાણ મળતા હોય તેમ આકાશમાં છુટાછવાયા વાદળો પણ દોડવા લાગ્યા છે. સામાન્ય રીતે ચોમાસાના આરંભે હોય તેવા વાદળો આકાશમાં બંધાયા છે. પાછલા બે દિવસથી આ પ્રકારનું વાતાવરણ છે. આજે પણ અમરેલી પંથકમાં ગરમીનુ પ્રમાણ થોડુ નીચુ હતુ.
  
આ સ્થિતિ વચ્ચે આજે ધારી તાલુકાના જીરા ગામે બપોરબાદ આકાશમાં ચડી આવેલા વરસાદી વાદળો અચાનક વરસી પડ્યા હતા. અડધી કલાક સુધી ભારે પવન સાથે વરસાદ ખાબકયો હતો. અહી અડધો ઇંચ જેટલો વરસાદ વરસી જતા ગામના માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા. ધારીના સરસીયા ગામે પણ હળવા છાંટા પડ્યા હતા. અમરેલી, રાજુલામાં પણ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતુ.

ચાંદગઢની સીમમાં પવનચક્કીથી સાવજોનો પાણી પ્રશ્ન હલ કરાયો.

ચાંદગઢની સીમમાં પવનચક્કીથી સાવજોનો પાણી પ્રશ્ન હલ કરાયો

Bhaskar News, Amreli  |  May 12, 2013, 00:01AM IST
- વર્ષો જુની બંધ ડંકી દુર કરી પવનચક્કીથી પાણી શરૂ કરાયુ

ઉનાળાની આકરી ગરમીમાં માણસ તો ગમે તે રીતે પોતાના માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી લે છે. પરંતુ વન્યપ્રાણીઓની સ્થિતિ કફોડી છે અને ખાસ કરીને સાવજોની. ત્યારે અમરેલી નજીક ચાંદગઢની સીમમાં વન વિભાગ દ્વારા સાવજોની પાણી સમસ્યા ઉકેલવા પવનચક્કી દ્વારા બોરમાંથી પાણી ઉલેચવાનું શરૂ કરાયુ છે.

લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં વસતા સાવજોની ટેરેટરી છેક અમરેલી તાલુકાના ચાંદગઢ સુધી વિસ્તરેલી છે. ચાંદગઢની સીમમાં સાવજો કાયમ ધામા નાખી પડ્યા હોય છે. આ સાવજો માટે શીકારને બદલે સૌથી વધુ તકલીફ પીવાના પાણીની છે. ત્યારે સાવજોનો આ પાણી પ્રશ્ન હવે સબ ડીએફઓ ભાવસાર, આરએફઓ અગ્રવાલ, આરએફઓ તુર્ક, બી.બી. રાઠોડ, ફોરેસ્ટર બી.કે. હિંગુ, વનમિત્ર અશોક ખાંખર, મેરાભાઇ ભરવાડ વગેરે દ્વારા ઉકેલવામાં આવ્યો છે.

અહિં વન વિભાગ દ્વારા વર્ષો પહેલા બોર કરાવાયો હતો અને તેના પર ડંકી હતી. પરંતુ હાલમાં આ ડંકી બંધ હાલતમાં હતી. બોરમાં પાણી હોવા છતાં સાવજોને પાણી મળતુ ન હતું. ત્યારે અહિં વન વિભાગે ડંકી દુર કરી પવનચક્કી મારફત પાણી ઉલેચવાનું શરૂ કર્યું છે. જેને પગલે હવે સાવજોને ૨૪ કલાક પાણી મળી રહેશે.

નિંગાળા ગામેથી ભૂંડના શિકાર સાથે શખ્સ ઝડપાયો.

નિંગાળા ગામેથી ભૂંડના શિકાર સાથે શખ્સ ઝડપાયો
Bhaskar News, Amreli  |  May 10, 2013, 00:57AM IST
- વાડી માલિકની પણ અટકાયત : વનવિભાગ દ્વારા તપાસ શરૂ

ખાંભા તાલુકાના નિંગાળા ગામની સીમમાં આવેલ એક વાડીમાં વાડી માલિકે પાક બચાવવા વાડી ફરતે વજિશોક ગોઠવ્યો હોય તેને અડકી જતા ગતરાત્રીના એક ભુંડનુ મોત થયુ હતુ. બાદમાં વાડી માલિકે ભુંડના મૃતદેહને સગેવગે કરવા ફાચરીયાના એક દેવીપુજકને બોલાવ્યો હતો. દેવીપુજકે ભુંડનુ માંસ એકઠુ કરી બાચકુ ભરી લઇ જતો હોય રસ્તામાં જ તેને વનવિભાગે ઝડપી લીધો હતો.

ખાંભા તાલુકાના નિંગાળા ગામે આવેલ રામભાઇ વશરામભાઇ પટેલે પોતાની વાડીમાં પાક બચાવવા માટે વાડી ફરતે વજિશોક ગોઠવ્યો હતો. ગતરાત્રીના એક ભુંડને વજિશોક લાગતા તેનુ મોત નિપજ્યું હતુ. બાદમાં રામભાઇએ ભુંડના મૃતદેહને સગેવગે કરવા માટે ફાચરીયામાં રહેતા લાલજી ભાણજી નામના દેવીપુજકને વાડીએ બોલાવ્યો હતો. લાલજી ભાણજી નામના દેવીપુજક શખ્સે ભુંડના તમામ અવશેષો કાપી તેના માંસના બાચકા ભરી લીધા હતા. બાદમાં તે નિંગાળાથી ફાચરીયા જવા માટે નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં જ વનવિભાગના કર્મચારીઓએ તેને અટકાવી તલાશી લેતા બાચકામાંથી ભુંડનું માંસ મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

વનવિભાગ દ્વારા વધુ પુછપરછ હાથ ધરવામાં આવતા તેણે સઘળી હકિકતો જણાવતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને વાડી માલિક રામભાઇની પણ અટકાયત કરી હતી. ખાંભા તુલશીશ્યામ રેંજના આરએફઓ એન.બી.પરડવા, આરએફઓ યુ.એન.લલીયા, જયરાજભાઇ વાળા, મુકેશભાઇએ આગળની તપાસ હાથ ધરી છે.

સમઢીયાળાની સીમમાં ઢોર ચરાવતા માલધારી પર દિપડો તૂટી પડ્યો.

Bhaskar News, Amreli | May 03, 2013, 00:18AM IST
ગીર પૂર્વની જસાધાર રેન્જમાં નાના સમઢીયાળા ગામની સીમમાં એક માલધારી યુવાન ગાય-બકરા ચરાવતો હતો ત્યારે એક દિપડાએ મારણ માટે બકરી પણ હુમલો કર્યો હતો. આ સમયે માલધારીએ હાંકલા પડકારા કરતા દિપડાએ બકરી પડતી મુકી માલધારી પર હુમલો કરી ઘાયલ કરી દેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.

દિપડા દ્વારા માલધારી પર હુમલાની આ ઘટના ગીર પૂર્વની જસાધાર રેન્જમાં ઉના તાલુકાના નાના સમઢીયાળા ગામની સીમમાં બની હતી. સમઢીયાળાના ભગવાનભાઇ માલાભાઇ ખસીયા દરરોજના ક્રમ મુજબ આજે પોતાના ગાય તથા બકરાને લઇ સીમમાં ચરાવવા માટે ગયા હતાં. ભગવાનભાઇ એક તરફ ઉભા હતા ત્યારે તેમના પશુઓ ચરતા હતાં તેવા સમયે શિકારની શોધમાં ચડી આવેલા એક દિપડાએ બકરી પર હુમલો કરી દીધો હતો.

પોતાની બકરી પર દિપડાએ હુમલો કરતા જ ભગવાનભાઇએ દિપડાને ભગાડવા માટે હાંકલા પડકારા કર્યા હતાં. જેને પગલે દિપડાએ બકરીને પડતી મુકી ભગવાનભાઇ પર જ હુમલો કરી દીધો હતો. દિપડાએ તેમને પીઠમાં નહોર અને દાંત બેસાડી દઇ ઇજા પહોંચાડી હતી અને બાદમાં નાસી છુટ્યો હતો. ઘવાયેલા ભગવાનભાઇને સારવાર માટે ઉના દવાખાને ખસેડવામાં આવ્યા હતાં.