Wednesday, May 15, 2013

જામવાળા રેન્જમાં ચિત્તલનો શિકાર કરતાં બે ઝડપાયા.


Bhaskar News, Una | May 07, 2013, 03:00AM IST
- ચિત્તલનાં પગ કાપતા હતા ત્યાં જ વન વિભાગનાં અધિકારીઓ જઇ ચઢ્યા : બંનેને કોર્ટ હવાલે કર્યા 
 
ગીર-પૂર્વ વન વિભાગ હેઠળ આવતા જામવાળા રેન્જમાં રેવન્યુ વિસ્તારમાં ચિત્તલનો શિકાર થતો હોવાની પૂર્વ બાતમીનાં આધારે આરએફઓ સહિતની ટીમે ગઇકાલે ઓચિંતો છાપો મારી બે શિકારીઓને દબોચી લીધા હતા. પકડાયેલા બન્ને શખ્સોને આજે ઊના કોર્ટમાં રજૂ કર્યા છે. 
 
પ્રાપ્ત માહિતી મુજબ જામવાળા રેવન્યુ વિસ્તારમાં ગામનો જ શ્યામ મસરી ગોહિલ તથા ધર્મેશ દેવશી બાબરીયા આ બન્ને શખ્સોએ બે થી ત્રણ વર્ષનાં ચિત્તલનો શિકાર કર્યો હોવાની બાતમી વનવિભાગને મળી હતી. જે અંતર્ગત જશાધાર રેન્જનાં આરએફઓ એલ.ડી.પરમાર, ફોરેસ્ટર ડી.વી.નિમામા સહિતનો સ્ટાફ ગઇકાલે જામવાળા પહોંચ્યો હતો. 
 
અહીં આ બન્ને શિકારીઓ ચિત્તલનાં બચ્ચાનો શિકાર કર્યા બાદ મજિબાની આરોગવા માટે પગ કાપતા હતા તે સમયે વનવિભાગનો સ્ટાફ ત્રાટકતા બન્ને ગભરાઇને ભાગવાની કોશીષ કરી હતી. જોકે, વનઅધિકારી એલ.ડી.પરમારે પીછો કરી બન્ને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આર.એફ.ઓ. પરમારે જણાવ્યુ હતુકે, આ બન્ને શિકારીઓ ચિત્તલનાં બેથી ત્રણ વર્ષનાં બચ્ચાને પકડી તિક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતાયું હતું. 
 
જેથી અમારી ટીમે આ બન્નેને તથા ચિત્તલનાં મૃતદેહ, તેમનાં કપાયેલા પગ સહિત કબ્જે કરી તેનું પીએમ કર્યા બાદ કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ જૂનાગઢ નાયબ વનસંરક્ષણ ડૉ.સંદપિ કુમાર તથા મદદનીશ કંડોરીયાનાં માર્ગદર્શન હેઠળ આ બન્નેની પુછપરછ અર્થે ઊના કોર્ટમાં પાંચ દિનાં રિમાન્ડ માટે રજૂ કર્યા છે. 
 
- શિકારીઓએ હથિયાર ગુમ કર્યું 
 
ચિત્તલનો શિકાર કર્યા બાદ તેનાં પગ કાપતા હતા તે વખતે વનવિભાગની ટીમ જઇ ચઢી હતી. અને બન્ને નાશવા લાગ્યા હતા. જોકે, બન્ને શખ્સો ઝડપાયા પણ પગ જે હથિયારથી કાપતા હતા તે હથિયાર વનવિભાગને મળ્યું નથી. 
 
- શિકારીઓ નવા નિશાળિયા કે જૂના જોગી
 
ચિત્તલનો શિકાર કરી શિકાર કરનારા બન્ને શખ્સો નવા નિશાળીયા છે કે આ ધંધાનાં જુના જોગીઓ છે તો તેની તપાસ પણ વનવિભાગે હાથ ધરી છે.

No comments: