Wednesday, May 15, 2013

સિંહોનાં સ્થળાંતર સામે સામુહિક આત્મ વિલોપનની ચિમકી.

Bhaskar News, Bilkha | May 05, 2013, 01:06AM IST
- ગીર નેચર યુથ ક્લબનાં સભ્યોએ કલેક્ટરને આપ્યું આવેદન

ગીરનાં સાવજોને એમપીમાં સ્થળાંતર કરવાનાં સુપ્રિમે આપેલા દિશા નિર્દેશ સામે ઠેર-ઠેરથી વિરોધ ઉઠી રહયો છે. ગીર નેચર યુથ ક્લબનાં સભ્યોએ સાવજોને એમપીમાં ખસેડાશે તો સામુહિક આત્મવિલોપન કરવાની ચિમકી આપતું કલેક્ટરને આવેદન આપતાં હલચલ મચી જવા પામી છે. ગીર નેચર યુથ ક્લબનાં ભલગામ(બીલખા)ના વિશાલ અમૃતલાલ ઝાલા સહિતનાં સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગીરના સાવજોને જો મધ્યપ્રદેશમાં ખસેડવામાં આવશે તો સામુહિક આત્મવિલોપન કરવાની ચિમકી આપી છે.

ગુજરાતમાં સિંહોની સંખ્યા ૪૦૦ થી વધુની છે અને મધ્યપ્રદેશમાં ખસેડવામાં આવશે તો તેના પર જોખમ વધી જશે. એક તો પ્રતિકૂળ વાતાવરણ અને શિકારી ટોળકીઓ ત્યાં કાર્યરત હોવાથી ભવિષ્યમાં એશિયાઇ સિંહોની જાતિ લુપ્ત થવાની સંપુર્ણ પણે દહેશત રહે છે. સિંહોનાં કારણે ગુજરાતનું આર્થિક વિકાસ પણ થયો છે. વર્ષ ૧૯૦૪ અને ૧૯૨૦માં સિંહોને મધ્યપ્રદેશ લઇ જવાયા બાદ ત્યાં તમામ સિંહો નામશેષ થઇ ગયા હતાં. ત્યારે આ નિર્ણયમાં ફેર વિચારણા નહીં થાય તો સામૂહિક આત્મવિલોપન કરતા પણ અચકાશું નહિ એવી ચિમકી આપતા હલચલ
મચી જવા પામી છે.

- વેરાવળનાં અગ્રણીએ પણ આ મુદ્દે કરી રજૂઆત

એશીયાટીક સાસણના સિંહોના સ્થળાંતર અંગે વેરાવળના સામાજીક કાર્યકર રામજીભાઇ ગોહેલે રાજ્યપાલ તથા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી ગુજરાત અને સૌરાષ્ટ્ર ગીર સિંહોથી પ્રખ્યાત છે અને સિંહોનું જતન એ માત્ર ગીરનું જંગલ કરી શકે અને સમગ્ર એશીયામાં ક્યાંય સિંહ નથી એક માત્ર ગીરના જંગલમાં જ હોય તે સલામતી છે. ત્યારે ગીરના સિંહોને મધ્યપ્રદેશમાં ફેરવવા અંગે જે નિર્ણય લેવાયેલ છે તે સૌરાષ્ટ્રની જનતા પર વ્રજઘાત સમાન છે અને આ નિર્ણય સામે વિરોધ નોંધાવી સત્યાગ્રહ કરવા અને જરૂર પડ્યું સવિનય કાનુન ભંગનો માર્ગ અપનાવવા જણાવેલ છે.

જ્યારે બીજી બાજુ સિંહોના સ્થળાંતર અંગે માનવ અધિકાર પંચના જૂનાગઢ જિલ્લાના અધ્યક્ષ ગુલાબભાઇ છેડાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી તેમાં જણાવેલ છે કે, છેલ્લા  ઘણા સમયમાં સિંહોના મારણ કરતાઓ તેમજ સિંહોના અંગોની તસ્કરીમાં મોટાભાગે મધ્યપ્રદેશની ટોળકીઓનો હાથ હોવાનું બહાર આવેલ છે. તેમજ સૌરાષ્ટ્રમાં સિંહ દર્શન કરવા દર વરસે સાસણમાં લાખો લોકો આવી રહ્યા છે જેનાથી આ વિસ્તારના હજાર સામાન્ય વર્ગના લોકો, ધંધાર્થીઓના કામ-ધંધા આ યાત્રિકો મારફત થયા છે.

ત્યારે આ સિંહોનું સ્થળાંતર કરવામાં આવે તો સાસણ તથા આ વિસ્તારમાં ટુરીઝમક્ષેત્રે કાર્યરત હજારો લોકો બેકાર બની જવાની ભીતી સાથે તેમના જીવન નિવૉહમાં આની સીધી અસર થઇ શકે તેમ છે. ત્યારે ગુજરાતની શાન સમા સિંહોનું સ્થળાંતર અટકાવવામાં આવે અને સાથે સાથ સાસણ ખાતે સિંહોના રક્ષણ માટે વધુ સુવિધાઓ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી આવેદનપત્રના અંતમાં કરેલ છે.

No comments: