Sunday, March 2, 2014

અમરેલી પાસેથી ૮ માસના સિંહબાળનો મૃતદેહ મળ્યો ઃ શિકાર થયાની આશંકા.

Mar 01, 2014 23:47

  • મૃત સિંહબાળના પગ સહિતના અવયવો ગાયબ ઃ ઘટનામાં માનવીય સંડોવણીની શક્યતા દર્શાવતા અમરેલી ડીએફઓ
અમરેલી : ગીરના જંગલમાં વિહરતા એશિયાટીક લાયન્સે તેના નવા વસવાટ માટે ગીરની આજુબાજુના રેવન્યુ વિસ્તાર પર પસંદગી ઉતારી છે, પરંતુ આ રેવન્યુ વિસ્તાર વનરાજોની સલામતી માટે જોખમી પૂરવાર થઈ રહ્યો હોવાના એક પછી એક બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. અમરેલીના તાલુકાના ચાંદગઢ ગામ નજીક રેવન્યુ વિસ્તારમાંથી ગઈકાલે મધરાતે એક ૮ માસની વયના સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો છે. મૃત સિંહબાળના પગ સહિતના અવયવો ગાયબ હોવાથી વનતંત્ર દ્વારા આ ઘટનામાં માનવીય સંડોવણીની શક્યતા સાથે હત્યાની આશંકા દર્શાવવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
અમરેલી તાલુકાના ચાંદગઢ ગામ નજીકના રેવન્યુ વિસ્તારમાં એક ૮ માસના સિંહબાળનો મુતદેહ પડયો હોવાની ગ્રામજનોને જાણ થતા આ અંગે તાત્કાલિક વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જે અનુસંધાને અમરેલીના ડીએફઓ મકવાણા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ઘટનાસ્થળે દોડી ગયેલા વેટરનરી ડોકટર વામજાએ જણાવ્યું હતું કે, મૃત સિંહબાળના હાથ,પગ સહિતના અવયવો ગાયબ હોવાથી બનાવ શંકાસ્પદ લાગી રહ્યો છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે સિંહબાળના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે અમરેલીના ડીએફઓ મકવાણાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, 'મૃત્યુ પામેલા સિંહબાળના હાથ-પગ સહિતના અવયવો ગાયબ હોવાના પગલે આ ઘટનામાં માનવીય સંડોવણીની શક્યતા નકારી શકાતી નથી. સિંહબાળના મૃતદેહ પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે, તેનું મોત ઈનફાઈટ કે અન્ય કોઈ કારણસર નથી થયું, ત્યારે આ સિંહબાળને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હોવાની આશંકા પ્રબળ છે.' જીલ્લા વન અધિકારીનું આ નિવેદન ગંભીર બાબત છે. આ ઘટનામાં દૂધનું દૂધ ્અને પાણીનું પાણી કરવા માટે જૂનાગઢ ફોરેન્સિક લેબોરેટરીના નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે.
૧૪૧૨ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું ગીરનું જંગલ હવે એશિયાટીક લાયન્સ માટે ટૂંકુ પડી રહ્યું હોવાની પ્રતીતિ સિંહોના ગીરની બહાર કોસ્ટલ એરિયામાં તથા રેવન્યુ વિસ્તારોમાં વસવાટ દ્વારા થઈ ચૂકી છે. વળી બીજી બાજુ, સલામતીના મુદ્દે ગીરના કેટલાંક સિંહોને મધ્યપ્રદેશમાં સ્થળાંતરિત કરવાના મામલે રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટમાં કાનૂની જંગ પણ લડી રહી છે. પરંતુ ગીરની બહાર રેવન્યુ વિસ્તારને નવું ઘર બનાવનારા વનરાજો માટે તેમનું આ નવું આશ્રયસ્થાન જોખમી પૂરવાર થઈ રહ્યું છે. છેલ્લા છ મહિનામાં એક પછી એક સિંહોના વિવિધ પ્રકારે મૃત્યુની ઘટનાઓના લીધે આ વિસ્તારોમાં સિંહોની સલામતી સામે પ્રશ્રાર્થ સર્જાયા છે.


No comments: