Saturday, December 31, 2016

ગુજરાતના સિંહોનું નવું રહેઠાણઃ આંબરડીના વિસ્તારમાં જીવન માફક આવી ગયું

Bhaskar News, Amreli | Dec 12, 2016, 02:08 AM IST

અમરેલીઃ ધારી તાલુકાના આંબરડી ગામ નજીક આવેલ જંગલ વિસ્તારમા આઠ માસ પહેલા સાવજોની એક ટોળીએ હાહાકાર મચાવ્યો હતો. ટુંકાગાળામા એક પછી એક ત્રણ લોકોને ફાડી ખાધા બાદ લાંબા સમય સુધી 16 સાવજોને આંબરડી પાર્કમા કેદ કરી લેવામા આવ્યા હતા પરંતુ એકાદ માસ પહેલા તેને હડાળા જંગલમા મધ્યગીરમા મુકત કરવાનો નિર્ણય લેવાયો હતો. 

સામાન્ય રીતે નવા વિસ્તારમા સાવજો જલદીથી સેટ થઇ શકતા નથી પરંતુ આશ્ચર્ય રીતે સાવજની આ ટોળીને હડાળાનુ જંગલ માફક આવી ગયુ છે અને અહી સેટ થઇ ગયા છે.હડાળાનુ મધ્યગીરમા આવેલુ આ જંગલ આમપણ અન્ય સાવજોનુ નિવાસ સ્થાન છે. ત્યારે અહી નવા સાવજોના આગમનથી તેમના વચ્ચે ઘર્ષણની પણ શકયતા જોવાતી હતી. હડાળાના જેનગર જંગલમા આંબરડી પાર્કથી લવાયેલા આ પંદર સાવજો અહીના વાતાવરણ સાથે અનુકુલન સાધી શકશે કે નહી.? તે પ્રશ્ન વનવિભાગના અધિકારીઓને પણ સતાવી રહ્યો હતો. 

અને તેના કારણે જ અહી છોડાયેલા સાવજો પર દેખરેખ પણ રખાઇ રહી હતી. આ સાવજો આંબરડી પાર્ક વિસ્તારમા રેવન્યુ પંથકમા રહેવા ટેવાયેલા હતા. આ ઉપરાંત જંગલની ઝાડીઓ પણ તેનુ ઘર હતુ. તેના કારણે જ કદાચ તેમને આ નવો વિસ્તાર માફક આવી ગયો છે. વળી સૌથી મહત્વની વાત એ છે કે નવા વિસ્તારમા તેમને અન્ય સાવજો સાથે ઘર્ષણની કોઇ ઘટના બની રહી નથી. એકાદ માસથી નવા વિસ્તારમા આ સાવજો ફરી રહ્યાં છે.
ત્રણ લોકોનો કર્યો હતો શિકાર

આંબરડી વિસ્તારમાથી અહી લવાયેલા પંદર સાવજો પર વનવિભાગે અગાઉ પણ ઘણી દેખરેખ રાખવી પડી હતી કારણ કે આ સાવજ ગૃપે અગાઉ આંબરડી વિસ્તારમા ત્રણ લોકોનો શિકાર કર્યો હતો. જો કે આદમખોર ગણાતી મુખ્ય સિંહણને હજુ પણ કેદ રખાઇ છે. 

વનવિભાગ રાખી રહ્યું દેખરેખ

અહી મુકત કરાયેલા સાવજો પર બાજ નજર રાખવી જરૂરી છે. હડાળા જંગલમા સાવજોને મુકત કરાયા ત્યારથી વનવિભાગ અહી તેમના પર સતત દેખરેખ રાખી રહ્યું છે. આજદિન સુધી નવા ઘરમા સાવજોને કોઇ તકલીફ પડી નથી કે તેમના પર ખતરો ઉભો થયો નથી.

No comments: