Monday, June 11, 2012

અમિત જેઠવાના પરિવારને ફોન પર પતાવી દેવાની ધમકી.

Source: Bhaskar News, Rajkot   |   Last Updated 3:45 AM [IST](10/06/2012)
- સાંસદ દિનુ સોલંકી સામેની લડતને અવરોધવા પ્રપંચ કરાતો હોવાનો આક્ષેપ

આરટીઆઇ એક્ટીવીસ્ટ અમીત જેઠવાની હત્યા બાદ હવે તેના પિતા ભીખુભાઇ બાટાવાળા અમીત જેઠવાની ઝુંબેશને આગળ ધપાવી રહ્યા છે ત્યારે હવે તેમના પરિવારને ટેલીફોન પર ધમકીઓ મળી રહી હોવાની તેમણે ખાંભા પોલીસને રજુઆત કરી છે.

ભીખુભાઇ બાટાવાળાએ ખાંભાના પીએસઆઇને આપેલી લેખીત રજુઆતમાં જણાવ્યુ છે કે મોબાઇલ પર તેમના પરિવારને સતત ધમકી મળી રહી છે. અગાઉ પણ તેમના પરિવારને મોબાઇલ પર ધમકીઓ મળી હતી અને આ બારામાં પોલીસને ફરીયાદ આપવામાં આવી હતી. આમ છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે તેમના પત્નીને મોબાઇલ પર છ વખત કોલ કરી અજાણ્યા શખ્સે તારા છોકરાને પુરો કરી નાખેલ છે હવે તારા ધણીને કહે કે આ કેસમાં આગળ ન વધે નહીતર તેને પણ પુરો કરી નાખવો પડશે. તેમણે એમ જણાવ્યુ છે કે જુનાગઢના સાંસદ દિનુભાઇ સોલંકી સામે તેમની લડત ચાલુ છે ત્યારે તેમાં અવરોધો પેદા કરવા અનેક પ્રપંચ થઇ રહ્યા છે.

સાથે સાથે તેમણે પોતે કોડીનાર તાલુકાના વતની હોય અને તેના સગા સબંધીઓ પણ કોડીનાર તાલુકામાં રહેતા હોય તેમના કોડીનાર તાલુકાના પ્રવાસ માટે પોલીસ રક્ષણ આપવામાં આવે તેવી માંગણી પણ કરી છે. અમીત જેઠવાની હત્યા થઇ ગયા બાદ તેમના પરિવારને ફોન કરીને મારી નાખવાની ધમકી અપાઇ છે ત્યારે પોલીસે તાકીદે તપાસ કરી ગુનેગારોને પકડી લેવા જોઇએ.

Saturday, June 9, 2012

કુદરતની મહેરબાનીથી સાવજોનો પીવાના પાણીનો પ્રશ્ન હલ.

Source: Dilip Raval, Amreli   |   Last Updated 6:42 PM [IST](08/06/2012)
અમરેલી જીલ્લાના લોકો ભલે પાણીની કારમી સમસ્યાનો સામનો કરી રહ્યા હોય પરંતુ સાવરકુંડલા તાલુકાના મીતીયાળા અભ્યારણ્યની આસપાસના વિસ્તારમાં વસતા અઢારથી વીસ જેટલા સાવજોનો પાણી પ્રશ્ન કુદરતે એક જ ઝાટકે હલ કરી નાખ્યો છે. ગઇકાલે આ વિસ્તારમાં એકથી ત્રણ ઇંચ સુધી વરસાદ પડી જતા અનેક ચેકડેમો છલકાઇ ગયા છે. અનેક નદી નાળા વહેવા લાગતા આ સાવજોને હવે પાણી માટે ગામડાઓની અંદર ઘુસવું નહી પડે.

સાવરકુંડલા તાલુકામાં પંદરથી વધુ ગામોમાં ગઇકાલે એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી જતા જેવી રીતે લોકો અને ખેડૂતોએ હાંસકારો અનુભવ્યો છે તેવી રીતે સાવજો માટે પણ આ વરસાદ પાણીની સમસ્યાનો હલ લઇને આવ્યો છે. અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજોની સંખ્યા ઘણી મોટી છે. સાવરકુંડલા-લીલીયા પંથકમાં વસતા સાવજો માટે ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ હતી.

સાવજો અવાર નવાર પાણીની શોધમાં કોઇને કોઇ ગામમાં ઘુસી જતા હતાં. ગામના પાદરમાં આવેલા અવેડા સુધી સાવજોને લાંબા થવું પડતુ હતું. સાવરકુંડલાના નાળકેદારીયા, ઠવી, રબારીકા, ભમોદરા સહિત પંદર મિતીયાળા અભ્યારણ્યની આસપાસના ગામડાઓમાં અઢારથી વીસ સાવજો વસે છે. ગઇકાલના ભારે વરસાદના કારણે કુત્તીશેલ નદી બે કાંઠે વહી હતી જેને લીધે અનેક ચેકડેમ છલકાઇ ગયા હતાં. હીપાવડલીનો મોટો ડેમ પણ ભરાઇ ગયો હતો. આ તમામ ગામો આસપાસના ચેકડેમોમાં પાણી આવતા સાવજોનો પાણી પ્રશ્ન હલ થયો છે.

સિંહણનાં જમણાં પગમાં ખીલી વાગતાં મોત.

Source: Dilip Raval, Amreli   |   Last Updated 1:03 PM [IST](08/06/2012)
-તો ઘાયલ સિંહણને અધિકારીઓ બચાવી શક્યા હોત

માણસને પગમાં ખીલી વાગે તો સારવાર કરાવવા જાય પણ સાવજને પગમાં ખીલી વાગે તો? સાવરકુંડલાના નાની વડાળ ગામની સીમમાં ગઇકાલે સિંહણનો મૃતદેહ મળ્યા બાદ પોસ્ટમોર્ટમ દરમીયાન આ સિંહણનું મોત પગમાં ખીલી ઘુસી જતાં આખા શરીરમાં રસી થઇ જવાના કારણે થયાનું ખુલ્યુ છે. સીમમાં જ સિંહણના મૃતદેહને સળગાવી દઇ તેનો નીકાલ કરાયો હતો.

નાની વડાળની સીમમાં મૃત્યુ પામેલી સિંહણના પોસ્ટમોર્ટમ દરમીયાન તેના પગમાંથી ખીલી મળી આવી હતી. આ સિંહણને થોડા સમય પહેલા કોઇ રીતે જમણા પગમાં ખીલી ઘુસી ગઇ હતી. જેના પગલે સિંહણના પગમાં રસી થઇ ગયું હતું. જો વન વિભાગના નજરે આ સિંહણ ચડી ગઇ હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત પરંતુ તે કોઇના નજરે ન ચડતા સિંહણના આખા શરીરમાં રસી ફેલાઇ ગયું હતું. જેના પરિણામે આ સિંહણ ગઇકાલે મૃત્યુ પામી હતી.

બીજી તરફ નાની વડાળ પંથકમાં ગઇકાલે ધોધમાર વરસાદ હોય સિંહણના મૃતદેહને સલામત સ્થળે લઇ જઇ તેનુ પોસ્ટમોર્ટમ કરવુ પડયુ હતું.ગીર પૂર્વના ડીએફઓ અંશુમન શર્મા, એસીએફ ધામી તથા વેટરનરી ડૉ. હિતેષ વામજા વગેરેની ઉપસ્થિતિમાં સિંહણના મૃતદેહને સળગાવી દઇ તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

ગીરના સિંહને એમના ઘરમાં જ રહેવા દો : પઠાણબંધુ.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 2:59 AM [IST](09/06/2012)
સાસણમાં પત્રકારોને ખાસ મુલાકાત આપી : વન્યપ્રાણી અને પર્યાવરણ જાગૃતિ માટે તમામ પ્રકારનો સહયોગ આપવાની તૈયારી બતાવી

'ગીરનાં સિંહને એમનાં ઘરમાં જ રહેવા દો’ એવી લાગણી સાસણ(ગીર)ની મુલાકાતે આવેલા ટીમ ઇન્ડીયાનાં સ્ટાર ક્રિકેટર પઠાણ બંધુઓએ વ્યકત કરી વન, વન્યપ્રાણી- પક્ષીઓનાં સંવર્ધન- સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે તમામ પ્રકારનો સહયોગ આપવાની પ્રતિબધ્ધતા બતાવી હતી.

ટીમ ઇન્ડીયામાં ગુજરાતનું ગૌરવ વધારતાં વડોદરાનાં વતની એવા જાણીતા યુવા ક્રિકેટર પઠાણબંધુ યુસુફ અને ઇરફાન એમનાં પરિવાર સાથે સાસણ(ગીર)ની મુલાકાતે આવ્યા છે. વન વિભાગનાં આમંત્રણને માન આપી સિંહ સદનમાં રોકાણ કર્યુ છે. આજે પત્રકારોને આપેલી ખાસ મુલાકાતમાં પઠાણબંધુએ જંગલમાં મુક્ત મને વિહરતા સાવજ પરિવાર અને કુદરતી સૌંદર્યથી આચ્છાદીત જંગલની સુંદરતાની પ્રશંસા કરી ગૌરવની લાગણી અનુભવતા હોવાનું જણાવ્યું હતું.

તેઓને મધ્યપ્રદેશનાં કુનો જંગલમાં ગીરનાં સાવજોનાં સ્થળાંતર અંગેની ઘણા સમયથી હિ‌લચાલ ચાલી રહી છે તે અંગે પુછતા આ રાજય-કેન્દ્રનો નીતિ વિષયક મુદો હોય તે અંગે કહેવાનું ટાળ્યું હતું પરંતુ ગુજરાત સાવજોનું ઘર છે અને એમને એમનાં ઘરમાં જ રહેવા દેવા જોઇએ એવી લાગણી વ્યકત કરી હતી.

રાજયનાં બ્રાન્ડ એમ્બેસેડર અને 'બીગ બી’ બચ્ચનની 'ખુશ્બુ ગુજરાત કી’ ડોક્યુમેન્ટ્રી બાદ સાસણ જંગલ અને સાવજ સમગ્ર દેશમાં જ નહી વિશ્વભરમાં ખ્યાતનામ બન્યા છે. રાજય સરકાર, પ્રવાસન વિભાગ અને વન વનતંત્રની આ કામગીરી કાબીલે તારીફ હોવાનું જણાવી વન, વન્યપ્રાણી- પક્ષીઓનાં સંવર્ધન- સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે તમામ પ્રકારનો સહયોગ આપવાની અને એક ગુજરાતી તરીકે આ મુવેમેન્ટમાં જોડાઇ શકીએ તો તે અમારા માટે ખુશીની વાત બની રહેશે તેમ કહયું હતું.

સાવજનું ટોળું જીપ નજીકથી પસાર થયું ને બાળકો ડરી ગયા

સાસણ જંગલમાં બે દિવસ દરમિયાન ર૭ જેટલા સાવજને વિવિધ એંગલથી નિહાળ્યા એ જીવનની યાદગાર ક્ષણ બની રહેશે. એક સમયે તો સાવજનું ઘુરકીયા કરતું ટોળું અમારી જીપની સાવ નજીકથી પસાર થઇ ગયું ત્યારે મારી માતા અને બાળકો ડરી ગયા હતા. જોકે, આ અમારા પરિવાર માટે એક અનેરા રોમાંચની ઘટના હતી અને તેનું વિડીયો શૂટિંગ પણ મેં કરી લીધુ હતું તેમ ઇરફાન પઠાણે જણાવ્યું હતું.

પ્રાણી - પક્ષીઓને દત્તક લેવાનો યુસુફને શોખ

પ્રાણી - પક્ષીઓ પ્રત્યે મોટાભાઇ યુસુફ ખાસ લગાવ - પ્રેમ ધરાવે છે અને તેમને દત્તક લઇ સાર- સંભાળ રાખે છે તેમ તેનાં નાનાભાઇ ઇરફાને જણાવ્યું હતું.

Friday, June 8, 2012

ઇરફાન, યુસુફ સહપરિવાર સાથે ગીર જંગલની મુલાકાતે.


જૂનાગઢ, તા. ૭
ભારતીય ક્રિકેટ ટીમના બે સ્ટાર ખેલાડીઓ ઇરફાન અને યુસુફ પઠાણ સહપરિવાર ગીર અભયારણ્યના મહેમાન બન્યા છે. આગામી ત્રણ દિવસ સુધી તેઓ અહીં રોકાશે. બન્ને ક્રિકેટરો સ્થાનિક ગ્રામજનો અને અન્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ઇરફાન પઠાણ અને યુસુફ પોતાના પરિવાર સાથે આજે સવારે ગીરનાં જંગલમાં આવી પહોંચ્યા હતા. તેઓ ગીરના હેડક્વાર્ટર સાસણ ખાતે રોકાયા છે. આજે સવારે પઠાણ પરિવારે જંગલમાં નજીકમાં જ દશ સિંહો જોયા હતા તથા બન્ને ક્રિકેટર ભાઈઓ સિંહદર્શન કરીને રોમાંચિત બન્યા હતા. બપોર બાદ સાડા ચારેક વાગ્યાના અરસામાં આ પરિવાર ફરી વખત જંગલમાં સિંહદર્શન માટે પહોંચી ગયો હતો. વન વિભાગનો સ્ટાફ પણ તેઓની સાથે રહ્યો હતો. ત્રણ દિવસ સુધી આ પરિવાર અહીં રોકાઈને પ્રકૃતિની મજા માણશે. બન્ને સ્ટાર ક્રિકેટરો સ્થાનિક ગ્રામજનો અને અન્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
http://www.sandesh.com/article.aspx?newsid=62704

ગીર અભયારણ્યમાં ૧૬ જૂનથી પ્રવાસીઓ માટે પ્રવેશબંધી.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 4:30 PM [IST](06/06/2012)

ગીર અભ્યારણમાં સિંહ મેટિંગ પીરીયડમાં હોય તેમા ખલેલ ન પહોંચે તે માટે અભ્યારણમાં ૧૬ જુનથી પ્રવાસીઓ માટે પ્રવેશબંધી ફરમાવાઈ છે. ગીર અભ્યારણ સહિત જંગલ વિસ્તારમાં ૧૬ જૂનથી ચોમાસાની ઋતુ દરમિયાન સિંહ મેટિંગ પીરીયડ હોય છે અને સિંહ સંવર્ધન માટે ચોમાસા દરમિયાન કોઈ વિક્ષેપ કે ખલેલ ન પહોંચે તેને ધ્યાને લઈ પ્રવાસીઓ માટે ગીર અભ્યારણમાં સહેલાણીઓ માટે પ્રવેશ બંધ કરાવ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા સાસણના નાયબ વન સરંક્ષક ડૉ.સંદપિ કુમારે જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીર વન્ય પ્રાણી અભ્યારણ અને રાષ્ટ્રીય ઉધ્ધાન સિંહ સંવર્ધનની શ્રેષ્ઠ ઋતુ ચોમાસા દરમિયાન તમામ પ્રવાસીઓ માટે બંધ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ઘટતી જતી સિંહોની વસ્તીને ધ્યાને લઈને દેશભરનાં અભ્યારણોમાં સંવર્ધનની મૌસમ દરમિયાન પ્રવેશબંધી રહેતી હોય છે.

Tuesday, June 5, 2012

રાજકોટ ઝૂમાં તાજેતરમાં જ લાવેલા હોગ ડીયરે બચ્ચાને જન્મ આપ્યો.




રાજકોટ, 4 જૂન

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ખાતે  આજે હોગ ડીયરે એક બચ્ચાને જન્મ આપ્યો છે. તાજેતરમાં જ પાંચ હોગ ડીયર પંજાબના છપદીર ઝૂ ખાતેથી લાવામાં આવ્યા હતા.

આ હોગડીયર પૈકી એક માદાએ આજે બચ્ચાને જનમ આપતા ઝૂમાં હોગ ડીયરની સંખ્યા 6 થઈ છે.
http://www.sandesh.com/article.aspx?newsid=61804