Source: Bhaskar News, Rajkot | Last Updated 3:45 AM [IST](10/06/2012)
આરટીઆઇ એક્ટીવીસ્ટ અમીત જેઠવાની હત્યા બાદ હવે તેના પિતા ભીખુભાઇ બાટાવાળા અમીત જેઠવાની ઝુંબેશને આગળ ધપાવી રહ્યા છે ત્યારે હવે તેમના પરિવારને ટેલીફોન પર ધમકીઓ મળી રહી હોવાની તેમણે ખાંભા પોલીસને રજુઆત કરી છે.
ભીખુભાઇ બાટાવાળાએ ખાંભાના પીએસઆઇને આપેલી લેખીત રજુઆતમાં જણાવ્યુ છે કે મોબાઇલ પર તેમના પરિવારને સતત ધમકી મળી રહી છે. અગાઉ પણ તેમના પરિવારને મોબાઇલ પર ધમકીઓ મળી હતી અને આ બારામાં પોલીસને ફરીયાદ આપવામાં આવી હતી. આમ છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે તેમના પત્નીને મોબાઇલ પર છ વખત કોલ કરી અજાણ્યા શખ્સે તારા છોકરાને પુરો કરી નાખેલ છે હવે તારા ધણીને કહે કે આ કેસમાં આગળ ન વધે નહીતર તેને પણ પુરો કરી નાખવો પડશે. તેમણે એમ જણાવ્યુ છે કે જુનાગઢના સાંસદ દિનુભાઇ સોલંકી સામે તેમની લડત ચાલુ છે ત્યારે તેમાં અવરોધો પેદા કરવા અનેક પ્રપંચ થઇ રહ્યા છે.
સાથે સાથે તેમણે પોતે કોડીનાર તાલુકાના વતની હોય અને તેના સગા સબંધીઓ પણ કોડીનાર તાલુકામાં રહેતા હોય તેમના કોડીનાર તાલુકાના પ્રવાસ માટે પોલીસ રક્ષણ આપવામાં આવે તેવી માંગણી પણ કરી છે. અમીત જેઠવાની હત્યા થઇ ગયા બાદ તેમના પરિવારને ફોન કરીને મારી નાખવાની ધમકી અપાઇ છે ત્યારે પોલીસે તાકીદે તપાસ કરી ગુનેગારોને પકડી લેવા જોઇએ.
No comments:
Post a Comment