Tuesday, October 7, 2014

ડેડકડી રેંજમાંથી પગે લાકડું બાંધેલ હાલતમાં દીપડાનો મૃતદેહ મળ્યો.

Oct 05, 2014 00:01

  • ઇન્ફેકશનના કારણે ખોરાક લઇ ન શકતા દીપડાનું નબળાઇના કારણે મૃત્યુ થયાનું અનુમાન
વિસાવદર  : ગીર પશ્ચિમના ડેડકડી રેન્જનાં જાંબુથાળા રાઉન્ડના વાકવીવડા વિસ્તારમાંથી એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો છે. ઇન્ફેકશનના કારણે ખોરાક લઇ ન શકતા તેનું મોત નિપજયાનું વનવિભાગનું અનુમાન છે.
ગીર પશ્ચિમના વન વિભાગના સ્ટાફનાં ફેરણા દરમ્યાન વાકવીવડા વિસ્તારમાં આઠ થી નવ વર્ષના એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં રેંજ આરએફઓ, ડીસીએફ સ્થળ પર દોડી આવ્યા હતા. ડીસીએફ ડો. કે રમેશકુમારે જણાવ્યું કે, દીપડાનું પેનલ પીએમ કરવામાં આવ્યું છે. જેમાં તેનું મોત ઇન્ફેકશનના કારણે ખોરાક લઇ ન શકવાથી શરીર નબળું પડી ગયું હતું. જેના કારણે તેનું મોત થયાનું પ્રાથમિક તબકકે ખુલ્યું છે.
અચરજની વાત એવી છે કે દીપડાના મૃતદેહની પાસેથી લાકડંુ તથા દોરી મળી આવેલ છે. લાકડું પગ સાથે દોરીથી બાંધીને કોઇ જંગલની હદમાં મુકી ગયું હોય તેવું લાગી રહ્યું છે. જે અંગે વધુ તપાસ ચાલું છે.

સિંહોના મારણની જાણ કરનાર ખેડૂતોને વનવિભાગની કનડગત.

Sep 21, 2014 00:00
  • માલઢોરના શિકારની ફરિયાદ કર્યા બાદ અરજદારને વનકચેરીના ધક્કા ખવડાવાય છે
વિસાવદર : વિસાવદર તાલુકાના મોટાભાગના ગામડાઓ ગીરની બોર્ડર પર આવેલા હોવાથી વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના માલ-ઢોરનું મારણ કરવામાં આવે ત્યારે વનવિભાગ દ્વારા મારણનો કેસ કરવામાં ખેડૂતોને ખૂબ જ કનડગત કરવામાં આવી રહી હોવાની વનમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના ઘરમાં, ખેતરોમાં બાંધેલ માલ-ઢોરનો શીકાર કરવામાં આવે ત્યારબાદ ખેડૂત દ્વારા વનવિભાગની કચેરીએ જાણ કરવામાં આવ્યા બાદ મારણ કેસનું ફોર્મ ભરવા માટે ખેડૂતને રેન્જ ઓફિસે ધક્કો થાય છે. અને ઓફિસે આવ્યા બાદ ફોર્મ પણ રાખવામાં આવતું નથી.
એક ફોર્મ આપે તેની ઝેરોક્ષ ખેડૂતને પોતાના ખર્ર્ચે કરાવી લેવાની રહે છે. ઝેરોક્ષ કરાવી ફોર્મ પરત વનવિભાગની ઓફિસમાં પરત કરવાનું રહે છે. આ બાબતે તાલુકા પંચાયતના સદસ્ય હરેશભાઇ વીરોલીયાએ વનમંત્રીને રજૂઆત કરી ખેડૂતોને થતી કનડગત બંધ કરાવવા માંગ કરી છે.
http://sandesh.com/article.aspx?newsid=2989183

વિસાવદરના લેરીયા ગામે નવ ફુટની દિવાલ કુદી દિપડાએ મારણ કર્યુ.


  •  ઘટીંયાણા ગામે વાડીએ બાંધેલ ભેસનો શિકાર કરતા ત્રણ વનરાજાઓ
વિસાવદર : વિસાવદરના લેરિયા ગામે પાદરમાં એક મકાનની નવ ફુટ ઉંચી દિવાલ કુદીને દિપડાને બે વર્ષના વાછરડાનો શિકાર કર્યાે હતો જયારે ઘટીંયાણ ગામે પણ ત્રણ વનરાજાઓએ ત્રાટકીને વાડીએ બાંધેલ ભેસનો શિકાર કરી નાખતા નાના એવા ગામમાં ભયની લાગણી પ્રસરી ગઈ છે અને વન્ય પ્રાણીઓને દુર જંગલ વિસ્તારમાં ખદેડવા માટે ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી છે
વિસાવદરના લેરિયા ગામમાં ગત મોડીરાત્રીના ગામના પાદરમાં રહેતા રતિભાઈ લીંબાભાઈ ગોંડલીયાએ તેમના ઘર આસપાસ વન્ય પ્રાણીઓથી પાલતુ પશુઓને બચાવવા માટે નવ ફુટ ઉંચી દિવાલ બનાવવામાં આવી હતી જેથી કરીને વન્ય પ્રાણીઓ અંદર આવી ન શકી પણ ગતરાત્રે અચાનક જંગલ વિસ્તારમાંથી દિપડો આવી ચડયો હતો અને નવ ફુટ ઉંચી દિવાલ કુદીને બે વર્ષના વાછરડાનું મારણ કરી મીજબાની માણી હતી.દરમિયાનમાં રતિભાઈ જાગી જતા તેઓ દ્વારા હાકલા-પડકારા કરવામાં આવતા દિપડો મારણ મુકીને નાસી ગયો હતો,અન્ય એક બનાવમાં વિસાવદરના ઘેટીયાણા ગામે સીમમાં એક વાડીમાલિક દ્વારા તેમની વાડીમાં ભેંસ બાંધી હતી અને સાથે નાની પાડીઓ પણ હતી ત્યારે ગતરાત્રીના અચાનક ત્રણ સિંહોએ આવી ચડી ભેંસનો શિકાર કર્યાે હતો અને એક પાડીને પણ ગંભીર ઈજા કરી હતી બાદમાં અન્ય એક પાડીનું પણ મારણ કર્યું હતું.
http://sandesh.com/article.aspx?newsid=2987173

વનવિભાગના ફાંફા વચ્ચે ઘાયલ સાવજ ૫ાંચ દિવસ જીવાતોથી કણસતો રહ્યો..!

ep 10, 2014 00:18

  • ઈજાઓથી તડપતો નર સિંહ આખરે સાસણ એનિમલ કેર ખાતે સારવારમાં
વિસાવદર : ગીરમાં એશિયાટીક લાયન્સ સલામત હોવાની પોકારાતી સરકારી ગુલબાંગો વચ્ચે માત્ર એક ઘાયલ સિંહને શોધવામાં જંગલખાતાને પાંચ-પાંચ દિવસ લાગી જતાં ગીરમાં સિંહોની સલામતી સામે ફરી એકવાર પ્રશ્નાર્થ ખડા થયા છે. જંગલખાતાના રેન્જર્સ, ટ્રેકર્સ સહિતનો સ્ટાફ પાંચ-પાંચ દિવસથી ઘાયલ અને જીવાતોથી કણસતા વનરાજને શોધી રહ્યા છે, પરંતુ આખરે આ વનરાજ ગઈકાલે મોડી રાત્રીના વિસાવદર નજીક રાજપરા રાઉન્ડમાં મૂકાયેલા પાંજરામાં કેદ થયો હતો. આ ઘાયલ નર સિંહને સારવાર માટે સાસણ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે.
ચારેક દિવસથી બિમાર અને ઘાયલ સિંહને શોધવા માટે વિસાવદર રેન્જનો સ્ટાફ, સાસણના ટ્રેકર્સ,રેસ્કયુ ટીમ રાજપરા રાઉન્ડમાં તપાસ કરી રહી હતી.જેમાં ગત મોડી રાત્રીના આ સિંહ પાંજરામાં કેદ થઈ જતા સાસણ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ બાબતે સાસણના ડીસીએફ સંદીપકુમારના જણાવ્યા મુજબ આ નરસિંહને પુંઠના ભાગે, માથાના ભાગે અને અન્ય જગ્યાઓ પર ગંભીર ઈજાઓ થઈ છે. આ સિંહની ઉંમર પણ ૧૦ થી ૧ર વર્ષની હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
 સંદીપકુમારે વધુુમાં જણાવ્યું હતું કે આ નર સિંહને ૧પ થી ર૦ દિવસ સાસણ રાખી સારવાર આપવામાં આવશે.૧પ-ર૦ દિવસની સારવાર આપ્યા બાદ સારૃ જણાશે તો ફરી તેને તેના વિસ્તારમાં છોડવામાં આવશે.
 પાંચ દિવસની મહેનતના અંતે જીવાતોથી કણસી રહેલો સિંહ કેદ થતા વન વિભાગ અને પ્રકૃતિપ્રેમીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ સિંહને એન્ટીબાયોટીક અને અન્ય દવાઓ આપી હાલ એનિમલ કેર હોસ્પિટલ સાસણ ખાતે સારવાર ચાલી રહી છે.
http://sandesh.com/article.aspx?newsid=2984776

ભેસાણના રાણપુરમાં દીપડી ૮૦ ફૂટ ઉંડા ખાડામાં ખાબકી.

Oct 05, 2014 23:59

  • રેસ્કયુ ટીમે બે કલાકની જહેમત બાદ બહાર કાઢી
ભેસાણ : ભેસાણના રાણપુર ગામની સીમમાં એક કુવામાં આજે વહેલી સવારે દીપડી ખાબકી હતી. જેને વનવિભાગની રેસ્ક્યુ ટીમ અને ટ્રેકર્સ ટીમે બે કલાકની જહેમત બાદ સહી સલામત બહાર કાઢી હતી. ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
રાણપુરથી કરીયા વચ્ચે ધોરીધાર નજીક આવેલ દેવાભાઈ સરધારાની વાડીના ૮૦ ફૂટ ઉંડા કુવામાં આજે વહેલી સવારે દીપડી પડી ગઈ હતી. જેની જાણ વાડી માલિકે વન વિભાગને કરતા સક્કરબાગ ઝૂની રેસ્કયુટીમ અને ડુંગર ઉતર રેન્જની ટ્રેકર્સ ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દીપડીને ઈન્જેક્શન મારી બેભાન કરીને કુવામાં ખાટલો ઉતારીને બે કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી. તેને સક્કબાગ ઝુ માં મોકલી આપવામાં આવી હતી.

વન્યપ્રાણીઓનાં મોક્ષાર્થે પ્રથમવાર યજ્ઞ.


DivyaBhaskar News Network | Oct 01, 2014, 05:35AM IST

હિન્દુધર્મ સહઅસ્તિત્ત્વની વિભાવના સાથે જીવવાનો પ્રત્યેક માનવીને સંદેશ આપે છે. જેમાં દુનિયાનાં દરેક જીવ પ્રત્યે અનુકંપા રાખવાનું પ્રયોજન છે. આની પાછળ પ્રકૃતિનાં જતનનો ઉદ્દેશ પણ રહેલો છે. આપણે ત્યાં માનવીનાં મૃત્યુ બાદ તેનાં મોક્ષાર્થે આપ્તજનો દ્વારા ઉત્તરક્રિયા કરાય છે. જેમાં એક દિવસે હવનની આહૂતિઓ પણ આપવાની થતી હોય છે. ત્યારે ક્રિયા-કર્મ વિશે જેને કશી ખબરજ નથી એવાં વન્ય પ્રાણીઓનાં આત્માની શાંતિ માટે હિન્દુ શાસ્ત્રોમાં ખાસ યજ્ઞનું પ્રાવધાન કરાયું છે. જે મુજબ, ખડીયા ગામે આવેલા પશુ-પક્ષી-પ્રાણી કલ્યાણ મંડળનાં ઉપક્રમે વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત વન્ય પ્રાણીઓનાં મોક્ષાર્થે એક યજ્ઞનું આયોજન કરાયું છે.

જૂનાગઢ-બિલખા હાઇવે પર આવેલા નાના એવા ખડીયા ગામે કાર્યરત પશુ-પક્ષી-પ્રાણી કલ્યાણ મંડળ જીવદયા માટે કામ કરતી સંસ્થા છે. સંસ્થા દ્વારા આગામી તા. 5 ઓક્ટો. નાં રોજ વન્ય પ્રાણીઓનાં આત્માને મોક્ષ મળે માટે જૂનાગઢ-બિલખા હાઇવે પર ખડીયા રોયલ્ટી બસ સ્ટોપ પાસે આવેલા સંસ્થાનાં સંકુલ ખાતે યજ્ઞનું આયોજન કરાયું છે. અંગે મંડળનાં મેનેજીંગ ટ્રસ્ટી આર. જી. અપારનાથીએ જણાવ્યું હતું કે, વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જાળવવા માટે તેઓને પણ ધરતી માતાનાં ખોળે મુક્તપણે જીવન જીવવાનો અધિકાર છે. અને માટે આપણે વિશેષ જાગૃતતા દાખવી બંધારણની કલમ 51 મુજબ નાગરિક તરીકેની ફરજો નિભાવવા કટિબદ્ધ બનીએ હેતુને લક્ષમાં લઇ અાયોજન કર્યું છે. દર વખતે વન્ય પ્રાણી સપ્તાહ વખતે ટુક કે પ્રકૃતિ શિક્ષણ વગેરે કાર્યક્રમો તો આપતાજ હોઇએ છીએ. પરંતુ તાજેતરમાંજ જૂનાગઢમાં વાઘેશ્વરી પાસે આતંક મચાવનાર ઘોરખોદિયું જે રીતે મોતને ભેટ્યું વખતે અમને વન્યપ્રાણીઓનાં મોક્ષ માટે હવન કરવાનો વિચાર આવ્યો. માટે અમે શાસ્ત્રી કેતનભાઇ પુરોહિતને પૂછતાં તેમણે પણ હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં માટેનું વિધાન હોવાનું જણાવ્યું હતું. અને રાજા રજવાડાં વખતે આવા યજ્ઞો થતા હોવાની વાતને અનુમોદન આપ્યું હતું. યજ્ઞનો સમય સવારે 9 વાગ્યાથી છે. અને બપોરે 4 વાગ્યે બીડું હોમાશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તેમણે જાહેર અપીલ કરી છે.

ઉલ્લેખનયી છે કે, બે દિવસ પછી પ્રારંભ થનારા અનોખા મોક્ષ યજ્ઞ માટે કર્મકાંડી ભૂ-દેવોને મળી ચીજ-વસ્તુ સામગ્રી સહિતની ખરીદી અને તૈયારીઓ પૂર્ણ થઈ છે ત્યારે અનોખા પ્રયોગમાં વન્ય પ્રાણી પ્રેમીઓ પણ આહુતિ આપવા જોડાય તેવુ આહવાન કરાયું છે.

http://www.divyabhaskar.co.in/news/SAU-JUN-MAT-latest-junagadh-news-053505-639802-NOR.html

બાબરા પંથક સાવજોનું નવું રહેણાક બનશે?

બાબરા પંથક સાવજોનું નવું રહેણાક બનશે?
Bhaskar News, Amreli | Oct 01, 2014, 01:03AM IST
- પાછલા કેટલાક દિવસોથી સાવજોના ગ્રામ્ય વિસ્તારમાં ધામા : ખેડૂતોમાં ફફડાટ

અમરેલી: ગીર જંગલમાંથી બહાર નિકળી ગયેલા સાવજો અમરેલી જીલ્લાના જુદા જુદા તાલુકાઓમાં રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા જાય છે. જેમ જેમ સાવજોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ આ સાવજો નવા નવા વિસ્તારો સર કરતા જાય છે. હવે આ સાવજોનું નવુ ઘર બાબરા પંથક બને એવા એંધાણ વર્તાઇ રહ્યા છે. અગાઉ એકાદ વખત આ વિસ્તારમાં સાવજોએ લટાર માર્યા બાદ હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારના ગામડાઓની સીમમાં સાવજોએ ધામા નાખ્યા છે અને રોજબરોજ મારણની ઘટનાઓ બની રહી છે.

વન્ય પ્રાણી અંગે કાયદાનો કડક અમલ અને લોકોમાં આવી રહેલી જાગૃતિને પગલે પાછલા એક દાયકા દરમીયાન સાવજોને સંરક્ષણ મળતા તેની વસતી કુદકે ને ભુસકે વધી છે. ગીર કાંઠાના અમરેલી જીલ્લામાં ધારી, સાવરકુંડલા, ખાંભા તાલુકામાં રેવન્યુ વિસ્તારમાં અવાર નવાર સાવજો નઝરે પડતા હતાં પરંતુ જંગલમાં વધેલી વસતીને પગલે સાવજોએ સૌ પ્રથમ પોતાનું નવું રહેઠાણ લીલીયા પંથકમાં શોધ્યુ હતું. શેત્રુજી નદીને કાંઠે લીલીયાના ખારાપાટમાં વિકસેલા બાવળોના જંગલને આ સાવજોએ પોતાના નવા ઘર તરીકે વિકસાવ્યું. જો કે હાલમાં તો રાજુલા, જાફરાબાદ, અમરેલી તાલુકામાં પણ સાવજોનો વસવાટ છે. બગસરા અને વડીયા પંથકમાં પણ સાવજોના આંટા ફેરા રહે છે. લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાવજો અવાર નવાર દેખાયા છે.

હવે આ સાવજો છેક બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જઇને વસ્યા છે. બાબરા તાલુકાના નડાળા, મીયાખીજડીયા, ગમા પીપળીયા, રાણપર વિગેરે ગામોની સીમમાં પાછલા કેટલાક દિવસથી સાવજની હાજરી વર્તાઇ રહી છે. અહિં સાવજો દ્વારા અત્યાર સુધીમાં ત્રણ પશુના મારણ કરવામાં આવ્યા છે. આ વિસ્તારના ખેડૂતોને સાવજોની હાજરીમાં ખેતીકામની આદત નથી. કદાચ આવનારા સમયમાં તેમણે આ આદત કેળવવી પડશે. કારણ કે વધતી વસતી વચ્ચે સાવજો તેમના નવા રહેઠાણ તો શોધવાના જ.

http://www.divyabhaskar.co.in/news/SAU-AMR-lion-new-residency-in-amreli-latest-news-4762163-NOR.html