Tuesday, October 7, 2014

બાબરા પંથક સાવજોનું નવું રહેણાક બનશે?

બાબરા પંથક સાવજોનું નવું રહેણાક બનશે?
Bhaskar News, Amreli | Oct 01, 2014, 01:03AM IST
- પાછલા કેટલાક દિવસોથી સાવજોના ગ્રામ્ય વિસ્તારમાં ધામા : ખેડૂતોમાં ફફડાટ

અમરેલી: ગીર જંગલમાંથી બહાર નિકળી ગયેલા સાવજો અમરેલી જીલ્લાના જુદા જુદા તાલુકાઓમાં રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા જાય છે. જેમ જેમ સાવજોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ આ સાવજો નવા નવા વિસ્તારો સર કરતા જાય છે. હવે આ સાવજોનું નવુ ઘર બાબરા પંથક બને એવા એંધાણ વર્તાઇ રહ્યા છે. અગાઉ એકાદ વખત આ વિસ્તારમાં સાવજોએ લટાર માર્યા બાદ હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારના ગામડાઓની સીમમાં સાવજોએ ધામા નાખ્યા છે અને રોજબરોજ મારણની ઘટનાઓ બની રહી છે.

વન્ય પ્રાણી અંગે કાયદાનો કડક અમલ અને લોકોમાં આવી રહેલી જાગૃતિને પગલે પાછલા એક દાયકા દરમીયાન સાવજોને સંરક્ષણ મળતા તેની વસતી કુદકે ને ભુસકે વધી છે. ગીર કાંઠાના અમરેલી જીલ્લામાં ધારી, સાવરકુંડલા, ખાંભા તાલુકામાં રેવન્યુ વિસ્તારમાં અવાર નવાર સાવજો નઝરે પડતા હતાં પરંતુ જંગલમાં વધેલી વસતીને પગલે સાવજોએ સૌ પ્રથમ પોતાનું નવું રહેઠાણ લીલીયા પંથકમાં શોધ્યુ હતું. શેત્રુજી નદીને કાંઠે લીલીયાના ખારાપાટમાં વિકસેલા બાવળોના જંગલને આ સાવજોએ પોતાના નવા ઘર તરીકે વિકસાવ્યું. જો કે હાલમાં તો રાજુલા, જાફરાબાદ, અમરેલી તાલુકામાં પણ સાવજોનો વસવાટ છે. બગસરા અને વડીયા પંથકમાં પણ સાવજોના આંટા ફેરા રહે છે. લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાવજો અવાર નવાર દેખાયા છે.

હવે આ સાવજો છેક બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જઇને વસ્યા છે. બાબરા તાલુકાના નડાળા, મીયાખીજડીયા, ગમા પીપળીયા, રાણપર વિગેરે ગામોની સીમમાં પાછલા કેટલાક દિવસથી સાવજની હાજરી વર્તાઇ રહી છે. અહિં સાવજો દ્વારા અત્યાર સુધીમાં ત્રણ પશુના મારણ કરવામાં આવ્યા છે. આ વિસ્તારના ખેડૂતોને સાવજોની હાજરીમાં ખેતીકામની આદત નથી. કદાચ આવનારા સમયમાં તેમણે આ આદત કેળવવી પડશે. કારણ કે વધતી વસતી વચ્ચે સાવજો તેમના નવા રહેઠાણ તો શોધવાના જ.

http://www.divyabhaskar.co.in/news/SAU-AMR-lion-new-residency-in-amreli-latest-news-4762163-NOR.html

No comments: