Friday, March 31, 2017

જૂનાગઢ: ચોકીની સીમમાં દીપડાએ 7 વર્ષની બાળકીને ખેતરમાં ઢસડી ફાડી ખાધી

Bhaskar News, Junagadh | Mar 24, 2017, 00:54 AM IST

  • જૂનાગઢ: ચોકીની સીમમાં દીપડાએ 7 વર્ષની બાળકીને ખેતરમાં ઢસડી ફાડી ખાધી,  junagadh news in gujarati
(તસવીર પ્રતિકાત્મક)
 
જૂનાગઢ: સોરઠ પંથકમાં માનવી પર દીપડાનાં હુમલાની ઘટના અવારનવાર સામે આવી રહી છે. જેમાં માનવ મૃત્યુનાં બનાવ પણ બને છે. જૂનાગઢ નજીક ચોકી (સોરઠ)ની સીમમાં દીપડાનાં હુમલાની ઘટના સામે આવી છે.મુળ દાહોદનાં ધોડાજર ગામે રહેતા વિરસંગભાઇ ભુરૈયા પરિવાર સાથે જૂનાગઢનાં ચોકી ગામે મજુરી કામે આવ્યા છે. તેઓ ચોકીમાં જીતેન્દ્ર અરજણભાઇ  બાબરિયાની વાડીએ રહેતા હતા. 
 
લઘુશંકા કરવા બહાર નિકળીએ વખતે દીપડાએ બાળકી પર હુમલો કર્યો
 
ગતરાત્રે વિરસંગભાઇની 7 વર્ષની પુત્રી શરમીલા લઘુશંકા કરવા બહાર નિકળીએ વખતે દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો. અને તેને બાજુનાં સવજીભાઇનાં ખેતરમાં ઉપાડી ગયો હતો. અને ત્યાં બાળકીને ફાડી ખાધી હતી. પરિવારને બનાવની જાણ થતા વન વિભાગને જાણ કરી હતી. બનાવને પગલે વન વિભાગની ટીમ દોડી ગઇ હતી. અને દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી છે. અત્રે નોંધનીય બની રહેશે કે, સોરઠમાં દીપડા દ્વારા બાળકોને ફાડી ખાવાનાં બનાવો વધી રહ્યાં છે. ત્યારે વનવિભાગ અને વહિવટી તંત્ર દ્વારા સુરક્ષા માટે યોગ્ય પગલા ભરવા જરૂરી બન્યાં છે.

સાવરકુંડલા: વડાળ નજીક ભીષણ દવ, અચાનક આગ લાગતા વનતંત્ર દોડ્યું

Bhaskar News, Savarkundala | Mar 29, 2017, 23:30 PM IST

  • સાવરકુંડલા: વડાળ નજીક ભીષણ દવ, અચાનક આગ લાગતા વનતંત્ર દોડ્યું,  amreli news in gujarati
(સાવરકુંડલાના વડાળ નજીક ભીષણ દવ)
 
સાવરકુંડલા: ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઇ ગઇ છે ત્યારે લીલીયા-સાવરકુંડલા પંથકની બાવળની કાંટ, વીડીઓ અને જંગલ વિસ્તારમાં દવનો ખતરો ઉભો થયો છે. આજે સાવરકુંડલાના વડાળ ગામની સીમમાં એક ખાનગી જમીન અને વીડી વિસ્તારમાં દવ ભભુકી ઉઠ્યો હતો. મોડી સાંજે પણ આ દવ ધીમો ધીમો ચાલુ હતો. 
 
વડાળ વિડી વિસ્તારમાં સાવજોનો કાયમી વસવાટ છે 
 
ઘટનાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. ખાનગી માલીકીની પડતર જમીનમાં 40 હજાર જેટલા રોપા વવાયા હોય તેમાં નુકશાન થયાનું જાણવા મળેલ છે.વડાળ વિડી વિસ્તારમાં સાવજોનો કાયમી વસવાટ છે અને વન વિભાગ દ્વારા તેને આરક્ષીત વિસ્તાર પણ જાહેર કરાયેલો છે. ત્યારે આજે આ આરક્ષીત વિસ્તારને અડીને આવેલી પડતર વિડી અને ખાનગી જમીનમાં અચાનક દવ લાગ્યો હતો. 
 
દવના કારણે આ રોપાઓને પણ મોટા પ્રમાણમાં નુકશાન
 
અહિં ચાર-પાંચ ફુટ ઉંચુ ઘાસ અને ઝાડ તથા વન્ય સૃષ્ટિ પાંગરેલી છે. આ ઉપરાંત રાજકોટના એક ખાનગી ફાર્મના માલીક દ્વારા અહિં 40 હજાર જેટલા દાડમ, ચીકુ, આંબા સહિતના અન્ય ઝાડના રોપાઓ પણ વાવવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. દવના કારણે આ રોપાઓને પણ મોટા પ્રમાણમાં નુકશાન થયાનું પણ જાણવા મળેલ છે. 
 
પાલિકાનું ફાયર ફાઇટર દોડાવાયું

બનાવની તંત્રને જાણ થતા સાવરકુંડલા નગરપાલીકાના ફાયર ફાઇટરને પણ તાબડતોબ દોડાવાયુ હતું. જો કે આ પ્રયાસ નિરર્થક રહ્યો  હતો. કારણ કે આગ ઘણી મોટી હતી અને ફાયર ફાઇટરને આ સ્થળે પહોંચવુ પણ ઘણુ મુશ્કેલ બન્યુ હતું.

ખારાની સીમમાંથી 3 તેતર સાથે બે શખ્સો ઝડપાયા

DivyaBhaskar News Network | Mar 29, 2017, 02:40 AM IST
વન વિભાગે 15 હજારનો દંડ વસુલ કર્યો

અમરેલીપંથકમાં પક્ષીઓના શિકાર અને તેને કેદ કરવાની પ્રવૃતિ અવાર નવાર સામે આવે છે ત્યારે આજે લીલીયાના ક્રાંકચ રાઉન્ડના ખારા ગામની સીમમાં બે શખ્સો કેદ કરેલા ત્રણ તેતર સાથે ઝડપાતા વન વિભાગે તેને ઝડપી લઇ રૂા. 15 હજારનો દંડ ફટકાર્યો હતો અને તેતરને મુક્ત કરી દીધા હતાં. લીલીયાના ક્રાંકચ પંથકમાં સાવજોનો વસવાટ હોય વન વિભાગની પણ વિસ્તારમાં ચાંપતી નઝર રહે છે. ત્યારે આજે ક્રાંકચ રાઉન્ડના ખારા ગામની સીમમાં વન કર્મચારીઓની ટુકડીએ બે શખ્સોને ત્રણ તેતર સાથે ઝડપી લીધા હતાં. અહિંના ભુપત તખુ તથા ભુરા તખુ નામના બે ભાઇઓએ પીંજરામાં ત્રણ તેતર કેદ કરી રાખ્યા હતાં. વન કર્મીઓએ બન્ને શખ્સોને ઝડપી લઇ પીંજરા સાથે તેતર કબજે લીધા હતાં અને બન્ને શખ્સો પાસેથી રૂા. 15 હજારનો દંડ વસુલ કર્યો હતો. વન વિભાગ દ્વારા તેતરને પુન: મુક્ત પણ કરી દેવાયા હતાં. બન્ને શખ્સો દ્વારા તેતરને શિકાર કરવાના ઉદેશથી પકડ્યા હતાં કે વેચવાના ઉદેશથી તે જાણવા તપાસ શરૂ કરાઇ છે.

વન્યપ્રાણીઓની જાળવણી માટે ઇમરજન્સી સેવા નંબર શરૂ કરો

DivyaBhaskar News Network | Mar 29, 2017, 02:40 AM IST

લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઇ

ગીરનુજંગલ જાણે હવે વન્યપ્રાણીઓને ટુંકુ પડી રહ્યું હોય રેવન્યુ અને બૃહદગીર વિસ્તારમા સિંહ, દિપડા સહિતના વન્યપ્રાણીઓ વસવાટ કરવા લાગ્યા છે. અવારનવાર માર્ગ અકસ્માત કે રેલ અકસ્માત અને ખુલ્લા કુવાઓમા પડી જવાથી કે વિજ કરંટથી કે શિકાર થવાથી આવા પ્રાણીઓ મોતને ભેટી રહ્યાં છે ત્યારે વન અને વન્યપ્રાણીઓની જાળવણી માટે ઇમરજન્સી સેવા નંબર જાહેર કરવા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામા આવી છે. લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળા દ્વારા મુખ્યમંત્રીને કરવામા આવેલી રજુઆતમા જણાવાયું હતુ કે ગીર જંગલ આસપાસ વિકાસની આડમા ધમધમતા કાયદેસર અને ગેરકાયદેસર ઉદ્યોગોના કારણે વન્યપ્રાણીઓ ગીર છોડી બૃહદગીર અને રેવન્યુ વિસ્તારોમા વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. સિંહ, દિપડા સહિતના પ્રાણીઓ અવારનવાર માર્ગ કે રેલ અકસ્માતમા તેમજ વાયર ફેન્સીંગમા વિજ કરંટ લાગતા કે ખુલ્લા કુવામા પડી જતા મોતને ભેટે છે. અનેક વખત વનવિભાગને માહિતી મોડી મળવાથી આવા પ્રાણીઓને સમયસર સારવાર મળી શકતી નથી. ત્યારે 108 ઇમરજન્સી સેવાની જેમ વન્યપ્રાણીઓ માટે પણ ઇમરજન્સી સેવા નંબર જાહેર કરી વન્યપ્રાણીઓ અને પશુ પક્ષીઓને સુરક્ષા મળી રહે તેવુ આયોજન કરવામા આવે તેવી માંગ કરાય છે.

અમરેલીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

DivyaBhaskar News Network | Mar 25, 2017, 02:40 AM IST
અમરેલીમાંઇન્ડસ ટાવર સાલ ઇન્ફાકોન પ્રાઇવેટ લીમીટેડના બેનર તળે મોબાઇલ ટાવર વિસ્તારના જેવા કે રોકડીયાપરા વિગેરે સ્થળે કંપનીમાં ફરજ બજાવતા દિપક બાબુભાઇ અમરેલીયાએ 60 થી 70 જુદા જુદા વૃક્ષોનું રોપણ કર્યાની સાથે ઉછેર કર્યો છે.

પર્યાવરણમાં શુધ્ધીકરણ કર્યું છે અને પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવતું અટકાવવા પ્રયાસ કર્યો છે.

બાબાપુરની સીમમા સાવજોએ કર્યુ ગાયનુ મારણ

DivyaBhaskar News Network | Mar 24, 2017, 02:35 AM IST
અમરેલીતાલુકાના ચાંદગઢ, બાબાપુર પંથકમા સાવજો કાયમી ધામા નાખીને પડયા રહે છે. કયારેક અહીથી થોડા દિવસો માટે લટાર મારવા અન્ય પ્રદેશોમા જતા રહે છે પરંતુ ફરી પોતાના મુળ સ્થાને અચુક આવી જાય છે. બાબાપુર પંથકમા છેલ્લા કેટલાક દિવસોથી સાવજો દેખાતા હતા. પરંતુ ગઇરાતથી ફરી અહી સાવજો આવી ગયા હતા. બાબાપુરની સીમમા રમેશભાઇ પ્રેમજીભાઇ ગોંડલીયા નામના ખેડૂતની વાડીના ફરજામા ગઇ મધરાતે સાવજો ત્રાટકયા હતા અને અહી તેમણે ફરજામા બાંધેલી એક ગાયનુ મારણ કર્યુ હતુ. ગાયના ભાંભરડા આસપાસના વિસ્તારમા પણ સંભળાયા હતા. જો કે સાવજોના ડરથી કોઇ ત્યાં ગયુ હતુ. આજે વનકર્મચારીઓએ પણ તપાસ કરી હતી

ગળકોટડી ગામે વનદિવસ ઉજવણી

DivyaBhaskar News Network | Mar 22, 2017, 02:40 AM IST

  • ગળકોટડી ગામે વનદિવસ ઉજવણી,  amreli news in gujarati
છાત્રોએ 300 ચકલીનાં માળાનું વિતરણ કર્યું, ડોક્યુમેન્ટરી રજુ કરાઇ

ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર તથા ગળકોટડી પ્રાથમિક શાળા સંચાલિત નિસર્ગ ઇકો ક્લબ દ્વારા 21 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય વન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. પ્રસંગે વન વિભાગના અધીકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બાયસેગના માધ્યમથી માન.મુખ્યમંત્રી રૂપાણીના પ્રવચન તથા અન્ય દિન વિષેશ કાર્યક્રમો શાળાના તમામ બાળકોએ નિહાળ્યા હતા. કાર્યક્રમથી બાળકોમાં વૃક્ષ અને જંગલો પ્રત્યની અનુકંપા વધે તેવા પ્રયત્નો હાથધરાયા હતા. જે કાર્યક્રમમાં વન છે તો જીવન છે ડોક્યુમેન્ટરી ફિલ્મ સૌએ નિહાળી હતી. જે ફીલ્મથી બાળકોને વન અને વૃક્ષોનું મહત્વ સમજાયુ હતુ.

કાર્યક્રમમાં વિશ્વ ચકલી દિન નિમિતે ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. નાથાભાઇ મગતરપરા તથા રાજુભાઇ વિરલપરાના મુખ્ય આર્થિક સહયોગથી માળા વિતરણ કર્યક્રમ યોજવામાં આવ્યો. છેલ્લા બે વર્ષથી ચકલીના માળા વિતરણ કાર્યક્રમમાં બન્ને દાતાઓનો મુખ્ય આર્થિક સહયોગ નિસર્ગ ઇકો ક્લબને પ્રાપ્ત થયેલ છે. કાર્યક્રમની વિશેષતાએ છે કે માળા વિતરણ બાદ તેનો તમામ ડેટા શાળાના વિદ્યાર્થીઓ નિભાવે છે. વર્ષે કુલ 300 જેટલા માળાનું વિતરણ નિસર્ગ ઇકો ક્લબ દ્વારા કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે આર.એફ.ઓ ચાવડા (વન વિભાગ નોર્મલ) ગંભીરસિંહ ચુડાસમાં,ફોરેસ્ટર લાઠીયા(સામાજીક વનીકરણ વિભાગ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નરસીંગ ઇકો કબલ દ્વારા આયોજન કરાયું તસ્વીર-રાજુ બસીયા