Thursday, December 26, 2019

4 સિંહો ગીરકાંઠાના ગામમાં ઘૂસી મકાનની છત પર ચડ્યા, વીડિયો વાઇરલ

  • ગ્રામજનોએ મોબાઇલમાં દ્રશ્યો કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો

Divyabhaskar.com

Dec 19, 2019, 03:39 PM IST
અમરેલી: ગીરકાંઠાના વિસ્તારોમાં સિંહો અવારનવાર આવી જતા હોય છે. ત્યારે ગીરકાંઠાના એક ગામડામાં ચાર સિંહો ઘૂસ્યા હતા અને રહેણાંક મકાનની છત પર ચડી ગયા હતા. આ દ્રશ્યો ગ્રામજનો દ્વારા પોતાના મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/four-lion-came-in-village-of-gir-forest-border-and-video-viral-126330242.html

શિકારની શોધમાં ગામમાં આવી ચડેલી સિંહણ ધાબા પર ચડી ગઇ

DivyaBhaskar News Network

Dec 20, 2019, 05:55 AM IST
અમરેલી પંથકમાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો અવાર નવાર શિકારની શોધમાં કોઇ ગામમાં આવી ચડે છે. ગ્રામિણ માર્ગથી લઇ નેશનલ હાઇવે પર અડ્ડો જમાવે છે. ક્યારેય વંડી ટપી કોઇના ડેલામાં ખાબકે છે પરંતુ હવે સાવજો કોઇ મકાનના ધાબા પર ચડી જઇ અડ્ડો જમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ગીર કાંઠાના વિસ્તારમાં એક સિંહણે એક મકાનના ધાબા પર ચડી જઇ અડ્ડો જમાવતા ગામલોકો એકઠા થઇ ગયા હતાં. આ ઘટના ગીરકાંઠાની હોવાનું કહેવાય છે. રાત્રીના સમયે શિકારની શોધમાં સિંહણ ગામમાં આવી ચડી હતી અને એક મકાનના ધાબા પર ચડી ગઇ હતી. ગામલોકોને જાણ થતા મકાન આસપાસ લોકોનુ ટોળુ એકઠુ થઇ ગયુ હતું. લોકોએ તેના પર બેટરીનો પ્રકાશ ફેકતા આ સિંહણ વિહવળ બની ગઇ હતી. સિંહણ ધાબા પર ચડી જતા ગામના લોકો પણ બેબાકળા બની ગયા હતાં. જો કે બાદમાં સિંહણ અહિંથી નિકળી ગઇ હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-lion-climbed-into-the-village-in-search-of-prey-055516-6213773-NOR.html

સાવરકુંડલા તાલુકાના લુવારા ગામમાં વાછરડીનો શિકાર કરતો સિંહ CCTVમાં કેદ

ivyabhaskar.com

Dec 19, 2019, 11:00 PM ISTઅમરેલી: જંગલ વિસ્તારમાંથી સિંહ બહાર આવી મારણ કરતા હોવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સાવરકુંડલા તાલુકાના લુવારા ગામમાં વાછરડીનો શિકાર કરતો સિંહ CCTVમાં કેદ થયો હતો. CCTVમાં સ્પષ્ટ દેખાય છે કે સિંહથી બચવા વાછરડી દોડી રહી છે અને સિંહ તેનો શિકાર કરવા પાછળ દોડી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર લુવારા ગામમાં છેલ્લા ત્રણ દિવસથી રાત્રીના સમયે સિંહ શિકાર કરવા માટે આવે છે. વાછરડીના શિકાર બાદ વનવિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મારણને હટાવી લીધું હતું. સિંહ દ્વારા કરવામાં આવેલા શિકારને કારણે લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-hunting-calf-in-luwara-village-of-savarkundla-taluka-caught-in-cctv-126330535.html

તુલસીશ્યામ રેન્જમાં માતાથી વિખૂટા પડેલા એક માસના સિંહબાળનું 5 દિવસની સારવાર બાદ મોત

  • જસાધાર એનિમલ કેર ખાતે સારવાર ચાલી રહી હતી, માતાના વિરહમાં સિંહબાળનું નબળાઇના કારણે મોત

Divyabhaskar.com

Dec 23, 2019, 04:01 PM IST
ખાંભા: તુલસીશ્યામ રેન્જમાં પીપળવા રાઉન્ડના ખડાધાર રેવન્યુ વિસ્તારમાંથી 1 માસનું સિંહબાળ માતાથી વિખૂટું પડી ગયું હતું. તેને જસાધાર એનિમલ કેર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. બાદમાં આજે 5 દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વન વિભાગ સિંહણને શોધવામાં નિષ્ફળ ગયું છે.
વન વિભાગ સિંહણને શોધવામાં નિષ્ફળ
ખડાધાર રેવન્યુ વિસ્તારમાં 5 દિવસ પહેલા સિંહબાળ માતાથી વિખૂટું પડી ગયું હતું. બાદમાં સ્થાનિક વનવિભાગ દ્વારા સિંહબાળને જસાધાર એનિમલ કેર ખાતે સારવાર અર્થે મોકલી આપ્યું હતું. સિંહબાળ જ્યારથી માતાથી વિખૂટું પડતા માતા સિંહણના વિરહમાં નબળું પડતું જતું હતું અને તેના કારણે જ મોતને ભેટ્યું હતું. બીજી તરફ સિંહબાળ માતાથી વિખૂટું પડ્યા બાદ આજ દિન સુધી સિંહબાળની માતા સાથે મિલન કરાવવામાં સ્થાનિક વનતંત્ર નિષ્ફળ ગયું છે. આ ઘટના અંગે એસીએફ નિકુંજ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત થતા સિંહબાળનું મોત થયાનું સ્વીકાર્યું હતું અને જણાવ્યું હતું કે સિંહબાળનું જસાધાર ખાતે વેટરનરી ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હતી. પરંતુ તેનામાં વધારે પડતી નબળાઈ આવી જવાથી આજે તે મોતને ભેટ્યું હતું.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/1-month-lion-cub-death-in-jasadhar-animal-care-center-126361687.html

જીરાની સીમમાં કુદરતી હાજતે ગયેલા ખેડૂતને સિંહે મારી નાખી એક કિ.મી. સુધી ઢસડી ગયો

  • ઘટનાસ્થળે લોહીના ખાબોચીયા જોવા મળ્યા, મજૂરનું પેન્ટ પણ મળી આવ્યું
  • વન વિભાગે ખેતમજૂરનો મૃતદેહ પીએમ માટે ધારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો
  • લોકો દેકારો કરી પાછળ દોડતા રહ્યા અને સાવજ યુવકને મોઢામાં પકડી આગળ દોડતો રહ્યો

Divyabhaskar.com

Dec 24, 2019, 01:53 AM IST
અમરેલીઃ બગસરા પંથકમાં માનવભક્ષી દિપડાએ હાહાકાર મચાવ્યાનો હતો ત્યાં હવે ધારી પંથકમાં માનવભક્ષી બનેલા સાવજે જીરા ગામની સીમમાં કુદરતી હાજતે ગયેલા આધેડ ખેત મજુરને મારી નાખતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. સોમવારે વહેલી સવારે સાવજ આધેડને ગળામાંથી પકડી એક કિમી દુર સુધી ઢસડી ગયો હતો. લોકોએ હાંકલા પડકારા કર્યા પરંતુ આધેડને બચાવી શક્યા ન હતા.
કદુભાઈને એક કીમી સુધી ઢસડી ગયો
ગીર પૂર્વની દલખાણીયા રેન્જના કરમદડી રાઉન્ડના હિરાવા બીટ નીચે આવતા જીરા ગામની સીમમાં કદુભાઇ મોતીભાઇ ભીલાડ (ઉ.વ.55) નામના ખેત મજુરને એક સાવજે મારી નાખ્યા હતાં. કદુભાઇ અહિંના ખેડૂત ચીમનભાઇ પોપટભાઇ બાંભરોલીયાની વાડીમાં ખેત મજુરીનું કામ કરતા હતાં અને વાડીમાં જ રહેતા હતાં. સવારે છએક વાગ્યાના સુમારે તેઓ રાખોડી કલરની શાલ ઓઢી બાજુમાં જ વાડ પર કુદરતી હાજતે ગયા હતાં. આ સમયે જ શિકારની શોધમાં નિકળેલો સાવજ ચડી આવ્યો હતો અને કદુભાઇ પર હુમલો કરી દીધો હતો. સિંહ તેમને ગળામાંથી પકડી ઢસડવા લાગ્યો હતો. દેકારો બોલતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતાં અને હાંકલા પડકારા કરી કદુભાઇને છોડાવવા પ્રયાસ કર્યો હતો. જો કે સાવજ તેમને ગળામાંથી પકડી ભાગ્યો હતો. પાછળ લોકો હાંકલા પડકારા કરી દોડ્યા હતાં. એકાદ કીમી દુર સુધી સાવજ તેમને ઢસડી ગયો હતો. જો કે બાદમાં લોકોના હાંકલા પડકારાથી તેમને છોડી દીધા હતાં. જાણ થતા તંત્ર વાહકો અહિં દોડી આવ્યા હતાં. કદુભાઇનું ઘટનાસ્થળે જ મોત થઇ ચુક્યુ હતું.
રાખોડી કે કાળા કપડાં બની શકે છે મોતનું કારણ
સામાન્ય રીતે સિંહ-દીપડાના પરિભ્રમણના વિસ્તારમાં કોઇ વ્યક્તિ કાળા કે રાખોડી કલરના વસ્ત્રો ધારણ કરે તો તેના હુમલાનો ભોગ બનવાની શક્યતા વધુ રહે છે. આવા વસ્ત્રોના કારણે સાવજે તેને નિલગાય કે અન્ય પશુ સમજી હુમલો કરી કર્યાની સંભાવના છે. તંત્ર દ્વારા પણ ખેડૂતોને રાત્રીના સમયે કાળા વસ્ત્રો ન પહેરવા સમજ અપાઈ રહી છે.
ખેતમજૂરી કરી કદુભાઇ પરિવારનું ગુજરાન ચલાવતા હતા
મૃતક કદુભાઇ ગામના જ ખેડૂત ચીમનભાઇ પોપટભાઇ બાંભરોલીયાની વાડીમાં રહી ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે વહેલી સવારે 6 વાગ્યે કુદરતી હાજતે જવા નીકળ્યા હતા અને અચાનક જ સિંહે તેના પર હુમલો કરી ઢસડી જઇ ફાડી ખાધા હતા. કદુભાઇનો મૃતદેહ વાડીથી થોડે દૂરથી મળી આવ્યો હતો. વન વિભાગે તેના મૃતદેહને પીએમ માટે ધારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. હુમલો કરનાર સિંહની ઉંમર 3થી 5 વર્ષની હોવાનું વન વિભાગે જણાવ્યું હતું.
ગળાના ભાગેથી સિંહે મજૂરને દબોચ્યો હતો
વાડી માલિક ચીમનભાઇએ જણાવ્યું હતું કે, વાડીમાં મજૂર રહે છે. આજે કદુભાઇ વહેલી સવારે કુદરતી હાજતે જતા હતા ત્યારે સિંહે અચાનક તેને ગળાના ભાગેથી પકડી 500 મીટર સુધી દૂર ઢસડી ગયો હતો. બાદમાં છાતીના ભાગમાં હુમલો કર્યો હતો. દીપડા અને સાવજોનો અવારનવાર ત્રાસ રહે છે. ગામ સુધી સાવજો આવી જાય છે. વન વિભાગ તેને પકડીને જંગલ વિસ્તારમાં લઇ જાય અથવા વાડીમાં મેડા બનાવી આપે તો ખેડૂતો સુરક્ષિત રહી શકે.
માનવભક્ષી સિંહ પાંજરામાં પુરાયો, આજીવન કારાવાસની સંભાવના
ખેતમજૂરને જે સિંહે ફાડી ખાધો હતો તે સિંહને વન વિભાગે પાંજરે પૂરી દીધો છે. વન વિભાગે સિંહને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશ હાથ ધર્યું હતું. પકડાયેલા માનવભક્ષી સિંહને આજીવન કારાવાસ થાય તેવી શક્યતા છે. સિંહ પકડાતા જ ગ્રામજનો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. આ સિંહની ઉંમર 5થી 7 વર્ષની હોવાનું અનુમાન છે અને હવે આ સિંહને છોડવામાં નહીં આવે તેવું આરએફઓ જાડેજાએ જણાવ્યું હતું.
(જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-attack-on-farmer-louber-so-his-death-near-dalakhaniya-range-of-amreli-126360854.html

રાજુલાના કાતર ગામે 2 સિંહો ઘૂસ્યા, દ્રશ્યો CCTVમાં કેદ, લોકોમાં ભયનો માહોલ

  • ડી રેવન્યુ વિસ્તારમાં સિંહોના આંટાફેરા વધ્યા 

Divyabhaskar.com

Dec 25, 2019, 12:37 PM IST
અમરેલી: રાજુલાના કાતર ગામમાં ગત રાત્રે બે સિંહો ઘૂસી આવ્યા હતા. બંને સિંહોએ રાત્રે ગામમાં આંટાફેરા કર્યા હતા. પરંતુ મારણ કર્યાના ક્યાંય નિશાન જોવા મળ્યા નથી. સિંહોના આંટાફેરાથી ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. બંને સિંહો સીસીટીવીમાં કેદ થયા હતા. આ સિંહો ફરી આવે તેવી ગ્રામજનોમાં ચર્ચા થઇ રહી છે. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/two-lion-enter-katar-village-of-rajula-and-both-catch-in-cctv-126377618.html

Saturday, November 30, 2019

150 વર્ષ પછી સિંહના ચોટીલે ડાકલાં વાગ્યાં

DivyaBhaskar News Network

Nov 20, 2019, 07:17 AM IST

અત્યાર સુધી જૂનાગઢ, અમરેલી, ભાનવગર, ગીર-સોમનાથમાં જોવા મળતા એશિયાટિક સિંહે વર્ષો પછી પહેલાવાર ચોટીલા નજીક દેખા દીધી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચોબારી, રામપરા અને ઢેઢુકી ગામની સીમમાં સિંહો જોવા મળતા સમગ્ર પંથકમાં ખુશીની સાથે ફફડાટની લાગણી ફેલાઈ છે. સોમવારે મોડી રાત્રે રામપરા અને ચોબારીના ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતાં સુરેન્દ્રનગર જિલ્લા વન વિભાગની ટીમોએ સમગ્ર પાંચાળ પંથકમાં ધામા નાખ્યા છે અને સાવજનું લોકેશન જાણવાની કામગીરી શરૂ કરી છે. હાલ બે સાવજમાં એક માદા સિંહણ અને એક નર બચ્ચું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

ચોટીલા અને થાન પંથકમાં આવેલા માંડવવન સહિતના વિસ્તારોમાં રાની પશુઓ વસવાટ કરતા હોવાની વાત જાણીતી છે. 150 વર્ષમાં પહેલીવાર સિંહ વિસ્તારમાં જોવા મળ્યો છે. આસપાસના વિસ્તારમાં સિંહની હાજરી હોવાનાં નિશાન તેમજ મારણ કરેલાં પશુઓ મળી આવ્યાં હતાં. આ વિસ્તારમાં સિંહોએ 2 વાછરડી અને 1 પાડા સહિત 3 પશુનું મારણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં 2 સિંહ પૈકી એક માદા સિંહણ અંદાજે 8 વર્ષની ઉંમરની તેમજ નર બાળ સિંહ અંદાજે 2 વર્ષની ઉંમરનું હોવાનું જાણવા મળી રહ્યું છે. ફોરેસ્ટ વિભાગે બન્ને સિંહોનું લોકેશન જાણવા સુરેન્દ્રનગર, જસદણ, વિંછીયા અને હિંગોળગઢ ફોરેસ્ટ વિભાગના 60 કર્મચારીની અલગ અલગ ટીમ બનાવી આસપાસનાં તમામ ગામની સીમો ખૂંદી રહી છે. સિંહના ડરને લીધે લોકો સીમમાં ખેતરોમાં કામ અર્થે જવાથી ડરી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગે સિંહની હાજરીને લઈને લોકોને તકેદરી રાખવા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જેમાં સિંહને ખલેલ ન પહોંચાડવા તેમજ સિંહ દેખાય કે મારણ કરેલું દેખાય તો તુરંત ફોરેસ્ટ વિભાગને જાણ કરવા અપીલ કરાઇ છે.

સાવજના ભયે ખેતરો સૂમસામ 60ની ટીમ દ્વારા મોનિટરિંગ

ચોટીલા નજીક ઢેઢૂકી, ચોબારી ગામમાં જોવા મળેલી સિંહણ.

ચોટીલા કેમ આવ્યો? ‘સિંહ માટે 120 કિમી સામાન્ય ’

કેટલાક સમયથી ચોટીલા પંથકમાં સિંહની મુવમેન્ટ જોવા મળતી હતી જેને લઇને કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં બે સિંહોનો વસવાટ હોવાનું જાણવા મળ્યું છે. અમરેલીથી અંદાજે 120 કિમી અંતર કાપી સિંહણ-નર બચ્ચુ આવ્યા છે. અત્યારે 8 ટીમના અંદાજે 60 વધુ માણસો દ્વારા સતત મોનિટરિંંગ થઈ રહ્યું છે. સામાન્ય રીતે સિંહની 200 કિલોમિટરથી વધુની રેન્જમાં મુવમેન્ટ હોય છે. એટલે 120 કિમી અંતર સામાન્ય છે.

પુખ્ત નર નથી એટલે સ્થળાંતર નહીં: CCF

જૂનાગઢના ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ સંજય શ્રીવાસ્તવના જણાવ્યા માતા-પુત્ર સિંહ છે. સિંહણ સાથે મેટીંગ માટે નર નથી એટલે તે પરત ફરશે.

એચ.વી.મકવાણા, ડીસીએફ, સુરેન્દ્રનગર

સિંહ એક રાતમાં 25, 30 કિમી ચાલી શકે છે

સિંહ દિવસે આરામ કરે છે અને એક રાતમાં 25થી 30 કિલોમીટર ચાલે છે. સિંહ એકવાર શિકાર આરોગ્યા બાદ 6 દિવસ ભોજન વિના રહી શકે છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સિંહણ અને નર બચ્ચાની જોડી બાબરા, હિંગોળગઢથી 120 કિમી અંતર કાપી ચોટીલા નજીક ઢેઢુકી ગામ પાસે જોવા મળી હતી.

ચોટીલા

વીંછિયા

હિંગોળગઢ

ખંભાળા

બાબરા
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-after-150-years-the-lion39s-chute-sounded-loud-071711-5977995-NOR.html