- ઘટનાસ્થળે લોહીના ખાબોચીયા જોવા મળ્યા, મજૂરનું પેન્ટ પણ મળી આવ્યું
- વન વિભાગે ખેતમજૂરનો મૃતદેહ પીએમ માટે ધારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો
- લોકો દેકારો કરી પાછળ દોડતા રહ્યા અને સાવજ યુવકને મોઢામાં પકડી આગળ દોડતો રહ્યો
Divyabhaskar.com
Dec 24, 2019, 01:53 AM ISTકદુભાઈને એક કીમી સુધી ઢસડી ગયો
ગીર પૂર્વની દલખાણીયા રેન્જના કરમદડી રાઉન્ડના હિરાવા બીટ નીચે આવતા જીરા ગામની સીમમાં કદુભાઇ મોતીભાઇ ભીલાડ (ઉ.વ.55) નામના ખેત મજુરને એક સાવજે મારી નાખ્યા હતાં. કદુભાઇ અહિંના ખેડૂત ચીમનભાઇ પોપટભાઇ બાંભરોલીયાની વાડીમાં ખેત મજુરીનું કામ કરતા હતાં અને વાડીમાં જ રહેતા હતાં. સવારે છએક વાગ્યાના સુમારે તેઓ રાખોડી કલરની શાલ ઓઢી બાજુમાં જ વાડ પર કુદરતી હાજતે ગયા હતાં. આ સમયે જ શિકારની શોધમાં નિકળેલો સાવજ ચડી આવ્યો હતો અને કદુભાઇ પર હુમલો કરી દીધો હતો. સિંહ તેમને ગળામાંથી પકડી ઢસડવા લાગ્યો હતો. દેકારો બોલતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતાં અને હાંકલા પડકારા કરી કદુભાઇને છોડાવવા પ્રયાસ કર્યો હતો. જો કે સાવજ તેમને ગળામાંથી પકડી ભાગ્યો હતો. પાછળ લોકો હાંકલા પડકારા કરી દોડ્યા હતાં. એકાદ કીમી દુર સુધી સાવજ તેમને ઢસડી ગયો હતો. જો કે બાદમાં લોકોના હાંકલા પડકારાથી તેમને છોડી દીધા હતાં. જાણ થતા તંત્ર વાહકો અહિં દોડી આવ્યા હતાં. કદુભાઇનું ઘટનાસ્થળે જ મોત થઇ ચુક્યુ હતું.
રાખોડી કે કાળા કપડાં બની શકે છે મોતનું કારણ
સામાન્ય રીતે સિંહ-દીપડાના પરિભ્રમણના વિસ્તારમાં કોઇ વ્યક્તિ કાળા કે રાખોડી કલરના વસ્ત્રો ધારણ કરે તો તેના હુમલાનો ભોગ બનવાની શક્યતા વધુ રહે છે. આવા વસ્ત્રોના કારણે સાવજે તેને નિલગાય કે અન્ય પશુ સમજી હુમલો કરી કર્યાની સંભાવના છે. તંત્ર દ્વારા પણ ખેડૂતોને રાત્રીના સમયે કાળા વસ્ત્રો ન પહેરવા સમજ અપાઈ રહી છે.
ખેતમજૂરી કરી કદુભાઇ પરિવારનું ગુજરાન ચલાવતા હતા
મૃતક કદુભાઇ ગામના જ ખેડૂત ચીમનભાઇ પોપટભાઇ બાંભરોલીયાની વાડીમાં રહી ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે વહેલી સવારે 6 વાગ્યે કુદરતી હાજતે જવા નીકળ્યા હતા અને અચાનક જ સિંહે તેના પર હુમલો કરી ઢસડી જઇ ફાડી ખાધા હતા. કદુભાઇનો મૃતદેહ વાડીથી થોડે દૂરથી મળી આવ્યો હતો. વન વિભાગે તેના મૃતદેહને પીએમ માટે ધારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. હુમલો કરનાર સિંહની ઉંમર 3થી 5 વર્ષની હોવાનું વન વિભાગે જણાવ્યું હતું.
ગળાના ભાગેથી સિંહે મજૂરને દબોચ્યો હતો
વાડી માલિક ચીમનભાઇએ જણાવ્યું હતું કે, વાડીમાં મજૂર રહે છે. આજે કદુભાઇ વહેલી સવારે કુદરતી હાજતે જતા હતા ત્યારે સિંહે અચાનક તેને ગળાના ભાગેથી પકડી 500 મીટર સુધી દૂર ઢસડી ગયો હતો. બાદમાં છાતીના ભાગમાં હુમલો કર્યો હતો. દીપડા અને સાવજોનો અવારનવાર ત્રાસ રહે છે. ગામ સુધી સાવજો આવી જાય છે. વન વિભાગ તેને પકડીને જંગલ વિસ્તારમાં લઇ જાય અથવા વાડીમાં મેડા બનાવી આપે તો ખેડૂતો સુરક્ષિત રહી શકે.
માનવભક્ષી સિંહ પાંજરામાં પુરાયો, આજીવન કારાવાસની સંભાવના
ખેતમજૂરને જે સિંહે ફાડી ખાધો હતો તે સિંહને વન વિભાગે પાંજરે પૂરી દીધો છે. વન વિભાગે સિંહને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશ હાથ ધર્યું હતું. પકડાયેલા માનવભક્ષી સિંહને આજીવન કારાવાસ થાય તેવી શક્યતા છે. સિંહ પકડાતા જ ગ્રામજનો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. આ સિંહની ઉંમર 5થી 7 વર્ષની હોવાનું અનુમાન છે અને હવે આ સિંહને છોડવામાં નહીં આવે તેવું આરએફઓ જાડેજાએ જણાવ્યું હતું.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-attack-on-farmer-louber-so-his-death-near-dalakhaniya-range-of-amreli-126360854.html
No comments:
Post a Comment