Wednesday, March 31, 2010

પ્રાણીઓને ગરમીથી રક્ષણ આપવા દૈનિક રપ૦ કિલો બરફનો ઉપયોગ.

જૂનાગઢ, તા.૩૦:

ઉનાળાની શરૃઆતમાં જ કાળઝાળ ગરમીએ લોકોને અકળાવી મૂક્યા છે ત્યારે જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં પાણીના છંટકાવ દ્વારા પ્રાણીઓને અપાતી ઠંડકમાં નવતર પ્રયોગના ભાગરૃપે પાણીને વધુ ઠંડુ બનાવવા માટે દરરોજ રપ૦ કિલો બરફનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમજ આ પાણી વાઘ અને રીંછના પાંજરામાં છાંટવામાં આવી રહ્યું છે.

દેશના અગ્રણી પ્રાણીસંગ્રહાલયોમાં સ્થાન ધરાવતા સક્કરબાગ ઝૂમાં દરવર્ષે ઉનાળા દરમિયાન પ્રાણીઓ સહિતના વન્યજીવો માટે ઠંડકની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. પરંતુ આ વખતે ઝૂ સત્તાવાળાઓ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ઉનાળામાં બપોરના સમયે પાણી પણ ગરમ થઈ જતું હોવાથી છંટકાવ કરવા છતા ઓછુ અસરકારક રહેતું હતું. માટે પાણીની ટાંકીમાં દરરોજ રપ૦ કિલો જેટલો બરફ નાખીને વધારે ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વાઘ અને કાળા રીંછના પાંજરામાં આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે હાલમાં ગરમી ઓછી થઈ હોવાથી બરફ એકકાંતરા ઉમેરવામાં આવે છે.

ઝૂ ડાયરેક્ટર વી.જે.રાણાના કહેવા પ્રમાણે વન્યજીવોને ગરમીથી બચાવવા માટે સિંહના પાંજરામાં ખાસ ફૂવારા અને પક્ષીઓનાં પાંજરામાં કંતાનો લપેટીને વ્યવસ્થા ઉભી કરાઈ છે. કંતાનો પર દર બે કાલકે પાણીનો છંટકાવ કરાઈ રહ્યો છે. તેમજ વન્યજીવોને ઠંકડ આપવા માટે પાંચ કર્મચારીઓને માત્ર આ કામગીરી જ સોંપવામાં આવી છે. સક્કરબાગ ઝૂના દરેક પ્રાણી, જળચર, પક્ષી અને સરીસૃપો માટે અલગ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

બ્લડ લાઈન ચેન્જ માટે માદા હિપો, સારસ અને વરૃ લવાયા
જૂનાગઢ તા.ર૯ : સકકરબાગછ ઝુ મા ચાલી રહેલા વન્ય પ્રાણીઓના બ્રિડીંગ સેન્ટર માટે ૧૪ વર્ષની માદા હિપોપોટેમસ તેમજ એક જોડી સારસ પક્ષી અને એક જોડી વરૃને લાવવામાં આવ્યા છે. જૂનાગઢના સકકરબાગ ઝૂ માં આ તમામ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ છે. પરંતુ બ્લડ લાઈન ચેન્જ કરવા માટે અઠવાડીયા અગાઉ આ નવા જીવો લવાયા છે. જેમાં ૧૪ વર્ષનો માદા હિપો કાનપુર ઝુ તેમજ બે સારસ અને એક વરૃ લખનૌ તથા એક વરૃ જયપુરથી લાવવામાં આવ્યું છે. ઝુ માં ડાયરેકટર રાણાના જણાવ્ય પ્રમાણે બ્રિડીંગમાં જાતોમાં વિવિધતા આવે તેના માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=173236

ગિર જંગલમાં પ્રાણીઓની તરસ છીપાવવા માટે દોડાવાતા ટેન્કરો.

રાજકોટ તા.૩૦ :

ગત વર્ષનાં પ્રમાણમાં આ વર્ષે સોરઠમાં થયેલા અપુરતા વરસાદના કારણે જંગલમાં વસતા પ્રાણીઓને પાણીની શોધમાં ભટકવુ ન પડે તે માટે વનવિભાગ દ્વારા જંગલ વિસ્તારની સળંગ સરહદ ઉપર કુંડ મુકીને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

સાસણના વન અધિકારી અપારનાથીએ આપેલી વિગતો મુજબ, ગિરજંગલની સળંગ સરહદ ઉપર એક થી દોઢ કિ.મી. ના અંતરે આવા ૬૦ જેટલા પાણીના કુંડ મૂકવામાં આવ્યા છે. સામાન્ય રીતે વનતંત્ર દ્વારા આવી વ્યવસ્થા ફેબ્રુઆરીથી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે વિકટ સ્થિતિ ધ્યાનમાં લઈ ડિસેમ્બરથી જ આવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જંગલ વિસ્તારના બોરદેવીથી રામનાથ વચ્ચે નદીઓના હજુ પાણી છે. પરંતુ જંગલના બાઉન્ડ્રી વિસ્તારમાં ૭ વધુ ગંભીર સ્થિતિ હોય એકાંતરા ટેન્કરો મારફત કુંડમાં પાણી ઠલવવામા આવે છે. વનખાતા દ્વારા બે અલગ અલગ પ્રકારના કુંડ મુકવામાં આવ્યા છે. જેમાં રકાબી આકારના કુંડમાં એક હજાર લીટર પાણી ભરાઈ શકે છે. આ કુંડમાંથી નાના પ્રાણીઓ પાણી પી શકે તેવી વ્યવસ્થા છે. જયારે અવેડા પ્રકારના કુંડમાં ત્રણ હજાર લીટર પાણી સમાઈ શકે છે જેમાં નિલગાય, હરણ, સિંહ, દીપડા જેવા પ્રાણીઓ પાણી પી શકે છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=173336

બાળકીને દીપડાએ ફાડી ખાધી.

Tuesday, Mar 30th, 2010, 3:55 am [IST]
Bhaskar News, Amreli

ખાંભા તાલુકાના ભાડ ગામની સીમમાં કૂવો ગાળવાની મજૂરી કામ કરતો રાજસ્થાની પરિવાર વાડીનાં ઝૂંપડામાં સૂતો હતો ત્યારે વહેલી સવારે ત્રાટકેલો દીપડો ઝૂંપડામાંથી આઠ વર્ષની બાળકીને ઉપાડીને ભાગી ગયો હતો. જાગી ગયેલા મજૂર પરિવારે શોધખોળ કરતા ૩૦૦ મીટર દૂર આંબાવાડીમાં દીપડાએ ફાડી ખાધેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવથી ભાડ તથા આજુબાજુના ગામોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં વનતંત્રના ઉરચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતાં.

અમરેલી પંથકમાં વધુ એક દીપડો માનવભક્ષી બનીને સામે આવ્યો છે. આ વખતે ખાંભા તાલુકાના ભાડ ગામની સીમમાં બાળકી ભોગ બની છે. રાજસ્થાનનાં ભીલવાગ જિલ્લાનાં આશન તાલુકામાં રહેતો ભવરસિંહ મોરસિંહ ચૌહાણ હાલમાં પોતાનાં પરિવાર સાથે ભાડ ગામના પટેલ મનુભાઇ કેશુભાઇ સોરિઠયાની વાડીમાં રહે છે અને કૂવો ગાળવાની મજૂરી કરે છે.

રાત્રે ઝૂંપડામાં તેનો પરિવાર સૂતો હતો ત્યારે ચોરી છૂપીથી દીપડો અંદર પ્રવેશ્યો હતો. રાત્રે સાડા ત્રણેક વાગ્યાનાં સુમારે દીપડો ભવરસિંહની આઠ વર્ષની પુત્રી લહેરીને ગળામાંથી પકડી નાસ્યો હતો. બાજુમાં સૂતેલી લહેરીની માતા અને નાની બહેન જાગી જતાં અને દીપડો આ બાળાને ઉપાડી ગયાની જાણ થતાં દેકારો બોલી ગયો હતો.

રાત્રે જ બેટરીના પ્રકાશમાં શોધખોળ હાથ ધરાતા આ વાડીથી ૩૦૦ મીટર દૂર આવેલી ઇંગોરાળા ગામના જગાભાઇ દુર્લભજીભાઇ તંતીની વાડીમાંથી બાળાની લાશ મળી આવી હતી. દીપડો આ લાશને ખાતો હતો પરંતુ લોકોને જોઇ નાસી છૂટયો હતો.

શ્વાસ નળી કપાઇ જતાં મોત થયું
પોતાની દીકરીની અર્ધ ખવાયેલી લાશ જોઇ લહેરીના મા-બાપ કાળો કલ્પાંત કરી મૂકયો હતો. બનાવની જાણ થતાં ખાંભાના આરએફઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાગળો કરી બાળાની લાશને પોસ્ટ મોટર્મ માટે ખાંભા દવાખાને ખેસેડી હતી. બાળાનું મોત શ્વાસનળી કપાઇ જવાનાં કારણે થયાનું જાહેર થયું હતું. ધારીના ડીએફઓ મુનિશ્વર રાજા પણ ઘટના સ્થળે દોડી ગયા હતાં.

નરભક્ષી દીપડાને પકડવા પાંજરું મૂકાયું
ભાડની સીમમાં માનવ લોહી ચાખી ગયેલો દીપડો એ ગમે ત્યારે ગમે તે માણસ પર હુમલો કરે તેવી ભીતિ હોય ભાડ અને આજુબાજુનાં ગામ લોકોમાં ચિંતાનું મોજું વળ્યું છે. ગામ લોકોની માગણી અનુસાર આ દીપડાને પકડવા માટે જંગલખાતા દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/30/leopard-kills-child.html

અને દીપડી ચણાઈ ગઇ...!

Wednesday, Mar 31st, 2010, 3:27 am [IST]
Bhaskar News, Junagadh

કોડીનાર તાલુકાનાં કડોદરા ગામે એક રાજકીય આગેવાનનાં નવાબની રહેલા બિલ્ડીંગની ગેલેરીનાં ચણતરમાં એક દિપડી મારણ સાથે ઘુસી ગયા બાદ છેક ૨૫ દિવસે ખ્યાલ આવતા વનવિભાગે સ્લેબમાં કાણુ પાડી દીપડીને બહાર કાઢી હતી.

અત્યંત રસપ્રદ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કોડીનારનાં રાજકીય આગેવાન નટુભાઈ વાળાનું એક બહુમાળી બિલ્ડીંગ કડોદરા ગામે બંધાઈ રહ્યું છે. આ બિલ્ડીંગની ગેલેરીની છતને નળીયાનો આકાર આપવા ખાસ પ્રકારનું ચણતર કામ ૨૫ દિવસ પહેલા ચાલી રહ્યું હતું. એ વખતે રાત્રીના સમયે એક દિપડી મારણ સાથે ત્રણ ફુટ પહોળી અને ૧૫૦ ફુટ લાંબી ગેલેરીમાં ઘુસી ગઈ હતી. સવારનાં સમયે તેના પર સ્લેબ ભરાઈ ગયો હતો.

દરમ્યાન આજરોજ આ ગેલેરીમાં પ્લાસ્ટરની કામગીરી કરતી વખતે અચાનક ચણતર કામની એક ઈટ નીકળી ગયેલી અને અંદરથી વન્ય પ્રાણીનો ઘુરકાંટ કામ કરતા મજુરોને સાંભળવા મળ્યો હતો. આ અંગે નટુભાઈને જાણ કરાયા બાદ તેમણે સાસણનાં ડિસીએફ સંદીપ કુમારને જાણ કરી હતી. આથી તેમણે જામવાળાનાં આરએફઓ એલ.ડી.પરમારને સ્ટાફ સાથે કડોદરા ગામે મોકલાયા હતા. આરએફઓ પરમારે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ દીપડી છેક ત્રીજા માળે ગેલેરીમાં ફસાઈ હોવાનું માલુમ પડયું હતું. આથી તેમણે પાંજરામાં મારણ મુકાવી પાંજરાને સીડી અને સ્લેબ વચ્ચેનાં ભાગમાં લટકાવ્યું હતું. બાદમાં ચણતરમાં કાણુ પાડી દીપડીને બહાર કાઢી હતી.

તેમણે આ અંગે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, દીપડી સંપૂર્ણ પણે તંદુરસ્ત હાલતમાં મળી આવી છે. નવ વર્ષની આ દીપડી ૨૫ દીવસથી અંદર હોઈ તે કદાચ મારણ સાથે અંદર ઘુસી હોઈ શકે અને સ્લેબમાંથી પડતુ પાણી પી તેણે પોતાનું અસ્તિત્વ ટકાવ્યું હોઈ શકે. બહાર નીકળવા માટે કદાચ તેણે દીવાલ પર પંજૉ માર્યોહોઈ ઈટ નીકળી આવી હતી.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/31/leopard-built-in-a-building.html

સિંહની પ્રથમ વસતિ ગણતરી ૧૯૫૦માં થઈ’તી.

Wednesday, Mar 31st, 2010, 3:12 am [IST]
Jitendra Mandaviya, Talala

ભારતને આઝાદી મળ્યા પૂર્વે ૧૯૩૬માં સિંહોની ગણતરી દરમિયાન ગીર જંગલમાં ૨૮૭ સિંહો વસવાટ કરતા હોવાની નોંધ થઇ હતી. આઝાદી બાદ થયેલી ગણતરીમાં ૨૧૯ સિંહો નોંધાતા સિંહોની સંખ્યામાં ૨૪ ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો હતો.

બાદમાં સિંહ પ્રજાતિનું અસ્તિત્વ ટકાવવા ૧૯૭૪માં અમલમાં આવેલા વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એકટ બાદ સિંહોની સંખ્યા બમણી થઇ હતી. આઝાદી પૂર્વે શિકાર થતો હોવા છતાં જેટલી સંખ્યા હતી તે આઝાદી બાદ ૧૯૬૮માં ઘટી જતાં ૧૯૭૪માં આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો.

આઝાદી પહેલા રાજાશાહી અને અંગ્રેજૉનાં શાસન દરમિયાન ગીર જંગલમાં સિંહોનાં શિકાર થતા રહેતા હોવાથી સિંહોની સંખ્યા ઘટે એ સ્વાભાવિક છે. પરંતુ ૧૯૬૩માં થયેલી ગણતરીમાં સિંહોની સંખ્યામાં થોડો વધારો થયો હતો. પણ ૧૯૬૮માં હાથ ધરાયેલી ગણતરીમાં સિંહોની સંખ્યામાં ૨૯ ટકાનો ઘટાડો થવા સાથે ૭૩ સિંહો ઓછા થયા હતા.

છ વર્ષ બાદ ૧૯૭૪માં થયેલી ગણતરીમાં સિંહોની સંખ્યામાં માત્ર દોઢ ટકા એટલે માત્ર ત્રણ સિંહોનો વધારો થતા સફાળી જાગેલી કેન્દ્ર સરકારે સિંહોનાં સંરક્ષણ અને સંવર્ધન માટે ૧૯૭૪માં વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એકટ બનાવી અમલમાં મુકતા ૧૯૭૪ થી ૨૦૦૫ સુધીમાં સિંહોની સંખ્યામાં દર પાંચ વર્ષ નોંધપાત્ર વધારો થવા સાથે ગીર જંગલમાં સિંહોની સંખ્યા બમણી થઇ ગઇ.

આઝાદી પહેલા થયેલી ગણતરીમાં જે સિંહોની સંખ્યામાં દર પાંચ વર્ષે નોંધપાત્ર વધારો થવા સાથે ગીર જંગલમાં સિંહોની સંખ્યા બમણી થઇ ગઇ. આઝાદી પહેલા થયેલી ગણતરીમાં જે સિંહોની સંખ્યા હતી તે આઝાદી બાદ થયેલી ગણતરીમાં ઘટાડો નોંધાયો તેનાથી વધુ ઘટાડો ૧૯૬૮માં સિંહોનો ઘટાડો જૉવા મળ્યો હતો. આથી કેન્દ્ર સરકારે સિંહ પ્રજાતિનું અસ્તિત્વ ટકાવવા ૧૯૭૪માં કાયદો અમલમાં મુકયો. ગીર જંગલ તથા અભ્યારણ્યમાં સિંહો સાથે વસવાટ કરતાં વન્ય પ્રાણીઓનું સંવર્ધન વધારવા સાથે સંરક્ષણ પુરૂં પડાતા સિંહોની સંખ્યામાં ક્રમશ: વધારો થતો ગયો. વન વિભાગે શિકારીઓ દ્વારા થતાં શિકાર પર રોક તેમજ ખેડૂતો દ્વારા શેઢે બંધાતા ફેન્સીંગ વાયર દૂર કરવા કાર્યવાહી હાથ ધરતાં સિંહોનાં મોતનાં બનાવો ઓછા થવા લાગ્યા હતા. તેના ફલ સ્વરૂપે દર પાંચ વર્ષે સતત વધારો થવા સાથે ૨૦૦૫માં થયેલી છેલ્લી ગણતરીમાં સિંહોની સંખ્યા બમણી એટલે ૩૫૯ની થઇ ગઇ. ત્યારે આગામી એપ્રિલ માસમાં થનારી ગણતરીમાં સિંહોની સંખ્યા ૪૦૦થી વધુ થાય તેવી સંભાવના જણાઈ રહી છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/31/lion-census.html

ચંદનનાં લાકડાં ચોરતી ટોળકી ઝડપાઈ.

Wednesday, Mar 31st, 2010, 3:08 am [IST]
Bhaskar News, Junagadh

ગીરનાર અભયારણ્ય વિસ્તારમાં દાતારનાં ડુંગરમાં જંગલમાંથી ચંદનનું લાકડુ કાપી જતી ટોળકીને વનવિભાગે ઝડપી લીધી છે.

ગીરનાર અભયારણ્યમાં આવતી દક્ષિણ ડુંગર રેન્જનાં જંગલમાં ખોડીયાર વિસ્તારમાંથી આજે વનવિભાગે ચંદનનાં લાકડાં કાપીને લઈ જતી ટોળકીને ઝડપી લીધી હતી. ડી.એફ.ઓ. અનિતા કર્ણ અને એ.સી.એફ. પી.એસ. બાબરીયાએ પેટ્રોલીંગ દરમ્યાન થેલામાં લાકડાં ભરીને જતી ૪ મહિલાઓ સહિત પાંચ વ્યકિતઓનું ચેકીંગ કરતાં તેઓ પાસેથી રૂ.૮ હજારની કિંમતનું ૮ કિલો ચંદનનું લાકડું મળી આવતા તમામની અટક કરી હતી.

તેઓ પાસેથી એક મૃત સાબરનું શીંગડું અને એક કુહાડી પણ મળી આવી હતી. પકડાયેલા શખ્સોમાં પેટલાદ તાલુકાનાં શિરવઈ ગામના ભીખા ગોવિંદ પટેલ, કાંતાબેન મથુર, રઈબેન વિનુભાઈ , ઉજમબેન મણિભાઈ અને જશોદાબેન નાથાભાઈનો સમાવેશ થાય છે. પકડાયેલા શખ્સોએ છેલ્લા દોઢથી બે માસ દરમ્યાન ઉપલા દાતારે જતા યાત્રાળુનાં સ્વાંગમાં આવતા હતા અને ૫૦૦ પગથિયાં ચઢી ત્યાંથી જંગલમાં જઈ ચંદનનાં લાકડાં કાપી જતા હતા.

અત્યાર સુધીમાં આ ટોળકીએ ચંદનનાં ૧૫ ઝાડ કાપી નાંખ્યાનું પણ વનવિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું. વનવિભાગની કાર્યવાહી દરમ્યાન અમુક શખ્સો નાસી છૂટયા હતા. જૉ કે, આ વાતને મોડે સુધી આફએફઓ દીપક પડંયાએ સમર્થન આપ્યું ન હોતું. પકડાયેલા શખ્સોને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/31/sandalwood-thieves-arrested.html

Thursday, March 25, 2010

સિંહ દર્શન કરવા રાજયપાલ સાસણમાં.

Thursday, Mar 25th, 2010, 2:28 am [IST]
\danik bhaskar
Bhaskar News, Talala

ગુજરાતનાં રાજયપાલ સિંહ દર્શન કરવા માટે આવતીકાલે તા.૨૫નાં રાજયપાલ સાસણ પધારશે. તેઓ હેલીકોપ્ટર મારફત કેશોદ આવ્યા બાદ કાર રસ્તે સાસણ આવી સિંહસદનમાં રાત્રી રોકાણ કરશે. રાજયપાલની આ મૂલાકાતને લઇ વનતંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે.

ગુજરાતનાં રાજયપાલ ડૉ. કમલા બિનીવાલનો તા.૨૫નાં સિંહદર્શન કરવાનો કાર્યક્રમ નક્કી થયો છે. આ અંગે ગીર નેશનલ પાર્ક અને ગીર પિશ્ચમનાં ડીએફઓ સંદીપકુમારે જણાવ્યું હતું કે, આવતીકાલે સાંજે ૫ વાગ્યે મીઠાપુર એરસ્ટ્રીપ ખાતે રાજયપાલ પધારશે. ત્યાંથી હેલીકોપ્ટર મારફત કેશોદ એરપોર્ટ આવી પહોંચશે. ત્યાંથી કાર મારફત સાત વાગ્યે સાસણ પહોંચશે. બાદમાં સિંહસદન ગેસ્ટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે.

૨૬ તારીખે સવારે રાજયપાલને ગીર જંગલમાં સિંહ દર્શન બાદ રાજયપાલનો કાફલો ૧૧ વાગ્યે કેશોદ પરત જવા રવાના થશે. રાજયપાલની સાસણ મુલાકાતને અનુલક્ષીને સિંહ દર્શન કરાવવા માટે ડી.એફ.ઓ. સંદીપ કુમારની રાહબરી હેઠળ વનતંત્રના સ્ટાફે તમામ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી વિશેષ આયોજન કરાઈ રહ્યું છે. રાજયપાલની સાસણ મુલાકાત દરમ્યાન સિંહ દર્શન થઈ શકે તે માટે વનતંત્ર દ્વારા સિંહોના લોકેશનની તજવીજ હાથ ધરાઈ રહી છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/25/100325022856_governor_to_watch_lions.html