Wednesday, March 31, 2010

અને દીપડી ચણાઈ ગઇ...!

Wednesday, Mar 31st, 2010, 3:27 am [IST]
Bhaskar News, Junagadh

કોડીનાર તાલુકાનાં કડોદરા ગામે એક રાજકીય આગેવાનનાં નવાબની રહેલા બિલ્ડીંગની ગેલેરીનાં ચણતરમાં એક દિપડી મારણ સાથે ઘુસી ગયા બાદ છેક ૨૫ દિવસે ખ્યાલ આવતા વનવિભાગે સ્લેબમાં કાણુ પાડી દીપડીને બહાર કાઢી હતી.

અત્યંત રસપ્રદ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કોડીનારનાં રાજકીય આગેવાન નટુભાઈ વાળાનું એક બહુમાળી બિલ્ડીંગ કડોદરા ગામે બંધાઈ રહ્યું છે. આ બિલ્ડીંગની ગેલેરીની છતને નળીયાનો આકાર આપવા ખાસ પ્રકારનું ચણતર કામ ૨૫ દિવસ પહેલા ચાલી રહ્યું હતું. એ વખતે રાત્રીના સમયે એક દિપડી મારણ સાથે ત્રણ ફુટ પહોળી અને ૧૫૦ ફુટ લાંબી ગેલેરીમાં ઘુસી ગઈ હતી. સવારનાં સમયે તેના પર સ્લેબ ભરાઈ ગયો હતો.

દરમ્યાન આજરોજ આ ગેલેરીમાં પ્લાસ્ટરની કામગીરી કરતી વખતે અચાનક ચણતર કામની એક ઈટ નીકળી ગયેલી અને અંદરથી વન્ય પ્રાણીનો ઘુરકાંટ કામ કરતા મજુરોને સાંભળવા મળ્યો હતો. આ અંગે નટુભાઈને જાણ કરાયા બાદ તેમણે સાસણનાં ડિસીએફ સંદીપ કુમારને જાણ કરી હતી. આથી તેમણે જામવાળાનાં આરએફઓ એલ.ડી.પરમારને સ્ટાફ સાથે કડોદરા ગામે મોકલાયા હતા. આરએફઓ પરમારે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ દીપડી છેક ત્રીજા માળે ગેલેરીમાં ફસાઈ હોવાનું માલુમ પડયું હતું. આથી તેમણે પાંજરામાં મારણ મુકાવી પાંજરાને સીડી અને સ્લેબ વચ્ચેનાં ભાગમાં લટકાવ્યું હતું. બાદમાં ચણતરમાં કાણુ પાડી દીપડીને બહાર કાઢી હતી.

તેમણે આ અંગે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, દીપડી સંપૂર્ણ પણે તંદુરસ્ત હાલતમાં મળી આવી છે. નવ વર્ષની આ દીપડી ૨૫ દીવસથી અંદર હોઈ તે કદાચ મારણ સાથે અંદર ઘુસી હોઈ શકે અને સ્લેબમાંથી પડતુ પાણી પી તેણે પોતાનું અસ્તિત્વ ટકાવ્યું હોઈ શકે. બહાર નીકળવા માટે કદાચ તેણે દીવાલ પર પંજૉ માર્યોહોઈ ઈટ નીકળી આવી હતી.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/31/leopard-built-in-a-building.html

No comments: