Tuesday, March 29, 2011

ઝેરી મારણ ખાવાથી બબ્બે સિંહણનાં મોત થયાની શંકા.

Tuesday, March 29

- ભૂંડે ઝેર ભેળવેલા લાડવા ખાધા બાદ તેનું
- મૃત્યુનું કારણ સ્પષ્ટ થયા બાદ પગલાં : ડીએફઓ
- અન્ય પાંચ સાવજો સલામત
ગીરપૂર્વની તુલશીશ્યામ રેન્જમાં કંટાળા ગામની સીમમાં ૨૪ કલાકનાં ગાળામાં બે સિંહણના મૃતદેહ મળી આવ્યા બાદ બન્ને સિંહણના મોતનું રહસ્ય હજુ પણ અકબંધ રહ્યું છે. બન્ને સિંહણે ભૂંડનું મારણ કર્યું હોય કોઇએ ભૂંડને ઝેરી પદાર્થ ખવડાવ્યો હોય તેવી શક્યતા પણ વનતંત્ર માની રહ્યું છે. અહિંથી ભૂંડના અવશેષો પણ મળી આવ્યાં હતાં.
કંટાળાની સીમમાં માલણ નદીનાં કાંઠેથી બે સિંહણનાં મૃતદેહો મળવાની ઘટનાએ વનતંત્રને દોડતુ કરી દીધુ છે. બન્ને સિંહણનાં મોતનું કારણ સ્પષ્ટ થઇ ન શકતા આ ઘટના અંગે ઘેરૂ રહસ્ય સર્જાયુ છે. બન્ને સિંહણનું મોત કઇ રીતે થયું તે અંગે તરેહતરેહની ચર્ચા જાગી છે.
જે સિંહણનો મૃતદેહ ચેકડેમનાં પાણીમાંથી મળી આવ્યો છે. તે સિંહણનું મોત ડૂબી જવાનાં કારણે થયું ન હતું. વળી બન્ને મૃતદેહ પર ઇજાના કોઇ નિશાન ન હતાં કોઇ ગંભીર બિમારીનાં ચિહ્નો પણ દેખાયા ન હતાં. બન્ને સિંહણ યુવાન હોય વૃધ્ધાવસ્થાથી મોત થવાનો પણ કોઇ સવાલ રહેતો નથી. પોસ્ટ મોર્ટમ દરમીયાન પ્રાથમિક દ્રષ્ટિએ પણ મોતનું કારણ સ્પષ્ટ ન થતાં હવે વિશેરાના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આગામી ત્રણ દિવસમાં આ રિપોર્ટ આવી જવાની શક્યતા છે.
ધારીના ડીએફઓ મનિશ્વર રાજાએ જણાવ્યુ હતું કે બન્ને સિંહણના પેટમાંથી ભૂંડના માંસના અવશેષો મળી આવ્યા હતાં. વળી એક સિંહણ પાણીમાં ગઇ હોય તેવા પગના નિશાન મયા હતાં. ઘટનાસ્થળેથી ભૂંડના અવશેષો પણ મળી આવ્યા હતાં. વિશેરાનો રિપોર્ટ આવ્યા બાદ ભૂંડનું મારણ કરવાના કારણે બન્નેનું મોત થયું હતું કે કેમ તે સ્પષ્ટ થશે.
દરમ્યાન સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અહિં ખેડૂતોએ સિંહણોને ભૂંડનું મારણ કરતા જોઇ હતી. ઘણી વખત ખેતિવાડીમાં ભૂંડનો ત્રાસ રહેતો હોય ખેડૂતો ભૂંડને ઝેરી લાડવા કે અન્ય ખાદ્યપદાર્થો ખવડાવતા હોય તેવું બને છે જ્યારે અહિં આ પ્રકારની ઘટના બની છે કે કેમ તે દિશામાં તંત્રએ તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે ગાંધીનગરથી એસીએફ પણ ખાંભા દોડી આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
અન્ય પાંચ સાવજો સલામત
આ વિસ્તારમાં સાત સાવજોનું ગ્રુપ આટા મારે છે. બે સિંહણોનું ભેદી સંજોગોમાં મોત થયા બાદ વનતંત્રની તપાસમાં અન્ય પાંચ સાવજો સલામત મળી આવ્યા હતાં. બીજી તરફ જો ભૂંડના શિકારમાં કોઇ ઝેરી પદાર્થ હોય તો અન્ય પાંચ સાવજોને કેમ કોઇ અસર ન થઇ તે સવાલ વન અધિકારીઓને મુંજવી રહ્યો છે.
મૃત્યુનું કારણ સ્પષ્ટ થયા બાદ પગલાં : ડીએફઓ

બે સિંહણોના મોત અંગે કોઇ વન કર્મચારી સામે પગલા લેવાશે કે કેમ તેવા સવાલનો જવાબ આપતા ડીએફઓ મનશિ્ર્વર રાજાએ જણાવ્યુ હતું કે મૃત્યુના કારણ સ્પષ્ટ થાય પછી કોઇની જવાબદારી નકકી કરી પગલા લેવા માટે વિચારણા કરાશે.

સિંહોની તરસ છીપાવવા માટે ૩૭પ કૂંડીઓમાં ભરાતું પાણી.

જૂનાગઢ, તા.૨૮
ઉનાળો બેસતા જ આકરો તાપ અનુભવાઈ રહ્યો છે.  ગિર અને ગિરનાર જંગલ વિસ્તારમાં સિંહો સહિતના વન્ય પ્રાણીઓની તરસ છીપાવવા વનવિભાગ દ્વારા કૃત્રિમ રીતે બનાવેલા ૩૭પથી વધુ કુંડીઓમાં પાણી ભરવાની શરૃઆત કરી દેવામાં આવી છે. આવતા દિવસોમાં હજૂ પણ ૭પ વધારાના સ્ત્રોત્રમાં પાણી ભરવાની શરૃઆત કરી દેવામાં આવશે. ઉનાળામાં જંગલ વિસ્તારમાં નદી-નાળા સુકાઈ જતા હોય છે. ડેમ અને નાના તળાવો પણ ખાલી થઈ જાય છે. ગિર જંગલ અને ગિરનાર જંગલમાં વિહરતા વનરાજો સહિતના વન્ય પ્રાણીઓની તરસ છીપાવવા માટે વનવિભાગ દ્વારા દર વર્ષે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. ૧૪૧ર ચો.કિ.મી.માં પથરાયેલા ગિર જંગલમાં પાણીના ૪પ૦ જેટલા કૃત્રિમ સ્ત્રોત્ર બનાવવામાં આવ્યા છે. ડી.સી.એફ. ડો. સંદિપકુમારે જણાવ્યું છે કે, ફેબ્રુઆરી માસની શરૃઆતથી જ તબક્કાવાર કૃત્રિમ સ્ત્રોત્રમાં પાણી ભરવાની શરૃઆત કરી દેવામાં આવી છે. પાણીના કુદરતી સ્ત્રોત્ર જ્યાં વહેલા સુકાઈ ગયા છે, ત્યાં શરૃઆતથી કૃત્રિમ સ્ત્રોત્રમાં પાણી ભરવામાં આવી રહ્યું છે. હજી પણ આગામી સમયમાં વધારની જરૃરિયાત પ્રમાણે પાણી ભરવાની શરૃઆત કરી દેવામાં આવશે. ગિરનાર જંગલમાં પાણીના ૬ર કૃત્રિમ સ્ત્રોત્ર ભરવાની શરૃઆત કરી દેવામાં આવી છે. એ.સી.એફ. કે.એ.ગાંધીએ જણાવ્યું છે કે, વન્યપ્રાણીઓને પાણીની અછત ન વર્તાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તથા પાણીના તમામ સ્ત્રોત ભરવાની બે દિવસથી શરૃઆત કરી દેવામાં આવી છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=275350

ખાંભા પંથક્માં બે સિંહણનાં મૃત્યુનું રહસ્ય વધુ ઘેરૃ બન્યુ.

જૂનાગઢ, તા.૨૮ :
ખાંભા પંથકમાંથી રહસ્યમય સંજોગોમાં બે સિંહણના મૃતદેહ મળી આવ્યા બાદ તેના પી.એમ. રિપોર્ટમાં પણ મોત પાછળનું કોઈ ચોક્કસ કારણ મળી આવ્યું નથી. પરિણામે, સિંહણનાં મૃત્યુનું રહસ્ય વધુ ઘેરૃ બન્યું છે. ખાંભા પંથકના કંટાળા નજીક માલણ નદીના કાંઠેથી નવ અને સાત વર્ષની સિંહણના મૃતદેહો મળી આવવાની ઘટનાએ સારી એવી ચકચાર જગાવી છે. ગઈ કાલે પ્રાથમિક તપાસમાં પણ મૃત્યુનું કારણ જાણવા મળ્યું નહોતું. દરમિયાનમાં વનવિભાગના સુત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર બન્ને મૃતદેહના પી.એમ. રિપોર્ટમાં પણ મૃત્યુનું કારણ જાણવા મળ્યું નથી. માટે હવે એફ.એસ.એલ.ના રિપોર્ટ પર મદાર રાખવામાં આવી રહ્યો છે. મૃત્યુનું રહસ્ય વધુ ઘેરૃ બનતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=275339

બચ્ચાં દીપડીના બદલે બિલાડીના નિકળ્યા.

વેરાવળ તા.૨૮
પશુઓ પણ એપ્રિલફુલ બનાવી શકે છે તેમ હજુ તો પહેલી એપ્રિલ આવી નથી ત્યાં વેરાવળ નજીક પંડવા ગામે એક ખેડુતની વાડીમાં બે બચ્ચા જોવા મળતા વનવિભાગને દીપડીના બચ્ચાં છે તેવુ જણાવતા વનવિભાગે ત્યાં દોડી જઇ એક દિવસ સુધી પાંજરામાં રાખ્યા હતા પણ આ બચ્ચાં દીપડીના બદલે બિલાડીના  નિકળ્યા હતા.વનવિભાગના જણાવ્યા અનુસાર બિલાડી અને દીપડીના બચ્ચાં જોવામાં સરખા લાગતા હોય છે તેથી વાડી માલિકના પરિવારની શંકાનુ સમાધાન કરવા માટે જ પાંજરામાં રાખ્યા હતા.
હજુ તો ૧લી એપ્રિલ આવી નથી ત્યાં જ વનવિભાગને એપ્રિલફુલ બનાવાનો વારો આવ્યો હોય તેમ ગઇ કાલે પંડવા ગામે વાડી વિસ્તારમાં રામશી નારણ વાળાની વાડીમાં  દીપડા જેવા લાગતા બે બચ્ચા મળી આવ્યા હતા.
જેના પગલે વેરાવળ વનવિભાગને જાણ કરાતા સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને આ બચ્ચાંને પાંજરામાં રાખવામાં આવ્યા હતા.બાદમાં આ પાંજરા ફરતે એક બિલાડી ચક્કર લગાવતી હતી પરંતુ દીપડી ક્યાંય નજરે ચડી ન હતી. ત્યારે આજરોજ આ બચ્ચાંને બિલાડી ભગાડીને લઇ ગઇ હતી અને આજુબાજુ વનવિભાગે તપાસ કરતા ક્યાંય પણ કોઇ અવશેષ ન જણાતા અંતે આ બચ્ચાં બિલાડીના હોવાનુ સ્પષ્ટ થયું હતું.
ફોરેસ્ટર વિનુભાઇ અપારનાથીના જણાવ્યા અનુસાર અમે ગઇકાલે સ્થળે ગયા બાદ વાડી માલિકને જણાવ્યા છતાં નવી માનતા  તેમની શંકાનુ સમાધાન કરવા માટે આ બચ્ચાંને પાંજરામાં મુક્યા હતા.પરંતુ દીપડી આવી ન હતી અને આજે કોઇ બિલાડી આ બચ્ચાંને લઇને ત્યાંથી નાસી ગઇ હતી.
એક બિલાડી બીજી બિલાડીના બચ્ચાંને મારી નાખે  છે તેથી બચ્ચાં હતા તેની નજીક દરેકમાં તપાસ કરી પણ અવશેષ ન મળતા બચ્ચાંની માતા બિલાડી જ બચ્ચાંને લઇ ગઇ હતી તેવુ સ્પષ્ટ થયુ હતુ. આમ, બચ્ચાં  બિલાડીના નિકળતા વનવિભાગે પણ રાહતનો શ્વાસ લીધો હતો.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=275318

સુરવા (ગીર)માં દીપડો પાંજરામાંથી બે બકરાનું મારણ કરી ગયો.

તાલાલા (ગીર), તા.૨૮
તાલાલા તાલુકાના સુરવા (ગીર)માં આતંક મચાવતા દીપડાને પકડવા મુકેલ પાંજરામાંથી પણ દીપડો બે બકરા ઉઠાવી જતા છેલ્લા એક વર્ષથી દીપડાનો ભોગ બની રહેલ સુરવા (ગીર) ગામની પ્રજા હતાશ થઈ ગઈ છે.
સુરવા (ગીર)ની સરકારી મંડળીના સદસ્ય છગનભાઈ વેકરીયાના જણાવ્યા પ્રમાણે સુરવા (ગીર)ની હડમતીયા રોડ વિસ્તારની સીમમાં છેલ્લા એક વર્ષથી એ ખુંખાર દીપડો પડાવ નાખીને બેઠો છે. આ દીપડો રાત પડે તુરંત ગામમાં આવી ગામના ખેડૂતોની ૧૨ થી ૧૫ ફુટ ઉંચી દિવાલો ટપી ખેડૂતોના ફળીયામાંથી પશુઓના મારણ કરે છે. આ ખુંખાર દીપડાએ અત્યાર સુધીમાં ગામમાંથી કુલ ૫૦ થી ૬૦ નાના વાછડા-વાછડી અને પાડરૃના મારણ કર્યા છે. આ દીપડાના આતંકથી ગામ લોકો ભયભીત થઈ ગયા છે.
છગનભાઈના જણાવ્યા પ્રમાણે આ દીપડાને પકડવા જંગલખાતા દ્વારા આઠ થી દશ મહીનાથી મારા બગીચાની અંદર જંગલ ખાતાએ પાંજરૃ મુકયુ છે. પાંજરામાં મચ્છીના ટુકડા રાખવામાં આવેલ છે. છતાં દીપડો પાંજરામાં આવતો નથી.
છેલ્લા પાંચ દિવસ દરમિયાન જંગલખાતાએ પાંજરામાં બે બકરા રાખ્યા હતા. પાંચ દિવસ દરમિયાન બંને બકરાઓને પાંજરામાંથી ઉઠાવી ચાલક દીપડો મારણ કરી ગયો છે. આ દીપડો હવે પાંજરામાંથી પણ મારણ કરવા લાગતા છેલ્લા એક વર્ષથી સુરવા ગીર ગામને બાનમાં લેનાર દીપડો ચપળ અને ચાલક હોય હવે પડડાશે કે કેમ? તેવા સો મણના સવાલ સાથે ગામને આશા છોડી દીધી છે. સુરવા (ગીર) ગામના દીપડાને પકડવા એક વર્ષથી પરસેવો પાડતુ જંગલખાતા સમક્ષ ગામ લોકો ચાલક અને ખુંખાર દીપડાને એક વર્ષમાં કરેલ મારણોની સંપૂર્ણ વિગતો સાથે વન વિભાગની તાલાલા ખાતેની કચેરીએ રજુઆત કરનાર છે. તેમ ગામના ખેડૂત છગનભાઈ એ જણાવ્યું હતું.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=275315

ગીરમાં બિરાજતા પાતળેશ્વર મહાદેવનું અસ્તિત્વ જોખમમાં.


ડોળાસા, તા.ર૯ 
સોરઠના ગીર મધ્યે બિરાજતા પાતળેશ્વર મહાદેવ અને મથુરાદાસ બાપુનું નામ શિવભકતો કયારેય વિસરી શકે તેમ નથી પણ જંગલખાતાની અવળચંડાઈના કારણે આ મહાદેવ મંદિર અને મંદિર પરિસરની કાયદેસરની મિલકતનું અસ્તિત્વ મટી જવાના આરે છે.  પાતળેશ્વર મહાદેવ ગીર પંથકના બાબરીયા નેશથી છ કિ.મી. ગીરમાં આવેલું છે. આ મંદિર વર્ષા જૂનું અને શ્રધ્ધાળુઓની સતત અવરજવરથી ધબકતું રહે છે. પણ છેલ્લા બે વર્ષથી જંગલખાતાની મનમાનીના કારણે અહીં પ્રવેશબંધી ફરમાવાતા પાતળેશ્વર મહાદેવના ભકતોમાં રોષ ફેલાયો છે. એટલું જ નહીં અહીં પૂજારી તરીકે સેવા પૂજા કરતા ગંગદાસ બાપુને પણ મંદિર પરિસરમાંથી હાંકી કઢાતા શિવ મંદિરમાં સેવા પૂજા પણ બંધ થઈ ગઈ છે. આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવતા ગત સાલથી શ્રાવણ માસ અને શિવરાત્રિ પર્વ નિમિત્તે આઠ દિવસ સેવા પૂજાની છૂટ મળી છે. પણ રાત્રિ રોકાણ પર હજુ પ્રતિબંધ જ છે.
મંદિર પરિસરની માલિકીની ઉપજાવ જમીન હોવા ઉપરાંત માલ મિલકત છે. આ સ્થળેથી હટી જવા જંગલખાતા દ્વારા બળ પ્રયોગ કરાતા સાધુઓ જગ્યા છોડી બાબરીયા ગામે જતા રહ્યાં છે. પરિણામે મંદિરની જગ્યા વેરાન વગડો બની ગઈ છે. મંદિર અને મકાન જર્જરિત અવસ્થામાં ફેરવાઈ જવા પામ્યા છે. મંદિરના પૂજારી ગંગદાસબાપુ અને હરમડીયાના સેવક રાણાભાઈ ચૌહાણે મંદિરને પ્રતિબંધ મુક્ત કરવા માગણી કરી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=275289

Monday, March 28, 2011

અબોલ પશુ પંખી માટે રૃ. ૩૧ હજાર એકત્ર.

તાલાલા,તા,ર૭
તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામે ગૌસેવા સમિતિના યુવાનોએ ધુળેટીની અનોખી ઉજવણી કરી હતી અને અબોલ પશુ પંખીઓ માટે રૃ. ૩૧ હજાર એકત્ર કરી  નવો રાહ ચીંધ્યો છે. ગૌસેવા સમિતિના નેજા હેઠળ રાની સવારી કાઢી પશુ પંખીઓના નિભાવ માટે ગોઠ ઉઘરાવવામાં આવી હતી. ગામના યુવાન નરેન્દ્વ રાબડીયાએ રા બની ઉંધા ગધેડા પર બેસી ડુંગળીનો મીંઢોળ બાંધી ગળામાં જુતાનો હાર, ફાટેલા કપડા પહેરી કુરૃપ ધારણ કરી ગૌસેવા અને કબુતરના ચણ માટે ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. ગામની શેરીએ શેરીએ મહિલાઓ દ્વારા ઉત્સાહપૂર્વક વધામણા કરવામાં આવ્યા હતા

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=274905