Tuesday, March 29, 2011

ગીરમાં બિરાજતા પાતળેશ્વર મહાદેવનું અસ્તિત્વ જોખમમાં.


ડોળાસા, તા.ર૯ 
સોરઠના ગીર મધ્યે બિરાજતા પાતળેશ્વર મહાદેવ અને મથુરાદાસ બાપુનું નામ શિવભકતો કયારેય વિસરી શકે તેમ નથી પણ જંગલખાતાની અવળચંડાઈના કારણે આ મહાદેવ મંદિર અને મંદિર પરિસરની કાયદેસરની મિલકતનું અસ્તિત્વ મટી જવાના આરે છે.  પાતળેશ્વર મહાદેવ ગીર પંથકના બાબરીયા નેશથી છ કિ.મી. ગીરમાં આવેલું છે. આ મંદિર વર્ષા જૂનું અને શ્રધ્ધાળુઓની સતત અવરજવરથી ધબકતું રહે છે. પણ છેલ્લા બે વર્ષથી જંગલખાતાની મનમાનીના કારણે અહીં પ્રવેશબંધી ફરમાવાતા પાતળેશ્વર મહાદેવના ભકતોમાં રોષ ફેલાયો છે. એટલું જ નહીં અહીં પૂજારી તરીકે સેવા પૂજા કરતા ગંગદાસ બાપુને પણ મંદિર પરિસરમાંથી હાંકી કઢાતા શિવ મંદિરમાં સેવા પૂજા પણ બંધ થઈ ગઈ છે. આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવતા ગત સાલથી શ્રાવણ માસ અને શિવરાત્રિ પર્વ નિમિત્તે આઠ દિવસ સેવા પૂજાની છૂટ મળી છે. પણ રાત્રિ રોકાણ પર હજુ પ્રતિબંધ જ છે.
મંદિર પરિસરની માલિકીની ઉપજાવ જમીન હોવા ઉપરાંત માલ મિલકત છે. આ સ્થળેથી હટી જવા જંગલખાતા દ્વારા બળ પ્રયોગ કરાતા સાધુઓ જગ્યા છોડી બાબરીયા ગામે જતા રહ્યાં છે. પરિણામે મંદિરની જગ્યા વેરાન વગડો બની ગઈ છે. મંદિર અને મકાન જર્જરિત અવસ્થામાં ફેરવાઈ જવા પામ્યા છે. મંદિરના પૂજારી ગંગદાસબાપુ અને હરમડીયાના સેવક રાણાભાઈ ચૌહાણે મંદિરને પ્રતિબંધ મુક્ત કરવા માગણી કરી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=275289

No comments: