Saturday, November 30, 2019

150 વર્ષ પછી સિંહના ચોટીલે ડાકલાં વાગ્યાં

DivyaBhaskar News Network

Nov 20, 2019, 07:17 AM IST

અત્યાર સુધી જૂનાગઢ, અમરેલી, ભાનવગર, ગીર-સોમનાથમાં જોવા મળતા એશિયાટિક સિંહે વર્ષો પછી પહેલાવાર ચોટીલા નજીક દેખા દીધી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચોબારી, રામપરા અને ઢેઢુકી ગામની સીમમાં સિંહો જોવા મળતા સમગ્ર પંથકમાં ખુશીની સાથે ફફડાટની લાગણી ફેલાઈ છે. સોમવારે મોડી રાત્રે રામપરા અને ચોબારીના ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતાં સુરેન્દ્રનગર જિલ્લા વન વિભાગની ટીમોએ સમગ્ર પાંચાળ પંથકમાં ધામા નાખ્યા છે અને સાવજનું લોકેશન જાણવાની કામગીરી શરૂ કરી છે. હાલ બે સાવજમાં એક માદા સિંહણ અને એક નર બચ્ચું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

ચોટીલા અને થાન પંથકમાં આવેલા માંડવવન સહિતના વિસ્તારોમાં રાની પશુઓ વસવાટ કરતા હોવાની વાત જાણીતી છે. 150 વર્ષમાં પહેલીવાર સિંહ વિસ્તારમાં જોવા મળ્યો છે. આસપાસના વિસ્તારમાં સિંહની હાજરી હોવાનાં નિશાન તેમજ મારણ કરેલાં પશુઓ મળી આવ્યાં હતાં. આ વિસ્તારમાં સિંહોએ 2 વાછરડી અને 1 પાડા સહિત 3 પશુનું મારણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં 2 સિંહ પૈકી એક માદા સિંહણ અંદાજે 8 વર્ષની ઉંમરની તેમજ નર બાળ સિંહ અંદાજે 2 વર્ષની ઉંમરનું હોવાનું જાણવા મળી રહ્યું છે. ફોરેસ્ટ વિભાગે બન્ને સિંહોનું લોકેશન જાણવા સુરેન્દ્રનગર, જસદણ, વિંછીયા અને હિંગોળગઢ ફોરેસ્ટ વિભાગના 60 કર્મચારીની અલગ અલગ ટીમ બનાવી આસપાસનાં તમામ ગામની સીમો ખૂંદી રહી છે. સિંહના ડરને લીધે લોકો સીમમાં ખેતરોમાં કામ અર્થે જવાથી ડરી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગે સિંહની હાજરીને લઈને લોકોને તકેદરી રાખવા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જેમાં સિંહને ખલેલ ન પહોંચાડવા તેમજ સિંહ દેખાય કે મારણ કરેલું દેખાય તો તુરંત ફોરેસ્ટ વિભાગને જાણ કરવા અપીલ કરાઇ છે.

સાવજના ભયે ખેતરો સૂમસામ 60ની ટીમ દ્વારા મોનિટરિંગ

ચોટીલા નજીક ઢેઢૂકી, ચોબારી ગામમાં જોવા મળેલી સિંહણ.

ચોટીલા કેમ આવ્યો? ‘સિંહ માટે 120 કિમી સામાન્ય ’

કેટલાક સમયથી ચોટીલા પંથકમાં સિંહની મુવમેન્ટ જોવા મળતી હતી જેને લઇને કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં બે સિંહોનો વસવાટ હોવાનું જાણવા મળ્યું છે. અમરેલીથી અંદાજે 120 કિમી અંતર કાપી સિંહણ-નર બચ્ચુ આવ્યા છે. અત્યારે 8 ટીમના અંદાજે 60 વધુ માણસો દ્વારા સતત મોનિટરિંંગ થઈ રહ્યું છે. સામાન્ય રીતે સિંહની 200 કિલોમિટરથી વધુની રેન્જમાં મુવમેન્ટ હોય છે. એટલે 120 કિમી અંતર સામાન્ય છે.

પુખ્ત નર નથી એટલે સ્થળાંતર નહીં: CCF

જૂનાગઢના ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ સંજય શ્રીવાસ્તવના જણાવ્યા માતા-પુત્ર સિંહ છે. સિંહણ સાથે મેટીંગ માટે નર નથી એટલે તે પરત ફરશે.

એચ.વી.મકવાણા, ડીસીએફ, સુરેન્દ્રનગર

સિંહ એક રાતમાં 25, 30 કિમી ચાલી શકે છે

સિંહ દિવસે આરામ કરે છે અને એક રાતમાં 25થી 30 કિલોમીટર ચાલે છે. સિંહ એકવાર શિકાર આરોગ્યા બાદ 6 દિવસ ભોજન વિના રહી શકે છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સિંહણ અને નર બચ્ચાની જોડી બાબરા, હિંગોળગઢથી 120 કિમી અંતર કાપી ચોટીલા નજીક ઢેઢુકી ગામ પાસે જોવા મળી હતી.

ચોટીલા

વીંછિયા

હિંગોળગઢ

ખંભાળા

બાબરા
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-after-150-years-the-lion39s-chute-sounded-loud-071711-5977995-NOR.html

ચોટીલા નજીક સાવજ બેલડી નહીં પરંતુ 3 સિંહની આશંકા

DivyaBhaskar News Network

Nov 21, 2019, 06:46 AM IST

સુરેન્દ્રનગર જિલ્લાનો ચોટીલા પંથક ગીરના સાવજની ડણકથી ગરજી ઊઠ્યો છે. ચોબારી-રામપરા ગામની આસપાસ એક સિંહ અને સિંહણ દેખાયા હોવાની વાતને વનવિભાગે સત્તાવાર સમર્થન પણ આપ્યું હતુ઼ં. ત્યારે મંગળવારે રાત્રીના સમયે મારણ ખાતા બે સિંહ વનવિભાગના ટ્રેકીંગ કેમેરામાં જોવા મળતા આ વિસ્તારમાં બે નહીં પરંતુ ત્રણ સિંહનો પૂરો પરિવાર આવ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે.

મંગળવારે સવારે ચોબારી અને રામપરા ગામની સીમમાં એક સિંહ અને સિંહણે મારણ કર્યું હતું અને સિંહ બેલડી ગામની સીમમાં ફરતી હોવાનો વિડીયો પણ સોશિયલ મિડીયામાં ફરતો થયો હતો. વનવિભાગ દ્વારા સીમમાં અમુક

...અનુસંધાન પાના નં. 2



અંતરે ટ્રેકીંગ કેમેરા ગોઠવવામાં આવ્યા હતા જેમાં મંગળવારે રાત્રે 10 કલાકની આસપાસ બે સિ઼હ મારણ ખાતા વનવિભાગના કેમેરામાં જોવા મળ્યા હતા. ત્યારે અગાઉ જે સિંહણ અને સિંહ જોવા મળ્યા હતા ત્યારે ચોબારી-રામપરા પંથકની સીમમાં કદાચ બે નહીં પરંતુ ત્રણ સિંહ હોવાની શક્યતા જોવા મળી રહી છે. બુધવારે જુનાગઢ વનવિભાગના મુખ્ય વનસરંક્ષક એસ.કે.શ્રીવાસ્તવ પણ ચોટીલા દોડી આવ્યા હતા. ચોબારી તેમજ રામપરાના ગ્રામજનો સાથે અંદાજે બે કલાક સુધી બેઠક યોજી હતી.

સિંહોને વાતાવરણ અનુકુળ આવી જાય તો સ્થાયી થશે

વનવિભાગના કર્મચારીઓ દ્વારા બંને સિંહોની દેખરેખ રાખવામાં આવી રહી છે. આ બન્ને સિંહો છેલ્લા એકાદ અઠવાડિયાથી આ વિસ્તારમાં છે ત્યારે આ સિંહોને વાતાવરણ અનુકુળ આવી જાય તો તે સ્થાયી પણ થઇ શકે છે. એસ.કે.શ્રીવાસ્તવ, મુખ્ય વન સરંક્ષક જુનાગઢ

હાલ બે નર સિંહ દેખાયા છે, ત્રીજા સિંહ અંગે આશંકા

સૌ પ્રથમ જે વીડિયો સામે આવ્યો હતો તેમાં એક નર અને એક માદા સિંહણ હોવાનું અનુમાન હતું. તેમાં ક્ષતિ હોઈ શકે હાલ કેમેરામાં જે બે સિંહો કેદ થયા છે તે બંને નર છે. સિંહણનો વસવાટ છે કેમ તે હવે જાણવા મળશે. એચ.વી.મકવાણા, ડીસીએફ, સુરેન્દ્રનગર
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-not-an-average-bullock-but-a-3-lion-suspect-near-the-chotila-064634-5985995-NOR.html

જશાધાર નજીકનાં તુલસીશ્યામ જંગલમાં સિંહણનું શંકાસ્પદ મોત

  • મોતનું કારણ અકબંધ, મૃતદેહ પીએમ માટે લઇ જવાયો

Divyabhaskar.com

Nov 21, 2019, 10:08 AM IST
ઉના: જશાધાર નજીક તુલસીશ્યામનાં જંગલમાં સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે તેમનું મોત ક્યાં કારણથી થયું છે તેમને લઇ મૃતદેહને પીએમ માટે લઇ જવામાં આવ્યો હતો. તેમનાં રીપોર્ટ બાદ જ મોતનું કારણ જાણી શકાશે. ગીરજંગલમાં આવેલ સુપ્રિધ્ધધામ તુલસીશ્યામ નજીક એક સિંહણ મૃત હાલતમાં પડી હોય જેમની જાણ વન વિભાગને થતાં સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો લઇ જશાધાર ખાતે પીએમ માટે મોકલાયો હતો. જો કે આ સિંહણનું મોત બિમારી સબબ કે પછી ઇન્ફાઇટથી થયું છે. તે તો પીએમ રીપોર્ટ બાદ જ જાણવા મળી શકશે. આ મૃતક સિંહણ પાંચથી નવ વર્ષથી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
માલધારી પર સિંહણે હુમલો કર્યો હતો તે જ વિસ્તારમાંથી મૃતદેહ મળ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ગીરગઢડા તાલુકાના જશાધાર નજીક ગીરજંગલમાં આવેલ દોઢીનેસ વિસ્તારમાં વહેલી સવારે એક માલધારી પર સિંહણે હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી. આ વિસ્તારમાંથી જ સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. જો કે આ એ જ સિંહણ છે કે, તે મૃદ્દે હજી સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તે તો તપાસ બાદ જ બહાર આવશે. થોડા મહિનાઓ પહેલા સિંહોનાં મોતની ઘટનાઓ બની હતી અને વન તંત્ર દોડતું થયું હતું. ત્યારે ફરી વખત સિંહણનું મોત થતાં વનતંત્રએ તપાસ શરૂ કરી છે. આમ, અવારનવાર સિંહ અને સિંહણના મોતથી સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/get-dead-body-of-lioness-near-jashadhar-range-of-una-126101558.html

જૂનાગઢમાં સિંહ દર્શન મામલે CMએ ફરી નવો વાયદો આપ્યો

  • 2018માં જૂનાગઢમાં સિંહ દર્શનની વાત કરી હતી

Divyabhaskar.com

Nov 25, 2019, 01:16 AM IST
જૂનાગઢ: જૂનાગઢ ખાતે આવેલા મુખ્યમંત્રી રૂપાણીએ કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું. સાથે મહાબત મકબરા તેમજ ઉપરકોટ માટે પણ કરોડોની ગ્રાન્ટ ફાળવી તાલીઓ પડાવી લીધી. જોકે, જૂનાગઢ માટે મહત્વના એવા સિંહ દર્શન શરૂ કરવા મામલે સીએમએ ફરી નવો વાયદો આપ્યો છે. આ અંગે ભાજપના પૂર્વ મહામંત્રી અમૃતભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ગત વર્ષે 2018ના ઓકટોબર માસમાં સાસણની સાથે જૂનાગઢમાં પણ સિંહ દર્શન શરૂ થઇ જશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ માટે તમામ તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ હતી. અનેક લોકોએ આ માટે જીપ્સી ગાડીઓ પણ ખરીદી લીધી હતી. જોકે, જૂનાગઢમાં સિંહ દર્શન શરૂ કરવાની કરેલી જાહેરાતના 1 વર્ષ બાદ પણ કોઇ કામગીરી થઇ નથી. ત્યારે અટક્યું છે કયાં? તે પ્રશ્ન તમામને મુંજવી રહ્યો છે. દરમિયાન જૂનાગઢ આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે ફરી નવો વાયદો આપતા ટૂંક સમયમાં સિંહ દર્શન શરૂ થઇ જશે તેવું કહ્યું હતું. જોકે, કેટલો સમય એ મામલે કોઇ ફોડ પાડ્યો ન હતો.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/cm-reaffirms-promise-of-lion-sighting-in-junagadh-126126776.html

એશીયાઇ સિંહનું રહેણાંક એવા સાસણ ગીર અને કાસીયાનેસ સુધી

DivyaBhaskar News Network

Nov 26, 2019, 06:50 AM IST

એશીયાઇ સિંહનું રહેણાંક એવા સાસણ ગીર અને કાસીયાનેસ સુધી હાલ ખાનગી કંપની દ્વારા જેસીબી જેવા મોટા મશીનોથી ખોદકામ કરી ફોર જી કે ફાઇવ જી નેટવર્કના વાયર નાખવામાં આવી રહ્યા હોય, જે જંગલી જાનવર અને પર્યાવરણ માટે નુકશાનકર્તા છે. આ બાબતે ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા સીસીએફને પત્ર પાઠવી રજુઆત કરાઇ છે કે, ફોરેસ્ટ વિભાગ દ્વારા જ્યાં જાહેર રસ્તો બનાવવા દેવામાં ન આવતો હોય તેવી જગ્યાએ ખાનગી કંપની દ્વારા કેબલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કેબલો ભવિષ્યમાં ગમે ત્યારે ખરાબ થવાની કે લીકેજ થવાની સમસ્યા હોય, તેના રેડિએશનના કારણે અત્યંત ભયજનક અને જીવલેણ કિરણો પેદા થવાથી વન્ય પ્રાણીઓ અને પર્યાવરણને ભારે નુકશાન થવાની શક્યતા છે. ત્યારે જે ખોદકામ થયું છે તે વ્યવસ્થિત જેવું હતું તેવું કરવામાં આવે અને મંજુરી આપનાર જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ ખોદકામ તાત્કાલીક ધોરણે અટકાવવામાં નહિ આવે તો સંગઠન દ્વારા આંદોલન કરવામાં આવશે અને જરૂર પડ્યે હાઇકોર્ટમાં અરજી કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે. તેમ અલ્તાફ બ્લોચે જણાવ્યું હતું
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-asians-of-gir-and-kasianes-reside-in-asian-lions-065014-6024721-NOR.html

જૂનાગઢ સક્કરબાગ ઝૂને સિંહના બદલામાં રીંછ મળ્યા

DivyaBhaskar News Network

Nov 27, 2019, 06:50 AM IST
જૂનાગઢમાં આવેલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એશિયાઇ સિંહોની સાથે સાથે દિપડા, વાઘ, તૃણભક્ષી, સરીસૃપ સહિતના પ્રાણીઓ જોવા મળે છે. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ઝૂમાંથી દેશના વિવિધ 13 ઝૂને સિંહ આપવામાં આવી રહ્યા છે. તેની સામે અન્ય પ્રાણીઓ સક્કરબાગમાં લાવવામાં આવી રહ્યા છે.

દેશના વિવિધ ઝૂમાંથી સફેદ વાઘ, બાયસન, શિયાળ સહિતના વિવિધ પ્રાણી, પક્ષીઓ સક્કરબાગ ઝૂમાં આવ્યા છે. પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જેને કારણે સક્કરબાગ ઝૂને સારી આવક થઇ રહી છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી એશિયાઇ સિંહ સહિતના પ્રાણી, પક્ષીઓ અન્ય ઝૂને આપવામાં આવી રહ્યા છે અને તેની સામે અન્ય પ્રાણી, પક્ષીઓ લઇ આવવામાં આવી રહ્યા છે. ત્યારે અઠવાડીયા પહેલા જ હિમાચલ પ્રદેશના એક ઝૂમાંથી હિમાલીયન રીંછની જોડી લાવવામાં આવી છે. જેને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. એક મહિના બાદ તેને ડીસપ્લેમાં રખાશે. સક્કરબાગ ઝૂમાંથી સિંહની જોડી હિમાચલ પ્રદેશના ઝૂને આપવામાં આવી છે તેની સામે રીંછની જોડી આપવામાં આવી હોવાનું સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર અભિષેક કુમારે જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-junagadh-sakkarbagh-zoo-finds-a-bear-in-exchange-for-a-lion-065037-6032908-NOR.html

ગિરની બોર્ડર પર આવેલા વિસાવદર તાલુકાના અનેક ગામોમાં છેલ્લા

DivyaBhaskar News Network

Nov 27, 2019, 06:50 AM IST

ગિરની બોર્ડર પર આવેલા વિસાવદર તાલુકાના અનેક ગામોમાં છેલ્લા ઘણા વખતથી દીપડાના માનવી પર હુમલાના અનેક બનાવો બન્યા છે. જેમાં કેટલાકે જીવ પણ ગુમાવ્યા છે. આ પૈકીના ઘણા દીપડા પકડાયા પણ છે. જે પૈકીના એક દીપડાનું આજે સાસણમાં વૃદ્ધાવસ્થાને લીધે મોત થયું છે.આ અંગેની મળતી વિગત મુજબ ગિર પશ્વિમ વનવિભાગ હેઠળની વિસાવદર રેન્જના કુટિયા રાઉન્ડમાંથી એક માનવી પર હુમલો કરનાર દીપડાને પકડી સાસણની લાયન હોસ્પિટલમાં રખાયો હતો. જ્યાં તેનું વૃદ્ધાવસ્થાને લીધે મોત થયું હતું. દીપડાની વય 11 થી 12 વર્ષની હોવાનું સીસીએફ ડી. ટી. વસાવડાએ જણાવ્યું હતું. તેના મૃતદેહનું પીએમ કરાયું હતું. અત્રે નોંધનીય છેકે, વિસાવદર પંથકમાં દીપડાએ માનવી પર હુમલો કરી ફાડી ખાધાના પણ અનેક બનાવો બન્યા છે. જેને પગલે વનવિભાગે ઠેકઠેકાણે પાંજરા પણ મૂક્યા છે. જેમાં ઘણા દીપડા પકડાયા પણ છે. માનવની હત્યા કરનાર દીપડાને ફરી ક્યારેય છોડાતો નથી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-the-last-of-several-villages-in-viswadar-taluka-on-the-border-of-gir-065041-6032950-NOR.html