Wednesday, December 12, 2007

ગીરના સિંહોની હત્યાનો શકમંદ શબ્બીર ઝડપાયો

Sarfaraz Shekh, Ahmedabad
Sunday, December 09, 2007 00:48 [IST]

ગાંધીનગર એફ એસ સેલની ચાર સભ્યોની ટીમ અલ્ાાહાબાદ પહોંચી

ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સના એસ એસ પી અમિતાભ યશની ટીમે અલાહાબાદ ખાતેની કુખ્યાત શબ્બીરઅલી સહિત તેના ૧૫ સાગરીતોને વાઘના ૮૦ કિલો હાડકાં સાથે પકડી પાડયો છે.

ઉરચસ્તરીય સૂત્રોના જણાવ્યા મુજબ લગભગ છ મહિના પહેલા જૂનાગઢ પાસેના ગીરનાં જંગલોમાંથી ૮ જેટલા સિંહોના મૃતદેહો મળી આવ્યા હોવાથી અને શબ્બીરઅલી પણ તે પ્રકરણ સાથે સંકળાયેલો હોવાની શકયતાને આધારે ગુજરાત પેાલીસના ત્રણ અધિકારીઓ અને ગાંધીનગર ખાતેના એફ એસ એલના એક અધિકારીની ટીમ તાત્કાલિક અલાહાબાદ રવાના કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત પોલીસને શંકા છે કે વાઘની સંખ્યા ઓછી થઈ હોવાથી શિકારીઓ હવે વાઘના બદલે સિંહનો શિકાર કરીને તેના હાડકાં વાઘના કહીને આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિમંતે વેચી રહ્યા છે.

અધિકારીઓનું માનવું છે કે શબ્બીરઅલી પણ અગાઉ ગુજરાત પોલીસની સી આઈ ડી ક્રાઈમના હાથે પકડાઈ ગયેલા મઘ્યપ્રદેશના કુખ્યાત સરકસલાલની ટોળકીના સાગરીત હોઈ શકે છે તથા જે હાડકાં અલ્હાબાદથી મળ્યાં છે તે કદાચ ગીરમાં મારી નંખાયેલા સિંહ પ્રજાતીના હોય શકે છે.

આ અંગે દિવ્ય ભાસ્કરે અલ્હાબાદના ઝોનલ આઈ જી એ કે ડી દ્વિવેદીને પૂછતા તેમણે પુષ્ટિ આપી હતી કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ( એસ ટી એફ) શનિવારે અલ્હાબાદ ખાતેથી વાઘનાં હાડકાં સાથે શબ્બીરઅલી તથા તેના પંદર સાગરીતોને પકડી પાડયા છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતના ગીરના જંગલોમાં પણ સિંહોનો શિકાર કરી તેમના હાડકાં અને નખ વેચવાના આંતરરાષ્ટ્રીય પ્રકરણના પર્દાફાશ બાદ ગુજરાત પોલીસ તથા એફ એસ એલની એક ટીમ શનિવારે સાંજે અલ્હાબાદ પહોંચી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે ગીરનાં જંગલોમાં ૮ સિંહોના શિકારથી સનસનાટી મચી ગયા બાદ ગુજરાત પોલીસે ટોળકીના મુખ્ય સૂત્રધાર સરકસલાલ સહિત કુલ ૨૮ આરોપીઓની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ હાલમાં જેલમાં જ છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશભરના જંગલોમાં પ્રાણીઓની હત્યા કરી તેમનાં હાડકાં અને ચામડાંનો મોટા પાયે વિદેશોમાં દાણચોરી થતી હોય છે અને અનેક વખત પોલીસે આ સંદર્ભે કુખ્યાતોને ઝડપ્યા છે. જેમાં આ ઓપરેશનને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગીરમાં અગાઉ પણ અનેક સિંહના અને વાઘના શિકાર થયા હોઇ આ ઘટના અનેક ગુનાઓનો ભેદ ઉકેલે એવી આશા છે.

ગાંધીનગર ટીમ બીજાં રાજયોમાં તપાસ કરવા પહોંચી..

સૂત્રોએ જણાવ્યું હતું કે ગાંધીનગર એફ એસ એલ ( ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમે ગીરપ્રકરણમાં નખશીખ તપાસ કરીને આરોપીઓ સામે વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા છે તે જૉતા, શબ્બીરઅલીની ધરપકડ બાદ ગાંધીનગર એફ એસ એલના અધિકારીને તપાસ કરવા માટે ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રથમ કિસ્સો છે કે જેમાં પ્રાણીઓનાં હાડકાંની તપાસ કરવા માટે એફ એસ એલની ટીમ બીજા રાજયમાં મોકલવામાં આવી છે.

કેવી રીતે એફ એસ એલે પુરાવા એકત્ર કર્યા

ઉરચસ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસે ગીર પ્રકરણમાં સરકસલાલ સહિતના આરોપીઓની ધરપકડ કર્યા બાદ એફ એસ એલના અધિકારીઓ પાસે વૈજ્ઞાનિકઢબે તેમનું હેન્ડવોશ કરાવ્યું હતું. જેમાં આરોપીઓના નખની અંદરના ભાગે રહેલા કચરાના નમૂના લેવામાં આવ્યા હતા.

હેન્ડવોશના પ્રથમ રિપોર્ટમાં તેમના નખમાંથી માનવના ન હોય તેવા રકતના કણો મળી આવ્યા હતા. પોલીસે તે અંગે વધારે સ્પષ્ટતા કરવાનું કહેતા બીજા રિપોર્ટમાં તે રકત બિલાડીની પ્રજાતિનું હોવાનું બહાર આવ્યું હતું. ત્રીજા અને અંતિમ રિપોર્ટમાં તે રકત સિંહનું હોવાનું પ્રકાશમાં આવતા પોલીસને આરોપીઓને ઘટનાસ્થળ અને સિંહના શિકાર સાથે સાંકળી શકાય તેવા મજબૂત પુરાવા મળી ગયા હતા.

વિખ્યાત ધારાશાસ્ત્રીઓની નિમણૂક કરાઈ

સૂત્રોએ જણાવ્યું હતું કે શિકારી ટોળકીના તાર આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંકળાયેલા હોવાથી તેઓ અદાલતમાં કેસ લડવા માટે મોટા ધારાશાસ્ત્રીઓને રોકે છે. પોલીસે પણ સરકારની ખાસ મંજૂરી સાથે તેમને કાયદાકીય જંગમાં પહોંચી વળવા માટે ગુજરાતના વિખ્યાત ધારાશાસ્ત્રીઓની નિમણૂક કરી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત પોલીસે સ્પેશિયલ પબ્લિક પ્રોસયુકુટર તરીકે સુધીર મિશ્રા, હાઈકોર્ટમાં સરકાર વતી પેરવી કરવા માટે પિતાંબર અભિચંદાની અને ભાવનગર ખાતેની કોર્ટમાં કેસ લડવા માટે પ્રફુલ્લ કોટિયાની નિમણૂક કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ધારાશાસ્ત્રીઓ તેમની સામાન્ય ફી કરતાં પણ ઓછી ફી લઈને સરકાર વતી આ કેસ લડી રહ્યા છે.

Source: http://www.divyabhaskar.co.in/2007/12/09/0712090050_accused_arrested.html

No comments: