Saturday, December 15, 2007

સુલતાનપુરમાં એ રાની પ્રાણી દીપડો નહીં પણ ઝરખ હોવાનું વનખાતાનું અનુમાન

ગોંડલ તા.૧૩
સુલતાનપુરમાં દીપડાએ રંઝાડ શરૂ કરી છે અને ખેતરે જતા ખેડૂત ઉપર હૂમલો કરે છે એવા અહેવાલો પછી વનખાતાના અધિકારી વી.કે .માદળિયા અને વન્યપ્રેમીએ સુલતાનપુર જઈ આ રાની પ્રાણીનાં પગલાનો અભ્યાસ કરતા આ પ્રાણી દીપડો નહીં પણ જંગલી માદા ઝરખ હોવાની સ્પષ્ટતા કરી છે.જો કે આ રાની પ્રાણી સાથે બચ્ચું હોવાના કારણે તેના રક્ષણ માટે આક્રમક હોવાથી ગમે તેના પર હુમલો કરી બેસે એવી શકયતા પણ દર્શાવી છે. સુલતાનપુરના ખેડૂત ધીરૂભાઈ બોઘાણી ઉપર દીપડાએ હુમલો કર્યાના બનાવ પછી ફોરેસ્ટર અને વન્ય પ્રેમી હિતેશ દવેએ ઈજાના નિશાન અને નહોરનો તથા ફૂટ પ્રિન્ટનો અભ્યાસ કરતાં આ રાની પ્રાણી દીપડો નહીં પરંતુ જંગલી ઝરખ હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. આમ છતાં અહીં ઉલ્લેખનીય છે કે ગોંડલ પંથકમાં અવારનવાર દીપડો ચડી આવે જ છે આ અગાઉ સુલતાનપુર દેવચડી અને ગોંડલની સીમમાં દીપડાએ ધામા નાખી ખેતીવાડી ઉપર કર્ફયુ લાદી દીધો હતો.

અને તેને પાંજરે પૂરવાની ફરજ પડી હતી. આ વખતે ચડી આવેલ પ્રાણી દીપડો છે કે ઝરખ એ વાતમાં જે તથ્ય હોય તે આ જંગલી પ્રાણીને તાકિદે પાંજરે પુરીને ખેડૂતોને ભયમુક્ત બનાવવા જરૂરી છે.

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=41661&Keywords=Rajkot%20district%20gujarati%20news

No comments: