Saturday, December 15, 2007

ગીરમાંથી નાનાં વન્ય પશુ - પક્ષીઓના શિકારનું રેકેટ ઝડપાયું

જૂનાગઢ,તા.૧૪

એશિયાઈ સાવજોના હત્યાકાંડથી રાજયભરમાં ખળભળાટ મચી ગયા બાદ સતર્ક બની ગયેલા વન વિભાગે ગીર જંગલમાંથી નાના વન્ય પશુ - પક્ષીઓના શિકારનું રેકેટ ઝડપી લીધુ છે. આ રેકેટમાં ઝડપાયેલ દેવીપૂજક ટોળકી પાસેથી મોર, તેતર, ચિતલ, શાહુડી, જંગલી ભુંડ વગેરેના અવશેષો તથા નેટ, ફાંસલા, ગીલોલ, છરી - છરા, કરવત, વાયર જેવા હથિયારો મળી આવતા ચોંકી ઉઠેલા વન તંત્રીએ તમામ સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી આગળની વિશેષ તપાસ પણ હાથ ધરી છે. શંકાસ્પદ હાલતમાં જઈ રહેલી એક સ્ત્રીને માત્ર એક ફોરેસ્ટ ગાર્ડે કડક પૂછપરછ કરતાં આખા રેકેટનો પર્દાફાશ થવા પામ્યો છે. બીજી તરફ આ દેવીપૂજક ટોળકીની જેમ ગીર પંથકમાં વસવાટ કરતા અન્ય દેવીપૂજકો પણ આવી પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે કેમ તે દિશામાં વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ અંગે મળતી સીલસીલાબંધ વિગતો અનુસાર આંકોલવાડી ગામના વિજ સબ સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલ રાણી બચુ દેવીપુજક નામની મહિલાની શંકાસ્પદ હિલચાલ અંગે ફોરેસ્ટ ગાર્ડ પી.જી.અપારનાથીને શંકા જતાં તેણે પૂછપરછ કરી તલાશી લેતાં મહિલા પાસેથી વન્ય પ્રાણીઓનું માંસ મળી આવતાં ગાર્ડે તકાલિક ઉચ્ચ અધિકારીઓને આ અંગેની જાણ કરી હતી.

ગીર પશ્ચિમ વન વિભાગના ડી.સી.એફ. બી.પી.પત્તીની સૂચનાથી વન વિભાગના શશીકુમાર તથા ફોરેસ્ટરો એચ.આર.ભટ્ટ, એલ.વી.રાતડીયા અને આર.બી.બાંભણીયા તથા વન સ્ટાફે આ મહિલાના નિવાસસ્થાને દરોડો પાડતાં મોરના અવશેષો ઉપરાંત તેતર, શાહુડી, ચિતલ, જંગલી ભુંડ વગેરેના પણ અવશેષો મળી આવ્યા હતા. સાથે સાથે શિકારના ઉપયોગમાં લેવાતા નેટ, ફાંસલા, ગીલોલ, છરી - છરા, કરવત, કોયતો, વાયર વગેરે પણ મળી આવતાં વન સ્ટાફ ચોંકી ઉઠયો હતો. અને વિનુ બચુ દેવીપૂજક તથા બચુ ચના દેવીપુજકની પણ આ મહિલા સાથે ધરપકડ કરી હતી.

આ તમામની વન વિભાગે આકરી પૂછપરછ કરતાં આંકોલવાડી ગામની સીમમાં જેરામ વાલજી અકબરીના ગામની સીમમાં જેરામ વાલજી અકબરીના ખેતરમાં વિજ કરંટથી ચિતલના શિકારની ઘટના બહાર આવતાં વન વિભાગે તપાસ કરી ઘટના સ્થળેથી એક ચિતલનો મૃતદેહ તથા ઈલે.વિજ વાયરની વાડનો તાર કબ્જે કરી વાડી માલિકની ધરપકડ કરી હતી. આ ખેતરમાંથી જંગલમાંથી ગેરકાયદેસર રીતે કપાયેલા ૧ ટ્રેકટર જેટલા સાગના લાકડા પણ મળી આવ્યા હતા. જો કે આ તમામ કાર્યવાહી દરમ્યાન વિનોદ મનજી દેવીપૂજક નામનો શખ્સ ફરાર થઈ જવા પામ્યો છે.

ગીર જંગલમાં નાના મોટા વન્ય પશુ - પક્ષીઓના શિકારના આ રેકેટમાં સંડોવાયેલ તમામ આરોપીઓ સામે ડી.સી.એફ. બી.પી.પત્તીની સૂચનાથી વન વિભાગે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં ફોરેસ્ટ ગાર્ડ જે.ડી.સુમરા, ડી.એલ.રાવલીયા, બી.પી.મહેતા, હમીરભાઈ ઝંઝુવાડીયા સહીતનો સ્ટાફ પણ જોડાયો હતો.

વન વિભાગે આ એક ઘટના ઝડપી લીધા બાદ ગીર પંથકમાં વસવાટ કરતા અન્ય દેવીપૂજક પરિવારો પણ આવી ઘટનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=41685&Keywords=Sorath%20gujarati%20news

No comments: