Monday, December 17, 2012

ઠંડી શરૂ થતાં વિદેશી પક્ષીઓનું પાટડીના રણમાં આગમન.


Bhaskar News, Patdi | Dec 16, 2012, 22:56PM IST
-  તળાવ કિનારે શિયાળો ગાળવા આવેલા ગ્રેટર અને લેસર ફ્લેમીંગો

પાટડીના ઐતિહાસિક ગઢના ફરતે આવેલા વિશાળ તળાવના કિનારે શિયાળો ગાળવા આવેલા સફેદ અને ગુલાબી રંગના વિદેશી નયનરમ્ય ગ્રેટર અને લેસર ફલેમીંગોએ રણ વિસ્તારની મુલાકાતે આવ્યા છે. આ પક્ષીઓએ વિદેશી પર્યટકોમાં પણ અનેરૂ આકર્ષણ ઉભુ કર્યું છે. આ નયનરમ્ય પક્ષીઓની હિલાચલને નિહાળી  પક્ષીપ્રેમીઓ સવિસ્તાર અભ્યાસ કરી રહ્યાં છે.

પાટડીના તળાવ કિનારાની ફરતે આવેલા વૃક્ષો પરના સુરક્ષિત સ્થળે દર વર્ષ કરતા ચાલુ વર્ષે સફેદ અને ગુલાબી રંગના નયનરમ્ય ગ્રેટર અને લેસર પક્ષીઓએ પક્ષીપ્રેમીઓમાં અને અસંખ્ય વિદેશી પર્યટકોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું છે. આથી હાલ  રણ વિસ્તારની મુલાકાતની સાથે સાથે અધ્યતન કેમેરાઓ સહિતના સાધનો વડે આ નયનરમ્ય પક્ષીઓની હિલચાલને નિહાળવા પાટડી તળાવ કિનારે ધામા નાંખીને બેઠા છે. આ નયનરમ્ય વિદેશી પક્ષીઓ પાટડી તળાવના કિનારાની ફરતે આવેલા વૃક્ષો પર ઇંડાઓ મૂકી એમનું જીવની જેમ જતન કરી એનું સંવનન કરવાથી પેદા થયેલા નાના નાના બચ્ચાઓને ફિડીંગ કરાવે છે.

આ અંગે પાટડીના પ્રખર પક્ષીપ્રેમી બિપિનભાઈ દેસાઇએ જણાવ્યું કે, દર વર્ષે હજારો કિલોમીટર દૂર સાઉદી અરેબિયાથી આ ગ્રેટર અને લેસર પક્ષીઓ માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા કચ્છના નાના રણમાં અને નળસરોવરમાં મહાલવા અચૂક આવે છે.ત્યારે પાટડી ઉપરથી આ સ્થળાંતરિત થતા પક્ષીઓનો રૂટ પસાર થાય છે. આ સ્થળાંતરિત થતા વિદેશીપક્ષીઓ ખોરાક અને આરામની શોધમાં પાટડીના તળાવ કિનારે રોકાઇ જાય છે. અને ચાલુ વર્ષે તળાવ છલોછલ છલકાવાની સાથે પરિસ્થિતિ સાનુકૂળ રહેતા આ નયનરમ્ય પક્ષીઓ વિશાળ કાફલા સાથે પાટડીમાં ડેરા નાંખ્યા છે.

No comments: